વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 841 ) ‘સંનિષ્ઠ કેળવણી’ ક્ષેત્રે એક નવ યુવાનનું ક્રાંતિકારી કદમ …..

જીવનમાં શિક્ષણનું ખુબ જ મહત્વ છે એમાં કોઈ બે મત ના હોઈ શકે. જીવન જ એક શિક્ષણની પ્રયોગશાળા છે. જીવનને કેળવે એનું નામ જ કેળવણી.જીવનની લગભગ બધી જ સમસ્યાઓનો ઉકેલ શિક્ષણ પાસે છે એમ જે કહેવાય છે એ બિલકુલ સાચું છે.

જેમની પ્રવૃત્તી ક્રાંતીકારી કેળવણી વીષયક રહી છે એવા સાહિત્ય વિદ સ્નેહી મિત્ર શ્રી જુગલકિશોર વ્યાસ એ એમના બ્લોગ નેટ ગુર્જરીમાં પ્રગટ કરેલ કેળવણી વિષયક એક સમાચાર મને આકર્ષી ગયા .

આ સમાચાર છે ..

માત્ર ૧૯ વર્ષના એક નવ યુવાન શ્રી મિહિર પાઠકએ કેળવણી ક્ષેત્રે કંઇક નવું કરી બતાવવાનો મનમાં દ્રઢ સંકલ્પ કર્યો છે.આ સંકલ્પ માટેના એક માધ્યમ તરીકે ભારતના પ્રજાસત્તાક દિવસ ૨૬ મી જાન્યુઆરીથી “સંનિષ્ઠ કેળવણી” એ નામનો નવો બ્લોગ શરુ કર્યો છે.નઈ તાલીમ અને કેળવણી એ આજીવન શિક્ષક શ્રી જુગલકીશોરભાઈ ના રસના વિષય હોઈ તેઓ પણ એમાં બનતો સહયોગ આપી રહ્યા છે એ આનંદની વાત છે.

મિહિર કેળવણી વિષે શું વિચારે છે એ અહી વાંચો.

એક વખત વિનોબાજીને એક વિદ્યાર્થીએ પૂછ્યું,

‘શું ભૂદાન આંદોલનમાં જોડાવા માટે અમારે કૉલેજ છોડી દેવી જોઈએ ?’ વિનોબાજીએ જવાબ આપ્યો, ‘ભૂદાનમાં ન જોડાવું હોય તો પણ કૉલેજ છોડવી જોઈએ..’

દુનિયામાં ઘણા લોકોના આખેઆખા જીવન કોઈ જ અર્થ વગર ગુજરી જાય છે. યુવાની પૈસા કામવામાં અને પછીનું જીવન એ પૈસાને સાચવવામાં પૂરું થઈ જાય છે. પહેલાં ભણો પછી નોકરી કરી પૈસા ભેગા કરો પછી લગ્ન અને રિટાયર્ડ લાઈફ. હું માનું છું કે આ બધું જ મોટાભાગના લોકો માટે જરૂરી છે, પણ કદાચ અમુક લોકો માટે નહી. હું આ ચક્કરમાં બંધાતાં પહેલાં મારા પ્રશ્નોના ઉકેલ શોધવા માંગુ છું. મારા જીવનનો અર્થ શોધવા માગું છું. હું કયા કામ માટે આ દુનિયામાં આવ્યો છું તે જાણવા માગું છું. મારી આત્માના પોકારને સાંભળી તેને અનુસરવાની હિંમત બતાવવા માંગુ છું. તો જ તો હું ખરો યુવાન.

મારા મનમાં સદાય પ્રશ્નો થાય, ‘આ માણસ, કે હવે તેને દરેકના વિકલ્પો શોધવા પડયા ? ન્યાય તંત્રના વિકલ્પો, રાજનીતિના વિકલ્પો, જીવનપદ્ધતિના, શિક્ષણપદ્ધતિના વિકલ્પો, શુદ્ધ હવાના વિકલ્પો…’જયારે તે આ વિકાસની દોડમાં ભાગતો હતો ત્યારે તેને આ બધાંનું કશું જ ભાન ન રહ્યું ?

કોઈક જગ્યાએ આત્મહત્યાઓ થાય છે; કોઈક જગ્યાએ આતંકવાદી હુમલા, ક્યાંક ભૂખમરો છે તો ક્યાંક નિરક્ષરતા… આ બધી જ સમસ્યાઓ આપણી સમાજવ્યવસ્થાનું સાચું ચિત્ર આપણી સામે ખડું કરે છે. આ બધું જ, આપણે જ બનાવેલી સિસ્ટમમાં થાય છે. હા, આપણે બનાવેલી – કારણ આપણે તો લોકશાહીમાં જીવીએ છીએ અને આપણી પાસે તો હ્યુમન રાઇટ્સ છે ને !

ઉપરની દરેક સમસ્યાને લોકો પોતપોતાની રીતે ઉપર ઉપરથી હલ કરવાનો પ્રયત્ન કરે છે. પણ મારા મતે સમસ્યાનો ઉકેલ મૂળિયાંમાં છે. મૂળિયાં એટલે સમાજ વ્યવસ્થા – જે માણસ ઘડે છે. અને માણસ ઘડાય છે ‘શિક્ષણ દ્વારા’, ‘કેળવણી’ દ્વારા. કેળવણી જ માણસને બદલી શકે, તેનું હૃદય પરિવર્તન કરી શકે અને વિશ્વશાંતિનો સંદેશ ફેલાવી શકે.

ભારતમાં ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ, જ્યોતિબા ફૂલે, વગેરે મહાનુભાવોએ કેળવણીનું દર્શન આપ્યું છે. જે માનવજાતને વિશ્વશાંતિ તરફ લઈ જવા સક્ષમ છે.

ગુજરાતમાં લોકભારતી અને દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓ તથા શિક્ષણના ભેખધારી હજારો કેળવણીકરો છેવાડાના માનવી સુધી પહોંચી એક નવી સમાજ વ્યવસ્થાના પાયા નાખી રહ્યા છે…

ચાલો આપણે તેમના જીવનસંગીતને જાણીએ… અને તેમાંથી પ્રેરણા લઈએ…

“વિનોબાજી કહેતા કે આઝાદી પછી તરત આપણે શિક્ષણવ્યવસ્થા બદલવામાં ચૂકી ગયા.”

પણ હવે જાગવું જ રહ્યું… હું તો પૂરેપૂરો મથવાનો છું… શું તમે સાથ આપશો ?

(ફક્ત ટેલિફોન પરની વાતથી જ મને સાથ આપવા એક વ્યક્તિ તૈયાર થઈ; યોગાનુયોગ તે નઈતાલીમની જ વ્યક્તિ, જુગલકિશોરભાઈ – જુકાકા ! આ બ્લૉગ દ્વારા જે કાંઈ કાર્યો હું કરવા માગું છું તેમાં તેમનો પૂરો માર્ગદર્શક–સાથ મળવાનો છે.)

બ્લૉગવાચન દ્વારા એક વાચકરૂપે અને ક્યાંક, કોઈક પ્રસંગે લખાણ વગેરે દ્વારા આપ સૌ પણ મને સાથ આપશો એવી આશા રાખું તો નિરાશ નહીં જ થવાય તેવા વિશ્વાસ સાથે –
સાભાર,

મિહિર પાઠક

mihir

         મિહિર પાઠક

(સૌજન્ય-ગુજરાતી પ્રતિભા પરિચય )

‘સંનિષ્ઠ કેળવણી’ બ્લોગની લીંક –

 https://shikshandarshan.wordpress.com/

શ્રી મિહિર પાઠકનું વ્યક્તિગત વેબ પેજ –

mihirism.github.io/

શ્રી મિહિર પાઠકનો નો ખાસ પરિચય અહીં :

http://yourstory.com/2015/04/learnlabs-mihir-pathak/

mihirism.github.io/portfolio/mihir_portfolio.pdf

‘સંનિષ્ઠ કેળવણી’ બ્લોગની તારીખ ૨૬ મી જાન્યુઆરી ૨૦૧૬ ની પ્રથમ પોસ્ટમાં વાચકોને ઉદ્દેશીને સંપાદકોએ લખેલો પત્ર આ રહ્યો ….

વાચકોને પ્રથમ પત્ર ….. 

સુજ્ઞજનો !

શિક્ષણનું ક્ષેત્ર જીવનનાં લગભગ બધાં જ ક્ષેત્રો સાથે કારણ–કાર્ય સંબંધે જોડાયેલું રહ્યું છે. બાળક કુટુંબના ઉંબરની બહાર ડગલું માંડે છે તે પછી સૌથી પાયાનું અને સૌથી વધુ સહેતુક જોડાણ એનું શાળા સાથે થતું હોય છે. શાળાથી વંચિત રહેવું કે હોવું એને શાપરૂપ ગણાયું છે.

વર્ધા સંમેલનમાં ગાંધીજીના સાંનિધ્યે જે વિસ્તૃત અને ઉંડાણથી ચર્ચા થઈ અને જે નિર્ણયો લેવાયા તેને આપણે નઈતાલીમના નામે ઓળખતાં આવ્યાં છીએ. ગુજરાતમાં આ નઈતાલીમના પ્રયોગો ખૂબ સારા પ્રમાણમાં સફળ થયા છે.આજે પણ ગુજરાતમાં અનેક સંસ્થાઓ આ ક્ષેત્રે સક્રિય છે.હજારોની સંખ્યામાં વ્યક્તિઓ તે તાલીમનો લાભ લઈને પોતાની જીવનીને સાર્થક કરી શકી છે.

વૈશ્વિક દૃષ્ટિએ જોઈએ તો પણ નઈતાલીમના જ મહદ્ અંશોને જગતે સૈદ્ધાંતિક રીતે સ્વીકાર્યા છે. ને તોયે તેના અમલીકરણની ઓછપને લીધે આજના શિક્ષણના અનેક સવાલો સમગ્ર જગતને મૂંઝવી રહ્યા છે……ને હવે શિક્ષણની કોઈ ચમત્કારિક પ્રણાલીની જાણે કે રાહ છે !!

સમાજના, જીવન સમસ્તના, લગભગ બધા જ સવાલોનો ઉકેલ જેમાં રહ્યો છે તે શિક્ષણનું મહત્ત્વ પુન: સ્થાપિત કરવાનું હવે અનિવાર્ય બની ચૂક્યું છે.

આવે સમયે સમાજનાં સૌ કોઈએ યથા શક્તિ, યથા મતિ પ્રયત્નશીલ થવું પડશે એવું સસંકોચ, પણ કહ્યા વગર રહી શકાતું નથી. પરંતુ અન્યોને કહેવાની પહેલાં જાતે આગળ આવવું તે જરૂરી ગણાય ! ને તેથી આ એક નવલો, ને ઘણે અંશે અઘરો પ્રયત્ન અમે આજથી શરૂ કરી રહ્યા છીએ.

જીવન સાથે ઘનિષ્ટતાથી સંકળાયેલા શિક્ષણના આ પ્રયોગને,અમારા વાચકો આવકારે અને ફક્ત વાચકરૂપે જ નહીં બલકે ‘સંનિષ્ઠ કેળવણી’માં રસપૂર્વક ભાગ લઈને અમને પ્રોત્સાહિત કરે, મદદરૂપ બને તેવી આશા–અપેક્ષા સાથે નમ્ર વિનંતી કરીએ છીએ.

– સંપાદકો

બ્લોગની મુલાકાત લેવા આ હેડર ચિત્ર પર ક્લિક કરીને ત્યાં પહોંચી જાઓ .

KELAVANI

આ બ્લોગના માધ્યમથી નવા યુગના આ નવ યુવાન શ્રી મિહિર પાઠક અને સહ સંપાદકોના  ‘સંનિષ્ઠ કેળવણી’ માટેના પ્રયાસોની સિદ્ધિ માટે એમને શુભેચ્છાઓ પાઠવું છું.

આ માટે સૌ એમને સહયોગ આપતા રહીએ એવી આશા રાખું છું.

વિનોદ પટેલ

J.KRUSHNAMURTY  ON EDUCATION 

JK

 

15 responses to “( 841 ) ‘સંનિષ્ઠ કેળવણી’ ક્ષેત્રે એક નવ યુવાનનું ક્રાંતિકારી કદમ …..

  1. pragnaju જાન્યુઆરી 26, 2016 પર 2:39 પી એમ(PM)

    અમને ગમતી ખૂબ સરસ માહિતી

    Like

  2. Vimala Gohil જાન્યુઆરી 26, 2016 પર 2:53 પી એમ(PM)

    મિહિરભાઈ, આપના “નવલા અને અઘરા” પણ “સંનિષ્ઠ” પ્રયત્ન માટે અભિનંદનસહ શુભેચ્છાઓ.

    Like

  3. pragnaju જાન્યુઆરી 26, 2016 પર 2:55 પી એમ(PM)

    અગત્યની વાત શિક્ષણનું મહત્ત્વ પુન: સ્થાપિત કરવાનું હવે અનિવાર્ય બની ચૂક્યું છે.
    ત્યારે રસપૂર્વક ભાગ લઈને અમને પ્રોત્સાહિત કરે, મદદરૂપ બને તેવી આશા–અપેક્ષા
    કરવાની શક્તિ આપે તે અભ્યર્થના

    Like

  4. pravinshastri જાન્યુઆરી 27, 2016 પર 1:37 પી એમ(PM)

    મને લેખમાં ખાસ સમજ ના પડી. કોણ એક્ચ્યુઅલી શું કરવાનું છે તે પણ સમજાયું નહીં. પણ એક વાત માની લઉં છું કે વિદ્વાનો જે વિચારો કરી રહ્યા છે તે સમાજને ઉપયોગી જ હશે. મોટા ભારેખમ્મ શબ્દો અને ખૂબ ઊંડી વાત મને સમજાતી નથી. માત્ર શુભાષયોથી થતી પ્રવૃત્તિને શુભેચ્છા તો આપવી જ ઘટે.

    Like

    • Vinod R. Patel જાન્યુઆરી 27, 2016 પર 2:41 પી એમ(PM)

      શ્રી પ્રવીણભાઈ આપની નિખાલસતા ગમી. આ પોસ્ટમાં જેનો પરિચય કરાવ્યો છે એ ૧૯ વર્ષના યુવાન મિહિર પાઠક ની આજની અપાતી કેળવણીમાં ફેરફાર લાવી એ માટે કંઇક નવું કરવાની ધગશ મને સ્પર્શી ગઈ , આ માટે શ્રી જુગલભાઈ જેવા અનુભવીઓના માર્ગ દર્શન હેઠળ ” સંનિષ્ઠ કેળવણી “એ નામે નવો બ્લોગ શરુ કર્યો એનો સૌને પરિચય કરાવવાનો મારી પોસ્ટનો આશય છે .એમાં આપેલ લીંક પર આપ મિહિર વિષે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે.

      Liked by 1 person

      • pravinshastri જાન્યુઆરી 27, 2016 પર 3:06 પી એમ(PM)

        સમજ ન પડવાનું કારણ લગભગ અડધી સદીથી ત્યાંના શિક્ષણ ક્ષેત્રનું કઈ જ ભાન નથી. એટલું ખબર છે કે સારી અંગ્રેજી માધ્યમની શાળાઓ મોટા ફરજીયાત દાનો લઈને શિક્ષણનો વેપાર કરે છે. હોંશિયાર વિડ્યાર્થીઓ પણ ટ્યુશન ક્લાસમાં જાય છે. બધાને ડોક્ટર એન્જિનિયર થવું છે. આ બધી સાંભળેલી વાતો છે. દયા જનક વાત તો એ છે કે શિક્ષણ સુધારણાની વાતો કરનારા શિક્ષણશાસ્ત્રીઓ પોતાના જ ના છોકરાંને પણ એ જ પ્રવાહમાં ધકેલતાં હોય છે. વાતો તો ઘણી થાય છેલ્લે એ વિદ્વાનોનો વાણી વિલાસ જ બની રહે છે એવું મારું અંગત માનવું છું. વિનોદભાઈ, કેટલાક નામી વિદ્વાનો માટે હું સડી ગયેલા કડવા કારેલા સમો લાગું છું.

        Like

      • સુરેશ જાની જાન્યુઆરી 28, 2016 પર 7:03 એ એમ (AM)

        પ્રવીણ ભાઈની વાત એકદમ સાચી છે. બે વરસના ઈ-વિદ્યાલય પરના કડવા અનુભવો યાદ આવી ગયા! આપણી પ્રજાનું દુર્લક્ષણ… वचनेषू किं दरिद्रता ।
        નઈ તાલીમ ખરેખર અપનાવવી હોય તો ગાંધીજી નહીં પશ્ચિમને બરાબર સમજવાની જરૂર છે. પશ્ચિમમાં ઉચ્ચ કેળવણી પામેલ એ ડોસો અત્યારના કહેવાતા ગાંધીવાદીઓ કરતાં બહુ જ એડવાન્સ્ડ હતો !
        કદાચ ગાંધીજી જીવતા હોત તો….
        નવજીવન કાર્યાલય, ગાંધી આશ્રમ અને ગુજરાત વિદ્યાપીઠ ઈ-સંસ્થાઓ બની ધમધમતી હોત. છેવાડાના માણસની વાતો કરવી એક વાત છે, અને ક્વોલિટી એજ્યુકેશન એમના સુધી શી રીતે પહોંચાડવું એ સાવ નોખી જ વાત છે. એનો એક શક્ય ઉકેલ ‘ ઈ-વિદ્યાલય’ હજુ આંસું સારે છે.૧૦૦૦ થી વધારે બ્લોગરોમાંથી કોઈને એમાં રસ નથી.
        કડવી વાત કહેવાઈ ગઈ. સૌની ક્ષમાયાચના . પણ ચપટીક વિચારજો.

        Like

  5. jugalkishor જાન્યુઆરી 27, 2016 પર 5:44 પી એમ(PM)

    પ્રવીણભાઈની વાત કડવી દવા જેમ હોય છે ! “કડવાં કારેલાંના ગુણ ન્હોય કડવાં હો, કડવાં વચન ન્હોય કડવાં હોજી !” એ સુંદરમ્ ની પંક્તીઓ યાદ અપાવનારી તેમની વાતનો જવાબ આપવો અઘરો છે. પણ પ્રયત્ન તો દરેકે કરવો જ જોઈએ. મિહિરભાઈની યુવાનીએ અભ્યાસ છોડવા સુધીની નોબત લીધી તો મનેય એમના ફોન માત્રથી તે “પ્રયત્ન” માં જોડાવાનું સહજ આકર્ષણ થયું……માબાપો બાળકોને ગમે તે માધ્યમમાં ભણાવે પણ નઈતાલીમના થોડા અંશો પણ ક્યાંક ઉગી નીકળશે તો છેવટે તો તેનો લાભ સામાજીક લાભ જ હશે.

    કારણ કે નઈતાલીમની વાત “શીક્ષણ” શબ્દથી ઉપર ઉઠીને “કેળવણી” જેવા શબ્દથી સમજાવવા મથે છે. અમે જે શીક્ષણ લીધું – નાનાભાઈ ભટ્ટ, મૂળશંકરભાઈ, ન.પ્ર.બુચ, તથા મનુભાઈ પંચોળી–દર્શક પાસેથી, તેણે આ બાબતનું આકંઠ પાન કરાવ્યું છે. એટલે બીજાં કામો પડતાં મૂકીનેય આ પ્રવાહની વાતોમાં માથાંબોળ સ્નાન ફરી ફરીને કરવાનું ગમે છે. મિહિરને ધન્યવાદ તો ખરા જ પણ એમનો આભાર પણ માનવાનો કે મને આ ઉંમરે એણે કેળવણીની વાતમાં ખેંચ્યો !!

    વિનોદભાઈએ આ વાતને આટલી સરસ રીતે સંકલીત કરીને અમારા આ પ્રયત્નને વીશેષરુપે થાબડ્યો. આશા રાખું કે નેટજગતના અન્ય સાથીદારો પણ પોતાના બ્લૉગે ને પોતાના વર્તુળોમાં આ વાતને વધાવે ને પ્રચારે. કેળવણીની વાતો વ્યક્તીની વાતો નથી, એ સામાજીક વાતો બની રહેવા સક્ષમ છે. કેળવણી સામુહીક વીકાસનો ધોરી માર્ગ છે. આપણે સૌ આ નવી કેડી પર ચાલીને એને માર્ગ બનવાની તક આપે !!

    Like

  6. સુરેશ જાની જાન્યુઆરી 28, 2016 પર 6:54 એ એમ (AM)

    મિહીર પાઠક … એનો પાડ તો કદી નહીં ભુલાય. મને સ્ક્રેચની વેબ સાઈટ બતાવનાર ૨૧ વરસના એ તરવરિયા તોખારને મળ્યો ત્યારે, એનો તરવરાટ અને શિક્ષણ અંગે કાંઈક કરી છુટવાની તમન્ના સાક્ષાત અનુભવી છે.
    ગુજરાતી પ્રતિભા પરિચય ઉપર એનો ટૂંક પરિચય આ રહ્યો..

    તમારી જિજ્ઞાસા સંતોષવી છે?

    Like

  7. hirals જાન્યુઆરી 28, 2016 પર 8:24 એ એમ (AM)

    કેળવણીનો સીધો સંપર્ક ‘પ્રથમ પાંચ વર્ષમાં બનતી બ્લ્યુ પ્રિન્ટ સાથે પણ છે’.

    ૧) રમીને તરત ચોખ્ખું કરવાની ટેવ.

    ૨) રોજ સ્નાન કરવાની ટેવ

    ૩) જાતે જમવાની ટેવ

    ૪) નિયમિત નખ કપાવવાની અને વાળ ધોવડાવવાની ટેવ

    ૫) ઉઠીને અને સૂતાં પહેલાં દાંત સાફ કરવાની ટેવ

    ૬) વહેલાં સૂઇને વહેલાં ઉઠવાની ટેવ.

    ૭) નિયમિત વ્યાયામ (ચાલવાની – રમવાની- ભમવાની ) ટેવ

    ૮) દરેક વાતે કુતુહલ ટકી રહે તેવું માહોલ.

    ૯) અઠવાડિયે ઓછામાં ઓછું બે વખત પુસ્તકાલયની ટેવ

    ૧૦) પુસ્તકો બાળકોને ધ્યાનમાં રાખીને લખેલાં હોવાં જોઇએ. (વાલી વાંચે અને બાળક સાંભળે એ અલગ બાબત છે)

    ૧૧) રંગબેરંગી – આકર્ષક તથા પાકા પૂંઠાના અને બાળકોની કુતુલહવૃત્તિ વધે તેવાં પુસ્તકો બાળકોને હંમેશા હાથવગા હોય તેવું માહોલ.

    ૧૨) સાંભળવાની , સમજવાની, પ્રશ્નો પૂછવાની ટેવ

    ૧૩) કશી પણ રોકટોક વગર જે તે ભાષામાં વ્યક્ત થવાની સાનુકુળતા.

    ૧૪) લાઇનમાં ઉભા રહેવું, શિસ્તબધ્ધ સહજ (હસતાં-રમતાં) કેળવાવું વગેરે.

    ૧૫) કોઇપણ જગ્યાએ સમયસર પહોંચવું.

    ૧૬) માતાને ઘરકામમાં મદદ કરવાની ટેવ (ઘરનું કોઇ કામ નાનું-મોટું નથી એ ઘરનાં વાતાવરણ પરથી જ બાળક શીખે છે)

    ૧૭) માત્ર ધાર્મિક મંત્રો નહિં બાળકને વિજ્ઞાન પ્રત્યે રુચિ રહે એવું વાતાવરણ અને વાર્તાઓ અને પ્રવૃત્તિઓ.

    ૧૮) ક્રિએટીવીટી વધે એવી જાતજાતની પ્રવૃત્તિઓ કરવી.

    ૧૯) નિયમિત પાર્કમાં જવું. ખેલકુદ અને મજા જ મજા.

    ૨૦) બાળકોને ચિઢવીને નહિં પરતું બાળક બનીને એની સાથે રમવાની ટેવ.

    ૨૧) પોતાનું કામ જાતે જ કરવાની ટેવ.

    ૨૨) બીજાને મદદ કરવા તત્પર રહેવાની ટેવ.

    આ બધું જ્યારે આપણે ત્યાં સહજ બનશે…ઘણો બદલાવ દરેકના વ્યક્તિત્વમાં આવશે.

    અફસોસ…..બાળકને જો કોઇ નડતું હોય એનાં માવતર જ…..અને પછી આપણો સમાજ.

    ઉપર જણાવેલી વાતોએ સતત પ્રયત્નશીલ રહેવું….ઘણું અઘરું છે અને એ માત્ર માતાની નહિં, ઘરનાં દરેકની અને સમાજની જવાબદારી છે.

    ભણવાની વાતો આ બધી સહજ કેળવણિ પછીનો તબક્કો છે. જે માત્ર માહિતીનો સંચય છે.
    જેને આપણે શિક્ષણ નામ આપીએ છીએ.
    વિચારશક્તિ કુંઠિત થવી કે વિકસવવી એનો પાયો શરુઆતનાં વરસોમાં જ થઇ જતો હોય છે.

    કેળવણી તો પ્રથમ પાંચ વર્ષમાં બાળમનમાં ઉંડા મૂળિયા રુપે આકાર લઇ ચૂકે છે.

    ગાંધીજી વિશે ભણાવતાં, કેટલાં શિક્ષકો જાતે પીવાનું પાણી લેતાં હશે? (જાજરુ ધોવાની કે સફાઇ કરવાની વાત તો દૂરની છે.)

    Like

    • Vinod R. Patel જાન્યુઆરી 28, 2016 પર 12:23 પી એમ(PM)

      બેન હિરલ કથિત બાળકના ‘પ્રથમ પાંચ વર્ષમાં બનતી બ્લ્યુ પ્રિન્ટ વિચારીને અપનાવવા લાયક છે. બાળકની કેળવણીનો ખરો પાયો પ્રથમ પાંચ વર્ષમાં જ નંખાતો હોય છે. કહેવાય છે ને કે કુમળો છોડ હોય ત્યારે એ વાળીએ એમ વળે છે.શરૂઆતથી જ સારી ટેવો પાડવામાં આવે એ બાળકના ભાવી વિકાસ માટે ખુબ જરૂરી છે એમાં બે મત નથી.

      Like

  8. hirals જાન્યુઆરી 28, 2016 પર 8:28 એ એમ (AM)

    Agree with Suresh Uncle and Pravin Uncle.
    કદાચ ગાંધીજી જીવતા હોત તો….
    નવજીવન કાર્યાલય, ગાંધી આશ્રમ અને ગુજરાત વિદ્યાપીઠ ઈ-સંસ્થાઓ બની ધમધમતી હોત.

    Like

  9. jugalkishor જાન્યુઆરી 28, 2016 પર 6:02 પી એમ(PM)

    ગાંધીવીચાર સાથે જોડાયેલી સંસ્થાઓ ઈન્ટરનેટની વીરોધી નથી. આજે પણ નઈતાલીમની બધી સંસ્થાઓ – લોકશાળાઓ, ગ્રામવીદ્યાપીઠોમાં હીરલબહેને આપેલી યાદીમાની ઘણીખરી ટેવો અપનાવાય છે ! જોકે અમારા વખતમાં જે નીષ્ઠા હતી તેવી ને તેટલી આજે ન હોય તેમ માની લઈએ છતાં આજે ત્યાં આ બધું સહજતાથી અપનાવાય છે. આ જ સંસ્થાઓ સાથે સાંકળેલી પ્રાથમીકશાળાાોમાં પણ આ સાદાઈ ને સ્વાવલંબનની વાતો અમલમાં છે !
    “ગાંધીજી હોત તો ઈવીદ્યાલયો હોત” એ સમજાયું નહીં… એવું શું ખુટે છે, આ નઈતાલીમની સંસ્થાઓમાં તે અહીં બતાવવાની જરુર છે. કારણ કે બધાં જ આધુનીક શૈક્ષણીક ઉપકરણો આ સંસ્થાઓમાં અમલમાં જ છે. હજી વધુ શું ખુટે છે તે બતાવવા વીનંતી છે.
    ગુજરાતની નઈતાલીમની સંસ્થાઓનો સર્વે કરવો જોઈએ. નઈતાલીમ સંઘ અને લોકશાળાઓનો જેમને પણ પરીચય કરવો હોય તેમને માટે વ્યવસ્થા હું કરી આપવા તૈયાર છું. ગાંધીજી હજી આજે પણ આ સંસ્થાઓમાં છે ! સાવ નીકળી ગયા નથી તે જોવા માટે જવું જ જોઈએ.

    Like

    • hirals જાન્યુઆરી 29, 2016 પર 2:42 એ એમ (AM)

      ગાંધીજી હોત તો ઈવીદ્યાલયો હોત…એનો અર્થ કે ગાંધીજી હોત તો એમણે માત્ર આ બે-ત્રણ સંસ્થાઓ પુરતું સિમિત ઇન્ટરનેટ અને એનાં ઉપકરણો નાં રાખ્યા હોત.

      શૈક્ષણિક (માહિતી વિષયક) બધું જ ઇન્ટરનેટ પર ‘ભણો ગમે ત્યાં ગમે ત્યારે’ ની રીતે વહેતું કરાવી દીધું હોત.

      તમે બતાવેલ સંસ્થાઓમાં ઉચ્ચ કેળવણી અપાય છે તે બહુ જ સારી વાત છે. પણ ત્યાંથી પ્રતિભાવાન કેટલાં વૈજ્ઞાનિકો કે બીજાં ફિલ્ડ્માં ટ્રેન્ડ સેટર આપણાં દેશને મળે છે?

      જે સંસ્થાઓ જેમને આપણે ધંધાદારી કહીએ છીએ, જ્યાં ડૉ. કે એન્જીનિયર બનાવવાની ફેક્ટરી છે ત્યાં કેળવણીની કમી છે. અને આવી સંસ્થાઓ અત્ર-તત્ર દેશભરમાં બધે જ છે. કોઇને જાતે કશું કરવું નથી હોતું. એક ડ્રાઇવીંગ લાયસન્સનું ફોર્મ પણ એજન્ટો દ્વારા ભરાવવામાં આવે છે એવું આપણું ભણતર ને ગણતર છે.

      આપણાં કેટલાં વૈજ્ઞાનિકોને દર વરસે કયા અવોર્ડસ મળે છે એની માહિતી કે પ્રચાર-પ્રસાર જેવો થવો જોઇએ એવો થતો નથી.

      સ્પોર્ટ્સ અને કલા ક્ષેત્રે હમણાં હમણાં આ રિયાલીટી શૉ ના લીધે આટલો ઉત્સાહ વધ્યો છે. બાકી આ બધું નાચણિયું અને સાઇડ ઇનકમ કહેવાતી.

      અમુક જાગરુક માતા-પિતા ને આવી બધી ખબર હોય તેમનાં સંતાનોને આવો પરિચય થાય બાકી શાળાઓ તરફથી આવા અનોખા કાર્યક્રમો કે સમાચાર માધ્યમો દ્વારા

      બાળકોને ધ્યાનમાં રાખીને આવી માહિતીનો પ્રચાર-પ્રસાર કે તેમાં વિધ્યાર્થીમિત્રોને સાંકળવાનું, તેમનામાં જોમ ભરવાનું કામ ભાગ્યે જ થાય છે.

      Like

  10. hirals જાન્યુઆરી 28, 2016 પર 10:11 પી એમ(PM)

    ૧) ધો. ૯ સુધીનાં ગણિતનાં વિડીયો મેં જાત-જાતના ટુલ્સનો ઉપયોગ કરીને બનાવ્યાં. ધો. ૧૦,૧૧,૧૨ નાં વિડીયો માટે મને શુધ્ધ ગુજરાતી ઉચ્ચારણમાં ઘણી તકલીફો પડે છે.

    મારી મર્યાદા છે.

    ૨) કમ્પુટર વિષયનાં વિડીયો બનાવવા મેં ઘણી મહેનત કરી જોઇ પરંતુ, નિવેશ, નિગમ વગેરે શબ્દો માટે કે જ્યાં ‘ઇનપુટ, આઉટપુટ’ વગેરે ઘણું સરળ છે

    ટેકનીકલ બાબાતો સમજાવવા વખતે મને ઘણી તકલીફો શુધ્ધ ગુજરાતી ઉચ્ચારણમાં પડે છે.

    ૩) બીજું, સંસ્થા બનાવવા વિચાર કર્યો પરંતુ , મારા સિવાય જવાબદારી પુર્વક કામ આગળ ધપાવવાવાળું કોઇ ના હોઇ અને મને ફુલટાઇમ સમય ના હોઇ સ્થગિત કર્યું,

    ૪) નવી વેબસાઇટ બનાવવા કોલેજનાં (એમ-ટેકનાં વિધ્યાર્થીઓનો સંપર્ક ભાઇ મિહિરે કરાવી આપેલો), કોલેજનાં વિધ્યાર્થીઓએ પૈસા લીધા પરંતુ કામ ના કર્યું. અડધેથી એટલે કે એમનો કોલેજનો પ્રોજેક્ટ પુરો થયે

    જવાબ આપવાનું બંધ કરી દીધું. (મારો ૩ મહિનાનો સમય બરબાદ થયો અને મને ભારતના વિધ્યાર્થીઓની નિષ્ઠાનો પરિચય થયો)

    ૫) ચાલો, ઇવિ પર તો વિડીયો લાઇબ્રેરી હમણાં સ્થગિત છે. પરંતુ શું આપણા શિક્ષકો કે જેઓ ગણિત-વિજ્ઞાન અને કમ્પ્યુટર નાં વિષયો ભણાવે છે, કોઇની પાસે સમય કે સૂઝ નથી

    પોતાની આગવી વિડીયો લાઇબ્રેરી બીજાં વિધ્યાર્થીઓ કાજે ઉભી કરે? શું તેઓ સરકારી ફરમાનની રાહ જુએ છે?

    ૬) આપનું નવું કામ બહુ જ ગમ્યું.

    ત્યાં ૨ થી ૫ વર્ષનાં બાળકો વાંચી શકે તેવાં પુસ્તકો,

    ૫ થી ૧૦ વર્ષનાં બાળકો વાંચી શકે તેવાં પુસ્તકો,

    ૧૦ થી ૧૫ વર્ષનાં બાળકો વાંચી શકે તેવાં પુસ્તકોનો સમાવેશ કરવા આગ્રહભરી વિનંતી.

    અમે ‘ઇપુસ્તકાલય’ વિભાગ રાખ્યો છે પરંતુ અમારી પાસે આવાં પુસ્તકો નથી કે નથી, આપના કાર્યની સીધી લીંક અમે ઇવિદ્યાલય પર રાખીશું તો મારાં જેવાં ઘણાં માવતરને એનો લાભ મળશે.

    ઇવિ પર વિઝીટ હંમેશા વધી જ છે. અને હજુ પણ વધી જ રહી છે. મારી મર્યાદાઓ માટે ઘણી દિલગીર છું.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.