Daily Archives: નવેમ્બર 8, 2015
દીપાવલી પર્વ એટલે …
વાઘ બારશ ,ધનતેરશ, કાળી ચૌદસ , દિવાળી , બેસતું -નવું વર્ષ, ભાઈ બીજ,
લાભ પાંચમ સુધીના દિવસો સુધી ચાલતો લોક ઉત્સવ અને આનંદનું પર્વ.
આજથી શરૂ થતાં દિવાળીનાં દરેક પર્વ માટે આપને હાર્દિક શુભેચ્છાઓ .
પરમ કૃપાળુ પરમાત્મા આપને અને આપનાં પરિવાર જનોને
સુખ,શાંતિ,સમૃધ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામનાઓ છે .
‘સર્વેપિ સુખીનો સન્તુ
સર્વે સન્તુ નિરામયાઃ।
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ
મા કશ્ચિદ્ દુઃખમાપ્નુંયાત।।’’
(સર્વ જનો સુખી થાઓ. સૌ કોઈ નિરોગી રહો. સૌનું કલ્યાણ થાઓ અને કોઈ પણ વ્યક્તિ દુઃખી ન રહે, એ જ શુભકામના.)
“તમસો મા જ્યોતિર્ગમય”
નવા વર્ષ ની મારી અભિલાષા ..મારી એક સ્વ-રચના
એક સુરજ થવાનાં નથી મને કોઈ શમણાં,
માટીના મારા કોડીયામાં તેલ-વાટ પેટાવી,
અંધારાં ઉલેચતો ઘરદીવડો થવાનું મને ગમે .
સંસાર સાગરના તોફાનોમાં મારી જીવન નૌકાને,
સ્થિર રાખી સુપેરે હંકારવાની કૃપા કરવા માટે,
દીન દયાળુ પ્રભુનો આભાર માનવાનું મને ગમે.
આ જીવન મહોત્સવની હર પળ મોજથી માણીને,
જીવનને જોશથી જીવી જવાનું મને બહું જ ગમે.
વિનોદ પટેલ
પ્રેમળ જ્યોતિ…પ્રાર્થના ….નરસિંહરાવ દિવેટિયા
કવી સ્વ. નરસિંહરાવ દિવેટિયા દિવેટિયા રચિત નીચેની પ્રાર્થના
મને મારા વિદ્યાર્થી કાળથી બહુ ગમે છે.
સાબરમતી આશ્રમમાં પૂજ્ય મહાત્મા ગાંધીના સાન્નિધ્યમાં મથુરાબહેન ખરેના
સ્વરે આ પ્રાર્થના અવાર નવાર ગવાતી હતી.
પ્રેમળ જ્યોતિ
પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ
દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધકાર
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં નિજ શિશુને સંભાળ
મુજ જીવનપંથ ઉજાળ
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ દૂર નજર છો ન જાય
દૂર માર્ગ જોવાને લોભ લગીર ના એક ડગલું બસ થાય
પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ
આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર
આપ બળે માર્ગ જોઈને ચાલવા હામ ધરી મૂઢ બાળ
હવે માગું તુજ આધાર
પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ
ભભકભર્યાં તેજથી હું લોભાયો ને ભય છતાં ધર્યો ગર્વ
વીત્યાં વર્ષો ને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વ
મારે આજ થકી નવું
પર્વ પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ
તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમભેર
નિશ્વે મને તું સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર
દાખવી પ્રેમળ જ્યોતિની સેર
પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ
કર્દમભૂમિ કળણ ભરેલી ને ગિરિવર કેરી કરાડ
ધસધસતા જળ કેરા પ્રવાહો સર્વ વટાવી કૃપાળ
મને પહોંચાડશે નિજ દ્વાર
પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ
રજની જશે ને પ્રભાત ઊજળશે ને સ્મિત કરશે પ્રેમાળ
દિવ્યગણોનાં વદન મનોહર મારે હ્રદયે વસ્યાં ચિરકાળ
જે મેં ખોયાં હતાં ક્ષણવાર
પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ
-નરસિંહરાવ દિવેટિયા
આ પ્રાર્થના ગીત નો વિડીયો નીચે મુક્યો છે .
આ દીપોત્સવી અને નવા વર્ષના ઉત્સવી માહોલમાં હૃદયના ભાવથી ગાયકની સાથે ગાઈએ.
Premal Jyoti Taro | Ishwar Allah Tere Naam |
VIDEO
આભાર અને અભિનંદન
મિત્રો
મને જણાવતાં હર્ષની લાગણી થાય છે કે આજની તારીખે વિનોદ વિહારના માનવંતા મુલાકાતીઓની સંખ્યા 240,187 સુ ધી પહોંચી ગઈ છે .બ્લોગને નિયમિત રીતે ફોલો કરતા વાચકોની સંખ્યા 297 ની થઇ છે .
આ સૌ મુલાકાતી મિત્રોનો આભાર માનું છું અને દિવાળી અને નવા વર્ષનાં સૌને અભિનંદન અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
સૌને સાલ મુબારક
વિનોદ પટેલ
વાચકોના પ્રતિભાવ