વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જુલાઇ 2, 2015

( 743 ) મળવા જેવા માણસ – યુવા કવી શ્રી અનિલ ચાવડા….. પરિચય …શ્રી પી .કે.દાવડા

મળવા જેવા માણસની એમની પરિચય શ્રેણીમાં શ્રી .પી.કે.દાવડાએ ૪૭ મો પરિચય યુવા કવી શ્રી અનીલ ચાવડાનો કરાવ્યો છે.

શ્રી ચાવડા ની ગઝલો અને કાવ્યોથી હું સુપરિચિત છું . આ કવિએ થોડા વર્ષોમાં જ ફક્ત ૩૦ વર્ષની યુવા વયમાં કવી/લેખક  તરીકે જે નામના મેળવી અનેક સાહિત્ય રસિકોની ચાહના સંપાદન કરી છે એમાં હું પણ એક છું.

શ્રી ચાવડાનો પરિચય લેખ ઈ-મેલમાં મોકલતાં દાવડાજી  લખે છે …

“ખેતમજૂરી કરતાં માતા-પિતાને ત્યાં જન્મેલા અને આપબળે આગળ વધીને પોતાના નામની જેમ સાહિત્ય જગતમાં પ્રસરી રહેલા શ્રી અનિલ ચાવડાનો પરિચય કરાવું છું.” 

ચાલો આ મળવા જેવા સાહિત્યકાર મિત્ર શ્રી ચાવડાનો  વધુ પરિચય શ્રી દાવડાજીના નીચેના પરિચય લેખમાંથી મેળવીએ.

વિનોદ પટેલ  

મળવા જેવા માણસ  શ્રી અનિલ ચાવડા-

પરિચય- શ્રી પી.કે.દાવડા 

Anil c-1

અનિલભાઈનો જન્મ ૧૯૮૫માં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કારેલા ગામમાં થયો હતો. એમના પિતા માત્ર ત્રીજા ધોરણ સુધી ભણેલા હતા અને માતા નિરક્ષર. અનિલભાઈના જન્મ સમયે અને ત્યારબાદ ઘણાં વર્ષો સુધી તેમના માતાપિતા ખેતમજૂરી કરી જીવન ગુજારતાં રહ્યાં. કોઈ વાર ગામમાં મજૂરી ન મળે તો બીજા ગામમાં જઈ મજૂરી કરવી પડતી. આ સમય દરમ્યાન કોઈના ઢોર બાંધવાની ગમાણમાં કે ગામના બસ સ્ટોપમાં પણ સૂઈ રહેવું પડતું. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ આવું જીવન વ્યતિત કરવું પડતું.

આવી કારમી ગરીબીમાં પણ અનિલભાઈના માતાપિતાએ નિશ્ચય કર્યો કે અમારે અમારા દીકરાને ભણાવવો છે, જેથી એને અમારા જેવું જીવન વ્યતિત ન કરવું પડે.

સંજોગો અનુસાર અનિલભાઈનું પ્રાથમિક, માધ્યમિક અને હાઈસ્કૂલનું શિક્ષણ અલગ અલગ ગામમાં, અલગ અલગ શાળાઓમાં થયું.કેટલાંક વરસ એમને બોર્ડિંગમાં રહીને અભ્યાસ કર્યો. અભ્યાસ પ્રત્યે થોડી પણ અરૂચિ દર્શાવે ત્યારે એમના માતા એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દેતા કે ભણીશ નહિં તો જિંદગીભર અમારી જેમ મજૂરી કરીશ. અનેક કઠણાઈઓ વેઠી, અનિલભાઈએ ૨૦૦૦માં S.S.C.ની પરીક્ષા પાસ કરી. અગિયારમું અને બારમું ધોરણ એમણે અમદાવાદની બે અલગ અલગ શાળાઓમાં ભણી ૨૦૦૨માં H.S.C.ની પરીક્ષા પાસ કરી.

આ સમય દરમ્યાન વેકેશનોમાં મજૂરી કરી શાળાના ખર્ચ જેટલું કમાઈ લેતા. ૨૦૦૨થી ૨૦૦૫ દરમ્યાન અમદાવાદની એચ. કે. આર્ટ્સ કોલેજમાંથી B.A.ની ડીગ્રી પ્રાપ્ત કરી. ત્યારબાદ સરસપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ૨૦૦૭માં M.A.ની ડીગ્રી મેળવી.૨૦૦૮માં B.Ed.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ૨૦૦૯માં એમણે ખાનપુરની ભવન્સ કોલેજમાંથી જર્નાલિઝ્મનો કોર્સ કરી અભ્યાસની સમાપ્તિ કરી.

અભ્યાસકાળ દરમ્યાન પણ ૨૦૦૫-0૬થી અનિલભાઈ નવભારત સાહિત્ય મંદિરમાં નોકરીએ લાગી ગયેલા. આજે પણ તેઓ ત્યાં નોકરી કરી રહ્યા છે.

અનિલભાઈના લગ્ન ૨૦૧૧માં, રંજનબહેન સાથે થયાં હતાં . આજે દંપતીને એક પુત્ર છે.

                       Anil-c-2

અભ્યાસ દરમ્યાનના કપરા સમય દરમ્યાન પણ મા સરસ્વતીની એમના ઉપર કૃપા હતી. બહુ નાની ઉંમરથી તેઓ સાહિત્યસર્જન કરતા રહ્યા અને કવિતા લખવાનો આ શોખ એટલી હદે હતો કે એમનો એક મિત્ર પોતાની પત્નીને મોકલવાનો પત્ર એમની પાસે લખાવવા આવતો હતો એમાં પણ કવિતા લખી નાખતા. એમને પોતાને એક છોકરી પ્રત્યે આકર્ષણ થયેલું ત્યારે એને જે પત્ર લખતા એમાં પણ કવિતા તો ખરી જ. અમદાવાદમાં મળતી બુધ સભા, જે ધીરુભાઈ દ્વારા ચલાવવામાં આવે છે અને આજે પણ નિયમિત ચાલે છે તેમાં, અને શનિ સભા, જે ચિનુ મોદી દ્વારા ચલાવવામાં આવતી હતી, જે આજે બંધ છે, તેમાં, જ્યાં ચિનુ મોદી, ધીરુ પરીખ, લાભશંકર ઠાકર, માધવ રામાનુજ, રઘુવીર ચૌધરી, શોભિત દેસાઈ અને અનિલ જોષી જેવા નામાંકિત કવિઓ પણ આવતા, તેમાં અંકિત ત્રિવેદી, અશોક ચાવડા, ચંદ્રેશ મકવાણા, ભાવેશ ભટ્ટ વગેરે યુવાન કવિઓ આવતા, એમાં અનિલ ચાવડા પણ પોતાની કવિતાઓ રજૂ કરતા રહેતા.

આજે ત્રીસ વર્ષની નાની વયે પણ એમના સાહિત્ય સર્જનના વ્યાપને લીધે,સાંપ્રત ગુજરાતી સાહિત્યના પ્રવાહમાં તેમની હાજરીની નોંધ લેવાય છે.તાજેતરમાં એમને એમના ગઝલ સંગ્રહસવાર લઈનેમાટે સાહિત્ય અકાદમી– દિલ્હી દ્વારા ગુજરાતી ભાષા માટેનોયુવા પુરસ્કારઅર્પણ કરવામાં આવ્યો છે. ૨૦૧૦ માં એમને ગુજરાત સરકારનોયુવા ગૌરવ પુરસ્કારસાંપડ્યો અને તે જ વર્ષમાં I.N.T. ઇન્ડિયન નેશનલ થિયેટર – મુંબઈ) દ્વારા અપાતો શયદા એવોર્ડપણ તેમને અર્પણ થયો. ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૦૧૨૨૦૧૩નુંતખ્તસિંહ પરમાર પારિતોષિકમેળવનાર અનિલભાઈએ ગદ્ય સ્વરૂપોમાં કલમ અજમાવી, પ્રસિદ્ધ વાર્તા માસિકમમતાસંચાલિત વાર્તા સ્પર્ધાનું પ્રથમ પારિતોષિક પણ મેળવ્યું છે. હાલમાસંદેશઅખબારમાં તેમની કટારમનની મોસમપ્રગટ થઈ રહી છે.                                             Anil-c-3

         (યુવા ગૌરવ પુરસ્કાર સ્વીકારતા શ્રી અનીલ ચાવડા )

એમનું સર્જન કવિતા, વાર્તા, નિબંધ, અનુવાદ, સંપાદન એમ વિવિધ સ્વરૂપે જોવા મળે છે. એમના સાહિત્યમાં યોગ દાનનો અંદાઝ આપું તો એમનો એક કાવ્યસંગ્રહ, એક લઘુવાર્તાઓનો સંગ્રહ અને એક નિબંધ સંગ્રહ પ્રસિદ્ધ થયા છે.એક સહિયારું કાવ્ય સંગ્રહનું પુસ્તક અને પાંચ સંપાદનોનાં પુસ્તકો પણ છપાઈ ચૂક્યાં છે. ઉપરાંત એમણે ૧૯ પુસ્તકોનો અનુવાદ પણ કર્યો છે.

પોતાનાં કાવ્ય સર્જન વિશે અનિલભાઈ કહે છે :

કવિતા સથેનો મારો સંબંધ માત્ર લોહીનો નથી, પરસેવાનો પણ છે. કારણ કે હું સાવ સાદા-સામાન્ય ખેડૂતનો દીકરો. રોજનું કમાઈને રોજ ખાનારા કામદારનો છોકરો. નાનપણથી શબ્દને ઘુંટતો રહ્યો, અને એ શબ્દ કવિતા સુધી લઈ જશે એવી કલ્પના પણ નહોતી.”

સાહિત્ય સર્જનમાં એમની વિશેષ પહેચાન ગઝલકાર તરીકેની છે. અનિલભાઈ કહે છે, ગઝલ મારા ભાવોને, મારા વિચારોને, મારી મનોસ્થિતિને વ્યક્ત થવા માટે વધુ માફક આવે એવું સ્વરૂપ છે.એમની કવિતાઓમાં પ્રકૃતિનું વર્ણન ધ્યાન ખેંચે એવું છે. આ અંગે તેઓ કહે છે, “પ્રકૃતિ સાથે નાનપણમાં જીવ્યો છું. જે પ્રકૃતિ સાથે જીવ્યો છું એ પ્રકૃતિએ, મને ઘણી બધી બારીઓ ખોલી આપી છે. મારા શબ્દોને વહેવા માટે પ્રકૃતિએ રસ્તો કરી આપ્યો છે.”

વર્તમાનપત્રોમાં કોલમ લખવા માટે નિખાલસતાથી કહે છે, “લેખન જરૂરિયાતને આધીન અને ફરમાયશને આધીન રહીને પણ થાય છે. છાપાંમાં કોલમ લખવાથી મને પૈસા મળે છે. જે મારી જરૃરિયાત પણ છે.

એમનાં લખાણોની તમારે ખરેખરી મજા માણવી હોય તો તમારે એમની વેબસાઇટ http://www.anilchavda.com/ ની મુલાકાત લેવી પડશે. તમને એમની વેબસાઇટ જોવાનું મન થાય એટલા માટે અહીં થોડા નમૂના રજૂ કરું છું.

નીચે આપેલી પ્રત્યેક બે પંક્તિઓ આખે આખી વાત કહી જાય છે અને તે પણ બહુ વેધક રીતે.

() બેઉં ભેગાં મોકલીને આમ ના ગૂંચવ મને તું,
    સુખ અને દુઃખની વચાળે કોઈ રેખા પાતળી મૂક.

() એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા.
     ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં.

() જેને ડૂબાડી શક્યા નૈં કોઈ સરવર કે નદીદરિયા,
    એવી ઇચ્છાઓ ડૂબી ગઈ આપમેળે ઢાંકણી લઈને.

() સાચ્ચું પડવું હોય તો તું આવજે નહિતર નહીં,
     સ્વપ્નને મોઢા ઉપર ચોખ્ખું જ પરખાવી દઈશ.

()  સંપ માટીએ કર્યો તો ઇંટ થઈ,
  ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ.

અનિલભાઈની કલમે હજી આપણને ઘણું બધું મળવાનું બાકી છે.

પી. કે. દાવડા, ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયા .

( યુવા કવિ અનીલ ચાવડાનાં કેટલાક કાવ્યો/ગઝલોનો આસ્વાદ આ પછીની પોસ્ટમાં કરાવીશું.)

( 744 ) યુવા કવિ અનીલ ચાવડાનાં કાવ્યો/ગઝલો વી. નો આસ્વાદ

આ અગાઉની પોસ્ટમાં “મળવા જેવા માણસ – યુવા કવી શ્રી અનિલ ચાવડા “નો  પી.કે.દાવડા લિખિત પરિચય લેખ તમે વાંચ્યો હશે.

આ લેખના અનુસંધાન રૂપે આજની પોસ્ટમાં શ્રી અનીલ ચાવડાના કેટલાક કાવ્યો/ગઝલો વી. સાહિત્ય પ્રસાદીનો આસ્વાદ લઈને શ્રી ચાવડાનો વધુ પરિચય કરીશું.

કવી અને ગઝલકાર શ્રી અનીલ ચાવડાનું નામ ગુજરાતી સાહિત્ય જગતમાં હવે તો ખુબ જાણીતું બની ગયું છે. નાની ઉંમરમાં એમણે ઘણી સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે. 

શ્રી અનીલ ચાવડા કવિતાના માણસ છે . એમના શ્વાસમાં જ કવિતા  શ્વસતા હોય છે. જુઓ એમના પરિચયમાં તેઓ આ વિષે શું કહે છે :

“હું કવિતા લખું છું, કારણ કે મારે પોતાને મળવું છે. કવિતા દ્વારા હું મારા શ્વાસને ઈસ્ત્રી કરીને રાખી શકું છું. મેં આગને કાગળના પડીકે બાંધવાના મિથ્યા પ્રયત્નો કર્યા છે, અને આ પ્રયત્નોમાંથી ઉદભવી છે કવિતા. કવિતાએ મને નહીં આવેલાં આંસુને પણ લૂછવાની શક્તિ આપી છે. કવિતા દ્વારા હું મને જગત પાસે વંચાવી શકું છું.જિંદગીની દરેક પળે કવિતાએ મને જીવતો રખ્યો છે.”

 અનીલ ચાવડાની   મને ગમતી  બે રચનાઓ  

તો શું જોઈતું’તું ?…. ગઝલ  

વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ?
ને ક્ષણોની પોટલી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?

જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,
એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?

ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?

– અનિલ ચાવડા

ઉપરના કાવ્યને શ્રી ચાવડા પોતે સ્વ-મુખે પઠન કરતા આ વિડીયોમાં સાંભળો 

 જડ્યો જડ્યો હું જડ્યો……અનીલ ચાવડા

જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો,
ધરતીને કિરણો અડકે એમ જ્યારે તમને અડ્યો.

નાનકડો એક રજકણ હું તો
ક્યાં ઓળંગું સીમા?
ધૂળ અને ઢેફાની માફક
પડ્યો હતો માટીમાં;
પિંડ તમે બાંધ્યો મારો તો હુંય ચાકડે ચડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.

એક સવારે આમ તમારું
સવાર જેવું મળવું;
છાતી અંદર રોકાયું ના
રોકાતું કૂંપળવું !
પવન વગર પણ પાન ઉપરથી ઝાકળ જેવું દડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.

– અનિલ ચાવડા

ગુજરાત ગૌરવ પુરસ્કાર-2010 સ્વીકારતાં એમની રચનાઓ /મુક્તકો વી. રજુ કરતા શ્રી અનીલ ચાવડા -આ વિડીયોમાં નિહાળો . 

સુરત નિવાસી મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જર અને એમના બ્લોગ સન્ડે-ઈ-મહેફિલ ના સૌજન્યથી યુવા કવિ શ્રી અનીલ ચાવડાની ઘણી ચુનંદી ગઝલો/કાવ્યોનો આખો સંપુટ નીચેની  લીંક ઉપર ક્લિક કરીને માણો.

અનીલ ચાવડા-307.GEET-SeM-2014-10-19 

શ્રી અનીલ ચાવડા એક ગદ્ય લેખક તરીકે 

શ્રી ચાવડા કાવ્યો /ગઝલો ઉપરાંત એક સારા ગદ્ય લેખક તરીકે પણ ઉભરી રહ્યા છે એ એમના વિવિધ નિબંધ લેખોમાંથી જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે સંદેશ અખબારની કોલમમાં પ્રકાશિત આ લેખ વાંચીને ખાતરી કરી લો. પ્રાર્થના વિશેનો એમનો આ નિબંધ એ જાણે આપણે એક કવિતા વાંચતા ના હોઈએ એવો અહેસાસ કરાવે છે. 

પ્રાર્થના : પંખો બંધ કરીને પવનને બોલાવવાની પ્રક્રિયા 

 Anil c-1

શ્રી અનીલ ચાવડાના બ્લોગની લીંક

  http://www.anilchavda.com/archives/1481

આ બ્લોગમાં શ્રી અનીલ ચાવડાનો પરિચય એમના જ શબ્દોમાં

http://www.anilchavda.com/sample-page