વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 20, 2015

( 721 ) ચીની બૌદ્ધ તીર્થયાત્રી હ્યુ-એન-સાંગ

હમણાં થોડા દિવસો પહેલાં જ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ચીનની યાત્રા કરી આવ્યા .

ચીનની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના હોમટાઉન શિયાનની મુલાકાત પ્રથમ લીધી હતી .જેમ જીનપિંગ ભારત આવ્યા ત્યારે પ્રથમ મુલાકાત અમદાવાદની લીધી હતી અને મોદીએ એમનું ભવ્ય સ્વાગત કર્યું હતું એમ જિનપિંગએ પણ ચીની પ્રોટોકોલ એક બાજુ રાખી શિયાનમાં જાતે હાજર રહી મોદીનું સ્વાગત કર્યું હતું.

શિયાન શહેરમાં શ્રી મોદીના માનમાં યોજાએલ સાંસ્કૃતિક કાર્યક્રમનો વિડીયો આ રહ્યો .

શિયાન ખાતે જ ડાજિંગશાન બૌદ્ધ મંદિર આવેલું છે.આ બૌદ્ધ મંદિરનો પણ હ્યુ-એન-સાંગ સાથે ગાઢ સંબંધ છે. હ્યુ-એન-સાંગે ભારતની તીર્થયાત્રાએથી પાછા ફરીને આ મંદિરમાં ઘણાં મહત્વના ભાષાંતરો કર્યા હતા અને ચીનને ભારતની સમૃદ્ધિ અને બૌદ્ધ પરંપરાઓથી એમને એમના લખાણોથી અવગત કર્યુ હતું.

શ્રી મોદીએ આ બૌદ્ધ મંદીરની મુલાકાત લીધી હતી એ  પ્રસંગનો વિડીયો આ રહ્યો.

Xuanzang (Hieun Tsang)
Xuanzang (Hieun Tsang)

સાતમી સદીમાં કન્નૌજના રાજા હર્ષવર્ધનની ઉત્તર ભારતમાં આણ વર્તાતી હતી. તે વખતે વિશ્વની બે પ્રાચીન સભ્યતાઓ ભારત અને ચીન વચ્ચે બૌદ્ધ પરંપરાઓ અને ધર્મ એકસૂત્રતાનું કારણ બન્યા હતા. ચીનથી તીર્થયાત્રીઓ ભારતને પુણ્યભૂમિ માનીને યાત્રાએ આવતા હતા.

હર્ષવર્ધનના કાર્યકાળમાં ચીનથી બૌદ્ધ તીર્થયાત્રી હ્યુ-એન-સાંગ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ભારતમાં પાટલિપુત્રથી માંડીને સૌરાષ્ટ્ર-ગુજરાત સુધીના ક્ષેત્રોની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ સ્થળના પૈતૃક ગામ વડનગર પ્રાચીનકાળમાં અનાર્તપુર તરીકે ઓળખાતું હતું. હ્યુ-એન-સાંગે અનાર્તપુરની બે વખત મુલાકાત લીધી હતી.

ભારત – ચીન સંબંધો

ભારત અને ચીન એ બન્ને દેશો હજારો વર્ષની પ્રાચીન સંસ્કૃતિ ધરાવનારા દેશો છે .ભારત અને ચીન વચ્ચે ભૂતકાળમાં કેવા સુમધુર સંબંધો હતા એના ઉપર પ્રકાશ પાડતાં ,સંદેશ -રેડ રોઝ કોલમમાં પ્રગટ એમના એક લેખ “ડ્રેગન સાથે દુશ્મની કે દોસ્તી?” માં શ્રી દેવેન્દ્ર પટેલ આ પ્રમાણે જણાવે છે .

“ચીન હવે અમેરિકાથી ડરવાના બદલે અમેરિકાને ડરાવે છે. તે પરિપ્રેક્ષ્યમાં ભારત અને ચીન વચ્ચે ભૂતકાળમાં કેવા સુમધુર સંબંધો હતા તે પર એક નજર નાખી લેવા જેવી છે.

