વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 794 ) પ્રતિલિપિ.કોમના વાર્તા માસિક સંકેતમાં મારી વાર્તા ” ઝેરની પડીકી “

પ્રતિલિપિ.કોમના વાર્તા માસિક સંકેતના ઓક્ટોબર ૨૦૧૫ ના અંકમાં મારી વાર્તા ” ઝેરની પડીકી ” અન્ય લેખકોની વાર્તાઓ સાથે પ્રસિદ્ધ કરવામાં આવી છે.

સંકેત વાર્તા માસિકમાં મારી વાર્તા “ઝેરની પડીકી”નો સમાવેશ કરવા માટે સંપાદિકા નિમિષાબેન અને પ્રતિલિપિ ટીમનો આભારી છું.આ વાર્તા માસિક અને પ્રતિલિપિ સંસ્થા સાહિત્ય ક્ષેત્રે હજુ પણ વધુ લોકપ્રિયતા પ્રાપ્ત કરતી રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું.

“ઝેરની પડીકી” વાર્તામાં એક કુટુંબમાં સાસુ-વહુ વચ્ચે પડેલ સંબંધોની તિરાડ સાંધવામાં અનુભવી વૃદ્ધ શાંતિભાઈ વૈદ્યએ આપેલ ઝેરની પડીકી કેવી કામયાબ નીવડે છે એ જોઈ શકશો.

કુટુંબના સભ્યો વચ્ચે પડતી સંબંધોની તિરાડો એમનો અહમ, ગેર સમજો અને સ્વભાવ ભેદને લીધે થતી હોય છે અને એમાં સુધારો લાવી શકાય છે એ આ વાર્તાનો એક પ્રેરક સંદેશ છે.

આખી વાર્તા વિનોદ વિહારના વાંચકો માટે નીચે પ્રસ્તુત છે.

વિનોદ પટેલ  

ઝેરની પડીકી ….. વાર્તા ….. વિનોદ પટેલ

જીતેશ વિધવા માતા કમળાબેનનો એકનો એક પુત્ર હતો. કમળાબેન માટે એ આંખની કીકી જેવો વ્હાલો હતો .કેમ ના હોય, જીતેશ જ્યારે માત્ર દસ વર્ષની કુમળી વયનો હતો ત્યારે એમના પતિ મનહરભાઈ ન્યુમોનીયાની ટૂંકી માંદગીમાં સ્વર્ગવાસી થયા હતા. પતિ જતાં ઘર ચલાવવાની એકાએક આવી પડેલી મોટી જવાબદારી માથે ઉપાડી લઈને કમળાબેનએ આ શિક્ષિકા તરીકે નોકરી કરી જીતેશને માતા અને પિતાનો પ્રેમ અને સંસ્કાર આપી ઉછેર્યો .એમના પ્રિય દીકરાને સારું શિક્ષણ આપી એના ઉજળા ભાવી માટે તૈયાર કરવામાં કમળાબેનએ કશી કચાશ છોડી ન  હતી. કહે છે ને કે પ્રેમ એ ભગવાનનું બીજું નામ છે. પ્રેમ એ જ શક્તિનો સ્ત્રોત છે .

જીતેશે એની કોલેજનો અભ્યાસ પૂરો કર્યો એટલે કમલાબેનએ જીતેશની જ પસંદગીની બી.કોમ પાસ થયેલી એમની જ્ઞાતિની જ કન્યા કામિની સાથે જીતેશનાં શુભ લગ્ન સગાં સંબંધીઓની હાજરીમાં ખુબ ધામધુમથી ઉજ્વ્યાં હતાં .લગ્ન કરીને જ્યારે કામિની અને જીતેશે પતી-પત્ની તરીકે ગૃહ પ્રવેશ કર્યો ત્યારે મનમાં અનેક અરમાનોથી છલકાતી નવવધુને    વધાવતાં કમળાબેનની આંખમાં હર્ષનાં આંસુ ધસી આવ્યાં હતાં . આ વખતે એમનું અંતરમન એક ઊંડા સંતોષ અને આનંદની મિશ્ર  લાગણીઓથી છલકાઈ ગયું હતું.

કમળાબેન કામિનીને જાણે એ એમની દીકરી ના હોય એવા ભાવથી ચાહતાં હતાં અને એની સાથે દીકરી જેવો જ વહેવાર કરતાં હતાં.પોતાની માતા અને એની પત્ની કામિનીને ખુશ જોઇને જીતેશ પણ મનથી ખુબ ખુશ રહેતો હતો.પરંતુ આવી ખુશી બહુ દિવસો માટે ટકી ના શકી .જેમ જેમ દિવસો પસાર થતા ગયા એમ કામિનીને મનથી લાગવા માંડ્યું કે એનાં સાસુ કમળાબેને જીતેશને સાવ માવડિયો બનાવી દીધો છે અને એથી જીતેશ એના પ્રત્યે જોઈએ એવો પ્રેમ બતાવતો નથી જેવો એ કમળાબેન પ્રત્યે બતાવે છે.ઘર સંસારની ઘણી વાતોમાં કમળાબેન તરફથી અવાર નવાર થતી દખલગીરીથી સાસુ પ્રત્યેનો કામિનીનો અણગમો દિન પ્રતિ દિન વધતો જ ગયો.

કામિની સ્વભાવે મૂળથી એક સ્વતંત્ર મિજાજની સ્ત્રી હતી. જીતેશ તરફના એના પ્રેમ વચ્ચે કમળાબેન એક હરીફ તરીકે આડખીલીરૂપ છે અને હમેશાં સાસુ તરીકેનો એમનો હક્ક જમાવવા માગે છે એમ એને મનથી લાગ્યા કરતું હતું. આના કારણે ધીમે ધીમે શરુઆતમાં આ સાસુ-વહુ વચ્ચે જે મા અને દીકરી જેવા પ્રેમ સંબંધો હતા એમાં તિરાડો પડવા લાગી હતી અને એને લીધે ઘરમાં કંકાશ અને તિરસ્કારનાં મુળિયાં દિવસે દિવસે ઊંડાં જતાં ગયાં .

કામિની અને કમળાબેનના સ્વભાવમાં અસમાન અને જમીનનો તફાવત હતો.વિધવા કમળાબેન એમના એકના એક વ્હાલા દીકરા જીતેશ પ્રત્યેના અનહદ પ્રેમની પકડ ઢીલી કરવા માટે અશક્ત હતાં. આ આખી વાતમાં નિર્દોષ વ્યક્તિ  જીતેશ ઉપર આધિપત્ય જમાવવાની સાસુ અને વહુની આ એક પ્રકારની લડાઈ હતી !બિચારા પતિ જીતેશની મનોસ્થિતિ તો સુડીનાં બે પાંખીયાં વચ્ચે જેમ સોપારી દબાતી હોય એવી થઇ ગઈ હતી.ના તો  એ માતાને ખુલ્લા દિલે કશું કહી શકતો હતો કે ના તો એ એની પત્ની કામિનીને કશું સમજાવી શકતો હતો .

જીતેશએ લગ્ન કરતા પહેલાં જ કામિની અને એના માતા-પિતા સાથે શરત કરેલી કે એ કોઈ પણ સંજોગોમાં એની માતાથી જુદો રહી નહી શકે.એની માતા કમળાબેનને કુટુંબમાં સાથે રાખવાની જો તૈયારી હોય તો જ એ લગ્ન કરવા રાજી હતો. એ વખતે કામિનીએ આ શરત ખુશીથી સ્વીકારી હતી પણ હવે કમળાબેન એને આંખમાં પડેલા પથ્થરના કણાની જેમ ખુંચતાં હતાં.એમની વચ્ચેના એક વખતના પ્રેમના સરોવરનાં પાણી સુકાઈ ગયાં હતાં અને સંબંધોની જમીનના તળીયે તિરાડો પડી ગઈ હતી !

દિવસો ઉપર દિવસો પસાર થવા લાગ્યા પરંતુ સાસુ-વહુ વચ્ચેના ઝગડા ઘટવાને બદલે વધતા જ ગયા . જુનવાણી માનસ ધરાવતાં કમળાબેન વાત વાતમાં કામિનીની કંઇક ને કંઇક ભૂલો શોધી કાઢી એની ટીકા કરતાં એ કામિનીને જરાએ પસંદ ન હતું.કમળાબેન પ્રત્યેનો કામિનીનો તિરસ્કાર હદ વટાવી ગયો હતો.આ રોજ રોજના ઘર કંકાસથી એ જ્યારે વાઝ આવી ગઈ ત્યારે એક દિવસ જીતેશ કે કમળાબેનને કશી ખબર આપ્યા વિના એ એના પિયર અમદાવાદમાં એના માતા પીતા સાથે રહેવા માટે જતી રહી.

પિયરમાં કામિનીના પિતા રમણભાઈના એક ખાસ મિત્ર શાંતિભાઈ વૈદ્ય અમદાવાદના એક પારંગત અને હોશિયાર  વૈદ્ય તરીકે ખુબ જાણીતા હતા.રમણભાઈના કુટુંબ સાથે એમનો વર્ષોથી નજીકનો સંબંધ બંધાયો હતો. કામિની માટે તો તેઓ એના બાલ્યકાળથી એક મિત્ર અને માર્ગ દર્શક બની ગયેલા એના “શાંતિ કાકા “ હતા.પિયર વાસ દરમ્યાન કામિની એક દિવસ આ શાંતિભાઈ વૈદ્યને મળવા એ એકલી એમના  ઘેર ગઈ.એમની સાથેની વાતચિતમાં એણે એની સાસુ કમળાબેન અને એના વચ્ચે થતા વારંવારના ઝગડાઓની પણ વાત કરી.મનમાં એક ખાસ મકસદ લઈને શાંતિકાકાને એ મળવા આવી હતી.

છેલ્લે કામિનીએ શાંતિભાઈને જે વાત કરી એ સાંભળી તેઓ મોટા અચંબામાં પડી ગયા કે એ શું બોલી રહી છે !કામિનીએ એમને ધીરેથી કહ્યું  :”શાંતિકાકા , તમે આ શહેરના પ્રખ્યાત વૈદ્ય છો.તમારી દવાની જડીબુટ્ટીથી ઘણાના રોગ દુર કરો છો.તમે મને એવી કોઈ દવા બનાવી આપો કે જેથી મારો અને મારી સાસુ વચ્ચેનો પ્રશ્ન હંમેશ માટે ઉકલી જાય !”

જમાનાને પચાવી ગયેલા આ અનુભવી વૃદ્ધ શાંતિભાઈને સમજી જતાં વાર ના લાગી કે કામિની શું કહેવા માગે છે.કામિનીના ઝેરી બની ગયેલા દિમાગમાં સાસુને ઝેર આપવાનો વિચાર આવે જ કેમ એ તેઓ સમજી ના શક્યા. તેઓ કામિનીના મનનો તાગ મેળવતા હોય એમ બે ઘડી એના મુખ સામે એકી નજરે તાકી રહ્યા.

છેવટે થોડો વિચાર કર્યા બાદ કામિનીના આ શાંતિકાકાએ ખુબ જ શાંતિથી એને કહ્યું:”કામિની બેટા, તારો આ પ્રોબ્લેમ  હંમેશ માટે  ઉકેલવા માટે હું તને જરૂર મદદ કરીશ.”કામિનીને હતું કે એની વાત સાંભળતાં શાંતિકાકા ગુસ્સે થઇ જશે પણ એને બદલે તો તેઓ તો એની સાસુ કમળાબેનનો કાંટો હંમેશ માટે દુર કરવા  માટે એને મદદ કરવા માટે તૈયાર થઇ ગયા એથી એ પણ આશ્ચર્યમાં પડી ગઈ ! .”

ત્યારબાદ શાંતિકાકાએ દવાની જુદી જુદી કેટલીક પડીકીઓ બનાવીને એ કામિનીને આપતાં કહ્યું :” લે કામિની, તારે આ પડીકીઓ તારી સાસુને કોઈ વહેમ ના પડે એવી હોશિયારીથી થોડા થોડા દિવસોના આંતરે આપવાની છે.એમને કહેવાનું કે આ દવાથી એમની તબિયતમાં સુધારો થઇ જશે.મેં આ દવામાં ઝેર ભેળવ્યું છે. આ દવાની અસર લાંબા ગાળે થશે.તારે છ મહિના સુધી રાહ જોવી પડશે.પરંતુ મારી કેટલીક શરતોનું તારે બરાબર પાલન કરવું પડશે.એ જો તું કરીશ તો જ મારી આ દવાની ધારી અસર થશે.”

કામિની કહે :”જરૂર, શાંતિ કાકા ,તમે જેમ કહેશો એમ કરીશ “

શાંતિભાઈ કહે :” જો કામિની, જાણે કશું જ બન્યું નથી એવો ચહેરા પર ભાવ રાખી તું જીતેશ અને કમળાબેન સાથે રહેવા પાછી જા.તારી સાસુને આંતરે દિવસે સારું સારું રાંધીને ખવડાવજે  અને દરેક વખતે આ બધી પડીકીઓમાંથી એક પડીકી એમને કોઈ પણ જાતનો વહેમ ના આવે એ રીતે એમાં નાખજે.એમની સાથે બહુ દલીલબાજી ના કરીશ કે એમને કોઈ વાતે ખોટું લાગે એવુ કશું ના કરીશ . એમની સાથેનું વર્તન બરાબર સુધારી દેજે. એમની સાથે તારી મા જેવું સારું વર્તન કરજે કે જેથી એમને પડીકીઓ વિષે કોઈ વહેમ ના આવે.”

શાંતિકાકાએ આપેલી પડીકીઓ લઈને કામિની એક દિવસ કમળાબેન અને જીતેશની સાથે રહેવા આવી ગઈ.કમળાબેનએ એને પાછી આવેલી જોઇને પ્રથમ તો મ્હેણું માર્યું કે બાપના ઘેર તમારો ખંટાવ ના થયો!પરંતુ એના જવાબમાં કામિની  એક અક્ષર પણ ના બોલી અને ઘરના કામમાં લાગી ગઈ. શાંતિકાકાના શીખવાડ્યા પ્રમાણે એણે એના વર્તાવમાં ફેરફાર કરી દીધો હતો.શાંતિકાકાના કહેવા પ્રમાણે એ છ મહિના સુધી કરતી ગઈ. આ છ મહિનામાં ઘરનું આખું વાતાવરણ ધરમૂળથી જ બદલાઈ ગયું.કમળાબેન કામીનીથી ખુબ ખુશ રહેવા લાગ્યાં .કામિની પણ સાસુથી ખુશ રહેવા લાગી. કમળાબેન અને કામિની વચ્ચે સાસુ-વહુ નહી પણ પહેલાંની જેમ એક મા-દીકરીના જેવો પ્રેમ ભાવ તાજો થયો.

એક દિવસ કામિનીના દોષિત મનમાં ઝબકાર થયો કે એક મા સમાન કમળાબેનનો કાંટો દુર કરવા માટે હું કેવું અધમ કામ કરી રહી છું. એના હૃદય મનના ઊંડાણમાંથી એને ખુબ પસ્તાવો થવા લાગ્યો.એક દિવસ એ કમળાબેન અને જીતેશની રજા લઈને એના પિયર અમદાવાદ જઈને તરત જ શાંતિલાલ વૈદ્યને મળવા માટે દોડી ગઈ.

શાંતિકાકાને બે હાથ જોડી કામિની એમને વિનવી રહી :”શાંતિ કાકા મારાથી મોટી ભૂલ થઇ ગઈ છે. ગુસ્સામાં અને તિરસ્કારની આગમાં ભાન ભૂલીને હું માર્ગ ભૂલી ગઈ હતી.તમારા કહેવા પ્રમાણે કરવાથી મારાં સાસુ તો સાવ બદલાઈ ગયાં છે.મહેરબાની કરીને મને એવી કોઈ બીજી દવાની પડીકી આપો કે જે એમને આપવામાં આવેલી ઝેરની પડીકીઓની અસર મિટાવી દે.મારે મારી આ મા સમાન સાસુને મારવાં નથી એમને કોઈ પણ હિસાબે જીવાડવાં છે. કાકા મારી ભૂલ માફ કરી દો અને આનો કંઇક ઉપાય કરો.”

આ સાંભળીને શાંતિકાકા ખડખડાટ હસી પડ્યા અને કામિનીને કહેવા લાગ્યા :

” અરે ગાંડી છોકરી, તારે કશી ચિંતા કરવાની કે ગભરાવાની જરાએ જરૂર નથી. તને મેં જે ઝેરની છે એમ કહીને પડીકીઓ આપી હતી એ હકીકતમાં તારી સાસુની તબિયત સુધારવા માટે વિટામીનની ગોળીઓનો ભૂકો હતો.મારે તારી સાસુને ઝેર આપવું ન હતું પણ તારા મગજમાં ભરાઈ ગયેલા ખોટા વિચારોના ઝેરની દવા કરવી હતી. તમારા ઘરના ઝઘડા તમારા બન્નેના મગજમાં જમા થતા ઝેરના પરિણામે થતા હતા.મેં કહ્યું એમ કરવાથી આ છ મહિનામાં તારી સાસુ અને તારા મગજમાં જે ઝેર જમા થયું હતું એ ઉતરી ગયું.તમારાં દિલ દિમાગ સાફ થઇ જતાં તમને બન્નેને તમારી ભૂલો સમજાઈ ગઈ . આના શુભ પરિણામે તું લગ્ન કરીને સાસરે ગઈ એ દિવસ જેવો તમારા બન્ને વચ્ચેનો પ્રેમભાવ ફરી સ્થપાઈ ગયો. “

“દીકરી હવે તારા બધા જુના બુરા વિચારો માટે દુખી થયા વિના એને ભૂલી જા અને જાણે કશું જ બન્યું નથી એવા ચોખ્ખા દીલ દિમાગથી કમળાબેન અને જીતેશ સાથે ફરી હળીમળીને રહે અને તારી હવે પછીની જિંદગીને હસી ખુશી અને આનંદથી ભરી દે. નવી ગીલ્લી નવો દાવ.આ તારા શાંતિકાકાના તને ખોબલે ખોબલે આશીર્વાદ છે. “

કામિની જ્યારે શાંતિકાકાને ચરણ સ્પર્શ કરી વિદાય લઇ રહી હતી ત્યારે શાંતિકાકાએ હસતાં હસતાં ઉમેર્યું :

“જો હવે પછી કોઈ ઝેરની પડીકી લેવા ફરી આવીશ તો નહિ આપું “

કામિની(શરમથી ઝૂકીને ) :” કદી પણ નહી આવું કાકા.મારાથી થયેલી ભૂલને માફ કરી દેશો  ને ?”

….અને આ રીતે કામિની અને કમળાબેનના ઘર સંસારમાં હસી ખુશી ફરી આવી ગઈ .બન્ને વચ્ચેના સંબંધોમાં પડેલી  તિરાડ એ ફરી કદી નજરે ન પડે એવી રીતે સંધાઈ ગઈ ! 

વિનોદ પટેલ  

સંકેત માસિકના નીચેના ચિત્ર પર ક્લિક કરી પ્રતિલિપિ .કોમ ની લીંક પર આ વાર્તા સહીત અન્ય લેખકોની  પણ વાર્તાઓ વાંચી શકાશે. 

sanket magazinઅંક : ૩ : ઓક્ટોબર ૨૦૧૫

સંપાદિકા : નિમિષા દલાલ ગુજરાતી વિભાગ

પ્રતિલિપિ.કોમ

 

 

5 responses to “( 794 ) પ્રતિલિપિ.કોમના વાર્તા માસિક સંકેતમાં મારી વાર્તા ” ઝેરની પડીકી “

 1. Anila patel ઓક્ટોબર 15, 2015 પર 2:25 પી એમ(PM)

  Bodhdayak varta. Manana kata door karava ava prayatna karava joie.

  Like

 2. pragnaju ઓક્ટોબર 15, 2015 પર 3:27 પી એમ(PM)

  અમારા વૈદ્યકાકા કહેતા આયુર્વેદ ચિકિત્‍સા, ભાવ . સાધના શ્રદ્ધા નો વિષય ને
  પાયાના સિદ્ધાંતો સાધકો માટે આચાર સંહિતા
  અને તેને લીધે આવી રીતે માનસિક રોગમા પણ આશ્ચર્યકારક પરીણામ લાવી શકતા
  ખૂબ સરસ અંત

  Like

 3. SARYU PARIKH ઓક્ટોબર 16, 2015 પર 6:16 એ એમ (AM)

  વાહ! સરસ વાર્તા. બોધકથા છે.
  સરયૂ

  Like

 4. Prakash M Jain ઓક્ટોબર 16, 2015 પર 8:29 એ એમ (AM)

  Very Good 😊 Story, this should be reach upto maximum readers. In this”Vaidh”,should not disclosed that it was vitamin powder,but should give more six months of same dose,with same instructions. This will be end of story. End remains same,but this would better:My humble Opinion. Thanks Again.

  Like

 5. nabhakashdeep ઓક્ટોબર 16, 2015 પર 6:39 પી એમ(PM)

  પણ તારા મગજમાં ભરાઈ ગયેલા ખોટા વિચારોના ઝેરની દવા કરવી હતી. તમારા ઘરના ઝઘડા તમારા બન્નેના મગજમાં જમા થતા ઝેરના પરિણામે થતા હતા.મેં કહ્યું એમ કરવાથી આ છ મહિનામાં તારી સાસુ અને તારા મગજમાં જે ઝેર જમા થયું હતું એ ઉતરી ગયું.તમારાં દિલ દિમાગ સાફ થઇ જતાં તમને બન્નેને તમારી ભૂલો સમજાઈ ગઈ

  ……………..
  સરસ વાર્તા ને ખૂબ સરસ અંત.. Impressed.
  The Great Shri Vinodbhai

  Ramesh Patel(Aakashdeep)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: