વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: જુલાઇ 2015

( 758 ) કહ્યું કશું ને સમજ્યા કશું ……શ્રી પી.કે.દાવડાની સંગ્રહિત કવિતા પ્રસાદી

મિત્રો, 

P.K.DAVDA

P.K.DAVDA

અગાઉ તમોએ વિનોદ વિહારની પોસ્ટ નમ્બર ( 754 )  માં શ્રી પી.કે.દાવડાજીના અવલોકન /અનુભવની કથા  વિશે એમના જ્ઞાન સંગ્રહનો લાભ લીધો.

આ પોસ્ટના અનુસંધાન માં આજે દાવડાજી એ  “કહ્યું કશું ને સમજ્યા કશું “એ શીર્ષક સાથે તારીખ ૨૮ મી જુલાઈ થી ૩૧મી જુલાઈ ૨૦૧૫ના એમના ઇ-મેલમાં એમણે જૂની અને જાણીતી કવિતાઓની જે પ્રસાદી પીરસી છે એ તમને ભૂતકાળની યાદ તાજી કરાવશે.

દાવડાજીએ એમના ખજાનામાંથી મોકલેલ આ કવિતાઓને નીચે માણો 

વિનોદ પટેલ 

—————–

કહ્યું કશું ને સમજ્યા કશું-૨..  શ્રી .પી.કે.દાવડા 
Jul 28 at

(આ કવિતા આસરે ૭૦ વર્ષ જૂની છે. ત્યારે પાઈનું ચલણ અસ્તિત્વમાં હતું. એક રૂપિયાની૧૯૨ પાઈ થતી. ત્યારે પાંચસો રૂપિયામાં એક નાનો હોજ બાંધી એને તેલથી ભરવાનું શક્ય હતું).

વાણિયો અને હનુમાન

સટ્ટાખોર વાણિયો મુંબઈમાં રહેતો,

સાંજ સવાર હનુમાનને હાથ જોડી કહેતો;

“અંતરયામી બાપા તમે જાણો મારી પીડ,

પાંચસો જો અપાવો તો ભાંગે મારી ભીડ,

અપાવો તો રોજ આવી પાઠ-પૂજા કરૂં,

શનિવારે પાઈ પાઈનું તેલ આવી ધરૂં.”

એકદાડો હનુમાનને એવી ચડી ચીડ,

પથ્થરમાંથી પેદા થયા, બોલ્યા નાખી રીડ;

“પૂજારીનો ઓશિયાળો ખાવા દે તો ખાઉં,

કેમ કરી ભૂંડા હું તો તારી વહારે ધાઉં?

પાંચસોને બદલે આપે પાઈ પાઈનું તેલ,

પૂછડું દેખી મૂરખ મને માની લીધો બેલ?

પાંચસો જો હોય તો તો કરાવું ને હોજ,

ભરાવું ને તેલ, પછી ધુબકા મારૂં રોજ.’

-પ્રેમશંકર ભટ્ટ.

કહ્યું કશું ને સમજ્યા કશું-3
7-29-2015

આ કવિતા મને નાનો હતો ત્યારે બહુ ગમતી, એટલે તમારા માટે

શોધી લાવ્યો છું.

સાથી મારે બાર

એક ઇડરનો વાણીયો, ધૂળો એનું નામ ,
સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ!
રસ્તે અંધારું થયું, ચડ્યો બીજી વાટ,
જંગલમાં ભૂલો પડ્યો, દિલમાં થયો ઉચાટ.
પણ હિંમત એણે ધરી, મનમાં કર્યો એને વિચાર,
‘નથી કડી હું એકલો સાથી મારે બાર !’
એવે ઝાડી સળવળી, ચમક્યા ચોરો ચાર,
‘ખબરદાર ! જે હોય તે આપી દે આ વાર ‘
કહે ધુળો એ ચોરને : ‘અલ્યા નથી હું એક,
બાર જણા લઇ નીકળ્યો, કરજો કાંક વિવેક !
‘કાલે કરજે ટાયલી ! આજે દઈ દે માલ‘
એવું બોલી ઉમટ્યા ચોરો બે વિકરાળ!
ધુળો કુદ્યો કોથળો વીંઝે સબોસબ!
હતા કોથળે કાટલાં વાગે ધબોધબ,
ચોરો ખીઝ્યા, એમના ધૂળો ખાળે ઘાવ ,
ક્યાંથી રે! આ વાણીયો શીખ્યો આવા દાવ?
આઘું પાછું નાં જુએ, ધુળો ખેલે જંગ,
બોલે : ‘ હું નહિ એકલો, હવે બતાવું રંગ !’
ચોરો ચોક્યા, એકમાં હોય આટલું જોર,
બાર જણા જો છૂટશે, થશે આપણી ઘોર !
એમ વિચારી બી ગયા, નાથા એકી સાથ,
ધુળો હરખ્યો : વાહ! મેં ઠીક બતાવ્યો હાથ!
વાટ જડી, ધુળો ગયો, જાવું’તું જે ગામ,
વળતો એ ઘેરે ગયો પૂરું કરીને કામ!
ધૂળાની આ વાર્તા, પૂછે બાળ તમામ :
‘ કોણ બાર તમે હતા? હવે ગણાવો નામ ,
ધુળો કહે : ‘ આ હાથ બે, બે આંખો, બે પાય,
ચાર-કાટલા કોથળે, મળી એમ દશ થાય !
છેલ્લા સાથી બે ખરા – હિંમત અને વિશ્વાસ
એ બે વિના વિના બીજા બધા થાય નકામાં ખાસ !
– રમણલાલ સોની

સાથી મારા પણ બાર

“બે જાની, બે વ્યાસ ને પટેલ અમારા ચાર,

બે શાહ, મારૂ અને ગજ્જર, બધા મળીને બાર.”

આતો પ્રાસ મેળવવા ગણ્યા છે, બાકી આપ સૌ મારા સાથી છો.

-પી. કે. દાવડા

કહ્યું કશું ને સમજ્યા કશું-4
7-30-2015  

( 757 ) છ અક્ષરનું નામ એટલે રમેશ પારેખ ……સંકલિત

ramesh-2

આભાર … સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસ 

આ ર. પા. કોણ છે? ….. લેખક- શ્રી પરેશ વ્યાસ 

પ્રિય મોરારિ બાપૂનાં શબ્દોમાં કહીએ તો રમેશ પારેખ કાંઇક ભાળી ગયેલો કવિ છે. ર. પા. કથાનો એક સરસ ઉપક્રમ રાજકોટનાં આંગણે રચાયો. રામ કથા હોય, શિવ કથા હોય, ભાગવત કથા હોય, હમણાં હમણાં ગાંધી કથા પણ સાંભળી. પણ આ ર. પા. કથા? પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપક્રમે શિવરાત્રિનાં પાવન દિવસે ર. પા.નાં જીવનસંગીની રસીલાબેન અને એમનાં કુંટુંબીજનની હાજરીમાં સૌ સહભાવકો સાથે અમે, એટલે મેં અને મારી કોકિલાએ સજોડે ર. પા. કથાનું શ્રવણ કર્યું. ર. પા. ખુદ એસએસસી પાસ પણ યુનિવર્સિટી એમને ડોકટરેટ ઓફ લિટરેચરથી સન્માને. ર. પા. ખુદ કેટલાંયની પી. એચ. ડી.નો વિષય બન્યા. એમની ખુમારી, એમની ખુદ્દારી, એમની સરળતા, એમની સહજતા- અમે અનુભવી હતી. કથાકાર ડો. ગુણવંત વ્યાસને તો ર. પા.નો અંગત પરિચય ઓછો. પણ એમણે ર. પા.ની જે અંતરંગ વાતો કરી, એની મઝા કાંઇ ઓર જ હતી.

રમેશ પારેખ શબ્દનો સ્વામી છે. ગુજરાતી ભાષા એનાં ઘરે પાણી ભરે છે. હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા જેવા બાળકાવ્યો, એક છોકરીનાં હાથમાંથી રૂમાલ પડે જેવા છોકરા-છોકરી ઘરાનાનાં ગીતો, પાંદડું કેવી રીતે પીળું થયું જેવી ગઝલો, મનજી ઓઘડદાસ જેવા વ્યક્તિ કાવ્યો, આલા ખાચર જેવા કરૂણ વ્યંગ કાવ્યો અને મીરાં સામે પાર જેવી આધ્યાત્મ ઊંચાઇ..આવા ચોવીસ કેરેટ શુદ્ધ સોનાનાં સોળ શણગારનાં બત્રીસ લક્ષણા સર્જક, ર. પા. ર. પા. તમે પેલે પાર બહુ વહેલાં ચાલ્યા ગયા?

કથાનો વિચાર કવિ શ્રી હર્ષદ ચંદારાણાનો, રાજકોટમાં કરવી તેવો નિર્ધાર શ્રી કૌશિક મહેતાનો, તૈયારી પ્રા. મનોજ જોશીની અને એને વધાવી લીધો કુલપતિ શ્રી મહેન્દ્ર પાડલિયાએ. પાડલિયા સાહેબે શ્રોતા અને સહભાવકો માટે સરસ શબ્દ પ્રયોજ્યો, સત્સંગીઓ. કથા હોય તો શ્રોતાને સત્સંગીઓ કહેવાય એ વાત જ મને અને કોકિલાને આધ્યાત્મિક ઊંચાઇએ લઇ ગઇ. મુખ્ય મહેમાન જય વસાવડા ધારદાર વક્તા તો ખરા જ. ર. પા. ચાહક પણ એટલાં જ. કવિ સ્મૃતિ વાગોળતા જય વસાવડાએ કહ્યું કે જ્યારે એમણે નવો નવો મોબાઇલ ફોન લીધો ત્યારે રમેશ પારેખની ઇન્સ્ટન્ટ કોમેન્ટ હતી કે આ ગલકું ક્યાંથી લઇ આવ્યો? મોબાઇલ ફોન ખરેખર તો નૂસન્સ જ છે તેવી ર.પા.ને પહેલેથી જ ખબર હતી. ભારત દેશમાં આજે સંડાસની સંખ્યા કરતા મોબાઇલ ફોન વધારે છે ત્યારે અમને થાય છે કે મોબાઇલ ફોન ખરેખર તો ત્રાસ રૂપ જ છે. તમે તમને પણ ન મળી શકો. એમાં ય રીંગ ટોન વાગવા માંડે. ર. પા. બધું પહેલેથી જ જાણી લેતા હતા. ર. પા. ભવિષ્યવેત્તા હતા, ર. પા. કવિ ઉપરાંત ગાયક, ચિત્રકાર, વૈદ્ય, સંમોહન વિદ્યાનાં જ્ઞાતા હતા. ફૂલછાબે એમને ગદ્ય લખવા ઇજન આપ્યું અને જય વસાવડાનાં શબ્દોમાં કહીએ તો તંત્રી કૌશિકભાઇએ આપણને ર. પા. નાં રસોડા સુધી પહોંચાડ્યા. આપણને પહેલી વાર ખબર પડી કે આ કવિતાની અવનવી રસપ્રચૂર વાનગીઓ આવે છે ક્યાંથી?

કથાકાર ડો. ગુણવંત વ્યાસની ભાષા અને શૈલી રીઢા સાહિત્યકાર કોગળા કરે તેવી જરા ય નહોતી. ઘણી વાર સાહિત્યકારો મોઢામાં ગુજરાતી ભાષા ભરી, એને ગુળગુળ અવાજ થાય તેમ ખખડાવી થૂંકી નાંખે છે. માત્ર થોડા છાંટા ઊડે. કાંઇ સમજાય નહીં. પણ આ કથામાં વધારે પડતી સાહિત્યિક ચીરફાડ નહોતી. એટલે વધારે મઝા આવી. સાહિત્યમાં ઊંચાઇએ પહોંચેલા શિષ્ટ સાહિત્યકારો હંમેશા એકલા હોય છે. પોતે જ જાણે અને પોતે જ સમજે. ર. પા. ની માફક લોકભોગ્ય શિષ્ટ સાહિત્ય સર્જવું વધારે અઘરું છે.

ર. પા.ની જીવન યાત્રાનાં પ્રસંગો સાંભળીને અમે ગદગદ થયા. મનોજભાઇએ રાગ ભૈરવીમાં મન પાંચમનાં મેળામાં ગાયું અને કથા સંપન્ન થઇ. તે પછી પણ એક સરસ ઉપક્રમ યોજાયો. શ્રોતાઓને પ્રતિભાવ આપવાનું ઇજન અપાયું. કવિ શ્રી હર્ષદ ચંદારાણાની આંખો લાગણીથી અશ્રુભીની થઇ. ગળે ડૂમો બાઝ્યો. કેટલાંય અભિભાવકો અથવા પાડલિયા સાહેબનાં શબ્દોમાં સત્સંગીઓએ પોતાની વાત કરી. કવિ ડો. જયદીપ નાણાંવટીએ કથા પછી પ્રસાદ રૂપે એમનો નવોનક્કોર કાવ્યસંગ્રહ ભાવકોને ભેટ ધર્યો. મારી કોકિલાએ પ્રતિભાવ આપતા કહ્યું કે આજે શિવરાત્રિએ અમે સામાન્ય રીતે પૂજાઅર્ચના કરીએ, શિવાલયમાં જઇને મહામૃત્યુંજયનાં જાપ કરીએ. એનાં સ્થાને આજે ઘરમાં પણ પૂજા કરવાની રહી ગઇ. પણ ર. પા.ની રસકથામાં અમે તરબોળ થયા.

આમ તો આખા દિવસની ર.પા. કથાનાં શ્રવણ પછી શિવાલયમાં દર્શને જવાની જરૂર નહોતી. પણ સમય હતો એટલે અમે અમારા અંતરંગ મિત્ર ડો. જયપ્રકાશ ભટ્ટ સાથે મુંચકાનાં સોમેશ્વર મંદિરે ગયા. જોડા ગાડીમાં મુક્યા. આમ તો ચોરાતા નથી પણ વ્હાય ટૂ ટેઇક અ રીસ્ક?યુ સી.. દર્શન કરતા ટેન્સન ન થવું જોઇએ. મંદિરનાં પગથિયાં ચઢતા’તા ત્યાં એક સ્વયંસેવકે કહ્યું કે નીચે સભાખંડમાં આધ્યાત્મિક ગીતસંગીતનૃત્યનો કાર્યક્રમ છે. ત્યાં પધારો. મેં કહ્યું પણ આજે શિવરાત્રિએ પહેલા શંકર ભગવાનને મસ્તક નમાવીએ પછી નીચે જઇએ. પણ પેલા સ્વયંસેવકે કહ્યું કે ભગવાનનાં દર્શન તો ગમે ત્યારે થશે. કાર્યક્રમ પછી જોવા નહીં મળે. સ્વયંસેવકનાં આગ્રહને વશ થઇમે અમે પ્રભુદર્શનને પડતા મુક્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમનાં સભાખંડમાં ગયા. બેસવાની જગ્યા નહોતી. ઊભા રહ્યા. કાર્યક્રમ માણ્યો. પછી ભગવાનનાં દર્શન કર્યા. મિત્ર ભટ્ટસાહેબે કહ્યું કે પેલા સ્વયંસેવકે ખૂબ ઊંચી વાત કરી હતી. એણે કહ્યું હતું કે ભગવાન તો ગમે ત્યારે મળશે પણ જે આપણને આપણી સંસ્કૃતિ, આપણી ભાષાથી પરિચય કરાવે, આપણને જીવવાની રીત શીખવાડે, એવા કાર્યક્રમને પ્રાધાન્ય આપવું. શિવરાત્રિએ કદાચ શિવજીનાં દર્શન ન થયા હોત તો અફસોસ ન થાત. પણ ર. પા. કથામાં ન ગયા હોત તો અફસોસ ચોક્ક્સ થાત. સમજ્યા ચંદુભાઇ?

કલરવ:

એક પછી એક ઊંચકે પરદા રમેશ
રોજ વહેંચે છે નવા સપનાં રમેશ

શું કહ્યું, સમજ્યો નહીં, સૉરી સનમ
મારા મનમાં ચાલે છે હમણાં રમેશ

મસ્ત્ય માફક આંખ એમાં ઊતરે
એમ કાગળ પર કરે દરિયા રમેશ

દુ:ખ ઘણાં દાઢી વધ્યા જેવાં અને
જીવ કરતો પેટમાં જલસા રમેશ

આ સદીમાં હોવું યાને ધન્યતા
આ સદીની ગુજરાતી ઘટના રમેશ

– ભરત વિંઝુડા

છ અક્ષરનું નામ એટલે રમેશ પારેખ, કેમ એમ તો એનો ઉત્તર

નીચે એમના કાવ્યોમાં તમને મળશે.

રમેશ પારેખ નાં અનેક કાવ્યોના ઢગલામાંથી મેં ચૂંટેલાં આ ત્રણ કાવ્યો  

મારી જેમ આપને પણ માણવાનાં ગમશે.

રમેશ પારેખના જ હસ્તાક્ષરો માં લખેલ આ આ કાવ્યનો ભાવ કેટલો સરસ છે !

Ramesh-1

એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.

સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો,
બળી ‘ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.

આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
તો ય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

–રમેશ પારેખ

દરિયામાં હોય એને મોતી કહેવાય છે
તો આંખોમાં હોય તેને શુ ?
અમે પૂછ્યું,લે બોલ હવે તું!
પંખી વછોયી કોઈ, એકલી જગાને તમે
માળો કહેશો કે બખોલ ?
જોવાતી હોય કોઈ આવ્યાની વાટ ત્યારે
ભણકારા વાગે કે ઢોલ ?
બોલો સુજાણ ઉગ્યું, મારામાં ઝાડવું કે ઝાડવામાં ઉગી છું હુ….
ઉંચી ઘોડી ને એનો ઉંચો અસવાર એના,
મારગ મોટા કે કોલ મોટા,
દરિયો તરવાની હોડ માંડે તો એના,
પાણી જીતે કે પરપોટા?
સુરજ ન હોય તેવી,રાતે ઝીકાય છે,તડકાઓ હોય છે કે લૂ ?!

– રમેશ પારેખ

આ કાવ્યને વિડીયોમાં સાંભળી ર.પા .ને  સ્મરણમાં લાવી મનથી એને

સ્મરણાંજલિ આપીએ….

દરિયામાં હોય એને મોતી કહેવાય છે
તો આંખોમાં હોય તેને શુ ? 

( 756 ) ભારત રત્ન સ્વ. અબ્દુલ કલામને અંજલિ … ભાગ-૨

KALAM

સાભાર – ડો.કનક રાવલ 

આ અગાઉની પોસ્ટ નમ્બર ૭૫૫  ના અનુસંધાનમાં આજની પોસ્ટમાં ડો. એ.પી.જે. અબ્દુલ કલામને વધુ અંજલિ આપવામાં આવી છે .

ભારત રત્ન સ્વ. અબ્દુલ કલામને અંજલિ  

જગતમાં એમ તો લાખ્ખો માણસો રોજે રોજ ,

જન્મે છે ,જીવે છે, અને અંતે મૃત્યુ પામે છે ,

પણ કલામ સાહેબ જેવા જુજ વિરલાઓ જ,

મર્યા પછી પણ નામ અમર કરી જાય છે.

ગરીબ માછીમારનો આ પુત્ર,  ચિંથરે વીંટ્યું રતન ,

જીવન કાર્યોથી ભારતનું અણમોલ રત્ન બન્યો.

ધનથી ભલે ગરીબ પણ બુદ્ધિ ધનથી સમૃદ્ધ હતો,

વૈજ્ઞાનિક બની બુદ્ધીના પરચા બતાવતો જ રહ્યો ,

અવકાશ અને દેશ સુરક્ષણનાં આધુનિક યંત્રો શોધી ,

આ મિસાઈલ મેંન આખા વિશ્વમાં છવાઈ ગયો.

વિદ્યાર્થીઓનો આ આજીવન શિક્ષક કલામ સાહેબ,

છેલ્લી ક્ષણે પણ વિદ્યાર્થીઓને શીખવતાં જ મર્યા !

જેવું ભવ્ય એમનું જીવન એવું જ અદનું ભવ્ય મરણ .

૨૦૨૦ સુધીમાં વિશ્વમાં ભારતની આર્થિક યશ પતાકા ફરકે

એવું આ દેશ ભક્ત સ્વપ્ન દ્રષ્ટા વૈજ્ઞાનિકનું સ્વપ્ન હતું .

બીજા એક સ્વપ્ન દ્રષ્ટા દેશ ભક્ત વડા પ્રધાન મોદી

એમનું આ અધૂરું સ્વપ્ન સાકાર કરે એવી આશા

અબ્દુલ  કલામ સાહેબને એ જ એક શ્રેષ્ઠ શ્રધાંજલિ.

વિનોદ પટેલ , ૭-૨૭-૨૦૧૫

‘Anmol Kalam’ – A Tribute to ‘People’s President’

Frankly Speaking : Remembering Dr.Abdul Kalam

Published on Jul 28, 2015

Former President Dr APJ Abdul Kalam in an interview to TIMES NOW’s Editor-in-Chief Arnab Goswami on Frankly Speaking in November 2007, talked about his Mission 2020, vision for India, empowering youth of the country, igniting the minds of the students, entrepreneurship, tenure as President, and more.

( 755 ) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ‘ભારત રત્ન’ એ.પી.જે. અબ્દુલ કલામની ચીર વિદાય…. શ્રધાંજલિ

quotes- abdul kalam-3

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું 27/07/2015 ના રોજ સાંજે મેઘાલયના પાટનગર શિલોંગમાં ભાષણ આપતી વખતે પડી ગયા બાદ હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું.

૮૩ વર્ષીય કલામ સાંજે ૬.૩૦ કલાકે આઇઆઇએમ, શિલોંગ ખાતે તેમના ભાષણ દરમિયાન પડી જતાં તેમને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાંના ડોક્ટર્સે જણાવ્યું હતું કે કલામને લવાયા ત્યારે તેઓ અચેતન અવસ્થામાં જ હતા. તેમની નાડીના ધબકારા બંધ હતા. ત્યાં એમને ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યા હતા .તેમનો નશ્વર દેહ આવતી કાલે સવારે દિલ્હી લવાશે.

શિલોંગ જતાં એમણેપહેલાં ટ્વીટ કર્યું હતું કે, ‘હું લિવેબલ પ્લેનેટ અર્થ વિષય પર લેક્ચર આપવા આઈઆઈએમ શિલોંગ જઈ રહ્યો છું.”

‘ભારત રત્ન’ અણુવિજ્ઞાની અવુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામએ પોખરણ અણુ ધડાકા તેમ જ ‘અગ્નિ’ અને ‘પૃથ્વી’ મિસાઇલો તૈયાર કરવામાં તેઓએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

સિવિલિયન સ્પેસ પ્રોગ્રામ અને મિલિટરી મિસાઇલ ડેવલપમેન્ટમાં સક્રિય ભૂમિકાના કારણે કલામે દેશના ‘મિસાઇલ મેન’નું બિરુદ મેળવ્યું હતું.કલામના માનમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે.

ડૉ. અબ્દુલ કલામના જીવનના સીમાચિહ્નો

– ૧૯૩૧ – ૧૫ ઓક્ટોબરના રોજ અબ્દુલ કલામનો જન્મ થયો
– ૧૯૫૪ – સેંટ જોસેફ કોલેજ, તિરુચિરપ્પલ્લીમાંથી સ્નાતક થયા
– ૧૯૫૫ – એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા મદ્રાસ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ લીધો
– ૧૯૬૦ – ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપ્મેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ)ના એરોનોટિકલ ડેવલોપ્મેન્ટ એસ્ટાબલિશમેન્ટમાં મુખ્ય વૈજ્ઞાાનિક તરીકે જોડાયા
– ૧૯૬૯ – ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)માં ટ્રાન્સફર થઇ
– ૧૯૯૨ થી ૧૯૯૯- વડાપ્રધાનના મુખ્ય વિજ્ઞાાન સલાહકાર અને ડીઆરડીઓના સચિવ તરીકે સેવા આપી
– ૨૦૦૨ થી ૨૦૦૭ ઃ ભારતના ૧૧માં રાષ્ટ્રપતિ તરીકે સેવા બજાવી

એક કાર્યક્રમને સંબોધતા કલામે જણાવ્યું હતું કે મારા જીવનમાં એક સૌથી મોટો અફસોસ મને રહી ગયો કે હું મારા માતા-પિતાને તેમના જીવનકાળમાં ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ ન કરાવી શક્યો. મારા પિતા જૈનુજાબ્દિન ૧૦૩ વર્ષ સુધી જીવ્યા અને મા આશિયામ્મા ૯૩ વર્ષ સુધી જીવિત રહ્યા. ઘરમાં હું નાનો હોવાથી મને બહુ પ્રેમ મળ્યો. ઉલ્લેખનીય છે કે કલામનું બાળપણ એવા ઘરમાં પસાર થયું કે જ્યાં રાત્રે માત્ર ફાનસ દ્વારા જ અજવાળુ કરવામાં આવતું.

રામેશ્વરમના ગરીબ માછીમાર પરિવારમાં જન્મેલા કલામ આકરી મહેનતથી સફળતાના શિખરે પહોંચ્યા હતા. મુસ્લિમ એવા કલામ કુરાનની સાથે સાથે ભગવદ્ ગીતાને પણ એટલી જ માન્યતા આપતા હતા .યંગ ઇન્ડિયા માટે બેસ્ટ સેલર પુસ્તકો લખનાર કલામ વીણા પણ સારી રીતે વગાડી લેતાં હતાં.વૈજ્ઞાનિક કે રાષ્ટ્રપતિ તરીકે કલામ સૌથી પહેલાં દેશભક્ત હતા. કલામે તેમના જીવનમાં ફક્ત બે રજા લીધી હતી. તેમના માતા અને પિતાના નિધનના દિવસોએ.

સંકલન ..વિનોદ પટેલ 

PM Narendra Modi condoles the passing away of former President of India, Dr. APJ Abdul Kalam

Biography Dr. APJ ABDUL KALAM by Mallika Sarabhai

બોલીવુડના પ્રખ્યાત ગીતકાર ગુલઝાર  ડૉ. અબ્દુલ કલામની આત્મકથામાંથી એમની રસીલી ઝબાનમાં વાચન કરે છે એ નીચેના ઓડિયો-વિડીયોમાં સાંભળતાં તમને ખ્યાલ આવશે કે તેઓનું જીવન કેટલું ભવ્ય હતું. 

Autobiography of Dr APJ Abdul Kalam By Gulzar Saab

An Inspirational and motivational speech 
“Address to the students of IIT Madras by Dr. A.P.J. Abdul Kalam”

Quotable Quotes of APJ Abdul Kalam 

 FOR MORE SUCH QUOTES CLICK ON THIS LINK 

INSPIRING QUOTES OF DR.APJ ABDUL KALAM WITH HIS PICTURES.. Courtesy Google.com …

 

મિસાઈલ મેનના ‘ભારત રત્ન’ એપીજે અબ્દુલ કલામના જીવનની કેટલીક યાદગાર તસ્વીરો જોવા માટે અહીં ક્લિક કરો. સૌજન્ય-સંદેશ 

 

સ્વપ્ન દ્રષ્ટા  ‘ભારત રત્ન’ એપીજે અબ્દુલ કલામને હાર્દિક શ્રધાંજલિ 

( 754 ) શ્રી પી.કે.દાવડાજીના અવલોકન /અનુભવની કથા …….

P.K.DAVDA

P.K.DAVDA

કહ્યું કશું ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘશ્યું.

અખાના છપ્પાની એક પંક્તિ છે, “કહ્યું કશું ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘશ્યું.” ઘણીવાર સાહિત્યમાં લખનારા અને વાંચનારાની સમજમાં બહુ ફરક હોય છે. આપણા ધાર્મિક ગ્રંથોમાં કહેલી વાતોનું અર્થઘટન બાબાઓ, બાપુઓ અને બાપજીઓ પોત પોતાની સમજ પ્રમાણે કરતા હોય છે.

એક સાદો દાખલો લઈયે. બાળક કાનો ગોપિયોની મટકીઓને કાંકરી મારી ફોડી નાખતો. હવે એની એક સાદી સમજુતી એ હોય કે મનુષ્ય દેહ ધારણ કરીએ આવ્યા હોવાથી વિષ્ણુને મનુષ્યની જેમ વર્તવું જરૂરી હતું, એટલે સામાન્ય બાળકની જેમ અટકચાળું કરી, એ ગોપિયોની મટકી ફોડી નાખતો. એક વિદ્વાને કહ્યું છે કે કાનો બધી ગોપીઓની મટકી નહોતો ફોડતો, માત્ર જે ગોપીયો ગોકુલના દુધ, દહીં, માખણ વેંચવા મથુરાના માર્ગે જતી તેની જ મટકી ફોડતો. કાનો માનતો કે ગોકુલના દુધ, દહીં, માખણ પર ગોકુલના બાળકોનો હક્ક છે. મને વળી એક તુક્કો સુજ્યો કે ગોકુલનો ગરીબ એક કુંભાર પ્રભુભકત હતો, કાનો જો માટલી ફોડે તો કુંભારનું ગુજરાન ચાલે, એટલે મેં મારી એક કવિતામાં લખ્યું,

“ગરીબ ગામનો કુંભાર, એના છોરાં હતાં ચાર,

કાનો એક મટકી ફોડે, કુંભાર ચાર પૈસા જોડે,

તારી લીલા આ અજાણી, ભક્ત દાવડાએ જાણી.” 

મને એકવાર જાણીતા બ્લોગર કેપ્ટન નરેન્દ્ર ફણસેએ કહ્યું હતું કે મોટાભાગના લખનારા, વાંચનારાઓને પોતાના માનસિક સ્તરના હોવાનું માનીને લખતા હોય છે. આધુનિક સાહિત્યમાં એમની વાતના અનેક પુરાવા મળી આવે છે, પણ આપણું આઝાદી પહેલાનું સાહિત્ય, અને તેમાંપણ કવિતાઓ બહુ સરળ ભાષામાં લખાયલી છે, જેથી બધા વાંચનારાની સમજ એક સરખી જ હોય છે. 

આજથી આ આખું અઠવાડીયું રોજ એક સરળ શબ્દોવાળી કવિતા મોકલીશ. મને ખાત્રી છે કે તમને ગમશે. 

વાંઢાની પત્નીઝંખના

જન્મકુંડળી લઈ જોશીને,પ્રશ્ન પૂછવા જાઉ;
જોશી જૂઠી અવધો કહે પણ, હું હઈએ હરખાઉ
.

મશ્કરીમાં પણ જો કોઈ મારી, કરે વિવાની વાત;
હું તો સાચેસાચી માનું, થાઉ રૂદે રળિયાત
.

અરે પ્રભુ તેં અગણિત નારી અવની પર ઉપજાવી;
પણ મુજ અરથે એક ઘડતાં, આળસ તુજને આવી
.

ઢેઢ ચમાર ગમાર ઘણા, પણ પરણેલા ઘરબારી;
કરતાં પણ અભાગીયો હું, નહિ મારે ઘેર નારી
.

રોજ રસોઈ કરીને પીરસે, મુખે બોલતી મીઠું;
મેં તો જન્મ ધરી એવું સુખ, સ્વપ્નમાં નહિ દીઠું
.

મુખના મરકલડાં કરિ કરિને, જુએ પતિના સામુ;
દેખી મારૂં દિલ દાઝે ને, પસ્તાવો બહુ પામું
.

વરકન્યા ચોરીમાં બેઠાં, એક બીજાને જમાડે;
અરે પ્રભુ એવું સુખ ઉત્તમ, દેખીશ હું કે દહાડે
?

ચૌટેથી ચિતમાં હરખાતો, ચાલ્યો ચાલ્યો આવે;
બાળક કાલું કાલું બોલી, બાપા કહિ બોલાવે
.

પુત્ર પુત્રીને પરણાવે, વ્રત ઉદ્યાપન વેળા;
હોમ કરે જોડે બેસીને, ભાળે જન થઈ ભેળા
.

અરે એવા પુરુષોએ મોટાં, પુણ્ય કર્યા હશે કેવા;
મેં શાં મોટાં પાપ કર્યા હશે, મળ્યા નહી સુખ એવાં
?

મૂરખ જેવાનાં મંદિરમાં, નિરખી બે બે નારી;
અરે વિધાત્રી અભાગણી, આતે શી બુધ્ધિ તારી
?

અહો મિત્ર મારા સંકટની, શી કહું વાતો ઝાઝી;
વિશ્વ વિષે પુરુષોના વૈભવ, દેખી મરૂ છું દાઝી
.

દલપતરામ

 

( 753 ) આજનો પ્રેરક વિડીયો / વૃદ્ધ દંપતી બીલ અને ગ્લેડ ની પ્રેમ કથા

આજે ચોમેર લગ્ન સંસ્થા અને લગ્નની ભાવનાનો હ્રાસ થઇ રહ્યો છે. અમેરિકામાં અને અન્યત્ર પણ નાની નાની બાબતોમાં લગ્ન ભંગ અને છુટા છેડાના કિસ્સાઓમાં ખુબ વધારો થતો જાય છે .

આમ હોવા છતાં આજે પણ એવી ઘણી વ્યક્તિઓ જોવા મળે છે જેઓ કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં પણ લગ્ન વખતે લીધેલ આજીવન સાથ નિભાવવાના કોલનું ચુસ્ત પાલન કરી એને નિભાવી એક પ્રસન્ન દામ્પત્યની મિશાલ રૂપ જીવન જીવી લોકોને પ્રેરણા આપી રહ્યા છે.

આજની પોસ્ટમાં પ્રસ્તુત વિડીયોમાં આવા એક આદર્શ વૃદ્ધ પતી-પત્ની વચ્ચેના

પ્રેમને ઉજાગર કરતી એક પ્રેમ કથા તમને જોવા મળશે.

પતી બીલ અને એની પત્ની ગ્લેડ (નામ પણ ખુશ કરી દે એવું છે !) નું ૫૦ વર્ષ નું પ્રસન્ન દામ્પત્ય છે. એમના કમનશીબે ગ્લેડ અલ્ઝાઈમર ના રોગમાં સપડાઈ એની સ્મૃતિ ખોઈ બેસી છે. આ સંજોગોમાં એનો પતી બીલ એની પ્રિય પત્નીની કેવી અથાક સેવા બજાવે છે એ જોઇને તમને એને સલામ કરવાનું મન થશે.

બીલ કહે છે ગ્લેડ મારી પ્રિન્સેસ છે હું એનો વિલિયમ છું.

આ બે ની પ્રેમ કથા દિલને સ્પર્શી જાય છે. એક આદર્શ દામ્પત્ય કેવું હોય એની સૌ માટે એક મિશાલ રચી જાય છે .

This year, a couple will celebrate their 50th wedding anniversary. The wife, Glad, has Alzheimer’s — requiring extra care from her husband, Bill.

A Couple’s Love Story Will Restore Your Faith In Marriage Today-2 ઑગ, 2013 પર પ્રકાશિત

ઉપર તમે એક વૃદ્ધ દંપતીનો વિડીયો જોયો .

હવે નીચેનો વિડીયો  એક પંજાબી કન્યા સીમરન અને કેનેડીયન

વર ફ્રેંક ના લગ્ન પ્રસંગનો છે.

 કેનેડીયન યુવક ૬ મહિના પ્રેક્ટીસ કરી એક જાણીતા હિન્દી ફિલ્મ નું ગીત

..તુમ હી તો હો …

ગાઈને કન્યાની આંખમાં પ્રેમનાં આંસુ લાવી દે  છે!

કેવું શુભગ ચિત્ર રચાય છે.!

આશા રાખીએ સીમરન અને ફ્રેંક ની જોડીનું દામ્પત્ય ઉપરના વિડીયોમાં

જોએલા બીલ અને ગ્લેડ જેવું સફળ નીવડે.

Tum Hi Ho | Frank & Simran |

Canadian Groom Sings to Indian Bride

આ લગ્ન વિષે વધુ વિગતો/ચિત્રો વી. નીચેની લીંક ઉપર ક્લિક કરી વાચો/જુઓ.

http://www.huffingtonpost.ca/2015/07/14/frank-and-simran-tum-hi-ho_n_7793588.html