વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 918 ) મેં તો કહ્યું હતું પણ તું ન માન્યો!….ચિંતનની પળે – શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

મેં તો કહ્યું હતું પણ તું ન માન્યો!

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ 
 
વો સૂફી કૌલ હોય યા પંડિત કા જ્ઞાન,
જિતની બીતે આપ પર ઉતના હી સચ માન.
–નિદા ફાઝલી

એક માણસ ફિલોસોફર પાસે ગયો. તેણે પૂછયું કે, તમારે મને કોઈ સલાહ આપવી હોય તો કઇ સલાહ આપો? ફિલોસોફરે હસીને કહ્યું કે, કોઈને સલાહ ન આપવી!

બીજો એક માણસ એક સંત પાસે ગયો. તેણે સંતને પૂછયું કે, લોકો એવું શા માટે કહે છે કે વડીલોની સલાહ માનવી જોઈએ. તમે શું કહો છો, વડીલોની સલાહ માનવી જોઈએ? સંતે કહ્યું કે, બિલકુલ માનવી જોઈએ, કારણ કે વડીલોએ ઘણી ભૂલો કરી હોય છે. તેની પાસે ભૂલોનો વધુ અનુભવ હોય છે.

સલાહ બહુ અટપટો સબજેક્ટ છે. ઘણા લોકોને સલાહ આપવાનો શોખ હોય છે. તમે પૂછો કે ન પૂછો એ સલાહ આપવા માંડે છે. સલાહ આપવાને એ પોતાની ફરજ સમજે છે. માત્ર ફરજ જ નહીં, અધિકાર પણ સમજે છે. પાછા એમ પણ કહે કે માનવું – ન માનવું તારી મરજી, આ તો મને એમ લાગ્યું કે મારે તને કહેવું જોઈએ એટલે હું તને કહું છું. હું તો તારું ભલું ઇચ્છું છું એટલે તને સમજાવું છું.

સલાહ વિશે સૌથી મોટી વાત એ છે કે જ્યાં સુધી કોઈ સલાહ ન માગે  ત્યાં સુધી સલાહ ન આપવી. કોઈ સલાહ માગે અને આપણું એમાં ધ્યાન ન પડતું હોય તો બહુ પ્રેમથી કહી દેવાનું કે ભાઈ મને આ વિષયમાં કંઈ ખબર નથી પડતી, બહેતર એ છે કે તું કોઈ એવી વ્યક્તિને પૂછ જેને આ વિષયમાં ખબર પડે છે. મોટા ભાગે માણસ પાસે કોઈ સલાહ માગે કે એ તરત જ પોતાને સૂઝે એ સલાહ આપી દે છે.

જિંદગીમાં ઘણી વખત એવો સમય આવે છે જ્યારે માણસને સમજાતું નથી કે શું કરવું? આવા સમયે માણસ જેને સમજુ, ડાહ્યો,હિતેચ્છુ અને સ્વજન માનતો હોય એની સલાહ લે છે. ઘણીવખત માણસ સલાહ માગીને જ મૂંઝાઈ જાય છે, એટલી બધી સલાહ માગે છે કે પછી પોતે જ કંઈ નિર્ણય કરી શકતો નથી.

સલાહ વિશે એક સરસ અભ્યાસ થયો છે. આ અંગે એવું કહેવાયું છે કે અંતે માણસ એ જ સલાહ માનતો હોય છે, જે એ ઇચ્છતો હોય છે. માણસ એટલા માટે પૂછતો હોય છે, કારણ કે તે પોતે જે વિચારતો હોય છે એનું એન્ડોર્સમેન્ટ એટલે કે સમર્થન જોઈતું હોય છે. હું જે વિચારું છું એ સાચું છે એવો અભિપ્રાય એને જોઈતો હોય અને એ મળી જાય ત્યારે એ માની લેતો હોય છે.

એક ભાઈએ તેના સ્વજન પાસે એક મુદ્દે સલાહ માગી. એ સ્વજને સલાહ આપી. એ સલાહ યોગ્ય ન લાગી એટલે એ ભાઈએ સલાહ ન માની. સમય વીત્યો. પેલા ભાઈને થયું કે, મેં સ્વજનની સલાહ માની હોત તો સારું થાત. એ ભાઈ સ્વજન પાસે ગયા અને કહ્યું કે તમે મને સાચી સલાહ આપી હતી, હું ન માન્યો. પેલા સ્વજને કહ્યું કે, સલાહ ન માની તો ભોગવો. તમારા જેવા લોકો કોઈનું માનતા જ નથી. પછડાટ ખાય ત્યારે જ સમજે છે. આવી વાત સાંભળીને પેલા ભાઈને થયું કે મેં વળી ક્યાં ડાહ્યા થઈને આને સાચું કહ્યું, એક તો હાલત ખરાબ છે અને ઉપરથી ટોણા મારે છે.

સલાહ કોઈ માગે તો આપવામાં કંઈ ખોટું નથી પણ સલાહ આપનારે ક્યારેય સલાહ માગનારો એની સલાહ માને જ એવો આગ્રહ ન રાખવો જોઇએ. આપણે ઘણી વાર એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે આપણે કહીએ એ સલાહ લોકોએ માનવી જ જોઈએ. ન માને તો ઘણા લોકોને ખોટું પણ લાગી જાય છે. સાચો સ્વજન એ છે જે સલાહ આપે છે, જો સલાહ ન માને તો માઠું લગાડતો નથી અને કોઈ સલાહ ન માનવાની ભૂલ સ્વીકારે તો પણ એની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તે.

માણસની જેમ ઉંમર વધે તેમ એ પોતાને સલાહ આપવા માટે લાયક સમજવા લાગે છે. ઉંમરને અને સમજણને કંઇ લાગતું વળગતું નથી. ઘણી વખત નાની ઉંમરની વ્યક્તિની વાત પણ સાચી હોય છે. જો કે બહુ ઓછી વ્યક્તિઓ એવી હોય છે જે નાની ઉંમરની વ્યક્તિની સલાહ માંગે, માને અથવા તેનો આદર કરે. નાની ઉંમરના માણસ પાસે સલાહ માંગવા મોટું મન જોઇએ. કેટલા પિતા એવા હોય છે જે પોતાના પુત્રની સલાહ માગે છે? જા જા, તને શું ખબર પડે! નીકળી પડયો છે સલાહ આપવા! આખી દુનિયા સલાહ માગતી હોય છે પણ ઘરના લોકો જ વાત માનતા હોતા નથી.

સલાહ વિશે એક બીજી મહત્ત્વની વાત એ પણ છે કે, સલાહ આપનારને ક્યારેક દોષ ન દો. એક ભાઈએ એક મુદ્દે તેના મિત્રની સલાહ માંગી. મિત્રએ તેની સમજ મુજબ સલાહ આપી. એ સલાહ ખોટી પડી. મિત્રએ ઝઘડો કર્યો. તમારા પાપે જ બધું થયું. તારી સલાહ માની એટલે જ મારે ભોગવવાનું આવ્યું. મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી કે તારા જેવાની સલાહ માંગી. સલાહ આપનારે શુભ ઉદ્દેશથી જ સલાહ આપી હોય છે પણ દરેક વખતે કોઈની સલાહ સાચી પડે એ જરૂરી નથી. આપણી નિષ્ફળતાનો દોષ કોઈના માથે ઢોળવો ન જોઈએ.

સલાહ વિશે એક મજાની જોક છે. એક દીકરાએ એના બાપને પૂછયું કે મારે રાજકારણી થવું છે, શું કરવું જોઈએ? બાપે કહ્યું કે તું પહેલા માળે જા અને અગાશી પરથી કૂદકો માર. દીકરાને થયું કે પિતાજી કંઈ ખોટું થોડું કહે.એ ઉપર ગયો અને ઠેક્ડો માર્યો. દીકરાનો પગ ભાંગી ગયો. પિતાએ કહ્યું કે, તારે રાજકારણી થવું છે ને?તો પહેલી વાત એ કે સગા બાપની વાત પણ ન માનવી! ટાંટિયો ભાંગ્યો ને! તને સમજ નથી પડતી કે ઉપરથી પડીએ તો પગ ભાંગે! આડકતરી રીતે આ રમૂજી કિસ્સા પરથી એ જ સમજવાનું છે કે કોઈની સલાહ આંખો મીંચીને માની લેવી ન જોઈએ. પોતાની બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ.

દરેક વખતે સલાહ માંગવાનું પણ વાજબી નથી. હા,ઘણી વખત આપણું ધ્યાન પડતું નથી. આવા સમયે માણસે પોતાના દિલની વાત સાંભળવી જોઈએ. દરેક માણસ પોતાનું સારું-નરસું વિચારતો જ હોય છે.ક્યારેક કંઈ મૂંઝવણ થાય તો થિંક ઓફ વર્સ્ટ. વધુમાં વધુ શું થઈ શકે એમ છે? સાહસ કરવાવાળાઓએ બહુ ઓછી સલાહો માંગી છે. તમારો નિર્ણય તમારાથી સારો કોઈ જ ન લઈ શકે. તમે જ તમારા સલાહકાર બનો. તમારી પરિસ્થિતિ, તમારા સંજોગો અને તમારી માનસિક્તા તમે જ સારી રીતે સમજી શકો. જિંદગીમાં દરેક નિર્ણય સાચા પડતાં નથી. કોઈ નિર્ણય ખોટો પડે તો પણ અફસોસ ન કરો.

અને હા, કોઈ સલાહ માંગે ત્યારે માત્ર સલાહ ન આપો, સાથ આપો. કારણ કે સલાહ ખોટી પડી શકે છે, સાથ નહીં!

છેલ્લો સીન

મુશ્કેલીમાંથી ઉગરવાનો સર્વોત્તમ માર્ગ એમાંથી પસાર થવું એ છે.

kkantu@gmail.com

સૌજન્યhttp://www.chintannipale.com/2011/12/blog-post_18-5/

4 responses to “( 918 ) મેં તો કહ્યું હતું પણ તું ન માન્યો!….ચિંતનની પળે – શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

 1. MERA TUFAN June 1, 2016 at 2:08 PM

  liked

 2. મનસુખલાલ ગાંધી June 1, 2016 at 11:54 AM

  સલાહ અંગે સરસ સલાહ …………..

 3. pragnaju June 1, 2016 at 10:13 AM

  મુશ્કેલીમાંથી ઉગરવાનો સર્વોત્તમ માર્ગ એમાંથી પસાર થવું એ છે.
  સાચી વાત

 4. pravinshastri June 1, 2016 at 10:01 AM

  ઘરડાઓનો એક મહારોગ તે સલાહ આપવી કે સલાહ અંગે સલાહકાર બનવું.વડીલ વિનોદભાઈ, મને તો ખાનગી રાહે આપની ઉમ્મર ખબર છે. કૃષ્ણકાંતજી કેટલી વયના વયસ્ક છે? એમણે સલાહ અંગે સરસ સલાહ આપી છે. આ જરા ચેપી રોગ ખરો. જૂઓને વિનોદ વિહારને પણ અડી ગયો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: