સમાજમાં વધી રહેલ સ્ત્રી ભ્રુણ હત્યાના કિસ્સાઓને પરિણામે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ ‘ અભિયાનનો પ્રચાર અને પ્રસાર કરવાનું ખુબ જરૂરી બન્યું છે. આધુનિક ટેકનોલોજીનો આજે વિકાસ થતાં મેડીકલ સાયન્સની નવી શોધોને પરિણામે ઘણી સ્ત્રીઓ મરજીથી કે કૌટુંબિક દબાણો હેઠળ આવી જઈને ભ્રુણ હત્યાનો શિકાર બનતી હોય છે.
સમાજમાં આવી જ સ્થિતિ જો ચાલુ રહેશે તો એક દિવસ એવો આવશે જ્યારે ૨૫ થી ૩૦ ટકા યુવાનો દીકરીઓની અછતને લીધે કુંવારા રહી જશે અને એના લીધે બળાત્કાર, એઈડ્ઝ જેવાં અનેક દુષણોનો સમાજને સામનો કરવો પડશે.ઘરમાં દીકરી કરતાં દીકરો હોય એ સારું એવી ખોટી માન્યતા ભ્રુણ હત્યાના વધતા જતા બનાવો માટેનું મુખ્ય કારણ છે.જ્યાં સુધી દીકરી પણ દીકરા સમોવડી છે એવી સમાજમાં જન જાગૃતિ નહી આવે ત્યાં સુધી આજની ભ્રુણ હત્યાની ક્રૂર બદી પુરેપુરી દુર નહી થઇ શકે.
સુપર સ્ટાર અમિતાભ બચ્ચન –બીગ બી – એ એમના બ્લોગમાં દીકરીઓ વિષે બહુ સુંદર વાત લખી છે કે –
“દીકરીઓ ટેન્શન નથી આપતી, બલકે આજની દુનિયામાં એક દીકરી દસ દીકરાના બરાબર હોય છે. દીકરીઓ ખાસ હોય છે, કારણ કે તે અણમોલ હોય છે. તમે તમારી દીકરીને હંમેશાં દીકરો-બેટા કહીને બોલાવી શકો છો, પણ ક્યારેય દીકરાને બેટી કે દીકરી કહી શકતા નથી. એ જ કારણ છે કે દીકરીઓ હંમેશાં ખાસ હોય છે.”
દીકરી એ તો પિતાના ઘરને પ્રકાશિત કરતી તેજ દીવડી છે.
કોઈએ સરસ કહ્યું છે કે-
“મોગરાની મહેંક,ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કોઈ ઝાકળ બિંદુમાં એકઠી થાય ત્યારે પરિવારને દીકરી પ્રાપ્ત થાય છે.”
આવી અણમોલ દીકરીઓને એમનો જન્મ થાય એ પહેલાં જ એનો ભ્રુણ હત્યાથી વિનાશ કરાય એ તો અગાઉ ભૂતકાળમાં દીકરી જન્મ્યા પછી એને દૂધ પીતી કરવામાં આવતી હતી એના જેવી જ ૨૧મી સદીમાં થઇ રહેલી માન્યામાં ના આવે ક્રૂર ઘટના છે.
‘બેટી બચાઓ’ અભિયાન…અને યામિની વ્યાસ
શ્રીમતી યામિની વ્યાસ એક સમાજ લક્ષી સાહિત્યકાર છે. બળાત્કાર વિરોધી, ઘરેલું હિંસા અને એઇડ્સ વિરોધી સમાજ જાગૃતિને લગતાં નાટકો લખી એના અનેક પ્રયોગો કર્યા છે.
‘સ્ત્રીભૃણ હત્યા’ની પ્રવર્તમાન ગંભીર સામાજિક સમસ્યા પર આધારિત એમની લઘુનાટિકા ‘જરા થોભો’ના ગુજરાત તેમજ અન્ય રાજયોમાં અઢીસોથી વધુ પ્રયોગો થયા છે. આ નાટિકાનું લેખન ઉપરાંત એનું મુખ્ય પાત્ર પણ એમણે ભજવ્યું છે.
‘બેટી બચાઓ’ અભિયાનના સમર્થનમાં અને લઘુ નાટિકા ‘ જરા થોભો’ ના એક ભાગ રૂપે શ્રીમતી યામિની વ્યાસએ નીચેનું ગીત લખ્યું છે. આ ગીતમાં ગર્ભમાં રહેલ એક દીકરીનો પોકાર છે. હૃદયના તાર ઝણઝણાવી દે એવો એમાં ભાવ છે.
~દીકરીની વેદના ~
આંગળી પકડીને તારી ચાલવા દે, માં મને તું આ જગતમાં આવવા દે.
આંગળી પકડીને તારી ચાલવા દે, માં મને તું આ જગતમાં આવવા દે.
-યામિની વ્યાસ
આ ગીત ઘણા બ્લોગોમાં રી-બ્લોગ થતું રહે છે.
Paresh Vyas
ગીતને આંતરરાષ્ટ્રિય કોન્ફરન્સમા મૂકતા પહેલાં કવયિત્રી યામીનીના વડીલ ભાઈ ,જાણીતા કટાર લેખક શ્રી પરેશ વ્યાસએ એનો અંગ્રેજીમાં અનુવાદ પણ કર્યો હતો એ નીચે પ્રસ્તુત છે.
The sex selective abortion kills five lakhs girls every year in India.
Death before birth.
The message is loud and clear. Stop the female foeticide. Allow the girl child to come to this world. Not only allow her to come,you should in fact welcome her to your world.
Allow me to walk holding your finger,
O mother! Allow me to come to this world!
સુ.શ્રી લતા જ. હિરાણીએ આ ગઝલ/કાવ્યનું કરેલ સરસ રસદર્શન….
‘ગીત એક ગુલછડી છે. એ એની રીતે પ્રગટી જાય છે. આ કવિતામાં બાળકીના શબ્દોમાં જ એની અભિવ્યક્તિ થઇ છે અને એટલે એ વધુ અસરકારક બની છે. એ માત્ર વેદના જ નહીં, પોતાના સ્વપ્નો પણ વેરતી જતી હોય એમ આલેખાયેલું છે. આ વાત કવયિત્રીએ પોતે કહી હોત તો કદાચ ઉપદેશ બની જાત !! વળી બાળકી આ વિનંતિ પોતાની માતાને કરે છે એ પણ ખૂબ અગત્યનું છે. આપણે ઘણી જગ્યાએ સમાચારોથી જાણીએ છીએ કે માતા પોતે પણ બાળકીના આગમનને રોકવામાં તૈયાર કે સાથીદાર હોય છે. માતાએ પોતે બાળકીને ફેંકી દીધી હોવાના સમાચારો પણ આપણે સૌએ કદીક વાંચ્યા છે ત્યારે માતાને આટલું કઠોર ન બનવાની, પોતાના હાથને પોતાના જ સંતાનના રક્તે ન રંગવાની વાત કરતી બાળકીની અપીલ કેટલી કરૂણ ભાસે છે !! એને એ પણ ખાતરી છે કે કદાચ મા આવું કરી બેસશે તો પછી એણે જરૂર પસ્તાવું પડશે… જે બાળકીને નવ માસ ગર્ભમાં પોતાના લોહીથી સીંચી, એના રૂદનથી એની સાંજો છલકાઇ જશે..
વાત આટલી જ નથી. આ કવિતામાં કવયિત્રીએ માત્ર કરૂણ રસ નથી રેલાવ્યો. એમાં મીઠા મજાના રંગો પણ ભર્યા છે. દીકરીને સાગરના ખોળામાં અને પર્વતોની સેજમાં સરવું છે, સૂરજ ને ચાંદાના તેજમાં ઝળહળવું છે, કોયલની જેમ ઉપવનમાં ટહૂકવું છે અને કળીઓની જેમ મહેકવું છે… બસ આના માટે માતાએ મક્કમ થવાનું છે. ઘરમાં કે સમાજમાં ભલે કેટલોય વિરોધ હોય, એણે પોતાની બાળકીને, પોતાના અંશને જરૂર જન્મ આપવાનો છે. બીજાઓની શેહમાં તણાવાનું નથી કે પોતે આવેશમાં આવી જવાનું નથી..અહીં આ જ ભાવ લઇને આવતી યામિની વ્યાસની આ ગઝલ પણ નોંધવી ગમશે.’
—લતા હિરાણી
‘બેટી બચાઓ’ અભિયાનના સમર્થનમાં અને લઘુ નાટિકા ‘ જરા થોભો’ ના એક ભાગ રૂપ શ્રીમતિ યામિની વ્યાસ લિખિત ગીત” આંગળી પકડીને તારી ચાલવા દે” પર યુ-ટ્યુબ વિડીયો
વિડીયો સૌજન્ય-શ્રી સુરેશ જાની ,17 ઑગ, 2015 પર પ્રકાશિત .
કવયિત્રી – યામિની વ્યાસ,
ગાયિકા – ગાર્ગી વોરા,
સ્વરાંકન – ડો. ભરત પટેલ
કવયિત્રી યામિનીબેનને હાર્દિક અભિનંદન અને
અનેક શુભેચ્છાઓ
==========================================
“ બેટી બચાવો, બેટી પઢાવો ….” ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
પાંચમી સપ્ટેમ્બર ૨૦૧૫ ના રોજ ” શીક્ષક દીવસે” ડો. કીશોરભાઇ પટેલને ‘રાષ્ટ્રીય શ્રેષ્ઠ શીક્ષક’ તરીકે નો એવોર્ડ રાષ્ટ્રપતી પ્રણવ મુખરજીના હસ્તે આપીને જેમનું સન્માન કરવામાં આવ્યું હતું એ શ્રી કિશોરભાઈએ એમના બ્લોગ “શિક્ષણ સરોવર “માં “ બેટી બચાવો, બેટી પઢાવો ” પર એક કાવ્ય પોસ્ટ કર્યું છે .
એમની આ સરસ કાવ્ય રચના પણ નીચે એમના આભાર સાથે પ્રસ્તુત છે.
” બેટી બચાવો, બેટી પઢાવો ”.. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
દીકરી બાપની આંખ છે, દીકરી મા ની પાંખ છે,
…. બેટી બચાવો, બેટી પઢાવો…..!
બાપના દુખમાં દુખી, બાપના સુખમાં સુખી
,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!
દીકરો બાપનું રૂપ છે, દીકરી મા નું સ્વરૂપ છે.
,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!
નદી જેવી નદીને પણ દીકરી થઈ ભમવું પડે, પર્વત જેવા બાપને પણ દીકરીના સાસરે નમવું પડે,
…. બેટી બચાવો, બેટી પઢાવો…..!
દીકરો બાપનો શ્વાસ છે, દીકરી મા નો વિશ્વાસ છે.
,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!
દીકરો બાપનો હાથ છે, દીકરી મા નું હૈયુ છે.
,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!
દીકરો બાપની લાકડી છે, દીકરી બાપની લાડકી છે.
,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!
દીકરો બાપનો દિપક છે, દીકરી મા ની રોશની છે.
,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!
અંતે કિશોર કહે…………! દીકરી છે, પારકી થાપણ, એની ન કરશો કદી ભીની પાંપણ,….
બેટી બચાવો, બેટી પઢાવો…..!
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
આ યુ-ટ્યુબ વિડીયોમાં એક નાનકડી પ્રાથમિક શાળાની બાળાને બેટી બચાઓ, બેટી પઢાઓ પર સંદેશ આપતી સાંભળો.ભવિષ્યની મહિલા નેતા બને એવો એનો જુસ્સો તો જુઓ.
Nice speech by a Gujarat school girl Vandna Parmar “Beti Bachao, Beti Padhao”
સમયની માંગ છે
બેટી બચાવો… બેટી વધાવો…
નહીં કે બેટી વધેરો…
દીકરી…
વહાલપનો દરિયો…
ઘરની દીવડી…
અને
સંવેદનાનું સરોવર…
આવી દીકરી વગર માતૃત્વ-પિતૃત્વ અધૂરું
એના વિના પરિવાર અધૂરો… સંસાર અસંભવ
હજુ અવતરી નથી એવી એ દીકરી માના ગર્ભમાં છે…
કહેવાતો આધુનિક સમાજ માના ગર્ભમાં જ દીકરીને મારી નાખવાનો
વિચાર કરે ત્યારે એ બાળકી શું કલ્પના કરતી હશે?
આ બાળકી એની માને
ચિત્કાર કરીને કહે છે…
મા, તારી આંગળી પકડીને મને ચાલવા દે…
મને આ જગતમાં આવવા દે…
તું પરીક્ષણ ભ્રૂણનું શાને કરે?
તારી આકતિ ફરી સર્જવા દે…
હું તને આપું છું વિશ્વાસ-
તારે ખોળે અવતરીશ તો વ્હાલની વેલી થઇ ઝૂલીશ…
આંગણે સંવેદના મહેંકાવા દે…
સાપનો ભારો નથી મા!
હું તો તારો જ અંશ છું…
મા, આ જગતમાં મને આવવા દે…
૨૧મી સદીના આ સમયમાં…
વિજ્ઞાનના આ યુગમાં…
દીકરીનો આ ચિત્કાર…
આપણે ભણેલા-ગણેલા-શિક્ષિત લોકો નહીં સાંભળીએ!!!
(દિવ્ય ભાસ્કરમાંથી સાભાર ….)
જે કોઈ પણ બ્લોગર મિત્ર આ પોસ્ટને રી- બ્લોગ કરી “ભ્રુણ હત્યા રોકો,બેટી બચાઓ, બેટી પઢાઓ ના સંદેશનો પ્રચાર કરવામાં મદદરૂપ બનશે એમને મારા અગાઉથી ધન્યવાદ.
વાચકોના પ્રતિભાવ