વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: નવેમ્બર 2015

( 810 ) થાકી ગયા? – શ્રી.શ્રી રવિશંકર

વિશ્વ ગુરુ શ્રી શ્રી રવિશંકરજી સ્થાપિત આર્ટ ઓફ લીવીંગ સંસ્થાની હવે ગુજરાતીમાં પણ વેબ સાઈટ શરુ થઇ છે એ એક શુભ સમાચાર સાધક મિત્ર શ્રી સુરેશ જાનીની પોસ્ટ પરથી જાણવા મળ્યા એથી ખુશી થઇ.

વેબ સાઈટમાં આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના પરિચયમાં લખ્યું છે કે …

આજ સુધીમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ૧૫૨ દેશોમાં રહેતા આશરે ૩૭૦ લાખ લોકોની જિંદગીમાં સકારાત્મક પરિવર્તન લાવી ચુકી છે.દરેક પ્રવ્રુતિઓ શ્રીશ્રીના માર્ગદર્શન હેઠળ શાંતિના સંદેશ ફેલાવી રહી છે. “

વિનોદ પટેલ

શ્રી શ્રી રવિશંકર જી નો પરિચય ગુજરાતી ભાષામાં … વિડીયો

https://www.youtube.com/watch?v=-2zJtekGa5w&feature=youtu.be

સૂરસાધના

      જો તમે થાકતા ના હોવ,તો તમે કદી ઘરે જશો જ નહી.જો તમે થાકશો તો જ આરામ કરશો.વિશ્વની તમામ વસ્તુ/બાબતો તમને થકવી દેશે.માત્ર એક વસ્તુ તમને થાક નથી આપતી.અને તે પ્રેમ છે.પ્રેમ થી કદી થાક લાગતો નથી,કારણ કે તે તે છેડો છે,તે ઘર છે.પ્રેમ મા થાક લાગે એ શક્ય જ નથી.
          ખરેખર ,નોકરી પણ થાક.કંટાળો લાવે છે.થાક એ આનંદ નો પડછાયો છે.તમે ઘર બહાર તમારા આનંદ ની ઇચ્છાપૂર્તિ કરવા માટે જાવ છો.જે તમને ઘરે લાવે છે તે તમારી પ્રેમ મા રહેવાની ઈચ્છા છે.જીવન મા તમે આનંદ મેળવવા એક સ્થળ થી બીજા સ્થળે ભટકો છે. જ્યાં તમે આનંદ જૂઓ છો,ત્યાં પહોચી જાવ છે,અને ત્યાં પહોચ્યા પછી તમને લાગે છે કે-આનંદ તો દુર છે,અન્ય જગ્યા એ છે.તેથી તમારે આગળ જવું પડે છે,અને આ આગળ જવાનું કંટાળો આપે છે/આ રખડપાટ કંટાળો /થાક લાવે છે. .

   તમારા ઘર ને ઈશ્વર નું નિવાસ બનાવો.અને ત્યાં પ્રકાશ,પ્રેમ…

View original post 84 more words

( 809 ) પ્રતિકૂળતાને બનાવો અનુકૂળતા! ..એક પ્રેરક લેખ … પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ

દરેક મનુષ્યનું જીવન અનુકુળ અને પ્રતિકુળ સંજોગોમાંથી પસાર થતું જ હોય છે. જ્યારે પ્રતિકુળ સંજોગોનો સામનો કરવાનો આવે ત્યારે સ્વાભાવિક માણસ મનથી ભાંગી જાય છે, એનું આંતરિક સત્વ ખોઈ બેસતો હોય છે.

પ્રતિકુળ સંજોગો આવે ત્યારે માણસ કેવો અભિગમ બતાવે છે , એને એક પડકાર તરીકે લઇ એનો કેવી રીતે સામનો કરે છે એના પરથી એના અંતરનું ખરું પોત અને નુર પરખાય છે.
જીવનની અનુકુળતાઓ આનંદદાયી છે જ્યારે પ્રતિકુળતાઓ દુખદાયી હોય છે.

પ્રતિકુળતા વિશેની મારી એક ત્વરિત અછાંદસ રચના

પ્રતિકુળતા

પ્રતિકુળતાઓ તો ઘણી આવે તમારા જીવનમાં,

બેબાકળા બનાવતા એવા કપરી કસોટીના સમયે,

પ્રતીકુળ સંજોગો તમને પછાડી નાખે એવા સમયે,

તમારે બેમાંથી એકની પસંદગી કરવાની રહે છે,

કાં તો નિરાશ વદને જીવી નીચે પડેલા જ રહેવું ,

કે પછી હીમ્મત રાખી,કશું બન્યું નથી એમ માની,

જાતને સંભાળી લઇ , ઉભા થઈને આગળ વધવું .

આવા સમયે તમે કયો રસ્તો લો છો એના પરથી

તમારામાં રહેલું ખરું નુર હશે એ પરખાય છે .

યાદ રાખો, પ્રતિકુળતાના કાંટાઓ વચ્ચે જ

સફળતાનાં મનોહર ગુલ ખીલતાં હોય છે .

જીવનની પ્રતિકુળતા અને અનુકુળતા વિશેનો પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબનો આજની પોસ્ટમાં પ્રસ્તુત લેખ આપને નવા વર્ષના સદ વાચન તરીકે પ્રેરણા આપશે એવી આશા છે .

વિનોદ પટેલ

પ્રતિકૂળતાને બનાવો અનુકૂળતા!

muni

નમ્રવાણી – રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

આગ અને પવન…

આગ જો નાનકડી હોય તો પવન એને શાંત કરી દે, બુઝાવી દે, પણ આગ જો મોટી હોય તો પવન એને સપોર્ટ કરે અને આગ વધુ ને વધુ સ્પ્રેડ થાય.

મહાપુરુષો, મહાન આત્માઓ આગ સમાન હોય છે અને એમને માટે પ્રતિકૂળતા એ પવન સમાન હોય છે.

જેમ જેમ પ્રતિકૂળતા વધે તેમ તેમ મહાપુરુષોનો વિકાસ વધુને વધુ થાય છે, જેમ જેમ પ્રતિકૂળતા આવે છે તેમ તેમ તેમનું આંતરિક સત્વ અને ક્ષમતા વિકસવા લાગે છે, જ્યારે સામાન્ય વ્યક્તિ પ્રતિકૂળતાથી ડરી જાય છે, ભયભીત થઈ જાય છે, ગભરાય જાય છે અને તેના કારણે તેની ક્ષમતા પણ રૂંધાઈ જાય છે.

