વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 2, 2015

( 760 ) મર્યાદાને કરો નજરઅંદાજ…. લેખક- શ્રી પ્રફુલ શાહ

“ભગવાન જ્યારે એક દ્વાર બંધ કરે છે ત્યારે બે દ્વાર ખોલી આપે છે. પરંતુ લોકો બધો વખત બંધ દ્વારને જ જોયા કરે છે એટલે બીજાં દ્વાર એમને દેખાતાં નથી.”- 

–હેલન કેલર( અંધ, મુક અને બધીર જગવિખ્યાત પ્રતિભા )

એક પ્રજ્ઞા ચક્ષુ યુવાન પ્રતિભા આશિષ ગોયલનાં ઓજસ ….

અસાધ્ય બીમારીને લીધે દૃષ્ટિ ખોઈ બેસનારા યુવાન આશિષ ગોયલની સિદ્ધિથી ભલભલાની આંખો પહોળી થઈ ગઈ

ક્યારેક સફળતાથી વધુ મહત્ત્વની હોય છે એ પામવા માટેની સફર એ સફરમાં આવતી અણધારી આફતો અને એમાંથી હેમખેમ, હસતાં-રમતાં આગળ વધવાની જીદ એક વ્યક્તિને મુઠ્ઠી ઊંચરો બનાવી દે છે. પાછો આ સંઘર્ષ જરાય હોબાળા વગર એટલો સહજપણે થાય કે અત્યંત વિકટ હોવા છતાં જાણે ચપટી વગાડવા જેટલો સરળ લાગે. હોય નહિ છતાં સરળ લાગે. આ વાતો કરવા પાછળ છે આજની વ્યક્તિની વાત.

Praful goyalનામ આશિષ અશોક ગોયલ. હાલ લંડનમાં રહેતો આ મુંબઈના પરા મલાડનો યુવાન જે. પી. મોર્ગનનો પહેલો પ્રજ્ઞાચક્ષુ ટ્રેડર બન્યો. કદાચ વિશ્ર્વની કોઈ પણ બૅન્કનો એ પહેલો પ્રજ્ઞાચક્ષુ બૅન્કર હોય તો પણ નવાઈ નહિ. હાલ આ હિંમતબાજ જે. પી. મોર્ગનની ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસમાં પોર્ટફોલિયો મેનેજરની કામગીરી બજાવે છે.

આશિષની સફળતાની ગાથા એકદમ હટકે છે. એકદમ અસાધારણ. એના માટે અગાઉ કંડારાયેલી તૈયાર કેડી નહોતી. પરંપરાગત સંઘર્ષથી પણ ખૂબ ઉપર ઊઠવાનું હતું. નાની-નાની આફત-અગવડ માટે જાતની દયા ખાનારાઓ અને ઈશ્ર્વરને દોષિત માનનારાઓ માટે આ યુવાન એક નવું દૃષ્ટાંત બની ગયો છે. એની સફળતા અને સ્વસ્થતાએ સંઘર્ષના ગાભા કાઢી નાખ્યા છે.

મલાડ ઈસ્ટની ઓફિસમાં આશિષના પપ્પા અશોક ગોયલ અને મલાડ ઈસ્ટના ઘરમાં મમ્મી જ્યોતિ ગોયલ પાસેથી આ પનોતા પુત્રની ઘણી માહિતી મળી. બન્નેને ગર્વ છે પોતાના લાડકા પર, એની સિદ્ધિ પર. આશિષ પોતાના ઈ-મેઈલ ચેક કરવા, રિસર્ચ રિપોર્ટ્સ વાંચવા કે પ્રેઝન્ટેશન જોવા માટે સ્ક્રીન-રીડિંગ સોફટવેરનો ઉપયોગ કરે છે, પરંતુ જ્યારે ગ્રાફ જોવાનું મુશ્કેલ બને ત્યારે તે આંકડા જાણીને મગજમાં ગ્રાફની કલ્પના કરવા માંડે.

પિતા અશોકભાઈ એક જ વાત કહે છે કે આ આંખની તકલીફ આવી, ત્યારે મેં મનોમન ગાંઠ વાળી લીધી કે જરાય ઢીલા ન પડવું અને આશિષને ભણાવવો, ખૂબ ભણાવવો. જો કે આશિષ વિશે વધુ વાતચીત કરવાને બદલે તેઓ વિનંતી કરે છે કે એની મમ્મીને પૂછો, એ વધુ સારી રીતે કહી શકશે.

ડૉક્ટર-પિતાની પુત્રી જ્યોતિબહેન પોતે સાયન્સનાં લેક્ચરર હતાં, સામાજિક કાર્યોમાં સક્રિય હતાં. જન્મથી આશિષ એકદમ નોર્મલ જ નહિ, ખૂબ તેજસ્વી બાળક. જીવન સરસ રીતે ધસમસતું હતું. શિક્ષણની સાથોસાથ આશિષને ક્રિકેટ, લોન ટેનિસ, સ્વિમિંગ અને ડ્રાઈવિંગમાં ખૂબ રસ. ગણિતમાં એકદમ માસ્ટર. મમ્મી સાથે શોપિંગ કરવા જાય અને કેલ્ક્યુલેટરથી બિલની રકમ જણાવાય, એ પહેલાં આશિષ રકમ કહી દે.

મુશ્કેલીનો પહેલો અણસાર મળ્યો ત્યારે એ નવ વર્ષનો. કુટુંબ સાથે લગ્નમાં ગયો હતો ત્યારે ગટરમાં પડી ગયો. કહેવા માંડ્યો કે મને તો ગટર દેખાઈ જ નહોતી. તપાસ કરાવતાં ડૉક્ટરે આંચકો આપ્યો: છયશિંક્ષશશિંત ઙશલળયક્ષજ્ઞિંતફ છે. મેડિકલ ટર્મ્સ તો ન સમજાય, પણ ડૉક્ટરે જાણકારી આપી કે ધીરે ધીરે દૃષ્ટિ જવા માંડે અને… માણસોને ઓળખવાનું બંધ થવા માંડ્યું અને સ્કૂલમાં નોટબુકમાંથી લાઈનો દેખાવાનું બંધ થઈ ગયું. એક વખત સાઈકલ સાથે ભટકાયો. ટેનિસ રમતી વખતે બોલ અદૃશ્ય થવા માંડ્યો. ૨૨ વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી રેટિનાને નુકસાન કરતાં આ રોગને લીધે દેખાવાનું સાવ બંધ.

જો કે નવથી ૨૨ વર્ષ વચ્ચે ક્રમશ: દૃષ્ટિ ગુમાવતી વખતે સમજાતું નહોતું કે પોતાની સાથે શું થઈ રહ્યું છે? પોતાની ઉંમરના છોકરા મનગમતી છોકરીઓ સાથે ડેટ પર જાય, ત્યારે તે અણધારી વિકલાંગતા સામે ઝઝૂમી રહ્યો હતો. દોસ્તોને પણ કહેવું શું? મને ક્યારેક દેખાય છે ને ક્યારેક દેખાતું નથી?

આ ગભરાટ અને મૂંઝવણભર્યા દિવસોમાં મિત્રો પણ ઓછા બચ્યા હતા. આશિષે ફાઈનલ એકઝામ આપવાનું માંડી વાળ્યું અને બિલ્ડર પિતાને મદદ કરવા માટે ઓફિસે જવાનું મન બનાવી લીધું.

પરંતુ મમ્મી જ્યોતિ ગોયલ એમ દીકરાને એક ડગલાંનીય પીછેહઠ કરવા દેવા માગતાં નહોતાં. તેમણે લેક્ચરરની નોકરી છોડી દીધી, ને બધાં સામાજિક કાર્યો પર પૂર્ણવિરામ. જ્યોતિબહેન કહે છે કે એ કપરા સમયમાં સૌથી મોટું માર્ગદર્શન ડૉ. બાલાજી તાંબેનું મળ્યું. તેમણે આપેલા માર્ગદર્શન, આશીર્વાદ અને ટેકાથી મનોબળ ટકી રહ્યું. તેઓ એક જ વાત કહેતાં કે તમે હતાશ થઈ જાઓ તો બાળકોને કોણ હિંમત આપે.

જ્યોતિબહેન કહે છે કે આ રોગને વંશ પરંપરાગત કહેવાય છે પણ મારા અને મારા પતિની સાત પેઢીમાં કોઈને આવી તકલીફ નહોતી. કોલેજમાં ટી.વાય.બી. કોમ વખતે દાદરા ઊતરતી વખતે એ એક લેડી ટીચર સાથે અથડાયો, તો તેઓ ખૂબ ખિજાયાં: જોઈને ચાલ, દેખાતું નથી? એમને હકીકતની જાણ નહોતી, પણ આશિષ ખૂબ ડિસ્ટર્બ થઈ ગયો.

ખેર. આકરી મહેનત, અપાર ધગશ અને ઊંડી સમજને પ્રતાપે આશિષ માત્ર પાસ જ ન થયો પણ સારા માર્ક્સ મેળવ્યા. ૨૦૦૦ની સાલમાં વિલપાર્લેની નરસી મોનજી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં બીજો આવ્યો અને બેસ્ટ સ્ટુડન્ટ જાહેર થયો. રિઝલ્ટના આધારે કેમ્પસ રિક્રુટમેન્ટના ઈન્ટરવ્યુ માટે પસંદગી થઈ પણ છેલ્લી ઘડીએ પડતો મુકાયો. કોઈકે સલાહ આપી કે સરકારી નોકરી લઈ લો, ત્યાં તમારા માટે ખાસ ક્વૉટા હોય છે. કોર્પોરેટ હોય કે ખાનગી સંસ્થા બધે એની લાયકાતથી વધુ મહત્ત્વ તથાકથિત અપૂર્ણતાને અપાયું: લાંબી પ્રતીક્ષા અને વેદના બાદ આઈએનજી વૈશ્ય બૅન્કમાં મેળ ખાધો અને થોડાં વર્ષ બેંગલોરમાં નોકરી કરી.

પરંતુ આશિષને માત્ર નોકરીથી સંતોષ નહોતો. આગળ ભણવા, દુનિયાને બતાવી દેવા એ તત્પર હતો. હવે નવો ધ્યેય હતો એમબીએની ડિગ્રી અને એ પણ લંડનની પ્રતિષ્ઠિત સંસ્થામાંથી. પોતાની સામેના અવરોધો સામે લડીને – ઝઝૂમીને જાતને સાબિત કરવી હતી. આથી જ ૨૦૧૦માં અમેરિકાના ફિલાડેલ્ફિયામાં આવેલી અત્યંત પ્રતિષ્ઠિત વ્હાર્ટન બિઝનેસ સ્કૂલમાં એમબીએ કરવા ગયો. જોસેફ વ્હાર્ટન એવૉર્ડ મેળવનારો એ પહેલો પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી બન્યો. ત્યારબાદ એ સફળતાનાં એક-એક સોપાન સર કરતો ગયો.

આશિષ ગોયલ ઈચ્છે છે કે કુદરતે અન્યાય કર્યો છે. એવા શારીરિક અક્ષમતાવાળી વ્યક્તિઓ પ્રત્યેના ભયાનક અભિગમમાં સમાજ પરિવર્તન લાવે. ૨૦૧૦માં જ તત્કાલિન પ્રેસિડન્ટ પ્રતિભા પાટીલને હસ્તે આશિષે નેશનલ એવૉર્ડ ફોર ધ એમ્પાયરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસએબિલિટીઝ મેળવ્યો.

સૌએ રોલ મોડેલ તરીકે સ્વીકારવા, પ્રેમ કરવા અને અનુકરણ કરવાલાયક હીરો આશિષ ગોયલે આપણને આપ્યો છે. થેન્ક યુ ઍન્ડ સેલ્યુટ.

સાભાર– મુંબઈ  સમાચાર.કોમ 

( 759 ) આંસુ સુકાયા પછી મળે એ “સંબંધ”, ને…આંસુ આવે એ પહેલાં મળે એ સાચો મિત્ર

“Anybody can sympathise with the sufferings of a friend, but it requires a very fine nature to sympathise with a friend’s success.”-Oscar Wild

“Friendship is unnecessary, like philosophy, like art… It has no survival value; rather is one of those things that give value to survival. “- C. S. Lewis

આજે ઓગસ્ટ ૨, ૨૦૧૫ એ Friendship Day – મૈત્રી દિવસ છે એની યાદ એક મિત્રે જ મને આજે સવારે કરાવી દીધી.

ઓગસ્ટ મહિનો એ “ફ્રેન્ડશીપ” નો મહિનો ગણાય છે. સને ૧૯૩૫થી કોન્ગ્રેસમાં પસાર થયેલ ઠરાવ પ્રમાણે દર વર્ષે ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર અમેરિકામાં Friendship Day તરીકે મનાવવામાં આવે છે.

માણસની જીવન યાત્રાના ભિન્ન ભિન્ન તબક્કે મિત્રો આવી મળતા હોય છે. કેટલાક મિત્રોની મૈત્રી સવારના ઝાકળની જેમ કામ ચલાઉ હોઈ થોડા સમયમાં અલોપ થઇ જાય છે જ્યારે ઘણા મિત્રો જીવન ભર માટે કાયમી મિત્રો બની રહે છે.

સાચી મૈત્રી હંમેશાં સરખા સ્વભાવ અને સરખાં સુખ દુખ તેમ જ સરખી વિચારસરણી ધરાવનારી વ્યક્તિઓ સાથે ટકતી હોય છે. બે શરીર સાથે એક મન જ્યારે મળી જાય છે ત્યારે એમાંથી મૈત્રીનું રસાયણ નીપજતું હોય છે.

જેમને જોઈ,મળી, વાંચી તથા સાંભળીને છાતી ઠરે એવા આંગળીઓના વેઢે ગણી શકાય એવા ઘણા મિત્રો મને જીવનના વિવિધ તબક્કે આવી મળ્યા છે જેમણે આજીવન મૈત્રી નિભાવી જાણી છે.આવા મિત્રો ફટકિયા મોતી નહી પણ સાચા મોતી- REAL GEM-સમા છે.જીવનની શોભા આવા મિત્રો થકી જ થાય છે.મૈત્રી એ તો ઈશ્વરે માનવીને દીધેલી શ્રેષ્ઠતમ બક્ષીસ છે.

કહે છે ને કે-

મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,

સુખમાં પાછળ જે રહે, દુઃખમાં આગળ હોય.

સજ્જન-મિલાપી બહોત હૈ , તાલી મિત્ર અનેક,

જો દેખી છાતી ઠરે, સો લાખનમેં એક.

krishna-sudama -1

કૃષ્ણ -સુદામાની મૈત્રી એ મૈત્રીની એક મિશાલ છે.

ઘણા લાંબા સમય પછી એમના સાંદીપની આશ્રમ વખતના મિત્ર અને દ્વાકાધીશ કૃષ્ણને માટે ભેટ તરીકે તાંદુલની પોટલી લઈને કંગાળ

હાલતમાં પત્નીના દોરવાયા મદદ માટે એમને મળવા જાય છે.મિત્રને જોઈ હરખ ઘેલા બનીને શ્રી કૃષ્ણ એમને ભેટી પડે છે. પ્રેમથી આદર સત્કાર કરે છે એટલું જ નહિ એમના પગ જાતે ધોઈને એમને ઉચા આસને બેસાડે છે.

કૃષ્ણ અને સુદામાનીં આદર્શ મૈત્રી કથા આ ચિત્ર પર ક્લિક કરી વાંચો.

krishna-sudama-2

એક મૈત્રી હાઈકુ 

કૃષ્ણ સુદામા 

જેવી મૈત્રી હવે તો

ભાગ્યે જ મળે ! 

મૈત્રી અંગેના નીચેના સુંદર સુવિચાર અને અવતરણોમાં મૈત્રીનો મહિમા જ્ઞાત અને અજ્ઞાત કવીઓ/લેખકોએ ગાયો છે એ મનનીય છે.

દોસ્ત ! તારા દિલ સુધી પ્હોંચ્યા

સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ?

ચિનુ મોદી ‘ઈર્શાદ’

મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુ:ખનો ભાગાકાર છે.

મિત્રના મૃત્યુ કરતા મૈત્રીનું મૃત્યુ વધારે અસહ્ય હોય છે.

મિત્રતા એવો છોડ છે જેને હંમેશા પ્રેમરૂપી પાણીથી સીંચવો પડે છે.

સફળતા, ઉપયોગીતા અને સુખ નો આધાર ઘણે

અંશે મિત્રોની સંખ્યા અને પ્રકાર ઉપર રહેલો છે.

તમારા મિત્રની ભૂલો તેને એકાંતમાં બતાવો

પણ તેના વખાણ તો જાહેરમાં જ કરજો.

હું જ્યારે કડી સર્વ વિદ્યાલયમાં હાઈસ્કુલમાં અભ્યાસ કરતો હતો એ વખતથી થયેલ ઘાઢ મૈત્રીને આજે ૮૦ વર્ષની ઉમર સુધી નિભાવી,સાચવી અને વધારી રહેલ શિકાગો નિવાસી મારા મિત્ર દિનેશ સરૈયાએ નીચેનાં મૈત્રી અંગેનાં અવતરણો એમના એક ઈ-મેલમાં મને એક વાર મોકલી આપ્યાં હતાં એ શ્રી સરૈયાના આભાર સાથે નીચે  રજુ કરું છું.અગાઉ વિનોદ વિહારની એક પોસ્ટમાં પણ એ રજુ કરેલ એને આજે મૈત્રી દિને દોહરાવું છું.

વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,

અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો,

પણ તમારા દોસ્તોની યાદીમાં,

એક નામ અમારું પણ રાખજો !

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,

કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે,

લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,

‘કોઈકના’ પગલાં કાયમ માટે યાદ રહી જાયછે!

ઝીંદગી મળવી એ નસીબની વાત છે

મોત મળવું એ સમયની વાતછે

પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રહેવું

એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.

પાનખરમાં વસંત થવું મને ગમે છે,

યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,

આંખ ભીની તો કાયમ રહે છે,

તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.

મોકલું છું મીઠી યાદ

ક્યાંક સાચવી રાખજો,

મિત્રો હમેશા અમૂલ્ય છે એ યાદ રાખજો.

તડકામાં છાંયો

ના લાવી શકે તો કંઈ નહિ,

ખુલા પગે મિત્ર તમારી સાથે જ ચાલશે

એ યાદ રાખજો.

જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,

જે નામંજુર હોય તે જ કરવું પડેછે,

રોવાનો અધિકાર પણ

નથી આપતું આ જગત,

ક્યારેક લોકોને બતાવવા માટે

હસવું પણ પડે છે. . .

આંસુ સુકાયા પછી જે મળવા આવે… એ “સંબંધછે”, ને…આંસુ પહેલાં મળવા આવે…એ મિત્ર છે.મુશ્કેલીમાં જ સાચા મિત્રની ખરી કસોટી થાય છે .હીરો સંઘાડે ચડે, તો જ એની ચમક પરખાય છે .

અંતમાં, એક માનવ -માનવ વચ્ચે જ મૈત્રી થાય છે એવું ઓછું છે.એક પ્રાણી પણ માનવીનો મિત્ર બની શકે છે ,આ ચિત્રોમાં બતાવ્યું છે એમ ….. 

Also see this video ….

Unbelievable Unlikely Animal Friendships Compilation

https://youtu.be/mrudR-kIB1k

આજના મૈત્રી દિવસે સૌ મિત્રોને અભિનંદન અને

હાર્દિક શુભ કામનાઓ