વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: જૂન 2016

( 930 ) જ્ઞાનગંગા ……… ટૂંકી વાર્તા ……. વનલતા મહેતા

VRP-with books and mandirઆ વાર્તામાં એક વાચન પ્રિય દાદીમા ચંદનબેનની પુસ્તકો પ્રત્યેની પ્રીતિને લેખિકા વનલતા મહેતાએ સુંદર શબ્દોમાં રજુ કરી છે.આજની નવી પેઢીમાં પુસ્તક વાચનનો શોખ ઘટતો જાય છે.

દાદીમા ચંદનબેનએ બાળકોની જેમ સાચવેલાં પુસ્તકોને દાદીમાનો પુત્ર અને પૌત્ર બિન જરૂરી પસ્તી(ગાર્બેજ) માને છે અને દાદીમાને એમનાં પુસ્તકોને ઘરમાંથી કાઢી નાખવા કહે છે. દાદીમાની ઘવાએલી લાગણીની તેઓને પરવા નથી.

વૃદ્ધ જનો માટે પાછલી અવસ્થામાં પુસ્તકો એમની એકલતાને અને અંગત સમસ્યાઓને ભૂલવા માટે બહુ જ જરૂરી હોય છે એ નવી પેઢી ભૂલી જાય છે. છેવટે દાદીમા એમનાં પુસ્તકોને કેવી રીતે સાચવે છે અને પુત્ર અને પૌત્રને જ્ઞાન ગંગા સમાં પુસ્તકોની મહત્તાની કેવી રીતે પ્રતીતિ કરાવે છે એ જાણવા આ વાર્તા તમારે વાંચવી જ રહી.

વિનોદ પટેલ

જ્ઞાનગંગા ….ટૂંકી વાર્તા …. વનલતા મહેતા

Gnan Ganga

‘મૌલિક!’

‘ઘાંટો કેમ પાડી ઊઠ્યા દાદીમા?’

‘મારા બધાં પુસ્તકો શા માટે કાઢીને ઢગલો કરે છે!’

‘દાદીમા, પપ્પાએ કહ્યું છે કે આ બધો કચરો પસ્તીમાં કાઢી નાખવો છે?’

‘પસ્તીમાં! આ કચરો! આ પુસ્તકો કાઢી નાખવાં છે?’

હૈયા પર ઉકળતું તેલ રેડાયું હોય એવી રીતે આક્રોશ કરતાં દાદીમા બોલ્યા.

આ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યનું અણુભાષ્ય, આ પ્રેમાનંદના આ આખ્યાનો, આ વ્હીલ ડ્યુરાનું, સ્ટોરી ઓફ ફિલોસોફી’… ના, ના, આ બધા અપ્રાપ્ય ગ્રંથો છે. મૌલિક, તારા પપ્પાને આ ખજાનો પસ્તી લાગે છે?’

‘હાસ્તો, જુઓને, પૂંઠાં ખવાઈ ગયા છે.’ એમ બોલતો દાદીમાનો દીકરો વિવેક દાખલ થયો.

‘અઢારમી સદીના કાગળો છે. પાના ફેરવતા જ ચૂરો હાથમાં આવે છે. બા એમાં ઊધઈ લાગીને મકાનના લાકડાંને લાગશે અને આખો બંગલો જમીનદોસ્ત થઈ જશે.’

‘ઊધઈ કેમ લાગે વિવેક? તને પેટના દીકરાને આંખના પાથરણાં કરીને ઉછેર્યો, તે જ રીતે મારા સ્વજન જેવા આ પુસ્તકોની મેં સંભાળ રાખી છે. એનાં પુઠ્ઠાં બદલું છું. જીવાત ન થાય તેથી દવા વેરું છું. કેટલીયે વાર વાંચ્યાં છે. છતાંય વારંવાર વાંચતા ધરાતી નથી. મેં પન્સીલથી કેવી કેવી નોંધ કરી છે! વિવેક, આ પુસ્તકો પણ મારા માનસ સંતાનો છે. મારા ઘડતરનાં માતાપિતા છે.

‘પણ આ ત્રણસો-ચારસો, કદાચ એથીય વધારે થોથાં છે. કેટલી બધી જગ્યા, ને કેટલા કબાટો રોકે છે?… અને બા, આ બધા અપ્રાયપ્ય ગ્રંથ હોય તો વેચી મારતાં સારી કિંમત આવશે. બા! પંદર દિવસનો સમય આપું છું ત્યાં સુધીમાં આ કબાટો ખાલી નથી થયા ને તો હું થોથાંઓને ઊંચકાવી જરીપુરાણવાળાને આપી દઈશ અને જો એ પણ ના પાડશે તો એના પર દીવાસળી મૂકીશ. હવે મારાથી આ બધો કચરો જોયો નથી જાતો. આ તો ઘર છે કે કચરાપેટી?’

અલ્ટિમેટમ આપીને વિવેક ગુસ્સામાં ચાલ્યો ગયો. દાદીમાના લાડકા મૌલિકે દાદીમાની આંખોમાં ઝળઝળિયાં જોયા. આંખનું રતન કરી જેને દાદીમાએ ઉછેર્યો હતો તે મૌલિક પણ દાદીમાના ઝળઝળિયાં દીઠા ન દીઠા કરતો ચાલતો થયો.

