વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(860) 100 વર્ષની જિંદગી: કૃષ્ણકાંત ઉનડકટ

100 વર્ષની જિંદગી: કૃષ્ણકાંત ઉનડકટ

દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

પૂછ એને કે જે શતાયુ છે,
કેટલું ક્યારે ક્યાં જિવાયું છે

                                                સ્વ. મનોજ ખંડેરિયા

ગયા રવિવારે બે ઘટના બની. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 104 વર્ષનાં કુંવરબાઇને પગે લાગ્યા.

old lady- modi

અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ 106 વર્ષનાં વર્જિનિયા સાથે ડાન્સ કર્યો. old 102 year lady

સો વર્ષથી વધુ જીવવાનું રહસ્ય શું છે?

આયુષ્યનાં રહસ્યો ઉકેલવાં અઘરાં છે!

આ દુનિયામાં માણસ જો કોઇનાથી ખરેખર ગભરાતો હોય તો એ ‘મોત’ છે. મોતનું નામ પડતાં ભલ ભલાના મોતિયા મરી જાય છે. મોતનો ડર લાગવો એ સ્વાભાવિક પણ છે. આખરે જિંદગી બધાને પ્યારી હોય છે. જાન હૈ તો જહાન હૈ અને આપ મૂઆ ફિર ડૂબ ગઇ દુનિયા કંઇ એમ ને એમ તો નહીં કહેવાયું હોય ને!

ગીતામાં કહ્યું છે કે આત્મા અમર છે, નાશ પામે છે એ શરીર હોય છે. શરીર, આત્મા, મોક્ષ અને મોત વિશે જાતજાતની ફિલસૂફીઓ છે. આમાંથી કેટલું સાચું છે, શું સાચું છે એ ભગવાન જાણે. માણસને તો એટલી જ ખબર છે કે મોત આવ્યું એટલે બધું ખતમ. નામ એનો નાશ છે. મોતથી કોઇ બચી શકવાનું નથી એ બધું જ સાચું, પણ જિંદગીમાં જબરજસ્ત દમ છે. લાઇફ ઇઝ બ્યુટિફુલ.

બાય ધ વે, એક કલ્પના કરો તો. ભગવાન તમને આવીને પૂછે કે બોલ તારે કેટલાં વર્ષ જીવવું છે તો તમે જવાબમાં કેટલાં વર્ષ કહો? સો, દોઢસો કે એનાથી પણ વધુ? ઘણા લોકો એવું કહે છે કે સાજા-નરવા હોઇએ ત્યાં સુધી જ જીવવાની વાત છે. ઘણા એવું પણ બોલતા હોય છે કે આપણે બહુ લાંબું જીવવું નથી. ઘણા લોકોને જોઇને આપણાથી એવું પણ બોલાઇ જતું હોય છે કે આવી જિંદગી કરતાં તો મોત સારું. જિંદગી અને મોત વિશે દરેકની પોતપોતાની માન્યતાઓ અને ધારણાઓ હોય છે.

જૂનાગઢના કવિ સ્વ. મનોજ ખંડેરિયાની એક રચના છે.

પૂછ એને જે શતાયુ છે,

કેટલું ક્યારે ક્યાં જિવાયું છે.

સો વર્ષની જિંદગીની વાત ગયા રવિવારે એકસાથે બનેલી બે ઘટનાથી યાદ આવી ગઇ.વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢની મુલાકાતે ગયા ત્યારે એક કાર્યક્રમ દરમિયાન 104 વર્ષનાં માજી કુંવરબાઇને રીતસરના પગે લાગ્યા. આ બહેને પોતાની બકરીઓ વેચી ગામમાં શૌચાલય બનાવ્યાં હતાં. આ ઘટના બની એ જ દિવસે અમેરિકામાં વ્હાઇટ હાઉસ દ્વારા એક વિડિયો ક્લિપ રિલીઝ કરવામાં આવી. અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામા અને મિશેલ 106 વર્ષની મહિલા વર્જિનિયા મેકલોરિન સાથે ડાન્સ કરતા હતા. અમેરિકામાં બ્લેક હિસ્ટ્રી મંથનું સેલિબ્રેશન ચાલે છે. એ નિમિત્તે વર્જિનિયાને વ્હાઇટ હાઉસમાં આવવા નિમંત્રણ અપાયું હતું. બરાક ઓબામા અને મિશેલ તેની સામે આવ્યાં અને વર્જિનિયા તેને જોઇ નાચવા લાગી. ઓબામા અને મિશેલ પણ તેની સાથે નાચવા લાગ્યાં. વર્જિનિયાએ કહ્યું કે હું બહુ ખુશ છું. મેં તો ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે હું ક્યારેય વ્હાઇટ હાઉસમાં આવીશ!

વર્જિનિયાનું ઘર એકદમ ગંદું અને ગોબરું હતું. ઘર જોઇને થાય કે આવા ઘરમાં માણસ એકસોને છ વર્ષ કેવી રીતે જીવી શકે? અલબત્ત, તેને વ્હાઇટ હાઉસમાં બોલાવી પછી જુદી જુદી કંપનીઓએ તેનું ઘર મસ્ત બનાવી દીધું.આ બહેન વર્જિનિયાને પૂછવામાં આવ્યું કે, તમારી આવડી જિંદગીનું રહસ્ય શું છે? તેણે બહુ સિમ્પલ જવાબ આપ્યો કે, જસ્ટ કીપ મૂવિંગ! આ જવાબ સાંભળીને આપણને તેના ઉપર માન થઇ આવે કે વાહ ક્યા બાત હૈ! જોકે આવું તો ઘણા કહેતા હોય છે પણ એ બધા સો વર્ષ જીવતા નથી!

આયુષ્યનાં અનેક રહસ્યો હજુ અકબંધ છે. કોઇ માણસ કેમ લાંબું જીવે છે? કોઇ કેમ નાની વયે ચાલ્યા જાય છે? ઘણા હાથની રેખાઓમાં આયુષ્ય શોધે છે, તો ઘણા કુંડળી ઉપર બિલોરી કાચ માંડે છે. સાવ સાજો નરવો માણસ અણધારી અેક્ઝિટ લઇ લે છે અને ઘણા મોતને હાથતાળી આપતા ફરે છે.

વડોદરાના કવિ ખલીલ ધનતેજવીની એક રચના છે.

કંઇક વખત એવું બન્યું કે અંતિમ શ્વાસ પર,

મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો!

બેંગ્લોરમાં રહેતા મહાસ્થા મુરાસી નામના એક માણસની વાત થોડા સમય અગાઉ બહુ ગાજી હતી. એ સમયે તેની ઉંમર હતી પૂરાં 179 વર્ષ! તેની આટલી ઉંમરના પુરાવાઓ પણ છે. ગિનિસ બુકમાં તેનું નામ છે. લાંબા આયુષ્યનું તેને કારણ પુછાયું તો તેણે કહ્યું કે મોત મને ભૂલી ગયું લાગે છે!

સો વર્ષ કરતાં વધુ ઉંમર હોય તેવાં અનેક ઉદાહારણો આપણે ત્યાં આજે પણ મોજૂદ છે. સવાસો-દોઢસો વર્ષ જીવ્યા હોવાના અનેક કિસ્સા આખી દુનિયામાં નોંધાયા છે. આવતીકાલે જેમનો જન્મ દિવસ છે એ સ્વ. મોરારજી દેસાઇ 99 વર્ષ જીવ્યા હતા. ગયા વર્ષે જેમણે વિદાય લીધી એ પત્રકાર અને લેખક ખુશવંતસિંઘ પણ 99 વર્ષ જીવ્યા હતા. ફિલ્મ અભિનેત્રી ઝોહરા સહેગલ 10મી જુલાઇ, 2014ના રોજ અવસાન પામ્યાં ત્યારે તેમની ઉંમર 102 વર્ષની હતી. આ બધા માત્ર લાંબું જીવ્યા ન હતાં પણ જિંદગીને પૂરેપૂરી અને છેક છેલ્લી ઘડી સુધી માણી હતી.

સો વટાવી ચૂકેલી એક વ્યક્તિને તેનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે આપણે ત્યાં માત્ર ફિઝિકલ હેલ્થને જ મહત્ત્વ આપવામાં આવે છે, લાંબું જીવવા માટે ફિઝિકલ હેલ્થની તો જરૂર છે જ પણ તેનાથીયે વધુ મેન્ટલ હેલ્થની જરૂર છે. માણસ મનથી બુઢ્ઢો થઇ જાય છે. રિટાયર્ડ થાય એટલે બધું પતી ગયું હોય એવું માની લે છે. છોકરાંવ કામ-ધંધે ચડી ગયાં હોય અને દીકરા-દીકરી પરણી ગયાં હોય એટલે પરવારી ગયા એવું સમજી લે છે.

લાંબું જીવવા માટે ખોરાક, કસરત અને લાઇફ સ્ટાઇલને મહત્ત્વ આપવામાં આવે છે. કમ ખાઓ ઔર ગમ ખાઓ જેવી વાતો પણ થાય છે. આ બધું સાચું હશે પણ જિંદગી માટે સૌથી વધુ મહત્ત્વની છે, જિજીવિષા. સો વર્ષ જીવવું છે? તો તમારી અંદર સતત કંઇક જીવતું રાખો. મોત આવે એ પહેલાં મરી ન જાવ.

આજનો સમય સાયન્સ અને ટેક્નોલોજીનો છે. વિજ્ઞાને ગજબની પ્રગતિ કરી છે. આમ છતાં આયુષ્યનાં ઘણાં રહસ્યો હજુ એવાં ને એવાં અકબંધ છે. આડેધડ જીવવાવાળા પણ સો વર્ષ જીવી જાય છે. ભવ્ય લાઇફ સ્ટાઇલ અને કસરતબાજો પણ જુવાન વયમાં ઢળી જાય છે. સ્ટ્રેસને સૌથી મોટો શત્રુ ગણાવાય છે પણ તદ્દન રિલેક્સ લોકો પણ ઓચિંતા ચાલ્યા જાય છે. પાણી પણ ડાયટિશિયનને પૂછીને પીનારા લોકો વહેલા પતી જાય છે. કોઇ દિવસ પાન ન ખાનારા, સિગારેટ ન પીનારા અને દારૂને હાથ ન લગાડનારને પણ કેન્સર થઇ આવે છે. નખમાંયે રોગ ન હોય એવો વ્યક્તિ મેસિવ હાર્ટ એટેક આવતાં ખતમ થઇ જાય છે. આપણને સમજાય નહીં એવું ઘણું બધું આપણી આસપાસ જ થતું હોય છે.

દરેક વ્યક્તિ ‘યુનિક’ છે. દરેક વ્યક્તિ ‘અલૌકિક’ છે. એક વ્યક્તિ સો વર્ષ જીવે તો એનું લોજિક તમે બીજી વ્યક્તિ પર ન લાગું કરી શકો. એક વૈજ્ઞાનિકે એવું કહ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાના શરીરને ઓળખી પોતાને જરૂર હોય એવો અને એટલો ખોરાક અને આરામ લેવો જોઇએ.

જેટલા લોકો એટલા જિંદગીના ફંડા આપણને મળતા હોય છે. એક ફિલોસોફરે સરસ વાત કરી છે કે, તમારે લાંબું જીવવું છે? તો કેટલું જીવશો એની ચિંતા છોડી દો અને તમારી જિંદગીની દરેક ક્ષણ પૂરેપૂરી જીવો. જિંદગીને એન્જોય કરો. આયુષ્યની ચિંતામાં પડશો તો અટવાઇ જશો, કારણ કે એવાં કોઇ ચોક્કસ કારણો હોતાં નથી. કારણો હોય તો એ વ્યક્તિગત હોય છે. એટલે જ એવું કહેવાય છે ને કે જિંદગી માપવાની નહીં, પામવાની ચીજ છે!

(“દિવ્ય ભાસ્કર’, “રસરંગ’ પૂર્તિ, તા. 28 ફેબ્રુઆરી, 2016, રવિવાર, “દૂરબીન’ કોલમ)

 

Krishnkant Unadkat,

Magazine Editor,
Divya Bhaskar,
Ahmedabad.
Cell: 09825061787.
e-mail: kkantu@gmail.com
Blog: http://www.krishnkantunadkat.blogspot.com

One response to “(860) 100 વર્ષની જિંદગી: કૃષ્ણકાંત ઉનડકટ

  1. pragnaju માર્ચ 4, 2016 પર 7:23 પી એમ(PM)

    ખૂબ સુંદર ચિંતન

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: