વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 18, 2016

( 909 ) વ્હીલ ચેર ! ….માઈક્રોફિક્શન વાર્તા …. વિનોદ પટેલ

Wheel Chair

વ્હીલ ચેર ! ….માઈક્રોફિક્શન વાર્તા

રવિવારના રજાના દિવસે ઘણા દિવસે રમેશભાઈ અને એમનાં પત્ની દેવિકાબેનએ એમના આઠ વર્ષના પુત્ર અનીશ સાથે શહેરના જાણીતા મ્યુઝીયમ જોવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો.આ કુટુંબમાં બ્યાસી વર્ષના રમેશભાઈના વૃદ્ધ પિતા કિશોરભાઈ પણ રહેતા હતા.

દાદાના હાથે મોટો થયેલો અનીશ એમનો બચપણથી જ બડી બની ગયો હતો.દાદાને પણ અનીશ મૂડીના વ્યાજથી એ અધિક વ્હાલો હતો.

દાદાએ અમેરિકા આવીને મ્યુઝીયમ જોયું ન હતું એટલે અનીશ ઈચ્છતો હતો કે દાદા પણ બધાં સાથે મ્યુઝીયમ જોવા માટે આવે તો ઘણું સારું.

નીકળતા પહેલાં અનીશએ એના ડેડીને કહ્યું “ડેડી, દાદાને પણ આપણે સાથે મ્યુઝીયમ જોવા લઇ જઈએ.ઘરમાં એકલા ઘેર બેસી રહેશે તો બોર થઇ જશે .”

અનિશની મમ્મીએ કહ્યું :”ના બેટા,દાદાને પગે બરાબર ચલાતું નથી ક્યાંક પડી જશે તો તકલીફ થશે.આ ઉંમરે એમને ના ફાવે “

દાદાને મનમાં મ્યુઝીયમ જોવાની તો ખુબ ઇચ્છા હતી છતાં એ છુપાવતાં એમણે કહ્યું :

‘અનીશ બેટા,તારી મમ્મી બરાબર કહે છે.તમ તમારે ખુશીથી જાઓ, મારી ચીંતા ના કરશો.પુસ્તક વાચન અને કોમ્યુટર પરના મારા રોજના ક્રમમાં મારો સમય તો આમ પસાર થઇ જશે.”

અનીશના મગજમાં એકાએક એક વિચાર ચમકી ગયો.અનીશે એના પપ્પા રમેશભાઈને કહ્યું :

“પપ્પા,આજે રવિવાર છે,મ્યુઝીયમમાં દરેક જગાએ બહુ જ લાંબી લાઈનો હશે.એ લાઈનોમાં ઉભા રહી રહીને થાકી અને કંટાળી જઈશું.જો દાદાને વ્હીલચેરમાં લઇ જઈએ તો એમના લીધે આપણને લાઈનમાં સૌથી આગળ ઉભા રહેવાનું મળશે અને મ્યુઝીયમ જોઇને જલ્દી ઘેર પાછા આવી જઈશું.”

રમેશભાઈ અને દેવીકાને અનિશની આ વાત શીરાની જેમ એકદમ ગળે ઉતરી ગઈ !

દાદા અને એમની વ્હીલચેર સાથે આખું કુટુંબ મ્યુઝીયમ જોવા માટે ગાડીમાં બેસીને ઉપડી ગયું.

ગાડીમાં પાછલી સીટમાં દાદા સાથે બેઠેલા અનીશે દાદાનો હાથ વ્હાલથી દબાવી મો પર સ્મિત સાથે,આંખ મીંચકારી,ડેડી અને મમ્મી સાંભળે નહિ એમ ધીમા અવાજે કહ્યું “દાદા,વ્હીલ ચેર !”