વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: નવેમ્બર 2015

( 816 ) પાનખરના રંગો ( COLOURS in FALL ) ….. શ્રી. પી.કે.દાવડા

આજની આ પોસ્ટમાં શ્રી પી.કે.દાવડા તરફથી ઈ-મેલમાં પ્રાપ્ત લેખ એમના આભાર સાથે પોસ્ટ કરેલ છે.

શ્રી દાવડાજીએ પ્રકૃતિમાં અમેરિકાની પાનખર ઋતુ FALL-AUTUMN ના આગમન સાથે વૃક્ષ-વેલાઓમાં થતા રંગોના અજબ ફેરફારોની વાત એમના અભ્યાસ પૂર્ણ લેખમાં કહી છે.

પ્રકૃતિની માફક મનુષ્ય જીવનમાં પણ જુદી ઋતુઓ -બાળપણ , યુવાની અને ઘડપણ  આવે છે.યુવાની એ જીવનની વસંત ઋતુ છે અને ઘડપણ એ જીવનની પાનખર છે જેમાં શરીરમાં અજબ ફેરફારો- વાળનો રંગ બદલાઈ જાય વી. થાય છે.

જીવનની પાનખરને પણ આ લેખમાં કથિત પ્રકૃતિની પાનખરની જેમ રંગીન બનાવીએ તો કેવું સારું !

વિનોદ પટેલ

પાનખરના રંગો (FALL COLOURS) ….. શ્રી પી.કે. દાવડા 

અમેરિકામાં વર્ષમાં ત્રણ ત્રણ મહિનાની ચાર ઋતુઓ હોય છે. માર્ચ, એપ્રીલઅને મે મહિનામાં SPRING (વસંત ૠતુ), જુન, જુલાઈ અને ઓગસ્ટમાંSUMMER (ઉનાળો અથવા ગ્રીષ્મ ઋતુ), સપ્ટેમ્બર, ઓકટોબર અને નવેમ્બરમાં FALL (પાનખર ૠતુ) અને ડીસેમ્બર, જાન્યુઆરી અનેફેબ્રુઆરીમાં WINTER (શિયાળો).

અમેરિકા એક વિશાળ દેશ છે. પેસિફીક મહાસાગરે આવેલા પશ્ચિમ કિનારેથી એટલાંટીક મહાસાગરે આવેલા પૂર્વ કિનારા વચ્ચેનું અંતર ૨૬૮૦ માઈલ છે,જ્યારે ઉત્તરથી દક્ષિણ હદો વચ્ચેનું અંતર ૧૫૮૨ માઈલ છે. પૂર્વ કિનારા અને પશ્ચિમ કિનારા વચ્ચે સૂર્યોદયના સમયમાં ત્રણ કલાકનો ફરક હોય છે. એટલે એક ૠતુ હોવા છતાં અનેક શહેરોમાં તાપમાનમાં ફરક રહેવાનો.

લેખમાં હું FALL ઋતુ વિષે વાત કરવાનો છું. ઋતુમાં તાપમાનમાં સારો એવો ઘટાડો થાય છે અને ઝાડના પાંદડાનો રંગ બદલાવા લાગે છે.બાકીની ઋતુઓમાં સામાન્ય રીતે પાંદડા લીલા રંગના હોય છે, ભલે પછી એ હલકો લીલો હોય કે ઘેરો લીલો હોય. FALL માં પાંદડાનો રંગ બદલાઈને લાલ, પીળા, પરપલ, નારંગી,પિંક, કાળા, મજેંટા અને બ્રાઉન થઈ જાય છે. કેટલાક રંગ બહુ ઘેરા અને Flaming હોય છે. કુદરતનો નજારો જોવા સહેલાણીઓ મોટી સંખ્યામાં પર્યટનો યોજે છે. અહીં એક નમૂનાનું ચિત્ર રજૂ કરૂં છું.

           Fall -1

બધા રંગો પૂરા સમય સુધી પાંદડામાં હોય છે, પણ બાકીના આઠદસ મહિના એમાં રહેલું ગ્રીન ક્લોરોફીલ રંગોને ઢાંકી દે છે. Fall દરમ્યાન ક્લોરોફીલ ઘટી જાય છે એટલે રંગો દેખાય છે. ધીરે ધીરે પાંદડામાં રહેલો ભેજ તદ્દન સૂકાઈ જાય છે અને પાંદડા ખરી પડે છે, અને ત્યારબાદ વૃક્ષો કેવા દેખાય છે એનો એક નમૂનો અહીં નીચે આપ્યો છે.

                        Fall-2

 બસ ફરી વસંત ઋતુ આવતાં વૃક્ષ પોતાના અસલી સ્વરૂપમાં આવી જાયછે.

               Fall-3

 પી. કે. દાવડા

આ ટ્રાવેલ વિડીયોમાં અમેરિકાની પાનખરની પ્રકૃતિ લીલાની ઝાંખી થશે.

America’s Best Fall Getaways (Fall Foliage and Travel Video)

Autumn Foliage in Washington State 2012

( 815 ) થેંક્સ ગીવીંગ ડે … અને …આભારવશતા

અમેરિકામાં દર વરસે નવેમ્બર મહિનાના ચોથા ગુરુવાર ને થેન્ક્સ ગીવીંગ ડે (આભાર પ્રગટ દિવસ )તરીકે ઉજવવાની એક લોક માન્ય પ્રથા વર્ષોથી ચાલતી આવી છે.થેંક્સ ગીવીંગ ડે એટલે..આભારવશતા બતાવવાનો દિવસ.

આ વરસે ૨૬મી નવેમ્બર ૨૦૧૫, ગુરુવારના દિવસને અમેરિકનો થેંક્સ ગીવીંગ ડે તરીકે ઉજવશે.ક્રિસમસ પહેલાં જ આવતા અમેરિકાના આ રાષ્ટ્રીય રજાના અગત્યના જન ઉત્સવમાં કુટુંબ મેળાપ,ટર્કી ભોજન,ખાણી પીણી ,વિગેરે અનેક ચીલા ચાલુ રીતે ઉજવણીનો માહોલ શરુ થઇ જાય છે . બીજા દિવસ બ્લેક શુક્રવારની વહેલી સવારે સ્ટોરોમાં પહોંચી અવનવી ચીજ વસ્તુઓ ખરીદવાનો એક પ્રકારનો ગર્વ અને આનંદ પણ લેવાય છે.

આ  દિવસનો ઈતિહાસ જોતાં મૂળ ભૂત રીતે તો  એ મૂળ પાયોનીયર પ્રજાનો સારો પાક લેવાનો અને છેલ્લું વર્ષ સારું ગયા માટેનો આભાર વ્યક્ત કરવા માટે ના દિવસ તરીકે ઉજવાતો હતો.

વિકિપીડિયા ની આ લીંક પર ક્લિક કરીને    થેંક્સ ગીવીંગ દિવસ નો  ઈતિહાસ અને અન્ય માહિતી વાંચી શકાશે.

જન્મથી માંડી આજ સુધી તમે જે કઈ પણ પ્રાપ્ત કર્યું છે એની પાછળ ઘણી વ્યક્તિઓ -મા-બાપ , ગુરુ જનો, સગાં સંબંધીઓ ,મિત્રો વિગેરે-ની  અમુલ્ય મદદ, સહકાર અને ત્યાગનો ફાળો  હોય છે .

તમે કદાચ જાણતા પણ નહી હો , પણ તમે જે કઈ પણ મેળવ્યું છે એ અને એવું મેળવવા માટે કેટ કેટલા માણસો તરસતા હોય છે!એટલા માટે તમારી બધી પ્રાપ્તિ માટે આભારવશ બની લાગતા વળગતા આ સૌનો આભાર માનવાનો આ દિવસ છે.

આ ઉપકારનો બદલો અન્ય દુખી માનવ પર ઉપકાર-પરોપકાર કરીને વાળવાનો પણ આ દિવસ છે.

આ દિવસે ગરીબો તથા ઘર વિહીન-હોમલેસ- લોકોને માટે ભોજન વ્યવસ્થા તથા દાન કરી આવાં પ્રભુનાં બાળકો પ્રત્યે દયા  ભાવ દર્શાવાય  છે.બાઈબલમાં જીસસ ક્રાઈસ્ટે પણ કહ્યું છે “ જેની પાસે આપવાની હીંમત નથી તે લેવાને માટે પણ પાત્ર નથી.” 

આ સંદર્ભમાં મારી એક અછાંદસ રચના 

જીવન સાફલ્ય

જીવનમાં જે લીધું એનાથી જિંદગી જીવાઈ જાય છે

જીવનમાં જે આપ્યું એનાથી જિંદગી બની જાય છે

બે હાથે ભેગું કરીને માત્ર તમારા સ્વાર્થને ન જુઓ  

કદીક કોઈ એક હાથ કોઈ દુખી તરફ પણ લંબાવો

જગતમાં આવ્યા ત્યારે ખાલી હાથે જ આવ્યા હતા

જ્યારે જઈશું ત્યારે બધું જ પાછળ મુકીને જવાના 

સ્વાર્થ માટે જીવો ,એથી બને છે તમારી જ જિંદગી

પરાર્થે જીવી જાણો ત્યારે એ બને છે પ્રભુની બંદગી

જ્યારે જીવો છો ત્યારે કંઇક એવું કરીને જ જાઓ ,

લોકો યાદ કરે,જનાર એક પરોપકારી જન હતો

વિનોદ પટેલ

દરરોજ સવારે જાગીએ છીએ ત્યાંથી રાત્રે સુઇએ છીએ ત્યારે અને એ રીતે મૃત્યુ પર્યંત જે દૈવી શક્તિ આપણી સંભાળ રાખે છે , આપણા હૃદયને સતત ૨૪ કલાક ધબકતું રાખે છે એ માટે આ દૈવી શક્તિ સ્વરૂપ ઈશ્વરનો આભાર માનવામાંથી આપણે ચૂકવું ના જોઈએ.

ઓ પ્રભુ ,તારો આભાર !

અન્ન અને વસ્ત્ર આપવા માટે પ્રભુ તારો આભાર,

સવારે સૂર્યપ્રકાશમાં જગાડવા માટે તારો આભાર,

માથે છત્ર અને રાત્રે આરામ માટે તારો આભાર,

સ્નેહીજનો અને મિત્રોના પ્રેમ માટે તારો આભાર,

આમ અગણિત ઉપકારો છે જીવનમાં ,પ્રભુ તારા,

કેટલા ઉપકારો માટે માનું આભાર,એ સમજાય ના

તમે જ્યારે જીવનનો થાક અનુભવો અને અંદરથી ભાંગી પડ્યાની લાગણી અનુભવો એવે વખતે પ્રભુનો જરૂર આભાર માનો કેમકે જીવનમાં સારી વસ્તુઓ પ્રાપ્ત થાય ત્યારે આભારી બનવાનું તો સહેલું હોય છે, પરંતુ જિંદગીમાં જ્યારે પીછેહઠ કરવાનો સમય આવે એવી પરિસ્થિતિમાં પણ આભારવશતાનો અનુભવ કરે છે એમનું જીવન પરિપૂર્ણ બનતું હોય છે.આવી પૂર્ણતાનો આનંદ અનેરો હોય છે.

પ્રભુનો આભાર માનો કે ………

પ્રભુનો આભાર માનો કે તમે જે કંઈ તમારા જીવન દરમ્યાન  ઈચ્છયું હોય એ બધું જ તમને પ્રાપ્ત થયું નથી. જો તમોને એ બધું જ મળી ગયું હોત તો મેળવવાનુ બાકી ન રહેતાં મેળવવાનો જે આનંદ હોય છે એ ક્યાંથી મળ્યો હોત !

પ્રભુનો આભાર માનો કે તમે જે કંઈ જાણવા માંગો છો એ બધું જ જાણતા નથી કેમ કે એ તમને જ્ઞાન પ્રાપ્તિ માટે વધુ પ્રયત્ન કરવાની કોશિષની તકો પૂરી પાડે છે.

— પ્રભુનો આભાર માનો કે તમારે જીવનમાં અનેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે કેમ કે એવી મુશ્કેલીઓ જ તમારા માટે શક્તિનો સ્ત્રોત બની તમારો સારો અને સાચો વિકાસ કરે છે.

પ્રભુનો આભાર માનો કે તમારામાં હજુ કેટલીક મર્યાદાઓ રહી ગઈ છે ,કેમ કે આવી મર્યાદાઓ અન કમીઓ જ તમને તમારી જાતમાં જરૂરી સુધારો કરવાની તકો પૂરી પાડે છે .

પ્રભુનો આભાર માનો કે  તમારા જીવનમાં કોઈવાર  નવા નવા પડકાર પણ આવે છે કેમ કે આવા પડકારો જ તમારામાં નવી શક્તિનો આવિર્ભાવ કરે છે અને તમારું સાચું  ચારિત્ર્ય(Character) ઘડતર કરે છે.

પ્રભુનો આભાર માનો કે  મારાથી ભૂલો પણ થાય છે કેમ કે તમારી ભૂલોમાંથી જ તમને તમારા જીવન માટેનો અમુલ્ય બોધપાઠ શીખવા મળે છે.

તમારી આ પ્રકારની પ્રભુ પ્રત્યેની આભારવશતા તમારી સર્વ નકારાત્મક દ્રષ્ટિ(Negative attitude )ને સકારાત્મક દ્રષ્ટિ(Positive attitude)માં પલટી નાખે છે.

તમારા જીવનની અડચણો અને મુશ્કેલીઓમાંથી પણ આભારવશતા શોધવાનો પ્રયત્ન કરો અને પછી જુઓ કે એ કેવો તમારા માટે એક આશીર્વાદમાં બદલાઈ જાય છે !

BE THANKFUL FOR EVERYTHING YOU HAVE IN LIFE

IT’S NOT HAPPY PEOPLE WHO ARE THANKFUL

IT’S THANKFUL PEOPLE WHO ARE HAPPY

happy-thanksgiving-fb-friends

–વિનોદ પટેલ, સાન ડિયેગો ,નવેમ્બર ૨૬, ૨૦૧૫ 

 

( 814 ) પ્રતિલિપિના વાર્તા મહોત્સવમાં મારી વાર્તા “ગરમ સ્વેટર”

મિત્રો ,
 
આપને જણાવતાં ખુશી થાય છે કે પ્રતિલિપિ સંસ્થા આયોજિત વાર્તા મહોત્સવ – ૨૦૧૫ માં મારી વાર્તા “ગરમ સ્વેટર”  પણ મુકાઈ છે.
 
આ વાર્તાના મુખ્ય પાત્ર બહેચર કાકા એક નાના ગામના ખેડૂત છે જેમના બે દીકરા દિનેશ અને રમણને પાડાના કાંધ જેવી એમની જમીન વેચીને એમણે અમેરિકા સારા ભવિષ્ય માટે એમને મોકલ્યા છે.
અમેરિકા જઈને  આ બન્ને દીકરા ત્યાંના સુખ ચેનના માહોલમાં એમના મૂળ સંસ્કારો ભૂલ્યા છે અને પિતાને પણ જાણે ભૂલી ગયા છે.તેઓ ગામમાં એકલા રહેતા પિતાને મળવા આવવાનો સમય કાઢી શકતા નથી.
 
દશ વર્ષ પછી પણ પિતાને મળવાનો સમય કાઢી ના શકનાર એમનો પુત્ર દિનેશ પિતા માટે એક ગરમ સ્વેટર એના ગામના જ એના દોસ્ત મહેશ સાથે મોકલાવે છે .
 
સ્વેટર આપવા આવેલા એમના દીકરાના મિત્ર મહેશ આગળ બહેચર કાકા એમના હૈયાની વરાળ ઠાલવે છે.
 
બહેચર કાકા ભલે એક અભણ ખેડૂત હોય પણ તેઓ જમાનાને પચાવી ગયેલા હોઈ કેવી સરસ હૈયા સૂઝ ધરાવે છે એ દિનેશ સાથેની એમની વાતચીતમાંથી તમને જણાશે.
 
આજે અનેક ગામોમાં મળી આવતા આવા ઘણા બહેચર કાકાઓની વાત કહેતી આ વાર્તા તમને જરૂર ગમશે એવી મને આશા છે.
 
આ વાર્તા આપ જરૂર વાંચજો અને આપને ગમે અને યોગ્ય લાગે તો garam svetar ની લીંક પર વાર્તાના પેજ નીચે આપેલ રીવ્યુ માટેની જગાએ આ વાર્તા અંગેની આપની કોમેન્ટ પણ લખશો.
 
નીચેના ચિત્ર પર ક્લિક કરીને પણ તમે આ આખી વાર્તા વાંચી શકશો.
 
 ગરમ સ્વેટર …. વાર્તા ….. વિનોદ પટેલ 
 
image
         
 
 

 

 

 

 
આ સ્પર્ધા માટે વાચકો દ્વારા મળેલ રીવ્યુ/કોમેન્ટ્સ પણ એક ધ્યાનમાં રાખવાનું ફેક્ટર હોઈ  ઉપર જણાવેલી જગાએ આ વાર્તા અંગેની આપની કોમેન્ટ લખવા માટે ખાસ વિનંતી છે.
 
આભાર 
 
વિનોદ પટેલ 

( 813 ) જીવનમાં પરિગ્રહ અને અપરિગ્રહ … એક વિચાર વિમર્શ

આ પોસ્ટ માટેનું પ્રેરણા સ્ત્રોત હ્યુસ્ટન રહેતા મારા એક ખુબ જુના મિત્ર શ્રી હસમુખ દોશીએ અંગ્રેજીમાં મોકલેલ એક પ્રેરક ઈ-મેલ અને એના પર મારા નજીકના મિત્રોએ કરેલ ટીપ્પણી છે.મને ગમી ગયેલો આ ઈમેલ મારા ફેસબુક પેજ મોતીચારોમાં પણ મેં મુક્યો છે.

શ્રી દોશીનો આ અંગ્રેજી ઈ-મેલ આ પ્રમાણે છે.

When we die, our money remains in the bank.Yet, when we are alive, we don’t have enough money to spend.In reality, when we are gone, there is still a lot of money not spent.
One business tycoon in China passed away. His widow, left with $1.9 billion in the bank, married his chauffeur.

His chauffeur said:- “All the while, I thought I was working for my boss… it is only now, that I realize that my boss was all the time, working for me !!!”

The cruel reality is:

It is more important to live longer than to have more wealth.So, we must strive to have a strong and healthy body, It really doesn’t matter who is working for who.

In a high end hand phone, 70% of the functions are useless!

For an expensive car, 70% of the speed and gadgets are not needed.

If you own a luxurious villa or mansion, 70% of the space is usually not used or occupied.

How about your wardrobes of clothes? 70% of them are not worn!

A whole life of work and earning… 70% is for other people to spend.

So, we must protect and make full use of our 30%.

આ ઈ-મેલ નો સાર એ નીકળે છે કે માણસ એની જિંદગીમાં જે ભેગું કરે છે એનો માત્ર ૩૦ ટકાનો જ ઉપયોગ કરતો હોય છે , બાકીનું પડી રહે છે કે બીજાઓ એનો ઉપયોગ કરે છે.

માણસમાં મૂળભૂત રીતે રહેલી વણ જોઈતું સંઘરવાની વૃતિ-પરિગ્રહ વૃતિ ને લીધે આમ બને છે. એટલા માટે જ જીવનમાં અપરિગ્રહ જરૂરી ગુણ બની જાય છે.

ઉપરના અંગ્રેજી ઈ-મેલમાં કહ્યું છે એમ આપણા પહેરવાનાં કપડાં-વોર્ડ રોબ- ના માત્ર ૩૦ ટકા જ આપણે ઉપયોગ કરીએ છીએ અને ૭૦ ટકા બિન ઉપયોગી શોભાના ગાંઠિયાની જેમ ક્લોજેટમાં લટકતાં જ રહે છે અને આપણી પરિગ્રહ વૃતિના અભિમાનને પોષે છે. 

માણસમાં જે અનેક કુવૃત્તિઓ પડેલી હોય છે એમાં આવા પ્રકારની પરિગ્રહની વૃતિ પણ એક છે.પરિગ્રહવૃતિ  એ એક પ્રકારની લાલચ જ છે બીજું કઈ નહિ.

પરિગ્રહ એટલે ગ્રહણ કરવું ,સંચય કરવો અને અપરિગ્રહ એટલે આ સંચય વૃતિનો અને એનો બિન જરૂરી ઉપભોગ કરવાની લાલચને સદંતર રીતે ટાળવી 

જૈન ધર્મનાં અભ્યાસી અને ઈ- વિદ્યાલયનાં પ્રણેતા બેન હિરલે આ અંગ્રેજી ઈ-મેલના પ્રતિભાવ રૂપે લખ્યું કે …

“જૈન ફિલસૂફીમાં એક સુંદર ગુણને ઉતારવા ઘણું લખાયું છે. ગાંધીજીએ પણ આ ગુણની ઘણી હિમાયત કરેલી જ છે.જીવનમાં ઉતારવા માટે બહુ જ અઘરો આ ગુણ છે. અપરિગ્રહ.પ્રતિક્રમણમાં આવા અઢાર પાપના સ્થાનનું ચિંતન કરવા જણાવાયું છે.”

બેન હીરલની વાત સાચી છે . અપરિગ્રહ વ્રત કે બીજાં વ્રતોના આચરણની બાબતમાં ગાંધીજી સવાઈ જૈન હતા.

સાબરમતી નદીમાં અઢળક પાણી વહી જતું હતું પણ એમાંથી એક લોટી જરૂર હોય એથી વધુ પાણીનો વપરાશ કરવાનો આપણને અધિકાર નથી એમ એમના શિષ્યોને પ્રાર્થના સભામાં ગાંધીજીએ શીખ આપી હતી.

ગાંધીજીએ  આશ્રમ ભજનાવલીમાં આચરવા માટે જે ૧૧  વ્રતો કહેલાં છે એ ખુબ જાણીતાં છે એમાં -વણજોતું નવ સંઘરવું -એટલે કે અપરિગ્રહના વ્રતનો પણ સમાવેશ થાય છે .

એ અગિયાર મહાવ્રતો આ પ્રમાણે છે;

સત્ય, અહિંસા, ચોરી ન કરવી,વણજોતું નવ સંઘરવું;
બ્રહ્મચર્ય ને જાતે મહેનત,કોઈ અડે ના અભડાવું;
અભય, સ્વદેશી, સ્વાદ ત્યાગ અને , સર્વ ધર્મી સરખાં ગણવાં.
એ અગિયાર મહાવ્રત સમજી ,દ્રઢ પણે નિત્ય આચરવાં .

ગાંધીજીનાં આ ૧૧ મહાવ્રતો જૈન ધર્મની ફિલસુફી પર આધારિત છે.

જૈનધર્મમાં પણ કુલ બાર વ્રતનું વર્ણન છે. જેમાં પ્રથમના પાંચ ’પંચ મહાવ્રત’ અને પછીના સાત ’સાત ગુણવ્રત’ ગણાય છે.

આ બાર વ્રતો આ છે.

અહિંસા, અસ્તેય, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, દિગ્પરિમાણ, દેશાવકાસિક, ભોગોપભોગ પરિણામ, અનર્થદંડ, સામાયિક, પૌષધ અને અતિથિ સંધિભાગ.

ગરાજ સેલ

જેઓ અમેરિકામાં રહે છે તેઓ ગરાજ સેલનો કન્સેપ્ટ અમેરિકન જીવન રીતિમાં શું ભાગ ભજવે છે એનાથી વાકેફ હશે.આખા વર્ષ દરમ્યાન કુટુંબના દરેક સભ્ય દ્વારા જુદી જુદી ચીજોનું શોપિંગ થતું રહે છે જેમાંથી ઘણી વસ્તુઓ થોડો સમય ઉપયોગ કર્યા પછી ઘરમાં ઘર જમાઈની જેમ પડી રહેતી હોય છે.આ બધી બિન જરૂરી વસ્તુઓનો ઘરમાંથી નિકાલ કરવા માટે અમુક વરસો પછી છાપામાં ટચુકડી જાહેરાત આપીને ઘરના ગરાજની બહાર જાહેર જનતાને મફતના ભાવે વેચવા માટે મુકવામાં આવે છે.ઘણા લોકોના ગરાજ આવી ચીજ વસ્તુઓના ખડકલાથી એટલાં ભરેલાં હોય છે કે એમાંથી માંડ ચાલીને ઘરમાં જવાય છે.

માણસની પરિગ્રહ વૃતીનું ગરાજ સેલ એ ઉત્તમ ઉદાહરણ છે.

ગરાજ સેલ અંગે મારા મિત્ર શ્રી સુરેશ જાનીએ એમના બ્લોગ” સૂર સાધના”માં અમેરિકાના વસવાટના એમના જાત અનુભવ પર આધારિત એક સરસ લેખ પોસ્ટ કર્યો છે એને નીચેની લીંક પુર ક્લિક કરીને એમના રસસ્પદ શબ્દોમાં માણો .

ગરાજ સેલ …. લેખક…. શ્રી સુરેશ જાની 

અંતે ,મહાન વિચારક અને ફિલસૂફ સ્વ. જે.કૃષ્ણમૂર્તિ ના પુસ્તક “જીવન દર્શન ” માંથી આ અવતરણ મુકવાનું મન થાય છે.એમના શબ્દો આજની પોસ્ટના વિષય – જીવન અને અપરિગ્રહ -ને વધુ સ્પષ્ટ કરે છે.

એમનો પ્રેરક સંદેશ આ છે .

જીવન એ જ પારસમણિ

તમે તમારી સ્વ-અગત્યતા વધારી ન દેતા , ધન , કીર્તિનો ઢગલો ન કર્યા કરતા . કોઇ કોઇ વાર અંતરંગમાં નિતાંત ખાલી થઈ જાઓ . તમારી સંપત્તિ , વૈભવ , હોદ્દો , મોભો , પત્ની , સંતાન , મિત્રો , કશુંય તમારું નથી એમ સમજી ક્યાંય બીજે રહી જુઓ .

બહિરંગમાં તમારે થોડાં કપડાં , મૂઠી ચોખા અને ઝૂંપડી જોઈશે . સાફલ્યના મ્રુગજળ પાછળ દોડ્યા ન કરતા . તે કશું નથી. બધો અહમનો પ્રસાર – પ્રચાર માત્ર છે . સ્વ- કેન્દ્રિત પ્રવ્રુત્તિની સાંકડી શેરી છે.

પંદર ઓરડાના બંગલામાં તમારે માત્ર એકમાં જ સૂવાનું છે , પચ્ચીસ જોડ કપડામાંથી એક જ પહેરવાની છે , અનાજના કોઠારમાંથી મૂઠી ધાન ખાવાનું છે અને નોટોના બંડલમાંથી છેવટે તમે ઈશ્વર પાસે શું લઈ જશો ?

તમારે જોઈએ તેના કરતાં વધારે સંગ્રહ કરી , તમે તમારા અનેક ભાઈભાંડુને ભૂખે રઝળાવો છો . તમારી દંભી મંઝિલ , અહમના લોભની છે . ઈશ્વરે આપેલા જીવન – પારસમણિનો ગેરસમજણને લીધે દુરુપયોગ કરો છો . જીવનને સુવર્ણ બનાવવાને બદલે તમે ભંગારના પતરાની જેમ કથીર બનાવી નાખો છો.

–જે કૃષ્ણમૂર્તિ

( 812 ) હેલ્થ ઇસ્યુ: આપણા દેશની ‘તબિયત’ બહુ સારી નથી!……. લેખક- શ્રી કૃષ્ણકાન્ત ઉનડકટ

હેલ્થ ઇસ્યુ: આપણા દેશની ‘તબિયત’ બહુ સારી નથી!

તંદુરસ્તીના મુદ્દે આપણો દેશ ક્યાં ઊભો છે? વર્લ્ડ્સ હેલ્ધીએસ્ટ કન્ટ્રિઝની યાદીમાં આપણે છેક 103મા ક્રમે છીએ. વિકાસ માટે દેશના લોકો સ્વસ્થ હોય એ સૌથી મહત્ત્વનું છે 

આપણા દેશના લોકોને સૌથી મોટી ચિંતા શેની હોય છે? માંદા પડશું તો શું થશે? કોઇ મોટી અને ખતરનાક બીમારી લાગુ પડી ગઇ તો કેવી રીતે મેનેજ કરીશું? બીમાર વ્યક્તિને હોસ્પિટલમાં એડમિટ કરતી વખતે ઘરના લોકોને સૌથી મોટું ટેન્શન એ જ હોય છે કે બિલ કેટલું થશે? દેશમાં એવો વર્ગ બહુ ઓછો છે કે જેઓ આરામથી એવું કહી શકે કે, મની ઇઝ નોટ એન ઇસ્યુ. મધ્યમ વર્ગના લોકો માટે સૌથી મોટો સવાલ એ હોય છે કે રૂપિયા કાઢશું ક્યાંથી? હા, ઘણા લોકો ડોક્ટરને એમ કહે છે કે રૂપિયાની ચિંતા ન કરતા પણ અંદરખાને તો એવું જ પ્લાનિંગ કરતા હોય છે કે કોની પાસેથી ઉછીના લેશું? કયો દાગીનો વેચીશું? થોડી ઘણી બચત હોય એ પણ ખર્ચાઇ જાય છે અને માથેથી દેવું થઇ જાય છે. આવું બધું કર્યા પછી પણ જો પોતાની વ્યક્તિને સારું થઇ જાય તો લોકો ભગવાનનો આભાર માને છે. રૂપિયા તો કમાઇ લેવાશે, ઘરનું માણસ બચી ગયું એનાથી મોટી વાત શું હોય! બીમારી આવે ત્યારે લોકો ગમે તે રીતે મેનેજ કરે છે! 

સવાલ એ થાય કે, દેશના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે સરકારની જવાબદારી કેટલી? આમ જુઓ તો શિક્ષણ અને સ્વાસ્થ્ય એ એવી બાબતો છે જેનું ધ્યાન સરકારે રાખવાનું હોય છે. કમનસીબે આ બંને ક્ષેત્રો પ્રતિ સૌથી વધુ દુર્લક્ષ સેવાયું છે. અત્યારની સરકાર સામે આક્ષેપ કરવો એટલા માટે વાજબી નથી કારણ કે અગાઉની સરકારોએ પણ કંઇ ઉકાળ્યું નથી. હા, અત્યારની સરકાર પાસે અપેક્ષાઓ જરૂરથી રાખી શકાય. ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને ઇન્ડિયાની બીજી વાતો સાથે હેલ્થ ઇન ઇન્ડિયા વિશે પણ વાત કરવી પડે એવી હાલત આપણા દેશની છે. એક રીતે જોઇએ તો સ્વાસ્થ્યના મામલે દુનિયાની સરખામણીમાં આપણે હજુ ઘણા ‘પછાત’ છીએ! 

હમણા બ્લુમબર્ગ દ્વારા વર્લ્ડના હેલ્ધીએસ્ટ કન્ટ્રિઝની યાદી બહાર પડી. આ યાદીમાં આપણા દેશનું નામ છેક 103મા નંબરે છે. યાદ રહે, આ યાદીનો ઉપયોગ ધ યુનાઇટેડ નેશન્સ, વર્લ્ડ બેંક અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પોતાની પોલિસીઝ અને કાર્યક્રમો ઘડતી વખતે ઉપયોગ કરે છે. ભારત સુપર પાવર કન્ટ્રી બનવાનાં સપનાં જુએ છે. દેશના લોકોનું સારું સ્વાસ્થ્ય હશે તો જ આ સપનું પૂરું થવાનું છે. આપણા દેશમાં સમયાંતરે કોઇ ને કોઇ બીમારી માથું ઊંચકે છે. થોડો સમય ઊહાપોહ થાય છે અને તેના ઉપાયો માટે પણ ચર્ચા થાય છે. લાંબા ગાળા માટે જે થવું જોઇએ એ થતું નથી. 

ટીબી અંગેનો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો ‘ગ્લોબલ ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટ-2015’ હમણાં બહાર પડ્યો. આ રિપોર્ટમાં ભારતનું નામ સૌથી આગળ છે. ગયા વર્ષે આપણા દેશમાં ટીબીમાં નવા 9.6 મિલિયન કેસો નોંધાયા. અમુક બીમારીઓમાં તો આપણા દેશની હાલત આફ્રિકન દેશો કરતાં પણ ખરાબ છે. મેડિકલ ફેસેલિટીના નામે આપણે ત્યાં ઘણું બધું લોલમલોલ ચાલતું રહે છે. 

એક તરફ આપણા દેશમાં મલ્ટિનેશનલ કંપનીઓ ફાઇવ સ્ટાર હોટલ્સને ટક્કર મારે એવી હોસ્પિટલ્સ ઊભી કરી રહી છે તો બીજી તરફ સરકારી દવાખાનાઓની હાલત ખસ્તાહાલ છે. ફાઇવ સ્ટાર હોસ્પિટલ્સ ધનિકોને જ પરવડે તેવી છે. ગરીબો માટે તો આવી હોસ્પિટલમાં મરવાનું પણ નસીબ નથી હોતું! આપણા દેશમાં મોટાભાગે એવા જ લોકો સરકારી દવાખાનામાં સારવાર માટે જાય છે જેને ખાનગી દવાખાનામાં જવું પરવડતું નથી. સરકારી દવાખાને ગયા પછી પણ બહારની દવા લેવાનો ખર્ચ કંઇ નાનો-સૂનો આવતો નથી. 

સ્વાસ્થ્યની વાત સાથે બીજા બે મુદ્દા પણ જોડાયેલા છે. એક તો આપણે ત્યાં હજુ મેડિકલ ઇન્સ્યુરન્સ માટે જેટલી અવેરનેસ હોવી જોઇએ એટલી નથી. મેડિકલ ઇન્સ્યુરન્સને ખોટો ખર્ચ ગણવામાં આવે છે. જ્યારે બીમાર પડે ત્યારે બે છેડા ભેગા કરવામાં ફાંફાં પડી જાય છે. આ ઉપરાંત દવાની કિંમત પણ વધારે છે. એક જ કન્ટેન્ટવાળી ટેબ્લેટ અલગ અલગ ભાવે મળે છે. જે દવા બે રૂપિયાની મળતી હોય એ જ દવા બ્રાન્ડેડ કંપનીની હોય તો વીસ રૂપિયાની મળે છે! સરકાર ધારે તો આ બે મુદ્દે તો ઘણું કરી શકે એમ છે. એના માટે તો સરકારે માત્ર પોલિસી જ બનાવવાની છે, કંઇ ખર્ચ કરવાનો નથી. સવાલ દાનતનો છે. 

દુનિયાના હેલ્ધીએસ્ટ દેશોમાં સૌથી મોખરે કોણ છે? ટોપ ઉપર નામ છે સિંગાપોરનું. એ સિવાય ટોપ ટેનમાં ઇટલી, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લેન્ડ, જાપાન, ઇઝરાયલ, સ્પેન, નેધરલેન્ડ, સ્વિડન અને જર્મનીનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં સૌથી નીચે સ્વાઝીલેન્ડનું નામ છે. સૌથી ઓછા હેલ્ધી ટોપ ટેન દેશોમાં સ્વાઝીલેન્ડ ઉપરાંત લુશોટો, કોંગો, ચાડ, મોઝામ્બિક, બુરુન્ડી, મલાવી, અંગોલા, યુગાન્ડા અને કેમરોનનો સમાવેશ થાય છે. હવે આપણા પડોશી દેશોની સ્થિતિ શું છે એના ઉપર પણ નજર ફેરવી લઇએ. આપણા કરતાં આપણા બધા જ દેશોની હાલત સારી છે. 

આપણા 103મા નંબર સામે ચીન 55મા નંબરે, શ્રીલંકા 56મા નંબરે, નેપાલ 89મા નંબરે, બાંગ્લાદેશ 94મા નંબરે અને પાકિસ્તાન 100મા નંબરે છે. બ્રિટનનો નંબર ટોપ ટેનમાં ન આવ્યો એટલે ત્યાં હોબાળો મચ્યો છે. બ્રિટનનો નંબર 21મો છે. અમેરિકાનો નંબર 33મો છે. આપણે ત્યાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. જોકે આ પહેલું સુખ આપણા નસીબમાં ઓછું છે. માત્ર સારવારની દૃષ્ટિએ જ આ મુદ્દાને જોવાનો નથી. સાથોસાથ હવા, પાણી, ખોરાક અને લાઇફ સ્ટાઇલમાં સુધારાની જબરજસ્ત જરૂરિયાત છે. 

આપણા દેશમાં કોઇના કોઇ વાદેઊહાપોહ થતા રહે છે, એવોર્ડ્સ પરત અપાય છે અને હો-દેકારા થાય છે, જે મામલે થવું જોઇએ એ મામલે કંઇ જ થતું નથી!

કૃષ્ણકાંત ઉનડકટ

kkantu@gmail.com

 સૌજન્ય-દિવ્ય ભાસ્કર.કોમ 

 

krishnkant-unadkat

Krishnkant Unadkat,

Executive Editor,
SANDESH Daily,Vastrapur,
AHMEDABAD-380015.
Cell :09825061787.
e-mail :kkantu@gmail.com

Blog :

www.krishnkantunadkat.blogspot.com

 

આ અગાઉ વિનોદ વિહારમાં શ્રી કૃષ્ણકાન્ત ઉનડકટના ઘણા ચિંતન લેખો પોસ્ટ થયા છે. એ બધા લેખો-

આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે 

( 811) અમે સૂતા ઝરણાંને જગાડ્યું,…રચના… ઉમાશંકર જોશી

ગીત અમે ગોત્યું .. કવી -ઉમાશંકર જોશીનું યાદગાર ગીત 

અમે સૂતા ઝરણાંને જગાડ્યું,
ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વનવનનાં પારણાંની દોરે,
શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું …

અમે ગોત્યું વસંતની પાંખે;
ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું …

અમે શોધ્યું સાગરની છોળે,
વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું …

અમે ગોત્યું કંઇ સેંથીની વાટે,
લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું …

અમે ખોળ્યું શૈશવને ગાલે,
કે નેહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું …

અમે જોઇ વળ્યાં દિશદિશની બારી;
વિરાટની અટારી,
કે ગીત અમે ગોત્યું …

ઉરે આંસુ પછવાડે હીંચતું,
ને સપનાં સીંચતું,
કે ગીત અમે ગોત્યું …

-ઉમાશંકર જોશી

કવી ઉમાશંકર ના આ ગીતને નીચેના વિડીયોમાં માણો . 

સ્વર :- વિરાજ – બિજલ ઉપાધ્યાય
સંગીત :- શ્યામલ-સૌમિલ
રચના:- ઉમાશંકર જોશી

 

ઉમાશંકર જોશીનો પહેલો સંગ્રહ ‘વિશ્વશાંતિ’ પ્રગટ થયો ત્યારે એમની ઉમ્મર હતી માત્ર વીસ વર્ષ ! એ પછીના પચાસ વર્ષ સુધી એ સતત ગુજરાતી સાહિત્ય પર છવાયેલા રહ્યા. એમણે નાટકો, વાર્તાઓ, નિબંધો, અનુવાદ, વિવેચન બધું કર્યુ છે. ઉત્તમ રીતે કર્યું છે. પણ કવિતા એમનો પહેલો પ્રેમ હતી અને છેવટ સુધી રહી. એમનું શ્રેષ્ઠ પ્રદાન કવિતામાં જ જોવા મળે છે. ( કાવ્યસંગ્રહો : વિશ્વશાંતિ, નિશીથ, ગંગોત્રી, ધારાવસ્ત્ર, અભિજ્ઞા, સપ્તપદી, સમગ્ર કવિતા )

ઉમાશંકરે એકથી એક ચડિયાતા એવા સરસ ગીત આપ્યા છે કે એમનું ગીત પસંદ કરવાનું કામ બહુ સહેલું છે. આ ગીત પસંદ કરવાનું ખાસ કારણ એ કે આ ગીતમાં એમના કોમળ લય અને કલ્પનના સુંદર ઉદાહરણ સમાન છે. આ ગીતમાં કવિ ગીત શોધવા નીકળે છે ! કવિ ગીત શોધવાની શરૂઆત ઝરણાંથી કરે છે. પ્રકૃતિના વિવિધ અંગો – વન, વીજળી, સાગર – પાસે જઈને એ ગીત શોધવાની કોશિશ કરે છે. પણ કશેય એમને ગમતું ગીત મળતું નથી. એ પ્રિયજનની આંખો અને સેંથીમાંય જોઈ આવે છે. ને બાળકના ગાલમાં ગીત શોધી જુએ છે. પણ એમને ક્યાંય ગીત જડતું નથી. છેવટે ગીત એમને પોતાની અંદર જ – આંસુની પછવાડે ને સપનાં સીંચતું – મળી આવે છે.

ગીત એટલે તો લયનો ટહુકો. લય તો દરેક જણે પોતાનો જાતે જ – પોતની અંદરથી જ – શોધવો જરૂરી છે, એ કોઈનીય પાસે ઉછીનો લઈ શકાય નહીં. કવિએ આ વાત બહુ કોમળ રીતે – એક ગીત દ્વારા જ – અવિસ્મરણીય રીતે કરી છે.

સૌજન્ય- http://layastaro.com/?p=3415

વિનોદ વિહારમાં અગાઉ પોસ્ટ થયેલું કવી ઉમાશંકર નું એક બીજું સુંદર ગીત “મૃત્યુ પછી સાથે શું શું લઈ જઈ શકીશું… ? “નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

(350) મૃત્યું પછી સાથે શું લઇ જઈશું ? … ઉમાશંકર જોશી 

 umashankar -Photos from Vipool Kalyani's post

(જન્મ: ૨૧-૭-૧૯૧૧, મૃત્યુ: ૧૯-૧૨-૧૯૮૮)

ગુજરાતી સાહિત્યના ગૌરાન્વિત કવિરાજ સ્વ .ઉમાશંકર જોશી વિષે નીચેની લીંક પર ક્લિક કરીને વધુ જાણો

1. ગુજરાતી પ્રતિભા પરિચય

2 http://umashankarjoshi.in/SvamukheKavita.html