વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 842 ) ખરી પડેલા પુષ્પની સુગંધ …(સત્ય ઘટનાત્મક ) …. ડો. ગુણવંત શાહ

Dr. Gunvant Shah

Dr. Gunvant Shah

ગુજરાતી ભાષાના લોકપ્રિય સાહિત્યકાર અને ચિંતક ડો.ગુણવંત શાહના, સત્ય ઘટનાઓ પર આધારિત પ્રેરક લેખોના પુસ્તક ‘પ્રભુના લાડકવાયા’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે.

કાલ્પનિક વાર્તાઓ કરતાં સત્ય ઘટનાત્મક વાર્તાઓ બહુ હૃદય સ્પર્શી હોય છે અને જીવનની આવી વાસ્તવિકતાઓને જ્યારે ગુણવંતભાઈ જેવા કોઈ સિદ્ધ સાહિત્યકારની કલમનો સાથ મળી જાય ત્યારે સોનામાં સુગંધ ભળી જાય છે.

રીડ ગુજરાતીમાં શ્રી ગુણવંત શાહ લિખિત “ખરી પડેલા પુષ્પની સુગંધ “ સત્ય ઘટના જ્યારે મેં વાંચી ત્યારે મારા હૃદયને એ સ્પર્શી ગઈ. માત્ર ૧૦ મહિનાની ઉમરમાં ખીલીને ખરી પડેલા એક પુષ્પ જેવા મારા પ્રથમ પુત્રની યાદ તાજી થઇ ગઈ.આમ તો દરેક સ્વ જનનું મૃત્યું દુખદ હોય છે પરંતુ  અકાળે આવેલ પુત્ર વિરહ  ખુબ દુઃખદાયક હોય છે એનો અનુભવ મેં કરેલો છે. 

અકાળે ખરી પડેલ પુષ્પ સમા આ વાર્તાના નાયક ડૉ. જાતુષ શેઠ ને મારી શ્રધાંજલિ 

વિનોદ પટેલ

ખરી પડેલા પુષ્પની સુગંધ … ડો. ગુણવંત શાહ 

કલ્પના તો કરી જુઓ ! એક યુવાન ભણવામાં અત્યંત તેજસ્વી હોય તો ય વિનમ્ર અને વિનયી હોય. એ યુવાન હોનહાર વિજ્ઞાની હોય તોય કૃષ્ણભક્તિમાં તરબોળ હોય. એ યુવાન અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતો હોય તોય એને ગુજરાતી ભાષામાં લખવા-વાંચવા-બોલવાની સારી ફાવટ હોય. એ યુવાન ઉચ્ચ શિક્ષણમાં પરદેશી સંસ્થામાં વિજ્ઞાનના ક્ષેત્રે સંશોધન કરવામાં પરોવાયો હોય તોય વારંવાર માતા-પિતાને, મિત્રોને અને સ્વજનોને એવા સુંદર પત્ર લખતો હોય, જેમાં એનાં વાચન-મનનનો નિચોડ હોય. એ હોનહાર યુવાન કાર અકસ્માતમાં ઈટલીમાં મૃત્યુ પામે ત્યારે એનાં માતા-પિતા પર શું વીતે ?

નામ એનું ડૉ. જાતુષ શેઠ, પરંતુ પ્રેમથી સ્વજનો એને જિગર કહીને સંબોધતા. એણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ન્યુક્લિયર ફિઝિક્સ વિષયમાં એમ.એસ.સી. કર્યું અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. ત્યાર પછી જિગરે પુણેના ‘ઈન્ટર યુનિવર્સિટી સેન્ટર ઑફ ઍસ્ટ્રૉફિઝિક્સ’ માં પી.એચ.ડી. કર્યું. પુણેમાં અભ્યાસ કરતી વખતે એ પ્રસિદ્ધ વિજ્ઞાની ડૉ. જયંત નારળીકરના સંપર્કમાં પણ આવ્યો હતો. પુણેથી જિગર જર્મની ખાતે ‘મૅક્સ પ્લેન્ક ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઍસ્ટ્રૉફિઝિક્સ’ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં ત્રણ વર્ષની ફેલોશિપ મેળવીને બ્રહ્માંડના રહસ્યોનો તાગ મેળવવા પહોંચી જાય છે. માત્ર દોઢ જ મહિનો વીતે ત્યાં મ્યુનિકથી ઈટલી ફરવા માટે સરૈયા નામના મિત્રની સાથે જાય છે અને રોમથી થોડે દૂર કાર અકસ્માતમાં મૃત્યુ પામે છે. એક ઊંચેરો જીવ અવકાશયાત્રાએ નીકળી પડે છે !

જિગર (સંસ્કારી પરિવારમાં : માતા વીણાબહેન, પિતા વિપિનભાઈ અને બંધુ હૃદયરોગના નિષ્ણાત ડૉ. ચિરાગ શેઠ – ફોન : 0261-3535894) મગજ અને મનથી વિજ્ઞાની હતો, પરંતુ હૃદયથી ભીનો કૃષ્ણભક્ત હતો. એને ક.મા. મુનશીએ લખેલ ગ્રંથ ‘કૃષ્ણાવતાર’ પ્રિય હતો અને ત્યાર પછીના ક્રમે મારો ગ્રંથ ‘કૃષ્ણનું જીવનસંગીત’ પણ એટલો જ પ્રિય હતો.

એ સ્વજનોને અને મિત્રોને પત્ર લખતો ત્યારે અંતે કાયમ લખતો : ‘કૃષ્ણાર્પણમસ્તુ.’ એક પત્રમાં એ લખે છે :

અંધકાર આપણો વર્તમાન છે
અને પ્રકાશ આપણું શમણું !
આ તો ક્ષણનું તપ છે.
દુઃખી હો ત્યારે બીજાનાં
દુઃખના ટોપલા થોડા ઊંચકો
તો તમને આનંદ થાય.

કોઈ પુષ્પ પૂરેપૂરું ખીલતાં પહેલાં જ ખરી પડે ત્યારે માળીને પ્રશ્ન થાય છે : ‘આ પુષ્પ અકાળે ખરી પડ્યું એનું કારણ શું ?’ લૅન્સેલોટ એલિફન્ટે એક બાળકની કબર પર લખાયેલા મૃત્યુલેખ (એપિટાફ)ના શબ્દો ટાંક્યા છે :

‘આ પુષ્પને કોણે ચૂંટ્યું ?’ માળીએ પૂછ્યું.
‘મેં એને મારા માટે ચૂંટ્યું છે.’ માલિકે કહ્યું.
અને માળીએ મૌન સેવ્યું !

જિગરનું મૃત્યુ એવા સમયે થયું, જ્યારે એ પોતાનામાં પડેલી શક્યતાને વાસ્તવિકતામાં ફેરવવાની સાધના કરી રહ્યો હતો. એનામાં અવકાશવિજ્ઞાનના ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કરવાની બધી જ સામગ્રી હતી. જર્મનીની સંસ્થામાં આ વિષયમાં સંશોધન કરનારો એ એકમાત્ર એશિયન હતો. જો જિગર બીજાં દસ વર્ષ સુધી જીવ્યો હોત તો એણે કદાચ પોતાના વિષયમાં નૉબેલ પારિતોષિક પણ પ્રાપ્ત કર્યું હોત ! ખરી પડેલા પુષ્પની સુગંધનો પરચો એ પુષ્પની સમીપ પહોંચેલા મનુષ્યોને મળતો રહે છે.

મને મારા પ્રિય વાચકને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત ન થયું. હું જિગરને કદી પણ મળ્યો ન હતો. અત્યારે મારા હાથમાં ‘ડૂબેલા સૂરજનું અજવાળું’ પુસ્તક છે. એમાં જિગરે લખેલા પત્રોના એવા અંશો પ્રગટ થયા છે, જે વાંચીને હૈયું રડી ઊઠે છે. એ પત્રોમાં બ્રહ્માંડના રહસ્યને સમજવા મથનારા એક વિજ્ઞાનીની અધ્યાત્મદષ્ટિ પણ પ્રગટ થતી દીસે છે. આ પુસ્તક વાંચ્યું ત્યારે એક એવા સહૃદય વાચકને ગુમાવી બેઠાનું દુઃખ થયું, જે હવે ક્યારેય મળવાનો નથી. લેખકને અંદરથી ગૌરવનો અનુભવ થાય એવા સુજ્ઞ વાચકો કેટલા ? વિજ્ઞાનના અભ્યાસ સાથે ઉપનિષદ, ગીતા અને કૃષ્ણના પ્રેમમાં પડે એવા વિજ્ઞાની કેટલા ?

પ્રભુને કદાચ બધાં જ સંતાનો ગમે છે, પરંતુ કેટલાંક સંતાન પ્રભુનાં ખાસ લાડકાં હોય એમ બને. માણસે જીવનમાં બીજું કશું નથી કરવાનું. એણે કશીક એવી ધાડ મારવી જોઈએ, જેથી પોતે પ્રભુના લાડ પામે. આઈન્સ્ટાઈન મહાન વિજ્ઞાની હતો, પરંતુ અંદરથી ઈશ્વરનો ભક્ત હતો. આવું જ ન્યુટન માટે પણ કહી શકાય. આવું જ નારળીકર અને પંકજ જોશી માટે પણ કહી શકાય. બ્રહ્માંડ એક વિરાટ રહસ્ય છે. વિજ્ઞાનને બ્રહ્માંડની વિગતોમાં રસ છે. અધ્યાત્મને સૃષ્ટિમાં સર્વત્ર સંતાયેલા સર્જનહારને સમજવામાં રસ છે. આપણને બંનેની જરૂર છે.

સૌજન્ય- રીડ ગુજરાતી

Gunvant Shah -on 75th Birth Day

Gunvant Shah -on 75th Birth Day

4 responses to “( 842 ) ખરી પડેલા પુષ્પની સુગંધ …(સત્ય ઘટનાત્મક ) …. ડો. ગુણવંત શાહ

  1. pragnaju જાન્યુઆરી 28, 2016 પર 3:54 પી એમ(PM)

    प्रेरळादायी चिंतन

    Like

  2. Vimala Gohil જાન્યુઆરી 29, 2016 પર 5:44 પી એમ(PM)

    હૃદય સ્પર્શી સત્ય ઘટના.અને શ્રી ગુણવંતભાઈની પ્રેરણાત્મક પ્રાર્થના સાથે આપણા હાથ પણ જોડાઈ જ જાય છે..

    Like

  3. pravinshastri જાન્યુઆરી 30, 2016 પર 4:59 એ એમ (AM)

    હે પ્રભુ,,,મને એટલી લાંબી ઉમ્મર ન આપીશ કે મારે મારા નાનેરા સ્વજનોનું મૃત્યુ જોવું પડે.

    Like

  4. Ramesh Patel જાન્યુઆરી 30, 2016 પર 5:02 પી એમ(PM)

    આઘાતની આવી ક્ષણોને વિચારતાં જ ધ્રુજી જવાતાં, હું આવા પ્રસંગે ઉપરવટથી જતો રહું છું..કારણકે એ સહેવું અઘરું છું…પ્રભુએ અમારા પર કરુણા રાખી છે…દુખથી દુર રાખ્યા છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: