વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 797 ) ચિંતાને રામ રામ…… એક પ્રેરક લેખ …લેખક ડો. પ્રકાશ ગજ્જર

નેટ વિશ્વમાં બ્લોગ અને ફેસબુક એક એવું માધ્યમ છે કે જેનાથી સરખો રસ ધરાવતા ઘણા નવા મિત્રો આવી મળે છે,એમની સાથે વધુ પરિચય  થાય છે અને જુના ભુલાઈ ગયેલા મિત્રોનો પણ મેળાપ અનાયાસે થઇ જાય છે .

ફેસ બુકના માધ્યમથી આવા મારા હાઈસ્કુલ દિવસોના એક સહ અધ્યાયી મિત્ર ડો. પ્રકાશ ગજ્જરનો પરિચય ફરી તાજો થતાં મને ખુબ આનંદ થયો.

૧૯૪૯-૧૯૫૫ દરમ્યાન નૈસર્ગિક સમૃદ્ધિ સભર ૫૦ એકરના વિશાળ પરિસરમાં આવેલી કડીની જાણીતી સંસ્થા સર્વ વિદ્યાલય હાઈસ્કુલ અને એને અડીને આવેલ વિદ્યાર્થી આશ્રમમાં રહીને મેં એસ.એસ.સી ની પરીક્ષા પાસ કરી હતી.એ વખતે ડો. પ્રકાશ ગજ્જર પણ ત્યાં રહી અભ્યાસ કરતા હતા. આ સંસ્થાના આચાર્ય સ્વ. નાથાભાઈ દેસાઈ અને ગુજરાતીના શિક્ષક અને જાણીતા લેખક શ્રી મોહનલાલ પટેલ જેવા આદર્શ શિક્ષકોએ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અણઘડ વિદ્યાર્થીઓને બાહ્ય દુનિયાનો પરિચય કરાવી એમનામાં સંસ્કાર સિંચવાનું જીવન શિલ્પી તરીકેનું કામ કર્યું હતું એની યાદ તાજી થાય છે.

Dr.Prakash Gujjar

 Dr.Prakash Gujjar

“આપણી પાસે શું છે ને આપણે કેટલું કમાયા એ સુખની પારાશીશી છે જ નહી, આપણે શામાંથી આનંદ મેળવી શકીએ છીએ એ જ સુખનો સાચો માપદંડ છે.”-ડો. પ્રકાશ ગજ્જર

સાહિત્યકાર અને લેખક શ્રી મોહનલાલ પટેલ મારા ગુજરાતી ભાષાના વાંચન અને લેખન માટે પ્રેરણા મૂર્તિ હતા અને હજુ પણ છે.એમના માર્ગદર્શનથી  ડો. પ્રકાશ ગજ્જર ,સ્વ.ભોળાભાઈ પટેલ, ભગવત સુથાર  જેવા બીજા ઘણા લેખકો ગુજરાતી સાહિત્યને મળ્યા છે.

ડો. પ્રકાશ ગજ્જરે નેપોલિયન હિલની જેમ મુખ્યત્વે પ્રેરણાદાયી-મોટીવેશનલ – સાહિત્યનું સર્જન  કર્યું છે. એમના લેખો ઘણા મેગેજીનોમાં અને બ્લોગોમાં પ્રકાશિત થતા રહે છે .

આજની પોસ્ટમાં ડો.પ્રકાશ ગજજરના આભાર સાથે એમનો એક પ્રેરણાત્મક લેખ“ચિંતાને રામ રામ” પોસ્ટ કરું છે જેના પરથી જ એમના સાહિત્યનો અને એમનો લેખક તરીકેનો પરિચય વાચકોને મળી રહેશે.

હવે પછીની પોસ્ટમાં ડો. પ્રકાશ ગજ્જરનો એક આવો જ એક બીજો પ્રેરણાદાયી લેખ “વિરાટ વિશ્વાસ …” ને પણ જરૂર  વાંચશો .

વિનોદ પટેલ 

ચિંતાને રામ રામ – ડો. પ્રકાશ ગજ્જર

અઘોર અંધારે, તારલાનાં તેજ

વિશ્વવિખ્યાત સૂફી સંત, ફારસી કવિ અને મહાજ્ઞાની ફિલસૂફ શેખ સાદી એકવાર એક મસ્જિદ તરફ જઈ રહ્યા હતા. ખરા બપોર. આગે ધધકતો રસ્તો. સાદીના પગમાં પગરખાં નહીં. એમને બહુ દુ:ખ થયું. ચિન્તા પણ થઈ કે આખો ઉનાળો શી રીતે જશે. એમણે જગતના સર્જનહારને ફરિયાદ પણ કરી કે એની પાસે મબલખ ખજાના હોવા છતાં પોતાને પગરખાંથી વંચિત રહેવું પડ્યું. એમનું દિલ વેદનાથી ભરાઈ ગયું. જેમતેમ કરીને એ મસ્જિદના ઓટલે પહોંચ્યા ત્યાં જ કપાયેલા પગવાળા એક ભિખારી તરફ નજર ગઈ. એ બિચારો જેમ તેમ કરીને શરીર ઘસડતો આટલા તાપમાં ધીમે ધીમે આગળ જતો હતો. આ જોઈ સાદીને દયા આવી ગઈ. એ સાથે દિલ ખુદાને નમી પડ્યું. એમણે આભાર માન્યો ખુદાનો કે પગરખાં ભલે ના આપ્યાં, પગ તો સલામત હતા !

જ્યારે પણ જીવનમાં કશાક અભાવનો અનુભવ થાય અને આ કે તે ચિન્તા સતાવવા માંડે ત્યારે ‘શું નથી’ એના વિષે વિચાર કરવાને બદલે તમારી પાસે શું શું છે એનો વિચાર કરવા માંડજો. થોડા જ સમયમાં તમારી ચિન્તા અને વિષાદ ક્યાંય ઓગળી જશે. મિત્રના જેવા પેલા ચારસો રૂપિયાના ગોગલ્સ ના લાવી શકાય એનું દુ:ખ કરવાને બદલે અબજો રૂપિયાની આંખો સલામત છે એનો આનંદ શા માટે ના માણવો ?

ને ચશ્મા બદલવા જ હોય તો પહેલાં મનના ચશ્મા બદલવાનો આગ્રહ રાખવો જોઈએ. જિંદગી અને જગતને ગુલાબી અને હરિયાળાં જોવાં હોય તો એવા પ્રકારના વિચાર આપણે પાથરી દેવા જોઈએ. જેને ચિન્તાનાં વાદળાં જ જોવાં છે એ ભલે કાળા પડદા પાડીને જીવે. પણ આપણે તો ઉજાસના આરાધક બનવું છે, સૂરજના સાથીદાર થવામાં આપણને રસ છે, જિંદગીને જોબનવંતી બનાવવાની આપણી રુચિ છે.

દષ્ટિ બદલાતાંની સાથે જ તમને સમજાશે કે તમારું જીવન બદલાવા લાગ્યું છે. પછી કાળાં ડિબાંગ વાદળના એક ખૂણે ઝમતી તેજની ટશર તમને તરત જ દેખાશે. પછી અમાસની રાતના અંધકારની ફરિયાદ કરવાને બદલે તમે ઔર ઝગમગતા બનેલા તારલાનાં તેજને માણી શકશો. જે દિવસે માણસને સમજાઈ જાય છે કે પોતે જ પોતાના સુખના સૂરજને ઢાંક્યો છે ને પોતે જ ચિન્તાના અંધકારને ઊભો કરવા માટે જવાબદાર છે, એ દિવસ એના માટે નવા જન્મનો મંગલ પ્રારંભ બની શકે છે. એ ધન્ય પળે એને સમજાય છે પોતાના હાથમાં – અને મનમાં – કેટલી વિરાટ શક્તિઓ મૂકવામાં આવી છે.

જીવનપથના પ્રવાસી મિત્ર ! તમારે ચિન્તાના અંધકારમાં અટવાવાનું નથી. નિશ્ચિંતતા, શાન્તિ અને સુખના સૂરજ ઉપર તમારે વાદળના પરદા પાડી રાખવાના નથી. તમારા જીવનને અશાંતિની ખાઈઓમાં ભટકતું રાખવાની કોઈ જરૂર નથી. તમારા મનના વલણને બદલો. તમારી વિચારધારામાં માંગલ્યને સ્થાન આપો. મંગળ ભાવનાઓમાં એવા રસબસ થઈ જાઓ કે ચિન્તાઓ શરમાઈ જાય ને આખું વિશ્વ તમને પરમ મંગલમય, આનંદમય લાગવા માંડે. આજ એવા અંદરના પુરુષાર્થનો આરંભ કરો. તમારા જીવનમાં એક નવી જ રોશની છલકાઈ જશે.

અસીમ સહારો

સમાજસેવાની પ્રવૃત્તિમાં આખું જીવન ગાળી નાખનારાં એક બહેને એમનાં પચાસ સેવામય વર્ષોમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી હતી. મેં એનું રહસ્ય પૂછતાં એમણે ભીંત ઉપર ટાંગેલી એક ફ્રેમ તરફ આંગળી ચીંધી. એમાં સોનેરી અક્ષરે લખ્યું હતું : ‘કદાચ હું મારા એકલા હાથે કાંઈ ના કરી શકું, પણ મારી સાથેના પરમેશ્વરને કારણે મારાથી બધું જ શક્ય બને છે.’

‘ગજબનું વાક્ય છે.’ મેં કહ્યું.

‘હા મારી તમામ સફળતાઓનું રહસ્ય એમાં છૂપાયેલું છે. હું એકવાર આ વાક્યનું મનન કરું ને તરત જ પ્રાર્થના કરું કે ‘હે ભગવાન, મને મદદ કર.’ પ્રાર્થના અને સમર્પણભાવના વણાટ વડે મારી અંદર એવી પ્રચંડ શક્તિ જાગી છે કે ગમે એવી મોટી કામગીરી હાથમાં લેતાં મને જરાય ખચકાટ નથી થતો.’
‘તમને ક્યારેય ચિન્તા થાય છે ?’
‘ચિન્તા શાની થાય ? ‘ઈશ્વર મારી સાથે જ છે’ એ મહાસત્યનું ગુંજન પણ હું વચ્ચે વચ્ચે કરી લઉં છું. એ મહાસૂર્યની સામે ચિન્તાનું બિચારીનું ગજુ શું ?’

દુનિયામાં ભાગ્યે જ કોઈ માણસ એવો હશે જેને આ યુક્તિ ઉપયોગી ના થઈ શકે. મનમાં બરાબર સ્પષ્ટતા થાય એટલા માટે આ ત્રણ સૂત્રોને અહીં ગોઠવું છું.

[1] મારી સાથેના પરમેશ્વરને કારણે મારાથી બધું જ શક્ય બને છે.
[2] ‘હે ઈશ્વર, મને મદદ કર.’
[3] ઈશ્વર મારી સાથે જ છે.

જીવનના આકાશમાં કોઈ ચિન્તાવાદળી ઊભી થવા માંડે કે તરત જ આ સોહામણાં સત્યોનું ગુંજન કરવા માંડજો. એક અજબ તાકાત ઊભી થશે તમારી અંદર. એક આ પ્રાર્થના પણ જુઓ :

‘હે પરમ શક્તિમય ! આ પળનાં વંદન. ભોજન, વસ્ત્ર, નિવાસ, સ્વજનો, વ્યવસાય અને જીવનવિકાસની જે કોઈ તકો તમે અમને આપી છે એ માટે સાચા હૃદયથી તમારો આભાર માનીએ છીએ. એક નાનો પ્રશ્ન ઊભો થયો છે. એનો ઉકેલ મેળવવા માટે આ પ્રાર્થના કરી છે. અમારી ગમે એવી સમસ્યા પણ તમારી વિરાટ શક્તિ માટે તો સાવ નાની છે. હે સર્વશક્તિમાન, તમે એનો ઉકેલ લાવી જ નાખ્યો છે એમ સમજી અમે અગાઉથી જ તમારો આભાર માનીએ છીએ.’

પૂરી શ્રદ્ધાથી આ પ્રાર્થના કરવાથી તમને ગજબનું બળ મળશે. મારા માટે તો એણે એક હોટલાઈન ટેલીફોનનું જ કામ કર્યું છે. જ્યારે પણ મેં આ પ્રાર્થના કરી ત્યારે જવાબ મળ્યો જ છે. એમાં એટલું બધું પામવાનું બન્યું છે કે કોઈ જ સમસ્યા ના હોય ત્યારે પણ માત્ર જીવનવિકાસને નજર સામે રાખીને આ પ્રાર્થના કરી છે ને ખૂબ શાન્તિનો અનુભવ પ્રાપ્ત થયો છે.

ગુરુદેવ ટાગોરે સુંદર પ્રાર્થનાઓનું આલેખન કર્યું છે.

એમાં મને આ પ્રાર્થના વધારેમાં વધારે ગમી છે :

‘હે પરમ ! તારો સાગર વિરાટ છે ને મારી નાવડી નાની છે.’

આમાં ઈશ્વરની અગાધતા અને આપણી લધુતાના સ્વીકાર સાથે આપણી નાવને પાર ઉતારવાની વિનંતી પણ આપોઆપ સમાઈ જાય છે.

બીજી કોઈ જ સમજ ના પડે ત્યારે ‘હે ભગવાન, મને પ્રાર્થના કરતાં શીખવ’ એ પણ ઉત્તમ પ્રાર્થના બની શકે. મૂળ મુદ્દો છે ઈશ્વરીય શક્તિ વિષે સભાન બનવાનો. ચિન્તાના જ વિચારોમાં રમમાણ રહેવાને બદલે ઈશ્વરીય શક્તિનો વિચાર કરવાથી બંધ ઓરડામાંથી તાજી હવામાં પહોંચી ગયાનો અનુભવ થાય છે. ચિન્તા એ અંધારા ભંડકિયાની આસનકેદ છે. જ્યારે પ્રાર્થના એ સાતમામાળની અગાસીનો મુક્તવિહાર છે. પ્રાર્થના નવી ચેતના અને નવી શક્તિ જગાડનાર પાવન પ્રક્રિયા છે. બસ, એના ઉપયોગની જરૂર છે !

સાભાર–ડો. પ્રકાશ ગજ્જર 

8 responses to “( 797 ) ચિંતાને રામ રામ…… એક પ્રેરક લેખ …લેખક ડો. પ્રકાશ ગજ્જર

 1. vimala ઓક્ટોબર 23, 2015 પર 12:22 પી એમ(PM)

  “બીજી કોઈ જ સમજ ના પડે ત્યારે ‘હે ભગવાન, મને પ્રાર્થના કરતાં શીખવ’ એ પણ ઉત્તમ પ્રાર્થના બની શકે. “

  Like

 2. pravinshastri ઓક્ટોબર 23, 2015 પર 8:08 પી એમ(PM)

  મારો સ્વભાવ ….જે છે તે પણ મારા પાત્રમાં ન માય એટલું છે. બીજાને માટે સંવેદનશીલતા અને સ્વજનો માટે ચિંતા રહે જ છે. મારે પોતાને માટે જરા પણ ચિંતા નથી. ટોટલી “નફ્ફટ છું.

  Like

  • Vinod R. Patel ઓક્ટોબર 23, 2015 પર 8:19 પી એમ(PM)

   ફિકરની ફાકી કરે એનું નામ ફકીર … એ અર્થમાં તમે ખરા ફકીર છો . ફકીરો બહુ ઓછા જોવા મળે છે.

   અમારી ગામઠી ભાષામાં… આગળ ઉલાળ નહી અને પાછળ ઢરાળ નહી !

   Liked by 1 person

   • pravinshastri ઓક્ટોબર 23, 2015 પર 9:46 પી એમ(PM)

    મારી તો નહિ પણ સ્વજનોની ચિંતા તો રહે જ. વાતવાતમાં એમની નાની નાની સમસ્યાઓમાં પણ જીવ અકળાઈ જાય. અને ખાસ તો જ્યારે એમને માટે મારાથી કાંઈ જ ન કરી શકાય ત્યારે તો ચિંતાયે થાય અને ભગવાન પણ યાદ આવી જાય.

    Like

 3. Pingback: ( 798 ) વિરાટ વિશ્વાસ ….ચિંતન લેખ …. લેખક –ડો.પ્રકાશ ગજ્જર | વિનોદ વિહાર

 4. Anila Patel ઓક્ટોબર 24, 2015 પર 2:34 પી એમ(PM)

  Chinta to jivati chita chhe. “Chitt tu shidane chinta kare Krushnane karvu hoy te kare”— Narsinh Maheta yaad avi gaya.

  Like

 5. Ramesh Patel ઓક્ટોબર 25, 2015 પર 6:48 એ એમ (AM)

  આવી ઉત્તમ વૈચારિક યાત્રા કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર શ્રી વિનોદભાઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: