વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 4, 2015

( 803 ) અમેરિકા: રંગ ડોલરિયો….ગઝલકાર આદમ ટંકારવી

ગઝલકાર આદમ ટંકારવીનું અમેરિકા વિશેનું પુસ્તક “અમેરિકા: રંગ ડોલરિયો” મારા પુસ્તક સંગ્રહમાં મેં વસાવ્યું છે . એમાં અમેરિકા વિષેની કેટલીક રચનાઓ વાંચવા અને વિચારવા જેવી છે.એમાંથી કેટલીક પ્રસાદી આજની પોસ્ટમાં આપના આસ્વાદ માટે પ્રસ્તુત કરી છે.

અમેરિકા વિશેના આ ગઝલકાર ના અભિપ્રાયો એમના અંગત છે , એની સાથે સમ્મતિ બાબત વાચકોમાં મતભેદ હોઈ શકે છે. 

વિનોદ પટેલ 

america

આમ દંગલ ન કર અમેરિકા
વાત કાને ય ધર અમેરિકા.

કાલની વાત તો કાલ થશે
આજની કર ફિકર અમેરિકા.

ચાંદ એ કોઇ રમકડું તો નથી
ચાંદની હઠ ન કર અમેરિકા.

તારા માથે ય એ જ બેઠો છે
તું ય માલિકથી ડર અમેરિકા.

તેં ફરીથી ય અટકચાળું કર્યું
ચાલ,ઊઠબેસ કર અમેરિકા.

આખી દુનિયાને જંપવા દે જરી
ને હવે તું યે ઠર અમેરિકા.

કયાંક ગબડી પડીશ ઉંચેથી
ચાલ હેઠે ઊતર અમેરિકા.

એનું નીકળી ગયું ધનોત પનોત
લાગી તારી નજર અમેરિકા.

હા,સોએ સો ટકા સવાર થશે
તારા મરઘા વગર અમેરિકા.

 (સૌજન્ય: અમેરિકા: રંગ ડોલરિયો પૃ.134)

ગઝલકાર આદમ ટંકારવીના આ પુસ્તક “અમેરિકા: રંગ ડોલરિયો” ના અંતે એમણે અમેરિકાના એમના અનુભવોને આધારિત કેટલીક સુંદર ગઝલો લખી છે એમાંથી કેટલા   ચૂંટેલા શેરો અહીં પ્રસ્તુત છે.

પાસ છે તે પણ ન પાસ છે

આ અમેરિકા વિરોધાભાસ છે

=======

ક્યાં ઠરીને બેસવાનું ભાગ્યમાં

આ અમેરિકાનો અધ્ધર શ્વાસ છે

======

એને અડકીને તું સોનું થઇ ગયો,

દોસ્ત,તારો દેશ પણ મિડાસ છે.

====== 

ઉપર ઉપરથી બધું ચકચકિત

કિન્તુ અંદરથી બધું બિસ્માર છે

======

એમની આંખોમાં ઉમળકો નથી

ને અહીં મારો હરખ માતો નથી

====== 

જ્યાં જુઓ ત્યાં બધે વન-વે જ  છે

ને નીકળવાનો કોઈ રસ્તો નથી

======

અહીનો પીઝા કે વતનનો રોટલો

એ બધી ચર્ચા હવે બેકાર છે

======

મારું હાળું એ જ સમજાતું નથી

આપણી આ જીત છે કે હાર છે.  

======

કોઈ કહે :માથાનો દુખાવો છે તું

કોઈ કહે : તું બામ છે અમેરિકા

======

દોડીને તને ભેટવામાં જોખમ છે

દુરથી તને પ્રણામ છે અમેરિકા!

(સૌજન્ય: ગઝલકાર આદમ ટંકારવી , પુસ્તક- અમેરિકા: રંગ ડોલરિયો)

Adam Tankarvi

ખરૂં પૂછો તો ફૂંકોમાં ફરક છે,
નહીતર એકસરખી જ વાંસળી છે.
-આદમ ટંકારવી

આદમ ટંકારવી ની જીવન ઝરમર

http://www.mytankaria.com/mehfil/files/AdamTankarvi.pdf