વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 3, 2015

( 818 ) વિસામાને ગણી મંઝિલ – ગઝલાવલોકન….૭

સાભાર – શ્રી. વિનોદ પટેલ

વિનોદભાઈએ આજે મોકલેલી માનીતા શાયર રૂસ્વા મઝલૂમીની ગઝલ…

પરાયાના ચરણ ચાંપી, અનુસરવું નથી ગમતું,
તણખલાનો સહારો લઇ મને તરવું નથી ગમતું.

જીવન ઝિંદાદિલીથી હું જીવ્યો છું, એટલું બસ છે,
ફકીરી હાલમાં છું મસ્ત કરગરવું નથી ગમતું.

અચળ ધ્રુવસમ, આકાશ જેવી મારી દુનિયામાં
નજીવા કો’ સિતારા, સમ મને ખરવું નથી ગમતું.

હુંફાળી હુંફ આપું છું થથરતી આશને હરદમ,
સૂરજ સમ ઉગી ઉગીને પછી ઢળવું નથી ગમતું.

ખુદા ખાતર મને ખેંચી ન જા મસ્જીદ મહીં ઝાહિદ,
મને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું.

સતત ચાલી રહેલા કાફલાનો, મીર છું ‘રૂસ્વા’,
વિસામાને ગણી મંઝિલ, મને ઠરવું નથી ગમતું.

– રુસ્વા મઝલૂમી

સ્વ. રૂસ્વાજીનો પરિચય…

અને હવે ગઝલાવલોકન….

મંઝિલનું મહાત્મ્ય… ધ્યેયની લગની…..ધ્રુવ કેવી અટલતા…..જીવનનું સાફલ્ય…આ મત્લાને વાચા આપતી ગઝલ… વાંચતાં જ  ગમી જાય તેવી ગઝલ.

પણ….

જીવનની સફળતા તેમ જ  સમસ્યાઓનું મૂળ પણ એ જ

  • ધ્યેય

  • મહત્વાકાંક્ષા

  • ક્ષિતીજ આંબવાના ઉમળકા

       માનવ જીવન અને માનવ સમાજના ઘણા બધા માઈલ-સ્ટોન  આવા ‘ભાગ્યના સૂષ્ટાઓ’ અને તેમના ‘આગળ ધસો’ ના ધખારાના પ્રતાપે છે – નિર્વિવાદ.  પણ મોટે ભાગે, એ ધખારામાં જીવન જીવવાનો આનંદ વિસરાઈ જતો હોય છે. મંઝિલને ઢૂંઢવા કપરી દિશા પકડવી પડે; વિસામાને વેગળો મેલવો પડે. પણ જીવનના અંતે અથવા અંત નજીક આવે ત્યારે એ સત્ય સમજાય કે…

       સઘળું, સતત, સદા, સર્વત્ર પરિવર્તનશીલ જ હોય છે. કોઈ અવસ્થા અહીં કાયમી નથી હોતી. અલગ અવસ્થા પ્રાપ્ત કરવા પ્રયત્ન જરૂર કરીએ, પણ ‘જેવા છીએ, તેવા રહીને’ -કશુંક બનવા કાજે નહીં પણ હોવાપણાની મજા માણતાં માણતાં જ સફરનો આનંદ અનુભવતા રહીએ.

મોક્ષ જરૂર
પણ
આ ક્ષણમાં મળી શકે તેવા
મોક્ષની મોજ