વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 14, 2015

( 809 ) પ્રતિકૂળતાને બનાવો અનુકૂળતા! ..એક પ્રેરક લેખ … પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ

દરેક મનુષ્યનું જીવન અનુકુળ અને પ્રતિકુળ સંજોગોમાંથી પસાર થતું જ હોય છે. જ્યારે પ્રતિકુળ સંજોગોનો સામનો કરવાનો આવે ત્યારે સ્વાભાવિક માણસ મનથી ભાંગી જાય છે, એનું આંતરિક સત્વ ખોઈ બેસતો હોય છે.

પ્રતિકુળ સંજોગો આવે ત્યારે માણસ કેવો અભિગમ બતાવે છે , એને એક પડકાર તરીકે લઇ એનો કેવી રીતે સામનો કરે છે એના પરથી એના અંતરનું ખરું પોત અને નુર પરખાય છે.
જીવનની અનુકુળતાઓ આનંદદાયી છે જ્યારે પ્રતિકુળતાઓ દુખદાયી હોય છે.

પ્રતિકુળતા વિશેની મારી એક ત્વરિત અછાંદસ રચના

પ્રતિકુળતા

પ્રતિકુળતાઓ તો ઘણી આવે તમારા જીવનમાં,

બેબાકળા બનાવતા એવા કપરી કસોટીના સમયે,

પ્રતીકુળ સંજોગો તમને પછાડી નાખે એવા સમયે,

તમારે બેમાંથી એકની પસંદગી કરવાની રહે છે,

કાં તો નિરાશ વદને જીવી નીચે પડેલા જ રહેવું ,

કે પછી હીમ્મત રાખી,કશું બન્યું નથી એમ માની,

જાતને સંભાળી લઇ , ઉભા થઈને આગળ વધવું .

આવા સમયે તમે કયો રસ્તો લો છો એના પરથી

તમારામાં રહેલું ખરું નુર હશે એ પરખાય છે .

યાદ રાખો, પ્રતિકુળતાના કાંટાઓ વચ્ચે જ

સફળતાનાં મનોહર ગુલ ખીલતાં હોય છે .

જીવનની પ્રતિકુળતા અને અનુકુળતા વિશેનો પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબનો આજની પોસ્ટમાં પ્રસ્તુત લેખ આપને નવા વર્ષના સદ વાચન તરીકે પ્રેરણા આપશે એવી આશા છે .

વિનોદ પટેલ

પ્રતિકૂળતાને બનાવો અનુકૂળતા!

muni

નમ્રવાણી – રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

આગ અને પવન…

આગ જો નાનકડી હોય તો પવન એને શાંત કરી દે, બુઝાવી દે, પણ આગ જો મોટી હોય તો પવન એને સપોર્ટ કરે અને આગ વધુ ને વધુ સ્પ્રેડ થાય.

મહાપુરુષો, મહાન આત્માઓ આગ સમાન હોય છે અને એમને માટે પ્રતિકૂળતા એ પવન સમાન હોય છે.

જેમ જેમ પ્રતિકૂળતા વધે તેમ તેમ મહાપુરુષોનો વિકાસ વધુને વધુ થાય છે, જેમ જેમ પ્રતિકૂળતા આવે છે તેમ તેમ તેમનું આંતરિક સત્વ અને ક્ષમતા વિકસવા લાગે છે, જ્યારે સામાન્ય વ્યક્તિ પ્રતિકૂળતાથી ડરી જાય છે, ભયભીત થઈ જાય છે, ગભરાય જાય છે અને તેના કારણે તેની ક્ષમતા પણ રૂંધાઈ જાય છે.

જેમ પવન વિનાની આગનું કોઈ માપ ન નીકળે કે તે આગ રહેશે કે બુઝાઈ જશે તેમ પ્રતિકૂળતા વિના વ્યક્તિનું માપ ન નીકળે કે તેની ક્ષમતા સામાન્ય માનવી જેવી છે કે મહાપુરુષ જેવી છે, તેનો વિકાસ પ્રગતિકારક છે કે રૂંધાય જાય તેવો છે???

માટે જ,

તમારી લાઈફમાં જ્યારે જ્યારે જે જે પ્રતિકૂળતાઓ આવે તેનું સ્વાગત કરો, તેનો સ્વીકાર કરો.

કેમકે, પ્રતિકૂળતા પ્રગતિ કરાવવા માટે જ આવે છે.

પ્રતિકૂળતા એ તમારો વિકાસ કરાવવા માટે જ આવે છે.

તમારી સામે ગમે તેટલાં નેગેટીવ તત્ત્વ હોય પણ જો તમારી અંદર સત્યનું સત્ત્વ હોય તો તમારી ક્ષમતા ખીલ્યા વિના રહે જ નહીં.

ચાહે ભૂતકાળના હોય, ચાહે વર્તમાનકાળના, જેટલાં પણ મહાપુરુષો થઈ ગયાં, જેટલાં પણ શ્રેષ્ઠ સદ્ગુરુ થઈ ગયાં અને જેટલાં અત્યારે પોતાના સત્ત્વ અને ક્ષમતાને વિકસાવી રહ્યાં છે તે બધાંનું મૂળ કહો તો મૂળ અને પરિબળ કહો તો પરિબળ શું છે?

એ છે પ્રતિકૂળતા!!!

ચાહે મહાવીર હોય, ચાહે બુદ્ધ, ચાહે ચંદનબાળા હોય, ચાહે મીરાંબાઈ કે પછી હોય મહાત્મા ગાંધી!!!

મહાનતા ક્યારેય દુ:ખ વગર પ્રગટતી જ નથી.

દુ:ખ જ મહાનતાનું સર્જન કરે છે.

અનુકૂળતાનું ચઢાણ મનગમતું, સહજ અને સુખ દાયક લાગે છે પણ એ ચઢાણ લપસણી જેવું હોય છે. એમાંથી ક્યારે લપસી જવાય ખબર જ ન પડે અને એકવાર જરાક લપસ્યાં એટલે સીધાં અને સડસડાટ નીચે!!

જ્યારે પ્રતિકૂળતાનું ચઢાણ કઠિન પગથિયાં જેવું હોય છે, કપરૂં અને કષ્ટદાયક હોય છે, પણ એ તમને શિખર સુધી પહોેંચાડી જ દે છે.

શ્રેષ્ઠ વ્યક્તિનું સર્જન સદાય સંઘર્ષ અને પીડામાંથી જ થાય છે. કષ્ટો અને વેદનાને સહન ક્યાર્ર્ં પછી જ થાય છે.

માટે જ, પ્રતિકૂળતાને જોઈને ક્યારેય પ્રતિકૂળ ન બનો, પ્રતિકૂળતાને અનુકૂળ બની જાવ.

પ્રતિકૂળતાને જોઈને જે અનુકૂળ બની જાય છે તે સ્ટ્રોેંગ બની જાય છે, તે સહનશીલ બની જાય છે, તે સક્ષમ બની જાય છે અને તે જ શ્રેષ્ઠ બની જાય છે.

આજે ઘણાં બધાં દર્દીઓ એવા હોય છે જે દર્દથી ઓછા પણ દર્દના નામથી, દર્દના ભયથી જ ગભરાઈને મૃત્યુ પામી જતાં હોય છે, જ્યારે જે દર્દનો સ્વીકાર કરી લે છે, આવેલી તકલીફને અનુકૂળ બની જાય છે, તે જ દર્દ સામે લડી શકે છે અને તે જ દર્દને હરાવી પણ શકે છે.

વિપત્તિ એ વાયુ સમાન હોય છે. તે તમારો વિનાશ પણ કરી શકે છે અને વિકાસ પણ કરી શકે છે.

મહાવીર જ્યારે જંગલમાં એકલા વિચરતાં હતાં, સાધના કરતાં હતાં ત્યારે તેમણે કેટલી પ્રતિકૂળતાઓનો સામનો ર્ક્યોે હશે? કુદરતની સિઝન પ્રમાણે ઠંડી – ગરમી સહન ક્યાર્ર્ં, અજ્ઞાનીઓ દ્વારા થતાં અપમાન સહન ક્યાર્ર્ં અને દેવો દ્વારા દેવાયેલાં ઉપસર્ગોે પણ સ્વીકારભાવે, સમતાભાવે સહન ક્યાર્ર્ં અને ત્યારે જ એમનામાં રહેલું વીરત્વ પ્રગટ થયું! ત્યારે જ એ મહાવીર કહેવાયા!!

ગમે તેવી પ્રતિકૂળતા આવે, ગમે તેવી તકલીફ આવે કે ગમે તેવું નુકસાન થાય ત્યારે એટલું જ યાદ રાખવું હજુ તમે “આવતી કાલ’ નથી ગુમાવી. આવતી કાલ હજુ તમારી પાસે જ છે અને જેની પાસે આવતીકાલ હોય છે તે ગઈકાલનું ગુમાવેલું બધું જ પાછું મેળવી શકે છે. આ આત્મવિશ્ર્વાસ જ તમને પ્રતિકૂળતામાં પણ અનુકૂળ થવાની પ્રેરણા કરે છે.

જેમ જેમ વ્યક્તિની અંદરનો આત્મવિશ્ર્વાસ વધતો જાય છે, તેમ તેમ વિશ્ર્વશક્તિ પણ એના વિકાસમાં એને સપોર્ટ કરવા લાગે છે.

જે વ્યક્તિ પ્રતિકૂળતાથી નિરાશ થઈ જાય છે, હારી જાય છે, હતાશ થઈ જાય છે, ત્યારે વિશ્ર્વશક્તિ તેની હારમાં સપોર્ટ કરવા લાગે છે.

વિશ્ર્વ શક્તિ એ એક સપોર્ટ છે, તમે પોઝિટિવ છો તો તમને વિશ્ર્વ શક્તિનો પોઝિટિવ સપોર્ટ મળે છે અને તમે જો નેગેટિવ છો તો વિશ્ર્વ શક્તિનો નેગેટિવ સપોર્ટ મળે છે.

હારી જવું અને હતાશ થવું એ કાયરતા છે અને પ્રતિકૂળતા વચ્ચે પણ માર્ગ કાઢી એને અનુકૂળ થવું એ વીરતા છે.

પ્રતિકૂળતાનું વાવાઝોડું ગમે તેટલું જોરદાર હોય પણ જો તમારા સત્ત્વની આગ સ્ટ્રોેંગ હશે તો એ પ્રતિકૂળતા પણ તમારી સપોર્ટર બની જશે અને તમારા સત્ત્વને વધારે ને વધારે પ્રજ્વલિત કરી પ્રગતિકારક બનાવી દેશે.

પ્રતિકૂળતાને તમારી અનુકૂળતા બનાવી ધ્યો અને પ્રતિકૂળતાને તમે અનુકૂળ બની જાવ, આ જ સુખી થવાનો ઉપાય છે.

મહાપુરુષોની જેમ પત્થરના પીપળા બનતા શીખી જાવ. કેટલાંક પીપળાના ઝાડ જમીન પર ઊગે અને વિકાસ પામે અને કેટલાંક પીપળાના ઝાડ પત્થરોની વચ્ચે ઊગે, પત્થરોની વચ્ચેથી એનો માર્ગ કાઢી વિકસિત થાય.

હવે જ્યારે વાવાઝોડું આવે ત્યારે જમીન ઉપરના પીપળા પડી જાય કેમકે, એ અનુકૂળતામાંથી વિકસિત થયેલ હોય, શરૂઆતથી જ પોચી, ફળદ્રુપ જમીન, અનુકૂળ વાતાવરણ, યોગ્ય પાણી અને સિંચન મળ્યા હોય, જ્યારે પત્થરોની વચ્ચે ઊગેલા પીપળા પાસે કોઈ અનુકૂળતા ન હોય પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એણે માર્ગ કાઢી મૂળિયાંને મજબૂત બનાવ્યા હોય અને એમાં એણે ડબલ શક્તિ વાપરી હોય, એટલે વાવઝોડાની પ્રતિકૂળતા વખતે પત્થર જ એની માટે સપોર્ટ બની જાય છે.

અનુકૂળતા જ્યારે અતિ થઈ જાય છે, ત્યારે એ જ અનુકૂળતા પ્રતિકૂળતા બની જાય છે.

પ્રતિકૂળતાની વચ્ચે પાંગરેલા પીપળાને કોઈ પ્રતિકૂળતા નડતી નથી.

શહેરના સુખી, સંપન્ન અને અનુકૂળ વાતાવરણમાં ઉછરેલું બાળક જરાક તડકામાં બહાર નીકળે તો તેને સન સ્ટ્રોક લાગી જાય અથવા જરાક ઠંડી હવા લાગે કે તરત જ શરદી થઈ જાય, જ્યારે ગરીબ બાળક ખુલ્લા આકાશ નીચે આખો દિવસે તડકામાં રમે તો પણ તેને કોઈ સન સ્ટ્રોેક ન લાગે અને ધોધમાર વરસાદમાં પલળે તો પણ તેને શરદી ન થાય!!

કેમ??

કેમકે, તે લોકો પત્થરના પીપળા સમાન હોય, પહેલેથી જ પ્રતિકૂળતાનો સ્વીકાર્ય ર્ક્યોે હોય.

માટે જ,

જિંદગીની સુખની થાળીમાં ભલે ગમે તેટલાં અનુકૂળતાના વ્યંજનો હોય, પણ સાથે એકાદ પ્રતિકૂળતા રૂપ તીખું મરચું પણ હોવું જોઈએ.

સુખને પચાવવા દુ:ખ પણ જરૂરી છે.

જેણે જિંદગીમાં દુ:ખ જોયું નથી, તેને સુખ પચતું નથી અને એની સુખની દિશા, એક દિવસ વિનાશની દિશા બની જાય છે.

માટે જ, ભગવાનને પ્રાર્થના કરવી,

હે પ્રભુ! સો સુખ આપજે પણ એ સુખને પચાવવા માટે, એ સુખનું મૂલ્યાંકન સમજવા માટે થોડું દુ:ખ પણ જરૂર આપજે.

જેણે જિંદગીમાં સુખને પચાવ્યું હોય, દુ:ખ તેને ક્યારેય અસર કરે નહીં.

એકવાર જેને સુખનો અપચો થાય પછી એને કોઈ સુખ ક્યારેય સુખી કરી ન શકે.

પ્રતિકૂળતા ત્રણની હોય, વસ્તુની, વ્યક્તિની અને વાતાવરણની!! એ પ્રતિકૂળતાને અનુકૂળતામાં કનવર્ટ કરવાનો એક પ્રયોગ કરી જુઓ. પ્રતિકૂળતા સ્વયં અનુકૂળતા બની જશે.

પણ મોટા ભાગે થાય છે શું? પ્રતિકૂળતા જરાક આવી નથી કે વ્યક્તિ હતાશ થઈ જાય છે, દુ:ખી થઈ જાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે. અપસેટ થઈ જાય છે, ગભરાય જાય છે.

યાદ રાખજો…

અનુકૂળતામાં તો બધાં હસતા રહી શકે, પણ પ્રતિકૂળતામાં જે હસતાં રહે છે તે જ મહાન બની શકે છે, તે જ મહાન કહેવાય છે.

પ્રતિકૂળતા વચ્ચે પણ જેના ચહેરા પર પ્રસન્નતા હોય તેનું જ સત્ત્વ ખીલેલું હોય, તેની જ ક્ષમતા વિકાસની ગતિ તરફ હોય.

પ્રતિકૂળતાથી ડરવું પણ નથી અને ડગવું પણ નથી, હારવું પણ નથી અને હતાશ પણ નથી થવું. નિરાશ પણ નથી થવું અને નાસીપાસ પણ નથી થવું.

ગમે તેવી પ્રતિકૂળતા વચ્ચે પણ હસતાં રહી લડી લેવું છે, એનો સ્વીકાર કરી એને અનુકૂળ થઈ જવું છે, એને જ પગથિયું બનાવી પ્રગતિના શિખરે ચઢવું છે. આ જ સાચી વિરતા છે.

સૌજન્ય- મુંબઈ સમાચાર.કોમ