વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 17, 2015

( 827 ) ડાયવોર્સ !…..એક નવી ક્રિસમસ વાર્તા ….વિનોદ પટેલ

વર્ષ ૨૦૧૫ની ક્રિસમસ નજીક આવી રહી છે એમ ઉત્સાહ અને આનંદ સાથે ક્રિસમસ અને નવા વર્ષ ૨૦૧૬નું સ્વાગત કરવાની હાલ બધી જ તૈયારીઓ અમેરિકામાં પુર જોશમાં ચાલી રહી છે .
Christmas-Santa-animationઅમેરિકામાં મધર્સ ડે, ફાધર્સ ડે અને ક્રિસમસ એ ત્રણ પ્રસંગો એવા છે જ્યારે સંતાનો દુર રહેતા એમના માતા-પિતાને સમય કાઢીને પણ મળવા જવાની મનમાં ઈચ્છા રાખતા હોય છે. ખાસ કરીને ક્રિસમસ પર જ્યારે સંતાનો વૃદ્ધ મા-બાપને યાદ કરીને દુરથી મળવા આવે છે ત્યારે મા-બાપના હૃદય અને મનમાં પરમ સંતોષની લાગણી થાય છે.

આજની પોસ્ટમાં ક્રિસમસ પ્રસંગને અનુરૂપ મારી એક નવી જ ક્રિસમસ વાર્તા “ડાઈવોર્સ ” રજુ કરી છે .આ વાર્તામાં ક્રિસમસ પર એક વૃદ્ધ મા-બાપ એમનાં સંતાનોને મળવા કેટલાં આતુર હોય છે અને એ માટે કઈ પણ કરવા તૈયાર થઇ જાય છે  એનું નિરૂપણ કરવામાં આવ્યું છે જે તમને વાંચવું ગમે એવું છે.

ગત વરસે ક્રિસમસ પર વિનોદ વિહારની પોસ્ટ  નંબર 619 માં પ્રસંગોચિત બે ક્રિસમસ વાર્તાઓ (૧) કૃતિકાનો ભાઈ અને (૨ ) ક્રિસમસની અણમોલ ભેટ પ્રસ્તુત કરી હતી એ પણ આ વાર્તા સાથે વાંચશો એવી આશા છે.

વિનોદ પટેલ 

ડાયવોર્સ !  …એક નવી ક્રિસમસ વાર્તા ….

સિત્તેર વર્ષની ઉંમર વટાવી ગયેલ એક વૃદ્ધ દંપતી જ્હોન અને મેરી લોસ એન્જેલસમાં બન્ને એકલાં એમના આલીશાન ઘરમાં એમની નિવૃતિના દિવસો સુખેથી વિતાવી રહ્યાં હતાં.તેઓને બે સંતાનો હતાં,એક દીકરો અને એક દીકરી.મોટા દીકરાનું નામ માઈકલ અને દીકરીનું નામ લ્યુસી.જ્હોન અને મેરીએ એમના યુવાનીના દિવસોમાં ખુબ પરિશ્રમ કરી આ બન્ને સંતાનોને સારી સ્કુલ અને કોલેજોમાં સારૂ શિક્ષણ આપી એમના ઉજળા ભવિષ્ય માટે તૈયાર કર્યા હતાં .

(Left to right) Diane Keaton and John Goodman in LOVE THE COOPERS to be released by CBS Films and Lionsgate.

દીકરો માઈકલ જ્હોન અને મેરીથી દુરના શહેર ન્યુયોર્કમાં એક સારી કમ્પનીમાં સારા હોદ્દા પર જોબ કરતો હતો અને એના પરિવાર સાથે ત્યાં બરાબર સુખી હતો.દીકરી લ્યુસી પણ એના લગ્ન પછી દુર હવાઈ સ્ટેટમાં એના પતિની સાથે રહેતી હતી .લ્યુસીને અને એના પતિને પણ સારી જોબ મળી હતી અને એના પતી અને બે બાળકો સાથે હવાઈમાં સુખેથી રહેતી હતી.

ક્રિસમસ આવે એટલે માઈકલ અને લ્યુસી વૃદ્ધ માતા-પિતાને મળવા માટે લોસ એન્જેલસ સપરિવાર આવતાં ત્યારે બધાં ભેગાં મળી ખુબ આનંદથી ક્રિસમસ ઉજવતાં.જો કોઈ કારણે એમની સાથે એમનાં બાળકો આવી ના શકે ત્યારે એ બન્ને એકલાં તો અવશ્ય આવી જતાં અને એમના પેરન્ટસ સાથે બે ત્રણ દિવસ રહી એમની સાથે ક્રિસમસ ઉજવી પાછાં જઈને પોત પોતાના કાર્ય ક્ષેત્રમાં વ્યસ્ત થઇ જતાં .

દીકરો અને દીકરીને મળવા આવવામાં મદદરૂપ થાય એ આશયથી એમની આવવા જવાની વિમાનની ટીકીટનો ખર્ચ પણ એક ક્રિસમસની ભેટ તરીકે તેઓ ના પાડતાં હોવા છતાં જ્હોન ખુશીથી આપતો હતો અને એમનાં બાળકો માટે પણ એમને ગમે એવી ભેટ દર વરસે ખરીદીને આપતો હતો .

જ્હોન અને મેરી એમનાં સંતાનો સાથે ક્રિસમસ ઉજવીને તેઓ રહે એટલા  દિવસ ખુબ જ ખુશમાં રહેતાં.બે ત્રણ દિવસ એમની સાથે રહ્યા પછી તેઓ પોત પોતાના કાર્ય ક્ષેત્રમાં પાછાં ચાલ્યાં જતાં ત્યારે આ વૃદ્ધ મા-બાપ મનથી નિરાશાનો અહેસાસ કરતાં હતાં.

જ્હોન મેરીને કહેતો :”આપણું સુખી કુટુંબ એક સાથે હોય એના જેવી કોઈ બીજી મજા નથી.એક બીજા પ્રત્યેનો આપણો પ્રેમ ક્રિસમસ પર કેવો તાજો થઇને ખીલી ઉઠે છે !સંતાનોને એમનું ભવિષ્ય બનાવવા આપણાથી દુર રહેવું પડે એ સમજી શકાય એમ છે પણ ક્રિસમસ પર મળવા આવે છે એટલે કેટલું સારું લાગે છે નહી !”

મેરી કહે :”હા જ્હોન,ખરું કહું ,મને તો એક ક્રિસમસ જાય એ પછી એક આખું વર્ષ બીજી ક્રિસમસની રાહ જોવામાં જાય છે .

જ્હોન કહે: ”મેરી ડીયર, મારું પણ તારા જેવું જ છે.સંતાનોને નજરે જોવા આપણી આંખો કેવી તલસતી રહેતી હોય છે ! ”

આમ દર ક્રિસમસ પર માઈકલ અને લ્યુસી સપરિવાર કે એકલાં લોસ એન્જેલસ આવતાં ત્યારે જ્હોન અને મેરીની જિંદગીમાં બહાર આવી જતી ,બન્ને ખીલી ઉઠતાં હતાં.પરંતુ કોણ જાણે કેમ છેલ્લી બે ક્રિસમસ પર એમનાં આ બે સંતાનો એક યા બીજું કારણ આપીને હંમેશની જેમ આવી શક્યાં ન હતાં.વૃદ્ધ માતા પિતાને આથી મનમાં ઘણો અફસોસ થયો હતો અને બન્ને નિરાશ થયાં હતાં.

આ વર્ષની ક્રિસમસ નજીક આવી રહી હતી . ક્રિસમસના હવે બે જ દિવસો બાકી રહ્યા હતા. એક સવારે જ્હોન અને મેરી એમના ઘરમાં સોફા પર બેસી વાત કરી રહ્યાં હતાં.

જ્હોને મેરીને કહ્યું :” બે ક્રિસમસથી માઈકલ અને લ્યુસી આવ્યાં નથી એટલે આ વખતે તો જરૂર આવવાં જ જોઈએ ,ક્રિસમસને હવે ફક્ત બે દિવસની જ વાર છે પણ એમના આવવાના કેમ કોઈ સમાચાર મળ્યા નથી , આ વખતે પણ નહી આવે કે શું ? “

આ વાતચીત પછી જ્હોનને શું સુઝ્યું કે એણે બાજુના ટેબલ ઉપરથી ફોન ઉપાડી ડેવિડને ફોન જોડ્યો અને વાત શરુ કરી :

“દીકરા માઈકલ , આજે આ ફોનમાં હું જે કહીશ એ સાંભળી તારો આખો દિવસ બગડશે એ મને જરાએ ગમતું નથી પણ તને કહ્યા વગર ચાલે એવું પણ નથી. છેલ્લા ઘણા સમયથી તારી મા મેરીએ મારું જીવવું હરામ કરી દીધું છે. મેં એની સાથે લગ્ન કરીને ૪૫ વર્ષ  તો ગમે એમ કાઢ્યાં પણ હવે એક દિવસ પણ એની સાથે રહી શકું એમ નથી. હું એની સાથે ડાયવોર્સ લઇ રહ્યો છું.આ મારો પાક્કો નિર્ણય છે .”

માઈકલ આ સાંભળીને પ્રથમ તો આશ્ચર્ય અને પછી ગુસ્સાથી ઉકળી ગયો અને મોટેથી બોલી ઉઠ્યો :” ડેડ તમે આ શું કહી રહ્યા છો એનું તમને કઈ ભાન બાન છે કે નહી ? આવો વિચાર તમારા મનમાં આવ્યો જ ક્યાંથી ?”  

માઈકલને સમજાવતા હોય એમ જ્હોને ફોનમાં આગળ ચલાવ્યું :

” હું સાચું કહું છું દીકરા , હવે એક મિનીટ માટે પણ તારી મા મારી નજરે હોય એ મને ગમતું નથી .અમે એક બીજાને બહુ ધિક્કારીએ છીએ. આવી વાત તને કરવી પડે એ મને જરાએ ગમતું નથી પણ હવે કહ્યા વગર ચાલે એમ પણ નથી.હવાઈમાં તારી બેન લ્યુસીને તું ફોન કરી ડાયવોર્સ માટે કરેલા મારા નિર્ણયની તું એને ખબર આપી દે,મારી વ્હાલી દીકરી લ્યુસીને ખબર આપવાની મારામાં તો જરાએ હિંમત નથી ,એની સાથે તો હું કશું બોલી નહી શકું . “

પિતા સાથે વાત પત્યા પછી માઈકલે એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વિના એની બહેન લ્યુસીને હવાઈ ફોન જોડ્યો અને પિતા સાથે થયેલ વાતચીતની એને જાણ કરી.માઈકલની વાત સાંભળીને લ્યુસી તો ફોન ઉપર જ જ્વાળામુખીની માફક ઉકળી ઉઠી અને એને કહેવા લાગી :’

“ઘરડે ઘડપણ આ ડોહલા શું કરવા બેઠા છે.એમના મનમાં એ શું સમજે છે ! હું પણ જોઉં છું આટલા વરસે એ કેવા ડાયવોર્સ લે છે .”

માઈકલ સાથેની વાત જલ્દી પતાવી લ્યુસીએ  તરત જ એના વૃદ્ધ પિતાને ફોન જોડ્યો અને ફોનમાં બરાડી ઉઠતાં કહ્યું :

” ડેડ,ભાઈ માઈકલે મને જે વાત કરી એ સાચી છે ?હું તમને કહું છું કે તમારે ડાયવોર્સ બાયવોર્સ લેવાના નથી .આવી વાત કરતાં તમારે શરમાવું જોઈએ .જુઓ, હું ત્યાં આવું ત્યાં સુધી તમારે આવું કોઈ ઉતાવળું પગલું ભરવાનું નથી. હું મોટાભાઈ માઈકલને ફરી વળતો ફોન કરું છું . આવતીકાલ સુધીમાં અમે બન્ને લોસ એન્જેલસ પહોંચી જઈશું.અમે ત્યાં આવીએ નહિ ત્યાં સુધી તમારે આ બાબતમાં આગળ એક પગલું પણ ભરવાનું નથી , શું સમજ્યા ! હું જે કહું છું એની કઈ ખબર પડે છે તમને !”આમ પિતા સાથેની વાત પૂરી કર્યા વિના ગુસ્સા સાથે પિતાની આ વ્હાલી દીકરી લ્યુસીએ ફોન એની જગાએ મૂકી દીધો.

દીકરી લ્યુસી સાથેની વાત પતી એટલે વૃદ્ધ જ્હોનએ પણ ફોન નીચે મુક્યો અને હસતાં હસતાં એની પત્ની મેરી તરફ ફરીને કહું :

 “ડીયર , ચાલો સરસ થયું , મારી યુક્તિ સફળ થઇ છે ,બધું બરાબર પાક્કું ગોઠવાઈ ગયું છે . માઈકલ અને લ્યુસી બન્ને જણ ક્રિસમસ ઉપર કાલે અહી એમના ખર્ચે આવી રહ્યાં છે .આ ક્રિસમસ પર એમની આવવા જવાની વિમાનની ટીકીટનો આપણો ખર્ચો પણ એથી બચ્યો. માતા પિતાને ક્રિસમસ પર મળવા નહી આવવા માટે એમને દંડ તો થવો જ જોઈએ ને, કેમ ખરુંને મેરી !”

આ વૃદ્ધ દંપતી મેરી અને જ્હોન આ અજબ ગજબની યુક્તિ પર ખડખડાટ હસી પડ્યાં ! આ હાસ્ય વધુ નીખર્યું હતું કેમ કે એમાં એમનાં બે વ્હાલાં સંતાનો ક્રિસમસ પર આવી રહ્યાં હતાં એનો આનંદ ઉમેરાયો હતો !