વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 17, 2015

( 719 ) મોદી સરકારના એક વર્ષના વહીવટનાં લેખાં જોખાં

આજથી બરાબર એક વર્ષ પહેલાં એટલે કે તારીખ ૧૬મી મે ૨૦૧૪ ના દિવસે ભારતની લોકસભાની ચુંટણીનો કટોકટીનો જંગ ખેલાયા પછી નરેન્દ્ર મોદીની આગેવાની નીચે “અબકી બાર મોદી સરકાર” અને “સબકા સાથ સબકા વિકાસ” ના નારા સાથે ભાજપ-એન.ડી.એની સંપૂર્ણ બહુમતી સાથેના ભવ્ય વિજયથી આખાએ દેશમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું.દેશનાં ઘણાં રાજ્યો ભાજપના ભગવા રંગમાં રંગાઈ ગયાં હતાં .

Modi- 1st  anniversary  

ત્યારબાદ ,તારીખ ૨૬મી મે ૨૦૧૪ના દિવસે રાષ્ટ્રપતી ભવનના પ્રાંગણમાં દેશ વિદેશથી આમંત્રિત મહેમાનોની વિશાળ સંખ્યા સામે ભૂતપૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના ૧૫મા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા અને એ દિવસથી જ શ્રી મોદી અને એમના મંત્રી મંડળના સાથીઓએ દેશના વહીવટની બાગડોર સંભાળી હતી.

એ વખતે “અચ્છે દિન આને વાલે હૈ” ની આશાઓ અને આકાંક્ષાઓ દેશની આમ જનતામાં હતી .દેશની જનતાએ જૂની કોંગ્રેસ અને સાથી પક્ષોની યુતિ સરકારના સ્થગિત, અકાર્યક્ષ્મ અને ભ્રષ્ટાચારી વહીવટના કારણે એમને મોટી હાર આપી હતી અને ગુજરાતની માફક મોદીના નેતૃત્વ નીચે નવી સરકાર જરા હટકે કામગીરી કરશે એવી લોકો આશાઓ રાખે એ સ્વાભાવિક છે.

આજે એક વર્ષ પછી અચ્છે દિન બાબત વિરોધ પક્ષો અને મોદી વિરોધી બળો ભલે વિવાદ કરતા હોય કે ઠેકડી ઉડાડતા હોય પણ ઘણા અર્થ શાસ્ત્રીઓનો એ સ્પષ્ટ મત છે કે સરકારે અપનાવેલી વિકાસની નીતિઓથી દેશના વિકાસ માટેનો સુદ્રઢ પાયો આ એક વર્ષની મોદી સરકારની કામગીરીમાં નંખાયો છે એની ના કહી શકાય એમ નથી .

એક વર્ષની કામગીરી વિષે આંતર રાષ્ટ્રીય સંસ્થાઓએ સારો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. વિશ્વમાં ભારતની વિશ્વશનિયતા બાબતની પહેલાં જે છાપ હતી એમાં ઘણો સુધારો થયો છે એને લીધે એક વર્ષમાં વિશ્વના દેશોનું ભારતમાં મૂડી રોકાણ સ્પષ્ટ રીતે વધી રહ્યું છે. મોદી સરકારની “મેઇક ઇન ઇન્ડિયા ” ની ઉત્પાદન નીતિની કદર થઇ રહી છે.

દેશની ગરીબ આમ જનતા માટેની યોજનાઓનું અમલીકરણ શરુ થઇ ગયું છે.ચાલીસ દિવસના ગુપ્ત વાસ પછી એકાએક દેખાઈને રાહુલ ગાંધીની આગેવાની નીચે વિરોધ પક્ષો મોદી સરકારની વિકાસ યાત્રામાં બને એટલો અટકાવ કરવાનો પ્રયત્ન કરી બુમ બરાડાની નીતિ અપનાવી રહ્યા છે. પરંતુ એમની કોઈ કારણ શોધી મોદી સરકારનો વિરોધ કરી દેશના હિતોમાં અવરોધરૂપ બનવાની નીતિ એમના માટે બુમરેંગ બને તો એની નવાઈ નહિ.

ભૂતપૂર્વ પ્લાનીગ કમિશનના એક સભ્ય અને રાજ્ય સભાના સભ્ય રહી ચૂકેલ શ્રી NK Singh એ મોદી સરકારના વહીવટના એક વર્ષનાં લેખાં જોખાં કરતો એક સરસ લેખ ndtv ની વેબ સાઈટ ઉપર લખ્યો છે એ વાંચવા જેવો છે . નીચેની લીંક ઉપર એ લેખ વાચો.

In Year One,Modi Has Repositioned India-N.K.Singh 

વિદેશ નીતિ 

એક વર્ષમાં શ્રી નરેન્દ્ર મોદીએ ૧૬ કરતાં એ વધુ દેશોની મુલાકાત લઇ ૫૦ કરતાં એ વધુ આંતર રાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા નેતાઓ સાથે દેશનાં હિતોની બાબતો અંગે રૂબરૂ વાતચીત કરી , વિકાસ યોજનાઓ માટે કરાર કરી ,સારા સંબંધો સ્થાપી આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે દેશની ગરિમામાં વૃદ્ધિ કરી છે.

આ લખાય છે ત્યારે શ્રી મોદી ત્રણ દિવસ માટે ચીન ,મોંગોલિયા વી. દેશોની યાત્રા ઉપર છે . ચીનમાં એની પ્રજા અને ચીનના પ્રમુખ અને વડા પ્રધાને મોદીનું ભાવભીનું સ્વાગત કર્યું છે અને દેશ હિત માટેના ૧૬ કરાર ઉપર સહી સિક્કા કર્યા છે.

તારીખ ૧૬મી મે ૨૦૧૫ ના રોજ એટલે કે ભાજપના ભવ્ય વિજયની પ્રથમ સંવત્સરીના દિવસે ચીનની ધરતી ઉપરથી ચીનમાં વસતા ભારતીયોની વિશાળ જન સંખ્યા સામે શ્રી મોદીએ બહુ જ જુસ્સાદાર પ્રવચન આપ્યું હતું એ સાંભળવા જેવું છે.નીચેના વિડીયોમાં મોદીને સાંભળ્યા પછી તમને લાગશે કે દેશના બીજા થઇ ગયેલા વડા પ્રધાનો અને મોદીમાં કેટલો ફરક છે !

વિદેશમાં વસતા ભારતીય ડાયાસ્પોરામાં મોદીનો જાદુ હજુ ય બરકરાર છે એ આ વિડીયોમાં જોઈ શકાય છે.  

PM Modi’s speech at the Indian Community Reception

in Shanghai

આ ઐતિહાસિક પ્રવચનનો હિન્દીમાં સંપૂર્ણ પાઠ આ લીંક ઉપર વાંચી શકાશે

http://www.narendramodi.in/text-of-pm-s-address-at-the-indian-community-reception-in-shanghai