વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: એપ્રિલ 2016

( 892 ) દ્રઢ મનોબળથી ૧૮ મહિનામાં ૧૦૮ કિલો વજન ઉતારનાર અનંત અંબાણીની પ્રેરણાત્મક કહાની …

” For those who dared to dream, there is a whole world to win “

— Dhirubhai Ambani 

ઉપર જેમનું અવતરણ મુક્યું છે એ ધીરુભાઈ અંબાણીના દ્રઢ નિશ્ચયી પૌત્ર અનંત અંબાણીએ એના અંગત જીવનમાં બરાબર ઉતાર્યું છે.અનંત અંબાણી હાલ ભારતના પ્રથમ નંબરના ધન  કુબેર રિલાયન્સ ગ્રુપના ચેરમેન ઉદ્યોગ પતિ  મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર થાય છે.

૨૧ વર્ષની ઉમરના અનંત અંબાણીએ  ૧૮ મહિનામાં ૧૦૮ કિલો વજન ઉતારીને સમાચાર જગતને દંગ કર્યું છે.

આ બતાવે છે કે માણસમાં જો મજબુત ઇચ્છાશક્તિ હોય અને એના માટે સતત ઝઝૂમીને યોગ્ય પગલાં લેવામાં આવે તો કોઈ પણ મોટો પ્રશ્ન ઉકેલી શકાય છે પછી એ શરીરને લગતો હોય કે બીજો કોઈ સામાજિક પ્રશ્ન હોય .

આ દ્રઢ નિશ્ચયી  યુવાન અનંત અંબાણીએ કેવી રીતે એનું વજન ઉતારી બતાવ્યું એની સીલ સિલા બંધ વિગતો ગુજરાત સમાચારમાં પ્રગટ સમાચાર અને નીચેના વિડીયો ઉપરથી જાણી શકાશે.

નીચેના ચિત્ર પર ક્લિક કરીને ગુજરાત સમાચારમાં પ્રગટ વિગતો જાણો .

હાલમાં પિતા મુકેશ અંબાણી કરતા વધુ ચર્ચામાં અનંત અંબાણી છે

પ્રથમ ચિત્ર- ૧૮ મહિના પહેલાંના અનંત અંબાણી ... બીજું ચિત્ર- ૧૦૮ કિલો વજન ઉતાર્યા પછીના અનંત અંબાણી

પ્રથમ ચિત્ર- ૧૮ મહિના પહેલાંના અનંત અંબાણી …       બીજું ચિત્ર- ૧૦૮ કિલો વજન ઉતાર્યા પછીના  અનંત અંબાણી

 

અનંત અંબાણીએ ૧૮ મહિનામાં ૧૦૮ કિલો વજન કેવી રીતે ઉતાર્યું

એ કાયા કલ્પની વિગતો આ વીડિઓમાંથી પણ મેળવો .

વજન ઉતારવા માગતી વ્યક્તિઓ માટે એક પ્રેરણાત્મક વિડીયો 

He walked 21 km each day, did yoga, weight training, functional training and high-intensity cardio exercises and able to reduce the weight without any surgery.
Now he is celebrating his 21st birthday and IPL 2016.
He also post his pics with Sachin Tendulkar on Twitter which is share by millions.

( 892 ) સ્વ. જય ગજ્જરને હાર્દિક શ્રધાંજલિ / “દિલનો દોરો … વાર્તા… જય ગજ્જર

જીવન એક નાટક

આ જીવન સદા ભજવાઈ રહેલું એક નાટક છે,

આપવામાં આવેલું પાત્ર સૌ ભજવતા હોય છે,

સમયની સાથે નાટકના ખેલ બદલાતા રહે છે,

પોતાને આપેલો પાઠ પૂરો થઇ જતાં દરેક પાત્ર,

એક પછી એક એમ સ્ટેજ પરથી વિદાય લઇ લે છે.

એ પાત્રના જીવન ખેલ પર ભલે પડદો પડી જાય,

પણ એણે ભજવેલો  પાઠ સદા યાદ રહી જાય છે .

વિનોદ પટેલ

કેનેડા નિવાસી પણ મૂળ મારા વતનના ગામ ડાંગરવાની નજીકના ગામ પાનસરના વતની અને જાણીતા સાહિત્યકાર અને વાર્તા લેખક જય ગજ્જર નું માર્ચ ૩૧, ૨૦૧૬ ના રોજ ગાંધીનગર, અમદાવાદ મુકામે દુખદ અવસાન થયું છે.પરમ કૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થના આત્માને શાંતિ આપે.

વિનોદ વિહાર તરફથી સ્વ. જય ગજ્જરને હાર્દિક શ્રધ્ધાંજલી.

સ્વ.ગજજરની ઘણી વાર્તાઓ મેં વાંચી છે જેમાં એમના જીવન અનુભવોનું સુંદર નિરૂપણ જોવા મળે છે.કેનેડા નિવાસી મિત્ર શ્રી કિશોર પટેલ – શબ્દસેતુ‘ના સૌજન્યથી સ્વ. જય ગજ્જર ની એક હૃદય સ્પર્શી વાર્તા “દિલ નો દોરો “ એમની યાદમાં નીચે પ્રસ્તુત છે.

શ્રી જય ગજ્જરનો પરિચય એમના જ શબ્દોમાં અહીં વાંચો .

વિનોદ પટેલ 

સ્વ.જય ગજ્જર

                  સ્વ.જય ગજ્જર

દિલનો દોરો

“બેટા,આજ મને લેવા આવવાનો છે ને?” સવારે ઉઠતાં રાયચંદે દીકરા વિવેકને ફોન કર્યો.

“કેમ આજ વળી શું છે?” જરા ગુસ્સામાં વિવેકે સવાલ કર્યો અને ઉમેર્યું, “હા.. હા… ફાધર્સ ડે છે ને?”

ત્યાં જ વહુ મોટેથી વચ્ચે બોલી,

“હજુ તો નવ વાગ્યા છે! અમારી ઉંઘ બગાડી! રેસ્ટોરન્ટમાં ખાવાનો બહુ અબળખો છે તો બપોર સુધી રાહ જોવી જોઇએ ને!”

દીકરા કે વહુનો ગુસ્સો વધે એ પહેલાં રાયચંદ શેઠે ફોન મૂકી દીધો અને ઘડિયાળ સામે આંખ માંડી બાજુની ખુરસીમાં બેસી કંઈક યાદ કરવા લાગ્યા…

“ડેડ,વિશાળ બંગલો છે,આંગણામાં બબ્બે મર્સિડિઝ કાર છે,લાખો ડોલર બેંકમાં છે,ધીકતો ધંધો છે, હવે શું જોઈએ? હવે કામનો ભારણ ઓછો કરી ભકિત સાથે સાથે આરામ કરો!” ત્રીસ વર્ષના વિવેકે પત્ની નેહાની ચઢવણીથી એના ડેડીને સલાહ આપી.

રાયચંદને દીકરાના શબ્દો બાપ પ્રત્યેના પ્રેમના લાગતાં સલાહ ગમી. કશું જ વિચાર્યા વિના બધું વિવેકને નામે કરી દીધું. વેપારની જવાબદારીનો ભાર ઘટતાં મન પ્રફુલ્લિત રહેવા લાગ્યું. સમય કયાં વીતતો હતો એની ખબરે ન પડતી.

વિવેકનો ભાર ઓછો કરવાને બહાને નેહાએ ઘરનો અને વેપારનો કબજો મેળવી લીધો.ઘરમાં જ ઓફિસ કરી. એક પર્સનલ સેક્રેટરી રાખ્યો.સમય જતાં, નિકટતા વધતાં, નેહાનું એની સાથે લફરું વધતું ગયું.વિવેક તો ધંધામાં ડૂબેલો રહે એટલે કશું એની જાણમાં ન આવતું.ઘરમાં રહેતો ડોસો વહુને એક આડખીલી લાગવા માંડયો.

નેહા અવાર નવાર ફરિયાદ કરવા લાગી.

“તારા ડેડી બપોરે જમીને પ્લેટ પણ સિંકમાં મૂકતા નથી… જમતી વખતે ચારે બાજુ એંઠવાડ પાથરે છે…ટોઇલેટની આસપાસ પાણીના છાંટા ઉડાડે છે… બહારથી ઘરમાં આવે ત્યારે બૂટમાં મણ કચરો લઈને આવે છે… ચારે બાજુ ચોપડાનાં થોથાં પાથરે છે… કામવાળી કંકુ આવે ત્યારે રોજ ફરિયાદ કરે છે… મને લાગે છે એમને માટે ઘરડાંનું ઘર જ સારું! શાંતિ તો ખરી! ત્યાં એ એમની રીતે રહી શકે!”

રોજે રોજના કકળાટથી કંટાળી વિવેક અશ્રુભીની આંખે એના ડેડીને વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યો.

ડેડ દર અઠવાડિયે તમને મળવા આવીશ! કહી સાંત્વન આપ્યું. બેચાર મહિના તો ક્રમ જળવાયો.પછી મહિને… બે મહિને… કે ચાર મહિને ડેડીને મળવા જવા લાગ્યો. છેલ્લે આવેલો ત્યારે કહેતો ગયેલો કે ફાધર્સ ડે ને દિવસે જરૂર આવીશ ડેડ!

દીકરાનું મોઢું જોવા તલસતા રાયચંદે એ યાદ અપાવવા ઉઠતાંજ દીકરાને ફોન કર્યો.રાયચંદ હૈયું ખોલે એ પહેલાં વહુ નેહાના શબ્દો કાને પડતાં ફોન મૂકી દીધો હતો.

રાયચંદને દિલ ખોલવું હતું…

“મરેલી મા યાદ આવે છે… ને આ જીવતો બાપ… તારી મા વહુનું અર્ધું કામ ઉપાડી લેતી અને આ બાપ ભાર રૂપ હતો ખરું ને… વહુએ એવું તે શું ભરાવ્યું છે દીકરા…આજ તો તું આવે ત્યારે બધી જ ચોખવટ કરવી પડશે….”

અને તૂટતા જતા શબ્દોની ગડમથલમાં હૈયાનો ભાર વધતો ગયો. ઘડિયાળનો કાંટો રાતના અગિયારે પહોંચી ગયો હતો.દીકરાની રાહ જોતા રાયચંદની આંખો દિલનો દોરો પડતાં મીંચાઈ ગઈ હતી. ચોખવટ કરવા કદી ખુલી જ નહિ!

જય ગજજર – વિદાય… માર્ચ ૩૧, ૨૦૧૬

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ

ઓજસ પાલનપુરી

સૌજન્ય- શબ્દ સેતુ

( 891) દયા ભાવનો વિસ્તાર……એન. રઘુરામન,……. એક પ્રેરક વિડીયો

દયાભાવનો વિસ્તાર થાય એવું ઇચ્છતા હોવ તો આ પ્રકારના કાર્યોની વારંવાર પ્રશંસા કરતા રહો

dayabhav

N Raghuram

દર વર્ષે “જોય ઓફ ગીવિંગ” વીક એટલે કે ‘આપવાના આનંદ’ નું સપ્તાહ આવે છે અને પછી ભૂલાવી દેવા માટે ઘણી બધી ગતિ વિધી થાય છે. પરંતુ 92 વર્ષીય એન્જેલા ફર્નાન્ડિસને રોજ સ્વાદિષ્ટ અને ગરમ ભોજન મળે છે અને તે પણ માત્ર જોય ઓફ ગીવિંગ વીકમાં નહીં પણ આખું વર્ષ. આ પ્રક્રિયા સતત ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી કોઇપણ જાતના અપવાદ વગર ચાલી રહી છે, બિલકુલ મફત. દાળ, રોટલી, શાક અને ભાતની સાથે આવનારી ડિશીશને “ઓછું મીઠું અને મસાલા નાંખી બનાવવામાં આવે છે જેથી આ ઉંમરે તેમને તે સરળતાથી પચી શકે. માત્ર ભોજનનો ડબ્બો પહોંચાડીને જ આ દયાભાવના વાળું કામ પૂરું થઇ જતું નથી.

ડિશ રોજ આવે છે, માંગ્યા વગરની આ પ્રેમની સરસ સોગાદ છે, કારણ કે એક વ્યક્તિ આવીને તેમને જમવાનું આપશે,તેમની તબિયત વિશે પૂછશે, આજુ-બાજુંના નાના-મોટાં કામ કરી આપશે,તેમને પ્રેમથી ભેટશે અને જતાં પહેલાં ઇશ્વરને તેમના માટે પ્રાર્થના કરશે. જે માણસ ભોજન લઇને આવે છે તે ફક્ત તેમના માટે ભોજન લાવતો નથી. તે બપોરે પોતાની કારમાં ઘરે-ઘરે જઇને ભોજન પહોંચાડે છે. તેજસ્વી ચહેરા સાથે તે દરવાજો ખખડાવે છે અને સંબંધિત વૃદ્ધને તે પોતાના હાથે ડબ્બો સોંપે છે. તેમની તબિયત વિશે જાણ્યાં સિવાય તે તેમનો ઉંબરો છોડતો નથી. આ ઘરોમાં નબળાં, વયોવૃદ્ધ એક-બે વ્યક્તિ નથી, જેમને કાં તો તેમના ભરોસે છોડી દેવાયા છે અથવા તો તેમની પાસે પોતાની સંભાળ રાખવાની સગવડ નથી. જો ડબ્બો તેમના સુધી ન પહોંચે તો મુંબઇમાં આ 30 વૃદ્ધો વિશે કંઇક ભયાનક સાંભળવા મળે છે.

જેઓ થોડા વર્ષો પહેલાં આ મહાનગરીમાં ગર્વ સાથે કામ કરતા હતાં, આજે તેમને કોઇ કારણોસર મહાનગરે તેમને નિસહાય છોડી દીધાં છે, તેમની સાથે રહેનારા લોકો ચાલ્યાં ગયાં . સમય સાથે સંબંધો અને સ્વાસ્થ્યએ જવાબ અાપી દીધો અને પડોશીઓએ પણ આ ગુજરતી પેઢી સાથે અંતર કરી લીધું. આજે જ્યારે ભોજન તેમના ઘરે પહોંચે છે, તેમના હાલ-ચાલ પૂછાય છે, તો દરવાજો બંધ થતા પહેલાં આભાર વ્યક્ત કરતું હાસ્ય અને ખૂબ બધાં આશિર્વાદ સાથે ડીલિવરી મેનને વિદાય મળે છે.

છેલ્લાં 1095 દિવસ એટલે કે પૂરાં ત્રણ વર્ષથી તે ન તો ક્યારેય ગાયબ રહ્યો કે ન ક્યારેય પોતાનો સમય ચૂક્યો. અને દર વર્ષે ઓક્ટોબરમાં તે પોતાની સેવાઓ  માટે મીડિયામાં છવાયેલો રહે છે. દર વર્ષે મીડિયાનો કોઇનો કોઇ ભાગ તેમના પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે પ્રશંસા કરતો રહે છે.

મળો 57 વર્ષના માર્ક ડિસુઝાને, તેઓ મુંબઈના બોરીવલીમાંથી આવેલી પોતાની ઓફીસમાંથી તમામ કામ સંભાળે છે.

તેમણે માતા પિતાના અવસાન બાદ અને પોતે વૃદ્ધાવસ્થા તરફ આગળ ધપી રહ્યા છે ત્યારે આ નિર્ણય લીધો છે. ત્રણ વર્ષ પહેલાં જ્યારે તેમના મનમાં આ વિચાર આવ્યો ત્યારે તેમના પત્ની વિવોને પોતાના કપબોર્ડમાંથી બચતના પાંચ હજાર રૂપિયા કાઢીને તેમના હાથમાં આપી દીધા હતા અને કહ્યું હતું કે, ‘કાલથી જ કામ શરૂ કરી દો.’ તેમની ભાવના એ હતી કે સારા કામમાં મોડું થવું જોઈએ નહીં. અને તેમણે મોડું કર્યું પણ નહીં. પત્નીએ ટેકો આપતાં તેેમના ઉત્સાહમાં વધારો થયો. એ જ દિવસે સાંજે તેઓ ટિફિન કેરિયર ખરીદી લાવ્યા અને બીજા જ દિવસેથી ભોજન બનાવવાનું શરૂ કરી દીધું. શરૂઆત બે વૃદ્ધોથી થઈ. આજે તેઓ 300 વૃદ્ધોને સેવા આપી રહ્યા છે. આ ચેરિટી અત્યંત દક્ષતા અને વ્યાવસાયિક કુશળતા સાથે કરવામાં આવે છે. જે રીતે પૈસા કમાવવા માટે કરવામાં આવે છે એ જ ગંભીરતાથી આ કામ કરાય છે.

એવી દુનિયામાં જ્યાં અંગત બચત લોકોની પ્રાથમિકતા હોય છે ડિસુઝા ડબ્બા ડિલિવરીના કામમાં વર્ષમાં ક્યારેય રજા પાડતા નથી. મધ્યમવર્ગીય પરિવારના રસોડામાં બનાવવામાં આવતા ડબા જરૂરિયાતમંદની જરૂરત પ્રમાણે રાંધવામાં આવે છે અને તે પણ વિના મૂલ્યે. તેની માત્ર પ્રશંસા જ થવી જોઈએ નહીં પણ વખાણ વારંવાર થતા રહેવા જોઈએ જેથી આ કરુણામય કામનો સંદેશ વધુને વધુ વ્યાપક બને અને આ પ્રકારના કામો અન્યત્ર પણ થતા રહે. દિવ્યભાસ્કર જવાબદાર સંગઠન તરીકે ‘અન્નદાન’નો વિનમ્ર પ્રયાસ શરૂ કરે છે.જેથી વંચિત લોકોને સુધી તેને પહોંચાડી શકાય.

અમે ડિસુઝા જેવા લોકોને સલામ કરીએ છીએ જે આ પ્રકારના કામમાં અથાકપણે લાગેલા છે.

ફંડા એ છે કે માનવતા યથાવત રહેવી જોઈએ.

સારા કર્મોથી માનવતા ઉજળી બને છે. આ કર્મ અમર બની જાય છે.

એન. રઘુરામન, મેનેજમેન્ટ ગુરુ

raghu@bhaskarnet.com

સૌજન્ય- દિવ્ય ભાસ્કર.કોમ

 

57 વર્ષના માર્ક ડિસુઝાને અને એમની ટીફીન સેવા અંગેનો આંખે દેખ્યો અહેવાલ આ વિડીયોજોવાથી મળી રહેશે.

Mark D’souza from Borivali, Mumbai delivers free tiffins

Living alone at 98, she gets a free lunchbox delivered to her everyday

( 890 ) સાહિત્ય અને સંગીત પ્રેમી મીરાં મહેતાને એમની પુણ્યતિથી નિમિત્તે શ્રધાંજલિ …. પી.કે.દાવડા

મિત્રો,

ફ્રીમોન્ટ,કેલીફોર્નીયા નિવાસી મારા મિત્ર શ્રી પી.કે.દાવડાજીએ જેમની એક દાદથી સાહિત્ય અને સંગીતના સર્જકો તૃપ્ત થઈ જતા, એવા Bay Area ના સાહિત્ય અને સંગીત પ્રેમી મીરાંબહેનને એમની પુણ્યતિથી નિમિત્તે શ્રધ્ધાંજલિ આપતો એક લેખ મોકલ્યો છે.

આજે મીરાંબેનની વિદાયને બે વર્ષ પૂરાં થયાં છે .

આ લેખને વિનોદ વિહારની આજની પોસ્ટમાં પ્રસ્તુત કરેલ છે.

વિનોદ પટેલ

સાહિત્ય અને સંગીત પ્રેમી મીરાં મહેતા

શ્રધાંજલિ 

શ્રી મહેન્દ્ર મહેતા અને મીરાંબેન મહેતા(ખુરશીમાં બેઠેલાં ) ની કાજલ ઓઝા વૈદ્ય સાથેની એક તસ્વીર -તારીખ ૧૧-૩-૨૦૧૩ (ફોટો સૌજન્ય - ફેસ બુક પેજ )

શ્રી મહેન્દ્ર મહેતા અને મીરાંબેન મહેતા(ખુરશીમાં બેઠેલાં ) ની કાજલ ઓઝા વૈદ્ય સાથેની એક તસ્વીર -તારીખ ૧૧-૩-૨૦૧૩ (ફોટો સૌજન્ય – ફેસ બુક પેજ )

કેલિફોર્નિયાના Bay Area માં રહેતા ભારતીઓએ બે વર્ષ પહેલાં સાહિત્ય અને સંગીતની એક અભૂતપુર્વ પ્રેમી મહિલાને ભારે હૈયે વિદાય આપી. નામ હતું મીરાં મહેતા.

મીરાંબહેનનો જ્ન્મ ભાવનગરમાં ૧૨મી નવેમ્બર, ૧૯૪૧ ના રોજ થયેલો. પિતા બાલકૃષ્ણ ત્રિવેદી ન્યાયતંત્ર સાથે જોડાયલા હતા અને માતા શાંન્તિલાબહેન શિક્ષણક્ષેત્ર સાથે. પિતા આગળ જતાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બનેલા અને માતા શાળાના પ્રિન્સીપાલ.

મીરાંબહેને ભારતમાં Sociology માં M.A. કર્યા બાદ Law Collegeમાંથી LLBની ડીગ્રી મેળવેલી. Sociology ના અભ્યાસ દરમ્યાન એક સો થી વધારે વિધવાઓના જીવનનો ગહન અભ્યાસ કરી અને એમના જીવનમાં સુધાર લાવવાનું લક્ષ્ય બનાવ્યું હતું. LLB ના અભ્યાસ બાદ રીઢા ગુનેગારો સાથે કામ કરી, એમને સમાજની મુખ્ય ધારામાં પાછા કેમ વાળવા દિશામાં કામ કર્યું હતું.

૧૯૭૦માં અમેરિકા સ્થિત સિવિલ એંજીનીઅર મહેન્દ્ર મહેતા સાથે એમના લગ્ન થયાં હતાં. મીરાંબહેન લગ્ન કરી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાંસિસ્કો શહેરમાં આવ્યાં. ૧૯૭૧માં એમની પુત્રી કલાનો જન્મ થયો ત્યારે એમને કદાચ કલ્પના નહિં હોય કે એમને આંગણે જીવનભર અનેક કલાઓનો ઉછેર થવાનો છે.

મીરાંબહેનના સદનશીબે મહેન્દ્રભાઈ પણ સાહિત્ય અને સંગીતના ચાહક નીકળ્યા,એટલે મીરાંબહેનના શોખ અને શક્તિ બેવડાઈ ગયાં . આમ તો મીરાંબહેનનો સાહિત્ય પ્રેમ કોલેજ કાળથી વિકસિત હતો.ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાન સત્રમાં તેઓ અચૂક હાજર રહેતાં.માત્ર ૧૯ વર્ષની ઉમરે એમણે એક નવલકથાકલાપ્રણયલખી અને આ નવલકથાને નવોદિત લેખકોની સ્પર્ધામાં ત્રીજું ઈનામ મળેલું.

કલા એક વર્ષની થઈ ત્યારે મીરાંબહેનને અહીંના ન્યાય ખાતામાં પ્રોબેશન અધિકારી તરીકે નોકરી મળી.પુત્રીનો ઉછેર અને નોકરીની બેવડી જવાબદારીમાં સહાયરૂપ થવા, મીરાંબહેનના માતાપિતા અમેરિકા આવ્યા,અને ત્યારબાદ અમેરિકામાં સ્થાયી થયા.

દસેક વર્ષ ન્યાય ખાતામાં કામ કરી મીરાંબહેનને કંઈક વધારે કરવાની ઈચ્છા થઈ. એમણે ૧૯૮૪માં California Bar ની અઘરી ગણાતી પરીક્ષા માટે અભ્યાસ કરી, એમાં સફળતા મેળવી. ત્યારબાદ એમણે કેલિફોર્નિયાની કોર્ટ સમાં એડવોકેટ તરીકે પ્રેકટીસ શરૂ કરી. એમણે કુટુંબને લગતી કાનુની બાબતો, જેવી કે વીલ, ટ્રસ્ટ, પ્રોપર્ટીના વિવાદો, છૂટાછેડા અને બાળકોના હક્કોના રક્ષણ જેવા વિષયોમાં ધ્યાન કેંદ્રિત કર્યું. સમયે વિસ્તારમાં માત્ર બે કે ત્રણ સ્ત્રીઓ વકીલ તરીકે પ્રેકટીસ કરતી હતી. મીરાંબહેનનું ધ્યેય ખાસ કરીને સ્ત્રીઓને મદદરૂપ થવાનું હતું એટલે એમણે ઘણી બહેનોને પોતાના ખર્ચે એમના હક્ક અપાવેલા.

સમય દરમ્યાન એમની સામાજીક પ્રવૃતિઓ ઉત્તરોતર વધતી રહી અને એમનું ઘર Bay Area નું સંસ્કૃતિ ધામ બની રહ્યું. બહાર ગામથી કે ભારતથી કોઈ કલાકાર આવે તો એમના ઘરે રોકાતા,એમને રહેવાની ખાવાપીવાની સગવડ ઉપરાંત એમના કાર્યક્ર્મો યોજવા, એમને શહેર અને આસપાસનાં જોવા લાયક સ્થળોએ લઈ જવામાં મહેતા દંપતીને આનંદનો અનુભવ થતો.

૧૯૮૯માં મહેન્દ્રભાઈને સેક્રેમેન્ટો અને ત્યારબાદ સાન ડિયેગો રહેવું પડેલુંત્યાં પણ મીરાંબહેનની નાની મોટી મહેફીલો સજતી, અને સાહિત્ય, સંગીત અને નૃત્ય કલા પાંગરતી. ૨૦૦૬માં Bay Area માં પાછા ફર્યા,અને ત્યારબાદ જીવનના અંત સુધી મીરાંબહેને પાછું વળીને જોયા વગર કલા અને સંગીતમાં ઓતપ્રોત રહ્યાં. એમનું ઘર Bay Area માં આવનારા કલાકારોનું સરનામું બની ગયું. કોઈપણ ભારતીય કલાકારને Bay Area માં પોતાની કલા ઉજાગર કરવી હોય તો મીરાંબહેનના ઘરના દરવાજા ખુલ્લા હતા.કેટલીયે વાર એમણે સાહિત્ય અને સંગીતના રસિયાઓને પોતાને ઘરે એકઠા કરી મહેફીલો જમાવેલી, કોઈપણ જાતના ખાસ કારણ કે પ્રસંગની આડ વગર.

મહેતા દંપતીએ આગેવાની લઈ, ૨૦૦ થી વધારે જાહેર જનતા માટેના કાર્યક્ર્મ યોજી, વક્તાઓ, કવિઓ, નૃત્યકારો અને સંગીતકારોને પોતાની કલા પ્રદર્શિત કરવાની સગવડ કરી આપેલી. આવા કાર્યક્રમોમાં ઉસ્તાદ અલીઅકબર ખાં, પંડિત રવિશંકર, પંડિત નિખીલ બેનર્જી, ઉસ્તાદ ઝાકીર હુસેન,પંડિત સ્વપ્ન ચૌધરી અને પંડિત હરિપ્રસાદ ચોરસિયા જેવી મહાન હસ્તીઓ પણ સામીલ હતી. ગુજરાતી ગાયકો અને સંગીતકારોમાં પુરૂષોત્તમ ઉપાધ્યાય, રાસબિહારી અને વિભા દેસાઈ, અમર ભટ્ટ અને અન્ય ઘણા કલાકારો સામીલ હતા. સાહિત્યકારોમાં ઉમાશંકર જોષી, મનુભાઈ પંચોલી, નિરંજન ભગત અને સુરેશ દલાલ અને બીજા અનેક લેખકો શામીલ હતા.

 

મી એપ્રીલ, ૨૦૧૪ ના રોજ મીરાંબેનના સ્વર્ગવાસના સમાચારથી Bay Areaના કલા રસિકોમાં સોપો પડી ગયો. એમનું આતિથ્ય માણી ચૂકેલા કે એમની મદદથી કલા જગતમાં પા પા પગલી માંડેલા નહિં, પણ સમગ્ર ભારતીય સમાજના લોકો સ્તબ્ધ થઈ ગયા. એમની મહેમાનગતી પામી ચૂકેલા અનેક કલાકારો અને સાહિત્ય અને સંગીતના પ્રેમીઓએ  એમને ભારે હૈયે વિદાય આપી. જે હાજર ન રહી શક્યા, એવા કલાકારોએ હ્રદય પૂર્વક સંદેશા મોકલ્યા.

ઉસ્તાદ ઝાકીર હુસેન અને એમની પત્ની એન્ટોનીયાએ સંદેશામાં લખ્યું, “મારા કાર્યક્રમમાં મીરાંજીનો હસતો ચહેરો જોવાનો લહાવો હતો, હવે એની ખોટ સાલસે. હું, મારી પત્ની અને અમારૂં આખું કુટુંબ શોકાતૂર છે અને તમારી સાથ હમદર્દી દર્શાવે છે.”

કવિ શ્રી અનિલ જોષીએ શોક સંદેશામાં જણાવ્યું, “ યાદો તો માત્ર આપણે જેને ચાહીએ છીએ એમની સાથે આપણે શું હતા કહી શકે છે, પણ આપણે એકલા શું હશું, જાણવામાં મદદરૂપ થઈ શકે નહિં. જે આજે હૈયાત નથી, એમના પડઘા આપણા વિચારોમાં પડે છે અને આપણા વર્તનમાં વણાઈ જાય છે.”

શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયે લખ્યુંકલાની દુનિયામાં મીરાંબહેનનો ફાળો ક્યારેય નહિં ભૂલાય. એમનો કલાકારો, સંગીત અને સાહિત્ય પ્રત્યેનો ઉત્સાહ અજોડ હતો.”

શ્રીમતી વિભા દેસાઈએ મકરંદ દવેના શબ્દો ટાંકતાં લખ્યું છે,

અમે તો જઈશું અહીંથી, પણ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે,

 ખબર નથી શું કરી ગયા, પણ કરી ગયા તે કમાલ રહેશે.”

(૨૪) શ્રી અરવિંદ કનસલે લખ્યું છે,

    ચંદ લોગ દુનિયા મેં યું મિલતે હૈ,

      દિલમેં જગહ કર લેતે હૈ,

      ઈસ જહાંસે કૂચ કરકે ભી,

      દિલમેં બસર કરતે હૈ .”

હ્રદયમાંથી નીકળેલી આવી તો અનેક શ્રધ્ધાંજલી મીરાં બહેનને અર્પણ થઈ હતી.

મેં ૨૦૧૩ માં એમની સાથે માત્ર પાંચેક મીનીટ વાતચીત કરી હતી, પણ એ પાંચ મીનીટમાં એમની નમ્રતા અને નિખાલસતા મને જચી ગઈ હતી.

આજે મીરાંબેનની વિદાયને બે વર્ષ પૂરાં થયાં . Bay Area એની રોજીંદી પ્રવૃતિઓથી ધમધમી રહ્યું છે,પણ મીરાં સંસ્કૃતિની ઉણપ તો જરૂર વર્તાય છે.

પી. કે. દાવડા

મળવા જેવા માણસ – મહેન્દ્ર મહેતા…. પી.કે.દાવડા

https://sureshbjani.wordpress.com/2014/07/26/mahendra_mehta/

( 879 ) જીવન એક મેરેથોન દોડ… એક અછાંદસ રચના ….. વિનોદ પટેલ

Life a Marathon

જીવન એક મેરેથોન દોડ

 

જિંદગી મેરેથોન દોડ છે,સૌએ એ દોડવાની હોય છે,

ધૈર્યથી દોડી જઈને,લક્ષ્ય સ્થાને પહોંચવાનું હોય છે.

 

જિંદગીની આ દોડમાં અનેક વિઘ્નો આવતા રહે છે,

એ ઉકેલતા રહી,સતત દોડ ચાલુ રાખવાની હોય છે.

 

મેરેથોન દોડના વિઘ્નોથી ડરી, કદી દોડ છોડશો નહિ,

ધૈર્ય રાખીને હિંમતના છેલ્લા અંશ સુધી દોડતા રહો.

 

વચ્ચેથી જે ભાગે છે એ,આ દોડ કદી જીતતો નથી,

મેરેથોન જીતવાનો આનંદ એ લઇ શકતો જ નથી.

 

જેણે રાખી હિંમત જીવનમાં,હારથી એ બચી ગયો,

જીવન મેરેથોન જીતીને,ગર્વથી એવોર્ડ જીતી ગયો.

 

વિનોદ પટેલ, ૪-૩-૨૦૧૬

 

( 878 ) માઈક્રોફિક્શન વાર્તા એટલે શું ?… મારી એક માઈક્રોફિક્શન વાર્તા -“અચંબો અને આઘાત”

માઈક્રોફિક્શન વાર્તા એટલે શું ?

કોઈ પણ ભાષામાં વાર્તા એ એક અગત્યનો સાહિત્ય પ્રકાર છે.વાર્તામાં સમાજમાં જીવાતા જન જીવનમાંથી કોઈ પણ વિષય વસ્તુની પસંદગી કરીને એને શબ્દોના વાઘા પહેરાવીને લેખક વાચકો સમક્ષ રજુ કરતો હોય છે.માણસોમાં ધબકી રહેલી લાગણીઓ,સંવેદનાઓનો પડઘો એની વાર્તામાં પેશ કરવાનો વાર્તા લેખકનો સતત પ્રયત્ન રહેતો હોય છે.નવલકથા ,નવલિકા ,લઘુ કથા ટૂંકી વાર્તાના માધ્યમથી મુખ્યત્વે વાર્તાઓ લખાતી હોય છે.આ વાર્તા પ્રકારોમાં માઈક્રોફિક્શન વાર્તાનો પ્રકાર નવો ઉમેરાયો છે.

માઈક્રો-Micro  એ અંગ્રેજી શબ્દ છે અને અંગ્રેજી શબ્દ મેક્રો-Mecro નો વિરુદ્ધ અર્થી છે.મેક્રો એટલે ખુબ વિશાળ વિસ્તારમાં ફેલાયેલું , જગ વ્યાપી, વિસ્તૃત –  જેમ કે મેક્રો ઇકોનોમિકસ . માઈક્રો એટલે સ્થાનિક,સંક્ષિપ્ત, બારીક યા સુક્ષ્મ. એના  પરથી માઈક્રોસ્કોપ -સુક્ષ્મદર્શક યંત્ર – શબ્દ આવ્યો.

માઈક્રોફિક્શન વાર્તા કહેવું એ પણ એક રીતે ભાષાની દ્રષ્ટીએ મને બરાબર નથી લાગતું ,કારણ કે ફિક્શન એટલે જ વાર્તા .પરંતુ અંગ્રેજી- ગુજરાતીનું આવું વિચિત્ર મિશ્રણ કરીને માઈક્રોફિક્શન વાર્તા એમ કહેવાનો શિરસ્તો અત્યારે જોવામાં આવે છે.

માઈક્રોફિક્શન વાર્તા ને શુદ્ધ ગુજરાતીમાં જો કહેવું હોય તો એને સુસંક્ષીપ્ત વાર્તા એમ કહેવું જોઈએ.(કોઈને આનાથી સારો શબ્દ સુઝે છે ?).આનાથી ફિક્શન  અને વાર્તા એમ જે રીતે બેવડાય છે એમ નહી બને. 

