અગાઉ વિનોદ વિહારની એક પોસ્ટ જૂની હિન્દી ફિલ્મોના મને ગમતાં પ્રેરક ભાવવાહી ગીતોની મહેફિલમાં કહ્યું હતું એમ જૂની હિન્દી ફિલ્મોનાં ગીતોમાં ફિલ્મની કથાને વણી લઈને એમાં જે ગીત મુકેલું હોય છે એમાં કોઈ એક સુંદર સંદેશ હોય છે .કવિના ભાવવાહી ગીતને જ્યારે જાણીતા ગાયકનો સ્વર અને જાણીતા સંગીતકારના સંગીત અને સુરનો સથવારો મળે ત્યારે એ ગીત દીપી ઉઠે છે.
ઘણીવાર હું કોમ્પ્યુટરમાં યુ-ટ્યુબ ચેનલની સફર કરી જૂનાં ભુલાઈ ગયેલાં ગીતો સાંભળીને મન બહેલાવું છું.આજે આવું ૧૯૮૧ ના ચિત્રપટ “હરજાઈ ” નું કિશોરકુમારે લખેલું અને એણે જ ગાયેલું એક ગીત હૃદયને સ્પર્શી ગયું.
આ ગીતના શબ્દો ખુબ જ ભાવવાહી છે.
આ ગીત અને એનો ગુજરાતીમાં કરેલો મારો અનુવાદ નીચે આપેલો છે.ગુજરાતીમાં કરેલ અનુવાદમાં જ આ ગીતનો આસ્વાદ સમાયો છે.
ગીતનો હિન્દી પાઠ અને ગુજરાતી અનુવાદ વાંચ્યા પછી એની નીચે મુકેલ યુ-ટ્યુબ વિડીયો સાંભળી આ ગીતની મજા માણો .
कभी पलकों पे आंसू हैं कभी लब पे शिकायत है मगर ऐ ज़िदगी फिर भी मुझे तुझसे मोहब्बत है
जो आता है वो जाता है ये दुनिया आनी जानी है यहाँ हर शय मुसाफिर है सफर में जिंदगानी है उजालों की ज़रूरत है अँधेरा मेरी किस्मत है
जरा ऐ ज़िन्दगी दम ले तेरा दीदार तो कर लूँ कभी देखा नहीं जिसको उसे मैं प्यार तो कर लूँ अभीसे छोड़ के मत जा अभी तेरी ज़रुरत है
कोई अन्जान सा चेहरा उभरता है फ़िज़ाओं में ये किसकी आहटें जागी मेरी खामोश राहों में अभी ऐ मौत मत आना मेरा विराना जन्नत है
અનુવાદ
આંખની પલકો પર કોઈ વાર આંસુ છે , મારા હોઠો પર કોઈક વાતની ફરિયાદ છે, છતાં ઓ જિંદગી તારી સાથે મને પ્યાર છે .
જગમાં આવે છે એને માટે જવાનું નક્કી છે, દુનિયા આગમન અને ગમનની જ કથા છે, જગમાં આવતો દરેક જણ એક મુસાફર છે, આ મુસાફરી એ જ જિંદગીનું બીજું નામ છે, મારા જીવનમાં પ્રકાશની મને ખુબ જરૂર છે, પણ મારા નશીબમાં અંધકાર જ લખાયો છે.
ભાગતી જિંદગી તું જરા થોભી જા ,શ્વાસ લે, તારું દર્શન કરી તને જરા ઓળખી લઉં , પહેલાં કદી જોયા ના હોય એમને જોઈ લઉં, એમના તરફ મનભરીને મારો પ્રેમ દર્શાવી લઉં , ઓ જિંદગી મને છોડી રખે તું ભાગી જતી , મને આ સમયે ,અત્યારે, તારી ખુબ જરૂર છે.
કોઈ અજાણ્યો , એક માસુમ શો ચહેરો હાલ . મારી કલ્પનાઓ અને નજર સામે રમી રહ્યો છે, મારા આ ખામોશ રસ્તામાં કોની ઠેસ વાગે છે , ઓ મૃત્યુ આ સમયે તું મને ભેટવા ના આવીશ, મારી એકલતા જ મારે માટે એક સ્વર્ગ જ છે.
અનુવાદ- વિનોદ પટેલ ,૨-૨૭-૨૦૧૬
Lyricist – Singer : Kishor Kumar, Music Director : Rahuldev Burman, Movie : Harjaee (1981)
આવા જ એક બીજા આ ભાવવાહી ગીતની મજા પણ માણી લો.
आदमी मुसाफिर है, आता है, जाता है आते जाते रस्तें में यादें छोड जाता है
झोंका हवा का, पानी का रेला मेले में रह जाए जो अकेला फिर वो अकेला ही रह जाता है
कब छोडता है ये रोग जी को दिल भूल जाता है जब किसीको वो भूलकर भी याद आता है
क्या साथ लाए, क्या तोड़ आए रस्तें में हम क्या क्या छोड़ आए मंज़िल पे जा के याद आता है
जब डोलती है जीवन की नैय्या कोई तो बन जाता है खिवय्या कोई किनारे पे ही डूब जाता है
આ ગીતનો સાર-સંદેશ -આસ્વાદ
આ જિંદગીની રાહમાં મનુષ્ય એક મુસાફર જેવો છે. મુસાફરો આવે છે એટલે કે જન્મે છે અને જાય છે એટલે કે મૃત્યુ પામે છે પણ એમની યાદો પાછળ મુકીને જાય છે.માણસ જતો રહે છે પણ એની યાદો સ્મરણમાંથી જતી નથી.
આ જિંદગી એક હવાની લ્હેર અને પાણીના રેલા જેવી સતત વહેતી રહે છે.જિંદગીના આ મેળામાં સાથી ખોવાઈ જાય-મૃત્યુ પામે પછી જે એકલો રહે છે એને એકલા જ રહેવાનું થાય છે.એક રોગની માફક દિલમાંથી યાદો જતી નથી ,કોઈ વાર ભૂલી જવાય પણ પાછી યાદ તાજી થઇ જાય એવું બને છે.જિંદગીના અંત સમયે એ સમજાય છે કે સાથે શું લાવ્યા હતા અને પાછળ શું મુકીને જઈએ છીએ.ભવસાગરમાં મુસાફરી દરમ્યાન મધ દરિયે જીવનની આ નૌકા જ્યારે ડૂબવા લાગે છે એવા વખતે કોઈ માણસ ને તારણહાર બનીને કોઈ નાવિક મળી જાય છે જ્યારે કોઈ માણસની નૌકા કિનારા પર જ ડૂબી જાય છે. જીવનમાં બધાંને એક સરખું સુખ પ્રાપ્ત થતું નથી.
Lyricist : Anand Bakshi, Singer : Lata Mangeshkar – Mohammad Rafi, Music Director : Laxmikant Pyarelal, Movie : Apnapan (1977)
આજે ગુજરાતી ભાષામાં જે ગણ્યા ગાંઠ્યા હાસ્ય લેખકો છે એમાં ન્યુ જર્સી નિવાસી મારા મિત્ર હાસ્ય લેખક શ્રી હરનીશ જાનીનું નામ એક એવોર્ડ વિજેતા સુપ્રસિદ્ધ હાસ્ય લેખક તરીકે જાણીતું છે.એમના હાસ્ય લેખો અને ગુજરાત મિત્ર અખબારમાં એમની નિયમીત કોલમ ” “ફેર ભી દિલ હૈ હિન્દુસ્તાની “માં પ્રગટ એમના મને ગમેલા ઘણા હાસ્ય લેખો અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ કરવામાં આવ્યા છે.
સીનીયર સિટીઝનોની ખાસિયતો ઉપર હાસ્ય વેરતા એમની આગવી રમુજી શૈલીમાં લખાયેલા શ્રી હરનીશભાઈના બે લેખો ….
(૧)સિનીયરોનું –દામ્પત્ય મંગલમ્ ...અને (૨) સીનીયરનામા શ્રી હરનીશભાઈ ના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.
સિનીયરોનું –દામ્પત્ય મંગલમ્ હાસ્ય લેખ જાન્યુઆરી ૨૦૧૬ના નવનીત-સમર્પણ માસિકમાં પણ પ્રસિધ્ધ થયેલ છે .
આ બે હાસ્ય લેખો ખાસ કરીને મારા જેવા અનેક સીનીયર સિટીઝનોના મુખ પર સ્મિત અને હાસ્ય લાવી દેશે અને મને ગમ્યા એમ એમને પણ ગમશે એની મને ખાતરી છે .
વિનોદ પટેલ
સિનીયરોનું –દામ્પત્ય મંગલમ્ …. હાસ્ય લેખ …..
લેખક- શ્રી હરનિશ જાની.
ઘણા સિનીયરોને (ડોસાઓને),યાદ જ નથી હોતું કે તેઓ પરણેલા છે. અને આનંદની વાત એ છે કે તેમને તે યાદ કરાવવા તેમની પત્ની ત્યાં હાજર હોય છે. અને સિનીયરોને તેઓ પરણ્યા કેમ ? એમ પૂછો તો તેમણે વિચારવું પડે કે તેઓ કેમ પરણ્યા છે? સ્ત્રીઓને પૂછો તો કહેશે કે અમારે જીવનમાં સેટલ થવું હતું. પરણીને પુરુષ સેટલ નથી થતો. સરન્ડર થાય છે. જ્યારે સારી નોકરી મળે ત્યારે પરુષ સેટલ થયો ગણાય. એટલે પુરુષોની એ દલીલ પણ ધોવાઈ ગઈ. અને પ્રશ્ન તો ઊભો રહે જ છે. કે પરણ્યા કેમ? જુની હિન્દી ફિલ્મોમાં જ્હોની વોકર કહેતો કે “પાગલ કુત્તેને કાટા થા ઈસી લિયે શાદી કી.”
મારા બાલુકાકાને એ જ સવાલ પૂછયો તો કહે ” કે ભાઈ, મને વરઘોડાનો શોખ હતો. લોકોના જેટલા વરઘોડા જોતો ત્યારે એમ જ થતું કે આપણો વરઘોડો ક્યારે નિકળશે? મેં આ વાત દાદાને કરી .અને તેમણે ધામધુમથી વરઘોડો કાઢીને પરણાવ્યો. પછી બધા તો છુટી ગયા. અને મારે તારી કાકી સાથે રહેવાનું થયું. અમે તો લગ્ન પહેલાં કદી માળ્યા નહોતા. મને ખબર નહોતી કે એને મારી કોઈ વાત ન ગમે તો ગુસ્સે થઈ,વસ્તુઓને મારા તરફ ફેંકવાનું ગમે છે.”અને મને મારો જવાબ મળી ગયો.
પુરુષને વરઘોડો–લગ્ન સમારંભ અને લગ્નનો દિવસ ગમે છે. લગ્નમાં મહાલવા માટે એક દિનકા સુલતાન બનવા લગ્ન કરવા ગમે છે. અને લોકોએ પણ એને ચઢાવ્યો અને રાજાનું સંબોધન કર્યું. અને વાંદરને દારૂ પીવડાવ્યો. લગ્નદિન એટલે જાણે લગ્નજીવનના પુસ્તકનું કવર. તેના પરથી પુસ્તક પસંદ કરવા જેવું, અંદર શું છે તે સરપ્રાઈઝ છે. અને મોટે ભાગે એ સરપ્રાઈઝ જ નિકળે છે. વાત એમ કે લગ્ન જુવાનીમાં થાય છે. જુવાનીની કાંઈ ઓર ખુમારી હોય છે. જુવાનીમાં બીજા પરણેલાઓને જોવા જેટલી પણ બુધ્ધિ હોતી નથી. જગતમાં કોઈ જુવાન પુરૂષ ને પોતાના જેવું કોઈ હોશિયાર લાગતું જ નથી એ કદી મૂર્ખાઈ કરતો જ નથી.
અહીં ,અમેરિકન આર્મીમાં હાઈસ્કુલના છોકરાઓ વધુ જોડાય છે. આર્મીમાં આલ્કોહોલ અને સિગારેટ મફત મળે. અને ઘેર માબાપ પીવાની ના પાડે. તેમને યાદ નથી રહેતું કે સિગારેટ પીધા પછી સાચી ગોળીઓ ખાવાની હોય છે. લગ્નમાં વરઘોડા દેખાય છે. પણ પાછળ યુધ્ધ પણ હોય છે. પરંતુ બધા જુવાનો, અર્જુન જેવા હોય છે. તેમને માછલી જ દેખાય છે. એ માછલી પાછળની સ્ત્રી નથી દેખાતી. કૌરવો હોશિયાર હતા. તે પણ ધનુર્વિદ્યામાં પ્રવિણ હતા. પણ એમને જેવી ખબર પડી કે જો માછલીની આખ વિંધીશું તો દ્રૌપદીને પરણવું પડશે કે દુર્યોધને બધાંને જણાવી દીધું કે બેસી જ રહેજો.
અને કૌરવોએ માછલીની આંખ વિંધવાનું માંડી વાળ્યું. જો પછી શું થયું ? મહાભારત થયું. દુર્યોધન સાચો પડ્યો ને!
આજકાલ સાઠવરસની ઉંમર સિનીયરમાં નથી ગણાતી.તેમ જ આધેડ વય પણ ન ગણાય.કારણ કે મારા એક સાઠ વરસના મિત્ર પોતાને આધેડ વયના ગણાવે છે. તો મારે કહેવું પડ્યું કે ‘ જો તમે કોઈ એક સો વીસ વરસના ડોસાને જોયો છે? અને હવે દવાઓ એટલી બધી શોધાય છે ને કે પહેલેના જમાનામાં સાઠ વરસે આવતો હ્દય રોગ તો આજે લગભગ કંટ્રોલમાં આવી ગયો છે.
પહેલાંના જેવી બિડીઓ પણ પીવાતી નથી. એટલે કાંઈક અંશે લંગ્સ કેન્સર ઓછા થઈ ગયા છે. એટલે સિત્તેરના સિનીયર તો તમને સામાન્ય રીતે મળી રહે. હું અને મારા પત્ની બન્ને સિત્તેરના થયા.અત્યાર સુધી તે પચાસની હતી. અને એકાએક તેણે નક્કી કર્યું કે હવે ઉંમર ખેંચાય તેમ નથી. તો લોકોને કહે કે હું પંચોતેરની છું તો બીજી સ્ત્રીઓ કહે કે,” ના હોય, મને તો તમે સાઠના લાગો છો. તો એ તેને ગમે છે.
એક દિવસે તે ટી.વી. પર હિન્દી ચેનલ જોતી હતી. મેં જોયું તો સાઉન્ડ ઓફ હતો..મેં કારણ પૂછ્યું તો કહે કહે કે “મને બહુ અવાજ નથી ગમતો”
‘ તો પછી ટીવી બંધ કરીને બેસને .‘ ૪
‘ના તો પછી એકલું લાગે છે. અને તું જો સાથે બેઠો હોય તો તું તો સોફામાં બેઠો બેઠો ઊંઘે છે.‘
મારા પત્નીજીને હિન્દી સિરીયલો ગમે છે. તે પણ સાઉન્ડ ઓફ કરીને જુએ છે. કારણં? હિન્દી સિરીયલોમાં ડાયલોગ જેવું કાંઈ હોતું નથી. ફક્ત સ્ત્રીઓના લેટેસ્ટ ફેશનના ડ્રેસિસ જોવા ગમે છે. કોઈના લગ્ન વખતે એમના જેવી સાડી પહેરવાની કામ લાગે. બીજું તો કાંઈ નહીં પણ હિન્દી સિરીયલોની, પત્નીજી પર એટલી અસર થઈ છે કે તે હવે બેડરૂમમાં સુવા આવે છે. ત્યારે કોઈના લગ્નમાં તૈયાર થઈને જતી હોય એમ મેક અપ સાથે આવે છે.
રિટાયર્ડ થયા પછી એક મ્યાનમાં કદાચ બે તલવાર રહી શકે.પરંતુ પતિ,પત્ની બન્ને ,એક સાથે સોફા પર ન બેસી શકે. ખરેખર તો મને એવું લાગે કે અમે બન્ને કારમાં બેઠા છીએ. અને કારની ટેવ મુજબ,.રીમોટ કંટ્રોલ મારા હાથમાં હોય પણ મિનીટે મિનીટે ચેનલ બદલવાનું એ કહે છે.
જો કોઈ દવાની કમર્શિયલ આવે તો તે મારા સામું જોયા કરશે. પછી હું આશ્ચર્યથી એના સામું જોઉં અને પૂછું ‘શું છે મને ટગર ટગર જોયા કેમ કરે છે?‘
‘ના એ તો જોઉં છું કે તને બેઠા બેઠા હાંફ ચઢે છે કે નહીં? આ લોકો જે દવા બતાવે છે .તે લઈએ તો હાંફ બંધ થઈ જાય.‘ દરેક દવા મારે લેવી જોઈએ એ એમ માને છે. એક વખતે સોફામાં બેઠા બેઠા મારા પગ લાંબા ટૂંકા કરાવતી હતી. અને મારી નજર ટીવી પર ગઈ તો અંદર કમર્શિયલ ચાલતી હતી, પગના મસલ્સ મજબુત કરવા કેલ્શિયમની ગોળીઓની. પછી હું સમજી ગયો કે મારા પત્નીને મારી હેલ્થની બહુ ચિંતા રહે છે. એટલી હદે કે રાતે બેડમાં ઊંઘતો હોઉં તો ય ઊઠાડશે. ‘તારા નશ્કોરાં નહોતા બોલતા અટલે ચેક કરતી હતીએ બધું બરાબર છે ને!
પેલા ભરતભાઈને ઊંઘમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. અને પછી બિચારા માલતીબેનને લોકો કેવું સંભળાવતા હતા? ‘ અને તારી ચિંતામાંને ચિંતામાં મને ઊંઘ નહોતી આવતી. ચાલ હવે નિરાંત થઈ. હવે સુઈ જવાશે.‘
“પણ તેં મને ઊઠાડી દીધો .હવે મને ઊંઘ નહીં આવે.”
“ધેટ ઈઝ યોર પ્રોબ્લેમ, કાલે તારા માટે ટીવી પરથી કોઈ દવા શોધી કાઢીશ.મને સુવા દે.”
વસ્તુ એ છે કે સિનીયર અવસ્થામાં સ્ત્રી અને પરુષ બન્નેને સાથે સુવાનું કારણ જ નથી હોતું સિવાય કે એકમેકને ઊંઘ આવે છે કે નહીં તે ચેક કરવાનું , અને સાથે સુતા હોય તો અડકવાનું નહીં કારણ કે અડધી રાતે કોઈ અડકે તો ઝબકીને જાગી જવાય છે.
પુરુષોને લગ્ન કરવાનો શોખ હોય તો પત્ની તો દેખાવડી શોધે નાક આશા પારેખ જેવું અને આંખો હેમા માલિનીના જેવી .પરંતુ તેમને ખબર નથી હોતી કે આંખ અને નાક કરતાં જીભ અગત્યની છે. મતલબ કે રૂપ રંગ જુવાનીના ચાર દિવસના અને સિનીયરનો
સ્વભાવ અંત સુધી રહેવાનો. એ વાતની કોઈ પણ પુરુષને ખબર નથી. હિન્દી ફિલ્મોમાં શમ્મીકપુર અને આશા પારેખ સાથે તેમના મા બાપના રોલમાં ઓમ પ્રકાશ અને તેની ભાગ્યવાન પત્ની લલિતા પવાર પણ હોય છે. તે સિનીયર જોડી કાયમ લડતી ઝગડતી હોય છે. જુવાનોએ નજર આશા પારેખ કરતાં લલિતા પવાર પર રાખવી જોઈએ. તો ખબર પડે કે બધી લલિતા પવારો જુવાનીમાં આશા પારેખો જ હતી.
મોટા ભાગના જુવાનીયાઓ લગ્ન કરે છે. ત્યારે ધાર્મિક નથી હોતા.
અને સિનીયર વરસોમાં વરરાજા સાધુ બની જવાના વિચાર કર્યા કરે છે. અને તે ક્યારે સાધુ થાય છે.એની રાહ જોતી વહુરાણી બેઠી હોય છે. કુર્યાત્ સદા મંગલમ્.
સીનીયર નામા -હાસ્ય લેખ – હરનીશ જાની
જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
કાગ વાણી – ભાગ 1 થી 7, વિનોબા બાવની, તો ઘર જશે, જાશે ધરમ, શક્તિચાલીસા, ગુરુમહિમા, ચંદ્રબાવની, સોરઠબાવની.
================
૨૨મી ફેબ્રુઆરીએ ”કાગ બાપુ” કે “ભગત બાપુ ” સોરઠી ગુજરાતી સાહિત્યમાં ખુબ જાણીતા કવિ પદ્મશ્રી સ્વ. દુલા ભાયા કાગની ૩૯ મી પુણ્યતિથી છે.
ચારણ કુળમાં જન્મેલા કાગ બાપુનો ચારણી છાંટવાળો શબ્દદેહ,ભજન, પ્રાર્થના, દુહા જેવા સ્વરૂપોમાં આજે પણ જીવી રહ્યો છે અને એમનો કાવ્ય વારસો સ્વ.મેઘાણીની જેમ લોક સાહિત્યમાં હમેશાં જીવિત રહેવાનો છે.
કાગની રચનાઓ લોકબોલીમાં, તળપદી શૈલીમાં સહજ રીતે ખૂબજ ભાવપૂર્વક ઘણું કહી જાય છે અને ખૂબ ગહન, વિચારપ્રેરક અને ચિંતનપ્રદ બોધ આપી જાય છે.
લોક સાહિત્યમાં શિરમોર સમા અને ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરથી નવાજ્યા હતા એ સ્વ, ઝવેરચંદ મેઘાણીએ દુલા ભાયા કાગની કવિત્વ પ્રતિભાને નીચે મુજબ સુંદર શબ્દોમાં બિરદાવી છે.
મેઘાણીના દુખદ અવસાન પછી મહાત્મા ગાંધીજી ઉપરાંત સરદાર વલ્લભભાઈ ,કાકા કાલેલકર,રવિશંકર મહારાજ જેવા અનેક મહાનુભાવોએ એમને અંજલિઓ (Tributes) આપી હતી .
કવિ દુલા ભાયા કાગે નીચેનો દોહરો રચી મેઘાણીને અંજલી આપી હતી.
શ્રી પી.કે.દાવડા એ એમની ભક્ત કવિઓની શ્રેણીમાં સ્વ. દુલા ભાયા કાગ વિષે એમના ઈ-મેલમાં જે ભજનો કાવ્યો અને દુહાઓ ઈ-મેલમાં મોકલેલ એમાંથી કેટલીક પ્રસાદી એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.
દુલા ભાયા કાગના દોહા …. આસ્વાદ ….શ્રી પી.કે.દાવડા
લોકબોલીમાં અને તળપદી ગુજરાતીમાં લખાયલા આ દોહામાં જ્ઞાનનો ખજાનો છે.
હે કાગ ! લીંબડાનાં સર્વ અંગ કડવાં હોય છે. મૂળિયાથી એનાં ફળ (લીંબોળી) સુદ્ધાં કડવાં હોય છે. પણ એની છાંયડી ઠંડી અને મીઠી હોય છે. એ કડવી લાગતી નથી. ખરાબમાં પણ એકાદ ગુણ સારો હોય છે.
હેવા કુળના હોય, લાંઘણિયો લટકે નંઈ; કુંજર જમવા કોય, કરે ન ઘાંઘપ, કાગડા !
હે કાગ ! જેના કુળ-કુટુંબના જે હેવા (ટેવ) હોય તે પ્રમાણે જ તે વરતે છે. હાથી ઘણા દિવસોનો ભૂખ્યો હોય, છતાં જમતી વખતે ઉતાવળ કરતો નથી. તેનો માવત તેને રીઝવે – બિરદાવે છે, પછી જ તે ધીરેથી ખાય છે – ઘાંઘો (ઉતાવળો) થતો નથી.
હે કાગ ! અંત:કરણમાં ઘાત (કપટ) હોય અને માણસ મોઢેથી મીઠી મીઠી વાતો કરતો હોય, પણ કુશળ અને ચતુર માણસના હૃદયની વાતને પણ તેની આંખો કહી દે છે, અર્થાત આંખમાં અંદરના મનનું પ્રતિબિંબ ઝબક્યા વિના નથી રહેતું
એક દેડકો ઠેકી ઠેકીને મચ્છર ગળતો હતો, ત્યાં પાછળથી મોટો જાંજડ (નાગ) આવ્યો અને તેણે દેડકાને પાછલા ભાગમાંથી પકડ્યો; છતાં દેડકો તો મચ્છર સામે ઠેકડા મારતો હતો. સરપ દેડકાના અરધા શરીરને ગળી ગયો, ત્યાં સુધી ખબર પડી નહિ કે મને પણ કાળે પકડ્યો છે.
સે દોરે સિવાય, માઢુ-કુળ એક જ મળ્યાં; વાળે નો વીંધાય, (તો) કાપડ ફાટે, કાગડા !
હે કાગ ! કપડું કાયમ દોરાથી જ સિવાય-સંધાય છે, કારણ કે બંનેનું એક જ કુળ છે, જેથી દોરાને અને કાપડને મેળ મળી જાય છે. ઝીણામાં ઝીણો અને પાતળો હોય તો પણ વાળાથી – તારથી કપડું સિવાતું નથી, ઊલટું ફાટી જાય છે.
જમવા કારણ જોય, મનગમતાં ભોજન મળે; જેને હૈડે વ્યાધિ હોય, કડવું લાગે, કાગડા !
હે કાગ ! ખાવા માટે પોતાને રૂચે એવો ખોરાક થાળીમાં પીરસ્યો હોય, પણ જેને તાવ આવતો હોય અથવા શરીરનો કે મનનો કોઈ વ્યાધિ કે દુ:ખ હોય, એને એ મનગમતાં ભોજન પણ કડવાં ઝેર લાગે છે.
જળથી ભરિયાં જોય, તે વાસણ તાંબા તણાં; ટાકર મારો તોય, કદી ન બોલે, કાગડા !
હે કાગ ! પાણીથી ભરેલ તાંબાનો અથવા કોઈ ધાતુનો હાંડો, ગાગર કે કોઈ વાસણ હોય, એને ટકોરો મારે છતાં એ અવાજ આપતું નથી, કારણ કે જે સંપૂર્ણ ભરેલ હોય, એ ફાવે તેમ બોલ્યા કરતું નથી, અથવા એને ક્રોધ ચડતો નથી.
જુવો વૃખ જેતાં, તપસી ને ખાટકીઓ તણે; દિલ છાંયો દેતાં, કરે ન ટાળો, કાગડા !
હે કાગ ! ઝાડવાંઓનો કેવો સમદષ્ટિવાળો સ્વભાવ છે ! એમની નીચે પ્રાણીઓને હણનાર ખાટકી કે પારધી આવે, તો એને પણ શીતળ છાયા આપે છે અને વેદપાઠી બ્રાહ્મણ તપસ્વી આવે, તો એને પણ પોતાની છાંયડી આપે છે – કોઈ સાથે ભેદભાવ રાખતાં નથી.
હે કાગ ! જેના ચિત્તમાં કદી સંતોષ કે શાંતિ હોતી નથી અને કાયમ રોષના અગ્નિથી જે બળ્યા કરે છે, તે આખા જગતના અવગુણો જ જોયા કરે છે, કારણ કે તેને કુમતિ આવી હોય છે.
શીળો સારો હોય તો, બાવળનેય બેસાય; (પણ) શૂળું નો સંઘરાય, કોઠી ભરીને કાગડા !
પોતાને ઉપયોગી થાય એવું કોઈ ઝાડ પાસે ન હોય અને ફક્ત બાવળ જ હોય, વળી તેનો છાંયો ઘાટો હોય તો તે બાવળને છાંયે સુખેથી બેસાય છે, પણ તેથી તેના કાંટાનો કોઠી ભરીને ઘરમાં સંગ્રહ ન થાય. અર્થાત્ કોઈ વસ્તુનો ગુણ હોય તેનો ઉપયોગ કરવો, પણ તેની જ સાથે રહેલી અવગુણકારક અથવા નકામી વસ્તુ પર મોહ ન રાખવો.
ચોરી એવી વસ્તુ છે કે કોઈના ઘરમાં જરતી નથી, હજમ થતી નથી, તેનો દાખલો કે સૂર્ય પોતાનાં કિરણો વડે સમુદ્રનુ જળ, આઠ મહિના ચોર્યા કરે છે. પણ ચોમાસામાં અષાઢ મહિનામાં તે પાણી સૂર્યને ઓકી કાઢવું પડે છે. બીજાનું હરીને લઈ લીધેલું કાયમ કોઈ ભોગવી શકતું નથી.
પાણી પણ એક જ પીએ, આંબામાં ઊભો હોય; (પણ) નેસળ મીઠો નોય, કડવો લીંબડ, કાગડા !
આંબાના વનમાં લીંબડો ઊગ્યો હોય, તે આંબાની સાથોસાથ એક જ જાતનું પાણી પીએ છે. આંબાની ડાળ સાથે પોતાની ડાળ ઘસીને હિલોળા મારતો હોય છે, કાયમ આંબાનો જ એને સંગ છે, પણ એના બીજમાં જે કડવાશ કુદરતે નાખી છે, તે ગમે તેવા મીઠા સંજોગોમાં પણ બદલાતી નથી. એટલે એ લીંબડો આંબાની વચ્ચે જ મોટો થયા છતાં કોઈ દિવસ એની કડવાશ તજી મીઠો નથી થાતો.
પદ્મશ્રી દુલા ભાયા ‘કાગ’નાં ભજનો-ગીતો
મોજમાં રેવું
મોજમાં રેવું મોજમાં રેવું, મોજમાં રેવું મોજમાં રેવું રે. અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રેવું સંસાર ખોટો કે સપનું ખોટું સૂઝ પડે નઇ રે, યુગ વિત્યા ને યુગની પણ જુઓ સદીયુંથઇ ગઇ રે મરમી પણ ઇનો મરમ ન જાણે કૌતુક કેવું રે….મોજમાં…. ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો ગહન ગોવિંદો રે. ઇ રે હરી ભગતું ને હાથવગો છે પ્રેમ પરખંદો રે આવા દેવ ને દીવો કે ધૂપ શું દેવો દિલ દઇ દેવું રે…મોજમાં … લાયલાગે તોયે બળે નહીં એવા કાળજા કીધા રે જીવન નથી જંજાળ જીવન જીવવા જેવું રે….મોજમાઁ… રામક્રૂપા એને રોજ દિવાળી રંગના ટાણા રે કામ કરે એની કોઠી એ કોઇ દિ’ ખૂટે ન દાણા રે કીએ અલગારી કે આળસુ થઇ ભવ આયખું ખોવું રે…મોજમાઁ…
(આ પ્રસંગને માત્ર ગુજરાતના કવિઓએ જ નહિં, પણ અનેક ભાષાઓના અનેક કવિઓએ વર્ણવ્યો છે. દુલાકાગનું આ ભજન અનેક ગાયકોએ ગાયો છે,અને છેલ્લી બે-ત્રણ પેઢીયોએ સાંભળ્યો છે.)
૨૧ મી ફેબ્રુઆરી નો દિવસ વિશ્વભરમાં માતૃભાષા દિવસની ઉજવણીનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે.
વૈશ્વીકરણના ઝડપથી બદલાઈ રહેલ આજના સમયમાં કોઈ પણ દેશ કે રાજ્યની માતૃભાષા ટકી રહે તેમ જ તેનું મહત્વ જળવાઇ રહે એ માટે જરૂરી પ્રયાસો હાથ ધરવા માટે કટિબદ્ધ થવાનું આહ્વાહન કરતો આ દિવસ છે.
ગુજરાતી ભાષાની આજની હાલત અને એના ભાવી વિષે વિચારકોમાં અવાર નવાર ચિંતાઓ વ્યક્ત થતી રહે છે. આજે ગુજરાતી ભાષા લુપ્ત તો થઇ રહી નથી ને ? એવી શંકાઓ પણ કરવામાં આવે છે.
ભારતમાં પહેલાં દેવ ભાષા ગણાતી સંસ્કૃત ભાષાનું ભારે ચલણ અને વર્ચસ્વ હતું.આજે એની શું હાલત છે ?આજે સંસ્કૃત ભાષા જાણનાર અને બોલનાર લોકોની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી થઇ ગઈ છે.વિશ્વમાંથી દર વર્ષે ૧૫ જેટલી ભાષા લુપ્ત થઇ નાશ પામે છે.
કવિ ખબરદાર રચિત કાવ્ય પંક્તિઓ “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ”ને આપણે વારંવાર બોલતા હોઈએ છીએ.પરતું વિદેશોમાં વસતા યુવાનોને ગુજરાતીમાં આજે બહુ રસ નથી દેખાતો . મારા મિત્ર શ્રી આનંદરાવ લિંગાયત કહે છે એમ જે ભાષા રોટલો રળી આપવામાં કામ ના આવે એ ભાષાનું ભાવી ખતરામાં પડે છે.
વિદેશમાં વસતા ગુજરાતીઓમાં આથી જ ગુજરાતી ને બદલે અંગ્રેજીનું ચલણ વધુ જોવા મળે છે અને એમની નવી પેઢી માટે તો ગુજરાતી ભાષા એક વિદેશી ભાષા જેવી જ અનજાન બની ગઈ છે.
અંગ્રેજી ભાષાનો વધતો જતો પ્રભાવ એ ચિંતાનું એક કારણ તો છે જ પરંતુ ગુજરાતી ભાષાના હજારો શબ્દો લુપ્ત થતા જાય છે અને અને અંગ્રેજીના ઘણા નવા શબ્દો એમાં ઉમેરાતા જાય છે એ બીજી ચીંતા વ્યક્ત થાય છે.ગુજરાત સમાચારના એક અહેવાલ પ્રમાણે ગામડાઓમાં બોલાતી રોજિંદી ગુજરાતી ભાષામાં ૨૦ ટકા અંગ્રેજી શબ્દો અને શહેરી વિસ્તારોમાં લગભગ ૪૦ ટકા અંગ્રેજી શબ્દો ઘૂસી ગયા છે. આમ ગુજરાતી અને અંગ્રેજીના મિશ્રણથી બનેલી એક નવી “વર્ણ શંકર ભાષા -ગુજરેજી ” નું ચલણ વધી રહ્યું છે.
આવી “વર્ણ શંકર ભાષા -ગુજરેજી ” વિષે કટાક્ષ કરતા બે હાસ્ય લેખો ….
૨. શ્રી નિર્મિશ ઠાકર લિખિત “ઇંગ્લિશ મીડિયમવાળાનું ગુજરાતી-ગુજરેજી ” આજના વિશ્વ માતૃભાષાના દિવસે આજની પોસ્ટમાં વાચકો માટે પ્રસ્તુત છે.
આ હાસ્ય લેખોમાં કરેલ કટાક્ષને હસી કાઢવા જેવો નથી પરંતુ એને ગંભીરતાથી લઈને આપણી ગુજરાતી ભાષાની અસ્મિતા,શુધ્ધતા જાળવવા તથા ભાષાનો પ્રચાર, પ્રસાર,સંવર્ધન અને વિકાસ માટે આજના વિશ્વ માતૃભાષાના દિવસે સુજ્ઞ વાચકો વિચારે અને જે શક્ય હોય એ બધું કરી છૂટવા નિશ્ચય કરે એવી આશા રાખીએ.
ધીમે ધીમે વિશ્વ એકાકાર થઈ રહ્યું છે. એક વિશ્વ, એક ભાષા, એક સંસ્કૃતિ તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ. એના મોટામોટા ફાયદાઓ વચ્ચે નાનાં નાનાં નુકસાનો પણ છે. પિઝા અને બર્ગરના યુનિફોર્મ, સ્ટાન્ડર્ડ સ્વાદથી દાળઢોકળીના સ્વાદનું અલાયદાપણું આપણે ગુમાવી રહ્યા છીએ. આપણે ત્યાં ગુજરાતમાં દર સો કિલોમીટરે દાળનો સ્વાદ આગવો હોય છે. સુરતની દાળ જુદી, અમદાવાદની જુદી અને રાજકોટની જુદી (મુંબઈની દાળ, રામો ક્યાંનો છે? મરાઠી, ઉડિયા, બંગાળી…એના પર આધાર રાખે છે) તો પ્રાદેશિકતા અને સ્થાનિકતાની પણ એક સુવાસ હોય છે, એ સુવાસનું ભાવિ હવે ભયમાં છે.
બાર ગાઉ બોલી બદલાય એવી કહેવત હતી પણ વિશ્વમાંથી દર વર્ષે ૧૫ જેટલી ભાષા નાશ પામે છે.લાગે છે કે બસો-બારસો વર્ષ પછી વિશ્વમાં એક જ ભાષા બોલાતી હશે. બાકીની ભાષાઓ મ્યુઝિયમમાં હશે.
દસ વર્ષ પહેલાં કવિતાના કાર્યક્રમો માટે ઈંગ્લેન્ડ ગયો હતો ત્યારે સાતે સાત કાર્યક્રમમાં ઓડિયન્સ પંચાવનની ઉપરનું હતું, કારણ? યુવાનોને ગુજરાતીમાં રસ નથી. ઈંગ્લેન્ડ કે અમેરિકામાં ગુજરાતી ભાષાની શું હાલત છે એ તો જૂનો ટોપિક છે. હવે સ્વર્ગસ્થ ટોપિક ગણાય, પણ ગુજરાતમાં ય હવે તો ભાષાસાહિત્ય, કવિતા કે કલાના કાર્યક્રમ વખતે વાલ્મીકિને થયેલો એવો શોક થાય છે અને શ્લોક સ્ફૂરે છે.
જ્યાં સ્નાન કરવા ઊતર્યો બિલકુલ સૂકી નદી છે,
એ લુપ્ત થઈ ચૂકી છે એ તો સરસ્વતી છે
વસ્ત્રહરણનું સાહસ ને એકલો દુઃશાસન,
કંઈકેટલાની એમાં નિઃશબ્દ સંમતિ છે
ચંદ્રકાંત બક્ષીજીએ એક વાર કહ્યું હતું કે જ્યાં સુધી દેશવિદેશમાં વસતાં ગુજરાતીઓના ડાઇનિંગ ટેબલ પર ગુજરાતી અથાણું રહેશે ત્યાં સુધી ગુજરાતી ભાષાને કાંઈ થવાનું નથી.એમની આ શ્રદ્ધા પર શ્રદ્ધા રાખી અમે સૌ કવિઓએ હવે કવિતા લખવાનું બંધ કરી અથાણાં વેચવાનું નક્કી કર્યું છે.
ગુજરાતી ભાષા મરી જશે એવું કહેવાને બદલે મરી રહી છે એવું કહેવું વધારે યોગ્ય હશે. આપણાં દાદા-દાદી પાસે, આપણાં મા-બાપ પાસે ભાષાની જે સમૃદ્ધિ, કહેવતો, મહાવરાઓનો જે વૈભવ હતો એનો અંશ પણ આપણી પાસે છે કે? એમની પાસે જીવનની દરેક બાબતને સ્પર્શતી કહેવતો હતી. કથા હતી, કહેણી હતી. આપણી ગુજરાતી ભાષા દિનપ્રતિદિન ચપટી અને ચળકાટ વગરની બનતી જાય છે.
બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો વિરોધ નથી પણ એમને ગુજરાતી ભાષા, કલા, સંસ્કૃતિ અને પરંપરાની ઉજળી બાજુઓ…જવા દો વાત…કૂવામાં હોય તો હવાડામાં આવે ને.
શોધું છું પુત્રમાં ગુજરાતીપણું,
શું મેં વાવ્યું છે, હવે હું શું લણું
આ વસિયત લખી ગુજરાતીમાં
પુત્ર એ વાંચી શકે તો ય ઘણું
ગુજરાતમાં ય હવે છોકરાઓને ગુજરાતીમાં અભિવ્યક્ત થતાં આવડતું નથી. આજકાલના યુવાનો કેવું ગુજરાતી (અને કેવું ઇંગ્લિશ) બોલે છે એનો એક નમૂનો પ્રસ્તુત છે.
એક ગુજરાતી યુવાનનો વાર્તાલાપ.
યુ સી ગુજરાતી લેંગ્વેજમાં થોટ્સ એક્સપ્રેસ કરવાનું થોડું ઓડ લાગે છે. બીકોઝ કે ધ હોલ એજ્યુકેશન આઈ ટૂક એ બધું, એક્ચુઅલી, આઈમીન, ઈંગ્લિશમાં હતું.
યુ નો, ધેર ઈસ એ સિક્રેટ અબાઉટ હું કેવી રીતના બોલું છું. એકચુલી વ્હેન આઈ સ્ટાર્ટ સ્પીકિંગ અ સેન્ટેન્સ ઇન ઈંગ્લિશ હાફ વે વોટ હેપંસ, યુ નો… મારે બાકીનું વાક્ય ગુજરાતીમાં પૂરું કરવું પડે છે.આવું ઇંગ્લિશ બોલવા કરતાં તો ગુજરાતી બોલવું ઇઝ મચ મચ બેટર એમ વિચારી ગુજરાતી બોલવા જાઉં છું. તો આઈ ડોન્ટ ફાઇંડ પ્રોપર…શું કહેવાય? ગુજરાતી વર્ડ્સ ના મળે યાર.. સો આઈ મિક્ષ અપ. સમ ટાઇમ્સ કોઈ ર્પિટક્યુલર વસ્તુ માટે મને ગુજરાતી વર્ડ ખબર નથી હોતો અને એટ ધ સેઇમ ટાઇમ એને ઇંગ્લિશમાં શું કહેવાય તે પણ યાદ આવતું નથી. મેની ટાઇમ્સ મારી બોથ ધ લેંગ્વેજની વોકેબલરી મને દગો આપે ત્યારે મારા હેંડસ અને મારા શોલ્ડર્સ મારી મદદે આવે. મોસ્ટ ઓફ ધ ટાઇમ આઈ એડ અપ ટોકિંગ વિથ માય હેંડસ. યુ સી…પીપલ અંડરસ્ટેન્ડ… નાવ ઇમેજિન કે હું ઠૂંઠો હોત તો મારું શું થતે? કોઈ વાર શોચવા જાઉંને તો…પેલું શું કહેવાય? બહુ…શરમના…ના…એનાથી બેટર વર્ડ છે…હં. ક્ષોભ.. જો કેવું યાદ આવી ગયું? હવે એ ના પૂછશો કે ઈંગ્લિશમાં એને શું કહેવાય. કોઈ પૂછે ને ન આવડે તો હું એમ્બેરેસિંગ લાગે.
ગોટપીટ કરીને આપણાં ગુજરાતીઓને તો બનાવી જવાય, પણ યુસી, નવરાત્રિમાં મારી ફોરેનર ફ્રેન્ડ આવી’તી. મેં કહ્યું ‘થિસ ઈઝ અવર નાઇન નાઇટ્સ’ ગરબો ચાલતો’તો. મેં કહ્યું ‘ધિસ ઈઝ અવર રોટેટિંગ ડાન્સ’. ‘‘તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે આ તો કહું છું રે પાતળિયા તને અમથું.’’ મને પૂછે ‘વોટ ડુ ધિસ લાઇંસ મીન?’ આઈ સેઇડ, ‘વી જસ્ટ સિંગ ઈટ, વી હેવ સ્ટોપ્ડ ઇંટરપ્રિન્ટિંગ ધેમ સિંસ માય ગ્રાંડમાઝ ટાઇમ.’ આઈ મીન યુ સી. તમે એમ ને એમ ગરબાનો મતલબ કેવી રીતે સમજાવી શકો? યુ નો પહેલાં તો ગુજરાતી આવડવું જોઈએ. પછી અંગ્રેજી આવડવું જોઈએ. આ ફોરેનરો પણ છે ને મોટી લપ હોય છે. આપણે ગુજરાતીઓ ફોરેન જઈએ તો કોઈને કશું પૂછીએ છીએ? ચૂપચાપ એફિલ ટાવર સાથે ફોટો પડાવીને આવતાં રહીએ છીએને?
ઈટ્સ ક્રેઝી, મારી ફોરેનર ફ્રેન્ડ કહે કે મારે થોડા ગુજરાતી વડ્ર્સ શીખવા છે. મને થયું કે મને તો આવો વિચાર આવ્યો જ નંઈ. તમે જ કો’ હવે ગુજરાતીમાં એને હું શું શીખવું? ગુજરાતીમાં ગાળો પાક્કી આવડે છે. બૂલશીટ. અંગ્રેજીમાં તો એય ન આવડે. અંગ્રેજીમાં રિકવેસ્ટથી થોડી વાત કરી શકું બાકી ઝઘડો તો ગુજરાતીમાં જ ફાવે. એમાં ય જો કે સુરતી, પાલનપુરીની સામે તો કાચો જ પડું. મારાં દાદી મારા માટે કે’ છે, બાવાના બેય બગડયા… નાવ ડોન્ટ આસ્ક મી વોટ ઈટ મીસ. સમટાઇમ્સ શી સેઇઝ ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો. આઈ અંડરસ્ટેન્ડ કૂતરો એન્ડ ઘર, બટ આઈ ડોન્ટ અંડરસ્ટેન્ડ ધોબી એન્ડ ઘાટ. ઈટ સીમ્સ ફની એન્ડ સાર્કાસ્ટીક. આઈ ટોલ્ડ દાદીમા ટુ એકસપ્લેઇન. શી સેઇડ પાકા ઘડે કાંઠા ન ચડે. આઈ ડોન્ટ અંડરસ્ટેન્ડ ઇવન ધીસ શીટ. શી સેઇડ ભેંસ આગળ ભાગવત. આમાં ભેંસ ક્યાંથી આવી? બુલશીટ…ધીસ સ્ટુપિડ લેંગ્વેજિસ..ધ હોલ બંચ ઓફ શીટ…એની માને પયણે…
ઇન અવર સ્કૂલ…યુ નો, ‘ગુજરાતી ભાષા બચાવો વીક‘ સેલિબ્રેટ કરવાની છે, એટલે મેં પન આ નિબંધ રાઇટ કરીયું છે, કાન્ટ હેલ્પ! ઇન ફેકટ, આ મેં લખિયું એ તો બેટર છે. ઇફ યુ આસ્ક માય ઓપિનિયન, બેમાંથી એક જ સર્વાઇવ કરશે, આઇધર ‘ઊઝા–જોડની‘ ઓર ‘ગુજરાતી લેંગ્વેજ‘. ચોઇસ ઇઝ યોર્સ! ઇન શોર્ટ, કમ્પેરેટિવલી અમારો રોલ નાનો છે, ‘ગુજરાતી‘ને મારવામાં. અંધેર ઇઝ એવરી વ્હેર, સો ડોન્ટ વરી…બી હેપી…એન્ડ એન્જૉય માય ગુજરાતી નિબંધ!
આપણું કન્ટ્રી
વન્સ અપ ઓન અ ટાઇમ, એક ‘ભરત‘ નામનું કિંગ હતું. વેરી બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ! વેરી પાવરફૂલ, એને તો સિકસ પેક એબ્સ પન હતું, સમ વન ટોલ્ડ મી લાઇક ધેટ! ઇન શોર્ટ, ‘ભરત‘ના નામ પરથી આપણા કન્ટ્રીનું નામ પડિયું ‘ઇન્ડિયા‘ ગોટ માય પોઇન્ટ?
ફોર અવર કન્ટ્રી…યુ સી, સૌથી મોટું હેડેક છે… લાઇન ઓફ કન્ટ્રોલ! ચારે બાજુ અનસેફ. ઓન પેપર, કાશ્મીર ઇઝ અવર્સ! હિમાલય પર ચાઇનાનું ડેન્જર છે જ. ને ત્રન બાજુ સમંદર છે, એટલે ટેરરિઝમને કન્ટ્રોલ કરવું ઇમ્પોસિબલ છે. એમ આઇ રાઇટ?
લિવિંગ રાજ ઠાકરે એપાર્ટ, સ્ટીલ વી આર ટુગેધર. મારા ઘરમાં પન ઇવન, મારા ફાધર મને સમટાઇમ્સ ફટકારે, એટલે યુ.પી.વાલાને બોમ્બેમાં થોડો માર પડે, તો ઇટ ઇઝ ટોલરેબલ, ઇફ લિમિટ ઇઝ નોટ ક્રોસ્ડ! ઓવરઓલ જૉવો તો…વી આર ટુગેધર! નો પ્રોબ્લેમ! એમ તો અમારા સુરતમાં બિહારી રિક્ષાવાલાઓ એટલા ઇનક્રિઝ થયા કે સિટીબસ પન ફૂટપાથ પર રન કરતું હતું, પછી આર.ટી.ઓ.માં રિક્ષાઓનું રજિસ્ટ્રેશન પન કલોઝ થઇ ગીયું.
સો, વ્હેર ધેર ઇઝ અ વીલ, ધેર ઇઝ અ વે! એટ એની કોસ્ટ, આપણું કન્ટ્રી સુપરપાવર તો બનવાનું જ, એ તમે હાલ જ લખી લો! (લખીને મારી પેન પાછું આપજૉ! ડોન્ટ ટ્રાય ટુ બી ઓનર ઓફ માય પેન, માઇન્ડ વેલ!)
આપણું ગુજરાત પન આર્ટ ઓફ ધ કન્ટ્રી કહેવાય, એટલે એના માટે ફયુ વડ્ર્ઝ રાઇટ કરું તો, યુ વિલ નોટ ઓબ્જેકટ, ધેટ આઇ નો વેરી વેલ. વલ્ર્ડ મેપ પર, એઝ કમ્પેર્ડ ટુ પોરબંદર, ગોધરા ઇઝ મોર ફેમસ! ત્રણ દિવસ તો આખું ગુજરાત એવું વાઇબ્રેટ થયેલું કે એના વાઇબ્રેશન્સ પન આફટર–શોકની જેમ યુ સી, વી કેન ફીલ. ઇન ધેટવે ઓલ સો, આપણે… ‘વાઇબ્રન્ટ ગુજરાત‘ કહીએ તો, નથિંગ રોંગ.
બટ વન થિંગ ઇઝ ધેર, યુ સી. ગુજરાતનો સ્પિરિટ કવિ નર્મદે બિલ્ટ અપ કરેલો… કે વન્સ ધ સ્ટેપ ઇઝ ટેકન, વુડ નોટ બી ટેકન બેક…આઇ મિન ડગલો ભર્યો કે…ના હટવું…સમથિંગ લાઇક ધેટ! વી આર પ્રાઉડ ઓફ સચ પોએટ્સ એન્ડ રાઇટર્સ.
આપણા કન્ટ્રી માટે નિબંધ રાઇટ કરતું હોય… ને ઇફ વી ફર્ગેટ રાષ્ટ્રપિતા… આઈ એમ સોરી… રાષ્ટ્રપતિ…મહાત્મા ગાંધી, તો નો વન વિલ ફર્ગીવ અસ. એમનાં બા, ઇફ આઈ એમ નોટ રોંગ, કસ્તુરબાએ પન આ કન્ટ્રી માટે બહુ મોટો બલિદાન આપિયો હતો! અનફોરર્યુનેટલી, આજે પીપલ સ્કેર્ડ ટુ ગીવ બલિદાન. બટ આઇ ઓલવેઝ થિંક લાઇક સંજય ગાંધી, ઇફ યુ નો હીમ!
પીપલ જો બલિદાન ના આપે તો એમને પકડી પકડીને… ધે મસ્ટ બી ફોસ્ર્ડ ટુ ગીવ બલિદાન. કોઇ પન ફેલો કન્ટ્રીથી મોટો હોતું નથી. ઇફ સમ વન થિંકસ લાઇક ધેટ, વન મસ્ટ કટ ટુ સાઇઝ. આઇ વુડ ઓલવેઝ વિશ ટુ ફાઇટ ઇલેકશન વિથ ધ સ્લોંગન પીપલ જો બલિદાન ના આપે તો એમને પકડી પકડીને… ધે મસ્ટ બી ફોસ્ર્ડ ટુ ગીવ બલિદાન. કોઇ પન ફેલો કન્ટ્રીથી મોટો હોતું નથી. ઇફ સમ વન થિંકસ લાઇક ધેટ, વન મસ્ટ કટ ટુ સાઇઝ. આઇ વુડ ઓલવેઝ વિશ ટુ ફાઇટ ઇલેકશન વિથ ધ સ્લોંગન ‘બોચી પકડીને બલિદાન અપાવો!’ બાત ખલાસ!
મારો એક દેશભકિતનો સોંગ રાઇટ કરીને… આઇ ફિનિશ ધીસ ગુજરાતી નિબંધ:
દલિત જાતિમાં જન્મેલા અને રંકમાંથી રાય બનેલા રાજા નાઇકના જીવનની સફળતાની આ ગાથા ઘણી પ્રેરક છે.
આજે ઘણાં વેપાર-ધંધા દ્વારા એમનું 60 કરોડથી વધારેનું ટર્નઓવર છે. પોતે દલિત છે અને દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ છે. તેઓ અભાવગ્રસ્ત બાળકો માટે સ્કૂલ પણ ચલાવે છે.
એમની સફળતા માટેની પ્રેરણા એમને 1978ની હિટ ફિલ્મ ‘ત્રિશૂલ’માં વિજયનું પાત્ર ભજવતા અમિતાભ બચ્ચનના સંવાદના આ શબ્દો ‘શાંતિ કન્સ્ટ્રક્શન- હું આ નામને આકાશમાં લખેલું જોવા માંગુ છું.” બન્યો હતો.
આ લેખના અંતે લેખકે કહ્યું છે એમ જીવનમાં સફળતા માટે કોઈ એક મોટિવેટર કે સફળતાની સીડી ચડેલા કોઈ પણ વ્યક્તિની વાર્તા- Sucees Story- ની જરૂર હોય છે, પછી એ વાસ્તવિક હોય કે આ ત્રિશુલ હિન્દી ફિલ્મના નાયક અમિતાભ બચ્ચન જેવી કોઈ એક ફિલ્મની કાલ્પનિક સ્ટોરી હોય.
વિનોદ પટેલ
સફળતા માટે મોટિવેશન જરૂરી, ભલે તે કાલ્પનિક હોય –N Raghuraman
‘શાંતિ કન્સ્ટ્રક્શન- હું આ નામને આકાશમાં લખેલું જોવા માંગુ છું.”
આ તો ઘણા જાણીતા સંવાદોમાંનો એક છે જે 1978ની હિટ ફિલ્મ ‘ત્રિશૂલ’માં વિજય બોલ્યો હતો. તે પાત્ર અમિતાભ બચ્ચને ભજવ્યું હતું. બે વર્ષ પછી ફિલ્મ ‘કભી-કભી’માં અમિતાભ બચ્ચનની પત્નીની ભૂમિકા ભજવનારા વહીદા રહેમાન ફિલ્મ ‘ત્રિશૂલ’માં તેમના મા બન્યાં હતા.
આખી ફિલ્મમાં તેમની હાજરી જણાય છે, જોકે તે પાત્ર સ્ક્રિન પર ખૂબ ઓછું દેખાય છે. માતા શાંતિ પ્રત્યેના સમર્પણને કારણે જ વિજય ગરીબીમાંથી બહાર આવવા માંગે છે, ભલે તે માટે કોઇ પણ રસ્તો કેમ અપનાવવો ન પડે. તે શાંતિના નામે જ એક આખી કન્સ્ટ્રક્શન કંપની બનાવે છે.
આપણામાંથી ઘણાં લોકો માટે બોક્સર મોહમ્મદ અલી પ્રેરણા હોઇ શકે છે, પણ રાજા નાઇક માટે તો વિજય જ પ્રેરણા બની ગયો હતો. ‘ત્રિશૂલ’નો સ્ક્રિન હીરો અને કંગાળ માણસ, જે માત્ર ત્રણ કલાકમાં રિયલ એસ્ટેટનો બાદશાહ બની જાય છે. રાજાના દિમાગમાં જ્વાળામુખી સક્રિય કરવા માટે થિએટરના અંધારામાં વિતાવેલા ત્રણ કલાક પૂરતાં હતા. તેમણે જાતને વિશ્વાસ આપ્યો કે, સપનાઓને સાચાં કરી શકાય છે. તે પણ રિયલ એસ્ટેટનો બાદશાહ બનવા ઇચ્છતો હતો.
આ આ વિશ્વાસને આધારે જ તે ત્યારના બોમ્બે અને આજના મુંબઇમાં જઇ પહોંચ્યો. અને પછી ભગ્ન હૃદયે હતાશ થઇને પાછો ફર્યો. પણ ફિલ્મમાં જેમ વિજય સતત પોતાના પિતાની વિરુદ્ધમાં યોજનાઓ ઘડતો રહે છે, તે પણ હંમેશાં તકની શોધમાં રહ્યો . 70ના દાયકાના છેલ્લાં વર્ષોમાં રાજાએ ભણવાનું છોડી દીધું. તે પહેલાં પ્રી-યુનિવર્સિટી કોર્સમાં હતો.
પોતાના મિત્ર દિપક સાથે પાર્ટનરશીપ કરી અને સડક પર શર્ટ વેચવાનો નિર્ણય કર્યો. બંનેએ 10 હજાર રૂપિયા એકઠાં કર્યાં અને તમિલનાડુના ત્રિપુર જવાનો નિર્ણય કર્યો. ત્રિપુર ખૂબ મોટું ગારમેન્ટ અને ટેક્સટાઇલ હબ હતું. જેવી ‘ત્રિશૂલ’માં વિજયની માતા હતી, તેવી જ રાજાની માતાને રાજા ખૂબ પ્રિય હતો. માતાએ તેને ધંધો જમાવવા માટે જે પણ તેની પાસે હતું, બધું આપી દીધું. માએ આ પૈસા જેમ ચકલી ઘાસ ભેગું કરે છે તેમ ભેગાં કર્યાં હતા.
તેમણે 50 રૂપિયાના ભાવે શર્ટ ખરીદ્યા અને બેંગલુરુ લાવી 100 રૂપિયામાં વેચી દીધાં. આમ તેઓને 100 ટકા નફો થયો. આ સફળતાથી ખુશ થઇ બંને મિત્રોએ નફાના પૈસાનું ફરી રોકાણ કર્યું. વેચાણ માટે અન્ય સામાન પણ લાવવા માંડ્યાં. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે જતાં, જાણે તેમના પગમાં પૈડાં લાગેલાં હોય. આ માત્ર શરૂઆત હતી. તેમણે નક્કી કર્યું લીધું કે તેઓ જ્યાં સુધી પૈસાનો ભંડાર ભેગો નહીં કરી લે, નિરાંતનો શ્વાસ નહીં લે.
ત્રણ વર્ષ પછી તેમણે સારો એવો ધંધો જમાવી લીધો અને તેમાં કોલ્હાપુરી ચપ્પલ અને અન્ય ફૂટવેર પણ ઉમેરી દીધાં. પાર્ટનરથી છૂટાં પડ્યાં પછી રાજાએ ગરીબીને ધરમૂળથી ઉખેડી નાંખવાનો નિશ્ચય કરી લીધો અને આજે ઘણાં વેપાર-ધંધા દ્વારા તેનું 60 કરોડથી વધારેનું ટર્નઓવર છે. તેમાં એમસીએસ લોજિસ્ટિક્સ કંપની ઇન્ટરનેશનલ લોજિસ્ટિક્સ અને શિપિંગનું કામ કરે છે. અક્ષય એન્ટરપ્રાઇઝિસ પેકેજિંગ, જાલા બેવરેજિસ પેકેજ્ડ પાણી બનાવે છે, ‘પર્પલ હેઝ’ બેંગલુરુમાં બ્યૂટીસલૂન અને સ્પા ચલાવે છે. આ સિવાય ત્રણ પાર્ટનર સાથે ન્યુટ્રી પ્લાન્ટ છે. આ કંપની સેન્ટ્રલ ફૂડ ટેક્નોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટની સાથે એનર્જી બાર અને ચિયા રાઇસથી બનેલા ઓઇલ પ્રોડક્ટ લાવવાનું કામ કરે છે.
રાજા, જેઓ પોતે દલિત છે, તેઓ દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ છે. તેઓ અભાવગ્રસ્ત બાળકો માટે સ્કૂલ પણ ચલાવે છે.
ફંડા એ છે કે, સફળતા માટે તમારે મોટિવેટર અને વાર્તાની જરૂર હોય છે, ભલે તે વાસ્તવિક હોય કે કાલ્પનિક.
ફ્રીમોન્ટ, કેલીફોર્નીયા નિવાસી મારા મિત્ર શ્રી.પી.કે.દાવડા એમના ઈ-મેલમાં ચૌદમી સદીથી વીસમી સદી સુઘીના ભક્ત કવિઓ અને તેમની રચનાઓ વિષે એમના અભ્યાસ પૂર્ણ લેખો મિત્રોને વાંચવા માટે લગભગ દરરોજ મોકલે છે .
એમની આ ઈ-મેલ પ્રસાદીમાંથી આદ્ય ભક્ત કવિઓ અખો, ભોજો અને ધીરો તથા દાસી જીવણનું એક ખુબ જાણીતું ભજન,રસાસ્વાદ સાથે દાવડાજીના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત છે.
વિનોદ પટેલ
અખો, ભોજો અને ધીરો
અખો ભગત
સોળમી સદીના જન્મેલો અખો અને અઢારમી સદીમાં જન્મેલા ભોજો અને ધીરો, આ ત્રણે આપણા મધ્યકાલીન ભક્ત કવિઓ છે. ગુજરાતી સાહિત્યમાં એમનું યોગદાન કાયમને માટે ઇતિહાસમાં નોંધાઈ ગયું છે. આ ત્રણ કવિઓમાં જે એક વાત સરખી છે તે છે, સમાજની બુરાઈઓ સામે તેમનો તીખો આક્રોશ.
એ સમયે રૂઢીચુસ્ત લોકોની સમાજ ઉપર જબરી પકડ હતી. જરા વાંકું પડે તો તમને નાત બહાર મૂકી, તમારી સાથે રોટી-બેટીનો વ્યહવાર બંધ કરી, તમને સમાજમાં અછૂત બનાવી દેતા. એવા સમયે આ ત્રણે જણાએ જે હિમ્મત દેખાડી અને આકરા શબ્દોમાં સમાજને છેતરનારા ઢોંગી લોકોને ખુલ્લા પાડ્યા, એથી આજે પણ લોકો આશ્વર્યચકિત થઈ જાય છે.
શરૂઆત અખા ભગતથી કરૂં. અખાની વાતોમાં સીધા હુમલા છે. ગોળ ગોળ કે ફેરવીને વાત કહેવાનું અખાને ફાવતું નથી. એના ઘા પણ જનોઈ વાઢ હોય છે, એક ઘા ને બે કટકા. શબ્દોને શણગારીને મુકનારાઓમાંનો એ નથી. આપણા આજે પણ ચલણમાં રહેલા ધાર્મિક રીત-રિવાજો વિષે એ કહે છે,
“એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ; પાણીને દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન; એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?”
પૂજાના આ પ્રકારને મૂરખ કહેવાની હિમ્મત તો અખો જ કરી શકે. અને ઈશ્વર તો એક જ હોય, આપણા તો કેટલા બધા દેવી-દેવતા છે?
બીજા એક છપ્પામાં એ કહે છે,
“વૈષ્ણવ ભેખ ધારીને ફરે, પરસાદ ટાણે પતાવળાં ભરે,
રાંધ્યાં ધાન વખાણતા જાય, જેમ પીરસે તેમ ઝાઝું ખાય,
કીર્તન ગાઈને તોડે તોડ, અખો કહે જુવાનીનું જોર.”
વૈષ્ણવો જેવા શક્તિશાળી સમાજની આવી ટીકા કોઈ કરી શકે ખરા? પણ વાત તો સાચી છે, આજે પણ!
ભક્તિના પ્રકાર ઉપર પ્રહાર કરતાં અખો કહે છે,
“તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ, તોય ન પહોંયા હરિને શર્ણ;
કથા સુણી સુણિ ફુટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.”
અખાએ માત્ર ધાર્મિક રીતરિવાજો વિષે જ નથી લખ્યું, સમાજના બીજા અનેક કુરીવાજો વિષે કડક શબ્દોમાં આસરે ૭૦૦ છપ્પા લખ્યા છે. અખાએ જે વાતોને આજથી પાંચ સદીઓ પહેલા વખોડી છે, એ વાતો એક અથવા બીજા સ્વરૂપે આજે પણ સમાજમાં પ્રચલિત છે. મુઠ્ઠીભર અંધ શ્રધ્ધા નિર્મૂલનવાળા આમાં કંઈ મોટો ફેરફાર કરાવી શક્યા નથી.
“ખટદર્શનના જુજવા મતા,માંહોમાંહી ખાધા ખતા;
એકનું થાપ્યું બીજો હણે,અન્યથી આપને અધકો ગણે;
અખા એજ અંધારો કુવો,ઝગડો ભાંગી કોઇ ન મુવો.”
આ છપ્પામાં આપણાં ધર્મગ્રંથોના જુદા જુદા અર્થ કરતા કહેવાતા ધર્મગુરૂઓ માટે અખો કહે છે કે આવા પોતાની મરજી મુજબ અર્થ કરનારા ગુરૂઓએ અંદર અંદર જ એકબીજાની ટીકા કરી છે, એક ગુરૂએ કાઢેલા અર્થને બીજો ગુરૂ નકારે અને પોતાને આગલા કરતાં વધારે જ્ઞાની દર્શાવવાની કોશીષ કરે, એની અખો ઝાટકણી કાઢીને કહે છે, કે બધા અંધારાકુવામાં હવાતિયાં મારો છો, પણ એક નિર્ણય ઉપર આવતા નથી.
અહીં અખાએ સતસંગમાં એકઠા થતા શ્રોતાઓ ઉપર કોરડો વિંઝતા કહ્યું છે કે મારગ ક્યાંથી મળે? આંધળા સસરાને દોરી જનારી વહુએ તો ધૂંધટો તાણેલો છે. શણઘટ એટલે લાજ કાઢેલી. આવા લોકો સતસંગમાં ઉંધુંચત્તું સમજે છે, અને એનો અમલ કરે છે. જેવી રીતે આંખમાં કાજળ આંજવાનું કહ્યું હોય તો એને ગાલ ઉપર લગાડવાનું સમજે છે.
છેલ્લી પંક્તિમાં અખાએ કમાલ કરી છે. એક તો કથા કહેનાર પોતે માંડ માંડ સમજે છે, જેમ ઊંડા (અછતવાળા) કુવામાંથી પાણી માંડ માંડ મળે, અને તેમાં સાંભળવાવાળાની હાલત ખોબામાંથી પાણી મોઢામાં જવાને બદલે આંગળીઓ વચ્ચેથી નીકળી જાય, એના જેવી હોય, તો એ શું શીખી શકે?
આજે પણ રોટલા ખાવાને બદલે એને બનાવવામાં કેટલા ટપાકા થયા એની ચર્ચા કરતા ભાષાવિદોને આજથી ચારસો વર્ષ પહેલા અખાએ તમાચો માર્યો છે, છતાંયે કૂતરાની પૂંછડી ક્યાં સીધી થઈ છે?
“ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર;
સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાસી ગયું;
બાવનનો સઘળો વિસ્તાર, અખા ત્રેપનમો જાણે પાર”
એક વધારે છપ્પો જોઈ લઈયે.
“આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય;
ઉંદર બિચારા કરતા સોર, જેને નહિ ઉડ્યાનું જોર;
અખાજ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે
ધીરા ભગત
અઢારમી સદીમાં અખાની જેમ ધીરા ભગતે પણ કુરીવાજો સામે આક્રોશ ઠાલવ્યો. એમણે પણ તે સમયની ધાર્મિક માન્યતાઓ અને ક્રીયાકાંડની ઠેકડી ઉડાડતા પદો રચ્યા. એમના પદો કાફી રાગમાં ગવાતા એટલે એ ધીરા ભગતની કાફીઓ નામે પ્રસિધ્ધ છે. ધીરાએ એની સૌમ્ય શબ્દોવાળી ભજનની પંક્તિઓમાં બહુ સમજવા જેવી વાતો કહી છે. આપણે થોડા ઉદાહરણો જોઈએ.
“જીવ નહિં એને હરિ કરી માને, પૂજે કાષ્ઠ પાષાણ,
ચૈતન્ય પુરુષને પાછળ મૂકે, એવી અંધી જગત અજાણ..”
અહીં એણે માત્ર સાચી હકીકતનું જ બયાન કર્યું છે, જે આજે પણ અસ્તિત્વમાં છે. લાકડાની અને પથ્થરની મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે, એને દૂધે નવડાવવામાં આવે છે, અન્નકૂટના ઢગલાઓ એની સામે મૂકવામાં આવે છે, અને બીજી બાજુ ભૂખથી ટળવળતા, દવાદારૂને અભાવે મરણશરણ થતા જીવતા માણસોની કોઈ પરવા કરતું નથી. એ જ ભજનમાં ધીરો આગળ કહે છે,
નહાવાથી શરીર તો સાફ થશે, પણ મનમાં ભરેલો મેલ નહિં સાફ થાય, સાપ દરમાં ઘૂસી જાય પછી રાફડા ઉપર લાકડી પછાડવાથી શો ફાયદો? મનમાં કૂળકપટ રાખી બહારથી દેવદર્શન અને ધરમદાન કરવાથી કોઈ ફાયદો નહિં થાય.
ક્યારેક તો ધીરો પોતે નિરાશ થઈને કહે છે,
“કોને કહું કોણ સાંભળશે? અગમ ખેલ અપાર,
અગમ કેરી ગમ નહીં રે, વાણી ન પહોંચે વિસ્તાર,
એક દેશ એવો રે, બુધ્ધી થાકી રહે તહીં,
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિં.”
મારો કહેવાનો અર્થ જ કોઈ સમજતું નથી, આખો ડુંગર ઘાસ નીચે છુપાઈ ગયો છે, લોકોને ઘાસ દેખાય છે, ડુંગર જ દેખાતો નથી.
ધીરાએ કેટલીક ભવિષ્યવાણી પણ પોતાના કલિયુગની એંધાણી નામના પદોમાં કરી છે. એણે કહ્યું છે કે આવતા સમયમાં,
“વરસો વરસ દુકાળ પડે, અને વળી સાધુ કરશે સૂરાપાન,
આ બ્રાહ્મણ માટી ભરખશે, અને વળી જોગી બોગી થાશે;
બાવા થાશે વ્યભિચારી, આ છે કલિયુગની એંધાણી.”
આગળ એ કહે છે,
“ રાજતો રાણીઓના થાશે, અને વળી પુરૂષો થાશે ગુલામ,
ગરીબની અરજી કોઈ સાંભળશે નહિં,અને સાહેબને કરશે સલામ,
એની બેની રોતી જાશે અને સગપણમાં સાળી રહેશે,
ધરમ કોઈનો રહેશે નહિં અને એક પ્યાલે વરણ અઢાર,
આ છે કલિયુગની એંધાણી.”
આમાની બધી ભવિષ્યવાણી વત્તેઓછે અંશે સાચી તો પડી જ છે.
ભોજા ભગત
ભોજાનું આ ભજન સદીઓથી ગવાતું આવ્યું છે અને આજે પણ લોકપ્રિય છે.
પ્રાણિયા, ભજી લેને કિરતાર, આ તો સ્વપનું છે સંસાર…..
અનંત નામ ઉચ્ચારવું, તરવું ને તારવું, રાખવી ભક્તિ તે રાંક દાવે, ભક્ત ભોજો કહે ગુરુપરતાપથી ત્રિવિધના તાપ ત્યાં નિકટ ના’વે.
છેલ્લી બે રચનાઓની ભાષા ચાબખા કરતાં અલગ છે. એ અખા કરતાં નરસિંહ અને ધીરા જેવી છે.
આજે ચાર-પાંચ સદીઓ પછી પણ સમાજમાં આ ત્રણે સંતોએ વર્ણવેલી બદ્દીઓ પ્રવર્તમાન છે. અંધ શ્રધ્ધા નિર્મૂલવાળાઓની હત્યા થઈ જાય છે. દેશની સરકારમાં ઉચ્ચ સ્થાને બેઠેલા લોકો જ દેશને આમાંથી મુક્તિ અપાવવાને બદલે અખા અને ધીરાના સમયમાં ધકેલી દેવાનો પ્રયત્ન કરે છે. આજે સાહિત્યકારોમાં કોઈ અખો કે કોઈ ભોજો દેખાતો નથી. બધા પોતાનું ભાષા ઉપરનું પ્રભુત્વ, કલ્પના શક્તિ, વ્યાકરણ અને જોડણીની વાતોમાં રચ્યા પચ્યા છે.
આપણે આજે અખાને, ધીરાને અને ભોજાને સાહિત્યકારો તરીકે મૂલવીયે છીયે, પણ હકીકતમાં આ ત્રણે સમાજ સુધારક હતા. રૂઢીચુસ્ત લોકોએ એમનું બહુ સાંભળ્યું નહિં અને એમને હળધૂત કર્યા એટલે ઈતિહાસકારોએ એની બહુ નોંધ લીધી નથી.
–પી.કે.દાવડા
દાસી જીવણનાં બે ભજન
અઢારમી સદીમાં થઈ ગયેલા કૃષ્ણભક્ત જીવણદાસ પુરૂષ હોવા છતાં પોતાને રાધાનો અવતાર ગણાવતા હોવાથી દાસી જીવણ તરીકે જાણીતા બન્યા હતા. એમના પદો આજે પણ લોકપ્રિય છે. દાસી જીવણ સૌરાષ્ટ્રની મીરાંબાઈ કહેવાય છે. એમની થોડીક પ્રખ્યાત પંક્તિઓનો રસપાન કરીયે.
એમની બંગલાનો બાંધનાર કવિતા ખૂબ લોકપ્રિય છે.
આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ બંગલો કોણે રે બનાવ્યો?
લોઢું નથી કાંઈ લાકડું નથી એમાં નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈ,
ઈંટો નથી કાંઈ ચૂનો રે નથી એમાં નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ,
આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ, બંગલો કોણે રે બનાવ્યો?
આ ભજનમાં શરીરને એક મકાન સાથે સરખાવવામાં આવ્યું છે, પણ ખુલાસો કર્યો છે કે આ ઈંટ, પથ્થર અને ચૂનાથી ચણાયલું મકાન નથી, આ તો પાણીની બનેલી હવેલી છે. આપણે આજે જાણીયે છીએ કે આપણા શરીરના વજનનું ૮૦ % વજન પાણી (પ્રવાહી) નું છે. આ મકાનના દસ દરવાજાની વાત તો અનેક જગ્યાએ કહેવાઈ ચૂકી છે, પણ અહીં જીવણે નવસો નવાણું બારીઓની વાત કરી છે, એ બારીઓ વિશે તો હું પણ કંઈ નથી જાણતો. આ મકાનનો માલિક ઈશ્વર છે. આ મકાનનો ભાડુત એટલે આપણો જીવ. મકાન માલિકની નોટીસ આવે એટલે મકાન ખાલી કરે જ છૂટકો.
આમ રૂપકો દ્વારા સંતો આપણને સમજાવતા રહ્યા છે કે Every product has an expiry date, એટલે સમય રહેતાં એનો સદઉપયોગ કરો.
દાસી જીવણનું એક ખુબ જાણીતું ભજન
દાસી જીવણનું આ ભજન મેં મારા નાની અને દાદીના મોઢે ઘણીવાર સાંભળ્યું છે. આ ભજનમાં સંબંધોની સચ્ચાઈ ખૂબ સરસ રીતે ઉઘાડી પાડી છે. જે શરીરને પંપાળવા માટે આપણે કેટલું સાચું-ખોટું કરીએ છીએ, એ શરીરનું આખરે શું થાય છે એ વાત જીવણે બેજીજક કહી સંભળાવી છે. અંતિમ ચાર પંક્તિઓમાં સાચો બોધ છે, પણ કેટલું ગ્રહણ થાય છે એ પ્રત્યેકની જાગૃતિ ઉપર અવલંબે છે.
વાચકોના પ્રતિભાવ