વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 738 ) જેને રામ રાખે…. પરિચય પૂર્તિ લેખ …શ્રી.પી.કે.દાવડા

જે ગુજરાતીઓ સારું ધન કમાઈને સુખની પ્રાપ્તિ માટે અમેરિકા ,યુ.કે. અખાતી મુસ્લિમ દેશો સહિત દુનિયાના ઘણા દેશોમાં બધે પહોંચી ગયા છે.

આ ગુજરાતીઓ ત્યાં ખુબ મહેનત કરી ધન કમાય છે અને સારી મિલકતો પણ ઉભી કરે છે. પરંતુ મુશ્કેલી ત્યારે ઉભી થાય છે જ્યારે એ દેશમાં કોઈ રાજકીય ફેરફાર થાય છે,દેશમાં અંધાધુંધી કે યુદ્ધનું વાતાવરણ ઉભું થાય છે.

આવા સંજોગોમાં ત્યાં રહેવું એટલે જીવનું પૂરું જોખમ. આથી આવા સમયે વર્ષોની મહેનતથી ઉભી કરેલી બધી મિલકત ત્યાં મુકીને સ્વદેશ નું શરણું લેવાની લાચાર સ્થિતિ ઉભી થાય છે.આવા આકલ્પ્યા સંજોગો જીવનનો આખો રાહ બદલી નાખતા હોય છે. 

મારા કુટુંબે પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થવાનો દુખદ અનુભવ લીધો છે. ૧૯૪૨માં બીજા વિશ્વ યુધ્દ્માં જ્યારે જાપાને બ્રહ્મદેશ- રંગુન ઉપર બોમ્મારો કર્યો ત્યારે જીવ બચાવવા બધું ત્યાં મુકીને ઘણી મુશ્કેલોઓ વેઠી વતન ભેગા થયેલા ગુજરાતીઓમાં અમે પણ હતા. એ વખતે હું ફક્ત ચાર વર્ષનો બાળક હતો.

અગાઉ વિનોદ વિહારની એક પોસ્ટમાં શ્રી દાવડાજીની મળવા જેવા માણસ લેખમાળામાં શ્રી નગીનભાઈ જગડા નો પરિચય લેખ પ્રગટ થયો છે.

આ લેખમાં નગીનભાઈને કેવા સંજોગોમાં કુવૈત છોડવું પડેલું એનો એક અછડતો ઉલ્લેખ એમણે કરેલો.આ લેખની લંબાઈની મર્યાદાને લીધે એમણે એ બનાવની વધુ વિગતો આપી ન હતી. પરંતુ આ લેખમાં ના જણાવેલી વિગત રસપ્રદ હોવાથી એક અલગ લેખ લખી એમણે ઈ-મેલમાં મને મોકલ્યો છે.

અગાઉના લેખની પૂર્તિ કરતો આ લેખ શ્રી દાવડાજી અને શ્રી નગીનભાઈના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરું છું.

શ્રી પી.કે.દાવડાજી એ એમના આ લેખમાં શ્રી નગીનભાઇ જગડાના જીવનમાં બનેલા કમનશીબ અનુભવના બનાવનું સરસ તાદ્રશ્ય બયાન કર્યું છે.

વિનોદ પટેલ

જેને રામ રાખે …….શ્રી પી.કે.દાવડા 

ભૌગોલિક રીતે વિશાળ કદનું ઇરાક Land Locked છે, જ્યારે ટચુકડા કુવૈત પાસે પર્શિઅન ગલ્ફનો દરિયા કિનારો છે. આર્થિક રીતે ઇરાકની પ્રજા કરતાં કુવૈતની પ્રજા વધારે સબળ છે. આ અને આવાં બીજાં અનેક કારણોને લીધે,સેનાની તાકાતમાં ખૂબ જ બળવાન ઇરાકે ૧૯૯૦માં કુવૈત પર હુમલો કરી,રાતોરાત એના ઉપર કબજો કરી લીધો. મારા મિત્ર શ્રી નગીનભાઇ જગડા ૧૯૬૫થી કુવૈતની ડેનિશ ડેરીમાં નોકરી કરતા હતા. એમની પાસેથી એકઠી કરેલી હકીકતોને આધારે, વોરઝોનમાંથી જીવ બચાવી એ કેવી રીતે ભારત આવી શક્યા, તે પ્રસંગ મેં અહીં વર્ણવ્યો છે. 

૧લી ઓગસ્ટ, ૧૯૯૦ના રોજ નગીનભાઈ, બહેરીનથી જ્વેલરી પ્રદર્શનમાં હાજરી આપવા આવેલા એમના જ્વેલર-મિત્ર ભાસ્કર દેવજીને મળવા એમની હોટેલમાં ગયા હતા. નગીનભાઈના મોટા પુત્ર અભ્યાસ અર્થે અમેરિકા ગયા હતા, અને નાના પુત્રને મણીપાલ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન અપાવવા, નગીનભાઈનાં પત્ની ભારત ગયેલાં. પુત્રી એ અગાઉ જ પરણીને ઈંગ્લેંડમાં સ્થાયી થયેલી. ઘરમાં તેઓ એકલા જ હોવાથી, મિત્ર સાથે નિરાંતે સમય વિતાવી, રાતે અગિયાર વાગે પાછા ઘરે પહોંચ્યા. રોજ સવારે પાંચ વાગે એમને કંપનીમાં ફરજ ઉપર હાજર થઈ જવું પડતું. હંમેશ મુજબ બીજી ઑગસ્ટે પણ સવારના પાંચ વાગે કામે પહોંચ્યા. રોજ સવારે આઠ વાગે એમણે કંપનીના ચેરમેનને રિપોર્ટ આપવો પડતો. એ દિવસે એમણે જોયું તો ચેરમેન પાસે મેનેજિંગ ડિરેકટર અને અન્ય અમલદારો પણ હાજર હતા. એમને આશ્ચર્ય થયું, એટલે એમણે એમની ઑફિસમાં બધાને ચા પહોંચાડતા છોકરાને મજાકમાં પૂછ્યું, “આજે શું દિવાળી છે કે બધા આટલા વહેલા ભેગા થયા છે?” ટીબોયે જવાબ આપ્યો, “સાહેબ તમને ખબર નથી કે રાત વચ્ચે સદામ હુસેને મોટી સંખ્યામાં સૈનિકો મોકલીને કુવૈત જીતી લીધું છે?” 

થોડીવારમાં જ એમણે સમગ્ર પરિસ્થિતિ સમજી લીધી. કુવૈતના રાજકુટુંબને થોડી વહેલી માહિતી મળી જતાં, એમણે પાસેના સાઉદી અરેબિયામાં શરણ લીધું. ઇરાકી સેનાએ દેશભરમાં બધી બેંકો, સરકારી ઑફિસો અને અન્ય મહત્ત્વનાં મકાનોનો કબજો લઈ લીધો હતો, અને હવે શેરીઓમાં અને ગલી-મહોલ્લાઓમાં પ્રસરવા લાગી હતી. નગીનભાઈ ચિંતાતુર હાલતમાં ઘરે પહોંચ્યા. 

શું કરવું એની કંઈપણ સમજણ ન પડતાં બીજે દિવસે સવારે એ પાછા કામે પહોંચ્યા. એમણે જોયું કે સમગ્ર ડેરીનો ઇરાકી લશ્કરે કબજો લઈ લીધેલો અને રાબેતા મુજબનું કામ ચાલુ રાખવા હુકમ કરેલો, કારણ કે દૂધ અને તેનાં અન્ય ઉત્પાદનોની તેમને પણ જરૂર હતી. સાંજે કામ પરથી છૂટીને પહેલું કામ, હોટેલમાં જઈ, એમના મિત્ર ભાસ્કરભાઈને ઘરે લઈ આવ્યા. હોટેલ કરતાં ઘર વધારે સલામત હતું, વળી એમણે જોયું કે ઇરાકી સૈનિકો ભારતીઓ સાથે સખતાઈ નહોતા દર્શાવતા. બન્ને મિત્રોએ ચર્ચા કરી નક્કી કર્યું કે સમય રહેતાં અહીંથી નીકળી જવામાં જ શાણપણ છે. તપાસ કરતાં ખબર પડી કે લોકો માટે હવાઈ સેવા સદંતર બંધ છે. વળી બેંકો ઉપર ઇરાકીઓનો કબજો હતો, એટલે બેંકમાંથી પૈસા પણ કાઢી શકાય એમ ન હતું. ઘરમાં જેટલા પૈસા હતા એનાથી જ વ્યહવાર ચલાવવાનો હતો, અને કુવૈત છોડવાનો ખર્ચો કરવાનો હતો. ઇન્ડિયન ઍમ્બેસીમાંથી પણ કોઈ મદદ મળવાની શક્યતા દેખાતી ન હતી, કારણ કે કુવૈતમાં એક લાખથી વધારે ભારતીઓ હતા. નગીનભાઈના બે નાના ભાઈઓ અને એક બહેન પણ કુવૈતમાં સ્થાયી હતાં. બહેનનો જ્વેલરીનો ધંધો હતો, એટલે એમની પાસેથી થોડી રોકડ રકમ મળવાની શક્યતા હતી. 

