દુનિયામાં બધી જ શ્રેષ્ઠ જગાઓએ ફર્યા હોઈએ એમ છતાં જે જગાએ આવીને હૃદયમાં અને મનમાં “હાશ”ની લાગણી થાય એ સ્થળનું નામ ઘર -પોતાનું ઘર. ઘર એક સ્થૂળ વસ્તુ છે પણ એમાં સુક્ષ્મ રીતે રહેતા પ્રાણની અનુભૂતિ થાય છે.
અનેક કષ્ટો વેઠ્યા પછી બનાવેલા પોતાના ઘરમાં રહેવાનો આનંદ અદ્ભુત હોય છે.ઘરની સાથે જોડાએલું માનવીઓનું મમત્વ અનેરુ હોય છે એ તો જેણે એનો અનુભવ કર્યો હોય એ જ કહી શકે .પક્ષીઓ પણ બધે ઉડીને છેવટે સાંજ પડે પોતાના માળામાં આવીને શાંતિ પામે છે કારણ કે એ માળો તિનકા તિનકા એકઠા કરીને એણે પોતે જાતે બનાવ્યો છે.
આ અગાઉની વિ.વિ.ની પોસ્ટમાં જેમનો પરિચય આપ્યો છે એ બેઠકનાં સંયોજક અને આ બેઠકના મુખ પત્ર સમા બ્લોગ “શબ્દોનું સર્જન” નાં બ્લોગર શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભા વાળાનો મને ગમેલો એક “ઘર એટલે ઘર ” આજની પોસ્ટમાં વિનોદ વિહારના વાચકોના આસ્વાદ માટે લેખિકાના આભાર સાથે સહર્ષ પોસ્ટ કરેલ છે.
મન મુકીને કરેલું કોઈ પણ સર્જન એ એક કલાકૃતિ સમું બની જાય છે. એવું જ શબ્દોના સર્જનનું પણ છે.આ લેખમાં પ્રજ્ઞાજીના શબ્દોનું સર્જન મને જેવું ગમ્યું એવું તમને પણ જરૂર ગમશે એવી આશા છે.
મિત્રો,ઘર વિષે તમે શું વિચારો છો,એ તમારા પ્રતિભાવમાં જરૂર લખશો.
વિનોદ પટેલ
ઘર એટલે ઘર ……. લેખિકા…. પ્રજ્ઞા દાદભાવાળા

કૃતિ -વિનોદ પટેલ
મિત્રો મેં જે અનુભવ્યું તે જ આલેખ્યું છે કોઈ મને રોજ કહેતું હતું કે…….
ઘટાદાર વૃક્ષ પર પંખીઓને માળામાં પાછા જતા જોઉં છું અને ઘર યાદ આવે છે.
હા ઘર એટલે ઘર
જે દરેકનું એક સપનું હોય.જ્યાં સંતોષના ઓડકાર હોય પાણી પીધા પછીની હાશ હોય આનંદ, આશાઓ, અપેક્ષાઓ, વેદનાઓ અને આંસુ બધું જ હોય, પણ સુખના ઓડકાર લેતાં હોય,જ્યાં સલામતીની ભાવના હોય, જ્યાં જગતનો વૈભવ પામ્યાની અનુભૂતિ હોય,જ્યાં બધાનો સમાવેશ હોય , જેમાં એક પોતાપણું ની ઝલક હોય,જ્યાં સૌ કોઈ કિલ્લોલમાં રાચતાં હોય,જ્યાં વહેંચીને ખાતાં હોય, અચાનક આવી ચડેલા મહેમાન માટે બે ખુલે હાથે આવકાર હોય, આપણાં પણા નો અહેસાસ હોય છે.જ્યાં ચાર દીવાલ બંધ બારી હોવા છતાં મોકળાશ હોય જ્યાં કોઈ આપણી પાછા આવવવાની રાહ કોઈ જોતું હોય ,જ્યાં આપણા ઘરેથી નીકળતા પગલા આપો આપ સાંજે જે તરફ વળતા હોય.એ બીજું કઈ નથી પણ ઘર છે હા બસ આ જ ઘર એટલે ઘર છે
માણસ વિનાનું ઘર સુનું લાગે છે કારણ ઘરનો આધાર કેવળ ફર્નિચર નથી એમાં રહેતા માણસો નો જીવન ધબકાર ઘરને સજીવન રાખે છે. ઘર આપણ ને એકાંત અને પ્રેમ આપે છે અને આપણે એક બીજાના અંગત છીએ તે અહેસાસ કરાવે છે અહી પ્રેમ ચારે કોર હવા થઇ ફરે છે.અને પંખા વિનાના ઘરમાં પણ ઘર ની આત્મીયતા છે કારણ આપણી અગવડતા નું રૂપાંતર અહી એની મેળે સગવડમાં થાય છે અચાનક આવી ચડેલા મહેમાન માટે ઘર મોટું થઇ જાય છે,છત અને અછત જેવા શબ્દોનું મુલ્ય ઘરમાં નથી ટાઢ-તડકો, સુખદુઃખ, વરસાદ-પાણી, એ બધું જ આવકાર્ય છે. સ્વીકાર્ય છે અહી સુખ કે દુખ અલગ ઓરડામાં નથી રહેતું, ઘર નાનું હોય કે વિશાળ, ઘરમાં ભવ્યતા હોય કે સાદગી પરંતુ સહુને ગમે છે.
