વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જૂન 6, 2016

( 921 ) બે અપંગ ઢીંગલીઓ ! — એક વાઈરલ વિડીયો

Emma -Doll -Familyહ્યુસ્ટન , ટેક્સાસ રહેતાં ફ્લેચર દંપતીને બે દીકરીઓ છે.મોટી 10 વર્ષની દીકરી એમા(Emma)નો જમણો પગ જન્મથી જ ખામી યુક્ત હોઈ એ નવ મહિનાની હતી ત્યારે એનો પગ કપાવી નાખવો પડ્યો હતો. ત્યારબાદ એના પગે બનાવટી પગ ( પ્રોસ્થેટીક લેગ ) લગાડવામાં આવ્યો હતો.થોડા મહિનાઓની પ્રેકટીશ પછી એ બરાબર ચાલતી થઇ શકી હતી.એની માતાના કહેવા પ્રમાણે એમા સકારાત્મક અભિગમ ધરાવે છે અને સ્કુલની ચીયર લીડર ટીમમાં રહી રમી શકે છે.

દરેક માતા પિતાને એના વિકલાંગ સંતાન પ્રત્યે વધુ લગાવ હોય છે. ફ્લેચર દંપતીને અપંગ એમા ખુબ વ્હાલી છે.એમા જેવી જ ઢીંગલીની સાથે એમાની રમવાની ઇચ્છા જાણીને તેઓએ ન્યુયોર્ક માં આવેલી પ્રોસ્થેટીક પગ બનાવતી કંપની A Step Ahead Prosthetics ને એક ઢીંગલી પાર્સલથી મોકલી આપે છે અને ઢીંગલીના જમણા પગે એમાના પગ જેવો જ બનાવટી પગ લગાડી આપવા માટે વિનંતી કરે છે.

આ કંપનીનો ફક્ત માણસના બનાવટી પગ બનાવવાનો ધંધો છે, કોઈ ઢીંગલીના પગ બનાવવાનો નહિ.એમ છતાં માતા પિતાની દીકરી માટેની લાગણીની કદર કરી એના જેવો પગ બનાવી આપવાનું સ્વીકારે છે.ઢીંગલીને જમણા પગે બનાવટી પગ લગાડીને આ કંપની એક બોક્ષમાં પેક કરીને એમાને સંબોધીને લખેલ એક પત્ર સાથે ભેટ તરીકે પોસ્ટથી મોકલી આપે છે.

કંપની તરફથી મળેલ આ ગીફ્ટ બોક્ષ એમાને એની નાની બેન આપે છે અને એ ખોલીને એમાં મુકેલો કાગળ વાંચવા માટે કહે છે.એમા એ બોક્સ જ્યારે ખોલે છે અને એમાં એને ગમતા પિંક કલરનો એના જેવા જ બનાવટી પગ સાથેની ઢીંગલી જુએ છે ત્યારે એને છાતી સરસી ચાંપીને આંખમાં આનંદના અતિરેકથી ધસી આવેલ આંસુઓ સાથે બોલી ઉઠે છે “આ ને તો મારા જવો જ પગ છે.!”

Emma-3

આ અનોખી ભેટ જોઈ એમાની પ્રતિક્રિયાનું હૃદય સ્પર્શી દ્રશ્ય જ્યારે તમે નીચેના વિડીયોમાં જોશો ત્યારે તમારી આંખ પણ સંવેદનાથી ભીની બની જશે.

બનાવટી પગ જોડેલી ઢીંગલી બનાવનાર કમ્પનીએ એના કાગળમાં લખ્યું હતું :”ડીયર એમા,આ ઢીંગલીને પ્રોસ્થેટીક પગ સાથે થોડાં અઠવાડિયાં ચાલવાની પ્રેક્ટીસ કરાવી છે અને જ્યારે એ તારી જેમ સાજા માણસની જેમ ચાલવા માટે તૈયાર થઇ ગઈ છે એટલે તને મોકલી આપીએ છીએ.તારી જેમ એને પણ કોઈ શારીરિક મર્યાદાઓ અસર કરતી નથી !”

આંખમાં આંસુઓ સાથે એમા આ કંપનીનો આભાર માનતાં કહે છે.” મારા જેવા જ પગ વાળી ઢીંગલી બનાવીને મને મોકલવા માટે આપનો ખુબ ખુબ આભાર.”

એમાની માતા શ્રીમતી કર્ટની ફ્લેચર બેનેટ(Courtney Fletcher Bennett )એ આ પ્રસંગને આવરી લેતો બે મીનીટનો વિડીયો  ફેસ બુક પેજ પર મુક્યો છે જે આજકાલ સમાચાર માધ્યમોમાં ખુબ વાઈરલ થઇ ગયો છે.ફેસ બુક પર વિડીયો મૂક્યાના ટૂંક સમયમાં જ ૬ મીલીયન લોકોએ એ જોયો હતો અને ૮૦૦૦૦ કરતાં વધુ લોકોએ એને શેર કર્યો છે.

યુ-ટ્યુબ પરથી જો કે આ વિડીયો ઉઠાવી લેવામાં આવ્યો છે પણ abcnews ની આ લીંક પર ક્લિક કરીને એને જોઈ શકાશે.

Houston Girl Over joyed at “Twin” Doll With Matching Prosthetic Leg