વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 22, 2015

( 722 ) હ્રદયમાં ઉતરી જાય એવી કવિતાઓ….. શ્રી પી.કે.દાવડા

મારા સહૃદયી મિત્ર શ્રી પી.કે.દાવડા એમની નિવૃતિનો સદુપયોગ કરી મનને ગમી જાય એવી સાહિત્ય સામગ્રી શોધીને એમના ઈ-મેલમાં મિત્રોના આસ્વાદ માટે નિયમિત રૂપે મોકલતા રહે છે.

આજની ઈ-મેલમાં એમણે હ્રદયમાં ઉતરી જાય એવી જાણીતા કવીઓ સ્વ.કરસનદાસ માણેક અને સ્વ.કૃષ્ણલાલ શ્રીધરાણી ની  બે કવિતાઓ મોકલી છે એ આજની પોસ્ટમાં એમના આભાર સાથે પ્રસ્તુત છે.

આ બે કવિતાઓ પછી આવા જ વિષયની મને ગમતી બે કવિતાઓ મેં ઉમેરીને મૂકી છે એ પણ તમને ગમે એવી છે .

વિનોદ પટેલ 

હ્રદયમાં ઉતરી જાય એવી કવિતાઓ

આપણા દેવસ્થાનો પાસે અઢળક સંપત્તિ છે, જ્યારે દેવે સર્જેલા માનવોને જીવતા રહેવા અન્ન પણ પ્રાપ્ત થતું નથી, આ હકીકતથી દુખી થઈ, આ બન્ને કવિયોએ પોતાના હૈયાની વેદના શબ્દોમાં ઠાલવી છે. 

જય જગન્નાથ, જય જગન્નાથ

ડુંગર ટોચે  દેવ બિરાજે, ખીણમાં ખદબદ  માનવકીટ

પરસેવે લદબદ ભગતો ને પ્રભુમસ્તક ઝગમગ કિરીટ

જય જગન્નાથ, જય જગન્નાથ

અવિનાશીને અન્નકોટના આવે  નિત અમૃત ઓડકાર

ખીણમાં કણકણ  કાજે મરતાં માનવજન્તુ રોજ હજાર

જય જગન્નાથ, જય જગન્નાથ

પ્રભુને નિત જરકશીના જામા પલક પલક પલટાયે ચીર

ખીણના ખેડું  આબરૂઢાંકણ  આયુભર પામે  એક લીર

જય જગન્નાથ, જય જગન્નાથ

ખીણના  ખાતર ખેડુ  પૂરશે  ધરતીમાં  ધરબી કૃશ કાય

ડુંગર દેવા  જમી  પોઢશે  ઘુમ્મટની  ઘેરી  શીળી  છાંય

જય જગન્નાથ, જય જગન્નાથ

કીડીને   કણ   હાથીને   હારો  સૌને  સૌનું  જાય  મળી

જગન્નાથ  સૌને   દેનારો   અર્ધવાણી   તો  આજ ફળી

જય જગન્નાથ, જય જગન્નાથ

જગન્નાથનો જય  પોકારો  કીડીને કણ પણ મળી રહેશે

ડુંગરનો  હાથી  તો  હારો  દ્યો  નવ  દ્યો  પણ લઈ લેશે

જય જગન્નાથ, જય જગન્નાથ

કરસનદાસ માણેક 

 

પૂજારી પાછો જા

ઘંટના નાદે  કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય

ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય

નૈવેદ્ય તારું , પૂજારી પાછો જા

મંદિરના ભવ્ય મહાલયો, બંધન થાય મને

રે, પૂજારી તોડ દીવાલો, પાષાણ કેમ ગમે

પ્રેમ નું ચિન્હ , પૂજારી પાછો જા

એરણ સાથે અફાળે હથોડા, ઘંટ તણો ઘડનાર

દિન કે રાત  નીંદર લેતો, નૈવેદ્ય  તું ધરનાર

ખરી તો એની પૂજા, પૂજારી તું પાછો જા

દ્વાર સાંકડા કોણ પ્રવેશે, બહાર ખડી જનતા

સ્વાર્થ  તણું  મંદિર  બાંધ્યું, પ્રેમ નહીં, પથરા

તું જો ને જરા, પૂજારી પાછો જા

માળી કરે ફૂલ મહેકતી વાડી, ફૂલને તું અડ કાં

ફૂલને  ધરે  તુંસહવા એણેટાઢ અને તડકા

તે પાપ કે પૂજા, પૂજારી પાછો જા

રે પૂજારી મંદિર કાજે, મજૂર વહે પથરા

લોહીનું પાણી તો થાય એનું ને નામ ખાટે નવરા

અરે તું કાં ના શરમા, પૂજારી પાછો જા

ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ધ્ય ભર્યો નખમાં

ધૂપ  ધર્યો  પરસેવો ઉતારી, ઘંટ  બજે   ઘણમાં

પૂજારી સાચો , પૂજારી પાછો જા

કૃષ્ણલાલ શ્રીધરાણી

— પી.કે. દાવડા 

 

ઉપરની કવિતાઓ જેવી જ આપણા હૃદયને સ્પર્શી જતી મારી પસંદની આ

બે કવિતાઓ પણ તમને જરૂર ગમશે. -વિ.પ.  

 

પ્રભુજીને પડદામાં રાખ મા

પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા.

વાયુ વીંજાશે ને દીવડો હોલાશે એવી
ભીતિ વંટોળિયાની ભાખ મા,
આડે ઊભો તારો દેહ અડીખમ
ભળી જાશે એ તો ખાખમાં
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા.

ઊડી ઊડીને આવ્યાં પંખી હિમાળેથી,
થાક ભરેલો એની પાંખમાં
સાત સમંદર પાર કર્યા તોયે
નથી રે ગુમાન એની આંખમાં
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા.

આંખનાં રતન તારા છોને હોલાય
છોને હીરા લૂંટાય તારા લાખના
હૈયાનો હીરો તારો નહિ રે લૂંટાય કોઇથી
ખોટા હીરાને ખેંચી રાખ મા
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા.

– ઇન્દુલાલ ગાંધી

 

કવિ શ્રી કરશનદાસ માણેકનું એક જાણીતું કાવ્ય

 

“મને એ સમજાતું નથી “

મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે !

ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર,
ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે !

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જાર ના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !

કામધેનું ને મળે ના એક સુકું તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

છે ગરીબો ના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું,
ને શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે !!!

– કરસનદાસ માણેક

 

 અગાઉ  વિનોદ વિહારમાં પ્રગટ શ્રી પી.કે.દાવડાજીના બધા લેખો 

આ લીંક ઉપર ક્લિક કરીને વાંચી શકાશે.