ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
( 902 ) ચીંથરે વીંટ્યું રતન ….. વાર્તા …. વિનોદ પટેલ

બાબુ બુટ પોલીસ – અમદાવાદ મુલાકાત વખતે મારા કેમેરામાં ઝડપેલ તસ્વીર-ડીસે.૨૦૦૭
ચીંથરે વીંટ્યું રતન ….. વાર્તા …. વિનોદ પટેલ
હું મૂળ અમદાવાદ શહેરમાં એક મધ્યમ વર્ગીય કુટુંબમાંથી આવું છું.મારા પિતા શહેરની એક શાળામાં એક શિક્ષક હતા.પિતાએ ખુબ સંઘર્ષ કરી મને શિક્ષણ માટે સારી સ્કુલમાં મુક્યો હતો.પિતાની ટૂંકી આવકમાં કુટુંબના નિભાવ ઉપરાંત મારા અભ્યાસના ખર્ચ માટે એ વખતે મુશ્કેલી પડતી.સારા માર્ક્સને લીધે મને સ્કોલરશીપો મળતી એથી પિતાને ઘર ચલાવવાના ખર્ચમાં થોડી રાહત થતી .આવી નાજુક આર્થિક પરિસ્થિતિમાં કોલેજનો અભ્યાસ પૂરો કરી મને અમેરિકા જવાના વિઝા મળતાં ૪૦ વર્ષ પહેલાં નશીબ અજમાવવા માટે અમેરિકા જવાનું મારું સ્વપ્ન સાકાર થયું હતું.
અમેરિકામાં આવીને શરૂમાં એક કંપનીમાં જોબ કરી.ત્યારબાદ મોટેલના ધંધામાં જંપલાવ્યું .શરૂઆતમાં ખુબ મહેનત કરવી પડી પરંતુ કાળક્રમે આ જામી ગયેલા ધંધામાં હું સારું કમાયો છું અને પૈસે ટકે આજે સપરિવાર ખુબ સુખી છું.મારાં માતા પિતા મારી સાથે અમેરિકામાં રહે છે અને મારાં નજીકનાં અન્ય કુટુંબીજનોને પણ મેં એક પછી એક એમ અમેરિકા બોલાવી લીધાં છે .આથી મારે અમદાવાદ આવવાનું ઓછું બને છે.
મારા પ્રિય વતન અમદાવાદની છેલ્લે મુલાકાત લીધી એ પછી બરાબર બાર વરસે ધંધા માંથી થોડો ફારેગ થઈને ફરી મારી કર્મ ભૂમિ અમેરિકાથી માતૃભુમી ભારતની મુલાકાતે એક મહિના માટે આવ્યો છું.ઘણા સમયે આવ્યો હોઈ વતનની મુલાકાતથી મારું મન ખુબ ખુશી અનુભવી રહ્યું છે. મારા એક ખાસ મિત્રને ત્યાં રહીને આ ટૂંકા સમયમાં મારે ઘણા કુટુંબીજનો અને સ્નેહી મિત્રોને મળીને જુના સંબંધો તાજા કરી અને થોડું અંગત કામ પતાવી અમેરિકા પાછા પહોંચી જવાનું છે.
એક દિવસે મારા ખર્ચ માટે અમેરિકાથી હું જે ટ્રાવેલર્સ ચેક લાવ્યો હતો એ વટાવવા માટે અમદાવાદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની હેડ ઓફિસમાં હું ગયો હતો.ત્યાં જઈને પૂછ પરછ કરતાં પટાવાળો મને બેન્કના એક ઓફિસરની કેબીનમાં લઇ ગયો.ઓફિસરની સામે ખુરશીમાં બેસી મારા મારા ટ્રાવેલર્સ ચેક વટાવવાની કાર્યવાહી પતાવવા મેં એમને આપ્યા .બેંક ઓફિસર મારી સામે એક નજરે જોઈ રહ્યો હતો.મને નવાઈ લાગી .ઓફિસરે મને પૂછ્યું “સાહેબ, આપને મારી કૈંક ઓળખાણ પડે છે ?” મને પણ મનમાં થતું હતું કે આ ભાઈને ક્યાંક જોયા લાગે છે પણ યાદ આવતું ન હતું.હું એમને ઓળખવા પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં જ ઓફિસરે કહ્યું “બાર વર્ષ પહેલાં અમદાવાદ સ્ટેશને ગુજરાત મેઈલના સેકન્ડ ક્લાસના ડબામાં એક “બાબુ બુટ પોલીસ વાળો “છોકરો તમને મળેલો ……”
આ સાંભળી તરત જ મારા મુખ પર આનંદ અને આશ્ચર્યની રેખાઓ એક સાથે ઉપસી આવી.અમેરિકામાં મારા ધંધાની ગળાડૂબ પ્રવૃતિઓમાં મને ભુલાઈ ગયો હતો એ યાદગાર પ્રસંગ એક ચિત્રપટ જોતો હોઉં એમ મારા ચિત્તના પડદા પર એવોને એવો ફરી તાજો થઇ ગયો.
બાર વર્ષ પહેલાં જ્યારે હું અમદાવાદની મુલાકાતે આવ્યો હતો ત્યારનો આ પ્રસંગ છે. એક દિવસ વડોદરા રહેતા મારા એક સંબંધીને મળવા જવા માટે મારે અમદાવાદના કાલુપુર સ્ટેશનેથી સવારની ગુજરાત મેઈલની ટ્રેન પકડવાની હતી. હું થોડો વહેલો સ્ટેશને પહોંચી ગયો હતો.અગાઉથી બુક કરાવેલા સેકન્ડ ક્લાસના ડબામાં મારી નિયત સીટ પર બેસીને એ દિવસનું સવારનું અખબાર વાંચવામાં હું મગ્ન હતો. થોડી વાર પછી પંદર કે સોળ વર્ષની વયનો જણાતો એક લબરમુછીઓ કિશોર બુટ પોલીસ કરવાનાં સાધનની કપડાની મેલી થેલી ખભે લટકાવી એની રોજની ટેવ પ્રમાણે મારા ડબામાં દાખલ થયો.હું અખબાર વાંચતો હતો એમાંથી મારું ધ્યાન એના તરફ ખેંચાયું.કિશોર મારી નજીક આવ્યો .મેં પહેરેલા બુટ તરફ આતુર નજરે જોતાં જોતાં મને બુટ પોલીસ કરાવવા માટે વિનવી રહ્યો.મેં મારા બુટ કાઢીને પોલીસ કરવા માટે એને આપ્યા.
થોડીક વારમાં જ એણે એક પ્રોફેશનલની અદાથી ચકચકાટ પોલીસ કરીને બુટ મને પાછા આપ્યા .એ બુટ પોલીસ કરતો હતો ત્યારે હું એકી નજરે એને નિહાળતાં મનમાં એના વિષે વિચારી રહ્યો હતો કે આટલી નાની ઉમરે આ કિશોર વહેલી સવારે ઘેરથી નીકળી જઈને કેવો કામે લાગી ગયો છે .કિશોરે માગ્યા એનાથી થોડા વધુ પૈસા એને મેં આપ્યા. પૈસા મળતાં ખુશ થતો આ છોકરો ડબાની બહાર જવા માટે જતો હતો ત્યાં કોણ જાણે કેમ, મને આ ચીંથરે હાલ છોકરાના જીવનમાં ડોકિયું કરવાની ઇચ્છા થઇ આવી.બીજા મુસાફરો ગાડીના ડબામાં આવીને હજુ એમની જગાએ ગોઠવાતા જતા હતા. ગાડી ઉપડવાની થોડી વાર હતી.
મેં બુટ પોલીસવાળા એ છોકરાને બુમ મારી પાછો બોલાવીને મારી પાસે બેસાડી એના વિષે ,એના કુટુંબ વિષે પૂછ્યું.એક આશ્ચર્ય ચકિત નજરે એ મને જોઈ રહ્યો કારણ કે રોજે રોજ એ ઘણા લોકોના બુટની બુટ પોલીસ એ કરતો હતો પણ કોઈએ એનામાં રસ લેવાની દરકાર કરી ન હતી.
મેં પૂછ્યું :” દોસ્ત. તારું નામ શું છે ? તું ક્યાં રહે છે ? તારા કુટુંબમાં કોણ કોણ છે ?” છોકરો હોંશિયાર હતો.ધાણી ફૂટતી હોય એમ મારા પ્રશ્નોના જવાબમાં સડસડાટ કહેવા લાગ્યો:
“સાહેબ, મારું નામ તો મહેશ છે પણ લોકો મને “બાબુ બુટ પોલીસ વાળો “ તરીકે ઓળખે છે.હું મણીનગરની દક્ષિણી સોસાયટી નજીકની એક ઝૂપડપટ્ટીમાં રહું છું. વર્ષો પહેલાં મારાં માતા-પિતા પેટીયું રળવા રાજસ્થાનથી અમદાવાદ આવી આ ઝૂપડપટ્ટીમાં રહેતા હતા.તેઓ લાકડાની હાથ લારી ખેંચી એની મજુરીની આવકમાંથી ઘરનો નિભાવ કરતા હતા.એક વાર મારા પિતા એમની હાથલારી લઈને રોડ પર જતા હતા ત્યારે એક ટ્રક સાથે થયેલ અકસ્માતમાં મૃત્યું પામ્યા હતા.રોજ મારા પિતા અને મારી માતા એમ બન્ને લારી લઈને જતાં.પરંતુ મારી માને એ દિવસે તબિયત ઠીક ન હતી એટલે પિતા એકલા ગયા હતા અને એ જ દિવસે આ અકસ્માતમાં મૃત્યું પામ્યા.પિતાના અકળ અને અકાળ અવસાનથી મારી માને મોટો માનસિક આઘાત લાગ્યો .પિતાના મૃત્યુ માટે હું જ જવાબદાર છું હું સાથે હોત તો આ ના બન્યું હોત એવા ખોટા વિચારો કર્યા કરતી.લોકો એને સમજાવતા જે બનવાકાળ હતું એ બની ગયું એમાં તારો કોઈ દોષ નથી.છેવટે આવા વિચારોમાં એણે એની માનસિક સમતુલા ગુમાવી દીધી અને પાગલ બની ગઈ .મારા કુટુંબમાં આ પાગલ વિધવા મા સિવાય મારાથી એક મોટી બહેન અને નાનો ભાઈ છે.નાનો ભાઈ પણ બુટ પોલીસ કરવા જાય છે.બહેન કોઈના બંગલામાં છૂટક કપડાં, વાસણ સાફસૂફીનું કામ જો મળે તો કરવા જાય છે.બે ભાઈઓની બુટ પોલીસની કમાણી અને બહેનની છૂટક મજુરીની આવકમાંથી કુટુંબનું માંડ માંડ ગુજરાન ચાલે છે.”
મેં એને પૂછ્યું :” તને કોઈ દિવસ એમ નથી થતું કે તારી ઉમરના બીજા છોકરાઓની જેમ હું પણ અભ્યાસ કરવા નિશાળમાં જાઉં ?“
છોકરો બોલ્યો :”સાહેબ, નિશાળમાં ભણવા જવાનું મન તો બહુ જ થાય છે પણ કેવી રીતે જાઉં ? કારણ કે ઘરખર્ચ અને અમારી મીનીમમ જીવન જરૂરીઆતો પાછળ ખર્ચ કર્યા પછી અમારી પાસે કોઈ જાજી રકમ બચતી નથી.”
એની વાતને આગળ ચલાવતાં છોકરાએ કહ્યું :” મારે બુટ પોલીસનાં સાધનો મુકવા અને બુટ પોલીસ કરાવતી વખતે ગ્રાહકોને પગ ટેકવવા માટે લાકડાની પેટીની જરૂર છે પણ એ લાવવા માટે પૂરતા પૈસા ભેગા થઇ શકતા નથી એટલે આ કપડાની થેલીથી કામ ચલાવી આ રીતે ગાડીના ડબે ડબે ફરવું પડે છે.મારી પાસે જો લાકડાની પેટી હોય તો કોઈ સારી મોખાની જગાએ બેસીને સારી કમાણી કરી શકું.”
છોકરાની આ વાત સાંભળીને મને એના પ્રત્યે હમદર્દી થઇ આવી. મેં એને પૂછ્યું “ આવી પેટી લાવવા માટે તારે કેટલી રકમ જોઈએ ?”
છોકરાએ કહ્યું :”સાહેબ,પેટી લાવવા માટે જો કોઈ જગાએથી ૫૦૦ રૂપિયાની લોન મળી જાય તો મારું કામ થઇ જાય “.
આ છોકરો જે નિખાલસ ભાવે વાત કરતો હતો એના પરથી એ કોઈ જાતની બનાવટ કરતો હોય એમ મને ના લાગ્યું .મેં મારા વોલેટમાંથી ૫૦૦ રૂપિયા કાઢીને એ છોકરાને આપતાં કહ્યું “ લે આ પૈસા.એને લાકડાની પેટી લાવવા માટે જ વાપરજે , બીજે આડા અવળા રસ્તે ખર્ચી ના નાખતો. “
આ ગરીબ ચીંથરેહાલ કિશોરની ખાનદાની તો જુઓ.એના હાથમાં પૈસા લેતાં મને કહે :”સાહેબ, મને તમારું સરનામું આપો.હું દર મહીને તમારે ત્યાં આવીને જે બચશે એ પૈસા પાછા આપીને આ રકમ ચૂકતે કરી દઈશ.”
મેં હસીને ના પાડતાં કહ્યું “પાછા લેવા તને લોન તરીકે પૈસા નથી આપ્યા .મારા તરફથી આ એક તને એક નાની ભેટ સમજજે.”
છોકરાની બોલવાની ચપળતા જોઈ મને મનમાં થયું આ છોકરાને શાળામાં જઈને અભ્યાસ કરવાની જો સગવડ મળે તો જીવનમાં આગળ વધી શકે એવો હોશિયાર જણાય જણાય છે.એક ચીંથરે વીંટયા રતન જેવો આ છોકરો છે.મારા પિતાની નબળી આર્થિક સ્થિતિમાં મારા કિશોર કાળના દિવસોમાં હું અભ્યાસ કરતો હતો એ દિવસો મને યાદ આવી ગયા.મેં એ કિશોરને પૂછ્યું “તારે શાળામાં અભ્યાસ કરવા જવું છે ?”
ફરી આશ્ચર્ય સાથે મારી સામે જોતાં એણે જવાબ આપ્યો “સાહેબ, મેં તમને આગળ કહ્યું એમ મને અભ્યાસ કરવાનું તો બહુ મન થાય છે પણ મારી પાસે એ માટે પૈસાની કોઈ સગવડ તો હોવી જોઈએ ને .”
મેં ખિસ્સામાંથી મારા અમદાવાદમાં રહેતા ખાસ મિત્ર કે જેમને ત્યાં હું રહેતો હતો એનું વીઝીટીંગ કાર્ડ એને આપતાં કહ્યું “મારે એક અઠવાડિયા પછી અમેરિકા પાછા ફરવાનું છે.લે મારા મિત્રનું આ કાર્ડ તારી પાસે સાચવી રાખજે. તારી નજીકની કોઈ સ્કુલમાં અભ્યાસ કરવા માટે જલ્દી તું દાખલ થઇ જજે અને તારી સ્કુલ ફી, પુસ્તકો વિગેરે ખર્ચ માટે મારા આ મિત્રને મળતો રહેજે .તને એ બધી જ મદદ કરે એમ હું એને કહેતો જઈશ.તારા ઘર ખર્ચમાં પણ વાપરવા પૈસા જોઈએ તો પણ એ પણ તને આપશે.મને તારામાં વિશ્વાસ છે કે તું ખોટા રસ્તે પૈસા નહિ વાપરે .”
છોકરો બોલ્યો :”ના સાહેબ, એવું હું કદી નહિ કરું. આ મદદનો ઉપયોગ કરીને હું બરાબર અભ્યાસ કરીશ અને મારા કુટુંબને ગરીબીમાંથી બહાર લાવવા માટે હું પૂરો પ્રયત્ન કરતો કરીશ.”
ગાડી ઉપડવાનો સમય થઇ ગયો હતો.બુટ પોલીસના સાધનોની થેલી એના ખભે ભરાવીને ડબામાંથી પ્લેટફોર્મ ઉપર ઉતરી હું જ્યાં બેઠો હતો એ બારી આગળ આવી એ ઉભો રહ્યો.મારા પ્રત્યે આભારની લાગણી જાણે વ્યક્ત કરતો ના હોય એવા મુક “થેંક્યું “ ના ભાવથી મુખ પર સ્મિત સાથે જોઈ રહ્યો હતો .” ગાડી ચાલુ થઇ અને મેં એને હાથ હલાવી વિદાય આપી ત્યારે એને છેલ્લે જોયો હતો.
ડોલરિયા દેશ અમેરિકાના વૈભવી અને ભભકભર્યા માહોલમાં બાર વર્ષ પહેલાંની મારી અમદાવાદની મુલાકાત દરમ્યાન રેલ ગાડીના સેકન્ડ ક્લાસના ડબામાં એક ચીંથરેહાલ બુટ પોલીસ કરતા છોકરાએ થોડી મીનીટોમાં કરાવેલ ગરીબાઈનાં નગ્ન દર્શનનો એ પ્રસંગ લગભગ મને વિસરાઈ જ ગયો હતો.
બાર વર્ષ પહેલાંનો પેલો “બાબુ બુટ પોલીસવાળો “આજે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ઓફિસર તરીકેની એની ખુરશીમાં બેસી ખુશ ખુશાલ મુખે એક ગ્રાહક તરીકે મારી સાથે વાત કરી રહ્યો હતો ! મારી અમેરિકાની ડોલરની કમાણીની સરખામણીમાં એક ચીંથરે વીંટયા રતન માટે કરેલી માત્ર નજીવી મદદ એના અને એના કુટુંબીજનોના જીવનમાં જે ખુશીઓ લઇ આવી એ જાણીને એ વખતે આ બેંક ઓફિસર કરતાં વિશેષ મારા મનમાં ખુશી અને ઊંડા સંતોષની જે લાગણી થઇ હતી એને વ્યક્ત કરવા માટે શબ્દો કામ લાગે એમ નથી.
Like this:
Like Loading...
Related
Very nice
LikeLike
Inspirational and motivate all of us who are styaing abroad to save $$$ and help to the helpless children’s in our mother land for achieving them their educational dream for becoming a successful person like Babu bank officer , Thank you .
LikeLike
પ્રેરણાદાયી
LikeLike
Pingback: ( 1011 ) ચિત્ર એક,વિચારો અનેક ! …. ( એક ચિત્ર લેખ-ચિંતન )… | વિનોદ વિહાર