વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 7, 2016

( 903 ) મધર્સ ડે … માતૃ દિન પ્રસંગે માતાને અંજલિ / બે વાર્તાઓ

આજે ૮ મી મે નો દિવસ મધર્સ ડે નો દિવસ છે.દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે-માતૃ દિન-ઉજવાય છે અને એ રીતે જન્મ દાતા માતાનું સન્માન કરવામાં આવે છે.

મારા જીવનમાં મારી માતાનું સ્થાન અવિસ્મરણીય છે.આજે મધર્સ ડે ના દિવસે દર વર્ષની જેમ એમના પ્રેમાળ અને ત્યાગમય જીવનને યાદ કરી આજની પોસ્ટમાં એમને ભાવભીની સ્મરણાંજલિ અર્પું છું.

પૂજ્ય માતુશ્રી સ્વ.શાંતાબેન પટેલ (અમ્મા)ને કાવ્યાંજલિ 

SRP-MODHER'S DAY-2

               સ્વ.માતુશ્રી શાંતાબેન રે.પટેલ(અમ્મા)                 

 માતૃ વંદના… અછાંદસ રચના

ઓ મા સદેહે હાજર નથી એ કેમે કરી મનાય ના,

સ્મરણો તમારાં અગણિત છે,જે કદી ભૂલાય ના.

કોઈની પણ મા મરશો નહી એવું જગે કહેવાય છે,

જીવનસ્ત્રોત માના વિયોગની ખોટ સદા વર્તાય છે.

માનવીના હોઠ પર સુંદર શબ્દ જો હોય તો તે મા,

વરસાદ કરતાં ય પ્રેમે ભીંજવતો સાદ હોય એ મા.

સ્મિત કરતી તસ્વીર ભીંતે પૂજ્યભાવે નીરખી રહ્યો,

ભૂલી સૌ વિયોગ દુખ તવ મુક આશિષ માણી રહ્યો.

ભજન,ભક્તિ વાચન અને યાદ આવે એ રસોઈકળા,

ખુબ પરિશ્રમી હતી તમારી રોજે રોજની દિનચર્યા.

કર્તવ્ય પંથે અટલ રહીને,સૌની ચિંતાઓ માથે લઇ,

અપૂર્વ ધીરજ બેશબ્દ રહીને વેદનાઓ સહેતી રહ્યાં.

પડકારો ભર્યા કાંટાળા રાહે માંડી ચરણો ધૈર્યથી,

ગુલાબો ખીલવી ગયાં ,અમ જીવન પંથમાં પ્રેમથી.

ચંદન સમું જીવન તમારું ઘસાયું હતું કાળ પથ્થરે,

લેપ હૃદયમાં કરી એનો, સુગંધ માણી રહ્યાં અમે.

પ્રેમ,નમ્રતા,કરુણા,પ્રભુમય જીવનને હું વંદી રહ્યો,

દીધેલ સૌ સંસ્કાર બળે આજ ખુમારીથી જીવી રહ્યો.

શબ્દો ઓછા પડે ગણવા ઉપકારો મા-બાપના,

અલ્પ આ શબ્દોથી માતા,કરું હૃદયથી વંદના.

વિનોદ પટેલ, મધર્સ ડે, ૫-૮-૨૦૧૬

મારાં પૂજ્ય માતુશ્રી સ્વ.શાંતાબેન પટેલની પ્રેરક જીવન ઝરમર

માત્ર એક જ અક્ષરના શબ્દ “મા” માં જન્મથી મૃત્યુને આવરી લેતી કેટલી કેટલી વાર્તાઓ સમાઈ ગઈ હોય છે ! મા એટલે જાણે કે માઈક્રોફિક્શનથી માંડી લાંબી નવલકથાનું વાર્તા સ્વરૂપ.મારાં પૂજ્ય માતુશ્રી ની આ જીવન ઝરમર એનું એક ઉદાહરણ છે.

મારાં પૂજ્ય માતુશ્રી સ્વ.શાંતાબેન પટેલની

પ્રેરક જીવન ઝરમર

મધર્સ ડે ને અનુરૂપ બે વાર્તાઓ 

મમત્વ નો મહાસાગર … એક લઘુ કથા ….. યશવંત કડીકર

દીકરો અમેરિકાથી આવ્યો હતો.એની સાથે એના મિત્રો મળવા દોડી આવેલા.ઘરમાં ધાંધલ-ધમાલ મસ્તીનું એક રૂડું તોફાન સર્જાયું હતું.

મા ના હરખનો પાર ન હતો. “શું કરું?”…શું ના કરું?ની દ્વિધામાં મા ઘેલીઘેલી થઇ ગઈ હતી. મા એ બધાને જમવા બેસાડ્યાં. ખૂબ પ્રેમથી મા એ ભાવતા ભોજન બનાવેલા. રખેને દીકરાને કાંઈ ઓછું ન આવી જાય એ માટે તેના સ્વાદની પૂરેપૂરી તકેદારી રાખી હતી.

આ મા ને જાને આજે સર્વસ્વ મળ્યું હતું. સમજોને કે જાણે ઘરે પ્રભુ પધાર્યા હતાં.

દીકરો અને તેના મિત્રો વાતો કરતા કરતા જમ્યે જતા ને મા આગ્રહ કરીને પીરસતી રહેતી. દરેક કોળીયે મા નો પ્રેમ પણ જમી રહ્યો હતો. મિત્રો પણ માતૃત્વના અમી-સિંચનને માણી રહ્યા હતાં.

જમ્યા બાદ મા એ કબાટમાંથી ઈસ્ત્રીબંધ રૂમાલ હાથ લુછવા આપ્યો. પુત્રે હાથમાં લઇ તો લીધો. પણ ગડી ખોલતા જ તેની આંખોમાંથી ચોધાર આંસુઓ ટપકવા લાગ્યા. પેલો રૂમાલ પણ ભીંજાવા લાગ્યો.

માને થયું ‘આમ કેમ? શું મારા દીકરાને કાંઈ ઓછું આવ્યુ?…જમવામાં સ્વાદ ના મળી શક્યો?, એના મિત્રોને સાચવી ન શકાયાં?….ક્યાં અડચણ આવી?’- પોતાના દીકરાની આંખોમાં આંસુ જગતની કઈ મા જોઈ શકે?

દીકરો ડૂસકાં ભરતા બોલ્યો: “મા ! મને આ ઈસ્ત્રીબંધ રૂમાલ ના જોઈએ. મને તો તારા આ સાલ્લાનો પાલવ આપ જેનાથી હું કાયમ મારા હાથ લૂંછતો આવ્યો છું.”

મા-દીકરો રડતા રડતા એકબીજાને ખૂબ પ્રેમથી ભેંટી પડ્યા. જગતની કોઈ તાકાત તેમને છુટા પાડવા શક્તિમાન નહોતી. અને એ આંસુઓની પાછળ ઘૂઘવાતો હતો મમત્વનો મહાસાગર….

શ્રી યશવંત કડીકર

 

મધર્સ ડે ને અનુરૂપ એક હૃદય સ્પર્શી વાર્તા

(ભાવાનુવાદ) …. વિનોદ પટેલ

(નેટ પર એક માતાની મમતાને ઉજાગર કરતી એક અંગ્રેજીમાં વાર્તા વાંચી જે દિલને સ્પર્શી ગઈ.એનો ભાવાનુવાદ કરીને એ હૃદય સ્પર્શી વાર્તા અત્રે પ્રસ્તુત છે.—વિ.પ.)

બાલિકાનો ડ્રેસ 

હું જ્યારે એની નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે એક નાનકડી નિર્દોષ બાળાએ આંખમાં આંસુઓ સાથે મને પૂછ્યું:

મેમ,તમને મારો આ ડ્રેસ કેવો લાગ્યો,તમને ગમે છે ?મારી મમ્મીએ આ ડ્રેસ ખાસ મારા માટે જ બનાવ્યો છે .”

મેં કહ્યું :”વાહ, સૌને ગમે એવો બહુ જ સુંદર ડ્રેસ છે.પણ ડોલી મને કહે તું કેમ રડે છે,તારી સુંદર આંખોમાં આંસુ કેમ છે?”

રુદનથી કંપતા અવાજ સાથે બાળાએ જવાબ આપ્યો “આન્ટી, મારા માટે આ ડ્રેસ બનાવ્યા પછી મારી મમ્મી દુર ચાલી ગઈ છે.”

મેં એને આશ્વાસન આપતાં કહ્યું :”આવી નાની છોકરીને વધુ રાહ જોતી મુકીને કોઈ માતા લાંબો સમય બહુ દુર ના જતી રહે,આટલામાં જ ક્યાંક હશે,થોડી વારમાં જ આવી જશે, રાહ જો,રડીશ નહિ .”

ના મેમ,તમે સમજ્યા નહિ.” આંખમાંથી વહેતાં આંસુ સાથે બાળાએ કહ્યું “મારા ડેડી કહે છે કે જ્યાં મારા દાદા ગયા છે ત્યાં એ ઉપર સ્વર્ગમાં હવે એમની સાથે રહે છે.”

મને હવે સમજાયું કે એ શું કહી રહી હતી,અને એ કેમ રડતી હતી.”

મને આ બાળા પ્રત્યે સહાનુભુતિની લાગણી થઇ આવી. નીચે નમીને મેં એને બે હાથે ઊંચકી લીધી.દુર સ્વર્ગમાં ગયેલી એની મમ્મી માટે એના રડવામાં હું પણ અનાયાસે જોડાઈ ગઈ.

ત્યારબાદ આ છોકરીએ એકાએક જે કર્યું એ મેં જ્યારે જોયુ એ મને સ્હેજ વિચિત્ર લાગ્યું.

બાળકીએ એકાએક રડવાનું બંધ કરી મારાથી બે ડગલા દુર જઈને ગાવા લાગી.એટલા ધીમા અવાજથી ગાઈ રહી હતી કે કાન ધરીએ તો માંડ એ સંભળાય.ઝાડની ડાળીએ એક નાનું પક્ષી જાણે મુક્ત મને ગાઈ ના રહ્યું હોય એવા મીઠા મધ જેવા અવાજે એ ગાઈ રહી હોય, એવી ત્યારે મને અનુભૂતિ થઇ આવી.

બાળકીએ ગાવાનું પૂરું કર્યું અને મને સમજાવવા લાગી કે “મારી મમ્મી દુર ચાલી ગઈ એ પહેલાં એ હંમેશાં મારી આગળ ગાતી હતી અને મારી પાસેથી  એણે એક વચન લીધું હતું કે કોઈ વાર જ્યારે હું રડવાનું શરુ કરું ત્યારે રડવાનું અટકાવીને આ ગીત ગાવું.”

એના બે નાજુક હાથ મારી આગળ પહોળા કરી સસ્મિત આંખોમાં આશ્ચર્યના ભાવ સાથે કહેવા લાગી “જુઓ મમ્મી  કહેતી હતી એ સાચું પડ્યું ને,ગાયા પછી મારી આંખોમાં હવે જરાએ પાણી છે!” એના હોઠ પર સ્મિત જોઈને મારો દિવસ જાણે કે સુધરી ગયો.

હું ત્યાંથી જ્યારે જવા કરતી હતી ત્યારે આ નાનકી છોકરીએ

મારો હાથ પકડી અટકાવી મને કહે :”ઓ મેમ,તમે એક મિનીટ માટે ઉભા રહો તો તમને હું કશુક બતાવવા માગું છું”

“બેશક,જો હું ઉભી રહી,બોલ તું મને શું બતાવા માગે છે?” 

એના ડ્રેસની એક જગાએ આંગળી ચીંધી,આ બાલિકાએ કહ્યું :”આ જ જગા છે જ્યાં મારી મમ્મીએ ડ્રેસ બનાવીને ત્યાં એના હોઠોથી વ્હાલથી ચુંબન કર્યું હતું.ડ્રેસ પર બીજી જગા બતાવી કહે:”અને પછી અહી ચુંબન કરેલું અને પછી અહીં…અહીં …”એમ બતાવતી ગઈ.

મારી મમ્મીએ પછી મને કહ્યું હતું :”બેટા,હું તારા ડ્રેસ પર આ બધાં ચુંબન એટલા માટે કરું છું કે જ્યારે જ્યારે પણ તું  રડવાની ભૂલ કરી બેસું ત્યારે દરેક પ્રસંગે એનું એક એક ચુંબન તને શાંત્વન આપતું રહેશે.”

આ છોકરીના નાજુક મુખેથી આ બધી વાત સાંભળી મારા અંતરમાં અનુભૂતિ થઇ કે હું એના ડ્રેસને નહી પણ એની ભીતર રહેલી એક વ્હાલસોઈના માતાને સાક્ષાત સ્વરૂપે જોઈ રહી હતી.આ એક એવી માતા હતી જે જાણતી હતી એ એની વ્હાલી દીકરીથી દુર જઇ રહી છે અને જ્યારે એને કોઈ વાતે દુખ પહોંચશે અને રડી પડશે એ વખતે એને ચૂમી લેવા માટે એ હાજર નહિ હોય.એટલા માટે એણે એક પરી જેવી સુંદર દીકરી પ્રત્યેનો એનો બધો જ પ્રેમ એના ડ્રેસમાં જુદી જુદી જગાઓએ ચુંબનો કરીને ઠાલવ્યો હતો જે ડ્રેસ આ બાલિકાએ ગર્વથી પરિધાન કર્યો હતો.

એ વખતે હું એક સાધારણ ડ્રેસ પરિધાન કરીને ત્યાં ઉભેલી એક નાની બાલિકાને નહિ પણ એ ડ્રેસ મારફતે એક માતાના પ્રેમના કવચથી વીંટળાઈએલી એક નશીબદાર બાલિકાને જોઈ રહી હતી !

(ભાવાનુવાદ – વિનોદ પટેલ )

Happy Mother's Day 2016