ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
( 914 ) ગામડાનો ઉનાળો…. ( મારાં સંસ્મરણો ) / બે ગ્રીષ્મ કાવ્યો
હાલ ભારત અને ગુજરાતમાં લોકો કાળઝાળ ઉનાળાના તાપથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.ઉનાળો તેનો પ્રકોપ બતાવી રહ્યો છે.
ગરમીની આવી પશ્ચાદભુમિકા માં વેબ ગુજરાતીના સૌ પ્રથમ ઈ-બુક પ્રકાશન “ગ્રીષ્મવંદના ” માં પ્રગટ મારો એક લેખ “ગામડાનો ઉનાળો( મારાં સંસ્મરણો ) “આજની પોસ્ટમાં પ્રસ્તુત કર્યો છે.આ લેખમાં ગામડાના ઉનાળાનાં મારાં સંસ્મરણો મેં પ્રસ્તુત કર્યા છે. જેઓ ગામડામાં મોટા થયા હશે એમને આ લેખ એમનો ભૂતકાળ ની યાદોને તાજી કદાચ કરાવશે.
“ગ્રીષ્મ વંદના” ઈ-બુક માં ગ્રીષ્મ ઋતુ વિશે અન્ય લેખકોના લેખો/કાવ્યો આ લીંક પર ક્લિક કરીને વાંચવા ભલામણ છે.ઉનાળાના તાપમાં આ લેખો થોડી માનસિક ઠંડક આપે એવી આશા .
મારા લેખ નીચે શ્રી ચીમન પટેલ”ચમન” અને શ્રી અનીલ ચાવડાની કાળઝાળ ઉનાળાની કવિતાઓ એમના આભાર સાથે પ્રસ્તુત છે.
વિનોદ પટેલ
ગામડાનો ઉનાળો( મારાં સંસ્મરણો ) …. વિનોદ પટેલ
મારી જીવન સંધ્યાના નીવૃતીકાળ વખતે અહીં અમેરિકામાં બેઠાં બેઠાં જ્યારે મારી સ્મૃતિને ૭૦ -૭૫ વર્ષ પાછળ લઇ જઈને વિચારું છું ત્યારે મારા વતનના ગામ ડાંગરવામાં વીતાવેલાં મારાં બાળપણ અને શૈશવ કાળનાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણે ઋતુઓમાંથી પસાર થયેલાં વર્ષો અને એની સાથે જોડાયેલી કેટલીક યાદો મારા સ્મૃતિ પટ ઉપર આજે ઉપસી આવે છે.
છાપરા જેવી બેઠા ઘાટની વિલાયતી નળીયાં વાળી ગામની પ્રાથમિક શાળાના મકાનની બહાર ઉનાળામાં વિશાળ લીમડાની છાયામાં ખુરશી ઉપર બિરાજેલા મોહનલાલ શુકલ સાહેબ અને એમની સામે ધૂળમાં લાઈન બંધ બેઠેલા મારા જેવા નાના ખેડૂત પુત્રો-વિદ્યાર્થીઓનું ચિત્ર મારા માનસપટ ઉપર તાજું થાય છે .વૃદ્ધ ઉંમરના અમારા આ શુક્લ શાહેબ એમની છીકણીની ડબીમાંથી એક ચપટી ભરી નાકમાં ઊંડે સુધી ખેંચીને તાજા માજા થઈને આપણા આદ્ય કવિ દલપતરામની શિયાળો,ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુઓ ઉપરનું જાણીતું કાવ્ય સંભળાવતા હતા એ યાદ આવે છે.આ કાવ્યમાં કવિ દલપતરામે ઉનાળા વિષે બહું જ સુંદર વર્ણન આ રીતે કર્યું છે .
ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;
પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.
સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ.
