ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
( 746 ) મળવા જેવા માણસ….શ્રી વિશ્વદીપ બારડ…. પરિચય …. શ્રી. પી.કે.દાવડા
મળવા જેવા માણસ…શ્રી વિશ્વદીપ બારડ….પરિચય…..શ્રી પી.કે.દાવડા

વિશ્વદીપભાઈનો જન્મ ૧૯૪૬ માં ભાવનગરમાં થયો હતો. ચાર ભાઈ બહેનોમાંથી એ સૌથી નાના હતા. એમના પિતા શ્રી ભગવાનભાઈએ માત્ર પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના નાના મોટા કામ કરતા હતા. માતા મણીબેન શિક્ષણથી વંચિત હતાં . મધ્યમ વર્ગી કુટુંબમાં રહીને વિશ્વદીપભાઈએ કરકસરનો પાઠ નાનપણમાં જ શીખી લીધેલો.
વિશ્વદીપભાઈનું પ્રાથમિક શાળાનું શિક્ષણ ભાવનગરની શામળદાસ સ્કૂલમાં થયેલું. ગાંધીજી પણ આ જ શાળામાં ભણેલા. આજે ૬૫ વર્ષો બાદ પણ એ શાળામાં ગવાતી પ્રાર્થના “અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા” એમની પ્રિય છે. ત્યારબાદ એમણે ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી,૧૯૬૫ માં S.S.C. ની પરીક્ષા પાસ કરી. પ્રાથમિક શાળાના અભ્યાસ દરમ્યાન,ગામમાં યોજાતા કથા–કિર્તનમાં હાજરી આપી, એમણે રામાયણ અને મહાભારતની કથાઓ સાંભળેલી. હાઈસ્કૂલ કોર્ટની નજીક હોવાથી ક્યારેક ક્યારેક કોર્ટમાં ક્રીમીનલ કેસની સુનાવણી સાંભળવા જતા.
S.S.C. ની પરીક્ષા પાસ કરી, ભાવનગરની શામળદાસ કોલેજમાં આર્ટસ વિભાગમાં એડમીશન લઈ એક વર્ષ પૂરૂં કર્યું. ૧૯૬૬ માં સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની સ્થાપના થઈ, અને એમની કોલેજ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં આવી, પણ એમને તો ગુજરાત યુનીવર્સીટીમાં જ ભણવું હતું એટલે એ ભાવનગરથી અમદાવાદ એમના બહેનને ઘરે આવી ગયા, અને અમદાવાદની એસ.વી. કોલેજમાં દાખલ થયા.અહીંથી તેમણે ૧૯૭૦ માં ગુજરાતી અને ઈતિહાસના વિષયો સાથે B.A. ની ડીગ્રી મેળવી. કોલેજના આ વર્ષો દરમ્યાન એમણે સવારના ૭ થી ૧૦ વાગ્યા સુધી કોલેજમાં અભ્યાસ અને ૧૧ થી રાત્રે ૮ વાગ્યા સુધી સોના–ચાંદીની દુકાનમાં એકાઉન્ટીંગનું કામ કર્યું, જેથી કોલેજના ખર્ચને પહોંચી વળાય.
વિશ્વદીપભાઈને શાળાના સમયથી જ કવિતા પ્રત્યે લગાવ હતો પણ એમણે કવિતાઓ લખવાની શરૂઆત કોલેજના અભ્યાસ દરમ્યાન કરી. ૧૯૬૭ માં એમણે પહેલી કવિતા “અદયભીંત” અને બીજી કવિતા “કોઈ બિચારી”. લખી.કોઈ બિચારી કવિતા “સ્ત્રી” સામયિકમાં છપાઈ. કોલેજની કાવ્ય સ્પર્ધામાં “ કહેશો નહી”-“હસતો રહ્યો” કવિતા પ્રથમ સ્થાને આવી. એમની કેટલીક કવિતાઓ કોલેજના બુલેટીન બોર્ડ પર પણ મૂકાઈ.

૧૯૭૦ માં ગ્રેજ્યુએટ થયા બાદ એમને ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટીમાં નોકરીમળી. ૧૯૭૨ માં એમના રેખાબહેન સાથે લગ્ન થયા. રેખાબહેને પણ સાયકોલોજી વિષય સાથે B.A. સુધીનો અભ્યાસ કર્યો છે. ૧૯૭૩માં દંપતિએ પુત્રી દિપ્તીનેજન્મ આપ્યો. રેખાબહેનના ભાઈયો અમેરિકામાં સ્થાયી થયા હતા. ૧૯૭૫ માં રેખાબહેનના ભાઈની સ્પોન્સરશીપથી વિશ્વદીપભાઈ એમની પુત્રી અને પત્ની સાથે કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યા.
શરૂઆતમાં એમણે Chicago માંવસવાટ કર્યો. અહીં ૧૯૭૭ માં એમના પુત્ર આશિષ નો જન્મ થયો. Chicago નીસખત ઠંડી અને હીમવર્ષા સહન ન થતાં, ૧૯૭૯ માં એમણે ટેક્ષાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં સ્થળાંતર કર્યું. એમના અમેરિકાના વસવાટ માટે વિશ્વદીપભાઈ કહે છે, “મારા માટે ભારત એટલે જન્મભુમી અને અમેરિકા એટલે કર્મભુમી..એક દેવકી મૈયા અને બીજા યશોદા મૈયા..યશોદા મૈયાએ પણ ઘણું ઘણું આપ્યુ છે. મારી કાર્યશિલતાની કદર થઈ છે. બેંકની જોબ દરમ્યાન જ્યારે મને..એમપ્લોઈ ઓફ ધ મન્થ (Employee Of The Month)ના બિરુદ સાથે સન્માન થયું અને બેંકના મેગેઝીનમાં મારો પરિચય સાથે ફોટો પબ્લીશ થયો એ બતાવે છે કે અમેરિકા જેવા દેશમાં તમારા કામની કદર થાય છે.
અહીં જ મને ૧૯૮૧માં હ્યુસ્ટન ઈન્ડિપેન્ડ્ન્ટ સ્કુલ ડિસ્ટ્રીકમાં પ્રોક્યુરમેન્ટ ઓફિસર (ખરીદી ઓફીસર) તરીકે જોબ મળી, મારી પત્નિ પણ સ્કુલ ડીસ્ટ્રીકમાં એકાઉન્ટીગમાં જોબ કરતાં હતાં.અહીં જ દીકરી કમ્પુટર એન્જિનર થયાં બાદ એમ.બી.એ. સાથે ટેક્ષાસ ઈન્સ્ટ્રુમેન્ટમાં એન્જિનયર તરિકે જોડાઈ.અને દિકરાએ મેડિકલ ફિલ્ડમાં આગળ વધી એમ.ડી કરી પિડિયાટ્રીક ગેસ્ટ્રોએન્ટોલોજીસ્ટમાં સ્પેસ્યાલીસ્ટ થયો. માત્ર એટલું જ નહિં, ૨૦૦૯માં ‘ઈન્ટરનેશન વુમન ફૉરમ’ સંસ્થા જેમાં હિલરી ક્લિન્ટન,માર્ગારેટ થેચર જેવી, વિશ્વની ટૉપ ૨૦ મહિલાનો સમાવેશ થાય છે, તેમાં મારી દીકરી દિપ્તિની પસંદગી થવાથી એ પ્રસંગ મારા અને મારી પત્ની, સમગ્ર ગુજરાત માટે અતિ–આનંદ અને ગૌરવની વાત હતી.”
અમેરિકામાં ઠરીઠામ થયા પછી એમનું મન પાછું સાહિત્ય પ્રવૃતિ પાછળ દોડ્યું.હ્યુસ્ટનમાં એના માટે યોગ્ય વાતાવરણ પણ હતું. હ્યુસ્ટનમાં અનેક સાહિત્યપ્રેમીઓ સાહિત્ય સરિતા નામે મંડળ ચલાવે છે, અહીંની સભાઓમાં વિશ્વદીપભાઈને પોતાની રચનાઓ રજૂ કરવાનો મોકો મળ્યો. ૨૦૦૨માં “કાવ્ય સુંદરીની સાથે સાથે” નામના પુસ્તકનું શ્રી આદિલ મન્સૂરીના હાથે વિમોચન થયું. ત્યારે એમણે કહેલું, “આવતી કાલે આ નાનકડી કલમ એક વૃક્ષ બનશે”, આમ કલમ શબ્દનાબેવડા અર્થમાં એમણે ભવિષ્ય ભાખી લીધું. લગભગ આ સમયમાં જ ગુજરાતી બ્લોગ્સ લોકપ્રિય થવા લાગ્યા. બ્લોગ્સમાં એમના કાવ્યો, નિબંધો અને વાર્તાઓ મૂકાવા લાગી.
પ્રો. સુમન અજમેરી, શ્રી રાધેશ્યામ શર્મા, શ્રી ધીરૂભાઈ પરીખ જેવા જાણીતા સાહિત્યકારોના માર્ગદર્શન હેઠળ એમનું સર્જન અવિરત ચાલુ રહ્યું.એમની ઘણી લઘુ કથાઓ “કુમાર” માસિકમાં પણ પ્રસિધ્ધ થઈ. એમના સર્જનોના રસાસ્વાદ પણ થયા.

(રેડિયો સ્ટેશનમાં કાર્યક્રમની રજૂઆત)
એમના સર્જનનો આનંદ મેળવવા તમારે એમની રચનાઓ વાંચવી જોઈએ, છતાં આ લેખની મર્યાદામાં રહી, એમની થોડી કાવ્ય પંક્તિઓ અહીં રજૂ કરૂં છું.
માર્ગમાં અમથા મળેલા ગમ હજુંએ યાદ છે,
ખાલી મળેલા સ્મિત મહીંના ભાર પર હસતો રહ્યો..
બીજા એક કાવ્યમાં તેઓ કહે છે,
ક્યાં હતું મારું અહીં કોઈ ઠેકાણું આ શહેરમાં?
ઝાંઝવાના ઝળ મને કેમ અહીં શોધવા નીકળ્યાં ?
એમના સર્જનો માટે તમે એમના આ બે બ્લોગ્સ
ની મુલાકાત લઈ શકો છો.
૨૦૦૮ માં શ્રી રાધેશ્યામ શર્માએ વિશ્વદીપભાઈનો પરિચય જનસત્તામાં પ્રકાશિત કર્યો જે ત્યારબાદ “સાક્ષરનો સાક્ષાત્કાર” પુસ્તકમાં સામિલ કરવામાં આવ્યો.આજે અમેરિકામાં ચાલતી સાહિત્યપ્રવૃતિમાં એમનું નામ જાણીતું છે. ૨૦૦૪ માં એમના બાળકોએ કહ્યું, “ડેડી, તમે તમારી ફરજ બજાવી, આર્થિક–માનસિક બધીરીતે શિક્ષણ અને સંસ્કાર આપી આપની ફરજ બજાવી, હવે આપ નિવૃતિ લઈઆપનું જે સ્વપ્ન છે ગુજરાતી સા.હિત્યમાં કવિતા–વાર્તા લખવાનું તે હવે પુરુ કરો.”
બાળકોની વાત માની એમણે ૨૦૦૪ માં ૫૭ વર્ષની વયે નિવૃતિ લીધી.૨૦૦૪ માં જ ત્રણ મહિના માટે વતનમાં રહી આવ્યા, અને એ દરમ્યાન અનેક કવિ, લેખકો અને ચિંતકોને મળી એમનું માર્ગદર્શન લીધું. અમેરિકામાં ૨૦૧૨માં હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાનું પ્રમુખપદ સંભાળેલ. તેઓ કહે છે, “મારુંમૂખ્ય ધ્યેય પરદેશમાં આપણી માતૃભાષા અને આપણાં સંસ્કાર સદા જવલંતરહે એના માટેના પ્રયાસ રુપે, વતનમાંથી આવતા આપણાં સાહિત્યકારોનો લાભલઈ, એમના કાર્યકમોનું આયોજન કરી, અહીં વસતા ગુજરાતીઓમાં ભાષાનો રસ જળવાય રહે તેવા અથાક પ્રયાસો ચાલું રાખવાનો છે.”
નિવૃતીની અન્ય પ્રવૃતિ વિશે તેઓ કહે છે, “હું અને મારી પત્ની રેખા દર વર્ષે મા–ભોમની મુલાકત લઈએ છીએ.ભાવનગરમાં માનવતા ભર્યા કાર્યમાં રસ લઈ પ્રવૃત રહીએ છીએ.ખાસ કરીને…શિક્ષણ ક્ષેત્રે ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી આગળ ભણવામાં પ્રોત્સાહિત કરવા,.બાળકોને આગળ અભ્યાસમાં માર્ગ–દર્શન,.જોબ શોધવામાં માર્ગ–દર્શન તેમજ તેમને લગતા સેમિનાર યોજવા,આરોગ્યક્ષેત્રે ‘’આઈ–કેમ્પ”, બ્લ્ડકેમ્પ, હેલ્થકેર–કેમ્પ યોજવા. આવા કાર્યમાં ત્રણ મહિના ક્યાં પસાર થઈ જાય છે તેનો ખ્યાલ પણ નથી રહેતો..આમાં જે આનંદમળે છે તેનું વર્ણન શબ્દમાં આલેખી શકાય તેમ નથી.”
એમના જીવનનો મંત્ર છે “થઈ શકે તો કોઈનું ભલું કરજો, પણ કોઈનું બુરૂં કદી ન ઇચ્છજો, ન કરજો.”
મારી શુભેચ્છા છે કે વિશ્વદીપભાઈ પોતાનો સાહિત્ય સેવાનો અને સમાજ સેવાનો દીપ સદાય પ્રજ્વલિત રાખે.
-પી. કે. દાવડા,ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયા
Like this:
Like Loading...
Related
આપ આપના બ્લોગ પર”મારો પરિચય” મુકવા બદલ હાર્દિક આભાર
LikeLike