વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જુલાઇ 17, 2015

( 748 ) વડોદરાના વૃધ્ધે પોતાનું આખું પેન્શન પુસ્તકો ભેટ આપવામાં ખર્ચ્યુ

Gandhi Sketch- vrp -4“પુસ્તકનું મૂલ્ય રત્નથી પણ વિશેષ છે. રત્ન બાહ્ય ચમક બતાવે છે. જ્યારે પુસ્તક અંત:કરણને અજવાળે છે. જેને પુસ્તક વાંચવાનો શોખ છે તે સર્વત્ર સુખી રહી શકે છે. પુસ્તકો મન માટે સાબુનું કામ કરે છે.”
મહાત્મા ગાંધી

વિદ્યા- જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પુસ્તકોનો ફાળો અગત્યનો છે.વિદ્યાર્થીઓ માટે પુસ્તકો એ વિદ્યા પ્રાપ્ત કરવાનું એક મહત્વનું સાધન છે.દેશ દુનિયાનું જ્ઞાન આપણને પુસ્તકો આપે છે. માણસના સુખ અને દુઃખમાં સાચા મિત્રની જેમ પુસ્તકોનો સહારો આશ્વાશન રૂપ બને છે. મિત્ર કદાચ સાથ છોડી દેશે પણ પુસ્તકો હમ્મેશાં સાથે રહેવાનાં છે . 

આજે ઈન્ટરનેટ અને આધુનિક ટેકનોલોજીનાં ઉપકરણોની સુવિધાઓથી છાપેલા પુસ્તકની અગત્યતા ઓછી થઇ રહી છે એમ લાગે છે.એમ છતાં હજુ પણ પુસ્તક પ્રેમીઓમાં પ્રકાશિત થતાં છાપેલાં પુસ્તકો માટેનું આકર્ષણ બરકરાર છે જે પુસ્ત્કાલયોમાંથી પ્રાપ્ત માહિતી જોતાં જણાય છે.

ગુજરાતમાં વાંચે ગુજરાત અભિયાન એના મુખ્ય પ્રણેતા શ્રી નરેન્દ્ર મોદીની રાહબરી નીચે શરુ થયું હતું એ આપણે જાણીએ છીએ. 

વાંચે ગુજરાતની વીબ સાઈટની અહીં મુલાકાત લો.

ગુજરાતમાં પુસ્તકોના પ્રચાર અને પ્રસાર માટે કામ કરી રહેલ કેટલાક ભેખ ધારી ગુજરાતી મહાનુભાવોનો પરિચય કરાવતો એક લેખ દિવ્ય ભાસ્કરમાં પ્રગટ થયો છે એ નીચે પ્રસ્તુત છે. આ સેવકોની સેવા ભાવનાને સલામ .

વિનોદ પટેલ

———————————–

વડોદરાના વૃધ્ધે પોતાનું આખું પેન્શન પુસ્તકો ભેટ આપવામાં ખર્ચ્યુ

Pustak-1

(તસવીર: 11 જિલ્લાના લોકો પાછળ પોતાનું તમામ પેન્શન ખર્ચી પુસ્તકો ગીફ્ટ કરનાર પ્રતાપભાઇ પંડ્યા)

વડોદરા: અત્યાર સુધી પોતાના પુસ્તક પરબ થકી 11 લાખથી પણ વધુ પુસ્તકો દાન કરનાર પ્રતાપ પંડ્યા વિદ્યાદાનનું કર્તવ્ય પાલન કરે છે. છેલ્લાં 10 વર્ષથી તેઓ ગુજરાત પુસ્તક પરબના માધ્યમથી જે ગામમાં પુસ્તકાલયોની સુવિધા નથી અથવા તો જ્યાં વાંચવાની સુવિધા નથી ત્યાં પુસ્તકો પહોંચાડે છે. તેમણે આ ભગીરથ કાર્યમાં પોતાને પેન્શનમાં મળતી તમામ રકમ ખર્ચીનાખી છે.

પ્રતાપભાઇના સંતાનો જ્યારથી વિદેશમાં સ્થાયી થયા છે ત્યારથી તેમને પુસ્તક એટલે કે વિદ્યાદાનમાં મદદ કરે છે. તેમણે વડોદરા જિલ્લાથી શરૂઆત કરી હતી. આજે આ વાંચન પ્રવૃત્તિ 11 જિલ્લાઓ સુધી પહોંચી છે. તેમણે આજે વર્લ્ડ બૂક ડે પર એક સંકલ્પ લીધો છે કે, દેશવિદેશના કોઈ પણ ખૂણે વસતા ગુજરાતીને કોઈ પણ પુસ્તકની જરૂર હશે તો હું તેને મારા ખર્ચે પુસ્તક મોકલીશ.

ઇ રિસોર્સીસ કરતા પુસ્તકોના પ્રિન્ટેડ અવતારના વાચકો વધુ…

શહેરના શિલ્પાબેન શહેરના ગાર્ડનમાં જઇને લોકોને પુસ્તકો આપે છે….

Pustak-2

(શહેરના તમામ ગાર્ડનમાં જઇ 16 મહિનામાં 2200 પુસ્તકો ગીફ્ટ આપનાર શિલ્પા શેલત)

શિલ્પા શેલતે 16 મહિનામાં 2,200 લોકો સુધી પુસ્તકો પહોંચાડ્યા 

શહેરના શિલ્પા શેલત 2014થી પુસ્તક પરબના માધ્યમથી લોકોને પુસ્તકો ફ્રીમાં વાંચવા આપે છે. દર મહિનાના પહેલા રવિવારે તેઓ શહેરના પાંચ સ્થળોએ પુસ્તકો આપે છે. કમાટીબાગ ઉપરાંત દીવાળીપુરાના અવિચલ ઉદ્યાન, સુભાનપુરા ગાર્ડન, ગોરવા વર્કશોપની પાછળના ભાગના ઉદ્યાનમાં અને માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ પાછળ આવેલા મંદિર ખાતે અને હવે પોતાના ઘરમાં ‘ગ્રંથ મંદિર’ની શરૂઆત કરી છે. તેઓ કહે છે કે,‘ગુજરાતી ભાષા બચાવવા એક જવાબદાર ‘ગુજરાતી’ તરીકે પુસ્તકો આપવા પડશે.’

પુસ્તકોના પ્રિન્ટેડ અવતારમાં જ વાંચનની મજા આવે

બુક્સ હવે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. એક ટચ કે ક્લિક કરતાં લાખો ઇ રિસોર્સિસ સામે આવી જાય છે. પણ સિટીની બે મુખ્ય લાઇબ્રેરીઝના ડેટા કહે છે કે, બૂક લવર્સ બરોડિયન્સમાં હજી પણ પ્રિન્ટેડ બૂક્સ જ ફેવરિટ છે. પુસ્તક સાથેની વાંચવાની ફિલિંગ્સ તો બૂક્સના પ્રિન્ટેડ ‘અવતાર’માં જ મળે છે. શહેરની સેન્ટ્રલ લાઇબ્રેરી અને હંસા મહેતા લાઇબ્રેરીના રિડર્સ અને બૂક્સના ડેટા કહે છે કે, ડિજિટલ રિડર્સ વધ્યાં છે પરંતુ પ્રિન્ટેડ બૂક્સ તેની સરખામણીમાં વધુ ઇશ્યૂ કરવામાં આવે છે. એચ એમ લાઇબ્રેરીમાં છેલ્લા બે વર્ષની સરખામણી કરીએ તો પણ પ્રિન્ટેડ બૂક્સના વાચકો જ અનેક ગણા છે. સેન્ટ્રલ લાઇબ્રેરીમાં પણ સંખ્યા વધી જ છે. 

પુસ્તકો વિષે શું કહે છે વડોદરા શહેરના પીઢ વાચકો…

બૂક મારા માટે મિત્ર અને ગુરુ છે- હસમુખ શાહ

આઇપીસીએલ ના પૂર્વ ચેરમેન હસમુખ શાહ કહે છે કે, પુસ્તક મારા માટે મિત્ર અને ગુરુ છે. જ્યારે પુસ્તક વાંચવાનું થાય ત્યારે મન ભર્યું ભર્યું થઇ જાય છે. ટોલ્સટોય હોય કે ટાગોર હોય. ગોવર્ધન રામ હોય કે મનુભાઇ પંચોળી હોય કે મહાભારત. પુસ્તકનું સખ્ય હંમેશાં ઉમદા જણાયું છે. પુસ્તક જેવો મિત્ર જીવનના દરેક વળાંકે માર્ગ ચિંધનાર છે.

પુસ્તકો જીવનનો આનંદ છે-અવધૂત સુમંત

શહેરના જાણીતા એડવોકેટ અવધૂત સુમંત કહે છે કે પુસ્તકો જીવન માટે આનંદ છે અને શિક્ષક પણ છે. પુસ્તક ચાલતી સંકલ્પના છે. પુસ્તક વાંચવાથી મારામાં ઇન્સ્ટન્ટ ચેન્જ આવતો હોય તેવું લાગે છે. એ પુસ્તકો માઇન્ડનું ઇમ્પ્રૂવાઇઝેશન કરે છે. ધ્રુવ ભટ્ટ અને સ્વામી રામસૂરદાસના પુસ્તકો વાંચવા ગમે છે.

સૌજન્ય-  દિવ્ય ભાસ્કર .કોમ