 વાર્તાના બે પ્રકાર છે . એક સત્ય ઘટના કે એના પર આધારિત વાર્તા અને બીજી માત્ર લેખકની કલ્પનામાંથી જ જન્મેલી વાર્તા જે ખરેખર બની ના હોય પણ એમ લાગે કે આવું ક્યાંક બન્યું હશે કારણ કે સમાજમાં જીવાતા જન જીવનમાંથી જ લેખક એની વાર્તાની વસ્તુ શોધીને શબ્દોનો ઘાટ આપીને એને રજુ કરતો હોય છે.

આજના ઝડપી જમાનામાં લોકોને બહુ લાંબી વાર્તાઓ વાંચવામાં બહુ રસ દેખાતો નથી. આ વિચારમાંથી માઈક્રોફિક્શન વાર્તા પ્રકારનો જન્મ થયો હોય એમ લાગે છે. નવલકથા એ મેક્રો ફિક્શન છે  જ્યારે માઈક્રો ફિક્શન વાર્તા ઓછા શબ્દોમાં ચમત્કારિક રીતે વાર્તા રજુ કરવાની કળા રજુ કરતો એક નવીન વાર્તા પ્રકાર છે.

નવલકથાને આપણે ભાત ભાતના પકવાન અને ચટણીઓ સાથે જમણ માટે સજાવેલી થાળીની ઉપમા આપીએ તો માઈક્રોફિક્શન વાર્તા પ્રકાર એ પૌષ્ટિક તત્વોથી ભરપુર નાના પેકેટમાં આસ્વાદ માટે આપવામાં આવેલી સ્વાદિષ્ટ સેન્ડવીચ છે એમ કહી શકાય.

સારી માઇક્રોફિકશન વાર્તા એ એક કવિતા લખવા જેવું ગાગરમાં સાગર સમાવવા જેવું અઘરું કામ છે.એમાં બિન જરૂરી લાંબાં વર્ણનો,શબ્દો, સંવાદો, નથી હોતા પણ ખુબ ઓછા શબ્દોમાં મનને અસર કરી જાય એવી ચમત્કારિક રીતે વાર્તા કહેવાતી હોય છે.

મારા મિત્ર શ્રી પી.કે.દાવડાજી એ માઇક્રોફિક્શન વાર્તા વિષે અભ્યાસ કરીને માઈક્રોફીક્સન વાર્તાના આ પ્રકારમાં નીચેના સાત મુખ્ય મુદ્દાઓ તારવ્યા છે જે સામાન્ય રીતે આવી વાર્તાઓમાં હોવા જરૂરી છે.આ મુદ્દાઓ એમણે બેઠક સંસ્થાની સભામાં આ વાર્તા પ્રકાર વિષે બોલતાં રજુ કર્યા હતા.

(૧) માઈક્રોફીક્ષન વાર્તા 25૦ શબ્દોથી વધારે લાંબી ન હોવી જોઈએ. વાર્તામાં કેટલા શબ્દો છે એ મહત્વનું નથી,શબ્દોમાં કેટલી વાર્તા છે એ વધારે મહત્વનું છે.

(૨) સામન્ય વાર્તાની જેમ જ માઈક્રોફીક્ષનમાં પણ શરૂઆત, મધ્ય અને અંત હોવો જરૂરી છે.

(૩) માઈક્રોફીક્ષનમાં પાત્રોની સંખ્યા ઓછી હોવી જોઈએ અને પાત્રોનું વર્ણન કરવાની જરૂર ન હોવી જોઈએ.

(૪) માઈક્રોફીક્ષન એ બળવાખોર પ્રકાર છે. લંબાઈ સામે બળવો, સીમાઓ સામે બળવો અને અપેક્ષાઓ સામે પણ બળવો.

(૫) વાર્તાનો અંત ચોંકાવનારો હોવો જોઈએ.

(૬) વાર્તામાં હાસ્યરસ વાર્તાને આકર્ષક બનાવે છે.

(૭) વાર્તા લખવા એક પ્લાન હોવો જોઈએ અને લખી લીધેલી વાર્તા ફરી ફરી વાંચીને એને Revise કરવી જોઈએ.

કેલીફોર્નીયા,બે એરીયાની બેઠક સંસ્થા ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે ખુબ જ સારું કામ કરી રહી છે.દર મહીને કોઈ એક વિષય નક્કી કરીને સાહિત્યમાં રસ લેનાર સૌને એના વિષે લખવા માટે જણાવવામાં આવે છે.માર્ચ મહિનાના વિષય તરીકે ૩૦૦ શબ્દોથી લાંબી ના હોય એવી માઈક્રોફિક્શન વાર્તા લખી મોકલવા બેઠક મુખ પત્ર સમા સુશ્રી.પ્રજ્ઞાબેન દાદભાવાળાના બ્લોગ શબ્દોનું સર્જન મારફતે સૌ સાહિત્ય રસિકોને જણાવવામાં આવ્યું હતું.

આના જવાબમાં મેં પણ મારી એક માઇક્રોફિકશન વાર્તા લખી મોકલી હતી.

આ રહી એ વાર્તા …

માઈક્રોફિક્શન વાર્તા …અચંબો અને આઘાત!

લેખક- વિનોદ પટેલ

મનહરભાઈ અને કાંતાબેન આજે ખુબ ખુશમાં હતાં.કેમ ના હોય,એમનો આંખની કીકી જેવો એકનો એક વ્હાલો દીકરો દીપક અમેરિકામાં અભ્યાસ પૂરો કર્યા બાદ એક સારી કમ્પનીમાં જોબ મેળવીને ઘણા વર્ષો પછી માતા-પિતાને મળવા થોડા દિવસની રજાઓ લઈને સ્વદેશ આવવાનો હતો.

દીપકને સારા સંસ્કાર આપી ઉછેરી,શિક્ષણ આપી એના સારા ભવિષ્ય માટે કપાતે દિલે પ્રેમાળ મા-બાપે એને અમેરિકા મોકલ્યો હતો.

યુવાન અને ઉમરલાયક થયેલો દીકરો આવે એટલે એના લગ્ન જલ્દી થઇ જાય એ માટે આ પ્રેમાળ માતા-પિતા ખુબ ઉત્સુક હતાં.એ માટે સમાજની બે ત્રણ સારી દેખાવડી સુશિક્ષિત છોકરીઓ બન્નેએ જોઈ રાખી હતી. દીકરો આવે એટલે મુલાકાત કરાવીશું એમ મનમાં ગોઠવી રાખ્યું હતું .

મનહરભાઈ અને કાંતાબેનના મનની એવી પણ ઈચ્છા હતી કે દીપકના લગ્ન પછી એ અમેરિકામાં જઇ એની પત્ની સાથે ત્યાં સેટ થઇ જાય એટલે અહીનું બધું સમેટી લઈને એમના એક મિત્રની જેમ અમેરિકા પુત્ર અને પુત્ર વધુ સાથે રહેવા જતા રહીશું.

મનહરભાઈ અને કાંતાબેન એમના વ્હાલા દીકરા દીપકના ઘણા વર્ષે ઘેર પાછો આવવાના જે દિવસની કાગના ડોળે રાહ જોતા હતા એ દિવસ છેવટે આવી ગયો.

સવારે વહેલાં ઉઠીને તેઓ અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દીકરાને આવકારવા પહોંચી ગયાં.ઈમિગ્રેશનની વિધિ પતાવી દીપક સામાન સાથે બહાર આવ્યો ત્યારે મનહરભાઈ અને કાંતાબેન એને આંખમાં હર્ષનાં આંસુઓ સહિત ભેટી પડ્યાં.

દીપકની પાછળ ઉભી રહેલી એક અમેરિકન ગોરી છોકરી તરફ ફરીને દીપકે એને કહ્યું “એલીઝા ,મીટ માય પેરન્ટસ “

મનહરભાઈ એ દીપકને પૂછ્યું :”ભાઈ, એ તારી કોઈ મિત્ર છે ?”

દીપક કહે :”ના પપ્પા-મમ્મી, અમે બન્ને ત્યાં અમેરિકામાં લગ્ન કરીને આવ્યાં છીએ. અમે તમોને એક સરપ્રાઈઝ આપવા માગતાં હતાં !”

બિચારાં મનહરભાઈ અને કાંતાબેન ! એમનો મનમાં રચેલો સ્વપ્નોનો મહેલ એક જ ઘડીમાં જમીન દોસ્ત થઇ ગયો !

દીપક માટે જે સરપ્રાઈઝ હતું એ એમને માટે તો જીવનભરનો એક મોટો આઘાત હતો !

–વિનોદ પટેલ

આ માઈક્રો ફિક્શન વાર્તાને “શબ્દોનું સર્જન ” બ્લોગમાં પણ પ્રકાશિત કરવામાં આવી છે.

આ મા.ફી. વાર્તા કુલ ૨૯૨ શબ્દોની છે.

આ જ વાર્તાને ઓછા શબ્દો વાપરી થોડી ટૂંકાવી ફરી મઠારીને જો લખીએ તો આ રીતે લખી શકાય.

માઈક્રોફિક્શન વાર્તા …અચંબો અને આઘાત !

મનહરભાઈ અને કાંતાબેન આજે ખુબ ખુશમાં હતાં.એમનો એકનો એક વ્હાલો દીકરો દીપક અમેરિકામાં અભ્યાસ પૂરો કર્યા બાદ એક સારી કંપની માં જોબ મેળવી,ઘણા વર્ષો પછી માતા-પિતાને મળવા થોડા દિવસ માટે સ્વદેશ આવવાનો હતો.

યુવાન દિકરાના લગ્ન માટે માતા-પિતા ખુબ ઉત્સુક હતાં.એમની જ જ્ઞાતિની બે ત્રણ સારી દેખાવડી  સુશિક્ષિત છોકરીઓ બન્નેએ જોઈ રાખી હતી. દીકરો આવે એટલે મુલાકાત કરાવીશું એમ મનમાં ગોઠવી રાખ્યું હતું.

મનહરભાઈ અને કાંતાબેનના મનની એવી પણ ઈચ્છા હતી કે દીપકના લગ્ન પછી એ અમેરિકામાં જઇ વહુ-દિકરા સાથે ત્યાં સેટલ થઇ જાય.

સવારે વહેલાં ઉઠીને તેઓ એરપોર્ટ પર દીકરાને આવકારવા પહોંચી ગયાં. ઈમિગ્રેશનની વિધિ પતાવી દીપક સામાન સાથે બહાર આવ્યો ત્યારે મનહરભાઈ અને કાંતાબેન એને આંખમાં હર્ષનાં આંસુઓ સાથે ભેટી પડ્યાં.

દીપકની પાછળ ઉભી રહેલી એક અમેરિકન ગોરી છોકરી તરફ ફરીને દીપકે એને કહ્યું “એલીઝા હની, મીટ  માય પેરન્ટસ “

–વિનોદ પટેલ

જોઈ શકાશે કે ટૂંકાવેલી વાર્તામાં બિન જરૂરી શબ્દો બાદ કર્યા છે.મૂળ વાતામાં ૨૯૨ શબ્દો હતા એને બદલે  ૧૪૦ શબ્દોનો જ ઉપયોગ કરવા છતાં વાર્તા અને એમાં રહેલો ભાવ અને અર્થ બદલાતો નથી ,એનો એ જ  રહે છે.  

વાર્તાની ખૂબી એના અંતમાં છે.વાર્તા નાયક દીપક અમેરિકામાં લગ્ન કરીને આવ્યો છે એ હકીકત અને એનાથી માતા-પિતાને થયેલો અચંબો અને ઊંડા આઘાતની લાગણીને સમજવાનું કામ   સુજ્ઞ વાચકો પર છોડી દેવામાં આવ્યું છે .