ગામનું લોકજીવન ત્રણેય ઋતુઓને અનુકુળ થઈને પોતાની પ્રવૃતિઓમાં રત થઇ જતું .ઉનાળો એના નામ પ્રમાણે ગરમી અને લુ વરસાવતી ઋતુ. ધૂળની ડમરીઓ ઉરાડતી ઋતુ .આ ઋતુમાં સ્વાભાવીક રીતે જ લોકોની કાર્ય શક્તિ ઘટી જાય છે અને લોકો આળસુ થઇ જાય છે.ઝાડ નીચે છાયડામાં ખાટલામાં ઉંઘ ખેંચતા ઘણા માણસો તમને ઠેર ઠેર જોવા મળે .
ચાર માસનું ચોમાસું શરુ થાય એ પહેલાં ખેડૂતો ગામની ભાગોળે પોતાના ઢોરનાં છાણના ઉકરડામાંથી બળદ ગાડામાં ખાતરને પોતાનાં ખેતરોમાં લઇ જઈને પાથરી દેતા .આ વખતે ગાડામાં ખાતર ઉપર બેસી ખેતર સુધી જઈને ખાલી ગાડામાં પાછા આવવાની ફ્રી રાઈડ મળતાં કુટુમ્બનાં બાળકોને ખુબ મજા આવી જતી .
ગામના ઉનાળાનું બીજું દ્રશ્ય લગ્નોનું છે .ઉનાળો એટલે લગ્નસરાની સીઝન.ગામમાં ઢોલ ઉપર ડંકો પડે એ સાથે કોની છોકરી કે છોકરો પરણે છે એની જાહેરાત થઇ જતી.જે વ્યક્તિને ત્યાં લગ્ન પ્રસંગ હોય એને ગામ લોકો તરફથી પુરો સહકાર મળતો.કોઈ પણ લગ્ન પ્રસંગનું મોટું આકર્ષણ હોય તો એ એના જમણવારનું .ખેડૂત વર્ગ સામાન્ય રીતે વર્ષ દરમ્યાન રોજ બાજરી કે ઘઉંના રોટલા, ખીચડી,દૂધ ,ઘી જેવું સાદું ભોજન કરે પણ લગ્ન વખતે લાડુ,લાવ્સી,ચુરમું કે અન્ય મીઠાઈ,રસોઈયાએ ખાસ ઉકાળેલી જમણના મસાલેદાર દાળ,શાક વી.નું પાકું જમણ જમવાનો આનંદ અનેરો રહેતો.ઢોલ અને શરણાઈના સુરો અને લગ્ન ગીતોથી ઉનાળામાં આવતા આ લગ્ન ગાળામાં આખાયે ગામનો માહોલ ખુશીમાં બદલાઈ જતો .મોટાઓ અને બાળકો આનંદથી ઝૂમી ઉઠતાં.
ઉનાળો એટલે શાળાઓમાં લાંબી ઉનાળાની રજાઓનો સમય.આ રજાઓ પડતાં ગામના નિશાળીયાઓ રાજીના રેડ થઇ જાય. ગામમાં , વગડામાં ,મામા કે માસીને ઘેર જઈને પૂરી સ્વતંત્રતાથી ભેરુઓ સાથે રમવાના ,તોફાનો કરવાના, ઝાડ ઉપર ચડીને કેરીઓ ,રાયણ વિગેરે પાડીને ખાવાના એમ આનંદથી રજાઓ ગાળવાના આ દિવસો. મોટી ઉંમરના વિદ્યાર્થીઓને વેકેશનમાં એમના પિતા અને વડીલો ખેતીવાડીના કામકાજમાં પલોટી દેતા.એક ઇન્ટર્ન ખેડૂત તરીકે !
ઉનાળાના દિવસોમાં ગામમાં નાટક મંડળી ,તુરી અને ભવાઈ મંડળીઓ આવતી અને રાત્રે ધૂળમાં બેસીને ખુલ્લા આકાશ નીચે મોડી રાત સુધી એમના ખેલો જોવાની બહું મજા આવતી. ગાયનો કટ કરવાની હરીફાઈ જામતી.ઉનાળાની રજાઓનું આ મોટું મનોરંજન બની રહેતું.ગામમાંથી નાટક મંડળી જતી રહે એ પછી એમનામાંથી પ્રેરણા લઈને બાળકો ઘણા દિવસો સુધી એમની નકલ કરીને કોઈની સાડી કે ધોતીયાના પડદા કરી રાજા હરીશ્ચંદ્ર ,રાણા પ્રતાપ વગેરે ખેલો પાડતા એ યાદ આવતાં આજે હસવું આવે છે.
ગામમાં ઉનાળાનું એક બીજું મોટું આકર્ષણ એટલે કેરીઓ ચૂસવાની અને એનો રસ કાઢીને ખાવાની સીઝન.ગામના નાના બઝારમાં,વખારમાં કે બહાર ખુલ્લામાં ઢગલા કરી કેરીઓ પુષ્કળ પ્રમાણમાં વેચાતી.અમારા ખેતરમાં પણ કેરીઓના વૃક્ષો હતાં એ વાઘરી લોકોને સાચવવા અને વેડવા માટે આપીએ એટલે ઘરના આંબાની કેરીઓ ખાવા મળતી.
કિશોર અવસ્થા પછી શાળા કોલેજમાં વધુ અભ્યાસ અને નોકરી માટે ગામ છોડીને કડી શહેરમાં અને અમદાવાદ જવાનું થયું અને નિવૃત્તિ કાળમાં અહીં અમેરિકા આવવાનું થયું.દરેક જગાઓએ ઉનાળાની જુદી જુદી અસરો નિહાળી છે પણ એ સૌમાં ગામના ઉનાળાના એ દિવસોની તોલે કોઈ પણ ન આવે .
અહીં અમેરિકામાં તો ઋતુઓ અને હવામાનની તો વાત જ કોઈ ઓર છે. અહીં દરરોજ ટી.વી. ઉપર હવામાનના સમાચાર જોઈએ તો દરેક જગાઓએ જુદી જુદી ઋતુઓ. કોઈ જગાએ ઉનાળો તો કોઈ જગાએ બારે માસ ચોમાસું .કોઈ જગાએ બરફ અને સખ્ત ઠંડી .અમેરિકામાં રોજે રોજ હવામાનના સમાચાર જોઈને લોકો જીવતા હોય છે . ભારતમાં લોકોને હવામાનના સમાચાર જોવાની બહુ જરૂર જ નથી પડતી. શિયાળો ,ઉનાળો અને ચોમાસું એમ લગભગ વરસો વરસ નિયમિત રીતે ચાલ્યા કરે ,કોઈક વખત કમોસમી માવઠાના અપવાદ સિવાય.
કહેવાય છે ને કે બફા એટલા નફા .ઉનાળાની ગરમી અને લુ સહન કરીએ તો જ ચોમાસાની ઠંડક અને ખેતરોમાં જીવન ઉપયોગી પાકો લણી શકીએ.એવું જ જીવનમાં પણ,દુઃખનો તાપ સહન કરીએ તો જ સુખના ચોમાસાની ઠંડકનો અનુભવ ભોગવી શકાય .
ત્રણ ઋતુઓનું ચક્ર એ પરમ કૃપાલુ પરમાત્માએ માનવોને આપેલી પર્યાવરણની એક અમુલ્ય ભેટ છે એ સમજી લઈએ અને એને સારી રીતે ભોગવવા માટે લાયક બનીએ.
======================
ઉકળાટ …..….. ચીમન પટેલ ‘ચમન’
ગરમી!! ગ્રીષ્મની ગરમી સૌને ગૂંગળાવી રહી છે. વરસાદની ચીંતા સહુને સતાવી રહી છે. એમાંયે ‘યાર્ડ’ની કે ખેતરની ખેતી કરતા ખેડુતોનું દયાન આકાશ તરફ જાણે –અજાણે જાય છે. ઍમાયે જ્યારે વાદળો દેખાય છે ત્યારે વરસાદ આજે તો આવશેની આશામાં મન થોડું હળવું થાય છે. જ્યારે વાદળો વાયરા સાથે વિખરાઇ જાય છે ત્યારે મન નિરાશામાં નિચોવાઇ જાય છે.
‘એરકંડીશન’વાળા આલિશાન ઘરમાં,પોતાના પતિ (કે પત્ની) વગર રહેતી વ્યક્તિ,આવા સમયે એ, બાહ્ય અને આંતરિક ગરમીનો અહેસાસ કરતી હોય છે.
૧૯૬૫માં, ભાવનગરની ભૂમીપર, આવા એક ઉનાળાના દિવસે હું બાહ્ય અને આંતરિક ગરમીનો અહેસાસ કરી રહ્યો હતો, ત્યારે આ કાવ્ય રચાયું હતું અને ‘સૌરાષ્ટ સમાચાર’ દૈનિકે એને છાપીને મને પ્રોત્સાહિત કર્યો હતો.
ઉકળાટ
ક્યાંય આછોય વર્ષાનો ભાર નથી,
એ વાતનો સહુ દિલમાં ઉચાટ છે.
ઋતુનો ન જણાય ક્યાંય રે અણસાર,
ને ગગનમાં ન વાદળનો ગગડાટ છે!
કોના પાપે રે વરસે ન આજ વાદળી,
અનિલની લે’રીએ ખેંચાઇ જે જાય છે.
પશુ, પક્ષી ને ધરતીની વેદના,
જોઇનેય નવ એને કંઇ થાય છે!
વેદના વધારીનેય એ તો વરસી ગયો;
ઉકળાટ ઉરનો મારો ઉરમાં જ રહી ગયો !!
*ચીમન પટેલ ‘ચમન’ (૦૪ઓગષ્ટ’૧૩)
(‘સૌરાષ્ટ સમાચાર’ ના ૨૦જુલાઇ’૬૫ ના અંક્માં પ્રગટ)
ઉનાળો આવ્યો!
ઉનાળાનું ગીત …… કવિ શ્રી અનીલ ચાવડા
ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.
તગતગતા તડકાનાં ઊગ્યાં છે ફૂલ એને અડીએ તો અંગઅંગ દાઝીએ,
આવા આ ધખધખતાં ફૂલો પર ઝાકળની જેમ અમે કેમ કરી બાઝીએ?
કોણે આ સૂરજની મટકી છે ફોડી કે ધોમધોમ લાવા ઢોળાય છે?
ઉનાળો કાળઝાળ થાય છે.
આભ મહીં કોક જોડે બગડ્યું તો ગુસ્સો તું ધરતીની ઉપર કેમ ઠાલવે?
જ્વાળાનું ઠાઠમાઠ રજવાડું સાચવતા રાજાને આવું તે પાલવે?
સૂરજિયા! તારે ત્યાં અવસર કોઈ આવ્યો છે? આભ આખું ગીત તારાં ગાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.
Like this:
Like Loading...
Related
અનીલ ચાવડા, કવિતા, કાવ્ય/ગઝલ, ચિંતન લેખ, ચીમન પટેલ, મારા લેખો કાવ્યો વાર્તાઓ, મારા લેખો વાર્તાઓ કાવ્યો, વિનોદ પટેલ
અનીલ ચાવડા, ઈ-બુક-ગ્રીષ્મ વંદના, કાવ્યો, ગ્રીષ્મ ઋતુ, ચિંતન લેખ, ચીમન પટેલ, જીવન પ્રસંગો
હું સુરતમાં જન્મેલો પણ મારા નજીકના સ્વજનો ગામડામાં. વિનોદભાઈના લેખમાં વર્ણવેલ તમામ વાતો અનુભવી છે. સાતેક વર્ષ પહેલાં ભારત ગયો હતો. જે ગામડાની ધરતીના બાળપણમાં જોયા અનુભવ્યા હતાં એ ધબકાર અને ગ્રામ્ય જીવન જોવાં ન મળ્યું. બધું જ બદલાઈ ગયેલું. ગામડાઓએ શહેરી વસ્ત્રો પહેરી લીધા હતાં. લાઈટ વગરના ઘરોમાં ટમટમટા દિવડાઓ કે ફાનસનો આછો પ્રકાશ. અંધારી રાતે હાથમાં ટોર્ચ લાઈટ (જેને બેટરી કહેતા) અને કદાચ હાથમાં લાકડી કે ડંગોરો લઈને નજીકના ગામે મિત્રોને ત્યાં જવું….ઉનાળાની ચાંદની રાતે ફળિયામાં ખાટલા નાંખીને પાડોસીઓ દિન ચર્ચા કરતાં ઊંઘવું. અમાસની રાતે આગીયાની ચમક સાથે ભરપૂર તારાઓ સાથેનું આકાશ જોવું…..આ બધુ..જ વિનોદભાઈ આમાનું મને કશું જ જોવા ન મળ્યું. એ જ મહોલ્લાના ઊચા થઈ ગયેલા મકાનોમાં રહેતા યુવાનોને જ્યારે વાત કરવાની કોશીષ કરી કે આ જગ્યા એ આવું ઘર હતું…અહિ વડલો હતો. હું ચઢતો…પેલા બિલ્ડિંગની જગ્યાએ નાના મકાનમાં ફલાણી માસી રહેતી….એલાસ…મારી વાતો કે સંસ્મરણોમાં યુવાનોને જરાયે રસ ન હતો.
LikeLike
આપણા બાળપણ કે કિશોર અવસ્થા વખતે જેને ખરું ગામડું કહેવાય એમાં સમયની સાથે ઘણો બદલાવ આવ્યો છે એ હકીકત છે.હું મારા વતનના ગામમાં છેલ્લે ૨૦૦૭ ડીસેમ્બરમાં ગયો હતો ત્યારે મેં જોયું કે ગામના યુવાનો અમદાવાદ જેવા શહેરોમાં કે અમેરિકામાં ગયા હોઈ ગામમાં એક જાતનો ભેંકાર વર્તાતો હતો.પહેલાં ગામનો હજામ પહેલાં ઓટલા પર બેસી એમના ઘરાકોના બાલ કાપતો હતો એને બદલે આ હજામોના છોકરાઓ આજે સલુન ખોલી બાળ કાપતા થયા છે. પહેલાં લોકોનું પીણું ઘરના દહીંની બનાવેલી છાસ હતું એને બદલે લોકો કોક જેવા સોડા પીતા થઇ ગયા છે. ગામમાં દારૂનું વ્યસન પણ ઘુસી ગયું છે.અમેરિકાથી છોકરાઓ ડોલર મોકલે છે એટલે લોકોએ ખેતી કરવાની ત્યજી દીધી છે અને લોકો આળસુ થઇ ગયા છે.
LikeLike
નમસ્કાર સર…સાત સમુદ્ર પાર બેઠા બેઠા પણ અમદાવાદ-ગુજરાત ની રેકોર્ડ બ્રેક
ગરમી નો તાદ્રદસ્ય અનુભવ આપ ની કલમે કંડારી ને અમો ને ભાવવિભોર કરી દીધા…ખુબ
ખુબ આભાર…
LikeLike
આ સરસ લેખ નજર બહાર જ ગયો. તમે ખબર ન આપી હોત , તો આટલું સરસ વર્ણન વાંચવાનું રહી જ જાત.
LikeLike
તમને મારા લેખ માટે જે અહેસાસ થયો એવો ઘણી વાર મને તમારા લેખ માટે થતું હોય છે કે સુરેશભાઈનો આટલો સરસ લેખ વાંચવામાંથી કેમ રહી ગયો હશે !!
LikeLike