વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 1, 2015

( 817 ) “બાંશી નામની એક છોકરી” નામની એક સ્ટોરીની સ્ટોરી ….. મધુ રાય

શ્રી મધુ રાય- મધુ ઠાકર ( ફોટો સૌજન્ય- ફેસ બુક )

   શ્રી મધુ રાય- મધુ ઠાકર ( ફોટો સૌજન્ય- ફેસ બુક )

હાલ ન્યુ જર્સી (યુ.એસ.એ ) નિવાસી જાણીતા નર્મદચન્દ્ર વિજેતા સાહિત્યકાર /લેખક શ્રી મધુ રાય યાને શ્રી મધુસુદન ઠાકરએ એમના પ્રથમ વાર્તાસંગ્રહ ‘બાંશી નામની એક છોકરી’ (૧૯૬૪) થી વાર્તા લેખક તરીકે એમની સાહિત્ય યાત્રા શરુ કરી હતી.

શ્રી મધુ રાયનું આજનું ગદ્ય સાહિત્ય ડો.ગુણવંત શાહ , ફાધર વાલેસ જેવા લોક પ્રિય ગદ્ય સ્વામીઓની હરોળમાં ઉભા રહી શકે એવું ૫૦ વર્ષ પછીના અનુભવો પછી આજે  ખુબ ઘડાયું છે જે એમના આજના લેખોમાં એમની આગવી ભાષા શૈલી અને ગદ્ય અભિવ્યક્તિમાંથી  પ્રતિબિંબિત થાય છે.

શ્રી મધુ રાયના સાહિત્ય વિષે શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાલા કહે છે :

“આધુનિક કથાસાહિત્ય અને નાટ્યસાહિત્યમાં કપોલકલ્પિતના વિનિયોગ સાથે તેમ જ નાટ્યાત્મક પરિસ્થિતિઓ અને ઉઠાવદાર પાત્રરેખાઓ સાથે પ્રયોગશીલતાની વિવિધ સંવેદનાઓ ઊભી કરતી અને ભાષાની અપૂર્વ અનુનેયતા સિદ્ધ કરી બતાવતી આ લેખકની કૃતિઓ અત્યંત ધ્યાનપાત્ર છે.”

શ્રી મધુરાયના ‘બાંશી નામની એક છોકરી’ (૧૯૬૪) વાર્તા સંગ્રહ વિષે શ્રી ટોપીવાળા લખે છે :

બાંશી નામની એક છોકરી (૧૯૬૪) : મધુ રાયનો પહેલો વાર્તાસંગ્રહ. આધુનિક વાર્તાના મંડાણ વખતે સશક્ત રચનારીતિથી અને ભાષાની અનુનેયતાથી નોખી તરી આવતી આ બાવીસ વાર્તાઓમાં વિષાદનાં વિવિધ રૂપાંતરો છે. આ વિષાદ પાછળ યુવાવસ્થાની સ્ત્રીઝંખના અને ગરીબાઈની વાસ્તવિકતા વચ્ચેના વિરોધનો તણાવ છે. આ તણાવ વક્રતા તેમ જ વિનોદના દ્વિવિધ સ્તરે આસ્વાદ્ય બનતો વિશિષ્ટ કલા-આકૃતિ ધારણ કરે છે. પ્રયોગોની નવીનતા ને ભાષાનાં પોતીકાં સંવેદનોથી આ વાર્તાઓ તાજગીપૂર્ણ છે.”

એમના આ પ્રથમ વાર્તા સંગ્રહમાં સમાવિષ્ટ આજ નામની એમની વાર્તાનું મુખ્ય પાત્ર બાંશી એટલે આજથી ૫૦ વર્ષ પહેલાં કલકત્તામાં એમના કોલેજ કાળ દરમ્યાન થયેલા એમના મિત્રોમાંની એક બંગાળી મિત્ર . 

ફેસ બુક સોસીયલ મીડિયા એવું માધ્યમ છે જેની મદદથી વરસો જુના મિત્રોની ભાળ મળે છે અને સંપર્ક તાજો થાય છે.

મારા ફેસ બુક મિત્ર મધુ રાય લખે છે :

એક દિવસ મને થયું કે ફેસબુક ઉપર પચાસ વર્ષ પહેલાંની મારી કોલેજ સહપાઠી “બાંશી”ને સર્ચ કરું.”

બાંશી વિશેની હાલની વિગતો જાણી એનો સંપર્ક તાજો કર્યા પછીની વાતો એટલે જ એમની મૂળ ૫૦ વર્ષ જૂની વાર્તાનું અનુસંધાન કરતી  આજની પોસ્ટમાં મુકેલ મધુ રાયની  “બાંશી નામની એક છોકરી” નામની એક સ્ટોરીની સ્ટોરી “

આ વિષે શ્રી મધુરાય આ વાર્તામાં કહે છે :

અરધી સદી સુધી મારી સ્મૃતિમાં એક સ્નેહાર્દ સ્થળે બિરાજીને, મારી વાર્તાની નાયિકા બનીને, અને પોતે જે છે તે પોતે રહીને. મને પણ ખેદ છે, એ વાતનો કે જે વાર્તાએ મને વાર્તાલેખક તરીકે સ્થાપિત કર્યો તે મારી ગુજરાતી વાર્તાની ઉત્કટતાને ટ્રાન્સલેટ કરી શકું એટલું બંગાળી મને આવડતું નથી.”

આ વાર્તા આત્મકથાત્મક છે.મધુ રાય એમની આત્મકથા લખવાનો કોઈ ઈરાદો ધરાવતા નથી .તેઓએ આ વિષે એક જગાએ લખ્યું છે “

“મારાં લખાણોમાં મારી આત્મકથા એવી વણાયેલી છે કે એ ફરી લખવાનો અર્થ નથી અને જે નથી લખાયું તે લખવાની હિંમત નથી”

એમના જીવનમાં એવા પણ પ્રસંગો બન્યા છે જેના ઉપર લખવાની એમની હિંમત નથી , એમ કહેવું એ કેટલી  નિખાલસતા અને હિંમત કહેવાય !

તો હવે વાંચો મધુ રાયની આ દિલને ગમી જાય એવી વાર્તા

” યાને સ્ટોરી જેવું કાંઈક”

આ વાર્તા દ્વારા સૌ પ્રથમ વાર વિનોદ વિહારમાં શ્રી મધુભાઈને આવકારતાં આનંદ થાય છે. 

“બાંશી નામની એક છોકરી” નામની એક સ્ટોરીની સ્ટોરી ….. મધુ રાય

એક દિવસ મને થયું કે ફેસબુક ઉપર પચાસ વર્ષ પહેલાંની મારી કોલેજ સહપાઠી “બાંશી”ને સર્ચ કરું. કોલેજ પછી બાંશી એના પતિ સાથે કેનેડા ચાલી ગયેલી અને અમારે સંપર્ક રહ્યો નહોતો.

ફેસબુક ઉપર ચકરાવા લેતાં જાણ્યું કે બાંશી અને તેનો પરિવાર હાલ અમેરિકાના એક સધર્ન સ્ટેટમાં રહે છે. મેં ફેસબુક ઉપર મેસેજ મૂક્યો પણ દિવસો સુધી જવાબ મળ્યો નહીં તેથી મેં માની લીધું કે બાંશીના છોકરાઓએ તેનો ફેસબુક એકાઉન્ટ ખોલી આપ્યો હશે અને પછી કોઈ ધ્યાન આપતું નહીં હોય. મને તેના વરનું નામ યાદ હતું એટલે મેં એનીહૂ ફોન સર્ચમાં તેનું નામ અને ગામ મૂકી નંબર મેળવી ફોન જોડ્યો:

“હેલો…?”

“બાંશી બિશ્વાસ સાથે વાત કરી શકું?”

“અરે? મોધુ ઠાકર?” સામેથી ઉત્તેજિત અવાજ આવ્યો,

“મોધુ! તું ક્યાંથી બોલે છે?”

સાયકોલોજી કોલેજ વખતે ક્લાસમાં સાત આઠ છોકરીઓ અને અમે ત્રણેક છોકરાઓ હતા. હું એકમાત્ર અ–બંગાળી હતો. બાંશી મારા કરતાં ત્રણેક ઇંચ ઊંચી છોકરી હતી, વિવાહિત હતી અને મોટા ઘરની હતી; અમારે કશો રોમાન્ટિક વહેવાર નહોતો. એની મેધા અને રઈસી ઢબછબથી હું અંજાયેલો હતો અને મારા ગુજરાતીપણાથી બાંશી વિસ્મિત હતી. એ સમયે હું ફુલટાઇમ કામ કરતો હતો અને સમય કાઢી કોલેજ ભરતો હતો. ટ્રામબસના પૈસા ગણી ગણીને મારે ભેગા કરવા પડતા. પાડોશીનાં છાપાં ચોપાનિયાં અને લાઇબ્રેરીનાં હિન્દી, બંગાળી, ગુજરાતી, અંગ્રેજી પુસ્તકો સતત વાંચતો, અને તે સમયે મેં શિવકુમાર જોષીના પ્રોત્સાહનથી વાર્તાઓ લખવાનું શરૂ કરેલું.

બાંશી અને મારા વચ્ચે કશું સામ્ય ન હોવા છતાં અમે ખૂબ નિકટ આવેલાં અને શિવકુમાર જોષી સંપાદિત “કેસૂડાં” વાર્ષિકમાં મેં એક આત્મકથાત્મક વાર્તા લખી, “બાંશી નામની એક છોકરી.” તે વાર્તા મારી સાહિત્યિક કારકિર્દીમાં સીમાચિહ્ન બની ગઈ અને તે કારણે હું તેને પચાસ વર્ષના ગાળા પછી શોધવા બેસું તે સ્વાભાવિક કહેવાય. પણ તેણે પણ મારો અવાજ અરધી સદી પછી તત્કાળ ઓળખી કાઢ્યો તેથી મેં મનોમન મૂછો મરડી.“યસ, મોધુ ઠાકર, સાયકોલોજી કોલેજનો તારો સહપાઠી.”

અમે ઘણી વાતો કરી. તેને બે સંતાન છે, દીકરો પરણીને બીજા સ્ટેટમાં રહે છે, અને દીકરીને કશોક અકસ્માત થયાથી હાલ ઘરે છે. એના પતિ એન્જિનીયર છે. પતિએ ન્યુ યોર્કમાં પણ બેત્રણ મનોહર ઇમારતો સહિત ઘણાં વિખ્યાત મકાનો ડીઝાઇન કર્યાં છે. બાંશીએ સાઇકોલોજીમાં માસ્ટર્સ વગેરે કરી ક્લીનિકલ સાઇકોલોજિસ્ટ તરીકે બેત્રણ યુનિવર્સિટીઓમાં ઘણાં વર્ષ સેવાઓ આપી છે, અને હવે તબીયતના કારણે નિવૃત્તિ લીધી છે. આખી જિંદગીમાં તેને ભરચક સુખ જ સુખ મળ્યું છે. સુધી હાલ દીકરીની શુશ્રૂષામાં અને બાગબાનીમાં સમય વિતાવે છે.

બાંશીએ કહ્યું કે હું નીકળી શકું તેમ નથી તો તું મળવા આવ. મેં કહ્યું કે વિમાનનું ભાડું બહુ થાય અને આઠ આઠ કલાક ડ્રાઇવ કરીને આવવું કે કામના દિવસ ભાંગવા મને પોસાય નહીં. પણ તમે લોકો ન્યુ જર્સી આવો ને! ત્યારે બાંશીએ કહ્યું કે આ દીકરાદીકરી ઉપરાંત મારે બાવીસ સંતાન છે! અરે? કઈ રીતે?

આજથી પચાસ વર્ષ પહેલાં કેનેડા–અમેરિકાની ઇન્ડિયન વસતી અતિ પાંખી હતી. જે બંગાળી સ્ટૂડેન્ટ્સ આવતા તેમને બંગાળી ભોજન મિસ થતું. તે લોકો ફોન બુકમાંથી બંગાળી નામો શોધી શોધી પૂછતા કે અમને જમાડશો? એ રીતે બાંશીના ઘરે જેનો ફોન આવે તેને બાંશી અને તેના પતિ આવકારતાં, જમાડતાં અને એ વિદ્યાર્થીઓ એમને માબાપ જેવો આદર આપતાં. હાલ એવાં ૨૨ પુત્રપુત્રીઓ એમને છે. હવે તો એ બધાંયે ઘરડાં થયાં છે અને તેમને પોતાને પૌત્રો અને પૌત્રીઓ છે. એ સૌના સારામાઠા પ્રસંગે બાંશી અને એના પતિ હાજરી આપે છે, એટલે, મેયબી, મેયબી, જો બાંશીની દીકરીની હાલત સુધરશે તો આવતા વર્ષે ન્યુ જર્સીમાં એવા એક ‘પુત્ર’ના પૌત્રનો જન્મદિવસ છે તેમાં બાંશી આવશે, અને ત્યારે મોધુ સાથે મુલાકાત થશે. હાઉ નાઇસ!

ફોન પૂરો થાય પછી મોધુને થયું કે મારા મસ્તકની આસપાસ એક ગુલાબી રંગનો ગોળો ફરે છે. દાયકાઓ પહેલાં હું અને બાંશી શ્યામબાજારની પાસેના પાર્કમાં ઘાસ ઉપર છાપાં પાથરી બેસતાં, હું તેને મારી લખેલી વાર્તાઓ વાંચી સંભળાવતો અને ટૂંક સાર બંગાળીમાં સમજાવતો. તેને ગુજરાતી ભાષાનું મ્યૂઝિક સાંભળવું ગમતું, અમે ચર્ચા કરતાં, મારી વાર્તામાં ક્યાં મારો કથાકાર તરીકેનો ‘અવાજ’ ખોરવાય છે, ક્યાં મારી લેખક તરીકેની ‘ઇમાનદારી’ જોખમાય છે. ચર્ચાઓ થતી, મારા જીવનની, તેના જીવનની, સહપાઠીઓની; કે અમે માત્ર બેસી રહેતાં બીજા લોકોની અવરજવર જોતા. અમારી મૈત્રી માત્ર બે વર્ષ ચાલેલી. પણ એનો કેફ અરધી સદી સુધી ફેલાયેલો.

તે પછી મહિનાઓ બાદ ફરી મને ફરી ચાનક ચડી ને મેં ફરી ફોન કર્યો. આ વખતે અમારે વાત થઈ બંગાળી ભાષાની: મેં કહ્યું કે હું અહીં ઘણાં બંગલાદેશી લોકો માટે કોર્ટમાં અને વકીલોની ઓફિસોમાં ઇન્ટરપ્રિટેશન કરું છું. તેમની બંગલાદેશી બોલીનો એક મિજાજ હોય છે. પરંતુ હું કલકત્તાની બોલી મિસ કરું છું અને તારી સાથે વાત કર્યાથી રોમાંચ થાય છે.

તેણે કહ્યું મોધુ, તારા અવાજમાં સહેજેય ગુજરાતીનો ભાસ નથી, અને ફરી મેં મૂછો મરડી. મેં જણાવ્યું કે અહીં જ્યોતિર્મય દત્ત નામના બંગાળી કવિ સાથે મારે મૈત્રી છે. તો બાંશીએ કહ્યું કે ઓહો! જ્યોતિબાબુ તો બુદ્ધદેબ બસુના જમાઈ! જ્યોતિબાબુ કે મીનાક્ષીને હું મળી નથી કે બુદ્ધદેબ તથા પ્રતિભા દેબીને પણ કદી જોયાં નથી. પણ એ બંનેનાં બધાં પુસ્તકો મેં વસાવ્યાં છે હું એમની પ્રચંડ ભક્ત છું, અમારે એક કોમન લિન્ક છે. ફ્રેડ ડેવિસ નામે એક અમેરિકન સ્ટૂડન્ટ વર્ષો પહેલાં કલકત્તા ભણવા આવેલો અને બુદ્ધદેબ અને પ્રતિભા દેબીએ એને જાણે ‘ગોદ’ લઈ લીધેલો. બુદ્ધદેબનાં નિજનાં સંતાનો ફ્રેડ ડેવિસને ‘ફ્રેડ બોડદા’ યાને મોટાભાઈ ફ્રેડ કહેતાં. તે ફ્રેડ ડેવિસ સાથે બાંશી ફેમિલીને ગાઢ મૈત્રીનો સંબંધ હતો. તે ફ્રેડ ડેવિસનો થોડા સમય પહેલાં સ્વર્ગવાસ થયો છે.

પછી બાંશીએ કહ્યું કે તેને પોતાને પણ બેએક વાર હૃદયના હુમલા આવી ચૂક્યા છે, અને હવે મરતાં પહેલાં એક વાર તો આપણે મળી લેવું જોઈએ! યસ, એબ્સોલૂટલી. અને ફરી ફોન કરવાના વાયદા સાથે અમે છૂટાં પડ્યાં.

ફેસબુકમાં બાંશીને શોધ્યાની કથા અને ફ્રેડ ડેવિસની વાત મેં જ્યોતિબાબુને જણાવી તો કવિએ ગેલમાં આવીને કહ્યું વ્હોટ એ સ્વીટ સ્ટોરી! મીનાક્ષીએ કહ્યું કે હા, ફ્રેડ બોડદાએ બાંશીની વાત મને પણ કરી હતી. મોધુએ એમનો નંબર બાંશીને અને બાંશીનો એમને મોકલી આપ્યાં.

તે પછી બેત્રણ દિવસમાં બાંશીના પતિનો ઇમેઇલ આવ્યો. તેની સાથે બે એટેચમેન્ટ હતાં. એક હતી બાંશીની હસ્તલિખિત કવિતા, જેના બધા અક્ષર વંચાતા નહોતા. બીજો હતો મારો એક અતિ પુરાણો ફોટો જેને હું તદ્દન વિસ્મરી ચૂક્યો હતો.

Madhu Rai- 50 years ago(કલકતામાં અભ્યાસકાળ દરમ્યાન ૫૦ વર્ષ પહેલાંનો મધુરાયનો ફોટો )

તે ફોટો જોતાં અચાનક કેટલી બધી સ્મૃતિઓએ મગજમાં ખળભળાટ કરી મૂક્યો. એ ફોટામાં અમારી બાજુના મકાનમાં રહેતા શિવલાલભાઈના ફ્લેટની બાલ્કનીમાં હું કોટ પાટલૂન પહેરી હસતો દેખાતો હતો. શિવલાલનાં પત્ની લાડુબેનને હું કક્કો બારાખડી શિખવવા જતો. શિવલાલ પણ ખાસ ભણ્યા નહોતા પણ કહેતા કે અંગ્રેચી બોલવામાં હું એકવાર તો નેકટાઈવાળાનેયે પાછો પાડી દઉં. એ વાત અલબત્ત ખોટી હતી પણ શિવલાલ કુશળ ફોટોગ્રાફર હતા અને લાડુબહેન સાધારણ લખતાં વાંચતાં શીખી ગયાં ત્યારે આ ફોટો શિવલાલે એમના એ જમાનામાં “એક હજાર રૂપિયાની કિંમતના કેમેરાથી” પાડી આપેલો—લાડુબેનના ટ્યૂશનની ફી તરીકે. એ ફોટો આટલાં વર્ષો બાદ, અને દસ બાર ઘર બદલ્યા પછી પણ, બાંશીના કોઈ આલ્બમમાં સચવાયેલો છે, ગુડ લોર્ડ! મેં જેમ તેની શબ્દછબિ મારી વાર્તામાં સાચવી રાખી છે તેમ!

તે પછીના અઠવાડિયે બાંશીએ પોતાની હસ્તલિખિત કવિતા ફોન ઉપર મને વાંચી સંભળાવી, જેનો ધ્વનિ હતો:

“તે વખતે પણ મને તારી આંખોમાં પીડા દેખાયેલી અને આજે પણ તારા હસવાના અવાજમાં જિંદગીની અડચણોનો ખરબચડાટ સંભળાય છે. ન તે વખતે હું કશી સહાય કરી શકી ન હવે હું કાંઈ કરી શકું તેમ છું. તેનો એક ખેદ છે.”

પીડા? વ્હોટ પીડા? ખરબચડાટ? શાનો? મને થયું કે મને તો કોઈ અભાવ નથી. હું રાતી રાયણ જેવો છું, મારી એકલતાના મીઠા મેવા ખાતો હું ભૂખ્યો કે તરસ્યો નથી. મને કશોય અભાવ નથી, હું નિરાપદ છું, સ્થાયી છું, પૈસેટકે બે પાંદડે છું. અને ક્લીનિકલ સાયકોલોજિસ્ટ બાંશીની એક વાત સાવ પાયા વગરની છે. બાંશીને ખબર નથી કે તેણે મને ખરેખર કેટલી સહાય પૂરી પાડી છે. અરધી સદી સુધી મારી સ્મૃતિમાં એક સ્નેહાર્દ સ્થળે બિરાજીને, મારી વાર્તાની નાયિકા બનીને, અને પોતે જે છે તે પોતે રહીને. મને પણ ખેદ છે, એ વાતનો કે જે વાર્તાએ મને વાર્તાલેખક તરીકે સ્થાપિત કર્યો તે મારી ગુજરાતી વાર્તાની ઉત્કટતાને ટ્રાન્સલેટ કરી શકું એટલું બંગાળી મને આવડતું નથી.

બસ આ છે “બાંશી નામની એક છોકરી” નામની એક સ્ટોરીની સ્ટોરી. શોર્ટ સ્ટોરી નથી, અલબત્ત, તમે ચાહો તેવી સ્ટોરી નથી. પણ કાંઈક છે, યાહ? સમથિંગ લાઇક એ સ્ટોરી?
madhu.thaker@gmail.com Thursday, October 08, 2015

મધુ રાય એ એમના ફેસ બુક પેજ પર આ જ વાર્તાનો અંગ્રેજી અનુવાદ પણ પોસ્ટ કર્યો છે એને પણ રસ ધરાવતા વાંચકો માટે અહીં મુક્યો છે. 

A story – So to speak …. Madhu Rye
On a whim one day I thought of looking up my college friend of 50 years ago, “Banshi”, on Facebook. She was bound for Canada back then to be with her husband so I had lost touch with her after college. After some meandering on the net I found out that she lived in a suburb of a southern city with her engineer husband, herself a retired counsellor. I left a msg on f/b but did not get an answer, evidently because her children must have set up the account and she ever hardly used it. I knew her husband’s name so I searched for their phone number. As soon as I said hello, she cried out my name, just like that after half a century. I mentally twirled my mustache.

We talked a while and I learned that she had two grown children: son, married and living in another state. The daughter was involved in an accident and “Banshi” looked after her besides her gardening. She asked me to visit them in their pretty countryside home for a week but of course that is an eight hour drive, and flying is prohibitive. Besides I can’t afford to miss work days. Banshi mentioned her health issues and warned that she wanted to see me before she goes to heaven. Why can’t they come instead, to visit me here in my drab Jersey City apartment?, I asked.

She then mentioned that actually there are 22 other “children” who called her ma. Back in the Sixties, those were fresh Indian students who had immigrated to Canada and missed “home” and home-cooking. They were readily “adopted” by the youthful Banshi and her husband, one after another, and who now are a clan of 22 grown men and women. They have kept up with them after five decades and tens of address changes in Canada and in the USA. She attends all auspicious occasions in their lives including their grand children’s birthdays and so forth. Though she is now a bit down in health, she may visit New Jersey next year, and perhaps I will be able to see her in person.

After I disconnected, I felt a glow in my head. Banshi was taller than me by several inches, engaged to be married to a fine Bengali young engineer and bound for Canada when I met her at the Science College. We struck a friendship. I was awed by her scholaship and aristocratic bearings while I was a plain son of a lower middle class teacher. My father had taken ill so I was working full time while keeping my head above water in college. My only outlet was my writing which I read to her. She would listen to the “music” of Gujarati language and I would instant-translate the gist in Bengali. She would talk about my “voice” and pointed out where it faltered. I sent my wiritings for publication and was soon recognized in my language as a short story writer. In terms of years I knew Banshi for the two years of college. But she had left such an indelible imprint on my mind that I expressed it in an autobiographical short story, “Banshi Namni Ek Chhokri”, in Gujarati. It was to become a milestone in my literary career.
Months passed after that initial phone call after my discovery of her number and once again my spirits moved me to make another call. This time we talked for about an hour, while she was nursed flower beds and described how sumptuous her life has been. I told her about my interminable conflicts in my life, a modest economic station, failed marriage, uneven affairs, and my current occupation. I mentioned I missed hearing Benagli being spoken and how I went to see a fine Bengali poet Jyotirmoy Datta and his wife Minaxi whom I had made friends with through a journal we all once worked for.
She jumped up and said she was a devotee of Minaxi’s parents Budhdhadeb Basu and Protibha Debi, both iconic figures of Bengali language. She had complete sets of their works in her home and also that she was great friends with one Fred Davis. Fred Davis was an American student who lived in Calcutta and was taken in by Budhdhadeb family as their oldest son. All their real children called Fred Bod-da, elder brother, and was beloved by one and all until he died recently in the USA. With that we concluded the long chat and promised each other to stay in touch through email and phone.
I told Jyotibabu about Banshi and her friendship with Fred Davis. In turn Minaxi remembered that Fred had mentioned Banshi to them once or twice.

Then this evening I received an email from her husband with two attachments. One was an old old photo of young me, and the other attachment was a handwritten poem from Banshi. I was thrilled to tears. I had lost and long forgotten that particular picture. So it brought on a flood of memories. That picture was taken on balcony of a neighbor’s flat in Calcutta. I used to tutor his wife, Laddoben, age 35-ish, who was totally illiterate. Her husband Shivlal boasted that he didn’t go to school either, but claimed he could beat a necktie-wala any day in an argument in English. Which was of course totally silly. But he was a good photographer. He had taken the picture of old old me on his balcony with his favorite one-thousand-rupee-camera over five decades ago, in payment of my services to his wife who did ultimately learn enough to pen a letter in Gujarati.

I also read with a halting pace Banshi’s poem about nostalgia. I did not get every handwritten word and so she explained the poem to me in her next phone call. The poem said, she could feel my suffering then in my eyes and from my laughters now. She was sorry that she could not help me then, or cannot be of solace now. Suffering? What sufferings? I averred to myself. I am terrific, healthy, happy and secure and suffering-free. Banshi has been of immense help to me, though she may not know it, by being what she is. By being the heroine of my most famous work. By being there all this time in my memory and recognizing me instantly when I showed up at the other end of her land line. I am so happy that i thought of looking Banshi up on Facebook. Hopefully we will meet face to face someday.

For the moment, I feel overwhelmed. And exhilarated. Even after 50 years gap and thousands of miles away from its origin, not to speak of relocating of numerous domiciles, Banshi still had this picture of me at that tender age in some album. Similarly, i have her pen picture preserved for 50 years in the story I wrote. I am sad I cannot translate it for her, as the intensity and expression of Gujarati I can never summon with my serviceable knowledge of Bengali. This is it, for now. A story about a story and its heroine. Not a short story this time, but a story so to speak.

મધુ રાય, Madhu Rai-મધુસૂદન ઠાકર- પરિચય

Madhu Rai

શ્રી મધુ રાય ના નામથી મને સૌ પ્રથમ પરિચય તેઓ જ્યારે ૧૯૬૭માં નવનીતલાલ ઍન્ડ કંપનીમાં જાહેરખબર-લેખનના કાર્ય સાથે સંલગ્ન હતા ત્યારે થયો હતો. હું જે કંપનીમાં જોબ કરતો હતો એ સેલ્યુલોઝ પ્રોડક્ટ્સ ઓફ ઇન્ડિયા નું જાહેર ખબર નું કામ કમ્પનીએ નવનીતલાલ ઍન્ડ કંપનીને સોપ્યું હતું. મારી જોબમાં હું જા.ખ. નું પણ કામ સંભાળતો હોઈ નવનીતલાલ એન્ડ કમ્પનીના માલિક રમણભાઈ ગાંધી અને એમના પુત્ર વિનોદ ગાંધીને મારે અવાર નવાર મળવાનું થતું . એ વખતે એમણે મને એમને ત્યાં જોબ કરતા મધુ રાયનો મને પરિચય આપ્યો હતો. જો કે એમને રૂબરૂ મળવાનું થયું ન હતું .

ત્યારબાદ એમનાં નાટકો શૉના ‘પિગ્મેલિયન’પરથી એમણે લખેલું ‘સંતુ રંગીલી’અને “કુમારની અગાસી ” જોયાં અને એમની નવલકથાઓ પણ વાંચી એમનો લેખક તરીકેના પ્રદાનનો પરિચય થયો. અમેરિકાની શિકાગોની પશ્ચાત ભૂમિમાં જ્યોતિષ વિદ્યાની મદદ અને હળવી હાસ્ય રસ છલકાવતી ‘કિમ્બલ રેવન્સવુડ’(૧૯૮૧) કાલ્પનિક નવલકથા પણ વાંચવાનો આનંદ માણ્યો હતો. આ કથા પર ઉતરેલી ટી.વી. સીરીયલ “મિસ્ટર યોગી” અને હિન્દી ફિલ્મ પણ જોઈ હતી.

દ્વારિકામાં જન્મેલ નર્મદચન્દ્રવિજેતા બ્રાહ્મણ પુત્ર શ્રી મધુ રાયનો પરિચય વિકિપીડીયાની આ લીંક પર ક્લિક કરીને વાચો.

શ્રી મધુ રાય વિશે વધુ માહિતીં શ્રી સુરેશ જાનીના સૌજન્યથી ગુજરાતી પ્રતિભા પરિચયની આ લીંક પર ક્લિક કરીને વાચો.