પ્રિય મોરારિ બાપૂનાં શબ્દોમાં કહીએ તો રમેશ પારેખ કાંઇક ભાળી ગયેલો કવિ છે. ર. પા. કથાનો એક સરસ ઉપક્રમ રાજકોટનાં આંગણે રચાયો. રામ કથા હોય, શિવ કથા હોય, ભાગવત કથા હોય, હમણાં હમણાં ગાંધી કથા પણ સાંભળી. પણ આ ર. પા. કથા? પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપક્રમે શિવરાત્રિનાં પાવન દિવસે ર. પા.નાં જીવનસંગીની રસીલાબેન અને એમનાં કુંટુંબીજનની હાજરીમાં સૌ સહભાવકો સાથે અમે, એટલે મેં અને મારી કોકિલાએ સજોડે ર. પા. કથાનું શ્રવણ કર્યું. ર. પા. ખુદ એસએસસી પાસ પણ યુનિવર્સિટી એમને ડોકટરેટ ઓફ લિટરેચરથી સન્માને. ર. પા. ખુદ કેટલાંયની પી. એચ. ડી.નો વિષય બન્યા. એમની ખુમારી, એમની ખુદ્દારી, એમની સરળતા, એમની સહજતા- અમે અનુભવી હતી. કથાકાર ડો. ગુણવંત વ્યાસને તો ર. પા.નો અંગત પરિચય ઓછો. પણ એમણે ર. પા.ની જે અંતરંગ વાતો કરી, એની મઝા કાંઇ ઓર જ હતી.
રમેશ પારેખ શબ્દનો સ્વામી છે. ગુજરાતી ભાષા એનાં ઘરે પાણી ભરે છે. હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા જેવા બાળકાવ્યો, એક છોકરીનાં હાથમાંથી રૂમાલ પડે જેવા છોકરા-છોકરી ઘરાનાનાં ગીતો, પાંદડું કેવી રીતે પીળું થયું જેવી ગઝલો, મનજી ઓઘડદાસ જેવા વ્યક્તિ કાવ્યો, આલા ખાચર જેવા કરૂણ વ્યંગ કાવ્યો અને મીરાં સામે પાર જેવી આધ્યાત્મ ઊંચાઇ..આવા ચોવીસ કેરેટ શુદ્ધ સોનાનાં સોળ શણગારનાં બત્રીસ લક્ષણા સર્જક, ર. પા. ર. પા. તમે પેલે પાર બહુ વહેલાં ચાલ્યા ગયા?
કથાનો વિચાર કવિ શ્રી હર્ષદ ચંદારાણાનો, રાજકોટમાં કરવી તેવો નિર્ધાર શ્રી કૌશિક મહેતાનો, તૈયારી પ્રા. મનોજ જોશીની અને એને વધાવી લીધો કુલપતિ શ્રી મહેન્દ્ર પાડલિયાએ. પાડલિયા સાહેબે શ્રોતા અને સહભાવકો માટે સરસ શબ્દ પ્રયોજ્યો, સત્સંગીઓ. કથા હોય તો શ્રોતાને સત્સંગીઓ કહેવાય એ વાત જ મને અને કોકિલાને આધ્યાત્મિક ઊંચાઇએ લઇ ગઇ. મુખ્ય મહેમાન જય વસાવડા ધારદાર વક્તા તો ખરા જ. ર. પા. ચાહક પણ એટલાં જ. કવિ સ્મૃતિ વાગોળતા જય વસાવડાએ કહ્યું કે જ્યારે એમણે નવો નવો મોબાઇલ ફોન લીધો ત્યારે રમેશ પારેખની ઇન્સ્ટન્ટ કોમેન્ટ હતી કે આ ગલકું ક્યાંથી લઇ આવ્યો? મોબાઇલ ફોન ખરેખર તો નૂસન્સ જ છે તેવી ર.પા.ને પહેલેથી જ ખબર હતી. ભારત દેશમાં આજે સંડાસની સંખ્યા કરતા મોબાઇલ ફોન વધારે છે ત્યારે અમને થાય છે કે મોબાઇલ ફોન ખરેખર તો ત્રાસ રૂપ જ છે. તમે તમને પણ ન મળી શકો. એમાં ય રીંગ ટોન વાગવા માંડે. ર. પા. બધું પહેલેથી જ જાણી લેતા હતા. ર. પા. ભવિષ્યવેત્તા હતા, ર. પા. કવિ ઉપરાંત ગાયક, ચિત્રકાર, વૈદ્ય, સંમોહન વિદ્યાનાં જ્ઞાતા હતા. ફૂલછાબે એમને ગદ્ય લખવા ઇજન આપ્યું અને જય વસાવડાનાં શબ્દોમાં કહીએ તો તંત્રી કૌશિકભાઇએ આપણને ર. પા. નાં રસોડા સુધી પહોંચાડ્યા. આપણને પહેલી વાર ખબર પડી કે આ કવિતાની અવનવી રસપ્રચૂર વાનગીઓ આવે છે ક્યાંથી?
કથાકાર ડો. ગુણવંત વ્યાસની ભાષા અને શૈલી રીઢા સાહિત્યકાર કોગળા કરે તેવી જરા ય નહોતી. ઘણી વાર સાહિત્યકારો મોઢામાં ગુજરાતી ભાષા ભરી, એને ગુળગુળ અવાજ થાય તેમ ખખડાવી થૂંકી નાંખે છે. માત્ર થોડા છાંટા ઊડે. કાંઇ સમજાય નહીં. પણ આ કથામાં વધારે પડતી સાહિત્યિક ચીરફાડ નહોતી. એટલે વધારે મઝા આવી. સાહિત્યમાં ઊંચાઇએ પહોંચેલા શિષ્ટ સાહિત્યકારો હંમેશા એકલા હોય છે. પોતે જ જાણે અને પોતે જ સમજે. ર. પા. ની માફક લોકભોગ્ય શિષ્ટ સાહિત્ય સર્જવું વધારે અઘરું છે.
ર. પા.ની જીવન યાત્રાનાં પ્રસંગો સાંભળીને અમે ગદગદ થયા. મનોજભાઇએ રાગ ભૈરવીમાં મન પાંચમનાં મેળામાં ગાયું અને કથા સંપન્ન થઇ. તે પછી પણ એક સરસ ઉપક્રમ યોજાયો. શ્રોતાઓને પ્રતિભાવ આપવાનું ઇજન અપાયું. કવિ શ્રી હર્ષદ ચંદારાણાની આંખો લાગણીથી અશ્રુભીની થઇ. ગળે ડૂમો બાઝ્યો. કેટલાંય અભિભાવકો અથવા પાડલિયા સાહેબનાં શબ્દોમાં સત્સંગીઓએ પોતાની વાત કરી. કવિ ડો. જયદીપ નાણાંવટીએ કથા પછી પ્રસાદ રૂપે એમનો નવોનક્કોર કાવ્યસંગ્રહ ભાવકોને ભેટ ધર્યો. મારી કોકિલાએ પ્રતિભાવ આપતા કહ્યું કે આજે શિવરાત્રિએ અમે સામાન્ય રીતે પૂજાઅર્ચના કરીએ, શિવાલયમાં જઇને મહામૃત્યુંજયનાં જાપ કરીએ. એનાં સ્થાને આજે ઘરમાં પણ પૂજા કરવાની રહી ગઇ. પણ ર. પા.ની રસકથામાં અમે તરબોળ થયા.
આમ તો આખા દિવસની ર.પા. કથાનાં શ્રવણ પછી શિવાલયમાં દર્શને જવાની જરૂર નહોતી. પણ સમય હતો એટલે અમે અમારા અંતરંગ મિત્ર ડો. જયપ્રકાશ ભટ્ટ સાથે મુંચકાનાં સોમેશ્વર મંદિરે ગયા. જોડા ગાડીમાં મુક્યા. આમ તો ચોરાતા નથી પણ વ્હાય ટૂ ટેઇક અ રીસ્ક?યુ સી.. દર્શન કરતા ટેન્સન ન થવું જોઇએ. મંદિરનાં પગથિયાં ચઢતા’તા ત્યાં એક સ્વયંસેવકે કહ્યું કે નીચે સભાખંડમાં આધ્યાત્મિક ગીતસંગીતનૃત્યનો કાર્યક્રમ છે. ત્યાં પધારો. મેં કહ્યું પણ આજે શિવરાત્રિએ પહેલા શંકર ભગવાનને મસ્તક નમાવીએ પછી નીચે જઇએ. પણ પેલા સ્વયંસેવકે કહ્યું કે ભગવાનનાં દર્શન તો ગમે ત્યારે થશે. કાર્યક્રમ પછી જોવા નહીં મળે. સ્વયંસેવકનાં આગ્રહને વશ થઇમે અમે પ્રભુદર્શનને પડતા મુક્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમનાં સભાખંડમાં ગયા. બેસવાની જગ્યા નહોતી. ઊભા રહ્યા. કાર્યક્રમ માણ્યો. પછી ભગવાનનાં દર્શન કર્યા. મિત્ર ભટ્ટસાહેબે કહ્યું કે પેલા સ્વયંસેવકે ખૂબ ઊંચી વાત કરી હતી. એણે કહ્યું હતું કે ભગવાન તો ગમે ત્યારે મળશે પણ જે આપણને આપણી સંસ્કૃતિ, આપણી ભાષાથી પરિચય કરાવે, આપણને જીવવાની રીત શીખવાડે, એવા કાર્યક્રમને પ્રાધાન્ય આપવું. શિવરાત્રિએ કદાચ શિવજીનાં દર્શન ન થયા હોત તો અફસોસ ન થાત. પણ ર. પા. કથામાં ન ગયા હોત તો અફસોસ ચોક્ક્સ થાત. સમજ્યા ચંદુભાઇ?
કલરવ:
એક પછી એક ઊંચકે પરદા રમેશ રોજ વહેંચે છે નવા સપનાં રમેશ
મસ્ત્ય માફક આંખ એમાં ઊતરે એમ કાગળ પર કરે દરિયા રમેશ
દુ:ખ ઘણાં દાઢી વધ્યા જેવાં અને જીવ કરતો પેટમાં જલસા રમેશ
આ સદીમાં હોવું યાને ધન્યતા આ સદીની ગુજરાતી ઘટના રમેશ
– ભરત વિંઝુડા
છ અક્ષરનું નામ એટલે રમેશ પારેખ, કેમ એમ તો એનો ઉત્તર
નીચે એમના કાવ્યોમાં તમને મળશે.
રમેશ પારેખ નાં અનેક કાવ્યોના ઢગલામાંથી મેં ચૂંટેલાં આ ત્રણ કાવ્યો
મારી જેમ આપને પણ માણવાનાં ગમશે.
રમેશ પારેખના જ હસ્તાક્ષરો માં લખેલ આ આ કાવ્યનો ભાવ કેટલો સરસ છે !
એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું, ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.
સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો, બળી ‘ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.
આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં, તો ય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.
આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ, એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
–રમેશ પારેખ
દરિયામાં હોય એને મોતી કહેવાય છે તો આંખોમાં હોય તેને શુ ? અમે પૂછ્યું,લે બોલ હવે તું! પંખી વછોયી કોઈ, એકલી જગાને તમે માળો કહેશો કે બખોલ ? જોવાતી હોય કોઈ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ ? બોલો સુજાણ ઉગ્યું, મારામાં ઝાડવું કે ઝાડવામાં ઉગી છું હુ…. ઉંચી ઘોડી ને એનો ઉંચો અસવાર એના, મારગ મોટા કે કોલ મોટા, દરિયો તરવાની હોડ માંડે તો એના, પાણી જીતે કે પરપોટા? સુરજ ન હોય તેવી,રાતે ઝીકાય છે,તડકાઓ હોય છે કે લૂ ?!
– રમેશ પારેખ
આ કાવ્યને વિડીયોમાં સાંભળી ર.પા .ને સ્મરણમાં લાવી મનથી એને
સ્મરણાંજલિ આપીએ….
દરિયામાં હોય એને મોતી કહેવાય છે તો આંખોમાં હોય તેને શુ ?
વાચકોના પ્રતિભાવ