જેમ પવન વિનાની આગનું કોઈ માપ ન નીકળે કે તે આગ રહેશે કે બુઝાઈ જશે તેમ પ્રતિકૂળતા વિના વ્યક્તિનું માપ ન નીકળે કે તેની ક્ષમતા સામાન્ય માનવી જેવી છે કે મહાપુરુષ જેવી છે, તેનો વિકાસ પ્રગતિકારક છે કે રૂંધાય જાય તેવો છે???

માટે જ,

તમારી લાઈફમાં જ્યારે જ્યારે જે જે પ્રતિકૂળતાઓ આવે તેનું સ્વાગત કરો, તેનો સ્વીકાર કરો.

કેમકે, પ્રતિકૂળતા પ્રગતિ કરાવવા માટે જ આવે છે.

પ્રતિકૂળતા એ તમારો વિકાસ કરાવવા માટે જ આવે છે.

તમારી સામે ગમે તેટલાં નેગેટીવ તત્ત્વ હોય પણ જો તમારી અંદર સત્યનું સત્ત્વ હોય તો તમારી ક્ષમતા ખીલ્યા વિના રહે જ નહીં.

ચાહે ભૂતકાળના હોય, ચાહે વર્તમાનકાળના, જેટલાં પણ મહાપુરુષો થઈ ગયાં, જેટલાં પણ શ્રેષ્ઠ સદ્ગુરુ થઈ ગયાં અને જેટલાં અત્યારે પોતાના સત્ત્વ અને ક્ષમતાને વિકસાવી રહ્યાં છે તે બધાંનું મૂળ કહો તો મૂળ અને પરિબળ કહો તો પરિબળ શું છે?

એ છે પ્રતિકૂળતા!!!

ચાહે મહાવીર હોય, ચાહે બુદ્ધ, ચાહે ચંદનબાળા હોય, ચાહે મીરાંબાઈ કે પછી હોય મહાત્મા ગાંધી!!!

મહાનતા ક્યારેય દુ:ખ વગર પ્રગટતી જ નથી.

દુ:ખ જ મહાનતાનું સર્જન કરે છે.

અનુકૂળતાનું ચઢાણ મનગમતું, સહજ અને સુખ દાયક લાગે છે પણ એ ચઢાણ લપસણી જેવું હોય છે. એમાંથી ક્યારે લપસી જવાય ખબર જ ન પડે અને એકવાર જરાક લપસ્યાં એટલે સીધાં અને સડસડાટ નીચે!!

જ્યારે પ્રતિકૂળતાનું ચઢાણ કઠિન પગથિયાં જેવું હોય છે, કપરૂં અને કષ્ટદાયક હોય છે, પણ એ તમને શિખર સુધી પહોેંચાડી જ દે છે.

શ્રેષ્ઠ વ્યક્તિનું સર્જન સદાય સંઘર્ષ અને પીડામાંથી જ થાય છે. કષ્ટો અને વેદનાને સહન ક્યાર્ર્ં પછી જ થાય છે.

માટે જ, પ્રતિકૂળતાને જોઈને ક્યારેય પ્રતિકૂળ ન બનો, પ્રતિકૂળતાને અનુકૂળ બની જાવ.

પ્રતિકૂળતાને જોઈને જે અનુકૂળ બની જાય છે તે સ્ટ્રોેંગ બની જાય છે, તે સહનશીલ બની જાય છે, તે સક્ષમ બની જાય છે અને તે જ શ્રેષ્ઠ બની જાય છે.

આજે ઘણાં બધાં દર્દીઓ એવા હોય છે જે દર્દથી ઓછા પણ દર્દના નામથી, દર્દના ભયથી જ ગભરાઈને મૃત્યુ પામી જતાં હોય છે, જ્યારે જે દર્દનો સ્વીકાર કરી લે છે, આવેલી તકલીફને અનુકૂળ બની જાય છે, તે જ દર્દ સામે લડી શકે છે અને તે જ દર્દને હરાવી પણ શકે છે.

વિપત્તિ એ વાયુ સમાન હોય છે. તે તમારો વિનાશ પણ કરી શકે છે અને વિકાસ પણ કરી શકે છે.

મહાવીર જ્યારે જંગલમાં એકલા વિચરતાં હતાં, સાધના કરતાં હતાં ત્યારે તેમણે કેટલી પ્રતિકૂળતાઓનો સામનો ર્ક્યોે હશે? કુદરતની સિઝન પ્રમાણે ઠંડી – ગરમી સહન ક્યાર્ર્ં, અજ્ઞાનીઓ દ્વારા થતાં અપમાન સહન ક્યાર્ર્ં અને દેવો દ્વારા દેવાયેલાં ઉપસર્ગોે પણ સ્વીકારભાવે, સમતાભાવે સહન ક્યાર્ર્ં અને ત્યારે જ એમનામાં રહેલું વીરત્વ પ્રગટ થયું! ત્યારે જ એ મહાવીર કહેવાયા!!

ગમે તેવી પ્રતિકૂળતા આવે, ગમે તેવી તકલીફ આવે કે ગમે તેવું નુકસાન થાય ત્યારે એટલું જ યાદ રાખવું હજુ તમે “આવતી કાલ’ નથી ગુમાવી. આવતી કાલ હજુ તમારી પાસે જ છે અને જેની પાસે આવતીકાલ હોય છે તે ગઈકાલનું ગુમાવેલું બધું જ પાછું મેળવી શકે છે. આ આત્મવિશ્ર્વાસ જ તમને પ્રતિકૂળતામાં પણ અનુકૂળ થવાની પ્રેરણા કરે છે.

જેમ જેમ વ્યક્તિની અંદરનો આત્મવિશ્ર્વાસ વધતો જાય છે, તેમ તેમ વિશ્ર્વશક્તિ પણ એના વિકાસમાં એને સપોર્ટ કરવા લાગે છે.

જે વ્યક્તિ પ્રતિકૂળતાથી નિરાશ થઈ જાય છે, હારી જાય છે, હતાશ થઈ જાય છે, ત્યારે વિશ્ર્વશક્તિ તેની હારમાં સપોર્ટ કરવા લાગે છે.

વિશ્ર્વ શક્તિ એ એક સપોર્ટ છે, તમે પોઝિટિવ છો તો તમને વિશ્ર્વ શક્તિનો પોઝિટિવ સપોર્ટ મળે છે અને તમે જો નેગેટિવ છો તો વિશ્ર્વ શક્તિનો નેગેટિવ સપોર્ટ મળે છે.

હારી જવું અને હતાશ થવું એ કાયરતા છે અને પ્રતિકૂળતા વચ્ચે પણ માર્ગ કાઢી એને અનુકૂળ થવું એ વીરતા છે.

પ્રતિકૂળતાનું વાવાઝોડું ગમે તેટલું જોરદાર હોય પણ જો તમારા સત્ત્વની આગ સ્ટ્રોેંગ હશે તો એ પ્રતિકૂળતા પણ તમારી સપોર્ટર બની જશે અને તમારા સત્ત્વને વધારે ને વધારે પ્રજ્વલિત કરી પ્રગતિકારક બનાવી દેશે.

પ્રતિકૂળતાને તમારી અનુકૂળતા બનાવી ધ્યો અને પ્રતિકૂળતાને તમે અનુકૂળ બની જાવ, આ જ સુખી થવાનો ઉપાય છે.

મહાપુરુષોની જેમ પત્થરના પીપળા બનતા શીખી જાવ. કેટલાંક પીપળાના ઝાડ જમીન પર ઊગે અને વિકાસ પામે અને કેટલાંક પીપળાના ઝાડ પત્થરોની વચ્ચે ઊગે, પત્થરોની વચ્ચેથી એનો માર્ગ કાઢી વિકસિત થાય.

હવે જ્યારે વાવાઝોડું આવે ત્યારે જમીન ઉપરના પીપળા પડી જાય કેમકે, એ અનુકૂળતામાંથી વિકસિત થયેલ હોય, શરૂઆતથી જ પોચી, ફળદ્રુપ જમીન, અનુકૂળ વાતાવરણ, યોગ્ય પાણી અને સિંચન મળ્યા હોય, જ્યારે પત્થરોની વચ્ચે ઊગેલા પીપળા પાસે કોઈ અનુકૂળતા ન હોય પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એણે માર્ગ કાઢી મૂળિયાંને મજબૂત બનાવ્યા હોય અને એમાં એણે ડબલ શક્તિ વાપરી હોય, એટલે વાવઝોડાની પ્રતિકૂળતા વખતે પત્થર જ એની માટે સપોર્ટ બની જાય છે.

અનુકૂળતા જ્યારે અતિ થઈ જાય છે, ત્યારે એ જ અનુકૂળતા પ્રતિકૂળતા બની જાય છે.

પ્રતિકૂળતાની વચ્ચે પાંગરેલા પીપળાને કોઈ પ્રતિકૂળતા નડતી નથી.

શહેરના સુખી, સંપન્ન અને અનુકૂળ વાતાવરણમાં ઉછરેલું બાળક જરાક તડકામાં બહાર નીકળે તો તેને સન સ્ટ્રોક લાગી જાય અથવા જરાક ઠંડી હવા લાગે કે તરત જ શરદી થઈ જાય, જ્યારે ગરીબ બાળક ખુલ્લા આકાશ નીચે આખો દિવસે તડકામાં રમે તો પણ તેને કોઈ સન સ્ટ્રોેક ન લાગે અને ધોધમાર વરસાદમાં પલળે તો પણ તેને શરદી ન થાય!!

કેમ??

કેમકે, તે લોકો પત્થરના પીપળા સમાન હોય, પહેલેથી જ પ્રતિકૂળતાનો સ્વીકાર્ય ર્ક્યોે હોય.

માટે જ,

જિંદગીની સુખની થાળીમાં ભલે ગમે તેટલાં અનુકૂળતાના વ્યંજનો હોય, પણ સાથે એકાદ પ્રતિકૂળતા રૂપ તીખું મરચું પણ હોવું જોઈએ.

સુખને પચાવવા દુ:ખ પણ જરૂરી છે.

જેણે જિંદગીમાં દુ:ખ જોયું નથી, તેને સુખ પચતું નથી અને એની સુખની દિશા, એક દિવસ વિનાશની દિશા બની જાય છે.

માટે જ, ભગવાનને પ્રાર્થના કરવી,

હે પ્રભુ! સો સુખ આપજે પણ એ સુખને પચાવવા માટે, એ સુખનું મૂલ્યાંકન સમજવા માટે થોડું દુ:ખ પણ જરૂર આપજે.

જેણે જિંદગીમાં સુખને પચાવ્યું હોય, દુ:ખ તેને ક્યારેય અસર કરે નહીં.

એકવાર જેને સુખનો અપચો થાય પછી એને કોઈ સુખ ક્યારેય સુખી કરી ન શકે.

પ્રતિકૂળતા ત્રણની હોય, વસ્તુની, વ્યક્તિની અને વાતાવરણની!! એ પ્રતિકૂળતાને અનુકૂળતામાં કનવર્ટ કરવાનો એક પ્રયોગ કરી જુઓ. પ્રતિકૂળતા સ્વયં અનુકૂળતા બની જશે.

પણ મોટા ભાગે થાય છે શું? પ્રતિકૂળતા જરાક આવી નથી કે વ્યક્તિ હતાશ થઈ જાય છે, દુ:ખી થઈ જાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે. અપસેટ થઈ જાય છે, ગભરાય જાય છે.

યાદ રાખજો…

અનુકૂળતામાં તો બધાં હસતા રહી શકે, પણ પ્રતિકૂળતામાં જે હસતાં રહે છે તે જ મહાન બની શકે છે, તે જ મહાન કહેવાય છે.

પ્રતિકૂળતા વચ્ચે પણ જેના ચહેરા પર પ્રસન્નતા હોય તેનું જ સત્ત્વ ખીલેલું હોય, તેની જ ક્ષમતા વિકાસની ગતિ તરફ હોય.

પ્રતિકૂળતાથી ડરવું પણ નથી અને ડગવું પણ નથી, હારવું પણ નથી અને હતાશ પણ નથી થવું. નિરાશ પણ નથી થવું અને નાસીપાસ પણ નથી થવું.

ગમે તેવી પ્રતિકૂળતા વચ્ચે પણ હસતાં રહી લડી લેવું છે, એનો સ્વીકાર કરી એને અનુકૂળ થઈ જવું છે, એને જ પગથિયું બનાવી પ્રગતિના શિખરે ચઢવું છે. આ જ સાચી વિરતા છે.