દાદીમાએ આંસુના પડદાની આરપાર દીવાલ પર લટકતી છબી પર નજર નાંખી. પતિ દીનાનાથ જોડે સજોડે પડાવેલી એ છબી હતી. ગઈ સદીના પતિ-પત્ની હતા. સંવનન કરી પરણ્યા ન હતાં. છતાં બંને હૃદયો વચ્ચે પ્રણયનો એવો સેતુ બંધાયો હતો કે આત્માની પૂર્ણતા પ્રગટાવવા જ જાણે બંનેએ જન્મ લીધો હતો. એવું તાદૃશ્ય થતું હતું. બંનેને પુસ્તકો, વાંચન, મનન, ચર્ચા ખૂબ જ પ્રિય હતા. દીનાનાથે અંતિમ ઘડીએ પત્નીને કહ્યું હતું.

‘ચંદન, તારા નામની જેમ તું તારી વિદ્યાની સુવાસ હંમેશા ફેલાવતી રહેજે. આ ગ્રંથો આપણા પહેલા સંતાન છે એમને જાળવજે.’

દસદસ વર્ષના વૈધવ્ય જીવને એકાકી બનેલી ચંદનબાએ એ પુસ્તકોની સહાયથી જીવનને ભર્યું ભર્યું રાખ્યું હતું. એને ક્યારેય એકાકીપણું નહોતું લાગ્યું. ઈશ્ર્વરના આશિષ જેવા એ પુસ્તકોની એનો સદાય સાથ હતો. પતિ સાથે ઘણી વાર પઠન કર્યું હતું. ત્યારની કલાપીના કાવ્યની પંક્તિઓ એમને યાદ આવી.

સ્પર્શો જેને પ્રણય તણખો

આમ તે ઝૂરવાનું.

સર્વાંગે આમ અનલ ભડકે

આમ એ દાઝવાનું

પતિથી નિયતિએ વિખૂટી પાડી અને પોતાનું પેટ, પોતાને પુસ્તકોથી અલગ કરશે? હૈયું હાથ ન રહ્યું અને આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. ત્યાં પડોશના વૈકુંઠભાઈ આવી ચડ્યા.

‘ચંદનબેન, અર્નેસ્ટ હેમિંગ્વેનું ‘આઈ લેન્ડ્સ ઓન ધ સ્ટ્રીપ’ છે ને? શાળાના વિદ્યાર્થીઓને મારે શીખવવું છે. તમારું એ પુસ્તક મને થોડા દિવસ આપશો?

ચંદન બા મોં ફેરવી, કબાટમાંથી પુસ્તક કાઢવા લાગી પણ એમની વ્યગ્ર મનોદશા અને આંખના આંસુ વૈકુંઠભાઈથી છાના ન રહ્યા.

‘ચંદનબેન આમ જુઓ તો, રડો છો?’

માનવીને જ્યારે મર્મ પર ઘા વાગે ત્યારે એ દૃઢ થઈ લાગણીના પૂરને રોકવા મથામણ કરે, તો ક્યારેક એ બમણા વેગથી લાગણીનો ધોધ આંસુરૂપે બહાર આવે છે. જરા સરખી મમતાનો સ્વર સાંભળતા ચંદનબેન ખુરશી પર ફસડાઈ પડ્યા અને પાલવ વડે મુખ ઢાંકી હીબકા ભરવા માંડ્યા.

‘ચંદનબેન, હું તો તમારા નાના ભાઈ જેવો છું મને કહો શી હકીકત છે?’

સહૃદયીથી પાસે હૈયું ઠાલવવાથી ક્યારેક મનનો ભાર હળવો થાય છે.

‘વૈકુંઠભાઈ, મારા રત્નોનો ભંડાર સમા આ પુસ્તકો મારા દીકરાને કચરો લાગે છે એને આ પસ્તીમાં કાઢી નાખવાના થોથાં લાગે છે.’

‘વૈકુંઠભાઈ અવાક બની ગયા. વિવેકના જીવનનો પવન કઈ દિશા તરફ વાતો હતો તે એનાથી છાનું ન હતું.

‘ચંદનબેન, હજુ વિવેક ઠરેલ નથી. અનુભવની એરણ પર હજી એ ટીપાયો નથી.’

‘વૈકુંઠભાઈ એણે મને પંદર દિવસની મુદત આપી છે. નહીં તો એ પુસ્તકો વેચી મારશે.

‘ધીરજ ધરો હું કંઈક રસ્તો શોધું છું.’

અને વૈકુંઠભાઈએ માર્ગ કાઢી આપ્યો. એમના દીકરાની સ્ટેશનરીની બે ગાળાની દુકાન હતી તેમાં એક તરફ એણે આ પુસ્તકો ગોઠવી દેવા સૂચવ્યું.

‘પણ ભાઈ, વિવેક જાણે છે કે આ અલભ્ય પુસ્તકો છે. મારાથી જ કહેવાઈ ગયું છે. તેથી એની વેચાણ કિંમત એ સમજે છે. એટલે જરૂર એ વેચી જ નાખશે.’

‘તમને આ કચરો કાઢી નાખવાનું કહ્યું છે ને! તો બસ, એના જ શબ્દો પકડી લો. એની સાથે સંમત થતા હોય તેમ વર્તી આ પુસ્તકો ઘરમાંથી કાઢી બહાર લાઈબ્રેરીને ભેટ આપવા છે એમ કહો. તમારી મરજીની આડે એ નહીં આવે.’

ચંદનબેનને આ રસ્તો ગમી ગયો.

‘વિવેક, તારી વાત સાચી છે. મને પણ લાગે છે કે આ બંગલામાં હવે આ કચરો શોભતો નથી. હું જે લાઈબ્રેરીમાં મેમ્બર છું ત્યાં જ આ બધા ભેટ આપી દઈશ.’

વિનામૂલ્યે પુસ્તકો જતાં વિવેકનો જીવ તો બળ્યો, પણ પોતાના જ શબ્દોમાં પોતે જ ફસાયો. અને બાને વધુ કાંઈ કહેવાય તેમ ન હતું. ચૂપચાપ બધા જ પુસ્તકો વૈકુંઠભાઈની દુકાનમાં ગોઠવાઈ ગયા. લાયબ્રેરીમાં જરા વધારે રોકાઉં છું એમ કહી ચંદનબા પોતાનાં પુસ્તક સાંનિધ્યમાં બેસતા અને વાંચન કરતા. એક દિવસ કોલેજિયન યુવક અને યુવતી ત્યાં આવી ચડ્યા. સ્ટેશનરીની ખરીદી કરતાં કરતાં પુસ્તકો પર એમની નજર પડી. એમને લાગ્યું કે વેચવા માટેના પુસ્તકો છે. કાચના કબાટો જોતા જોતા, એમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરનું ૧૯૪૧નું ટાગોર મેમોરિયલ સ્પેશિયલ સપ્લીમેન્ટ જોયું.

‘આન્ટી, આ વોલ્યુમની શી કિંમત છે?’

‘આ પુસ્તકો વેચવા માટે નથી ભાઈ.’

‘આન્ટી, આ વોલ્યુમ હમણાં જ રીપ્રિન્ટ થયું છે. પણ એની કિંમત દોઢસો રૂપિયા છે. અમારી લાઈબ્રેરીમાં છે પણ ભાગ્યે જ મળે છે, વેચાતું લેવા જેટલું અમારું ગજુ નથી તમે અમને એ વાંચવા ન આપો?’

‘આન્ટી સરક્યુલેટિંગ લાઈબ્રેરીનો તમારો નિયમ હશે જ અમે ડિપોઝિટ આપીએ. પંદર દિવસ માટે અમને આપો. એ વાંચવાનો ચાર્જ તમે કહેશો તે આપીશું. પ્લીઝ ના ન કહેતા, અમને આ પુસ્તકની બહુ જરૂર છે.

પોતાના દીકરાને આ પુસ્તકોની કિંમત નથી. કદર નથી અને આ વાંચનભૂખ્યા યુવાનો આશાભરી મીટ માંડી રહ્યા છે. એમને નિરાશ કરતાં વિદુષી ચંદનબાનો જીવ ન ચાલ્યો. ડિપોઝિટની રકમ લઈ એ પુસ્તક ચંદનબાએ પેલા યુવક-યુવતીને આપ્યું અને એમનું સરનામું નોંધી લીધું. વાંચન ફી સાધારણ લીધી અને આમ ચંદનબાનાં પુસ્તકોનો ખજાનો સરક્યુલેટિંગ લાઈબ્રેરીમાં ફેરવાઈ ગયો. લક્ષ્મી અને સરસ્વતીને ગોંધી રાખવાથી શો ફાયદો! વૈંકુંઠભાઈએ દુકાનમાં વધુ વ્યવસ્થા કરી.

બીજાં પુસ્તકો પણ વસાવ્યા. રજિસ્ટર રખાયું. મહિને સાતસો આઠસો રૂપિયા ડિપોઝિટના અને વાંચનના ચાર્જની કમાણી થવા લાગી. દુકાનમાં એક માણસને મદદનીશ તરીકે રાખી લીધો. ચંદનબાનું જીવન ફરી મ્હેંકી ઊઠ્યું. વૈકુંઠભાઈની ના છતાં ચંદનબાએ કમાણીમાં એમનો ભાગ રાખ્યો. વિવેકને તો ચંદનબા શું કરે છે એ જાણવાની દરકાર જ ન હતી.

એક વખત એક કોલેજના પ્રોફેસર હરિહરનજી દુકાને આવ્યા. અને ડિપોઝિટના પૈસા આપી ચંદનબા પાસેથી ‘વિચાર સાગર’ નામનો ગ્રંથ લઈ ગયા. ગ્રંથની નોંધ કરતી વેળા જ ચંદનબા સાથેની વાતચીતથી હરિહરનજી પ્રભાવિત થયા, કે આ મહિલા કોઈ વિદુષી છે, ફક્ત પુસ્તકવિક્રેતા કે સંગ્રાહક નથી. ગ્રંથ લઈ ઘરે જઈ એમણે વાંચ્યો. મનન કર્યું, પણ એક પ્રશ્ર્નમાં ગૂંચવાઈ ગયા. પંદરમે દિવસે પુસ્તક પાછું આપવા જતાં એમણે પુસ્તકના એક પાના પર લખાયેલું નામ જુદું નોંધી લીધું. ‘ચંદન દીનાનાથ ત્રિવેદી’ એમને ખાતરી જ હતી કે પુસ્તક આપનાર મહિલા જાતે જ ચંદન હશે.

દુકાનમાં તે દિવસે ચંદનબા ન હતા.. વૈકુંઠભાઈનો દીકરો અને મદદનીશ ભાઈ જ હતા.

‘ચંદનબેન ક્યાં છે?’

‘દાદીમા તો નવરાત્ર ચાલે છે તેથી ઘેર રહે છે. ઘરમાં માતાજીની સ્થાપના છેને!’

ઘરનું સરનામું લઈ પ્રોફેસર હરિહરનજી ચંદનબાને ઘેર પહોંચ્યા. મા આદ્યશક્તિ દુર્ગામાતાની મૂર્તિ સામે શ્ર્વેત વસ્ત્રોમાં પૂજા કરતાં ચંદનબાનું જુદું જ રૂપ એમણે નિહાળ્યું. દાદીમાની બાજુમાં જ ઊભેલા મૌલિકે પ્રોફેસરને જોયા. આ તો પોતાની કોલેજના વિદ્વાન હરિહરનજી અહીં? દાદીમાને મળવા માટે? અહોભાવથી પ્રોફેસરનું મૌલિકે સ્વાગત કર્યું. વિવેક પણ મૌલિકે આપેલા પરિચયથી પ્રભાવિત થયો. ચંદનબાએ આરતી પૂરી થતાં કહ્યું.

‘આપ, અહીં?’

હા, બહેન, તમારું વિચાર સાગર પુસ્તક મેં તમારી દુકાને પહોંચાડ્યું છે. તમે એ કેટલી વાર વાંચ્યું હશે?’

‘ભાઈ માત્ર વાંચવા ખાતર મનુષ્ય વાંચે તો એ વખતનો દુર્વ્યય ગણાય. એના પર મનન, ચિંતન, નિધિવ્યાસન કરે ત્યારે એ વાંચનની સાર્થકતા કહેવાય.’ ચંદનબાએ કહ્યું, ‘મને હવે વિશ્ર્વાસ છે કે હું વિદુષી મહિલાની પાસે જ મારા પ્રશ્ર્નનો ઉકેલ શોધવા આવ્યો છું. એટલે સાચા ઉત્તર માટે શંકા નથી. મારી શંકા છે, ઈશ્ર્વર નિરાકાર છે. સિદ્ધાંત સાગર પ્રમાણે અનુમાન પ્રમાણથી એને પામી શકાય, પરંતુ આજનો જમાનો, આજનું યુવામાનસ, એનું પ્રમાણ માગે છે.’

‘પ્રોફેસર સાહેબ, આપની સાથે વિદ્વત્તાભરી ચર્ચા કરી શકું તેટલી તો આવડત નથી. પરંતુ મારી સમજ પ્રમાણે

એક દ્રષ્ટાંત આપું, ખુલ્લી છત ઉપર એક છલોછલ જવ ભરેલું વાસણ મૂકો. એમાં આકાશનું પ્રતિબિંબ પડશે તો શું આકાશનો આકાર એ પાત્ર જેવો છે? આકાશ તો નિરાકાર છે.’ વાહ! હજી વધુ પ્રકાશ પાડો તો, હું ધન્ય થઈશ!’ પ્રોફેસર બોલ્યા.

‘પ્રોફેસર સાહેબ, મને શરમાવો નહીં ક્યાં આપની વિદ્વતા ને ક્યાં હું! છતાં એક નાનકડો દાખલો આપું. કોઈ પણ રાગ-રાગિણી લો, એ તો નિરાકાર છે, પરંતુ અમુક ચોક્કસ સરગમની બંદીશથી એને ગીતમાં ગવાય તો? એ નિરાકાર રાગ-રાગિણી ભૂપાલી કે જય જયવંતી બની જાય છે. આજ પ્રત્યક્ષ પ્રમાણ છે. શબ્દ અને સૂર બંને કરાવે છે અભિવ્યક્તિ. એનો આહલાદ કરાવે છે અનુભૂતિ એ થઈ રસતૃપ્તિ. એ આહલાદનો સાક્ષાત્કાર એ જ ઈશ્ર્વરના અસ્તિત્વનું પ્રમાણ.

‘ચંદનબેન! સંપૂર્ણ સંતોષ થયો. આપના જેવી ચાણક્ય બુદ્ધિમાન મેઘાવિને મારા વંદન છે. મૌલિક વિવેકજી! તમે બહુભાગી છો કે આવી જ્ઞાનગંગા તમારા ઘરમાં છે. એ અમૃતજલનું પાન થાય તેટલું કરજો, બીજું કાંઈ નહીં તો એમના વાંચેલા પુસ્તકોનું ટિપ્પણ મૌલિક તું વાંચીશ તો પણ બસ છે. વિવેકજી, આપ તો જરૂર ફુરસદ કાઢી એમની પાસેથી વાંચવાલાયક પુસ્તકોની યાદી મેળવી આપનું ક્ષિતિજ વિશાળ કરતા જ હશો. અરે ચંદનબેન પાસે બેસીને એકાદ વિષય પર એમના વિચારો સાંભળીએ તોય આપણું જ્ઞાન જરૂર વધે જ.

વિવેકને માતાની પ્રતિભાનું સાચું જ્ઞાન હવે થયું. પુસ્તકો પાછા ઘરમાં લાવવા કહ્યું.

