૧૫મી જાન્યુઆરી, ૨૦૧૬ એ મારો ૮૦ મો જન્મ દિવસ છે. આ દિવસે મારી જીવન યાત્રાનાં ૭૯ વર્ષ પૂરાં કરીને હું ૮૦ ના દસકામાં પ્રવેશ કરી રહ્યો છું.આ દિવસે ભૂતકાળમાં અમદાવાદમાં માણેલ પતંગોત્સવના આનંદ અને જન્મોત્સવના આનંદની એ મધુર યાદો તાજી થઇ જાય છે. “માણ્યું એનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણુ “
સમય સમયનું કામ કર્યે જાય છે . દર વર્ષે ઉંમરના સરવાળામાં એક વર્ષ ઉમેરાતું જાય છે એની સાથે નિયતિએ જે આવરદા નક્કી કર્યો હશે એમાંથી એક વર્ષ ઓછું થતું જાય છે. જીવનનો દરેક સૂર્યોદય નિશ્ચિત આવરદામાંથી એક દિવસ ઓછો કરીને અસ્ત પામતો હોય છે.
જોશ મલીદાબાદીનો એક સરસ શેર છે:
”જીતની બઢતી,ઉતની ઘટતી, જિંદગી આપ હી આપ કટતી “
જિંદગીની મુસાફરી માટે આપણી આ શરીર અને આત્માની ગાડી જન્મ નામના સ્ટેશનેથી ઉપડે છે અને ઉંમરના જુદા જુદા સ્ટેશનોએ વિવિધ અનુભવો કરાવતી છેવટે મૃત્યુના અંતિમ સ્ટેશને જઈને અટકી જાય છે.
૧૯૩૭ ના જાન્યુઆરીમાં એ વખતે વિદેશ ગણાતા રંગુન,બ્રહ્મ દેશમાં થયેલ જન્મ પછી ઉપડેલો મારો જીવન રથ વતન ડાંગરવા,કડી, અમદાવાદ-કઠવાડા- અમદાવાદની ૫૮ વર્ષની લાંબી મુસાફરી કરીને હાલ ૮૦ વરસે છેલ્લા ૨૨ વર્ષથી અમેરિકામાં, સાન ડિયેગોમાં આવીને અટક્યો છે.શારીરીક રીતે હજી કાર્યરત રહેવાય છે એને હું પ્રભુની કૃપા માનું છું.
ગયા વરસે મારા ૭૯મા જન્મ દિવસે ગત જીવન-ફલક પર એક નજર કરી થોડું આત્મ મંથન અને ચિંતન કરેલું એને અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
એ પોસ્ટમાં રજુ કરેલ મારી જીવન કિતાબનાં પૃષ્ઠો મુજબ જીવનના તપતા લોખંડ ઉપર સંજોગોના હથોડા પડતા ગયા એમ જિંદગી આકાર લેતી ગઈ છે.
જે કોઈ પણ પરિસ્થિતિ આવી પડે એની સાથે સમજુતી કરી લેવાની ટેવ અને વિપત્તિ ને સંપત્તિ માની મજબુત મનોબળથી આગળ વધી દરેક પળને આનંદથી માણવાના ધ્યેય સાથે જીવવા માટે હું ઘડાયો અને ટેવાયો છું .અને એટલા માટે જ શારીરીક મર્યાદાઓ હોવા છતાં બ્લોગના મહાસાગરમાં સેલારા મારતો સૌને વિનોદ વિહાર કરાવી રહ્યો છું.
પ્રભુને હું પ્રાર્થના કરું છું કે હે પ્રભુ તારી કૃપાના પુસ્તકની પ્રસ્તાવનાનું એક પાનું બની શકું એ માટે મને એવી શક્તિ પ્રદાન કર કે જેથી જે કઈ શેષ જીવન બાકી છે એને વિવિધતાઓથી ભરી મારો જીવન માર્ગ સફળતાથી કાપતો રહું.
મારા ૮૦ મા જન્મ દિવસે સાહિત્ય ક્ષેત્રે એક નવું પ્રસ્થાન
બે નવાં ઈ-પુસ્તકો- “સફળ સફર “ અને “ જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ “ નું
પ્રકાશન અને વિમોચન
સપ્ટેમ્બર ૨૦૧૧ થી વિનોદ વિહાર બ્લોગના માધ્યમથી ખરા અર્થમાં મારી ગુજરાતી સાહિત્યમાં લેખન અને સંપાદનની યાત્રા શરુ થઇ છે. આજ સુધીમાં આ બ્લોગમાં મુકાએલી મારી સ્વ-રચિત વાર્તાઓ અને ચિંતન લેખોમાંથી ચયન કરીને ૨૧ વાર્તાઓ અને ૨૧ ચિંતન લેખોને આવરી લઈને ૮૦ મી જન્મ જયંતીએ બે ઈ-પુસ્તકોનું પ્રકાશન કરવાનો મને એક વિક પહેલાં જ વિચાર આવ્યો .
જો કે આ પહેલાં “સહિયારું સર્જન “ના રેકોર્ડ સંખ્યામાં પુસ્તક પ્રકાશનથી જાણીતા હ્યુસ્ટન નિવાસી શ્રી વિજય શાહએ “સંવર્ધન માતૃભાષા”નામના ૧૨૦૦૦ કરતાં વધુ પાનાના બહાર પડેલ મહા ગ્રંથમાં સમાવેશ કરવામાં આવેલી મારા બ્લોગમાં પ્રગટ આવી જ સાહિત્ય સામગ્રીનું સંકલન કરી બે પુસ્તકો એમની રીતે તૈયાર કરીને એમેઝોન પર વેચાણ માટે મુક્યાં છે .પરંતુ મને લાગ્યું કે સુજ્ઞ વાચકો મારા એ સાહિત્યનો વિના મુલ્ય લાભ લઇ શકે એટલા માટે મારા બ્લોગમાં એ પુસ્તકોની મારી સાહિત્ય સામગ્રીને મારી રીતે મઠારીને અને જોડણીની રહી ગયેલી ભૂલો સુધારીને મારા બ્લોગમાં ઈ-બુકથી પ્રસિદ્ધ કરવાં જોઈએ.
આજે મારા ૮૦મા જન્મ દિવસની પોસ્ટમાં મને ઈ-બુક તૈયાર કરવાનો પ્રથમ જ અનુભવ હોવા છતાં એ લક્ષ્ય થોડા દિવસોમાં સંભવિત બની શક્યું એનો મને ખુબ આનંદ અને સંતોષ છે.આથી વાચકો એ જ સાહિત્યને વિના મુલ્યે વાંચી શકશે એનો મને આનંદ છે.
મારા બ્લોગની શરૂઆતથી જ મિત્ર, ફિલસૂફ અને માર્ગદર્શક બની સહ સંપાદક શ્રી સુરેશભાઈએ ખુલ્લા દિલે હમેશાં બ્લોગીંગ માટે જરૂરી માર્ગ દર્શન અને ટેકનીકલ સહાય મને પૂરી પાડી છે એના માટે હું એમનો આભારી છું.
આજના મંગલ દિને આવા સહૃદયી મિત્ર શ્રી સુરેશભાઈ જાનીના વરદ હસ્તે આ બે ઈ-પુસ્તકોનું વિમોચન થયેલું જાહેર કરતાં હું આનંદ અનુભવું છું.
આ બે ઇ-પુસ્તકો માટે આવકાર અને શુભેચ્છા સંદેશ મોકલવા માટે શ્રી સુરેશ જાની ,શ્રી રમેશ પટેલ (આકાશ દીપ ) અને શ્રી વિજય શાહનો આભારી છું.જે વાચકોએ આ બુકોમાં સમાવિષ્ટ વાર્તાઓ અને લેખો પર એમના પ્રતિભાવો આપ્યા છે એ સૌનો પણ આભાર માનું છું.
આ બે ઈ-પુસ્તકોનાં મુખ પૃષ્ઠોનાં નીચેનાં ચિત્રો પર ક્લિક કરીને એમાંની સચિત્ર સાહિત્ય સામગ્રીને માણો.
આપની અનુકુળતાએ આ ઈ-બુકો જોઈ અને એમાંની સાહિત્ય સામગ્રી વાંચી મારો ઈ-બુક પ્રકાશનનો આ પ્રથમ પ્રયાસ આપને કેવો લાગ્યો એના પર આપનો પ્રતિભાવ જરૂર લખશો .
અંતમાં,આજ દિન સુધીની મારી જીવન સફરને આહલાદક બનાવનાર તથા અમેરિકામાં નિવૃતિના જીવન સંધ્યાના આ સોનેરી કાળને રસિક અને આનંદમય બનાવવામાં અગત્યનો ફાળો આપનાર મારાં સંતાનો ,ભાઈઓ ,બહેનો ,અન્ય કુટુંબીજનો,મુરબ્બીઓ, અને મિત્રો,બ્લોગર મિત્રો સહીત, સૌનો આજે મારા ૮૦ મા જન્મ દિવસે હૃદયથી આભાર માનું છું.
વિનોદ પટેલ ,
જાન્યુઆરી ૧૫,૨૦૧૬
૮૦ મો જન્મ દિવસ
આજની જન્મ દિવસની પોસ્ટને અનુરૂપ જિંદગીની ફિલસુફી રજુ કરતાં મને ગમતાં કિશોર કુમારનાં આ બે ગીતો આ વિડીયોમાં માણી દિલને બહેલાવીએ .
વાચકોના પ્રતિભાવ