વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 8, 2016

( 862 ) આંતરરાષ્ટ્રીય મહિલા દિન અને સ્ત્રી શક્તિનો આવિર્ભાવ…. ચિંતન લેખ…વિનોદ પટેલ

 મહિલા દિવસ

ચિત્ર સૌજન્ય- શ્રી ચીમન પટેલ, હ્યુસ્ટન 

૮મી માર્ચ  ૨૦૧૬ નો દિવસ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો દિવસ છે.

દર વર્ષે ૮મી માર્ચના દિવસને સયુંક્ત રાષ્ટ્રસંઘ-યુનો દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર વિશ્વમાં પુરુષ અને સ્ત્રીઓની જન સંખ્યા લગભગ સરખી છે પણ એમનો સામાજિક અને આર્થિક દરજ્જો એક સરખો છે ખરો ? આ એક મહત્વના સવાલનો જવાબ મેળવવાનો હજુ બાકી છે. હજુ પણ નારીને પુરુષ જેટલા હક્કો અને  ન્યાય પ્રાપ્ત થયા નથી.મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવા માટે આ દિવસને મુકરર કરવામાં આવ્યો છે.

આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં  “નારી તું નારાયણી ” અને “યત્ર નાર્યસ્તુ પૂજયતે, રમન્તે તત્ર દેવતા” એવાં વાક્યોથી નારીનું બહુમાન કરવામાં આવ્યું છે .આ જ ભારતમાં દીકરીને દૂધ પીતી કરવાનો ,સતી પ્રથાનો અને વિધવા અવિવાહનો ક્રૂર રીવાજ પ્રવર્તતો હતો એ પણ એક હકીકત છે.હકીકતમાં પુરુષ વર્ગે સ્ત્રીઓને એક અબળા તરીકે ગણના કરી ઘણા લાંબા સમય સુધી સ્ત્રી વર્ગની જાણે કે અવગણના કરી હોય એવું જણાયું છે.સ્ત્રીઓનું મુખ્ય કામ ફક્ત ઘરકામ, રસોઈ અને બાળકોને જન્મ આપી એની સંભાળ રાખવામાં જ સમાઈ જાય છે એવી પુરુષોની ખોટી માન્યતાઓનો નારી વર્ગ શિકાર બનતી આવી છે .સ્ત્રીઓઓમાં  પુરુષો જેટલી જ શક્તિ છે એ હકીકત તરફ દુર્લક્ષ સેવી ઘણા લાંબા સમયથી સ્ત્રીઓમાં પડેલી શક્તિઓની અવગણના થઈ હોય એમ ઈતિહાસ જોતાં દેખાઈ આવે છે.વર્તમાન સમયમાં પણ મિડલ ઇસ્ટ આફ્રિકા અને ત્રીજા વિશ્વના દેશોમાં કુરિવાજો તથા જૂની રૂઢિઓને લીધે સ્ત્રીઓ પ્રત્યે ક્રૂર વ્યવહાર અને અન્યાય થઇ રહ્યો છે .આ દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર પણ ઘણો નીચો છે.

અમેરિકા જેવા પ્રગતિશીલ દેશનો ઈતિહાસ જોતાં સુસન બી. એન્થની  અને એલેનોર રુઝવેલ્ટ જેવી શક્તિશાળી મહિલાઓને દેશની મહિલાઓ માટે પુરુષો જેવા હક્કો અપાવવા માટે આખી જિંદગી સમર્પિત કરવી પડી હતી .આ બે બહાદુર મહિલાઓની લડતને પરિણામે છેવટે માત્ર ૧૯૨૦ થી જ અમેરિકામાં મહિલાઓને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થઇ શક્યો હતો.આ હક્ક પ્રાપ્ત થયા બાદ પણ અમેરિકાના રાજકારણમાં સેનેટ,પ્રતિનિધિ ગૃહ,કેબીનેટ કે રાજ્યોના ગવર્નર કક્ષાએ સ્થાનો પ્રાપ્ત કરવામાં મહિલાઓની સંખ્યા ઘણા લાંબા સમય સુધી નહિવત રહી છે . આજે પણ આ બધાં સ્થાનોએ મહિલાઓની સંખ્યા ૨૦ ટકાથી ઉપર વધી શકી નથી એ હકીકત છે.સુપર પાવર ગણાતા અમેરિકામાં પણ સ્ત્રીઓ સામાજિક રીતે સંપૂર્ણ રીતે સહીસલામત નથી અને પુરુષો તરફથી ત્રાસ અને અન્યાયનો આજે ૨૧મી સદીમાં પણ ભોગ બની રહી છે .

અમેરિકામાં આજ સુધીના ઇતિહાસમાં કોઈ મહિલા પ્રમુખ પદે ચૂંટાઈ શકી નથી.અમેરિકાની હવે પછી ૨૦૧૬ના નવેમ્બરમાં થનારી પ્રમુખ પદ માટેની ચુંટણીમાં હિલેરી ક્લીન્ટનએ ડેમોક્રેટીક પક્ષ તરફથી ૨૦૦૮ માં નિષ્ફળ ગયા પાછી ફરી એક વાર ઝુકાવ્યું છે.જો તેઓ એમાં વિજયી બનશે તો અમેરિકાના રાજકીય ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચાશે.ભારતની આઝાદીની ચળવળમાં ગાંધીજીની આગેવાની નીચે ઘણી મહિલાઓએ  જોડાઈને સુંદર યોગદાન આપ્યું હતું એ આપણે જાણીએ છીએ.

અમેરકાની સરખામણીમાં ભારત, પાકિસ્તાન ,શ્રીલંકા, બંગલા દેશ, બ્રાઝીલ ,બ્રિટન,ફિલીપીન્સ, સાઉથ કોરિયા,ઈઝરાઈલ, ઇથોપિયા જેવા ઉભરતા દેશોમાં મહિલાઓએ પુરુષોને હરાવી દેશના પ્રમુખ કે વડા પ્રધાન તરીકે ચૂંટાઈ આવી સ્ત્રી શક્તિનો જગતને પરચો કરાવ્યો છે.આ મહિલાઓએ કરેલી ઘણી સુંદર કામગીરી બતાવે છે કે જો મહિલાઓને  કામ કરવાની તક મળે તો તેઓ પણ સિધ્ધિઓ પ્રાપ્ત કરવામાં પાછળ રહે એમ નથી જ.

આમ આધુનિક સમયમાં દુનિયાના દરેક દેશોમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે અને મહીલા જાગૃતિ પ્રબળ બનતી જાય છે.પરિણામે સ્ત્રી એક મજબુત શક્તિ તરીકે ઉભરી રહી છે અને પુરુષ સમોવડી બનીને દેશ અને સમાજના ઘડતરમાં એમનો અગત્યનો ફાળો આપી રહી છે. “દીકરી અને ગાય દોરે ત્યાં જાય ” એવું માનનારો સમય ક્યારનો ય વીતી ગયો છે. આજે સમાજનો અડધો મહીલા વર્ગ એના હક્કો વીષે વધુ સજાગ બન્યો છે અને પ્રગતી કુચમાં પુરુષ સમોવડી બની ગઈ છે એટલું જ નહી એમને આંબી પણ ગઈ છે.હવે એ પહેલાંની અબળા સ્ત્રી રહી નથી પણ સબળા બની ગઈ છે .

મહિલાઓની શક્તિ વિષે વિલિયમ ગોલ્ડીંગ William Golding જુઓ શું કહે છે .

“I think women are foolish to pretend they are equal to men,they are far superior and always have been. એટલે કે સ્ત્રીઓએ તેઓ પુરુષ સમોવડી છે એવો ઢોંગ કરવો એ એક મૂર્ખાઈ છે કેમ કે તેઓ પુરુષો કરતાં હમેશાં મહાન હતી જ અને રહેવાની છે. “

આજે વિજ્ઞાન,રાજકારણ, સાહિત્ય  ટેકનોલોજી, અવકાશ સંશોધન અને રમતગમત જેવાં વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાની ક્ષમતા પુરવાર કરી અગત્યનું યોગદાન આપી રહી છે.બે ભારતીય મૂળ ધરાવતી મહિલાઓ કલ્પના ચાવલા અને ગુજરાતી મૂળની સુનીતા વિલિયમે અવકાશી ક્ષેત્રે અનેરી સિધ્ધિઓ મેળવીને આપણને ગૌરવ અપાવ્યું છે .  

એમ છતાં હજુ પણ ભારત દેશ અને એના રાજ્યોમાં સ્ત્રી ભ્રુણ હત્યાના બનાવો બને છે એ એક દુખદ હકીકત છે. કન્યા ભ્રુણ હત્યાને લીધે નવ જાત છોકરીઓની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. આપણે ચંદ્ર અને મંગળ પર પહોંચી ગયા  પરંતુ હજી પણ દીકરીઓને બોજારૂપ ગણવામાં આવે એ કેટલા દુખની વાત કહેવાય !વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાચું જ કહ્યું છે કે”જો છોકરીઓને જન્મવા જ નહીં દો તો વહુ લાવશો ક્યાંથી ?” એટલા માટે જ હાલ દેશની મધ્યસ્થ અને રાજ્યની સરકારોને સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ, “બેટી બચાઓ , બેટી પઢાઓ” જેવાં અભિયાન દ્વારા લોક જાગૃતિ માટેનું અભિયાન શરુ કરવું પડ્યું છે .

સુપર સ્ટાર અમિતાભ બચ્ચન “બીગ બી” એ એમના બ્લોગમાં દીકરીઓ વિષે બહુ સુંદર વાત લખી છે કે –

“દીકરીઓ ટેન્શન નથી આપતી, બલકે આજની દુનિયામાં એક દીકરી દસ દીકરાના બરાબર હોય છે.દીકરીઓ ખાસ હોય છે, કારણ કે તે અણમોલ હોય છે. તમે તમારી દીકરીને હંમેશાં દીકરો-બેટા કહીને બોલાવી શકો છો, પણ ક્યારેય દીકરાને બેટી કે દીકરી કહી શકતા નથી. એ જ કારણ છે કે દીકરીઓ હંમેશાં ખાસ હોય છે.”

દીકરી એ તો પિતાના ઘરને પ્રકાશિત કરતી તેજ દીવડી છે.

કોઈએ સરસ કહ્યું છે કે : 

“મોગરાની મહેંક,ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કોઈ ઝાકળ બિંદુમાં એકઠી થાય ત્યારે પરિવારને દીકરી પ્રાપ્ત થાય છે.”

ગુણવંત શાહે પણ કહ્યું છે :

” એક જ સંતાનની શક્યતા હોય ત્યારે કોઈ બાપ જો પરમેશ્વર પાસે દીકરાને બદલે દીકરીની યાચના કરે તો તે  બાપનો જેન્ડર બાયસ રળિયામણો જાણવો.”

એક સ્ત્રી કોઈની દીકરી છે, કોઈની બહેન છે,કોઈની પત્ની છે, કોઈને માટે મમતાની મૂર્તિ માતા છે.આમ સ્ત્રી અનેક સ્વરૂપે વિહરતી દેખાય છે.

સ્ત્રી શક્તિ વીશેની  સુ.શ્રી પારુલ ખખ્ખર રચીત એક કાવ્ય રચના અત્રે પ્રસ્તુત કરવાનું મન કરે છે.  આ રહી એ રચના …  

સ્ત્રી શક્તિ

એ છે અબળા, એ છે શક્તિ, એ તો છે મર્દાની,
નોખા નોખા રૂપે આખર એ તો એ રહેવાની.

એક હતી એવી બડભાગી શામળિયાની અંગત,
રાણી કહી દો, દાસી કહી દો, કહી દો પ્રેમદિવાની. (મીરાં)

એક હતી ધગધગતી જ્વાળા ખુલ્લા કેશે ફરતી,
આમ સખાનું માની લે પણ આમ કરે મનમાની. (દ્રૌપદી)

એક હતી જે મૂંગામોઢે ધરતી જેવું જીવી,
શું કહેવું કેવી પચરંચી એની રામકહાની ! (સીતા)

એક હતી જે પીઠે બાળક બાંધી રણમાં ઉતરી,
આજ સુધી સૌ યાદ કરે છે એની આ કુરબાની. (રાણી લક્ષ્મીબાઇ)

એક હતી લંકાની રાણી સોના જેવી સાચી,
જગ આખાની સામે હસતી, રડતી છાનીછાની. (મંદોદરી)

એક હતી એવી મક્કમ જે મૃત્યુને હંફાવે,
યમને કહી દે ‘કોમળ છું તો પણ ધાર્યુ કરવાની’. (સાવિત્રી)

એક હતી વીજળીનાં તેજે મોતીડાંને પ્રોવે,
એ સત્સંગી,એ જ્ઞાની ને નોખી એની બાની. (પાનબાઇ)

એક હતી પરદેશી નારી પણ સેવાની મૂરત,
ભુખિયા, દુઃખિયા સૌ આપે છે ઉપમા એને ‘મા’ની. (મધર ટેરેસા)

 પારુલ ખખ્ખર

(સૌજન્ય: “ફૂલછાબ” તા.૧૩/૦૧/૨૦૧૫ની “પનઘટ” પૂર્તિ)

જ્યાં સુધી સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે થતા અસભ્ય વ્યવહારમાં બદલાવ જોવામાં નહિ આવે ત્યાં સુધી આવા મહિલા દિવસની ઉજવણી અધુરી જ રહેવાની છે.આજના આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે સદીઓનાં અંધારાં ઉલેચીને દેશ અને વિદેશમાં ઉભરતી જતી નારી શક્તિને અને એનાં વિવિધ સ્વરૂપોને ઓળખીએ અને એમની સેવાઓને બિરદાવીએ .

વિશ્વની નારી શક્તિ ઝીંદાબાદ .