મનની શાંતિ કે જ્યાં દિવસભરનો થાક ઊતરી જાય અને ખૂણેખૂણો પોતાનો લાગે..ઉત્સાહ વહેચાય છે બધાની આદતો એજ ઉત્સાહ છે અને આનંદ બધાને સાથે જોડી રાખે છે અને ત્યારે જ સુખ આવે છે સ્વપ્નાઓ સાથે જોવાય છે”સૌ સાથે છીએ” એવી નેઈમ પ્લેટ સદાય ઘરમાં લટકે છે અને ઘર તેનું સાક્ષી બને છે .
હા ઘરમાં એવું કૈક છે જે હોટેલમાં નથી..ક્યારેક ભીતોમાં તિરાડ પડે છે પણ મન સદાય સંધેલા જ હોય છે હોટલ જેવા રંગીન પડદા નથી હોતા પણ હ્યુદયમાં ક્યારેય પોપડા ખરતા નથી કારણ ટપકતી છત માનવીના હ્યુદયને સદાય ભીજ્વતી રાખે છે બધા એકબીજા માટે ભીતરમાં જખ્મો સહીને પણ,પ્રેમને જીવતો રાખે છે….બસ આજ ઘર છે જ્યાં પાણિયારાં પર દીવો પ્રગટાવાય છે અને દિવાળીને દિવસે ઉંબરો પૂજાય છે બારણે તોરણ નિરંતર આવકાર આપે છે તુલસીક્યારો ઘરને ઓછાયા થી દુર રાખે છે જ્યાં ઉંબરો શુભ લાભ અને સ્વસ્તિકના પ્રતિક થકી જગમગે છે અને જ્યાં ઘડતરના કલાસ માનવી પોતે પોતાની મળે જ મેળવે છે બીજ ઘડાય છે વિકાસ થાય છે અને વહુ પણ કુમકુમ પગલે માત્ર ઘરમાં જ પ્રવશે છે બાળક પહેલીવાર રડે છે અને અંતિમ શ્વાસ પણ માણસને ઘરમાંજ લેવો ગમે છે , અહી જ પહેલો અને છલ્લો ઉદગાર પણ માનવીના પોતાના ઘરમાં જ ઉચ્ચારાય એવું ઈચ્છે છ અહી કોઈની કરચલીવાળી હથેળીઓ કોઈની આંગળી પકડે છે તો ક્યારેક કોઈનો હાથ લાકડી બની સહારો આપે છે બધું માત્ર સમજી ને થાય છે ત્યાં કેટલાય સારા નરસા પ્રસંગોની યાદગીરી સામેલ હોય છે….હા અહી ભર્યો ભર્યો ઈતિહાસ ડોકિયાં કરે…ઘરમાં પેઢીઓ ઊછરે છે….જેમ માણસ કોઈની પણ રજા વગર ઘરમાં દાખલ થાય છે તેમ ઘર ની દુર જાય તો ઓશિયાળો થઈ જાય છે …
દિલની હાશ, નિરાંત, આવકાર, સલામતી, પોતીકાપણું આપી આપણી તરસને તૃપ્ત કરતું ઘર બસ એ ઘર છે.
ઘરની વ્યાખ્યા નથી અને વ્યાખ્યામાં બધાઈ ગયા પછી બધું જ કહેવાનું બાકી રહી જાય છે.રાહતનો શ્વાસ વ્યાખ્યામાં જાણે રુંધાઈ જાય છે મારા પણા નો અધિકાર જાણે છીનવાય જાય છે સાથે માણેલી ક્ષણોનો ઉમળકો જાણે ઓસરી જાય છે…અવગણના, ઉપેક્ષા, તિરસ્કાર, ધિક્કાર, દંભ, અવિશ્વાસ, ઈર્ષા, કટુવચન – આ બધાંનો પગપેસારો થાય છે અને ગણતરી સહનશક્તિ ને ધ્રુજાવી નાખે છે…..હા પણ વ્યાખ્યા વિનાના ઘરમાં ધીરજની કસોટીમાંથી પર ઉતારવાની તાકાત હોય છે અને આનંદ પણ સહિયારો છે. વહાલ, ઉદારતા, સહાનુભૂતિ, ત્યાગ અને સેવાભાવ..અહીં તો વરસે છે.
ભગવાને સૃષ્ટી ભલે બનવી હોય પણ ઘર તો માનવી જ બનાવે છે…જ્યાં સુખનું પ્રથમ પગથીયું વિશ્વાસ છે…બાળપણ સગપણ સમજણ અને ઘડપણ બધું જ માનવીના ઘરમાં થાય છે જ્યાં હુંફ ઘરની દીવાલ બની બધાને ઢાંકી રાખે છે મારું તારું અને આપણું નો ત્રિકોણ માત્ર ઘર છે સંપ પણ સહિયારો અને અજંપ પણ સહિયારો છે વર્તતા થાક નો અજંપો પણ ઘર છે.મન મૂકીને ઘર પાસે આવી શકીએ છીએ અને એમની આત્મીયતા પૂરા દિલથી માણી પણ શકીએ છીએ.ઘર માનવીની શાખ પણ છે અને એટલેજ ઘર સરનામું બની ને જીવે છે….જયારે માનવી થાકે છે ,તૂટીને વેરાઈ જાય છે ત્યારે ઘરનાં કોડિયાના ઉજાસમાં પણ પ્રકાશ મેળવે છે.
સુંદર ઘર એટલે ભગવાનનો વાસ છે સંસ્કાર અને સંસ્કૃતિ નો પડછાયો ઘર છે. ઘર માનવીને ઘડે છે.અંધકારની ઉષ્માનો અર્થ જ અહી સમજાય છે તો ક્યારેક મોંનના એકાંત ના આશીર્વાદ પણ માનવી ઘરમાંથી જ મેળવે છે. સમર્પણના સમભાવ ઘર છે તો પારિવારીક પ્રેમની પરંપરાને પ્રજ્વલ્લિત માત્ર ઘર જ રાખે છે કારણ ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર હોય છે અને માટે ભૂલેલો માણસ ફરી ઘરમાં દાખલ થાય છે ત્યારે બે હાથે આવકારાય છે.આ બધું માત્ર ઘરમાં થાય છે નાના ઘરમાં બધાનો સમાવેશ થાય..ઘર .ક્યારેય સાંકડું નથી સાંજ પડે ઘર જાણે મોટું થઇ જાય છે ભવ્યતા હોય કે ખંડેરપણું, એની જે હાલત હોય તે, એને કોઈ જ ફરક પડતો નથી. ઘર તો ગરીબનું હોય કે તવંગર, પણ ઘર તો ઘર છે માણસ ઘરમાં વિકસે છે માટે ઘર ક્યારેય ખંડેર થતું જ નથી..આપણું ઘર આપણી ઓળખ છે. વડીલના વડલાની છાયા પણ છે તો માં ના ગર્ભનો અહેસાસ પણ ઘર છે અને માટે જ અકારણ માનવીને ઘરે જવાનું મન થાય….
આપણી શક્તિઓ ઘરમાં પાંગરે છે આત્મવિશ્વાસ,વિચારવાની ક્ષમતા, ઈચ્છાઓ,થતી લાગણીઓ,આપણી કલ્પના,વાતચીત,ચાલવાની, દોડવાની, હસવાની ક્ષમતા.આ શક્તિઓ થકી, આપણે ધાર્યે તે સર્જી શકીએ છીએ.. .આપણા .વિકાસનું સાધન ઘર છે. અને માટે જ ઘર માનવીનું ચાર્જર છે
હોસ્પિટલ ખૂબસૂરત કુદરતની વચ્ચે હોવા છતાં માણસ નિરાશ્રિતની છાવણીમાં હોય તેવું કેમ લાગે છે ?બીમાર દર્દી હોસ્પીટલમાં બધી જ સુવિધા વચ્ચે સાજો થવાની કોશિશ કરે છે.પણ પલંગ સામે દેખાતી બારીમાં રોજ ડોક્યા કરી પોતાનું ઘર કેમ શોધે છે.? હું ઘરની બહાર છું એવું કેમ અનુભવે છે ?. પત્ની સાથે હોવા છતાં ઘર યાદ આવે છે. અને ઉદાસ થઇ જાય છે .દરોજ સવારે પ્રશ્ન પૂછે છે હવે ઘરે ક્યારે જશું ? બસ આજ ઘર છે.
pragnaji -પ્રજ્ઞા દાદભાવાળા
વાચકોના પ્રતિભાવ