પ્રાચીન સંસ્કૃતિ

અમેરિકા એ નવો દેશ છે તેની પાસે પ્રાચીન સંસ્કૃતિ નથી, ભારત અને ચીન પાસે હજારો વર્ષ જૂની પ્રાચીન સંસ્કૃતિ છે. અમેરિકા ભારતનો પડોશી દેશ નથી. ચીન ભારતનો પડોશી દેશ છે. ભારતમાંથી ઉદ્ભવેલો બૌદ્ધ ધર્મ સહુથી પહેલાં ચીન પહોંચ્યો હતો. ઈસુના મૃત્યુનાં ૬૫ વર્ષ બાદ બે ભારતીય બૌદ્ધ સાધુઓ કશ્યપ માતંગ અને ધર્મરત્ન ચીન ગયા હતા. તેમણે ચીનની પ્રજાને બૌદ્ધ ધર્મ અને બૌદ્ધ દર્શનથી પરિચિત કરાવ્યા હતા. તેમની સ્મૃતિમાં આજે પણ ચીનના લુયોપાંગ નામના સ્થળે બૌદ્ધ મઠ ઊભો છે. આ મઠ ભારત અને ચીન વચ્ચેના પ્રાચીન સંબંધોના સાક્ષી છે.

બીજી નોંધપાત્ર વાત એ છે કે, એ સમયના કાશ્મીરે ચીનમાં બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસારમાં બહુ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એ જમાનામાં કાશ્મીરના સંગભૂતિ અને ગૌતમ સંઘદેવા નામના બે કાશ્મીરી વિદ્વાનોને ચોથી સદીમાં ચીન મોકલ્યા હતા. તેમણે ચીનમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. એ પછી પાંચમી સદીમાં કુમારજીવ નામના ભારતીય વિદ્વાને ચીન જઈ સેંકડો દુર્લભ ગ્રંથોનો અનુવાદ કર્યો અને ઈ.સ. ૪૧૩માં તેમણે ત્યાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

ચીનના વિદ્વાનો ભારત આવ્યા

સમય જતાં ચીનથી પણ અનેક વિદ્યાર્થીઓ ભારત આવ્યા. હ્યુ એન સાંગ અને ફાહિયાન જેવા બે ચીની ઇતિહાસકારો પણ ભારતની મુલાકાતે આવ્યા.એ જમાનામાં ભારતમાં નાલંદા વિશ્વવિદ્યાલયનું અસ્તિત્વ હતું. ચીનના વિદ્યાર્થીઓ અહીં આવતા. સમ્રાટ હર્ષવર્ધનના સમયગાળામાં ભારત ચીન વચ્ચે આવું સાંસ્કૃતિક આદાનપ્રદાન થતું રહ્યું.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર પણ ૧૯૨૪માં ચીનની યાત્રાએ ગયા અને ચીનથી પાછા આવ્યા બાદ શાંતિનિકેતનમાં ’ચીન ભવન’નો પાયો નાખ્યો. ચીન પર આધારિત ‘કોટનીસ કી અમર કહાની’ જેવી ફિલ્મો પણ ભારતમાં જ બની. જાપાને ચીન પર આક્રમણ કર્યું તે વખતે ભારતે જાપાન સાથે અસંમતિ દર્શાવી અને ચીનનું સમર્થન કર્યું હતું. એ વખતે ચીનના લશ્કરી કમાન્ડર ચિયાંગ કાઈ શેક ભારત આવ્યા હતા અને પંચશીલની વાતો કરી હતી. એ જ દર્શાવે છે કે કેટલાક કૂટનીતિજ્ઞાના પૂર્વગ્રહ અને કેટલાકની રાજનીતિના કારણે ૧૯૬૨માં જે યુદ્ધ થયું તે શત્રુતાને શાશ્વત સમજવાની જરૂર નથી. એના બદલે ભારત-ચીન વચ્ચેના સંબંધોને પારંપરિક સંબંધોની દૃષ્ટિએ એક લાંબા ગાળાની વ્યૂહરચનાના ભાગરૂપે નવી દિલ્હીથી વિકસાવવા જોઈએ.”

હ્યુ-એન સાંગ વિષે સ્વામી શ્રી સચ્ચિદાનંદજી

હ્યુસ્ટન નિવાસી મિત્ર શ્રી ભીખુભાઈ મિસ્ત્રીએ એમના ઈ-મેલમાં હ્યુ-એન સાંગ… વિષે સ્વામી શ્રી સચ્ચીદાનંદજીના બ્લોગ ઉપર સ્વામીજીએ લખેલ લેખની લીંક મોકલી છે .એમના આભાર સાથે એ લેખ નીચે પ્રસ્તુત છે.

ભૂતકાળમાં ચીન થી ભારત આવેલા હ્યુ-એન સાંગ વિષે સ્વામીજી એમના   પુસ્તક ‘સાચા  મહાપુરુષો’ માં  લખે છે ..

સૌંદર્ય પણ ત્રણ પ્રકારનું હોય છે. સાત્ત્વિક સૌંદર્ય દર્શનીય હોય છે. દર્શન કરીને પવિત્રતા અનુભવાય તે સાત્ત્વિક સૌંદર્ય કહેવાય. કેટલાંક સૌંદર્યો હોય તો જબરાં પણ રાજસિક હોય. મારકણી આંખો જેના તરફ જુએ તે ઠરે નહીં, મરી જાય. આવું જ એક તામસિક સૌંદર્ય પણ હોય છે. જે જોનારને ભય ઉપજાવે.

અધ્યયન ઘણા કરી શકે પણ અધ્યાપન બધા ન કરાવી શકે. વિદ્વાન હોય તો પણ શૈલી ન હોય તો સફળ અધ્યાપક ન થઈ શકાય. શૈલી કુદરતી બક્ષિસ હોય છે. કઠિનમાં કઠિન વિષયને પણ સરળતાથી સમજાવી શકાય છે. શૈલી ન હોય અને માત્ર પાંડિત્ય જ હોય તો વિદ્યાર્થીઓ બોર થઈ જાય. કશું સમજાય નહીં.

ભાવના અને પ્રેમ તાલાવેલી જગાડે. તાલાવેલીથી કઠિન કામ પણ થવા લાગે. ભાવના વિનાના માણસને તાલાવેલી ન હોય. કદાચ હોય તો વાસનાની હોય. વાસના ઢાળ તરફ નીચે દોડાવે. ભાવના ઉપર શિખર તરફ ચઢાવે, બંનેમાં આ મહત્ત્વનો ફરક કહેવાય.

સગવડોમાં જીવેલો જીવ અગવડો વેઠી શકતો નથી. પણ જો વૈરાગ્ય અને ઉત્સાહ હોય તો ગમેતેવી અગવડો પણ તે સહન કરી શકે છે.

આ સમયમાં બૌદ્ધધર્મના બે મુખ્ય ફાંટા મહાયાન અને હીનયાનમાં પણ વિખવાદ શરૂ થયો હતો. સંપ્રદાયો શાશ્વત નથી હોતા. ધર્મ જ શાશ્વત હોય છે. સંપ્રદાયોનો ઉદય અને અસ્ત થતો રહે છે. તેથી ઉદયકાળમાં અને અસ્તકાળમાં પરસ્પરમાં પણ સચ્ચાઈ સાબિત કરવા સંઘર્ષ થતા રહેતા હોય છે. હર્ષે બૌદ્ધધર્મના બંને સંપ્રદાયોનું સંમેલન બોલાવ્યું. તેની અધ્યક્ષતા હ્યુને આપી. ઘણા દિવસો સુધી ચર્ચા ચાલી. ભારતીય ધર્મોમાં ઊજળી બાજુ એ રહેતી આવી છે કે અહીં ચર્ચા-શાસ્ત્રાર્થ થતો હોય છે. જે ધર્મોમાં આવી ઊજળી બાજુ નથી હોતી તે શાસ્ત્રાર્થ નહીં શસ્ત્રાર્થ કરી બેસતા હોય છે. તેથી ઝનૂની બર્બર થઈ જતા હોય છે.

ધર્મચર્ચા અથવા સિદ્ધાંતચર્ચા જરૂરી છે તેથી પ્રજાના બૌદ્ધિક પક્ષને ઉત્તેજન મળે છે પણ તે સાર્થક હોવી જોઈએ.

આ આખો લેખ નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચી શકાશે.

હ્યુ-એન સાંગ…. સ્વામી સચ્ચિદાનંદજી 

વિકિપીડિયાની નીચેની લીંક ઉપર ક્લિક કરીને હ્યુ એન સાંગ વિષે અંગ્રેજીમાં વધુ માહિતી વાંચી શકાશે.

Xuanzang..(Hieun Tsang)