૩૦મી જાન્યુઆરી ૨૦૧૬ એટલે મહાત્મા ગાંધીએ દેશ માટે આપેલી શહીદીની ૬૮મી સંવત્સરી .
આજથી ૬૮ વર્ષ પહેલાં ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ ની એ ગોઝારી સાંજે દિલ્હીમાં બિરલા હાઉસના પ્રાર્થના સભાના સ્થળે એક ધર્મ ઝનૂની હિંદુ ગોડસેના હાથે ગોળીબારનો શિકાર બની ગાંધી દેશ માટે શહીદ થઇ ગયા .
એમની શહીદીના દિવસે એમને યાદ કરીએ અને વંદન સાથે શ્રધાંજલિ આપીએ.
વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાડ શો એ મહાત્મા ગાંધી વિષે કહ્યું હતું કે –
“આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા,નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા એવી ઘણી વિવીધતાઓ લઈને કોઈ નોખી માટીનો માનવી આ દેશમાં જન્મયો હશે”.
ગાંધી ખરેખર કોઈ નોખી માટીથી બનેલી વિભૂતિ હતા.પોરબંદરમાં જન્મેલ મોહનદાસ કરમચંદ ગાંધી નામના સામાન્ય માનવીમાંથી જીવન ભર સત્યના પ્રયોગો કરતા કરતા તેઓ મહાત્મા ગાંધી બની ગયા હતા.
મહાત્મા ગાંધીનું વ્યક્તિત્ત્વ કેવું અનોખું હતું એ એમના જીવન ના નીચેના ત્રણ પ્રસંગોમાંથી જોઈ શકાય છે.
ગાંધીજી ના શબ્દોની એમના અનુયાયીઓ પર કેવી સચોટ અસર થતી હતી એ કાકા સાહેબ કાલેલકર લિખિત એમના અનુભવનો આ પ્રસંગ કહી જાય છે .
હું એક માળી છું — ગાંધીજી
એકવાર ગાંધીજીને મેં પૂછ્યું,”આપ,અમ સાધકોના સાથી જ નહી, પણ માર્ગદર્શક પણ છો.અમારા દોષ સહન કેમ કરો છો ?અમને દોષ બતાવતા કેમ નથી?”
ત્યારે ગાંધીજીએ કહ્યું કે,”હું એક માળી છું માળી શું કરે છે?એ એક છોડ વાવે છે એટલે એમાં ખાતર,અને પાણી આપે છે.હવે એ છોડની આસપાસ ઘાસ પણ ઉગે,એ ઘાસને પણ પેલા ખાતર-પાણી મળે છે.છોડની દ્રષ્ટિએ ઘાસ અનિષ્ટ છે,છતાંય માળી એને તરત ઉખેડી નાખતો નથી.એને ખબર છે કે જો ઘાસ ઉખેડવા જઈશ તો કદાચ પેલો કુમળો છોડ પણ ઉખડી જશે.તેથી એ ધીરજ રાખે છે.પછી જયારે તેને ખાતરી થાય છે કે, હવે છોડના મૂળિયાં બરાબર મજબૂત થયાં છે ત્યારે જ તે કુશળતા પૂર્વક ઘાસ ઉખેડી નાખે છે.”
ગાંધીજીની આ વાત સાંભળીને તે જ ક્ષણથી હું મારા આચાર વિચારમાં તેમને ન ગમતા દોષ કયા કયા છે તે શોધવા લાગી ગયો.
દોષો શોધવા અઘરા ન હતા .પરંતુ નજરે ચડેલા દોષોને ઉખાડીને ફેકી દેવા એ કેટલું અઘરું છે તેની તે દિવસથી જ મને ખબર પડવા માંડી.
-કાકા કાલેલકર
માલિશ કરવા મળે ને ! – નારાયણભાઈ દેસાઈ
એક વખત ગાંધીજી સાબરમતી આશ્રમમાં રેંટિયો કાંતવામાં મશગૂલ હતા. એવામાં કોઈકે આવીને સાવ હળવેથી એમને કહ્યું : ‘બાપુ ! બહાર કોઈ સાવ ગરીબ માણસ તમને મળવા માગે છે.’
‘ગરીબ છે ? તો, તો હું જરૂર મળીશ.’ બાપુએ પ્રત્યુત્તર વાળ્યો અને બાપુ એને મળવા બહાર ગયા.
‘ઓ…હો….હો…. પરચૂર દેવ શાસ્ત્રી, તમે !? પણ આમ કેમ ?’ ગાંધીજી એમને જોઈ બોલી ઊઠ્યા.
‘મને રક્તપિત્ત થયો છે, એટલે દિકરાએ કાઢી મૂક્યો. હવે બહુ ઓછા દિવસો બચ્યા છે મારી પાસે, એટલે બે ઈચ્છાઓ પૂરી કરવા આવ્યો છું. એક તો, તમારા આશ્રમમાં રહેવાની અને બીજી તમારા જ આશ્રમમાં મરવાની !’ બાપુએ વળતો જવાબ વાળ્યો, ‘પહેલી ઈચ્છા પૂર્ણ થશે, બીજી નહિ થાય. તમને હું મરવા નહિ દઈશ.’
એ પછી સાબરમતી આશ્રમમાં એક વાંસની ઝૂંપડી બાંધી એમને માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી અને જે રોગ માણસને અછૂત બનાવતો હતો એ જ રોગના રોગીને ગાંધીજી સતત 45 મિનિટ રોજ માલિશ કરી આપતા. વખત જતાં, એમની હાલત સુધરવા માંડી અને એ સિમલા ગયા. થોડા મહિના પછી, ગાંધીજીને પણ વાઈસરોય સાથે મુલાકાત અર્થે સિમલા જવાનું બન્યું. એમણે તરત જ ‘હા’ પાડી. કારણ, વાઈસરોયની મુલાકાત તો ઠીક, પણ ત્રણ દિવસ સતત એમને પરચૂરદેવ શાસ્ત્રીને માલિશ કરવા મળે ને, એટલે !
મને જ લોકો ગાંધીજી કહે છે !
જનરલ કરીઅપ્પાના ભાઈ કુમારપ્પા પહેલીવાર ગાંધીજીને મળવા સાબરમતી આશ્રમે આવી પહોંચ્યા .ત્યાં માથે ફાળિયું બાંધેલો એક ડોસો સાવરણાથી સાફસુફીનું કામ કરી રહ્મો હતો. કુમારપ્પાએ તેમને પૂછ્યું “ગાંધીજીને જણાવો કે જનરલ કરીઅપ્પાના ભાઈ તેમને મળવા આવ્યા છે.’
એ ડોસાએ તેમને સામે પ્રશ્ન કર્યો : ‘ગાંધીજીએ તમને કેટલા વાગ્યાનો સમય આપ્યો છે?”
કુમારપ્પાએ એ પુછપરસ પ્રત્યે અણગમો પ્રગટ કરતા કહ્યું ,”એનું તારે શું કામ છે ? તું તારે અંદર જઈને ખબર આપ. જો કે એમણે ચાર વાગ્યે મળવાનો સમય આપ્યો છે.”
‘પણ હજી તો સાડા ત્રણ જ વાગ્યા છે!’ ડોસાએ તેમને જણાવ્યું .
કુમારપ્પા ખીજાઈ ગયા : “ડહાપણ કર્યા વગર હું કહું છું એમ કર !’
આથી એ ડોસો અંદરના ખંડમાં ચાલ્યો ગયો અને થોડીવારે પાછો આવીને બોલ્યો: ‘સાહેબ ! આપ બેસો. ગાંધીજી આપને ઠીક ચાર વાગ્ર્યે મળશે.’
કુમારપ્પા બેઠક ખંડની ગાદી પર બેસી ગયા .
બરાબર ચાર વાગ્ર્યે એ ડોસાએ પોતાના માથેથી ફાળિયું કાઢી નાખ્યું અને
કુમારપ્પાને પૂછ્યું :‘બોલો સાહેબ ! શું કામ છે ? મને જ લોકો ગાંધીજી કહે છે ! “
(સંકલિત)
ગાંધી અને આઝાદી …અછાંદસ રચના

પંદરમી ઓગસ્ટ ૧૯૪૭, ભારત બન્યો આઝાદ,
ખુશી ફરી વળી, સમગ્ર દેશે ખુબ જશન મનાવ્યો,
દિલ્હીમાં દેશ નેતાઓ ઉજવણીમાં હતા મગ્ન ,
પણ આઝાદીની લડતમાં આગેવાની લેનાર,
દેશ માટે જીવન ખપાવનાર દુખી રાષ્ટ્રપિતા ,
અલિપ્ત રહ્યા, ગેરહાજર રહ્યા એ ઉજવણીમાં,
ક્યાં હતા આ જશન ટાણે, અને શું કરતા હતા ?
કોમી દંગાઓથી દુખી આ દેશનેતા, એ વખતે,
દિલ્હીની ઉજવણીની ખાણી પીણીથી ઘણે દુર ,
બંગાળના નાના ગામડામાં અનશન કરતા હતા ,
એવા નિસ્પૃહી હતા આ દીન દુખિયા મહાત્મા ગાંધી !
કેવી કરુણતા કે ,આઝાદીના માત્ર છ માસ પછી ,
એક ખૂનીના હાથે, દેશ માટે તેઓ શહીદ થઇ ગયા .
દેશ માટે જીવનાર અને મરનાર આ રાષ્ટ્રપિતાને,
શહીદીની ૬૮મી સંવત્સરીએ દિલી સ્મરણાંજલિ .
–વિનોદ પટેલ
The Last Hours Of Mahatma Gandhi
http://www.mkgandhi.org/last%20days/last%20hours.htm
LAST PHOTO OF GANDHIJI – Courtesy- P.K.Davda

Like this:
Like Loading...
Related
ખુબ સરસ સંકલન. વાંચવા ગમ્યું અને ન જાણેલી વાત વાંચવા મળી. ૧૯૪૮માં હું નવ વર્ષનો હતો. સુરતમાં અમારી શેરીમાં ૧૪ કુટુંબો. માત્ર એક પાડોસીને ત્યાં જ રેડિયો. ગાંધીજીના મૃત્યુ સમાચાર થી એમની અંતિમ ક્રિયા સૂધી ૫૦ થી ૬૦ વ્યક્તિ એમના ઘરે ચોંટી રહ્યા હતાં. જેવા હત્યાના સમાચાર આવ્યા કે તરત ફટાફટ સુરતમાં દુકાનો બંધ થઈ ગઈ હતી. કદાચ હત્યારો મુસ્લિમ હોય તો મોટું હુલ્લડ ફાટી નીકળે. જેમનો જન્મ ૧૯૫૦ પછી થયો છે એઓ આજે ગાંધીજીને જૂદીજ ફૂટપટ્ટીથી માપે-મૂલવે છે.
LikeLike
સુંદર સંકલન
કેવી કરુણતા કે ,આઝાદીના માત્ર છ માસ પછી ,
એક ખૂનીના હાથે, દેશ માટે તેઓ શહીદ થઇ ગયા .
દેશ માટે જીવનાર અને મરનાર આ રાષ્ટ્રપિતાને,
શહીદીની ૬૮મી સંવત્સરીએ દિલી સ્મરણાંજલિ .
અમારી પણ
શહીદીની ૬૮મી સંવત્સરીએ દિલી સ્મરણાંજલિ
LikeLike
કુમારપ્પાને પૂછ્યું :‘બોલો સાહેબ ! શું કામ છે ? મને જ લોકો ગાંધીજી કહે છે ! “
LikeLike
Reblogged this on સહિયારું સર્જન – ગદ્ય.
LikeLike
સુંદર સંકલન….આજે વિશ્વ તેમના વિચારોથી માનવતાની સૌરભ ઢુંઢી રહ્યું છે. પ્રતિભાવોથી એ સમયની ક્ષણોની જીવંતતા માણી.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike