વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 11, 2015

( 808 ) દિવાળીઃ કલ ભી, આજ ભી… યે યાદોં કા સફર રૂકે ના કભી ! …… જય વસાવડા

તો દિવાળી હવે શું છે?

સિર્ફ હોલિડેઝ એન્ડ પરચેઝિંગ પાવર ! સમર વેકેશન જેવી રજાની મજા ! દિવાળીએ બધા બહારથી ઘેર આવતા, હવે ઘરથી બહાર જાય છે. અને સાથે ઉત્સવનો ઉત્સાહ પણ ચાલ્યો જાય છે !ફટાકડો ફુટયો : ધડામ… ધુમાડો રહ્યો! બાકી બધું કેવળ ભૂતકાળ. ભૂતકાળની મુલાકાત લઇ શકાય છે, પણ એમાં રહી શકાતું નથી! સ્વજનો ગયા, પરંપરાઓ ગઈ, ઉમળકો ગયો, કદીક આપણે જઇશું! પણ દિવાળીની ચમકદમક રહેશે?કે એક પેઢી પછીનું ભારત દિવાળીને બદલે ૩૧મી ડિસેમ્બર પછી જ ‘હેપી ન્યુ ઈયર‘ કહેતું થઈ જશે ?

 દિવાળીઃ કલ ભી, આજ ભી… યે યાદોં કા સફર રૂકે ના કભી ! …… જય વસાવડા

દિવાળી પર સુશોભન અને સજાવટને જેટલા ધ્યાનથી જુઓ છો, એટલા ધ્યાનથી દિવાળીના તહેવારના ઉખડતાં અને ઉમેરાતા રંગો જાણ્યા અને માણ્યા છે?

દિવાળી એટલે જાણે જીંદગીના દરેક મોરચે યુધ્ધવિરામ ! ફરી એક દિવાળી કમાડ પર ટકોરા મારે છે. ( સોરી, ડોરબેલ વગાડે છે!) વધુ એક વિક્રમ સંવત તારીખિયાના ફાટેલા પાનાની જેમ ‘ધ એન્ડ’ થવાનું છે. ‘નોસ્ટાલ્જયા’ યાને ભૂતકાળની સફર આમ તો વૃદ્ધત્વનું પ્રથમ લક્ષણ છે. ‘યાદયાત્રા’ માં બેંતાળીસ દિવાળી જોનાર આ લેખકડા પાસે જે નાનકડો સ્મૃતિસમુદ્ર છે … એમાં અવનવા રંગોના રત્નો બેસુમાર વેરાયેલા છે. લેટસ ડાઇવ !

જાણીતા લેખક અને કટાર લેખક શ્રી જય વસાવડાનો દિવાળી ઉપરનો લેખ એમની આગવી રસિક શૈલીમાં માણવા માટે નીચેના ચિત્ર પર ક્લિક કરીને એમના બ્લોગમાં પહોંચી જાઓ . 

Diwali jay -2

ફાસ્ટ ફોરવર્ડ

દીપાવલી કે દિન એક દિયે ને દૂસરે સે કહા :
તુમ આદમીમેં કબસે બદલને લગે?
મુજકો દેખ કે જલને લગે?!

(હાસ્ય કવિ સંમેલનમાં સાંભળેલું)

Happy Diwali

હ્યુસ્ટન નિવાસી ૮૧ વર્ષીય હાસ્ય લેખક અને કવિ શ્રી ચીમન પટેલ “ચમન “ની 

દિવાળી ઉપરની મજાની કાવ્ય રચના માણો

દિવાળી 

કંઈ દિવાળીઓ આવીને ગઈ !
સાપ ગયા ને લિસોટા રહ્‌યા ભઈ!

કંઈ દિવાળીઓ આવીને ગઈ!

સાફ કરે સહું પોતાના ઘર
દિવો પ્રગટાવે અંધકાર પર
સારા કપડાં પહેરી સૌ ફરે
વાનગીઓ બને સારી ઘરે ઘરે.

દિલની સાફસુફી કરવાની રહી,
કંઈ દિવાળીઓ આવીને ગઈ!

પૂજન કરી મેળવવું છે સુખ
દેવ દર્શનથી દૂર કરવું દુઃખ
મંદિરમાં જઈ પ્રદિક્ષણા ફરે
ભાથુ ભાવીનું આ રીતે ભરે.

કૃપા પ્રભુની હજુ નથી રે થઈ,
કંઈ દિવાળીઓ આવીને ગઈ!

સાફ કરે સૌ અંદરના ઘર
રાખે અમિદ્રષ્ટિ સૌની પર
પ્રેમ પૂજન કરી મેળવે સુખ
દૂર કરે જે દુઃખીઓનું દુઃખ

શાંતિ ઘરની સૌની લૂંટાઈ રહી,
કંઈ દિવાળીઓ આવીને ગઈ!

કે’વા જોઈએ ‘ચમન’ને સાચું
ભલે લાગે કોઈને કડવું ને ખાટું
ચાલી હરિફાઈ મંદિરોમાં જયાં
વાનગીઓ અનેક અન્નકૂટમાં ત્યાં

ભગવાન, ભાવનાનો ભૂખ્યો ભઈ,
કંઈ દિવાળીઓ આવીને ગઈ!

૦ ચીમન પટેલ ‘ચમન’

શ્રી ચીમનભાઈ પટેલ “ચમન ” નો પરિચય

આ ફોટા પર ક્લિક કરીને વાચો .

ચીમન પટેલ

                                        ચીમન પટેલ “ચમન ”

( 807 ) મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ …. સંકલિત

પ્રાર્થના એ આપણી નૈતિક ભાવનાને પ્રબળ કરતો, જાગૃત રાખતો એક મનનો ખોરાક છે. જગતના દરેક ધર્મમાં પ્રાર્થનાનું મહત્વ સ્વીકારાયું છે.

શ્રુતિમાં પણ કહ્યું છે કે :

“ઈશ્વર એક જ છે ,પરંતુ એના ભક્તો એમની ચિત્તવૃત્તિ અનુસાર એને જુદા જુદા નામ સ્વરૂપથી  એની ઉપાસના કરે છે .”

દરેક માણસમાં ભગવાન રૂપી ચૈતન્ય શક્તિ બિરાજે છે .આપણે જ્યારે કોઈને નમસ્તે કહીએ છીએ ત્યારે નમસ્તે નો અર્થ એ છે કે હું તારામાં રહેલા ભગવાનને નમન કરું છું.

મન રૂપી આરસી પર અનેક દુષણો રૂપી  ધૂળ એકઠી થાય છે ત્યારે એનું સ્વરૂપ ચોખ્ખું જોઈ શકાતું નથી.આ આરસી પર એકઠી થતી ધૂળ વારંવાર ખંખેરીને એને સ્વચ્છ રાખવી જોઈએ .પ્રાર્થના એ તો આવી વારંવાર જામી જતી  ધૂળને ખંખેરવા માટેની એક મોર પીંછની સાવરણી છે.

DIWALI PHOTO

ચાલો નવા વરસે પ્રાર્થના વડે અંતરના કોડિયાના પ્રકાશની દીવેટને સંકોરી એના પ્રકાશને પ્રજ્વલિત રાખતા રહીએ અને જ્ઞાન ગંગા વ્હેવરાવતા રહીએ .

હું જ્યારે પ્રાર્થમિક શાળામાં હતો ત્યારે કવિ દલપતરામ રચિત પ્રાર્થના ગીત “ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ”ગવડાવવામાં આવતું હતું.આ પ્રાર્થના હજુ પણ મને ગમે છે.અમારાં બાળકોને પણ એની પ્રથમ ચાર પંક્તિઓ ગવડાવેલી છે. 

ઓ ઇશ્વર ભજીએ તને …. કવિ દલપતરામ 

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ.

હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ.

પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય.

અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય.

સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત
શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત.

વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ.

આસપાસ આકાશમાં, હૈયામાં આવાસ
ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિનો વાસ.

ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત
ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત.

ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ.

જોવા આપી આંખડી, સાંભળવાને કાન
જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન.

ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર
પૃથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર.

તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ
તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ.

અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર
બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર.

કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ.

ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ
આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ.

મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અને, પાળો બાળ તમામ.

કવિ દલપતરામ      

કવિ દલપતરામ નો પરિચય

(વિકિપીડીયાની આ લીંક પર ક્લિક કરી વાં ચો. )

જ્યારે હાઈસ્કુલમાં હતો ત્યારે દલપતરામના જ સુપુત્ર કવિ નાન્હાલાલ દલપતરામ લિખિત પ્રાર્થના “પ્રભુ અંતર્યામી… અને અસત્યો માંહેથી..” પ્રાર્થનામાં ગાતા હતા. આજે પણ મને એ એટલી જ પ્રિય છે.આ પ્રાર્થના ગીતની માત્ર થોડી જ પંક્તિઓ લોકોમાં પ્રચલિત અને જાણીતી છે,આખી પ્રાર્થના બહુ થોડા લોકોએ જ વાંચી હશે.

આખી પ્રાર્થના નીચે પ્રસ્તુત છે. એનો યુ-ટ્યુબ વિડીયો પણ નીચે મુક્યો છે એમાં શાળાના બાળકોને આ પ્રાર્થના ગાતા સાંભળી શકશો.

પ્રભો અંતર્યામી ….. પ્રાર્થના …

રચના : નાન્હાલાલ દલપતરામ કવિ

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.

સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.

પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.

પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું.

નાન્હાલાલ દલપતરામ કવિ

પ્રાર્થના- પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા..વિડીયો 

ન્હાનાલાલ કવિનો જન્મ દિવસ 16-3-1877 અને મૃત્યુ દિવસ  9-1-1946.

તેઓ કવિ દલપતરામના આ સુપુત્ર થાય છે.

 કવિ ન્હાનાલાલનો પૂર્ણ પરિચય

( વિકિપીડિયા ની આ લીંક પર ક્લિક કરીને વાં ચો.)

અરવિંદ આશ્રમ ,પાંડીચેરીમાં ગવાતી મહર્ષિ અરવિંદનાં શિષ્યા  શ્રી માતાજી  લિખિત આ પ્રાથના મને ગમે છે.

પ્રભુ કૃપા …. શ્રી માતાજી

હે પ્રભુ ! હે પરમાત્મન! હે ગુરુ દેવ !

મારા સર્વ વિચારો , મારી સર્વ ઉર્મીઓ ,

મારા સર્વ મનોરથો ,મારા દેહનું અણુ એ અણુ ,

મારા લોહીનું બિંદુ એ બિંદુ , તારા મય હો ,

તારા જગતની સેવા માટે હો !

હે પ્રભુ !તારી ઇચ્છા એ મારી ઈચ્છા હો ,

મારા જીવનને તારી ઈચ્છા મુજબ બનાવ ,

મારા જીવનમાં જે કંઈ સંજોગો નિર્માણ કરીશ ,

ભલે એ સુખ કે દુખના હોય, લાભ કે હાનીના હોય,

હર્ષ કે શોકના હોય , અરે ! જીવન કે મૃત્યુના હોય,

તો પણ તે બધા સંજોગો મારા કલ્યાણ માટે જ તેં

સર્જયા છે તેવી મારી શ્રદ્ધા અખંડ રાખજે, હે પ્રભુ .

–શ્રી માતાજી

ગુજરાતી ભાષાના સર્વ માન્ય કવી અને અને એમની પાછલી જીંદગીમાં અરવિંદ આશ્રમ, પાંડીચેરીમાં રહી સાધના કરનાર કવી સુન્દરમ રચિત આ પ્રાર્થના પણ સુંદર છે.

જીવનજ્યોત જગાવો… કવિ સુન્દરમ

જીવનજ્યોત જગાવો પ્રભુ હે જીવનજ્યોત જગાવો.

ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો,

આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો

અમને રડવડતાં શીખવાડો … પ્રભુ હે

વણદીવે અંધારે જોવા આંખે તેજ ભરાવો,

વણ જહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો,

અમને ઝળહળતાં શીખવાડો … પ્રભુ હે

ઊડતાં અમ મનનાં ફૂલડાંને રસથી સભર બનાવો,

જીવનનાં રંગો ત્યાં ભરવા પીંછી તમારી ચલાવો,

અમને મઘમઘતાં શીખવાડો … પ્રભુ હે

ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,

હૈયાના ઝરણાં નાનાને સાગર જેવું બનાવો,

અમને ગરજંતા શીખવાડો … પ્રભુ હે

અમ જીવનની વાદળી નાની આભ વિશે જ ઉડાવો,

સ્નેહશક્તિ બલિદાન-નીરથી ભરચક ધાર ઝરાવો,

અમને સ્થળ સ્થળમાં વરસાવો … પ્રભુ હે

– સુન્દરમ્

 કવી સુન્દરમ નો પરિચય

 ( વિકિપીડીયાની આ લીંક પર ક્લિક કરીને વાંચો.)

 

ૐ અસતો મા સત ગમય – વૈદિક આધ્યાત્મિક શાંતિ મંત્ર

ઉપર કવી ન્હાનાલાલ રચિત પ્રર્થના જોઈ એમાં  

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;

મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,

એ પંક્તિઓ ખુબ જાણીતી નીચેની સંસ્કૃત વૈદિક પ્રાર્થનાનું ગુજરાતી રૂપ છે.

” ૐ અસતો મા સત ગમય ,તમસો મા જ્યોતિર્ગમય ,મૃત્યુંર્માંમૃતમ ગમય ”

અર્થ- હે પરમાત્મા ! અમને અસતથી સત્ તરફ દોરો. અમને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરો. અમને મૃત્યુથી અમૃત તરફ દોરી જાઓ .

ૐ અસતો મા સત ગમય એ વૈદિક આધ્યાત્મિક શાંતિ મંત્રનું ઘણી શાળાઓમાં પ્રાર્થનામાં રટણ કરવામાં આવે છે.

આ શાંતિ મંત્રને નીચેના યુ-ટ્યુબ વિડીયોમાં સાંભળો.

આ વિડીયોમાં આ મંત્રને સાંભળવાથી તમને મનની શાંતિનો અહેસાસ થશે.

Asato Ma Sadgamaya ( Peace Mantra ) Spritual

અમેરીકાની એક શાળાની પ્રાર્થના

હે પરમાત્મા !

મંદ મંદ વાતા પવનમાં તારો અવાજ સંભળાય છે.તમારો શ્વાસ જગતના સઘળા જીવોનો પ્રાણ છે .તમે સર્જેલી સઘળી વસ્તુઓને મારું મસ્તક નમતું રહે , તમારો શુભ ધ્વની મારા કર્ણને પાવન કરતો રહે .પાંદડે પાંદડે ,પથ્થરે  પથ્થરે, રેતીના કણે કણમાં છુપાયેલા તમારા સંદેશાને મારું મન સદા સમજતું રહે.

મારા મોટામાં મોટા રિપુને પરાજીત કરવા માટે શક્તિ જોઈએ છે.

મારો મોટામાં મોટો રિપુ”હું ” જ છું .

નિર્મળ આંખે ને નિરામય શરીરે ,તમારા સાનિધ્યમાં આવવા હું આતુર છું.

જીવન વિલીન થઇ જશે,સૂર્યનો અસ્ત થશે ,જળ વહેતાં બંધ થઇ જશે,

ત્યારે કશી ય લજ્જા વિના ,હું તમારી સમક્ષ ઉભો રહું ,

એટલું જરૂર કરજો,

હે પરમાત્મા !

( મારા ભજનો અને પ્રાર્થનાઓના હાલ અપ્રાપ્ય પ્રકાશિત પુસ્તક

 “શ્રધાંજલિ “માંથી )

હું દર રોજ જેનું વર્ષોથી ભક્તિ ભાવ પૂર્વક રટણ કરું છે એ ગાયત્રી મહામંત્ર … 

GAYATRI MNTR A

 આપ સૌ મિત્રો અને સ્નેહી જનોને દિવાળી અને નવા વર્ષની  હાર્દિક શુભ કામનાઓ ..સાલ મુબારક 

વિનોદ પટેલ ,સાન ડિયેગો