Daily Archives: એપ્રિલ 2, 2016
માઈક્રોફિક્શન વાર્તા એટલે શું ?
કોઈ પણ ભાષામાં વાર્તા એ એક અગત્યનો સાહિત્ય પ્રકાર છે.વાર્તામાં સમાજમાં જીવાતા જન જીવનમાંથી કોઈ પણ વિષય વસ્તુની પસંદગી કરીને એને શબ્દોના વાઘા પહેરાવીને લેખક વાચકો સમક્ષ રજુ કરતો હોય છે.માણસોમાં ધબકી રહેલી લાગણીઓ,સંવેદનાઓનો પડઘો એની વાર્તામાં પેશ કરવાનો વાર્તા લેખકનો સતત પ્રયત્ન રહેતો હોય છે.નવલકથા ,નવલિકા ,લઘુ કથા ટૂંકી વાર્તાના માધ્યમથી મુખ્યત્વે વાર્તાઓ લખાતી હોય છે.આ વાર્તા પ્રકારોમાં માઈક્રોફિક્શન વાર્તાનો પ્રકાર નવો ઉમેરાયો છે.
માઈક્રો-Micro એ અંગ્રેજી શબ્દ છે અને અંગ્રેજી શબ્દ મેક્રો-Mecro નો વિરુદ્ધ અર્થી છે.મેક્રો એટલે ખુબ વિશાળ વિસ્તારમાં ફેલાયેલું , જગ વ્યાપી, વિસ્તૃત – જેમ કે મેક્રો ઇકોનોમિકસ . માઈક્રો એટલે સ્થાનિક,સંક્ષિપ્ત, બારીક યા સુક્ષ્મ. એના પરથી માઈક્રોસ્કોપ -સુક્ષ્મદર્શક યંત્ર – શબ્દ આવ્યો.
માઈક્રોફિક્શન વાર્તા કહેવું એ પણ એક રીતે ભાષાની દ્રષ્ટીએ મને બરાબર નથી લાગતું ,કારણ કે ફિક્શન એટલે જ વાર્તા .પરંતુ અંગ્રેજી- ગુજરાતીનું આવું વિચિત્ર મિશ્રણ કરીને માઈક્રોફિક્શન વાર્તા એમ કહેવાનો શિરસ્તો અત્યારે જોવામાં આવે છે.
માઈક્રોફિક્શન વાર્તા ને શુદ્ધ ગુજરાતીમાં જો કહેવું હોય તો એને સુસંક્ષીપ્ત વાર્તા એમ કહેવું જોઈએ.(કોઈને આનાથી સારો શબ્દ સુઝે છે ?).આનાથી ફિક્શન અને વાર્તા એમ જે રીતે બેવડાય છે એમ નહી બને.
વાર્તાના બે પ્રકાર છે . એક સત્ય ઘટના કે એના પર આધારિત વાર્તા અને બીજી માત્ર લેખકની કલ્પનામાંથી જ જન્મેલી વાર્તા જે ખરેખર બની ના હોય પણ એમ લાગે કે આવું ક્યાંક બન્યું હશે કારણ કે સમાજમાં જીવાતા જન જીવનમાંથી જ લેખક એની વાર્તાની વસ્તુ શોધીને શબ્દોનો ઘાટ આપીને એને રજુ કરતો હોય છે.
આજના ઝડપી જમાનામાં લોકોને બહુ લાંબી વાર્તાઓ વાંચવામાં બહુ રસ દેખાતો નથી. આ વિચારમાંથી માઈક્રોફિક્શન વાર્તા પ્રકારનો જન્મ થયો હોય એમ લાગે છે. નવલકથા એ મેક્રો ફિક્શન છે જ્યારે માઈક્રો ફિક્શન વાર્તા ઓછા શબ્દોમાં ચમત્કારિક રીતે વાર્તા રજુ કરવાની કળા રજુ કરતો એક નવીન વાર્તા પ્રકાર છે.
નવલકથાને આપણે ભાત ભાતના પકવાન અને ચટણીઓ સાથે જમણ માટે સજાવેલી થાળીની ઉપમા આપીએ તો માઈક્રોફિક્શન વાર્તા પ્રકાર એ પૌષ્ટિક તત્વોથી ભરપુર નાના પેકેટમાં આસ્વાદ માટે આપવામાં આવેલી સ્વાદિષ્ટ સેન્ડવીચ છે એમ કહી શકાય.
સારી માઇક્રોફિકશન વાર્તા એ એક કવિતા લખવા જેવું ગાગરમાં સાગર સમાવવા જેવું અઘરું કામ છે.એમાં બિન જરૂરી લાંબાં વર્ણનો,શબ્દો, સંવાદો, નથી હોતા પણ ખુબ ઓછા શબ્દોમાં મનને અસર કરી જાય એવી ચમત્કારિક રીતે વાર્તા કહેવાતી હોય છે.
મારા મિત્ર શ્રી પી.કે.દાવડાજી એ માઇક્રોફિક્શન વાર્તા વિષે અભ્યાસ કરીને માઈક્રોફીક્સન વાર્તાના આ પ્રકારમાં નીચેના સાત મુખ્ય મુદ્દાઓ તારવ્યા છે જે સામાન્ય રીતે આવી વાર્તાઓમાં હોવા જરૂરી છે.આ મુદ્દાઓ એમણે બેઠક સંસ્થાની સભામાં આ વાર્તા પ્રકાર વિષે બોલતાં રજુ કર્યા હતા.
(૧) માઈક્રોફીક્ષન વાર્તા 25૦ શબ્દોથી વધારે લાંબી ન હોવી જોઈએ. વાર્તામાં કેટલા શબ્દો છે એ મહત્વનું નથી,શબ્દોમાં કેટલી વાર્તા છે એ વધારે મહત્વનું છે.
(૨) સામન્ય વાર્તાની જેમ જ માઈક્રોફીક્ષનમાં પણ શરૂઆત, મધ્ય અને અંત હોવો જરૂરી છે.
(૩) માઈક્રોફીક્ષનમાં પાત્રોની સંખ્યા ઓછી હોવી જોઈએ અને પાત્રોનું વર્ણન કરવાની જરૂર ન હોવી જોઈએ.
(૪) માઈક્રોફીક્ષન એ બળવાખોર પ્રકાર છે. લંબાઈ સામે બળવો, સીમાઓ સામે બળવો અને અપેક્ષાઓ સામે પણ બળવો.
(૫) વાર્તાનો અંત ચોંકાવનારો હોવો જોઈએ.
(૬) વાર્તામાં હાસ્યરસ વાર્તાને આકર્ષક બનાવે છે.
(૭) વાર્તા લખવા એક પ્લાન હોવો જોઈએ અને લખી લીધેલી વાર્તા ફરી ફરી વાંચીને એને Revise કરવી જોઈએ.
કેલીફોર્નીયા,બે એરીયાની બેઠક સંસ્થા ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે ખુબ જ સારું કામ કરી રહી છે.દર મહીને કોઈ એક વિષય નક્કી કરીને સાહિત્યમાં રસ લેનાર સૌને એના વિષે લખવા માટે જણાવવામાં આવે છે.માર્ચ મહિનાના વિષય તરીકે ૩૦૦ શબ્દોથી લાંબી ના હોય એવી માઈક્રોફિક્શન વાર્તા લખી મોકલવા બેઠક મુખ પત્ર સમા સુશ્રી.પ્રજ્ઞાબેન દાદભાવાળાના બ્લોગ શબ્દોનું સર્જન મારફતે સૌ સાહિત્ય રસિકોને જણાવવામાં આવ્યું હતું.
આના જવાબમાં મેં પણ મારી એક માઇક્રોફિકશન વાર્તા લખી મોકલી હતી.
આ રહી એ વાર્તા …
માઈક્રોફિક્શન વાર્તા …અચંબો અને આઘાત!
લેખક- વિનોદ પટેલ
મનહરભાઈ અને કાંતાબેન આજે ખુબ ખુશમાં હતાં.કેમ ના હોય,એમનો આંખની કીકી જેવો એકનો એક વ્હાલો દીકરો દીપક અમેરિકામાં અભ્યાસ પૂરો કર્યા બાદ એક સારી કમ્પનીમાં જોબ મેળવીને ઘણા વર્ષો પછી માતા-પિતાને મળવા થોડા દિવસની રજાઓ લઈને સ્વદેશ આવવાનો હતો.
દીપકને સારા સંસ્કાર આપી ઉછેરી,શિક્ષણ આપી એના સારા ભવિષ્ય માટે કપાતે દિલે પ્રેમાળ મા-બાપે એને અમેરિકા મોકલ્યો હતો.
યુવાન અને ઉમરલાયક થયેલો દીકરો આવે એટલે એના લગ્ન જલ્દી થઇ જાય એ માટે આ પ્રેમાળ માતા-પિતા ખુબ ઉત્સુક હતાં.એ માટે સમાજની બે ત્રણ સારી દેખાવડી સુશિક્ષિત છોકરીઓ બન્નેએ જોઈ રાખી હતી. દીકરો આવે એટલે મુલાકાત કરાવીશું એમ મનમાં ગોઠવી રાખ્યું હતું .
મનહરભાઈ અને કાંતાબેનના મનની એવી પણ ઈચ્છા હતી કે દીપકના લગ્ન પછી એ અમેરિકામાં જઇ એની પત્ની સાથે ત્યાં સેટ થઇ જાય એટલે અહીનું બધું સમેટી લઈને એમના એક મિત્રની જેમ અમેરિકા પુત્ર અને પુત્ર વધુ સાથે રહેવા જતા રહીશું.
મનહરભાઈ અને કાંતાબેન એમના વ્હાલા દીકરા દીપકના ઘણા વર્ષે ઘેર પાછો આવવાના જે દિવસની કાગના ડોળે રાહ જોતા હતા એ દિવસ છેવટે આવી ગયો.
સવારે વહેલાં ઉઠીને તેઓ અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દીકરાને આવકારવા પહોંચી ગયાં.ઈમિગ્રેશનની વિધિ પતાવી દીપક સામાન સાથે બહાર આવ્યો ત્યારે મનહરભાઈ અને કાંતાબેન એને આંખમાં હર્ષનાં આંસુઓ સહિત ભેટી પડ્યાં.
દીપકની પાછળ ઉભી રહેલી એક અમેરિકન ગોરી છોકરી તરફ ફરીને દીપકે એને કહ્યું “એલીઝા ,મીટ માય પેરન્ટસ “
મનહરભાઈ એ દીપકને પૂછ્યું :”ભાઈ, એ તારી કોઈ મિત્ર છે ?”
દીપક કહે :”ના પપ્પા-મમ્મી, અમે બન્ને ત્યાં અમેરિકામાં લગ્ન કરીને આવ્યાં છીએ. અમે તમોને એક સરપ્રાઈઝ આપવા માગતાં હતાં !”
બિચારાં મનહરભાઈ અને કાંતાબેન ! એમનો મનમાં રચેલો સ્વપ્નોનો મહેલ એક જ ઘડીમાં જમીન દોસ્ત થઇ ગયો !
દીપક માટે જે સરપ્રાઈઝ હતું એ એમને માટે તો જીવનભરનો એક મોટો આઘાત હતો !
–વિનોદ પટેલ
આ મા.ફી. વાર્તા કુલ ૨૯૨ શબ્દોની છે.
આ જ વાર્તાને ઓછા શબ્દો વાપરી થોડી ટૂંકાવી ફરી મઠારીને જો લખીએ તો આ રીતે લખી શકાય.
માઈક્રોફિક્શન વાર્તા …અચંબો અને આઘાત !
મનહરભાઈ અને કાંતાબેન આજે ખુબ ખુશમાં હતાં.એમનો એકનો એક વ્હાલો દીકરો દીપક અમેરિકામાં અભ્યાસ પૂરો કર્યા બાદ એક સારી કંપની માં જોબ મેળવી,ઘણા વર્ષો પછી માતા-પિતાને મળવા થોડા દિવસ માટે સ્વદેશ આવવાનો હતો.
યુવાન દિકરાના લગ્ન માટે માતા-પિતા ખુબ ઉત્સુક હતાં.એમની જ જ્ઞાતિની બે ત્રણ સારી દેખાવડી સુશિક્ષિત છોકરીઓ બન્નેએ જોઈ રાખી હતી. દીકરો આવે એટલે મુલાકાત કરાવીશું એમ મનમાં ગોઠવી રાખ્યું હતું.
મનહરભાઈ અને કાંતાબેનના મનની એવી પણ ઈચ્છા હતી કે દીપકના લગ્ન પછી એ અમેરિકામાં જઇ વહુ-દિકરા સાથે ત્યાં સેટલ થઇ જાય.
સવારે વહેલાં ઉઠીને તેઓ એરપોર્ટ પર દીકરાને આવકારવા પહોંચી ગયાં. ઈમિગ્રેશનની વિધિ પતાવી દીપક સામાન સાથે બહાર આવ્યો ત્યારે મનહરભાઈ અને કાંતાબેન એને આંખમાં હર્ષનાં આંસુઓ સાથે ભેટી પડ્યાં.
દીપકની પાછળ ઉભી રહેલી એક અમેરિકન ગોરી છોકરી તરફ ફરીને દીપકે એને કહ્યું “એલીઝા હની, મીટ માય પેરન્ટસ “
–વિનોદ પટેલ
જોઈ શકાશે કે ટૂંકાવેલી વાર્તામાં બિન જરૂરી શબ્દો બાદ કર્યા છે.મૂળ વાતામાં ૨૯૨ શબ્દો હતા એને બદલે ૧૪૦ શબ્દોનો જ ઉપયોગ કરવા છતાં વાર્તા અને એમાં રહેલો ભાવ અને અર્થ બદલાતો નથી ,એનો એ જ રહે છે.
વાર્તાની ખૂબી એના અંતમાં છે.વાર્તા નાયક દીપક અમેરિકામાં લગ્ન કરીને આવ્યો છે એ હકીકત અને એનાથી માતા-પિતાને થયેલો અચંબો અને ઊંડા આઘાતની લાગણીને સમજવાનું કામ સુજ્ઞ વાચકો પર છોડી દેવામાં આવ્યું છે .
વાચકોના પ્રતિભાવ