વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 30, 2015

( 726 ) મોદીનો વિદેશ પ્રવાસ…એક કટાક્ષ લેખ….કલ્પના …. નિખિલ મહેતા

હમણાં હમણાં ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસો બધે બહુ ચર્ચામાં છે. એક વર્ષના વહીવટ ગાળામાં તેઓ ૨૦ થી વધુ દેશોનો પ્રવાસ કરી આવ્યા છે.જુલાઈમાં રશિયા અને બીજા દેશોમાં જવાની યોજનાઓ નક્કી થઇ ગઈ છે.બે ચોપડી ભણેલા લાલુ યાદવ જેવા એમના વિરોધીઓ માટે તો ટીકા કરવા માટે આ એક સરસ મુદ્દો મળી ગયો છે.લાલુ મોદીને એક એન.આર.આઈ વડા પ્રધાન છે એવી ટીકા કરે છે .

સોસીયલ મીડિયા અને બીજાં સમાચાર માધ્યમોમાં પણ મોદીના વિદેશ પ્રવાસો વિષે લેખો ,કાર્ટુનો દ્વારા ટીકાઓ અને કટાક્ષ કરતી વિવિધ સામગ્રી જોવા મળે છે.

બે મહિનાના અજ્ઞાત વાસ પછી એકાએક નોળવેલ સુંઘી તરો તાજા થઈ આવેલ  રાહુલ ગાંધી અત્યારે હાલ દેશમાં ફરીને ખેડૂતો પાસેથી જ્ઞાન પ્રાપ્તિ કરી રહ્યા છે. રાહુલ ગાંધી મોદીની “શૂટ –બુટ “ સરકાર અને એમના વિદેશ પવાસો માટે એમની પર મન મુકીને ટીકાઓનો મારો ચલાવી રહ્યા છે. જો કે એમની વાતોમાં થોડું તથ્ય તો છે પણ એના કરતાં તો  “ તું ફાવી ગયો અને હું રહી ગયો “ ની ઊંડી દ્વેષ ભાવના વધુ હશે એમ મને લાગે છે.આમે ય રાહુલ બાબાને મોદી સમોવડા થવા માટે તો હજુ  દિલ્હી ઘણી દુર છે ! 

મુંબઈ સમાચારમાં મોદીના વિદેશ પ્રવાસ વિષે શ્રી નીખીલ મહેતાનો એક સરસ કાલ્પનિક કટાક્ષ લેખ ,”મારો અગ્રતાક્રમ વિદેશ પ્રવાસ કરવાનો છે,(પ્રવાસી પીએમની સિક્રેટ ડાયરી)” એ નામે પ્રકાશિત થયો છે એ મારા વાંચવામાં આવ્યો .આજની પોસ્ટમાં લેખક અને મુંબઈ સમાચારના આભાર સાથે વી.વી. ના વાચકો માટે પ્રસ્તુત છે. 

આ લેખમાં” પ્રવાસી પીએમની સિક્રેટ ડાયરી ” ની શરૂઆત આ રીતે થાય છે .

હમણા જ ચીનનો પ્રવાસ પૂરો કર્યો અને એક પ્રવાસી તરીકેના ઊંડા સંતોષની અનુભૂતિ કરી. છેલ્લા કેટલાક સમયથી હું જોઇ રહ્યો છું કે હું જ્યારે પણ વિદેશ યાત્રાએ જાઉં ત્યારે ઘર આંગણે મારી ટીકા થવા લાગે છે. શા માટે ભાઇ? શું હું કોઇ સામાન્ય માણસ છું? દેશના વડા પ્રધાન વિદેશ પ્રવાસે ન જાય તો કોણ જાય, વિદેશ પ્રધાન? અને વિદેશ પ્રધાન પણ વિદેશ જવાને લાયક તો હોવા જોઇએ ને? 

સુષ્મા સ્વરાજને મેં વિદેશ ખાતું આપ્યું ત્યારે એમની સાથે ચોખ્ખી વાત થઇ ગઇ હતી કે તમારે અને વી. કે. સિંહે બન્ને મળીને વિદેશ ખાતાંને લગતી જવાબદારીઓ નિભાવવાની છે. એ માટે જો તમારે વિદેશ જવું પડે તો જવાનું, પણ કોઇ રાષ્ટ્રની સરભરા માણવાની હોય તો એ કામ હું પોતે જ કરીશ.

ખરેખર તો હું વડા પ્રધાન બન્યો ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે આ પાંચ વર્ષમાં હું એટલા વિદેશ પ્રવાસો કરીશ કે ભવિષ્યમાં કોઇ વડા પ્રધાન મારો રેકોર્ડ ન તોડી શકે. જોકે છેલ્લા એક વર્ષમાં મેં ધાર્યું હતું એટલા વિદેશ પ્રવાસ નથી થઇ શક્યા.” 

નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને આ આખો મજાનો કટાક્ષ લેખ વાંચો.

Modi- foreign tour

 

મોદી સરકારનું એક વર્ષ – એક વિડીયો કાર્ટુન . 

મોદી સરકારના એક વર્ષના વહીવટ ઉપર અને એમના વિદેશ પ્રવાસ વિશે યુ-ટ્યુબ પર  So Sorry નું આ વિડીયો કાર્ટુન પણ ઉપરના લેખના સંદર્ભમાં માણો. 

So Sorry: 1 Year Modi Government