ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
( 901 ) મા-દીકરીનો સંવાદ-વિસંવાદ ….એક ટૂંકી વાર્તા ……..વિનોદ પટેલ
નીચેની ટૂંકી વાર્તાનું વિષય-વસ્તુ અમેરિકન સામાજિક કલ્ચરમાં લગ્ન સંસ્થા અંગેનું છે.
અમેરિકન કલ્ચર વિશેની એક જોક ક્યાંક વાચેલી યાદ આવે છે.પતિ પત્ની એમની બેડ રૂમમાં સુતાં હોય છે.પત્ની ઊંઘમાં બબડે છે ભાગ,ભાગ મારો પતિ આવે છે.બાજુમાં સૂતેલો પતિ ઊંઘમાંથી ઉઠી,અડધી ઊંઘમાં,બીકનો માર્યો બેડરૂમની બારીમાંથી ભાગે છે!
મા-દીકરીના ફોન પરના સંવાદમાંથી સર્જાતી વાર્તાનો આ નુતન પ્રયોગ આપને ગમશે.એક માતાનો દીકરી પ્રત્યેનો પ્રેમ પણ આ વાર્તાના અંતે ઉજાગર થતો જણાશે.
વિનોદ પટેલ
મા-દીકરીનો સંવાદ-વિસંવાદ ….ટૂંકી વાર્તા ……..વિનોદ પટેલ
રૂઢીચુસ્ત વિચારો ધરાવતી જૂની પેઢીની એક અમેરિકન વિધવા માતાની એક માત્ર જ આધુનિક યુવાન દીકરી એના પતિથી ડાયવોર્સ લઇ બે બાળકો સાથે એકલી રહેતી હતી.મા-દીકરી બન્ને એક જ શહેરમાં પણ એકબીજાથી થોડાં દુર રહેતાં હતાં.એના બે દીકરાઓ બીજા શહેરોમાં રહેતા હતા.
એક વાર આ મા-દીકરી વચ્ચે ફોનમાં આ પ્રમાણે સંવાદ થયો.
દીકરી – મધર,આજે હું મારા એક મિત્ર સાથે ડેટ પર બહાર જવા વિચારું છું.બે છોકરાંને તારે ત્યાં એક રાત માટે મૂકી જાઉં ?
માતા- તેં તારા પતિને કેમ છોડી દીધો એ મને ખબર નથી પડતી.એ કેટલો સરસ છોકરો હતો.આ દિવસ તારે જોવાનો આવ્યો એ ના આવ્યો હોત.
દીકરી -મધર મેં એને નહોતો છોડ્યો પણ એણે મને તરછોડી કાઢી હતી.તને તો હંમેશાં તારી દીકરીનો જ વાંક દેખાય છે?એ કઈ દુધે ધોએલો ન હતો.
માતા-તેં એને જવા દીધો ત્યારે જ એ તને છોડી ગયો ને! હવે આલતુ ફાલતું છોકરાઓ સાથે ફરવાનું તેં શરુ કરી દીધું છે.તું જેની સાથે જાય છે એ છોકરો પણ એના જેવો નહી નીકળે એની શી ખાતરી? હું મારી જીંદગીમાં તારા પિતા સિવાય મારાં બાળકોને કોઈને હવાલે સોપીને કદી એકલી બહાર ગઈ હોય એવું મને યાદ નથી આવતું,
દીકરી- એવી ઘણી બાબતો છે જે તેં કરી એ હું કદી ના કરી શકું.તારી વાત જુદી હતી.
માતા- એટલે તું શું કહેવા માગે છે ?
દીકરી- કઈ નહિ, તને ફરી પૂછું છું,બે છોકરાંને આજે તારે ત્યાં મુકવા આવું કે નહિ ?
માતા- અમે અમારાં સંતાનોને મુશ્કેલીઓ વેઠીને મોટાં કર્યા અને અમારી બધી જવાબદારીઓ પૂરી કરી.સંતાનો પરણીને એમનો સંસાર શરુ કરે એટલે ઘરડાં મા-બાપ સ્વાભાવિક રીતે જ રાહતનો દમ લઇ એમની પાછલી જિંદગીમાં એમને ગમે એવી રીતે જીવવાની આશા રાખે.અમારે હવે આ ઉંમરે સંતાનોનાં બાળકો ઉછેરી એકડે એકથી શું ફરી શરુ કરવાનું!આ તારા નવા મવાલી મિત્રના ઘેર તું આખી રાત રોકાવાની છે એ તારો હસબંડ એટલે કે તારા છોકરાંઓનો બાયોલોજીકલ બાપ જાણશે તો એ શું કહેશે ?
દીકરી-(ત્રાડ પાડીને મોટા અવાજે)- મધર તું સમજતી કેમ નથી કે એ મારો હસબંડ નથી પણ એક્સ-હસબંડ છે.મને નથી લાગતું કે એને આ બાબતમાં કોઈ વાંધો કે તકરાર હોય.તને સાચી વાત કહું, જે દિવસથી એ મને છોડી ગયો છે ત્યારથી એક દિવસ માટે પણ એની બેડમાં એ એકલો સુઈ ગયો નહી હોય!હું હાલ જેની સાથે જાઉં છું એ કોઈ મવાલી નથી.તારી સાથે હું કોઈ દલીલ કરવા નથી માગતી.હું છોકરાંઓને મૂકી જાઉં કે નહિ એનો જવાબ આપ.
માતા-મારી સાથે બરાડા પાડીને આમ વાત ના કરીશ.પેલા મવાલી સાથે પણ આવા બરાડા પાડવાની છે કે ?જે માણસ બે છોકરાંવાળી ત્યકતા સ્ત્રી સાથે રખડી એનો ખોટો લાભ ઉઠાવે એ મવાલી નહી તો બીજું કોણ કહેવાય?મને બિચારાં આ બે નિર્દોષ બાળકોની દયા આવે છે કે એને આવી મા મળી છે.તારો હસબંડ તને છોડી ગયો એની મને નવાઈ નથી લાગતી નથી.કદાચ એને જ તું લાયક છે.
દીકરી(ગુસ્સાથી બરાડીને) -બસ મા બહુ થયું.મારે તારું ભાષણ નથી સાંભળવું.ચાલ ફોન મૂકી દે.બાય ….
માતા- છોકરી ઉભી રહે,ફોન મૂકી ના દઈશ.છોકરાંને ક્યારે મુકવા આવે છે એ કહે ?
દીકરી- હું તારી પાસે છોકરાંને મુકવા આવવાની નથી કે કોઈ “મવાલી“ સાથે બહાર પણ જવાની નથી.હું મારું મારી જાતે ફોડી લઈશ.
માતા- દીકરી,જો કોઈની સાથે બહાર નહિ જાય તો તને કોઈ સારો છોકરો લગ્ન કરવા માટે ક્યાંથી મળવાનો છે.બે છોકરાં સાથે તારી આખી જિંદગી એકલી તું કેવી રીતે કાઢવાની છે.છોકરાંને મારી પાસે મૂકીને કોઈની પણ સાથે તારે જ્યાં પણ જવું હોય ત્યાં જજે !
Like this:
Like Loading...
Related
વાહ આનું નામ ડાયસ્પોરા વાત. જરાયે દેશી વેડા નહિ.
LikeLike