ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
( 828 ) પી.કે.દાવડાના બે લેખ….. (૧) રાષ્ટ્ર, રાજ્ય અને રાજ્યસંઘ..(૨) હીપ્પી ચળવળની આડ અસરો
શ્રી પી.કે.દાવડા એ ખાસ વિનોદ વિહાર માટે એમના બે અભ્યાસ પૂર્ણ લેખો (૧) રાષ્ટ્ર, રાજ્ય અને રાજ્યસંઘ..(૨) હીપ્પી ચળવળની આડઅસરો મોકલ્યા છે .
આ લેખોને એમના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.આ લેખોમાં જે વિગતો આપવામાં આવી છે એની પાછળ એમના ઊંડા વાચન અને સંશોધન વૃતિનાં દર્શન થાય છે.વાચકોને આ બે લેખો રસસ્પદ લાગશે એવી આશા છે.
વિનોદ પટેલ
રાષ્ટ્ર, રાજ્ય અને રાજ્યસંઘ….. પી.કે.દાવડા
રાષ્ટ્ર, રાજ્ય અને રાજ્યસંઘ, આમ તો ત્રણેની વ્યાખ્યા અલગ અલગ છે, પણ આપણે સામાન્ય વાતચીતમાં એકબીજાના પર્યાય તરીકે વાપરતા હોઇયે છીએ. પહેલા આપણે મોટાભાગની ડીક્ષનરીઓએ કરેલી વ્યાખ્યાઓ અને સર્વ સામાન્ય રીતે માન્યતા પામેલી વ્યાખ્યાઓ જોઈએ.
રાષ્ટ્ર એટલે એક વહીવટી તંત્ર હેઠળનો એવો પ્રદેશ જ્યાં મહદ અંશે એક જ પ્રજાતિના લોકો વસતા હોય, રંગ-રૂપ અને કદ-કાઠી સામાન્ય રીતે મળતા-જુલતા હોય, એક જ ઘર્મમાં માનતા હોય, જેમનો એક જ ઇતિહાસ હોય, એક જ ભાષા હોય અને એક જ સંસ્કૃતિ હોય.
રાજ્ય એટલે એક એવો પ્રદેશ કે જ્યાં એક જ વહીવટી તંત્ર હેઠળ અલગ અલગ પ્રજાતિઓના લોકો, અલગ અલગ ધર્મમાં માનતા અને અલગ અલગ ભાષા બોલતા લોકો રહેતા હોય. હા કદાચ એમનો ઇતિહાસ એક હોઈ શકે.
રાજ્યસંઘમાં એકથી વધારે રાજ્યો એક જ વહીવટી તંત્ર હેઠળ હળી મળીને કારોબાર ચલાવતા હોય છે. ઉદાહરણ તરીકે અમેરિકા, એમાં ૫૦ રાજ્યો એકઠા થઈ એક જ વહીવટી તંત્રથી કામ ચલાવે છે.
અંગ્રેજોએ હિન્દુસ્તાનના અલગ અલગ રાજ્યો ઉપર કબજો જમાવ્યો, એ અગાઉ હિન્દુસ્તાન સેંકડો રાજ્યો ઘરાવતો એક ભૂખંડ હતો. અંગ્રેજો મોટાભાગના રાજ્યોને, કાંતો જીતી લઈ અને કાંતો સંધિ કરી એક વહીવટી તંત્ર હેઠળ લાવવામાં સફળ થયા, પણ એને રાજ્યસંઘ ન કહી શકાય. જ્યારે બીજા વિશ્વયુધ્ધ પછી, અંગ્રેજો માટે હિન્દુસ્તાનમાંથી ચાલ્યા જવા સિવાય છૂટકો ન રહ્યો, ત્યારે તેમણે, જાણે કે પોતાની આ હારનો બદલો લેવા, હિન્દુ અને મુસલમાનોને ભરમાવ્યા કે તમે બન્ને અલગ અલગ પ્રજાતિ, ઘર્મ અને સંસ્કૃતિના લોકો છો, અને તેથી અલગ અલગ રાષ્ટ્ર બનાવીને સુખ શાંતિથી રહી શકશો. અંગ્રેજો સામે લડીને થાકી ગયેલા કોંગ્રેસના નેતાઓ અને જીણા જેવા મહત્વાકાંક્ષી લોકોએ અંગ્રેજોની આ વાત માની લીધી, અને પ્રદેશના માત્ર ધર્મના આધાર ઉપર ટુકડા કરી નાખ્યા.
આજે ૬૮ વર્ષ પછી પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે સુલેહ શાંતિ નથી. શા માટે? કારણ કે માત્ર ધર્મ એ રાષ્ટ્ર બનાવવા પુરતું નથી. જો એમ હોત તો આટલા બધા અલગ અલગ ઈસ્લામી દેશ ન હોત. વેસ્ટ પાકિસ્તાન અને ઈસ્ટ પાકિસ્તાનનો એક જ ધર્મ હોવા છતાં બંગલાદેશનો જન્મ ન થાત.
ભારત, પાકિસ્તાન, બંગલાદેશ અને શ્રીલંકાના લોકો એક જ પ્રજાતિ છે. ભાષા અલગ અલગ છે પણ સંસ્કૃતિમાં ઘણી ચીજો મલતી-જુલતી છે. પહેરવેશ, ખાનપાન વગેરેમાં માત્ર પ્રદેશની આબોહવા પ્રમાણે જ ફરક છે. કદ-કાઠી અને ચામડીનો રંગ એક સરખો છે. મહદ અંશે એ એક રાષ્ટ્રની વ્યાખ્યામાં બેસે છે. છતાં આપણે એમને રાષ્ટ્ર નહિં તો રાજ્યો તો કહી જ શકીયે. આમ તો ભારતના પણ ત્રીસેક જેટલા રાજ્યો છે, જ્યાં ખોરાક, વસ્ત્રો અને ભાષામાં થોડો થોડો ફરક છે, પણ સંસ્કૃતિ એક સરખી છે. નોર્થ-ઇસ્ટના લોકો, બર્માના લોકો એ ચીની પ્રજાતિની વધારે નજીક છે.
જ્યારે ખૈબરઘાટને રસ્તે મુસલમાનોએ હિન્દુસ્તાન ઉપર હુમલા કર્યા ત્યારે તે લોકો સંખ્યા બળના અધાર ઉપર નહિં પણ ચડિયાતાં શસ્ત્રો અને ચડિયાતી સૈનિક ક્ષમતાને આઘારે જીત્યા હતા. થોડા મુસલમાનોએ સંખ્યામાં બહુ વધારે હિન્દુઓ ઉપર રાજ્ય કર્યું તેનું કારણ પણ હિન્દુઓની વર્ણ વ્યવસ્થામાં માત્ર ક્ષત્રીઓ જ લડતા હતા, બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષુદ્રો નહિં. મુસલમાન રાજકર્તાઓએ પોતાનું સંખ્યાબળ વધારવા ધર્માન્તરનો ફાયદો લીધો. સામ, દામ, દંડ વાપરી, હિન્દુઓને મુસલમાન બનાવ્યા. આમાં અમુક અંશે હિન્દુઓની વર્ણ વ્યવસ્થા પણ કારણભુત રહી. ક્ષુદ્રો ઉચ્ચ વર્ણના લોકોના અન્યાયથી કંટાળી મુસલમાન બન્યા, કારણ કે ત્યાં આવા ભેદભાવ ઓછા હતા. વળી એક્વાર મુસલમાન બને તો હિન્દુઓ તેમને પાછા હિન્દુ ધર્મમાં સ્વીકારવા તૈયાર ન હતા. આમ હિન્દુસ્તાનમાં જે મુસલમાનોની સંખ્યા વધી એ મૂળ હિન્દુમાંથી વટલાયલા લોકોની જ વધારે છે. મૂળ એ પ્રજાતિ હિન્દુઓની જ છે. ગુજરાતમાં ખોજા, વહોરા અને મેમણ બધી રીતે હિન્દુ સંસ્કૃતિની વધારે નજીક છે, કારણ કે એમના બાપદાદાઓ હિન્દુ હતા. આજે જે ઘર વાપસીનું અભિયાન ચલાવે છે, એ પહેલા કર્યું હોત તો મુસલમાનોની સંખ્યા આટલી વધત જ નહિં.
જો એ સમયે નેતાઓએ આ બધી વાતો ધ્યાનમાં લઈ, થોડી વધારે સમજદારી બતાવી હોત, તો આજે પાકિસ્તાન અને બંગલા દેશ ભારતના રાજ્યો હોત, અને મુસ્લિમ બહુમતિવાળા એ પ્રદેશોનો વહીવટ મુસ્લિમ નેતાઓ કરતા હોત. આજે જે બે રાષ્ટ્ર હોવાનો દાવો કરી એકબીજાને બરબાદ કરવામાં પોતાની ઘણી બધી તાકાતનો વ્યય કરે છે તે ન કરત.
-પી. કે. દાવડા
હીપ્પી ચળવળની આડઅસરો …..પી.કે.દાવડા
૧૯૬૦ ની આસપાસ, અમેરિકામાં કેલિફોર્નીયા રાજ્યના સાનફ્રાન્સીસ્કો શહેરમાં આ ચળવળ શરૂ થઈ. ૧૯૬૫ સુધીમાં એ અમેરિકા ભરમાં ફેલાઈ ગઈ, અને દુનિયાના અનેક દેશોમાં આ ચળવળમાં માનનારા પહોંચી ગયા. આ ચળવળને સંસ્કૃતિ વિરોધી ચળવળ ( Counter culture movement) તરીકે ઓળખવામાં આવે છે. આ ચળવળમાં સમાજના બધા, આર્થિક, સામાજીક, ભૌગોલિક અને સાંસ્કૃતિક વર્ગના યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો.
આ ચળવળના પાયામાં એક વિચારધારા હતી કે જીવન ખુશી માટે છે, બીજાઓને સારૂં લગાડવા માટે નથી. “જેમાં તમને આનંદ મળે, તે કરો, પછી ભલે જે થવાનું હોય તે થાય.” આ એમનો મંત્ર હતો. આ યુવાનો તે સમયની સમાજ રચના, રીતરિવાજ અને સંસ્કૃતિથી નારાજ હતા. સમાજમાં સુખ સગવડ અને પૈસા માટેની દોડથી તેઓ તંગ આવી ગયેલા. લોકો કુદરતથી દૂર થઈ કૃત્રિમ જીવન જીવતા હતા, એવી તેમની માન્યતા હતી. અમેરિકાના વિયેટનામ સાથેના યુધ્ધ અને અણુ શસ્ત્રોની દોડનો પણ એમને વિરોધ હતો.
કુદરત તરફ પાછા વળો (Back to Nature) એ એમનો નારો હતો. આ વાતના પ્રતિક તરીકે એ પોતાના વાળમાં ફૂલો લગાડતા , હાથમાં ફુલોના ગજરા અને ગળામાં ફૂલોના હાર પહેરતા અને એક્બીજાને ફૂલો આપતા. આને લીધે તેઓ Flower Children તરીકે પણ ઓળખાતા.
પોતાની અલગ ઓળખ બનાવી રાખવા તેઓ અસામાન્ય ડીઝાઈનના અને ભડક રંગોના કપડાં અપનાવ્યા. આ કપડાં પણ એ સસ્તી દુકાનો કે Second Hand Shops માંથી ખરીદતા. છોકરા છોકરી બન્ને લાંબા છૂટ્ટા વાળ રાખતા અને છોકરાઓ દાઢી રાખતા . આ લોકોએ ખોરાકમાં ફળ અને બીજા સાદા શાકાહારી ખોરાકને અપનાવ્યો. બિમારીમાં આયુર્વેદિક ઔષધોનો વપરાશ શરૂ કર્યો.
ગીત સંગીતને પણ બહુ મહત્વ આપ્યું. ભણવાનું છોડી, ઘર છોડી, ટોળાંમાં રહેવાનું શરૂ કર્યું. સત્તાવાળાઓના ગેરવાજબી હુકમોનો અનાદર કરવાનું શરૂ કર્યું, અને Personal Liberty નો વિચાર આગળ કર્યો. આ ચળવળમાં જે થોડા ખરાબ તત્વો ભળી ગયા, તેમાં અબાધિત Sex અને નશીલા પદાર્થોના સેવનનો સમાવેશ થાય છે. નશીલા પદાર્થમાં મુખ્યત્વે તેઓ LSD નો ઉપયોગ કરતા, જેનાથી તેઓ એમની આસપાસની દુનિયાને ભૂલી જવાનો પ્રયત્ન કરતા.
મોટા ભાગે હિપ્પીઓ ટોળાંમાં રહેતા, પ્રવાસ માટે ખાસ પ્રકારની ચિતરેલી બસનો ઉપયોગ કરતા, અને વણઝારાની જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા. પ્રેમ, સૌંદર્ય, SEX, સંગીત, સહિયારી માલીકી અને સહિયારૂં જીવન, એમના આકર્ષણના વિષયો હતા.
૧૯૬૭ ના મધ્યમાં સાનફ્રાન્સીસ્કોમાં એમની ચળવળ નરમ પડી એટલે એમણે પૂર્વ કાંઠા તરફ પ્રયાણ કર્યું, અને ન્યુયોર્કને ચળવળનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું. ૧૯૭૦ થી ચળવળના વળતા પાણી થયાં અને ૧૯૭૫ સુધીમાં હીપ્પી સંસ્કૃતિ લગભગ અદૃષ્ય થઈ ગઈ.
હિપ્પી ચળવળની આડ અસરોમાં કેટલીક સારી હતી. સંગીતની લોકપ્રિયતા વધી, ટેલિવીજન, ફીલ્મ ઉદ્યોગ, આર્ટ અને સાહિત્યમાં નવા આયામો ઉમેરાયા. સ્ત્રી પુરૂષના સંબંધોમાં મોટો બદલાવ આવ્યો, લગ્ન વગરની Sex માંથી શરમ અને તિરસ્કારની ભાવના ઘટી ગઈ, સંબંધોમાં જાતિ અને ધર્મનું મહત્વ ઘટી ગયું, કાળા-ગોરાના ભેદભાવ ઓછા થયા. વસ્ત્રોની પસંદગીનું મહત્વ ધટી ગયું, શાકાહારી અને કુદરતી ખોરાક પ્રત્યેનું આકર્ષણ વધ્યું અને બાળકોને ઉછેરવાની બાબતમાં ફેરફાર થયા.
મને છેલ્લા ચાર વર્ષમાં અમેરિકામાં યુવાનોમાં હિપ્પી કલ્ચર જોવા મળ્યું નથી, પણ અહીં ૧૯૬૦ થી રહેતા મિત્રો કહે છે, કે હાલમાં આપણે વસ્ત્રો, વ્યહવાર અને વર્તનમાં જે સહેજ સ્વભાવિકતા જોઈએ છીયે, એ હિપ્પી ચળવળનું પરિણામ છે.
-પી. કે. દાવડા
છેવટનો મુખવાસ ..
ડોશીમા અને ગુજરાતી ભાષા !
એક જ્ગ્યાએ એક મહાત્મા કથા કરી રહ્યા હતા, અને કથા કરતાં કરતાં એમણે કહ્યું, “ દસ હજાર વરસ પછી આ પૃથ્વીનો વિનાશ થશે.”
અચાનક એક ડોશીમા બોલી ઉઠ્યાં :“કેટલા, કેટલા વરસ કહ્યા મહારાજ?”. મહારાજે કહ્યું, “દસ હજાર વરસ પછી.”
ડોશીમા બોલ્યાં : “હાશ , હું તો સમજી કે એક હજાર વરસ પછી.”
આજે ગુજરાતી ભાષા વિશે ચાલી રહેલી ચર્ચા અને વિવાદનું પણ આવું જ છે. પણ એક વાત તો નક્કી છે કે આપણે જીવશું એના કરતાં ગુજરાતી ભાષા વધારે વરસ જીવશે.
પી.કે.દાવડા
શ્રી પી.કે.દાવડા – એક મળવા જેવા માણસ -પરિચય
ખુબ જહેમત ,સંપર્ક અને અભ્યાસ કર્યા પછી ૫૦+મળવા જેવા માણસોના પરિચય લેખ તૈયાર કરી નેટ જગતમાં સૌને વહેંચનાર શ્રી પી.કે.દાવડા ખુદ એક મળવા જેવા માણસ છે. આ હું મારા અનુભવથી કહું છું કેમકે હું એમને રૂબરૂ મળેલો છું.
તારીખ ૮-૧૯-૨૦૧૫ ના રોજ એમની સુપુત્રી જાસ્મીન સાથે સાન ડિયેગોમાં મારા નિવાસ સ્થાને તેઓ મળવા આવ્યા ત્યારે લીધેલી અમારી એક સંયુક્ત તસ્વીર આ રહી …

શ્રી પી.કે.દાવડા અને વિનોદ પટેલ – ૮-૧૯-૨૦૧૫ ના રોજ થયેલ સ્નેહ મિલનની તસ્વીર
એમની સાથે થયેલ આ સ્નેહ મિલનનો તસ્વીરો અને વિડીયો સાથેનો અહેવાલ વિનોદ વિહારની આ પોસ્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.
શ્રી પી.કે.દાવડા એ આપેલ એમનો પરિચય ગુજરાતી પ્રતિભા પરિચય ની આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.
Like this:
Like Loading...
Related
સરસ અભ્યાસપૂર્ણ લેખો. ગમ્યા.
LikeLike
શ્રી દાવડા સાહેબનો મનનીય વિચાર વિહારને…વિનોદ વિહારી થઈ માણ્યા.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike