વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 19, 2015

( 769 ) શ્રી પી.કે. દાવડા સાથે સાન ડીયેગોમાં થયું રૂબરૂ સ્નેહ મિલન

મળ્યા મને સાન ડિયેગોમાં મળવા જેવા માણસ- શ્રી પી.કે.દાવડા  

જીવન સફરમાં સંઘર્ષ કરી સિધ્ધિઓને વરેલ ૫૦ મહાનુભાવોનો પરિચય એમની મળવા જેવા માણસની પરિચય શ્રેણીમાં કરાવનાર લેખક શ્રી. પી.કે.દાવડા તારીખ ૮-૧૯-૨૦૧૫ ના રોજ સાન ડિયેગોમાં એમની સુપુત્રી સાથે ટૂંકી મુલાકાત લઈને મને મળવા આવ્યા હતા.આ માટે એમનો આભારી છું.જો કે મુલાકાત થોડા સમય માટે હતી પણ અમે બન્ને સ્નેહી મિત્રો માટે તો એ એક અવિસ્મરણીય પ્રસંગ બની ગયો.

શ્રી દાવડાની સુપુત્રી જાસ્મીનને સાન ડિયેગોની જાણીતી કંપની ફાઈઝરમાં જુન મહિનાથી સારા હોદ્દા અને પગાર સાથેની જોબ મળી છે એને મળવા માટે તેઓ પ્રથમ વાર જ સાન ડિયેગોની ખુબ ટૂંકી એક વીકની મુલાકાતે આવ્યા છે. ગયા રવિવારે આવ્યા અને આ શનિવારે તો સાન ફ્રાંસીસ્કો ,ફ્રીમોન્ટ એમના પુત્રને ત્યાં પરત જશે.

શ્રી દાવડાજીને પહેલાં એમની સ્થિર છબીઓમાં જોએલા, એમણે યુ-ટ્યુબ પર અપલોડ કરેલા વિડીયોમાં સત્સંગ કરતા એમને હાલતા અને બોલતા સાંભળેલા , એમના વૈવિધ્ય સભર લેખોથી એમને માનસિક રીતે પ્રમાણ્યા હતા. પરંતુ જ્યારે સન્મુખ  પ્રેમથી રૂબરૂ મળ્યા એનો આનંદ ખુબ અનેરો હતો .

આ પ્રસંગે મારા નિવાસ સ્થાને ઝડપેલ કેટલીક યાદગાર તસ્વીરો અને થોડી આત્મીય વાતચીતનો વિડીયો સૌ મિત્રોને શેર કરતાં આનંદ થાય છે.

આ મુલાકાતને ઉજાગર કરતી લગભગ ૮૦ ની ઉમરે આવી પુગેલા બે હમ સફર , સહૃદયી સાહિત્ય મિત્રો ની આ રહી થોડી યાદગાર તસ્વીરો

આ બે તસ્વીરો શ્રી દાવડાજીની પુત્રી જાસ્મીનએ મારા સેલ ફોન કેમેરા પર ઝડપી છે. આભાર જાસ્મીન.

WP_20150819_001

WP_20150819_003 1
શ્રી દાવડાની સુપુત્રી સાથેની અમારા બન્નેની આ તસ્વીર મારી રૂમમાં મારા કોમ્પ્યુટર ના વેબ કેમેરા પર લીધી હતી.

Jasmin,davda,vinodbhai

શ્રી દાવડા સાથે મારી રૂમમાં બેસીને કરેલ વાતચીતના થોડા અંશો આ પ્રસંગની યાદગીરી રૂપે મારા કોમ્પ્યુટરના વિડીયોમાં રેકોર્ડ કરી લીધી હતી એ પણ નીચે પ્રસ્તુત છે.આ વિડીયોની વાતચીતમાં બન્ને મિત્રોના મુખ પર ઘણા વખત પછી રૂબરૂ મેળાપનો આનંદ ચોખ્ખો જોઈ શકાય છે.

એમના અનેક મિત્રો સાથે સંપર્ક અને સંબંધ તાજો રાખવાની કળા તો શ્રી દાવડાજી પાસેથી જ શીખવી રહી. આ વિડીયોમાં વાતચીત ચાલતી હતી ત્યાં એમના પર બે ફોન આવી ગયા.ગોદ્ડીયો ચોરો ફેઈમ સન્મિત્ર શ્રી ગોવિંદભાઈ સાથે ફોનમાં થતી વાત પણ આ વિડીયોમાં આવી ગઈ છે.

છુટા પડતાં મને પ્રેમથી ભેટી રહેલ શ્રી દાવડાજીએ મને ધરપત આપી હતી કે હવે પછીની સાન ડિયેગોની મુલાકાત વખતે તેઓ લાંબા સમય સુધી મારી સાથે બેસીને વાતો કરશે. એમની પુત્રી જાસ્મીને પણ કહ્યું કે પપ્પા હવે જ્યારે સાન ડિયેગો ફરી આવશે ત્યારે હું જાતે આવીને તમોને લઇ જઈશ . આખરે તો દીકરીનો જીવ છે ને !