આમ પ્લાનિંગમાં વીસ દિવસ નીકળી ગયા. દિવસે દિવસે પરિસ્થિતિ ખરાબ થતી જતી હતી. ઇરાકી સૈનિકો દુકાનો અને ઘરોમાં લુંટફાટ ચલાવતા. ઇરાકી લોકો પણ મોટી સંખ્યામાં ગાડી અને ટ્રકો લઈ આવતા અને લૂંટફાટ કરીને પાછા ઇરાક નાસી જતા. જોતજોતાંમાં દેશમાં અંધાધૂંધી અને ત્રાસનું વાતાવરણ છવાઈ ગયું. બહુ વિચાર કર્યા પછી એમણે નક્કી કર્યું કે ખાનગી ટેક્સી કરી અહીંથી પહેલા ઇરાક પહોંચી જવું, જ્યાં ભારતીય લોકો વધારે સલામત હતા; અને ત્યારબાદ આગળનો વિચાર કરવો. ડેરીમાંથી કોઈ મદદ મળવાની શક્યતા ન હતી. નગીનભાઈએ એમની બહેન પાસેથી ઉછીના પૈસા માગ્યા. બહેને પણ વિચાર્યું કે અહીં હશે તો રકમ લુંટાઈ જશે. વળી ભાસ્કરભાઈની મોટા વેપારી તરીકે શાખ પણ સારી હતી, તેઓ બહેરીન પહોંચે તો રકમ ગમે ત્યારે પાછી વાળી શકશે. આમ બહેન પાસેથી મોટી રકમ ઉછીની મેળવી એમણે ખાત્રીવાળો પેલેસ્ટાઈનનો ટેક્સીવાળો શોધી કાઢ્યો. જોખમ સમજી લઈને ટેક્સીવાળાએ નોર્મલ ભાડા કરતાં દસગણા વધારે પૈસા માગ્યા, પણ સહી સલામત ૬૮૦ કીલોમિટર દૂર બગદાદ પહોંચાડવાની સોગંદપૂર્વક ખાત્રી આપી.

બીજે દિવસે સવારે ઘરબાર અને ગાડી ત્યાં જ છોડી, ભગવાનનું નામ લઈ,ત્રણ-ચાર જોડી કપડાં અને ખાવાનું અને પાણી લઈને નીકળી પડ્યા. આખે રસ્તે ઇરાકથી લૂંટફાટ માટે આવતી ટ્રકો અને લૂંટનો માલ લઈને ઇરાક પાછી જતી ટ્રકો જ દેખાઈ. ટ્રક ટ્રાફિક એટલો બધો હતો કે એમને ઘીમી ગતિએ જ ગાડી ચલાવવી પડેલી. આખરે રાતે આઠ વાગે બગદાદની એક હોટેલમાં પહોંચી ગયા. ડ્રાઈવરને નક્કી થયેલું ભાડું ચૂકવી દીધું. હોટેલમાં એમને એક વેઈટરે સલાહ આપી કે તમે ભૂલથી પણ સદામ-હુસેનનું નામ બોલતા નહિ,નહિ તો પરદેશીના મોંઢે એનું નામ સાંભળી તેઓ તમને શૂટ કરી દેશે.રાત્રે આરામ કરી, સવારના તેઓ ભારતીય ઍમ્બેસીમાં ગયા. ત્યાં જોયું કે અહીં તો રાતથી જ હજારો લોકો ફૂટપાથ અને રસ્તા પર સૂતેલા છે. અહીં તો તેમનો વારો દિવસો સુધી પણ ન આવે. ભાસ્કરભાઈએ કહ્યું, “આવી પરિસ્થિતિમાં આપણે જેમ કુવૈતથી બગદાદ આવ્યા તેમ અહીંથી જોર્ડન કે ઓમાન ભાગી જવું જોઈએ. હજી આપણી પાસે પૈસા છે. 

બસ ફરી પાછા વિશ્વાસુ ગાડીવાળાની શોધ શરૂ કરી. એક જોર્ડેનિયન ગાડીવાળાનો ભેટો થયો. તેણે કહ્યું કે હું તમને કોઈપણ ભોગે સરહદ પાર પહોંચાડી દઉં, પણ એણે પણ ભાડું નોર્મલ કરતાં દસ ગણું માગ્યું. એમની પાસે બીજો ઉપાય ન હતો. વળી માણસ એમને પ્રમાણિક લાગ્યો. બીજે દિવસે રાત્રે એમણે બગદાદ છોડ્યું. આખી રાત ડ્રાઈવ કરીને તેમણે ૮૧૦ કિલોમીટરનું અંતર કાપ્યું અને ડ્રાઈવરે બોર્ડરવાળા સાથે સમજૂતી કરી તેમને બોર્ડર પાર કરાવી દીધી અને રીતસરની પાસપોર્ટ વિધિ પણ કરાવી દીધી. એમણે જોયું કે બોર્ડરની પાસે હજારો ભારતીયો અને અન્ય દેશના લોકો તંબુઓમાં બોર્ડર પાર કરવા રાહ જોઈને બેઠા હતા. ડ્રાઈવરે એમને બોર્ડરની પેલીપારની એક હોટેલમાં પહોંચાડી દીધા. તેમણે એનું ભાડું ચૂકવી દીધું. સારા નસીબે નગીનભાઈ સાથે અગાઉ કામ કરી ચૂકેલા એક મિત્રનો ફોન નંબર એમની પાસે હતો. એ તેમને જમવા લઈ ગયા, અને જોર્ડનની કરન્સીમાં થોડા પૈસા પણ આપ્યા. 

બીજા દિવસે તેઓએ ભારતીય ઍમ્બેસીમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે ત્યાંથી વિમાન સેવા ચાલુ છે અને ત્રણ-ચાર દિવસનું વેઇટિંગ છે. ભાસ્કરભાઇના પિતાએ બહેરીનથી પૈસા ભરી દઈ એમની ટિકિટો બુક કરાવી લીધી. તેમને જે ફલાઇટ મળી તે બહેરીન થઈ મુંબઈ જતી હતી. ભાસ્કરભાઈ બહેરીન ઊતરી ગયા અને નગીનભાઈ મુંબઈ પહોંચ્યા. મુંબઈ એરપોર્ટ પર કુવૈતથી આવેલા ભારતીયો માટે મફત જમવાની સગવડ અને ગામ સુધી જવાની મફત રેલ્વે ટિકિટની સગવડ ભારત સરકારે કરેલી. આ રીતે હેમખેમ ફરી પાછો નગીનભાઈનો કુટુંબ સાથે મેળાપ થઈ શક્યો. આમાં મનુષ્ય પ્રયત્ન અને ઈશ્વર કૃપાનો નિયમ કામ કરી ગયો, સાથે સાથે એટલું પણ સમજાયું કે લક્ષ્મી બધે જ શક્તિશાળી છે. 

પી. કે. દાવડા

 

2 responses to “( 738 ) જેને રામ રાખે…. પરિચય પૂર્તિ લેખ …શ્રી.પી.કે.દાવડા

 1. pragnaju જૂન 24, 2015 પર 1:45 પી એમ(PM)

  ખૂબ સાહસ અને લક્ષ્મી નો તકે યોગ્ય ઉપયોગ કરી બુધ્ધિપૂર્વકનું આયોજન કરો તો રામ રાખે !
  ‘ભારતીયો માટે મફત જમવાની સગવડ અને ગામ સુધી જવાની મફત રેલ્વે ટિકિટની સગવડ ભારત સરકારે કરેલી’ આ તો આપણા લોહીમા છે મુંબ ઇમા અતિવર્ષા થ ઇ તો જમાડવાનું તુરત આયોજન થાય

  Like

 2. pravinshastri જૂન 24, 2015 પર 2:35 પી એમ(PM)

  દિલ ધડક અનુભવ કહેવાય. આફ્રિકા, બર્મા ના અલગ અલગ ઈતિહાસ છે. જે રંગભેદ, જાતીભેદ કે રાષ્ટ્રીયતા ભેદને કારણે ભારતીય વસાહતીઓને ભોગવવું પડ્યું છે તે ઈંગ્લેન્ડમાં થઈ શકે? કદાચ! કારણકે ઈંગ્લેન્ડ એ અંગ્રેજોનો દેશ છે. જો સ્થાનિકો કરતાં પરદેશીઓની તાકાત વધી જાય તો આફ્રિકાનું પુનરાવર્તન બીજી જ રીતે થઈ શકે. અમેરિકા? અમેરિકા અમેરિકન માટે જ. કોણ અમેરિકન? માત્ર જન્મે જ નહીં પણ વિચાર અને વર્તનમાં પણ અમેરિકન થઈને રહેલા અમેરિકનો. બીજી અને ત્રીજી પેઢીના સંતાનો અમેરિકન થઈ રહ્યા છે. નવાંગતુંઓને માટે આ અઘરું છે. બધાજ વસાહતીઓનો બનેલો મૅલ્ટિંગ પૉટ. એક તદ્દન નવી સંસ્કૃતિ. એમાં બ્લેન્ડ ન થનાર ભવિષ્યમાં ભોગવશે. અને સાથે અન્યોને પણ ડૂબાડતા જશે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: