વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 7, 2015

(763 ) ગુજરાતી બ્લોગ વિષે શ્રી પી.કે.દાવડાના વિચારો …..

ફ્રીમોન્ટ , કેલીફોર્નીયા નિવાસી મારા સહૃદયી, હમ ઉમ્ર – ૮૦ વર્ષના- મિત્ર શ્રી પી.કે. દાવડાને પોતાનો કોઈ બ્લોગ નથી પણ તેઓ ગુજરાતી બ્લોગ વિશેનું સારું જ્ઞાન અને અનુભવ ધરાવે છે.

છેલ્લા ઘણા વરસોથી તેઓ ઘણા ગુજરાતી બ્લોગનું ભ્રમણ કરી ચુક્યા છે અને નિવૃતિની પ્રવૃત્તિમાં એમના વાચન અને અનુભવ પર આધારિત લેખો /કાવ્યો લખે છે .એમના લેખો ઘણા જાણીતા બ્લોગોમાં પ્રગટ થયા છે અને થાય છે.વિનોદ વિહારમાં પણ તેઓ અવારનવાર લેખ મોકલે છે .

વિ.વિ.માટે એમણે ગુજરાતી બ્લોગો વિષે એમનો એક લેખ ઈ-મેલમાં મોકલ્યો છે એને એમના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કર્યો છે .

આ લેખમાં તેઓએ વિવિધ પ્રકારના ગુજરાતી બ્લોગનું અવલોકન અને એના બ્લોગરો અને એમની કાર્ય પ્રણાલીના અનુભવ પર આધારિત એમના વિચારો રજુ કર્યા છે.

P.K.Davada

P.K.Davada

વાચકો જાણતા જ હશે કે શ્રી દાવડાજી એ  એમની  “મળવા જેવા માણસ” લેખમાળામાં એમના પરિચિત ૫૦ મિત્રોનો પરિચય કરાવ્યો છે,જેમાં એમનો પોતાનો પરિચય પણ છે.

આના  સંદર્ભમાં BAY AREAમાં સુંદર સાહિત્ય પ્રવૃતિઓથી જાણીતાં સુ.શ્રી પ્રજ્ઞાબહેન દાદભાવાળાએ દાવડાજીનો કાવ્ય મય વિશિષ્ઠ  રીતે પરિચય આ પ્રમાણે કરાવ્યો છે. 

આ માણસ છે મળવા જેવો

આપ ભલેને હોવ ગમે તે,
એય નથી કંઈ જેવો તેવો.
આખાબોલો, સાચા બોલો
આ માણસ છે મળવા જેવો

ક્યારેક કહે, હું છું એંજીનીયર,
થાતો ક્યારેક અખાની જેવો,
ક્યારેક વતનનો પ્રેમી થઈને
વતનપ્રેમના ગીતો ગાતો,
ક્યારેક થાતો કલાપી જેવો,
આ માણસ છે મળવા જેવો

વાતે વાતે ફતવા કાઢે,
કહે લોકો તું આવો કેવો ?
પછી કહે છે એ રૂવાબથી
હું તો છું એવો ને એવો.
આ માણસ છે મળવા જેવો

દર્પણ દેખાડે છે ઘડપણ
સૌ પૂછે છે : ‘સારું છે ને ?’
“પીકે”હસીને ઉત્તર દેતો,
હું ય નથી હારી જાઉં તેવો
આ માણસ છે મળવા જેવો

-પ્રજ્ઞા દાદભાવાળા

 

ગુજરાતી બ્લોગ….શ્રી પી.કે.દાવડા 

બ્લોગના સેંકડો પ્રકાર છે. અહીં માત્ર સાહિત્યને લગતા ગુજરાતી બ્લોગ્સની જ વાત કરીશ. ગુજરાતી સાહિત્યમાં કવિતા, લેખ, ટુંકીવાર્તા, નવલક્થાનો હપ્તો, અવલોકન અને ચર્ચા જેવા વિષયોનો સમાવેશ થાય છે.

આજે સક્રિય-Active અને બંધ પડેલા આશરે ૨૦૦૦થી વધારે ગુજરાતી બ્લોગ્સ છે. આ લેખમાં હું આ બ્લોગ્સનું Broadly આ પ્રમાણે વર્ગીકરણ કરું છું.

પહેલા પ્રકારના બ્લોગ્સમાં સંપાદકો માત્ર પોતાનું સર્જન જ મૂકતા હોય છે. પોતે લખેલી કવિતાઓ, વાર્તાઓ, અમુક વિષય પરના પોતાના વિચારો, ટુંકમાં કહું તો પોતાની રચનાઓ જ મૂકતા હોય છે.

બીજા પ્રકારના બ્લોગ્સમાં, સંપાદકો પોતાની રચનાઓની સાથે સાથે પોતાની પસંદગીની રચનાઓ પણ મૂકતાઓ હોય છે. આ રચનાઓ એમને કોઈ મોકલતું નથી, એમણે પોતે જ ક્યાંક વાંચેલી, ક્યાંક સાંભળેલી રચના પસંદ કરી પોતાના બ્લોગમાં મૂકે છે. આ રચનાઓ મૂકતી વખતે એટલું લક્ષમાં લે છે કે આમ કરવાથી કોઈના અધિકાર ક્ષેત્રનો ભંગ થતો નથી.

ત્રીજા પ્રકારના બ્લોગ્સમાં, સંપાદક પોતાની રચનાઓ તો મૂકે જ છે, પણ વાંચનારાને પણ રચનાઓ મોકલવા આમંત્રણ આપે છે. વાંચકો ઈ-મેઈલ દ્વારા પોતાની રચનાઓ સંપાદકને મોકલે છે, એમાંથી સંપાદકે પસંદ કરેલી રચનાઓ બ્લોગમાં મૂકવામાં આવે છે અને અન્ય મોકલનારાઓને અસ્વીકારની ઈ-મેઈલથી જાણ કરવામાં આવે છે.

ચોથા પ્રકારના બ્લોગ્સમાં રચનાકાર જાતે જ પોતાની રચના બ્લોગમાં અપલોડ કરી શકે છે. માત્ર થોડા કલાકમાં જ સંપાદક એને Moderate કરી, Public Viewing માટે રીલીઝ કરે છે. આવા બ્લોગ્સમાં સંપાદક માત્ર એટલું જ જુએ છે કે લખાણમાં કંઈ અભદ્ર નથી અથવા કોઈ સમાજ વિરોધી કે નુકશાન કારક વાત નથી.

પાંચમાં પ્રકારના બ્લોગ્સમાં સંપાદક પોતાની કોઈ રચના મૂકતા નથી, તેમજ વાંચકો પાસેથી પણ કોઈ રચનાઓ મંગાવતા નથી. સંપાદક આપણા પ્રચલિત સાહિત્યમાંથી લોકપ્રિય રચનાઓ શોધી કાઢી, એમને પોતાના બ્લોગમાં અપલોડ કરતા હોય છે. આને આપણે એક પ્રકારનું સેવાનું કામ ગણી શકાય. આવું સેવાકાર્ય મારા બે મિત્રો કરે છે, માવજીભાઈ મુંબઈવાલા કવિતાઓ, ગીતો અને અન્ય સામગ્રી એકઠી કરી પોતાના બ્લોગમાં મૂકે છે, જ્યારે સુરેશ જાની ગુજરાતની પ્રતિભાઓનો પરિચય એકઠું કરી પોતાના બ્લોગમાં મૂકે છે.

ઉપરના પાંચેય પ્રકારમાં એક જ વ્યક્તિ સંપાદક હોય છે, ક્યારેક એમને એક બે મિત્રોની એમના કાર્યમાં મદદ મળતી હોય છે, તો ક્યારેક એકાદ વ્યક્તિને સહસંપાદક તરીકે લેવામાં આવે છે.

થોડા બ્લોગ્સમાં સંપાદક મંડળ હોય છે, બ્લોગમાં અલગ અલગ વિષયના વિભાગો હોય છે અને પ્રત્યેક વિભાગના એક કે બે નિયામક હોય છે. આવા બ્લોગ્સમાં વાંચકોને રચનાઓ મોકલવા માટે આમંત્રણ આપવામાં આવે છે. રચના મળ્યા પછી એ કયા વિભાગમાં ફીટ થાય છે એ નક્કી કરવામાં આવે છે, અને એ વિભાગના સંપાદકોને Preliminary Screening માટે મોકલવામાં આવે છે. ત્યાંની જરૂરી પ્રક્રીયામાંથી પસાર થઈ, મુખ્ય સંપાદકોની મંજૂરી મેળવી, એને કયા દિવસે બ્લોગમાં મૂકવી એ નક્કી કરવામાં આવે છે, અને એ પ્રમાણે એ દિવસે એ બ્લોગમાં મૂકાય છે. આવા બ્લોગ્સમાં સંપાદક મંડળના સભ્યોના અને અલગ અલગ વિભાગોના સંપાદકોના લેખ પણ સમાવી લેવામાં આવે છે, અને ઘણીવાર આવા લેખોની સંખ્યા અન્ય લેખકોની રચનાઓની સરખામણીમાં અધિક હોય છે. Print Media ના સામયિકોમાં પણ સંપાદકોની મોટી ફોજ હોય છે, પણ ત્યાં પ્રત્યેક અંકમાં માત્ર એક જ સંપાદકીય લેખ હોય છે, બાકીની રચનાઓ બહારના રચનાકારોની હોય છે.

અહીં મેં બ્લોગ્સના સામાન્ય વાંચક માટે, માત્ર બ્લોગ્સના છ પ્રકાર જ ગણાવ્યા છે, હકીકતમાં બ્લોગ્સના પ્રકારોની સંખ્યા આનાથી ઘણી વધારે છે.

-પી. કે. દાવડા

બ્લોગ અને બ્લોગીંગ …. વિનોદ પટેલ 

મારા માટે બ્લોગ એ નિવૃતિના સમયમાં રચનાત્મક પ્રવૃત્તિ અને સારી રીતે સમય પસાર કરવાનું ઉત્તમ સાધન છે .યોગ: કર્મશુ કૌશલમની જેમ બ્લોગીંગ એક મેડીટેશનની ગરજ સારે છે.

બ્લોગના માધ્યમથી કદી નજરે જોયા કે મળ્યા ન હોય પણ મળવા ગમે એવા ઘણા સહૃદયી નેટ મિત્રો સાથે આત્મીય સંબંધ બંધાય છે એ એક મોટો ફાયદો છે .

મારે મન બ્લોગ અને બ્લોગીંગ શું છે એના વિષે મારી નીચેની પોસ્ટમાં મારા વિચારો વ્યક્ત કર્યા છે એને પણ શ્રી દાવડાજી ના ઉપરના લેખ સાથે વાંચશો. –વિનોદ પટેલ

( 597 ) મારે મન બ્લોગ અને બ્લોગીંગ શું છે ?