વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 9, 2016

( 863 ) સ્ત્રીશિક્ષણ એ જ સમાજ બદલવાની સરળ રીત છે….કથા કોલાજ – કાજલ ઓઝા વૈદ્ય / સ્ત્રી સ્વાતંત્ર્ય ..(હાસ્ય લેખ )… પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી

વિશ્વ મહિલા દિવસ પર પ્રકાશિત આ અગાઉની પોસ્ટમાં મારા લેખ આંતરરાષ્ટ્રીય મહિલા દિન અને સ્ત્રી શક્તિનો આવિર્ભાવ…. ચિંતન લેખ…ના અનુસંધાનમાં ૧૯ મી સદીમાં મહિલાઓની અને દલિત કોમની કેવી લાચાર પરિસ્થિતિ હતી એના પર સાવિત્રીબાઈ ફૂલેએ કરેલ બયાન એમના શબ્દોમાં આજની પોસ્ટમાં રજુ કર્યું છે. એના પછી સુ.શ્રી પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી લિખિત હાસ્ય લેખ “સ્ત્રી સ્વાતંત્ર્ય “મુક્યો છે એને પણ વિશ્વ મહિલા દિવસના માહોલમાં માણો .

સાવિત્રીબાઈ ફૂલે મહારાષ્ટ્રની ખુબ જ જાણીતી પ્રતિભા જ્યોતિબા ફૂલેનાં પત્ની છે. મુંબઈ સમાચારમાં , કથા કોલાજ કોલમમાં સુ.શ્રી કાજલ ઓઝા – વૈદ્યના આ સંપાદિત  લેખમાં સાવિત્રી બાઈ લખે છે …

અમારા સમયમાં સ્ત્રી ઓને પોતાની મરજીથી જીવવાની છૂટ મળે એવું સપનું જોવાનીય છૂટ નહોતી. એક સ્ત્રી તરીકે જનમવું એ ઢોરથીય બદતર જીવન હતું. અમને માણસ ગણવામાં પણ સમાજને તકલીફ પડતી હોય ત્યારે અમારા સપનાં કે અમારા વિચારો જાણવાની કે અમારી ઈચ્છા જેવી કોઈ વાત હોય જ કેવી રીતે ?…..

આ રહ્યો એ રસસ્પદ લેખ 

સ્ત્રીશિક્ષણ એ જ સમાજ બદલવાની સરળ રીત છે

કથા કોલાજ – કાજલ ઓઝા – વૈદ્ય

Kazal oza

 સૌજન્ય- મુંબાઈ સમાચાર 

નામ : સાવિત્રીબાઈ ફુલે

સ્થળ : પુણે

સમય : ૮ માર્ચ, ૧૮૯૭

ઉંમર : ૬૬ વર્ષ

અંતે પ્લેગ મારા પર ચઢી બેઠો…બગલમાં ગાંઠ નીકળી છે. તાવથી શરીર પીડાય છે. પડખું બદલતા પણ આખું શરીર દુ:ખે છે. હું સમજુ છું કે આવરદા પૂરી થઈ છે, જવાનો સમય થઈ ગયો છે. આમ તો દરેક માણસે જવાનું જ હોય છે, પૃથ્વી પર આવેલી દરેક વ્યક્તિ પોતાની મુઠ્ઠીમાં હસ્તરેખા લઈને આવે છે. એ બંધ મુઠ્ઠીની હસ્તરેખામાં એક નિશ્ર્ચિત આવરદા લખેલી હોય છે…મને લાગતું હતું કે, મને કઈ નહીં થાય. મારો ઈશ્ર્વર મારી સાથે છે એમ માનીને હું દર્દી નારાયણની સેવા કરતી હતી. મારા મનમાં હંમેશાં એમ હતું કે આ સમાજને વધુ સારી જિંદગી આપવાનું કામ સોંપીને મારા પ્રભુએ મને આ ધરતી પર મોકલી છે. એવું જ હશે ને કારણ કે જો એમ ન હોય તો બધીય પરિસ્થિતિ અનુકૂળ કેવી રીતે બને ! અમારા સમયમાં સ્ત્રી ઓને પોતાની મરજીથી જીવવાની છૂટ મળે એવું સપનું જોવાનીય છૂટ નહોતી. એક સ્ત્રી તરીકે જનમવું એ ઢોરથીય બદતર જીવન હતું. અમને માણસ ગણવામાં પણ સમાજને તકલીફ પડતી હોય ત્યારે અમારા સપનાં કે અમારા વિચારો જાણવાની કે અમારી ઈચ્છા જેવી કોઈ વાત હોય જ કેવી રીતે ?

મારી સગી મામાની દીકરી સાત વર્ષની ઉંમરે વિધવા થઈ. એના કમરથીયે લાંબા વાળ હજામ પાસે ઉતરાવી લેવામાં આવ્યા. બંગડી કે દાગીના તો નહીં જ પહેરવાના, પણ રંગીન કપડાંય નહીં પહેરવાના. વાર-તહેવારે મીઠા વગરનું ખાવાનું, સાત વર્ષની છોકરીએ પૂજાપાઠ અને ધરમ-ધ્યાન કરવાનું…એ અમારી સાથે રમી શકે નહીં, અમારા જેવા કપડાં પહેરી શકે નહીં, રોજ એને રડતી-કકળતી-પછાડો ખાતી જોવી મારે માટે અસહ્ય હતું. મેં ત્યારે જ મારી મા ને પૂછેલું, “એને કેમ આટલી હેરાન કરો છો, મારી માએ રડીને કહેલું, “ગપ્પ બસ. આપણ હેચાત કાહી કરુ શકણાર નાહીં. આપલ્યા કાહીજ મહત્ત્વ નાહીત. એ દિવસે મને સમજાયેલું કે સ્ત્રી હોવું કેટલું દુષ્કર અને કેટલું દયનીય છે.

જ્યોતિરાવને ત્યાંથી મને જોવા આવ્યા ત્યારે નાનકડી ઢીંગલીની જેમ મને નવવારી સાડીમાં લપેટીને નથ પહેરાવીને એમની સામે ઊભી રાખી દીધેલી. મેં તો એમનું મોઢુંય નહોતું જોયું, અમારી વચ્ચેનો અંતરપટ ખસ્યો ત્યારે મેં એમની સામે જોયું. માળી પરિવારના લગ્ન હતા આ. એટલે કઈ તામજામ નહોતા. મારા સસરા ગોવિંદરાવ ફુલેે શાકભાજી વેચતાં. ગોરહાય અમારી મૂળ અટક ખટાઉ તાલુકામાં સતારા જિલ્લામાં અમારું નાનકડું ગામ, કાટગુણ. પણ મારા વડસસરા શેટીબા પૂના આવીને ધંધો કરવા લાગ્યા. પેશ્ર્વાને ત્યાં પૂજાના ફૂલ પહોંચાડવાનું કામ મારા વડસસરાએ શરૂ કરેલું, એટલે અમારી અટક અથવા આડનાવ ગોરહાયમાંથી ફુલે થઈ ગયું. મારાં સાસુ પોતાના દીકરાને નવ મહિનાનો મૂકીને ગુજરી ગયેલાં. મારા પતિને પ્રાઈમરી પ્રાથમિક શાળાના શિક્ષણ પછી ઉઠાડી લેવામાં આવ્યા. એ પિતાની સાથે શાકભાજી અને ફૂલના ધંધામાં જોડાઈ ગયા, પરંતુ એ સમયના મુસ્લિમ અને ખ્રિસ્તી પાડોશીઓ પેશ્ર્વાએ આપેલાં મકાનોને કારણે મારા સસરાના સારા મિત્રો હતા. એ સહુએ મારા સસરાને સમજાવીને જ્યોતિરાવને મિશનરી સ્કૂલમાં દાખલ કર્યા. ૧૮૫૭માં જ્યારે એ હાઈ સ્કૂલ ભણીને બહાર નીકળ્યા. અમારો પરિવાર ખાધેપીધે સુખી હતો… પરંતુ અમારી જાત નીચી હતી.

અમારા લગ્ન થયા ત્યારે હું નવ વર્ષની અને મારા પતિ તેર વર્ષના હતા, ૧૮૪૦માં મારા પતિ અમારી જાતિમાં સૌથી વધુ ભણેલા અને સુધરેલા કહેવાતા. હું પરણીને આવી ત્યારે મારા પતિએ મને પૂછ્યું, “વાંચતા આવડે છે ? એક હાથના ઘૂંઘટની નીચેથી મેં માથું ધુણાવીને ના પાડી. તેર વર્ષનો એ છોકરો મારી વાત સાંભળીને દુ:ખી થઈ ગયો. એણે મારો હાથ પકડ્યો અને કહ્યું, “આપણે આખી જિંદગી સાથે ગાળવાની છે, ગાડાના બે પૈડા સરખા ન હોય તો કેમ ચાલે ? સમજે છે ને? મેં ઘૂંઘટની નીચેથી માથું ધુણાવીને હા પાડી. એણે પૂછ્યું, “હું તને ભણાવીશ, તું ભણીશ ? મારું રોમ રોમ આનંદિત થઈ ગયું…અમારા સમયમાં છોકરીને ભણાવવી તો દૂરની વાત એને પુસ્તક પણ હાથમાં લઈને પાના ઉથલાવવાની છૂટ નહોતી…

એ પછી શરૂ થયું મારું શિક્ષણ અને પછી મારા પતિનું શિક્ષણ આગળને આગળ ચાલતું ગયું. એ જેમ ભણતાં ગયા એમ વધુને વધુ સમજદાર અને સહિષ્ણુ થતા ગયા. એ ક્યારેક મને કહેતા, “શિક્ષણનો અભાવ એટલે સમજણનો અભાવ, સમજણનો અભાવ એટલે નૈતિક્તાનો અભાવ, નૈતિક્તાની ગેરહાજરીમાં પ્રગતિ ક્યારેય ન થાય, ને પ્રગતિ ન થાય તો ગરીબી ક્યારેય દૂર ન થાય, ગરીબી દૂર ન થાય તો નીચી જાતિના લોકો હંમેશાં દબાયેલાને કચડાયેલા જ રહેવાના એ હસીને કહેતા, “બોલ, એક શિક્ષણ આવે તો બધું જ બદલાઈ જાય… મને એમની વાતો મોહ પમાડતી, એમને જ્યારે જોતી ત્યારે મને એમનામાં એક ગુરુ, એક મિત્ર, એક પતિની સાથે સાથે ક્યારેક જેણે મારું નસીબ બદલી નાખ્યું એવો ઈશ્ર્વર પણ દેખાતો. અમારી જિંદગી સામાન્ય રીતે ચાલી રહી હતી, હવે એ પેશ્ર્વાના દરબારમાં નોકરી કરવા લાગ્યા હતા. ઘરમાં સારા પૈસા આવતા, કોઈ તકલીફ નહોતી પણ ૧૮૪૮ની એક સવારે અમારી જિંદગી બદલી નાખી. જ્યોતિબા એમના એક બ્રાહ્મણ મિત્રના લગ્નમાં ગયા હતા, એમની સાથે શાળામાં ભણેલો એમનો મિત્ર છેક ઘર સુધી નિમંત્રણ આપવા આવેલો, પરંતુ જ્યોતિબા જ્યારે લગ્નમાં પહોંચ્યા ત્યારે એમને બ્રાહ્મણની પંગતમાંથી ઊભા કરીને વસવાયાંની, નીચી જાતિની પંગતમાં બેસાડવામાં આવ્યા. એટલું જ નહીં, એમને પીરસવા માટે પણ ઘરના નોકરો આવ્યા. જ્યોતિબા જમ્યા વગર આ અપમાન સાથે ઘેર આવ્યા ત્યારે એમની આંખોમાં આંસુ હતાં અને હૃદયમાં વલોપાત.

એ રાત્રે એમણે મોટા અવાજે મારી સામે એક પુસ્તક વાંચ્યું. “થોમસ પેઈનનું લખેલું આ પુસ્તક “રાઈટ્સ ઓફ અ મેન વાંચતા વાંચતા એ આખી રાત રડતા રહ્યા. બીજે દિવસે સવારે એમણે મને પૂછ્યું, “હું પેશ્ર્વાની નોકરી છોડીને આપણાં લોકોની સેવા કરવાનું નક્કી કરું તો તું મારો સાથ આપીશ ?

મેં મારા સસરાના દેખતા એમનો હાથ પકડી લીધો, “હા. જરૂર.

“સમાજ આપણો બહિષ્કાર કરશે, સંઘર્ષ કરવો પડશે, પળેપળે પરીક્ષામાંથી પસાર થવું પડશે, તૈયારી છે? મેં હા પાડી, “ક્યાં સુધી સાથ આપી શકીશ એમણે પૂછ્યું.

“શ્ર્વાસ ટકશે ત્યાં સુધી મેં કહ્યું.

તે દિવસથી આ જ સુધી અમે ખભેખભા મિલાવીને એકબીજાનો હાથ પકડીને ફક્ત અમારા સમાજ માટે કાર્ય કર્યું.

વિધવા વિવાહ, સ્ત્રી ઓનું શિક્ષણ, બીમારોની સેવા અને અમારા સમાજના લોકોની માનસિક્તાને પલટવા માટે અમે રોજે રોજ મથતા રહ્યાં…સમાજે અમને છૂટા પાડવાનોય ઘણો પ્રયાસ કર્યો કારણ કે સૌ સમજતા હતા કે અમે સાથે છીએ ત્યાં સુધી અમારી તાકાત કોઈ તોડી શકે એમ નથી.

એક દિવસ એ એક ગર્ભવતી વિધવા સ્ત્રી ને લઈને અમારે ઘેર આવ્યા. એમણે કહ્યું, “આ અહીં જ રહેશે. એના બાળકને હું મારું નામ આપીશ હું એમની સામે જોઈ રહી, “તને મારા ચારિત્ર્યમાં વિશ્ર્વાસ છે ને ? હું દોડીને એમને ભેટી પડી. એમનો એ સ્પર્શ મને અત્યારે યાદ આવે છે ! આપઘાત કરવા જતી એક વિધવા સ્ત્રીને આપઘાત કરતી અટકાવીને એ અમારે ઘરે લઈ આવ્યા હતા. બબ્બે જીવની હત્યા થાય એના કરતાં એક બાળક આ દુનિયામાં જન્મ લે તો ઈશ્ર્વરની પૂજા જ ગણાય એવું એમણે મને એ દિવસે સમજાવ્યું હતું. પૂરા દિવસે એ વિધવા સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો. અમે એ દીકરાને દત્તક લીધો અને એનું નામ ‘યશવંતરાવ’ આપ્યું.

આજે મારો યશવંત દાક્તર છે અને અમે આવી ગર્ભવતી મહિલાઓને આશરો આપવા માટે એક હોસ્પિટલ પૂનામાં ઊભી કરી છે, એનું નામ બાળ હત્યા પ્રતિબંધક ગૃહ છે. વિધવા સ્ત્રીઓની માનસિક હાલત એટલી ખરાબ હોય છે કે પરિવારના જ સભ્યો એમના પર બળાત્કાર કરે છે, બીજે ક્યાંય જવાની જગ્યા ન હોય એટલે આવા બળાત્કારો કે અત્યાચારો સહી લીધા સિવાય વિધવાને કોઈ ચારોય નથી હોતો. અમે મળીને આવી મહિલાઓ માટે એક હોસ્પિટલ ઊભી કરી, એમનાં બાળકોને ભણવા માટે શાળાઓ ઊભી કરી, ખાસ કરીને દીકરીઓ માટે શિક્ષણની હિમાયત કરી અને અમારા સમાજમાં થતા ફેરફારો જોઈને બીજા કેટલાય લોકો અમારી સાથે જોડાયા.

અમારા સમયમાં પ્લેગ એક ભયાનક રોગ ગણાતો. દર્દીને પ્લેગ થાય એટલે લોકો એને ઉપાડીને ગામ બહાર મૂકી આવતા, તાવમાં તરફડતો ગાંઠની પીડા સાથે દર્દી રિબાઈ રિબાઈને મૃત્યુ પામતો. પ્લેગની સારવાર થઈ શકે છે એવી પણ અમારા સમયમાં કોઈને જાણ નહોતી. યશવંતરાવ દાક્તર થયો પછી એણે લોકોને સમજાવ્યું કે, પ્લેગ એ ઈશ્ર્વરનો ગુસ્સો નથી પણ ઉંદરને કારણે જન્મ લેતો એક શારીરિક રોગ છે. અમે પ્લેગ માટે એક નાનકડી હોસ્પિટલ ઊભી કરી. એ હોસ્પિટલને કારણે ઘણાં બધા લોકો પ્લેગથી બચી શક્યા. શિક્ષણના અભાવને કારણે અમારા સમાજમાં રહેલી અસ્વચ્છતા અને અંધશ્રદ્ધાને પણ શિક્ષણના પ્રસારથી દૂર કરવાનું કામ અમે કરતા રહ્યા…

આજે આવા જ એક પ્લેગના દર્દીની સારવાર કરતા કરતા હું પોતે એ પ્લેગમાં સપડાઈ છું. યશવંત રાત-દહાડો એક કરીને મારી ચાકરી કરે છે. ‘એ’ મારી પથારી પાસેથી ખસતા નથી. અમે ત્રણે જણા જાણીએ છીએ કે હવે એક-બે દિવસમાં મારે આ જગત છોડીને જવાનું છે. આનંદ એક જ વાતનો છે, લગ્ન સમયે એમને આપેલું વચન હું પૂરી નિષ્ઠાથી નિભાવી શકી છું. મેં એમને કહેલું, “હું છેલ્લા શ્ર્વાસ સુધી તમારો સાથ આપીશ…

મેં છેલ્લા શ્ર્વાસ સુધી એમના દરેક કામમાં, એમના દરેક સપનાંમાં, એમના દરેક પ્રયત્નમાં એમનો સાથ આપ્યો છે.

સૌજન્ય– મુંબઈ સમાચાર , સાભાર- સુશ્રી.કાજલ ઓઝા -વૈદ્ય 

ઉપરનો ગંભીર લેખ વાંચ્યા પછી સુ.શ્રી પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી લિખિત હાસ્ય લેખ “સ્ત્રી સ્વાતંત્ર્ય” પણ માણો.

સ્ત્રી સ્વાતંત્ર્ય ..(હાસ્ય લેખ )… પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

લીલી: અલી ચંપા, તેં સાંભળ્યું, લોકો ચંદ્ર પર જઈ આવ્યા?

ચંપા: હા બહેન, સાંભળ્યું તો ખરું, પણ શું કરીએ, આપણને ઘરકામમાંથી ફુરસદ મળે તો ક્યાંક જઈએ ને?

સ્ત્રી સ્વાતંત્ર્ય ના આજના યુગમાં સ્ત્રીઓ દ્વારા થતી આવી વાતચીત સાંભળીને મને ઊંડો આઘાત લાગ્યો. એક લેખિકા તરીકે મારે ‘કલમ’ નામનું શસ્ત્ર ઉઠાવીને ઘરકામની ગુલામીમાં સબડતી આવી અનેક સ્ત્રીઓને મુક્તિ અપાવીને, સ્ત્રી સ્વાતંત્ર્ય નો મહિમા સમજાવવો જોઈએ. પણ એ માટે મારે શું કરવું?

ઇંગ્લેન્ડના વડાપ્રધાન ચર્ચિલને હિટલરના હુમલાથી પણ નહોતી થઈ એવી ચિંતા મને આ ગુલામીમાં સબડતી સ્ત્રીઓને માટે થઈ.

આખો લેખ વાંચવા નીચેની લીંક પર ક્લિક કરો.

http://humoristpallavimistry.blogspot.in/2016/03/blog-post_7.html

સાભાર-સુશ્રી.પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.