સૌજન્ય- મુંબઈ સમાચાર.કોમ 

( 808 ) દિવાળીઃ કલ ભી, આજ ભી… યે યાદોં કા સફર રૂકે ના કભી ! …… જય વસાવડા

તો દિવાળી હવે શું છે?

સિર્ફ હોલિડેઝ એન્ડ પરચેઝિંગ પાવર ! સમર વેકેશન જેવી રજાની મજા ! દિવાળીએ બધા બહારથી ઘેર આવતા, હવે ઘરથી બહાર જાય છે. અને સાથે ઉત્સવનો ઉત્સાહ પણ ચાલ્યો જાય છે !ફટાકડો ફુટયો : ધડામ… ધુમાડો રહ્યો! બાકી બધું કેવળ ભૂતકાળ. ભૂતકાળની મુલાકાત લઇ શકાય છે, પણ એમાં રહી શકાતું નથી! સ્વજનો ગયા, પરંપરાઓ ગઈ, ઉમળકો ગયો, કદીક આપણે જઇશું! પણ દિવાળીની ચમકદમક રહેશે?કે એક પેઢી પછીનું ભારત દિવાળીને બદલે ૩૧મી ડિસેમ્બર પછી જ ‘હેપી ન્યુ ઈયર‘ કહેતું થઈ જશે ?

 દિવાળીઃ કલ ભી, આજ ભી… યે યાદોં કા સફર રૂકે ના કભી ! …… જય વસાવડા

દિવાળી પર સુશોભન અને સજાવટને જેટલા ધ્યાનથી જુઓ છો, એટલા ધ્યાનથી દિવાળીના તહેવારના ઉખડતાં અને ઉમેરાતા રંગો જાણ્યા અને માણ્યા છે?

દિવાળી એટલે જાણે જીંદગીના દરેક મોરચે યુધ્ધવિરામ ! ફરી એક દિવાળી કમાડ પર ટકોરા મારે છે. ( સોરી, ડોરબેલ વગાડે છે!) વધુ એક વિક્રમ સંવત તારીખિયાના ફાટેલા પાનાની જેમ ‘ધ એન્ડ’ થવાનું છે. ‘નોસ્ટાલ્જયા’ યાને ભૂતકાળની સફર આમ તો વૃદ્ધત્વનું પ્રથમ લક્ષણ છે. ‘યાદયાત્રા’ માં બેંતાળીસ દિવાળી જોનાર આ લેખકડા પાસે જે નાનકડો સ્મૃતિસમુદ્ર છે … એમાં અવનવા રંગોના રત્નો બેસુમાર વેરાયેલા છે. લેટસ ડાઇવ !

જાણીતા લેખક અને કટાર લેખક શ્રી જય વસાવડાનો દિવાળી ઉપરનો લેખ એમની આગવી રસિક શૈલીમાં માણવા માટે નીચેના ચિત્ર પર ક્લિક કરીને એમના બ્લોગમાં પહોંચી જાઓ . 

Diwali jay -2

ફાસ્ટ ફોરવર્ડ

દીપાવલી કે દિન એક દિયે ને દૂસરે સે કહા :
તુમ આદમીમેં કબસે બદલને લગે?
મુજકો દેખ કે જલને લગે?!

(હાસ્ય કવિ સંમેલનમાં સાંભળેલું)

Happy Diwali

હ્યુસ્ટન નિવાસી ૮૧ વર્ષીય હાસ્ય લેખક અને કવિ શ્રી ચીમન પટેલ “ચમન “ની 

દિવાળી ઉપરની મજાની કાવ્ય રચના માણો

દિવાળી 

કંઈ દિવાળીઓ આવીને ગઈ !
સાપ ગયા ને લિસોટા રહ્‌યા ભઈ!

કંઈ દિવાળીઓ આવીને ગઈ!

સાફ કરે સહું પોતાના ઘર
દિવો પ્રગટાવે અંધકાર પર
સારા કપડાં પહેરી સૌ ફરે
વાનગીઓ બને સારી ઘરે ઘરે.

દિલની સાફસુફી કરવાની રહી,
કંઈ દિવાળીઓ આવીને ગઈ!

પૂજન કરી મેળવવું છે સુખ
દેવ દર્શનથી દૂર કરવું દુઃખ
મંદિરમાં જઈ પ્રદિક્ષણા ફરે
ભાથુ ભાવીનું આ રીતે ભરે.

કૃપા પ્રભુની હજુ નથી રે થઈ,
કંઈ દિવાળીઓ આવીને ગઈ!

સાફ કરે સૌ અંદરના ઘર
રાખે અમિદ્રષ્ટિ સૌની પર
પ્રેમ પૂજન કરી મેળવે સુખ
દૂર કરે જે દુઃખીઓનું દુઃખ

શાંતિ ઘરની સૌની લૂંટાઈ રહી,
કંઈ દિવાળીઓ આવીને ગઈ!

કે’વા જોઈએ ‘ચમન’ને સાચું
ભલે લાગે કોઈને કડવું ને ખાટું
ચાલી હરિફાઈ મંદિરોમાં જયાં
વાનગીઓ અનેક અન્નકૂટમાં ત્યાં

ભગવાન, ભાવનાનો ભૂખ્યો ભઈ,
કંઈ દિવાળીઓ આવીને ગઈ!

૦ ચીમન પટેલ ‘ચમન’

શ્રી ચીમનભાઈ પટેલ “ચમન ” નો પરિચય

આ ફોટા પર ક્લિક કરીને વાચો .

ચીમન પટેલ

                                        ચીમન પટેલ “ચમન ”

( 807 ) મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ …. સંકલિત

પ્રાર્થના એ આપણી નૈતિક ભાવનાને પ્રબળ કરતો, જાગૃત રાખતો એક મનનો ખોરાક છે. જગતના દરેક ધર્મમાં પ્રાર્થનાનું મહત્વ સ્વીકારાયું છે.

શ્રુતિમાં પણ કહ્યું છે કે :

“ઈશ્વર એક જ છે ,પરંતુ એના ભક્તો એમની ચિત્તવૃત્તિ અનુસાર એને જુદા જુદા નામ સ્વરૂપથી  એની ઉપાસના કરે છે .”

દરેક માણસમાં ભગવાન રૂપી ચૈતન્ય શક્તિ બિરાજે છે .આપણે જ્યારે કોઈને નમસ્તે કહીએ છીએ ત્યારે નમસ્તે નો અર્થ એ છે કે હું તારામાં રહેલા ભગવાનને નમન કરું છું.

મન રૂપી આરસી પર અનેક દુષણો રૂપી  ધૂળ એકઠી થાય છે ત્યારે એનું સ્વરૂપ ચોખ્ખું જોઈ શકાતું નથી.આ આરસી પર એકઠી થતી ધૂળ વારંવાર ખંખેરીને એને સ્વચ્છ રાખવી જોઈએ .પ્રાર્થના એ તો આવી વારંવાર જામી જતી  ધૂળને ખંખેરવા માટેની એક મોર પીંછની સાવરણી છે.

DIWALI PHOTO

ચાલો નવા વરસે પ્રાર્થના વડે અંતરના કોડિયાના પ્રકાશની દીવેટને સંકોરી એના પ્રકાશને પ્રજ્વલિત રાખતા રહીએ અને જ્ઞાન ગંગા વ્હેવરાવતા રહીએ .

હું જ્યારે પ્રાર્થમિક શાળામાં હતો ત્યારે કવિ દલપતરામ રચિત પ્રાર્થના ગીત “ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ”ગવડાવવામાં આવતું હતું.આ પ્રાર્થના હજુ પણ મને ગમે છે.અમારાં બાળકોને પણ એની પ્રથમ ચાર પંક્તિઓ ગવડાવેલી છે. 

ઓ ઇશ્વર ભજીએ તને …. કવિ દલપતરામ 

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ.

હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ.

પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય.

અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય.

સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત
શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત.

વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ.

આસપાસ આકાશમાં, હૈયામાં આવાસ
ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિનો વાસ.

ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત
ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત.

ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ.

જોવા આપી આંખડી, સાંભળવાને કાન
જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન.

ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર
પૃથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર.

તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ
તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ.

અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર
બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર.

કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ.

ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ
આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ.

મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અને, પાળો બાળ તમામ.

કવિ દલપતરામ      

કવિ દલપતરામ નો પરિચય

(વિકિપીડીયાની આ લીંક પર ક્લિક કરી વાં ચો. )

જ્યારે હાઈસ્કુલમાં હતો ત્યારે દલપતરામના જ સુપુત્ર કવિ નાન્હાલાલ દલપતરામ લિખિત પ્રાર્થના “પ્રભુ અંતર્યામી… અને અસત્યો માંહેથી..” પ્રાર્થનામાં ગાતા હતા. આજે પણ મને એ એટલી જ પ્રિય છે.આ પ્રાર્થના ગીતની માત્ર થોડી જ પંક્તિઓ લોકોમાં પ્રચલિત અને જાણીતી છે,આખી પ્રાર્થના બહુ થોડા લોકોએ જ વાંચી હશે.

આખી પ્રાર્થના નીચે પ્રસ્તુત છે. એનો યુ-ટ્યુબ વિડીયો પણ નીચે મુક્યો છે એમાં શાળાના બાળકોને આ પ્રાર્થના ગાતા સાંભળી શકશો.

પ્રભો અંતર્યામી ….. પ્રાર્થના …

રચના : નાન્હાલાલ દલપતરામ કવિ

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.

સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.

પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.

પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું.

નાન્હાલાલ દલપતરામ કવિ

પ્રાર્થના- પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા..વિડીયો 

ન્હાનાલાલ કવિનો જન્મ દિવસ 16-3-1877 અને મૃત્યુ દિવસ  9-1-1946.

તેઓ કવિ દલપતરામના આ સુપુત્ર થાય છે.

 કવિ ન્હાનાલાલનો પૂર્ણ પરિચય

( વિકિપીડિયા ની આ લીંક પર ક્લિક કરીને વાં ચો.)

અરવિંદ આશ્રમ ,પાંડીચેરીમાં ગવાતી મહર્ષિ અરવિંદનાં શિષ્યા  શ્રી માતાજી  લિખિત આ પ્રાથના મને ગમે છે.

પ્રભુ કૃપા …. શ્રી માતાજી

હે પ્રભુ ! હે પરમાત્મન! હે ગુરુ દેવ !

મારા સર્વ વિચારો , મારી સર્વ ઉર્મીઓ ,

મારા સર્વ મનોરથો ,મારા દેહનું અણુ એ અણુ ,

મારા લોહીનું બિંદુ એ બિંદુ , તારા મય હો ,

તારા જગતની સેવા માટે હો !

હે પ્રભુ !તારી ઇચ્છા એ મારી ઈચ્છા હો ,

મારા જીવનને તારી ઈચ્છા મુજબ બનાવ ,

મારા જીવનમાં જે કંઈ સંજોગો નિર્માણ કરીશ ,

ભલે એ સુખ કે દુખના હોય, લાભ કે હાનીના હોય,

હર્ષ કે શોકના હોય , અરે ! જીવન કે મૃત્યુના હોય,

તો પણ તે બધા સંજોગો મારા કલ્યાણ માટે જ તેં

સર્જયા છે તેવી મારી શ્રદ્ધા અખંડ રાખજે, હે પ્રભુ .

–શ્રી માતાજી

ગુજરાતી ભાષાના સર્વ માન્ય કવી અને અને એમની પાછલી જીંદગીમાં અરવિંદ આશ્રમ, પાંડીચેરીમાં રહી સાધના કરનાર કવી સુન્દરમ રચિત આ પ્રાર્થના પણ સુંદર છે.

જીવનજ્યોત જગાવો… કવિ સુન્દરમ

જીવનજ્યોત જગાવો પ્રભુ હે જીવનજ્યોત જગાવો.

ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો,

આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો

અમને રડવડતાં શીખવાડો … પ્રભુ હે

વણદીવે અંધારે જોવા આંખે તેજ ભરાવો,

વણ જહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો,

અમને ઝળહળતાં શીખવાડો … પ્રભુ હે

ઊડતાં અમ મનનાં ફૂલડાંને રસથી સભર બનાવો,

જીવનનાં રંગો ત્યાં ભરવા પીંછી તમારી ચલાવો,

અમને મઘમઘતાં શીખવાડો … પ્રભુ હે

ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,

હૈયાના ઝરણાં નાનાને સાગર જેવું બનાવો,

અમને ગરજંતા શીખવાડો … પ્રભુ હે

અમ જીવનની વાદળી નાની આભ વિશે જ ઉડાવો,

સ્નેહશક્તિ બલિદાન-નીરથી ભરચક ધાર ઝરાવો,

અમને સ્થળ સ્થળમાં વરસાવો … પ્રભુ હે

– સુન્દરમ્

 કવી સુન્દરમ નો પરિચય

 ( વિકિપીડીયાની આ લીંક પર ક્લિક કરીને વાંચો.)

 

ૐ અસતો મા સત ગમય – વૈદિક આધ્યાત્મિક શાંતિ મંત્ર

ઉપર કવી ન્હાનાલાલ રચિત પ્રર્થના જોઈ એમાં  

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;

મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,

એ પંક્તિઓ ખુબ જાણીતી નીચેની સંસ્કૃત વૈદિક પ્રાર્થનાનું ગુજરાતી રૂપ છે.

” ૐ અસતો મા સત ગમય ,તમસો મા જ્યોતિર્ગમય ,મૃત્યુંર્માંમૃતમ ગમય ”

અર્થ- હે પરમાત્મા ! અમને અસતથી સત્ તરફ દોરો. અમને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરો. અમને મૃત્યુથી અમૃત તરફ દોરી જાઓ .

ૐ અસતો મા સત ગમય એ વૈદિક આધ્યાત્મિક શાંતિ મંત્રનું ઘણી શાળાઓમાં પ્રાર્થનામાં રટણ કરવામાં આવે છે.

આ શાંતિ મંત્રને નીચેના યુ-ટ્યુબ વિડીયોમાં સાંભળો.

આ વિડીયોમાં આ મંત્રને સાંભળવાથી તમને મનની શાંતિનો અહેસાસ થશે.

Asato Ma Sadgamaya ( Peace Mantra ) Spritual

અમેરીકાની એક શાળાની પ્રાર્થના

હે પરમાત્મા !

મંદ મંદ વાતા પવનમાં તારો અવાજ સંભળાય છે.તમારો શ્વાસ જગતના સઘળા જીવોનો પ્રાણ છે .તમે સર્જેલી સઘળી વસ્તુઓને મારું મસ્તક નમતું રહે , તમારો શુભ ધ્વની મારા કર્ણને પાવન કરતો રહે .પાંદડે પાંદડે ,પથ્થરે  પથ્થરે, રેતીના કણે કણમાં છુપાયેલા તમારા સંદેશાને મારું મન સદા સમજતું રહે.

મારા મોટામાં મોટા રિપુને પરાજીત કરવા માટે શક્તિ જોઈએ છે.

મારો મોટામાં મોટો રિપુ”હું ” જ છું .

નિર્મળ આંખે ને નિરામય શરીરે ,તમારા સાનિધ્યમાં આવવા હું આતુર છું.

જીવન વિલીન થઇ જશે,સૂર્યનો અસ્ત થશે ,જળ વહેતાં બંધ થઇ જશે,

ત્યારે કશી ય લજ્જા વિના ,હું તમારી સમક્ષ ઉભો રહું ,

એટલું જરૂર કરજો,

હે પરમાત્મા !

( મારા ભજનો અને પ્રાર્થનાઓના હાલ અપ્રાપ્ય પ્રકાશિત પુસ્તક

 “શ્રધાંજલિ “માંથી )

હું દર રોજ જેનું વર્ષોથી ભક્તિ ભાવ પૂર્વક રટણ કરું છે એ ગાયત્રી મહામંત્ર … 

GAYATRI MNTR A

 આપ સૌ મિત્રો અને સ્નેહી જનોને દિવાળી અને નવા વર્ષની  હાર્દિક શુભ કામનાઓ ..સાલ મુબારક 

વિનોદ પટેલ ,સાન ડિયેગો 

( 806 ) કબજિયાતથી કેન્સર સુધીનાે ઈલાજ કુદરતી ઉપચારથી…શ્રી મુકેશ પટેલ

સુરતવાસી સહૃદયી મિત્ર અને સંડે-ઈ-મહેફિલ બ્લોગના બ્લોગર શ્રી ઉત્તમભાઈ ગજ્જર અવાર નવાર ઈ-મેલમાં એમને ગમેલો કોઈ લેખ મને વાંચવા માટે મોકલી આપે છે.

આજની ઈ-મેલમાં એમણે શ્રી મુકેશ પટેલનો કુદરતી ઉપચાર વિશેનો લેખ મને મોકલ્યો જે આરોગ્ય જાળવવા માટે ખુબ ઉપયોગી હોઈ એમના આભાર સાથે આજની પોસ્ટમાં વિ.વિ.ના વાચકો માટે રજુ કર્યો છે.

નવા વરસે આ લેખ આપને એક પ્રેરક વાચન પૂરું પાડશે એવી આશા છે.

–વિનોદ પટેલ   

કબજિયાતથી કેન્સર સુધીનાે ઈલાજ કુદરતી ઉપચારથી…શ્રી મુકેશ પટેલ (આકાશવાણી પરનો કાર્યક્રમ )

NATUROPATHY

મિત્રાે,

અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ અને આકાશ એ પાંચ તત્વાેમાંથી આપણું શરીર બન્યું છે અને એ પાંચ તત્વાેની મદદથી દરરાેજ કઈ રીતે સાજા રહી શકાય એ પદ્ધતિનું બીજું નામ નેચરાેપથી કે કુદરતી સારવાર. અગ્નિ-તત્વ એટલે સૂર્ય. આપણે દરરાેજ 30થી 60 મિનિટ માટે સવારનાં કૂમળાં તડકામાં રહીએ એટલે આપણને વિટામિન ડી-3 મળે છે. આ વિટામિનથી આપણાં હાડકાં પણ સારા રહે છે અને વિટામિન બી-12નું લેવલ પણ જળવાઈ રહે છે. તડકાે આપણને ડિપ્રેશનથી બચાવે છે. ચામડીની તકલીફ હાેય ત્યારે તડકાે લેવાથી ચામડી સુધરે છે.

ડિપ્રેશનનાં દર્દીઆે કાંઈ જ ન કરે પરંતુ જાે ઘરની બહાર, ખુલ્લામાં બેસે તાેય એમનું ડિપ્રેશન ઘટવા લાગે છે. ખુલ્લા વાતાવરણમાં, રૂમની બહાર રહેવાથી સૂર્ય સિવાયના બધા ગ્રહાે, તારાઆેની શક્તિનાે(એનર્જિ)નાે લાભ આપણને મળે છે.

હવા એ આપણાં સાૈનાે મુખ્ય આહાર છે. દરેક મિનિટે આપણે સાત લિટર જેટલી હવા લઈ શકીએ છીએ. ઊંડા શ્વાસથી આપણું શરીર અને મન સ્વસ્થ રહે છે. ચાલતા ચાલતા પણ ઊંડા શ્વાસ લઈ શકાય છે. શ્વાસ જેટલાે ઊંડાે લેવાશે એટલાે જ વિચાર પણ ઊંડાણવાળાે બનશે.

પાણી એ આપણી જરૂરિયાત છે. દરરાેજ 3થી 4.5 લિટર જેટલું પાણી આપણાં શરીરને જાેઈએ છે. પરંતુ શારીરિક શ્રમ આેછાે હાેય, ખાસ પરસેવાે ન થતાે હાેય અને જાે 6થી 7 લિટર પાણી દરરાેજ પીવાય તાે કિડનીને નુકસાન થઈ શકે છે. માટે, મગજથી કામ કરવાનું હાેય તાે વધું પાણી ન પીવું જાેઈએ.પથરી(સ્ટાેન)ની તકલીફમાં સમયસર ભાેજનની જરૂર છે. વધુ પાણી પીવાથી પથરી બનતી નહીં અટકે પણ જાે સમયસર ભાેજન લેવાનું રખાશે તાે પથરી બનતી અટકશે.

અવકાશ તત્વ એટલે અઠવાડિયે એક દિવસ બે-ચાર કલાક માટે આપણે માૈન રાખીએ, એકાંતનાે, વાંચનનાે લાભ લઈએ. આપણાં રાેજિંદા કામ સિવાય કાંઈક કરીએ એટલે આપણે અવકાશ તત્વની નજીક હાેઈએ છીએ. સવારનાે તડકાે, આંખાે સામેનું ખુલ્લું આકાશ, આપણાં જ ઘરનાં બગીચામાં રહેલાં છાેડ-વૃક્ષાે સાથેનાે માૈન સંવાદ, પક્ષીઆેનું ગાન, જંગલમાં રહેલી ઘડિયાળ વિના ચાલતી સૃષ્ટિની સાથે રહીએ અને અવકાશને માણીએ-જાણીએ. ધ્યાન, ઉપવાસ, હળવાશ, ચાલવાનાે વ્યાયામ એ અવકાશ તત્વનાે જ હિસ્સાે છે.

પૃથ્વી તત્વ એટલે નીચે બેસવું, જમીનનાં સંપર્કમાં વધારે અને વધારે રહેવું. ખુલ્લાં પગે જમીન પર ચાલવાથી શરીરની અનેક બીમારીઆેમાંથી મુક્તિ મેળવી શકાય છે. અમારા નિહાર આરાેગ્ય મંદિરમાં કે અન્ય કુદરતી ઉપચાર સેન્ટર કે હાેસ્પિટલમાં પેટ ઉપર, આંખાે ઉપર અને આખા શરીરે માટીની પટ્ટી, લેપ લગાવીને અનેક બીમારીઆેની સારવાર કરાય છે. માટીમાં રહેલું પૃથ્વી તત્વ આપણાં શરીરની ગરમી ઘટાડે છે, ઠંડક આપે છે, દવાઆેની આડઅસર ઘટાડે છે.

આપણને જે દિવ્ય અને ભવ્ય શરીર મળ્યું છે એની જાળવણી પ્રથમ કરવાની છે. માેંઘી કારની સર્વિસ માટે દર વર્ષે કેટલાંક લાખ અાપી શકાય, ઘરની અંદર ઈન્ટીરિયર ડિઝાઈન માટે લાખાે રૂપિયા ખર્ચી શકાય પરંતુ અબજાે રૂપિયા ખર્ચતાં પણ ન મળે એવા અદભુત શરીરની જાળવણી માટે, એને સાજું કરવા માટે કાેઈની સારવાર લેવાની થાય ત્યારે એક એક રૂપિયાનાે હિસાબ ગણાય..!

મિત્રાે,કુદરતી સારવાર(નેચરાેપથી) એક એવી પદ્ધતિ છે જેમાં એકસાથે દર્દીનાં અનેક રાેગાેનાે ઈલાજ  એક જ ડાેકટર કરે છે. અન્ય થેરાપીમાં દરેક તકલીફ માટે અલગ અલગ ડાેક્ટર પાસે જવું પડે છે.

કેન્સરનાં કેટલાંક એવા દર્દીઆે છે જે અમારી કુદરતી સારવાર પછી સારી રીતે જીવે છે. એમનું કેન્સર મટી ગયું છે. કેન્સરનાં દર્દી ઈચ્છે તાે અમારી સારવાર કરાવવા માટે સીધાં પણ આવી શકે છે. જાે એમ ન કરવું હાેય તાે પહેલાં કિમાેથેરાપી-રેડિએશન લઈને પછી આવી શકે છે.

કેન્સર સિવાય ડાયાબિટીસ, સ્થૂળતા(obesity), વા(arthritis), ઢીંચણની તકલીફ, કમર-દર્દ, ગરદનની તકલીફ, બી.પી, કાેલેસ્ટ્રાેલ, ડિપ્રેશન, હૃદયરાેગ, વ્યંધત્વ(બાળક ન હાેવું), ચામડીની તકલીફ, નાના બાળકાેની બીમારી વગેરે અનેક તકલીફાેની સારવાર કુદરતી ઉપચારથી શક્ય બને છે.

(ફાેનઃ 079-65530052,65126556,27522086)

નેચરાેપથી એટલે કુદરતનાં આેપરેશન ટેબલ ઉપર અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ અને આકાશ એ પાંચ તત્વાેની મદદથી દર્દીની સારવાર. આપણને સાૈને જન્મ સમયે સરખાં જ શ્વાસ મળે છે. એક મિનિટનાં 16 શ્વાસ, એક કલાકનાં 960 શ્વાસ, 24 કલાકના  આશરે 23000 શ્વાસ,… આ રીતે 100 વર્ષનાં જેટલાં શ્વાસ થાય એટલાં શ્વાસ આપણને જન્મ વખતે મળે છે.

જાે આપણે વ્યાયામ ન કરીએ, કબજિયાતનાે ભાેગ બનીએ, બી.પી. કે ડાયાબિટીસનાે ભાેગ બનીએ, ટેન્શનમાં આવી જઈએ, રાત્રે સારી રીતે ન ઊંઘીએ તાે આપણાં શ્વાસ વધારે વપરાય છે, ધબકારા વધી જાય છે. આપણે ખાેટું કામ કરીએ, કાેઈનું પડાવી લઈએ, કાેઈને અન્યાય કરીએ એટલે શ્વાસ વધું વપરાય છે. જેવાે શ્વાસનાે ખજાનાે પૂરાે થયાે કે તરત આ દુનિયા છાેડવી પડશે.

માટે જ, ઊંડા શ્વાસ લેવાના રાખીએ, ઊંડા ધ્યાનની પ્રેક્ટિસ રાખીએ, આપણને જે મળ્યું છે એ જ પ્રભુ વાપરવા દે એવી પ્રાર્થના પ્રભુને રાેજ કરીએ, અન્યના હિતનાે સતત વિચાર કરીએ, વ્યાયામ કરીએ, નિયમિત ઉપવાસ કરીએ એટલે આપણને મળેલાં શ્વાસ સારી રીતે, શાંતિથી વાપરી શકીશું.

પ્રભુ આપને સત્કર્મ કરવાની, વ્યાયામ કરવાની શક્તિ આપે, ધ્યાન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સહ,

મુકેશ પટેલ(મેનેજિંગ ટ્રસ્ટી)

નિહાર ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.

સાભાર .સૌજન્ય-  શ્રી મુકેશ પટેલ 

Source- http://www.anupan.in/blog/

સાથે સાથે શ્રી મુકેશ પટેલના આ ચાર લેખો પણ વાંચવાનું  ના ચૂકશો .

                ૧. તહેવારાેમાં ડુપ્લીકેટ માવાની મીઠાઈ ખાવાથી કેન્સર પણ થઈ શકે                 છે…

 

( 805 ) ભગવાન ની બેંક નો પાસવર્ડ યાદ રાખજો …નવા વરસે ….

ભારતના શીયાળાને યાદ અપાવે એવી સાન ડિયેગોની આજની ખુશનુમા  ઠંડક પ્રસારતી સવારે , રાત્રીભરના આરામ અને સવારની ચા-નાસ્તા પછી તરોતાજા થયેલ મગજમાં જાગેલ વિચારોનું  વિનિમય એટલે આજની આ પોસ્ટ છે.

ભગવાનનો પાસવર્ડ !

ભગવાન એક બડો બેંક મેનેજર છે.આ કીરતારની બેન્કમાં નાનાં મોટાં સૌનાં એ.ટી.એમ ખાતાં ખોલેલાં હોય છે.આ દરેક ખાતાંઓ ઉપર એ હમ્મેશાં ચાંપતી  નજર રાખે છે.તમારા રોજના વ્યવહારને જોઇને એ તમારા ખાતામાં એ અવાર નવાર નીચેની રકમો જમા કરે છે.

આરોગ્ય, ધન, સુખ, શાંતિ ,સંતોષ , આનંદ ,પ્રેમ વિગેરે …

તમારે જો એની બેન્કના એ.ટી.એમ. ખાતામાંથી તમારે જોઈએ એ રકમ  ઉપાડવી હોય તો તમારે એણે સૌને આપેલ એક સરખા  જ પાસવર્ડનો ઉપયોગ કરવો પડે.

આ પાસવર્ડ નું નામ છે …..પ્રાર્થના !

જીવનમાં આરોગ્ય, આનંદ, સુખ શાંતિ ,સફળતા ,સંતોષ અને પ્રેમ ની પુંજી વિનાનું જીવન અધરું છે.

સુખ અને સફળતામાં આટલો તફાવત છે .

જીવનમાં જે ગમે એ મળે ,એનું નામ સફળતા .

જીવનમાં જે મળે એ ગમે ,એનું નામ સુખ 

અને પ્રેમમાં આવી શક્તિ રહેલી છે .

આ જગમાં પ્રેમનો એવો તો છે પ્રભાવ,

ઘડીમાં જે મિટાવી દે ,બધો જ અભાવ

નવા સંવત વર્ષ ૨૦૭૨ માં પ્રભુની બેંક ના તમારા એ.ટી.એમ. ખાતાને સમૃદ્ધ કરતા રહો અને ભૂલ્યા વિના પાસવર્ડ નો ઉપયોગ કરી તમારા જીવનની સાચી સમૃદ્ધિને  માણતા રહો એ જ અંતરની અભિલાષા.

વિનોદ પટેલ 

નવા વર્ષની મારી એક અછાંદસ રચના અહીં પ્રસ્તુત કરું છું.

નવા વરસે …

સમય સરિતા હંમેશ વહેતી જ રહેતી,

જૂની યાદો પાછળ મૂકી વર્ષ થાય પસાર,

આવીને ઉભીએ એક નવા વર્ષને પગથાર.

જિંદગી આપણી છે એક ફળદાઈ ખેતર,

એમાં ઊગેલ ઘાસ નીદામણ દુર કરીને,

નવા વરસે પ્રેમનો નવ પાક ઉગાડીએ.

ખામીઓ, કમજોરીઓ હોય દુર કરીને,

નકારાત્મકતા છોડી,સકારાત્મક બનીએ.

નવલા વરસે નવલા બનીને ,નવેસરથી,

નવું વર્ષ હળીમળી પ્રેમથી સૌ ઉજવીએ,

નવી આશાનો દીપ જલાવીએ,પ્રકાશીએ.

કૃપાળુ પ્રભુને હંમેશાં હર પળ સમરીએ,

નવ વરસે, બે કર જોડી એને પ્રાર્થીએ કે ,

રિદ્ધિ, સિદ્ધિ,લક્ષ્મી અને સરસ્વતી માતા ,

સૌ પર રીઝે ,સુખ શાંતિ સૌ પ્રાપ્ત કરે ,

એવું ઉત્તમ નવું વર્ષ બનાવજે, હે પ્રભુ.

વિનોદ પટેલ

વિદેશોમાં પણ ભારતીય સંસ્કૃતિના ફેલાવાને લીધે ઘણાં સુંદર હિંદુ મંદિરો જોવા મળે છે.નીચે સિંગાપોરનું કલાત્મક મંદિર અને મલેશિયાનું કાચનું મંદિર કેટલાં મનોહર લાગે છે ! 

Singapore Temple