વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 16, 2016

( 867 ) સ્વ.ડો.ચંદ્રલેખાબેન પી.દાવડાની પ્રથમ પુણ્યતિથીએ હાર્દિક શ્રધાંજલિ

ફ્રીમોન્ટ,કેલીફોર્નીયા નિવાસી સહૃદયી મિત્ર શ્રીપી.કે.દાવડા ફેબ્રુઆરી ૨૦૧૫ના પહેલા સપ્તાહમાં એમનાં ધર્મ પત્ની ડો.ચંદ્રલેખાબેન સાથે એમનાં સગાં સંબંધીઓને મળવા અને અન્ય અંગત કામો પતાવવા ટૂંક સમય માટે મનમાં ખુબ ઉમંગ અને આનંદ સાથે મુંબઈ અને કલકત્તા ગયા હતા.

કમનશીબે તારીખ ૧૬ મી માર્ચ ૨૦૧૫ની વહેલી સવારે એમના જન્મ દિવસે જ ડો.ચંદ્રલેખાબેન દાવડાનું હાર્ટ એટેકને લીધે વાતો કરતાં કરતાં જ કલકત્તાની હોસ્પીટલમાં અચાનક અવસાન થયું હતું.

એક બીજાની હૂંફમાં જીવન સંધ્યાનો સમય સારી રીતે પસાર કરી રહેલ કોઈ બુઝર્ગ પતી-પત્નીમાંથી એક જણ અણધાર્યું આ જગતમાંથી વિદાય લઇ લે છે ત્યારે જીવિત રહેનાર પાત્રના જીવનમાં જે ખાલીપો વર્તાય છે એ તો જેને એનો અનુભવ થયો હોય એ જ ખરેખર જાણી શકે. રામ બાણ વાગ્યાં હોય એ જ જાણે!

આ દુખદ બનાવને આજે ૧૬ મી માર્ચ ૨૦૧૬ ના રોજ એક વર્ષ પૂરું થયું થયું છે.સ્વ.ચન્દ્રલેખાબેનની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે એમની સ્મૃતિમાં શ્રી દાવડાજીએ એક ટૂંકો લેખ,વિડીયો સાથે મોકલ્યો છે એ નીચે પ્રસ્તુત છે.

એ સ્પર્શનાં ફૂલો તો ખીલીને ખરી ગયાં

પણ ટેરવે સુગંધનો આસવ રહી ગયો

– કરશનદાસ લુહાર   

          વિદાયને એક વર્ષ                              

Late Dr.Chandralekha Davda

     Late Dr.Chandralekha Davda

ચંદ્રલેખા વિદાય થઈ એને એક વર્ષ પુરૂં થયું. એક વર્ષ દરમ્યાન એક પણ દિવસ એવો નથી ગયો, જ્યારે મારી સાથે હોય. રાત્રે ઊંઘમાં સપનામાં એમ વર્તે કે જાણે ક્યાંયે ગઈ નથી. દિવસ દરમ્યાન મારી પ્રત્યેક પ્રવૃતિમાં Background music ની જેમ હાજર હોય છે. અમે બન્નેએ એકબીજાના જીવનમાંથી ઘણું બધું અપનાવેલું. એના જીવનમાંથી મેં જે અપનાવેલું બધું આજ પણ મારી પાસે છે.

સગાંસંબંધી અને મિત્રો જે રીતે એને યાદ કરે છે જોઈને મારા મનમાં પ્રશ્ન ઊઠે છે કે મારા ગયા પછી લોકો મને રીતે યાદ કરશે?

મારા એક ખાસ મિત્રની પત્નિએ એકવાર કહેલું કેતારી જે પર્સનાલીટી છે, જોતાં તને ચંદ્રલેખા કરતાં વધારે યોગ્ય જીવનસાથી મળવી અશક્ય છે.”

આજે કહેનાર વ્યક્તિ પણ દુનિયામાં નથી, પણ હું એણે કહેલી વાત માટે એને હંમેશાં યાદ કરૂં છું,કારણ કે એણે કરેલી વાત ૧૦૦ % સાચી ઠરી છે.

અહીં બીજી એક ઘટના Share કરૂં છું.

૧૫ મી માર્ચ, ૨૦૧૫ ની સાંજે, સાન ફ્રાન્સિસ્કોથી મારી દિકરીએ એની મમ્મીને જ્ન્મદિવસની વધાઈ આપવા મારા મેઈલ આઈડીમાં એક વિડિયો મોકલ્યો.મેં વિડિયો જોઈને બીજે દિવસે સવારના આઠ વાગે ચંદ્રલેખાને એના જન્મ દિવસે બતાડવાનું નક્કી કર્યું.ચંદ્રલેખા વહેલે પરોઢિયે અમારી વિદાય લઈ ગઈ.(વિડીયો જોઈ ના શકી !).

નીચેની લીંક્થી તમે વિડિયો જોઈ શકશો.

Happy 70th birthday Mom!

http://vimeo.com/119578237 

( આ એક પ્રાઈવેટ વિડીયો છે એટલે વિડીયો જોવા માટે કદાચ પાસવર્ડ લખવાનો મેસેજ આવે તો આ વિડીયો માટેનો પાસવર્ડ chandralekha છે.

આ વિડીયોમાં સ્વ.ચન્દ્રલેખાબેન અને એમની વ્હાલી દીકરી જાસ્મીનના ભૂતકાળની તસ્વીરો સાથે પાર્શ્વભુમીમાં “તું કિતની ભોળી હૈ ઓ પ્યારી મા….ગીતના સૂરોથી આ વિડીયો ખુબ હ્રદય સ્પર્શી બન્યો છે !માણસની જિંદગી સાથે કુદરત કેવા ક્રૂર ખેલ ખેલતી રહે છે!)

 

ચંદ્રલેખાબેનના અવસાનના એક મહિના બાદ વિનોદ વિહારની પોસ્ટ  નંબર (697 )

સરસ્વતી …કાવ્ય…પી.કે.દાવડા /સ્વ.ડો.ચંદ્રકલા બેન દાવડાને હાર્દિક શ્રધાંજલિ 

એ નામે મુકવામાં આવી હતી.

આ પોસ્ટમાં શ્રી.દાવડાજીનો “ખાલીપો“નામનો હૃદય સ્પર્શી ઈ-મેલ અને એમનું” સરસ્વતી” નામનું કાવ્ય અને એમના ઈ-મેલનો મારો જવાબ વાંચી શકાશે.     

આ રહ્યું શ્રી દાવડાજીનું એ કાવ્ય

સરસ્વતી

નથી  ચૂંટ્યા ફૂલો વન વન જઈને જીવનમાં ,

નથી   ક્રીડા કીધી ફરફર થતી તુજ લટ થકી ,

નથી બેઠા ક્યારે ઝરણ સમીપે  હાથ પકડી,

નથી ગાયાં ગીતો મધુર સ્વરમાં  પ્રણયનાં ,

નથી ક્યારે બેઠા મધુર ઝરતી ચાંદની મહીં,

નથી નાચ્યો મોરો થનગન કરીને મન મહીં,

છતાં આજે આવે પળપળ મને યાદ તુજની?

સદા વહેતી રહેજે સરસ્વતી સમી આજીવનમાં

સ્વ.ચંદ્રલેખાબેનના અવસાન પછી મિત્રો જોગ મોકલેલ ખાલીપો શીર્ષકથી મોકલેલ ઈ-મેલમાં દાવડાજીએ લખ્યું હતું.

હું જાણતો હતો કે એક જ સમયે જન્મેલા જોડિયા બાળકો પણ આ દુનિયા અલગ અલગ છોડે છે. અમારા બે માંથી કોણ પહેલા જ્શે એ જાણવું શક્ય ન હતું, પણ એટલૂં ખબર હતી કે એકના ગયા પછી બીજાને ખાલીપાનો અહેસાર શેષ જીવનમાં રહેશે. ઈશ્વરે એ ખાલીપો મને આપ્યો. એની સાથે વિતાવેલા સમયને યાદ કરી એ ખાલીપો ભરવા કોશીશ કરીશ. કુટુંબ અને મિત્રોનો સહાયો એમા સહાયરૂપ થશે એમાં શંકા નથી.

એમના એકલતા નામના લેખમાં એમણે લખ્યું છે.

એકલતાની માનસિક યાતનાની કલ્પના કરવી મુશ્કેલ છે. એક વિશાળ કમરામાં સામસામી બે ખુરસીઓ પડી હોય, એકમાં તમે બેઠા હો અને બીજી ખાલી હોય તેનું નામ એકલતા. જેલમાં અનેક યાતનાઓ સહન કરવી પડે છે પણ એમાં સૌથી વધારે પીડા Solitary confinement માં થાય છે.

દાવડાજીના ખાલીપો ઈ-મેલ વાંચીને જાણીતાં લેખિકા લતા જગદીશ હિરાણીએ સુંદર પ્રતિભાવ આપ્યો હતો એ અહીં રજુ કરું છું.

“ આજે આ ઇ-મૅઇલ દિલ હચમચાવી ગયો

Future belongs to those who dare!ડૉકટર ચંદ્રલેખા ઠક્કરને મળ્યા નથી પણ ન જાણે કેમ આ સમાચારથી આઘાતની લાગણીથી કાંઇ લખવાનું સુઝતું નથી.સ્થિતી કાંઇક આવી ….

મરણ

મૂળસોતાં ઉખેડી નાખે

ને પગથી માથા સુધી હચમચાવી દે

હવે હું રાત્રે સુઇ જાઉં છું

ત્યારે દિવસનું બચેલું થોડુંક અજવાળું

ને

રાતનું અંધારુંય

આંખમાં ચપોચપ સમેટી લઉં છું

સવારે જાગું છું ને મને કહું છું,

‘હા, હું છું’

હવે મને સફેદ સાડી કે બેસણાનો ડર નથી લાગતો

હાર ચડાવેલ ફોટો

જોયો ન જોયો કરી

પાછી વળી જઉં છું

મારી અંદર મોત પલાંઠી વાળીને બેસી ગયું છે.

એને નથી આવવાનું

કે નથી જવાનું

કોઇ ફરક નથી પડવાનો

કદીક એ મને લઇ જશે

કશું હચમચાવ્યા વગર…..

લતા જગદીશ હિરાણી 

શ્રી /શ્રીમતી પી.કે.દાવડા-યુવાન વયે

                                  શ્રી /શ્રીમતી પી.કે.દાવડા-યુવાન વયે

મળવા જેવા માણસ – શ્રી.પી.કે.દાવડા નો પરિચય-એમના જ શબ્દોમાં 

https://sureshbjani.wordpress.com/2014/08/05/pkdavda/

 

શ્રીમતી ચંદ્રકલાબેન પુરુષોત્તમ દાવડાને એમની પ્રથમ પુણ્યતિથીએ હાર્દિક શ્રધાંજલિ 

તા.માર્ચ ૧૬,૨૦૧૬