મિત્રો,
આપને જણાવતાં આનંદ થાય છે કે વિનોદ વિહાર ગુજરાતી બ્લોગ વિશ્વમાં ચાર વર્ષની યાદગાર મજલ કાપીને આજે સપ્ટેમ્બર, ૧ ૨૦૧૫ ના રોજ પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે.
આજથી બરાબર ચાર વર્ષ પહેલાં ૧ લી સપ્ટેમબર ૨૦૧૧ના રોજ મારા જીવનના અમૃત પર્વે એટલેકે મારી ૭૫ વર્ષની ઉંમરે વિનોદ વિહાર એ નામ સાથે મારો આ ગુજરાતી બ્લોગ શરુ કર્યો હતો .
જ્યારે બ્લોગ શરુ કર્યો એ વખતે મનમાં થોડી આશંકા હતી કે બ્લોગ જગતની વિશાળ વાડીનાં બીજાં મોટાં વૃક્ષો વચ્ચે ઉગતા એક નાના નવા છોડ ઉપર કોણ નજર કરવાનું છે .
પરંતુ આ ચાર વર્ષના અંતે વિનોદ વિહારના માનવંતા મુલાકાતીઓની સંખ્યા ક્વાટર મિલિયનનો આંકડો કુદાવીને આજે 229,746 સુધી પહોંચી ગઈ છે એ સૂચવે છે કે મારો એ વખતે જે ડર યા આશંકા હતી એ અસ્થાને હતી.
મેં તો અકેલા ચલા થા ,
જાનીબે મંઝિલ મગર …
લોગ સાથ આતે ગયે .
ઔર કારવાં બનતા ગયા !
આ ચાર વર્ષ દરમ્યાન
વર્ષવાર પ્રગતી સૂચક આંકડાઓ
વર્ષ …. 4 3 2 1
2015 2014 2013 2011-12
1. માનવંતા મુલાકાતીઓની
સંખ્યા ….. …. 229,746 173917 97200 2300
2.બ્લોગમાં મુકેલ
કુલ પોસ્ટની સંખ્યા … 776 512 301 85
-
બ્લોગમાં મુકાતી દરેક પોસ્ટને
ફોલો કરતા બ્લોગર
અને અન્ય સ્નેહી મિત્રો ………. 290 251 198 57
વાચક મિત્રોએ આજદિન સુધીમાં આપેલ
પ્રતિભાવોની સંખ્યા …….. 4197
ચાર વર્ષની મારી બ્લોગ યાત્રા આનંદ દાયક રહી છે. એના માધ્યમથી ઘણા મિત્રો આવી મળ્યા છે.આ સમય દરમ્યાન મારી અલ્પબુદ્ધિ પ્રમાણે આ બ્લોગમાં મારા સ્વ-રચિત કે પછી મારા વાચનમાંથી મને જે ગમ્યું હોય એવું મારી પસંદગીનું સત્વશીલ અને જીવન પોષક સાહિત્ય પીરસીને વાચક મિત્રોને ગુજરાતી ભાષામાં ગદ્ય-પદ્ય સર્જનની રસમય આનંદ યાત્રા કરાવી સંતોષવાનો, શારીરિક મર્યાદા હોવા છતાં, મારાથી શક્ય એટલો મેં પ્રયત્ન કર્યો છે . મારા પ્રયત્નોમાં હું કેટલો સફળ રહ્યો છું એ તો આ બ્લોગના સુજ્ઞ વાચકો એટલે કે આપ સૌ મિત્રો જ કહી શકો.
મારા Friend ,Philosopher and Guide અને સહતંત્રી શ્રી સુરેશભાઈ જાનીએ વિનોદ વિહારની ગઈ વર્ષ ગાંઠ પ્રસંગે મોકલેલ સંદેશમાં લખેલું કે ..
“આવડતનો ગ્રાફ તો દોરી શકાતો નથી હોતો; પણ ‘વિપ’ના પહેલા લેખ અને આજના છેલ્લા લેખને સરખાવી જોઈએ તો બ્લોગિંગમાં થયેલી એમની પ્રગતિ આંખે ઊડીને વળગી જાય. લેખના સુઘડ દેખાવ અને સુશોભન માટેનો એમનો આગ્રહ કાબિલે દાદ છે. એ જ રીતે કોમેન્ટોના જથ્થાઓને પણ સરખાવી, એ સત્ય આત્મસાત કરી શકાય.
પણ એ બધી વિગતો અને બહારી નજારાની ભીતર ધબકી રહેલા ‘માણસ’ કહેવાય એવા માણસને આ પ્રસંગે પોંખવો છે. ફોન પરની વાતચીતમાં પણ એમનો ધબકતો, નિર્વ્યાજ પ્રેમ છલકાયા કર્યો છે.
વિનોદ વિહાર બ્લોગ દિન પ્રતિ દિન પ્રગતિ કરતો રહે અને સૌ વાચક મિત્રોને વિનોદ કરાવતો રહે ; એવી શુભેચ્છા.—-સુરેશ જાની “
મિત્રોનો અને સ્નેહી જનોનો આવો સાથ, પ્રેમ અને ઉષ્માભર્યો સહકાર અને ભાવ-પ્રતિભાવ મને લખવા અને પોસ્ટ તૈયાર કરવા માટેની પ્રેરણા બનતો રહે છે એ બદલ હું સૌ મિત્રોનો આભારી છું.
વિનોદ વિહારની ઉમર જેમ વધી રહી છે એની સાથે મારી ઉંમર પણ વધતી જાય છે.આવતા જાન્યુઆરી ૨૦૧૬ થી મારું ૮૦મુ વર્ષ શરુ થશે. આ ઉંમરે જો કે શારીરિક દ્રષ્ટીએ થોડો સંઘર્ષ કરી રહ્યો છું છતાં મનમાં સદાનો હું ખુબ આશાવાદી અને ઉત્સાહી જીવ છું.
મારી આ કાવ્ય ક્ન્ડીકાઓમાં મેં કહ્યું છે એમ ….
જિંદગી જીવવી કદી એમ સહેલી નથી
વિના સંઘર્શે કોઈ મહાન બન્યું નથી
હથોડાના પ્રહારો ખમે નહી ત્યાં સુધી
પથ્થર ભગવાન બની પૂજાતો નથી
માણસ રોજ નવું નવું શીખતો જ રહે છે.સર્વ દિશાઓથી પ્રાપ્ત થતી એની જ્ઞાન યાત્રા સતત ચાલતી જ રહે છે. નવી આશાઓ લઈને ઉગતી જીવનની દરેક સવારનું સ્વાગત કરી દિવસ દરમ્યાન બ્લોગીંગથી ગમતાનો ગુલાલ સૌ ઉપર છાંટતાં મારું મન પણ ગુલાલમય બની ખુશીથી ઉભરાતું રહે છે.કોઈના પર જ્યારે અત્તરનાં છાંટણાં કરીએ ત્યારે થોડું અત્તર છાંટનાર પર પણ જાણે અજાણે છંટાતું જ રહે છે અને એની મહેંકથી માંહલો મ્હેંકી ઉઠે છે. કૈક સર્જન કર્યાનો આનંદ સૌમાં વહેંચવો એ સમયની પાબંદી વગરના મુક્ત નિવૃત્ત જીવનમાં લેવા જેવો અનેરો લ્હાવો છે.
ઈન્ટરનેટ વિશ્વની આ કેવી કમાલ કહેવાય કે સાન ડીયેગો, કેલીફોર્નીયાના ઘરના એક રૂમના એકાંતમાં જે શબ્દો બ્લોગમાં મુકાય છે એ શબ્દો અને ચિત્રો એક ક્લિક કરતાં થોડી સેકન્ડોમાં જ વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલા ભાષા પ્રેમી દેશ બાંધવો સુધી પહોંચી જાય છે !
વિનોદ વિહારની આ પ્રગતિશીલ ચાર વર્ષની આનંદ યાત્રામાં વાચક મિત્રોએ બ્લોગની મુલાકાત લઈને ,પ્રતિભાવો દ્વારા પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કોઈ પણ રૂપે મને જે સાથ અને સહકાર આપ્યો છે એ તમામ સાહિત્ય રસિક મિત્રો અને સ્નેહીજનોનો મનમાં ખુબ જ આનંદ,સંતોષ અને ગૌરવની મિશ્ર લાગણી સાથે હૃદયથી આભાર માનું છું .
“માઈલોના માઈલોનું અંતર ખરી પડે
જ્યાં અંતરના પ્રેમનો સેતુ નિરંતર.”
વિનોદ વિહારના આવતા દિવસોમાં પણ આપે આપ્યો છે એથી પણ વિશેષ આપનો સહકાર મળતો રહેશે એવી આશા હું જરૂર રાખું છું.
સપ્રેમ, સાદર ,
વિનોદ પટેલ

Happy Anniversary with WordPress.com!
You registered on WordPress.com 4 years ago!
Thanks for flying with us. Keep up the good blogging!
THANK YOU WORDPRESS.COM FOR YOUR GOOD WISHES AND AN EXCELLANT SERVICES TO VONOD VIHAR DURING THESE EVENTFUL FOUR YEARS…V.P.
વાચકોના પ્રતિભાવ