‘વિવેક, દીકરા એ પુસ્તકાલય તો હવે માનવ-પરીક્ષાનું માધ્યમ બન્યું છે. હરિહરનજી જેવા ગુણીજન પણ આવે છે. અને ત્યાં જ ખરીદી ન કરી શકનાર વિદ્યાવ્યાસંગી યુવકયુવતી પણ આવે છે. તો યેનકેન પ્રકારેણ વખતનો વખતનો વ્યય કરનાર વાચકો પણ આવે છે. તેઓ જાણતા નથી કે વખતની કેટલી કિંમત છે? દીકરા, એક દિવસ ગયો તો શું થયું. એમ કહેનાર જાણતા નથી કે દિવસમાં, મહિનો, છુપાયો છે. મહિનામાં વર્ષ, અને વર્ષોનો સરવાળો એટલે જિંદગી એને વાંચનથી, વાણી વર્તન ને વિચારથી સુધારો એ થઈ જીવનની સાર્થકતા.

સૌજન્ય- સાભાર …રીડ ગુજરાતી

===================================

ગુજરાતી ઈ-પુસ્તકોનો ખજાનો

ગુજરાતી સાહિત્યમાં છાપેલાં પુસ્તકોની સાથે સાથે છેલ્લા ઘણાં વર્ષોથી નેટ જગતમાં ઘણાં ઈ-પુસ્તકો આવી ગયાં છે.

મિત્ર શ્રી સુરેશ જાનીના બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચયની નીચેની લીંક પર ઈ-પુસ્તકોનું આખું પુસ્તકાલય તમને જોવા મળશે.આ પુસ્તકોના ખજાનાનો વિના મુલ્ય લાભ લેશો .

ગુજરાતી પ્રતિભા પરિચય- ઈ-પુસ્તકોની લાયબ્રેરી 

( 929) પૈસા ઓછા હતા, પણ સુખ ખુબ હતુ……. સંકલન -શ્રી પી.કે.દાવડા

( 928 ) ભેટ …. પ્રેરક વાર્તા ….. ડૉ. આઈ. કે. વીજળીવાળા

એ ભણવામાં ખૂબ જ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક નવયુવક,કૉલેજના અંતિમ વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. છોકરો પણ ભણવામાં ખૂબ તેજસ્વી હતો. 

એક દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત દરમિયાન એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ?એના જવાબમાં દીકરાએ જવાબ આપ્યો કે ખૂબ જ સરસ અને કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાઈ નહીં.બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો ખરા ?’

બાપે હા પાડી. એના માટે તો આવી કારની ખરીદી એ રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો. એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી.એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો.મહેનતુ અને હોશિયાર તો એ હતો જ.એ ઉપરાંત એણે સાચા અર્થમાં તનતોડ મહેનત શરૂ કરી દીધી. રોજ કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે ઊભો રહી હોન્ડા-સ્પૉર્ટસ-કારને બે ક્ષણ જોઈ લેતો. થોડા દિવસો પછી જ આ કારના સ્ટિયરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચારમાત્ર એને રોમાંચિત કરી દેતો. એણે આ અંગે પોતાના મિત્રોને પણ વાત કરી રાખી હતી. 

ધારણા પ્રમાણે જ એની પરીક્ષા ખૂબ જ સરસ રહી.યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં જ એણે કૉલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો.પોતાની ભેટની વાત પણ યાદ કરાવી દીધી.પછી એ ઘરે જવા નીકળ્યો. જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ તેમ એના ધબકારા વધવા લાગ્યા.પોતાના આંગણામાં ગોઠવાયેલી સ્પૉર્ટસ કાર કેવી સરસ લાગતી હશે એની કલ્પના કરતો એ ઘરે પહોંચ્યો.કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને આંગણામાં એણે નજર નાખી,પણ પેલી કાર ક્યાંય દેખાઈ નહીં.એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો.કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને એ ઘરમાં દાખલ થયો.નોકરે એને આવીને કહ્યું કે શેઠ સાહેબ એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે.દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો.એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું.એના આવતાં જ એમણે ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો.અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડધિન્ના કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું.પછી સુંદર કાગળમાં વીંટાળેલું એક નાનકડું બૉક્સ એને આપીને કહ્યું ; ‘દીકરા, આમ જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે. આ લે તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ !’ એટલું કહી બૉક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા. 

પિતાના ગયા પછી દીકરાએ બૉક્સ ખોલ્યું.જોયું તો એમાં પાકા પૂઠાંવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું બાઈબલ હતું.બાઈબલ બંને હાથમાં પકડીને એ થોડી વાર એની સામે જોઈ રહ્યો.એને અત્યંત ગુસ્સો આવ્યો.બાઈબલ એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો.ઘરમાં અઢળક પૈસો હોવા છતાં પોતાની એક જ માગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડોહાડ કોરી ખાતી હતી.સ્પોર્ટસ કાર અપાવવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ન ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું.એ પોતે પણ સ્વમાની હતો. એટલે બીજી વખત પિતા પાસે માગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો.ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો.એમાં ટૂકમાં એટલું જ લખ્યું કે, ‘પૂજ્ય પિતાજી, સ્પૉર્ટસ કારને બદલે બાઈબલ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ માનું છું.પણ મારે સ્પૉર્ટસકાર જોઈતી હતી. હું ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું. જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મોં બતાવીશ. એ જ… પ્રણામ.’ 

ચિઠ્ઠી બાઈબલના બૉક્સ પર મૂકી એ ઘરેથી નીકળી ગયો.નોકરોએ એને પાછો વાળવાની અને ક્યાં જઈ રહ્યો છે એ જાણવાની ખૂબ કોશિશ કરી જોઈ, પરંતુ વ્યર્થ ! કોઈને કંઈ પણ કહ્યા વિના એ જતો રહ્યો. 

વરસો વીતી ગયાં.યુવકનાં નસીબ ખૂબ સારાં હતાં.મહેનતુ અને હોશિયાર તો એ હતો જ એટલે એણે જે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અણધારી સફળતા મળી અને એ અતિશ્રીમંત બની ગયો.સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન પણ કરી લીધાં.વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતા યાદ આવી જતા.પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો.માતાના મૃત્યુ પછી પોતે આટલા વરસમાં એક સ્પોર્ટસ-કાર જ માગી અને અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે સુફિયાણી ફિલૉસૉફી ઝાડવા ફકત બાઈબલ જ આપ્યું, એ યાદ આવતાં જ એનું મન કડવાશથી ભરાઈ જતું. 

પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી.હવે તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે.કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ.વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિતીવ્ર ઈચ્છા થઈ આવી. આમેય સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે, ‘અરે ! આવા નાના અને વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થયા હતા ?!’ આવું જ કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું. એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ઘુમાવ્યો. સામા છેડે જ્યારે કોઈએ ફોન ઊંચક્યો ત્યારે તો એના ધબકારા ખૂબ વધી ગયા હતા. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે એણે ‘હેલો !’ કહ્યું. પણ એને નિરાશા સાંપડી. સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો. 

નોકરે કહ્યું કે : ‘શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી રીતે કરી શકાય ?પણ મરતાં સુધી તમને યાદ કરીને રડતા હતા.એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા.એટલે તમે આવી જાવ !’ પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો.પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયું એ વાતની વેદનાએ એના હૈયાને વલોવી નાખ્યું.પણ હવે શું થાય ?પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું. 

ઘરે આવીને સીધો જ એ પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે ઊભા રહેતાં જ એની આંખો વરસી પડી. થોડી વાર આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો.પછી પોતાના રૂમમાં આવ્યો. એની બધી જ વસ્તુઓ બરાબર અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. પિતાજી ચોખ્ખાઈ અને સુઘડતાના ખૂબ જ આગ્રહી હતા,એ બરાબર દેખાઈ આવતું હતું.એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરવાળા બાઈબલ પર પડી, આ એ જ બાઈબલ હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું. એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ ગાયબ થઈ ગઈ હતી. એણે બાઈબલ હાથમાં લઈ ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું હતું:

‘હે ભગવાન ! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે. એણે માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ આપી શકું એવું કરજે.’ 

એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ શબ્દો બાઈબલના શબ્દો જેટલા જ મહાન લાગ્યા.એ શબ્દોને ચૂમવા એણે બાઈબલને હોઠે લગાડ્યું.એ જ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક છુપાયેલ એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું. પેલા યુવાને એ કવર ખોલ્યું. એમાં હોન્ડા સ્પૉર્ટસ-કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શૉ-રૂમનું બિલ હતું.એના પર તારીખ હતી :એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની….! 

કંઈ કેટલીય વાર સુધી એ નીચે બેસી રહ્યો.પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો.ધ્રુસકે ધ્રુસકે.એ પછી કલાકો સુધી સૂનમૂન બની એ પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો.  

ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું ? વડીલો તો ઠીક, ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતાં હોઈશું?કારણ એક જ કે આપણી ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું નથી હોતું. બસ ! એટલું જ!

 – ડૉ. આઈ. કે. વીજળીવાળા

સૌજન્ય :રીડ ગુજરાતી.કોમ

________________________________
આભાર- શ્રી ભીખુભાઈ મિસ્ત્રી –( આ વાર્તા ફોર્વર્ડેડ ઈ-મેલમાં મોકલવા માટે )

 

 

 

 

 

 

( 927 ) બીજા આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ….

Yoga Day -Pic

૨૧મી જુન ૨૦૧૬ નો દિવસ એટલે બીજો આંતર રાષ્ટ્રીય યોગ દિવસ .આ દિવસની ઉજવણી ભારતમાં જ નહી પણ વિશ્વના ઘણા દેશોમાં ઉત્સાહ પૂર્વક થઇ રહી છે.

( 926 ) ફાધર્સ ડે પર પિતા વિષે વાંચવા જેવા લેખો …સંકલિત

murtza patel

કેરો,ઈજીપ્ત નિવાસી મારા મિત્ર મુર્તઝા પટેલે એમના ફેસબુક પેજ ઉપર” પપ્પા ” વિષે લખેલ એક સુંદર ટૂંકો લેખ એમના આભાર સાથે એ નીચે પ્રસ્તુત છે :

“જે તેના લગ્ન પહેલા આખો ‘પ’ હોય, લગ્ન કર્યા બાદ ‘અડધો પ્ ‘ થઇ જાય અને તેના બાળકના જન્મ બાદ ‘પા’ થઇ જાય છે તે પૂજ્ય: ‘પપ્પા’. “

“જેની આગળ ખુદને ખુલ્લા મૂકીને, કન્ફેશન કરી અસલ ઓળખ મેળવી શકીએ એ: ‘ફાધર’. “

“જે પોતાના બાળકનાં ગમા-અણગમાને, દુઃખ-દર્દને, મુશ્કેલીઓને, નાદાનીને,ગુસ્સાને ‘પી’ નાખે છે એ: ‘પિતા’.”

” જે બાપ પોતાના બાળકને જ્યાં સુધી (તેના જેવો) બાપ બનતા ન જોઈ લે ત્યાં સુધી તેની ‘દાદા’ગીરી ચાલુ રાખવાનો પૂરો હક ધરાવે છે.”

– અને એટલે જ એવા સિલસિલાને ‘બાપદાદા’ કહેવાય છે.

“બાપ ક્યારેય ‘ડેડ’ ન હોઈ શકે. એ તો સદાય જીવંત છે. આદમથી જન્મેલાં ‘આદમી’માં કે ‘મનુ’થી પેદા થયેલાં ‘માનવી’માં….”

– | ઈજીપ્તથી બાર વર્ષિય ‘બાબા’…મુર્તઝા પટેલના ‘બાપ દિન’ નિમિત્તે ખાસ પ્રકાશિત થયેલા બાપીકા બોલ. | –

મુર્તઝા પટેલ

અમિતાભે જ્યારે પિતાને કહ્યું:મને પેદા શું કામ કર્યો?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

આજે ફાધર્સ ડે છે. આ દિવસ મધર્સ ડે જેટલો ગાજતો નથી. ઘણા લોકોને આવા ડેઝમાં વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ લાગે છે. હશે, આપણે ઉજવણીના માણસો છીએ. જો હોય સરસ મજાનું બહાનું તો સેલિબ્રેટ કરવામાં લિજ્જત છે

Amitabh - Fathers day

મા મા હોય છે અને બાપ બાપ હોય છે. બંનેની સરખામણી કોઇ જ હિસાબે વાજબી નથી. મા ગમે તે કરે તો પણ બાપનું સ્થાન લઇ શકતી નથી અને બાપ ગમે તેટલા ધમપછાડા કરે તો પણ માની જગ્યા ન લઇ શકે. મા વધુ મહાન કે પિતા વધુ ગ્રેટ? એવી ચર્ચા પણ અસ્થાને છે. બંને પોતપોતાની જગ્યાએ મહાન હોય છે. બાપ થોડોક જુદો હોય છે. ઘણી વખત એ મા જેટલો વ્યક્ત થઇ શકતો નથી. આસાનીથી રડી શકતો નથી. ઘણુંબધું દિલમાં દબાવીને બેઠો હોય છે. ચહેરો વધુ કરડાકીવાળો લાગતો હોય છે. મા કદાચ દિલથી વધુ વિચારતી હોય છે, બાપ દિમાગનો ઉપયોગ વધુ કરતો હોય છે. મા અને બાપમાં જે બેઝિક તફાવત છે એ રહેવાનો જ છે પણ એક વાત ક્યારેય બદલાવાની નથી કે તેને સંતાનોનું એટલું જ પેટમાં બળતું હોય છે જેટલું માને થતું હોય છે.

આ આખો મજાનો લેખ  આ લીંક પર ક્લિક કરીને વાંચશો.

 

પપ્પા @ ૭૫ : મારા ‘પરિવાર’નું એકમાત્ર સ્વજન..!

જય વસાવડા

Father's day- jay vsaavda

આજે જેઠ વદ બારસ. પંચાંગની તિથિ મુજબ મારા પપ્પાને ૭૫ વર્ષ પૂર્ણ થયા. તારીખ મુજબ એક દિવસ પછી ૩૦ જૂન, ગુરુવારે ૭૫ વર્ષનું અમૃતપર્વ પૂરું કરશે. લહેરથી જીવવા જેટલી કમાણી છે, પણ મોટા ઉત્સવો ઉજવવા જેટલું ગજું નથી. એટલે આ અમૃતપર્વની ઉજાણીની શરૂઆત રીડરબિરાદરોના પ્યારા અને પહોળા પરિવાર સાથેના શબ્દોત્સવથી.😀 ‘અહા ! જિંદગી’ ઓક્ટોબર ૨૦૦૮ના દિવાળી અંક માટે દિપક સોલિયાએ પ્રેમાગ્રહથી પપ્પા પર જે લેખ લખાવ્યો, એ ૨૦૦૯માં મૃગેશભાઈએ એટલા જ ઉમળકાથી ‘રીડગુજરાતી’ ઉપર મુકેલો, જેમાં એણે ચિક્કાર હિટ્સ મળી. એ જ લેખ જરાતરા પૂરક માહિતી સાથે મુકું છું. એ છપાયા પછી ફેફસાના ઘસારા ઉપરાંત પપ્પાને આ વર્ષે બ્રેઇન સ્ટ્રોકનો હુમલો આવ્યો, જે સદભાગ્યે રીવર્સ થયો, અને બંને ઘૂટણમાં સંધિવાની તીવ્ર અસર છે. મારે આ વર્ષે એમને લઈને એમને ગમતા દેશો ફેરવવા છે, પણ એમને થોડો વધુ થાક લાગે છે. દાંતનું હવે ચોકઠું પણ બનાવવાનું છે. મારી જંજાળ વધતા એમની સાથે ઓછો સમય વીતાવવાનો ગિલ્ટ મને ય સતાવે છે. હશે, જીન્દગી હર કદમ એક નઈ જંગ હૈ. પણ એ ૭૫ના પડાવ પર ભારે તકલીફો વેઠીને ય પહોંચ્યા છે. ભૂલો ઘણી કરી છે, પણ શાંત સરળ પ્રેમ એનાથી થોડોક વધુ કર્યો છે. 😛 આ જગતમાં મને સૌથી વધુ ચાહતી એ એકમાત્ર હયાત વ્યક્તિ છે. એમને આ જાહેરમાં પ્રણામ કરું છું, વ્હાલ કરું છું.

૭૫ વર્ષના પિતા પર વ્હાલ વરસાવતો શ્રી જય વસાવડા નો આ આખો લેખ વાંચવા નીચેની લીંક પર ક્લિક કરશો.

http:planetjv.wordpress.com/2011/06/

સાભાર -શ્રી જય વસાવડા

( 925 ) પિતૃ દેવો ભવ …. ફાધર્સ ડે …ભાવાંજલિ

આજે ૧૯ મી જુન, રવિવાર એ ફાધર્સ ડે – પિતૃ દિન  છે ત્યારે મારા પુ. પિતાશ્રીને યાદ કરી એમને નમન કરી ભાવાંજલિ અર્પું છું.

દરેકના જીવનમાં પિતાનું કેટલું મહત્વ રહેલું હોય છે એ નીચેનું ચિત્ર સ્પષ્ટ કરે છે.હાથના પંજામાં જેમ અંગુઠા વિના ચાલે નહી એવું જ ઘરમાં એક પિતાનું સ્થાન હોય છે.આ ચિત્ર થોડા શબ્દોમાં ઘણું કહી જાય છે. 

Father's day

મારા પુ. પિતાશ્રી ને હાર્દિક ભાવાંજલિ   

RSP

જીવન ગીત ભલે તમારું બંધ થયું તમારા જતાં,

પણ એ સંગીતના સુરો હજુ હવામાં સંભળાઈ રહ્યા.

શબ્દો બહુ ઓછા પડે ,ગણવા ઉપકારો બધા આપના,

અલ્પ શબ્દો થકી ,અંજલિ આપી રહ્યો આજે પ્રેમથી

મુજ જીવનમાં અગત્યનું અંગ તમે હતા ઓ પિતા,

આ પિતૃ દિને યાદ કરી,વંદુ તમોને હૃદયના ભાવથી

વિનોદ પટેલ

 

 કર્મ યોગી (સત્ય ઘટના પર આધારીત વાર્તા )…. વિનોદ પટેલ

જુન ૨૦૧૫માં ફાધર્સ ડે નિમિત્તે પ્રતિલિપિ દ્વારા એક વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લેખન સ્પર્ધાનો વિષય પિતા સંબંધિત-“માય ડેડી સ્ટ્રોન્ગેષ્ટ” રાખવામાં આવ્યો હતો.

આ લેખન સ્પર્ધામાં મારા પિતાશ્રીના જીવનની સત્ય ઘટના આધારિત વાર્તા મોકલી હતી એને થોડી મઠારી અહી પ્રસ્તુત છે . 

જાણીતા વાર્તા લેખક મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રીએ આ વાર્તા વાંચીને આપેલ પ્રતિભાવ સાભાર પ્રસ્તુત ….

જ્યારે પિતા-પુત્રના જીવનસત્યની વાત વાર્તા બને ત્યારે નયનોમાંથી અશ્રુધાર રૂપે માત્ર આદર અને અહોભાવ જ વહે. ભારત, બર્મા, અને અમેરિકાના વિશાળ ફલક પર વહેતી વાર્તા એ માત્ર એક પટેલ કુટુંબની વાર્તા નથી પણ એક સૈકાના ઈતિહાસની ગાથા પણ છે. પિતાની રોલર કોસ્ટર લાઈફ અને અપંગ પુત્રની હામ; પિતા-પુત્રના જીવન સંઘર્ષની વાસ્તવિક વાત, કાલ્પનિક વાર્તા કરતાં પણ વધુ સવેદનશીલ અને હૃદયસ્પર્શી બની છે. વહેતાં અશ્રુબિંદુ અંતમાં શબ્દ બની પુત્ર્ના કવિહૃદયમાંથી કાવ્ય રૂપે સરતાં થાય છે. વિનોદભાઈ અભિનંદન અને ધન્યવાદ. ઉત્તમ કૃતિ.

પ્રવીણ શાસ્ત્રી.

( એક કર્તવ્યનિષ્ઠ અને કાર્યનિષ્ઠ પિતાની સંઘર્ષ કથા)

કર્મયોગી ….. વાર્તા….. વિનોદ પટેલ

શ્રી પ્રવીણ શાસ્ત્રી લિખિત એક પિતાની આવી જ સત્ય કથા એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.આ વાર્તામાં પણ તેઓએ એમના પુ. પિતાશ્રીની સુંદર ભાવાંજલિ અર્પી છે. 

ફાધર્સ ડે …. વાર્તા…. પ્રવીણ શાસ્ત્રી 

 

જીવનમાં પિતાની મહત્તા દર્શાવતો મને ખુબ ગમતો એક

સુંદર યુ-ટ્યુબ વિડીયો .

આ વિડીયોમાં ગાયક Paul Enka પિતાને યાદ કરીને એના કર્ણ મધુર સ્વરે એના સ્વર્ગસ્થ પિતાને એક હૃદય સ્પર્શી શ્રધાંજલિ આપે છે.આ અંગ્રેજી ગીત સાંભળશો ત્યારે વાચકને લાગશે કે Paul Enka પોતાના પિતાના જીવનની જ જાણે વાત કરતો ન હોય !

MY PAPA – Paul Enka

 

HAPPY FATHER'S DAY