વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જૂન 27, 2016

( 930 ) જ્ઞાનગંગા ……… ટૂંકી વાર્તા ……. વનલતા મહેતા

VRP-with books and mandirઆ વાર્તામાં એક વાચન પ્રિય દાદીમા ચંદનબેનની પુસ્તકો પ્રત્યેની પ્રીતિને લેખિકા વનલતા મહેતાએ સુંદર શબ્દોમાં રજુ કરી છે.આજની નવી પેઢીમાં પુસ્તક વાચનનો શોખ ઘટતો જાય છે.

દાદીમા ચંદનબેનએ બાળકોની જેમ સાચવેલાં પુસ્તકોને દાદીમાનો પુત્ર અને પૌત્ર બિન જરૂરી પસ્તી(ગાર્બેજ) માને છે અને દાદીમાને એમનાં પુસ્તકોને ઘરમાંથી કાઢી નાખવા કહે છે. દાદીમાની ઘવાએલી લાગણીની તેઓને પરવા નથી.

વૃદ્ધ જનો માટે પાછલી અવસ્થામાં પુસ્તકો એમની એકલતાને અને અંગત સમસ્યાઓને ભૂલવા માટે બહુ જ જરૂરી હોય છે એ નવી પેઢી ભૂલી જાય છે. છેવટે દાદીમા એમનાં પુસ્તકોને કેવી રીતે સાચવે છે અને પુત્ર અને પૌત્રને જ્ઞાન ગંગા સમાં પુસ્તકોની મહત્તાની કેવી રીતે પ્રતીતિ કરાવે છે એ જાણવા આ વાર્તા તમારે વાંચવી જ રહી.

વિનોદ પટેલ

જ્ઞાનગંગા ….ટૂંકી વાર્તા …. વનલતા મહેતા

Gnan Ganga

‘મૌલિક!’

‘ઘાંટો કેમ પાડી ઊઠ્યા દાદીમા?’

‘મારા બધાં પુસ્તકો શા માટે કાઢીને ઢગલો કરે છે!’

‘દાદીમા, પપ્પાએ કહ્યું છે કે આ બધો કચરો પસ્તીમાં કાઢી નાખવો છે?’

‘પસ્તીમાં! આ કચરો! આ પુસ્તકો કાઢી નાખવાં છે?’

હૈયા પર ઉકળતું તેલ રેડાયું હોય એવી રીતે આક્રોશ કરતાં દાદીમા બોલ્યા.

આ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યનું અણુભાષ્ય, આ પ્રેમાનંદના આ આખ્યાનો, આ વ્હીલ ડ્યુરાનું, સ્ટોરી ઓફ ફિલોસોફી’… ના, ના, આ બધા અપ્રાપ્ય ગ્રંથો છે. મૌલિક, તારા પપ્પાને આ ખજાનો પસ્તી લાગે છે?’

‘હાસ્તો, જુઓને, પૂંઠાં ખવાઈ ગયા છે.’ એમ બોલતો દાદીમાનો દીકરો વિવેક દાખલ થયો.

‘અઢારમી સદીના કાગળો છે. પાના ફેરવતા જ ચૂરો હાથમાં આવે છે. બા એમાં ઊધઈ લાગીને મકાનના લાકડાંને લાગશે અને આખો બંગલો જમીનદોસ્ત થઈ જશે.’

‘ઊધઈ કેમ લાગે વિવેક? તને પેટના દીકરાને આંખના પાથરણાં કરીને ઉછેર્યો, તે જ રીતે મારા સ્વજન જેવા આ પુસ્તકોની મેં સંભાળ રાખી છે. એનાં પુઠ્ઠાં બદલું છું. જીવાત ન થાય તેથી દવા વેરું છું. કેટલીયે વાર વાંચ્યાં છે. છતાંય વારંવાર વાંચતા ધરાતી નથી. મેં પન્સીલથી કેવી કેવી નોંધ કરી છે! વિવેક, આ પુસ્તકો પણ મારા માનસ સંતાનો છે. મારા ઘડતરનાં માતાપિતા છે.

‘પણ આ ત્રણસો-ચારસો, કદાચ એથીય વધારે થોથાં છે. કેટલી બધી જગ્યા, ને કેટલા કબાટો રોકે છે?… અને બા, આ બધા અપ્રાયપ્ય ગ્રંથ હોય તો વેચી મારતાં સારી કિંમત આવશે. બા! પંદર દિવસનો સમય આપું છું ત્યાં સુધીમાં આ કબાટો ખાલી નથી થયા ને તો હું થોથાંઓને ઊંચકાવી જરીપુરાણવાળાને આપી દઈશ અને જો એ પણ ના પાડશે તો એના પર દીવાસળી મૂકીશ. હવે મારાથી આ બધો કચરો જોયો નથી જાતો. આ તો ઘર છે કે કચરાપેટી?’

અલ્ટિમેટમ આપીને વિવેક ગુસ્સામાં ચાલ્યો ગયો. દાદીમાના લાડકા મૌલિકે દાદીમાની આંખોમાં ઝળઝળિયાં જોયા. આંખનું રતન કરી જેને દાદીમાએ ઉછેર્યો હતો તે મૌલિક પણ દાદીમાના ઝળઝળિયાં દીઠા ન દીઠા કરતો ચાલતો થયો.

દાદીમાએ આંસુના પડદાની આરપાર દીવાલ પર લટકતી છબી પર નજર નાંખી. પતિ દીનાનાથ જોડે સજોડે પડાવેલી એ છબી હતી. ગઈ સદીના પતિ-પત્ની હતા. સંવનન કરી પરણ્યા ન હતાં. છતાં બંને હૃદયો વચ્ચે પ્રણયનો એવો સેતુ બંધાયો હતો કે આત્માની પૂર્ણતા પ્રગટાવવા જ જાણે બંનેએ જન્મ લીધો હતો. એવું તાદૃશ્ય થતું હતું. બંનેને પુસ્તકો, વાંચન, મનન, ચર્ચા ખૂબ જ પ્રિય હતા. દીનાનાથે અંતિમ ઘડીએ પત્નીને કહ્યું હતું.

‘ચંદન, તારા નામની જેમ તું તારી વિદ્યાની સુવાસ હંમેશા ફેલાવતી રહેજે. આ ગ્રંથો આપણા પહેલા સંતાન છે એમને જાળવજે.’

દસદસ વર્ષના વૈધવ્ય જીવને એકાકી બનેલી ચંદનબાએ એ પુસ્તકોની સહાયથી જીવનને ભર્યું ભર્યું રાખ્યું હતું. એને ક્યારેય એકાકીપણું નહોતું લાગ્યું. ઈશ્ર્વરના આશિષ જેવા એ પુસ્તકોની એનો સદાય સાથ હતો. પતિ સાથે ઘણી વાર પઠન કર્યું હતું. ત્યારની કલાપીના કાવ્યની પંક્તિઓ એમને યાદ આવી.

સ્પર્શો જેને પ્રણય તણખો

આમ તે ઝૂરવાનું.

સર્વાંગે આમ અનલ ભડકે

આમ એ દાઝવાનું

પતિથી નિયતિએ વિખૂટી પાડી અને પોતાનું પેટ, પોતાને પુસ્તકોથી અલગ કરશે? હૈયું હાથ ન રહ્યું અને આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. ત્યાં પડોશના વૈકુંઠભાઈ આવી ચડ્યા.

‘ચંદનબેન, અર્નેસ્ટ હેમિંગ્વેનું ‘આઈ લેન્ડ્સ ઓન ધ સ્ટ્રીપ’ છે ને? શાળાના વિદ્યાર્થીઓને મારે શીખવવું છે. તમારું એ પુસ્તક મને થોડા દિવસ આપશો?

ચંદન બા મોં ફેરવી, કબાટમાંથી પુસ્તક કાઢવા લાગી પણ એમની વ્યગ્ર મનોદશા અને આંખના આંસુ વૈકુંઠભાઈથી છાના ન રહ્યા.

‘ચંદનબેન આમ જુઓ તો, રડો છો?’

માનવીને જ્યારે મર્મ પર ઘા વાગે ત્યારે એ દૃઢ થઈ લાગણીના પૂરને રોકવા મથામણ કરે, તો ક્યારેક એ બમણા વેગથી લાગણીનો ધોધ આંસુરૂપે બહાર આવે છે. જરા સરખી મમતાનો સ્વર સાંભળતા ચંદનબેન ખુરશી પર ફસડાઈ પડ્યા અને પાલવ વડે મુખ ઢાંકી હીબકા ભરવા માંડ્યા.

‘ચંદનબેન, હું તો તમારા નાના ભાઈ જેવો છું મને કહો શી હકીકત છે?’

સહૃદયીથી પાસે હૈયું ઠાલવવાથી ક્યારેક મનનો ભાર હળવો થાય છે.

‘વૈકુંઠભાઈ, મારા રત્નોનો ભંડાર સમા આ પુસ્તકો મારા દીકરાને કચરો લાગે છે એને આ પસ્તીમાં કાઢી નાખવાના થોથાં લાગે છે.’

‘વૈકુંઠભાઈ અવાક બની ગયા. વિવેકના જીવનનો પવન કઈ દિશા તરફ વાતો હતો તે એનાથી છાનું ન હતું.

‘ચંદનબેન, હજુ વિવેક ઠરેલ નથી. અનુભવની એરણ પર હજી એ ટીપાયો નથી.’

‘વૈકુંઠભાઈ એણે મને પંદર દિવસની મુદત આપી છે. નહીં તો એ પુસ્તકો વેચી મારશે.

‘ધીરજ ધરો હું કંઈક રસ્તો શોધું છું.’

અને વૈકુંઠભાઈએ માર્ગ કાઢી આપ્યો. એમના દીકરાની સ્ટેશનરીની બે ગાળાની દુકાન હતી તેમાં એક તરફ એણે આ પુસ્તકો ગોઠવી દેવા સૂચવ્યું.

‘પણ ભાઈ, વિવેક જાણે છે કે આ અલભ્ય પુસ્તકો છે. મારાથી જ કહેવાઈ ગયું છે. તેથી એની વેચાણ કિંમત એ સમજે છે. એટલે જરૂર એ વેચી જ નાખશે.’

‘તમને આ કચરો કાઢી નાખવાનું કહ્યું છે ને! તો બસ, એના જ શબ્દો પકડી લો. એની સાથે સંમત થતા હોય તેમ વર્તી આ પુસ્તકો ઘરમાંથી કાઢી બહાર લાઈબ્રેરીને ભેટ આપવા છે એમ કહો. તમારી મરજીની આડે એ નહીં આવે.’

ચંદનબેનને આ રસ્તો ગમી ગયો.

‘વિવેક, તારી વાત સાચી છે. મને પણ લાગે છે કે આ બંગલામાં હવે આ કચરો શોભતો નથી. હું જે લાઈબ્રેરીમાં મેમ્બર છું ત્યાં જ આ બધા ભેટ આપી દઈશ.’

વિનામૂલ્યે પુસ્તકો જતાં વિવેકનો જીવ તો બળ્યો, પણ પોતાના જ શબ્દોમાં પોતે જ ફસાયો. અને બાને વધુ કાંઈ કહેવાય તેમ ન હતું. ચૂપચાપ બધા જ પુસ્તકો વૈકુંઠભાઈની દુકાનમાં ગોઠવાઈ ગયા. લાયબ્રેરીમાં જરા વધારે રોકાઉં છું એમ કહી ચંદનબા પોતાનાં પુસ્તક સાંનિધ્યમાં બેસતા અને વાંચન કરતા. એક દિવસ કોલેજિયન યુવક અને યુવતી ત્યાં આવી ચડ્યા. સ્ટેશનરીની ખરીદી કરતાં કરતાં પુસ્તકો પર એમની નજર પડી. એમને લાગ્યું કે વેચવા માટેના પુસ્તકો છે. કાચના કબાટો જોતા જોતા, એમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરનું ૧૯૪૧નું ટાગોર મેમોરિયલ સ્પેશિયલ સપ્લીમેન્ટ જોયું.

‘આન્ટી, આ વોલ્યુમની શી કિંમત છે?’

‘આ પુસ્તકો વેચવા માટે નથી ભાઈ.’

‘આન્ટી, આ વોલ્યુમ હમણાં જ રીપ્રિન્ટ થયું છે. પણ એની કિંમત દોઢસો રૂપિયા છે. અમારી લાઈબ્રેરીમાં છે પણ ભાગ્યે જ મળે છે, વેચાતું લેવા જેટલું અમારું ગજુ નથી તમે અમને એ વાંચવા ન આપો?’

‘આન્ટી સરક્યુલેટિંગ લાઈબ્રેરીનો તમારો નિયમ હશે જ અમે ડિપોઝિટ આપીએ. પંદર દિવસ માટે અમને આપો. એ વાંચવાનો ચાર્જ તમે કહેશો તે આપીશું. પ્લીઝ ના ન કહેતા, અમને આ પુસ્તકની બહુ જરૂર છે.

પોતાના દીકરાને આ પુસ્તકોની કિંમત નથી. કદર નથી અને આ વાંચનભૂખ્યા યુવાનો આશાભરી મીટ માંડી રહ્યા છે. એમને નિરાશ કરતાં વિદુષી ચંદનબાનો જીવ ન ચાલ્યો. ડિપોઝિટની રકમ લઈ એ પુસ્તક ચંદનબાએ પેલા યુવક-યુવતીને આપ્યું અને એમનું સરનામું નોંધી લીધું. વાંચન ફી સાધારણ લીધી અને આમ ચંદનબાનાં પુસ્તકોનો ખજાનો સરક્યુલેટિંગ લાઈબ્રેરીમાં ફેરવાઈ ગયો. લક્ષ્મી અને સરસ્વતીને ગોંધી રાખવાથી શો ફાયદો! વૈંકુંઠભાઈએ દુકાનમાં વધુ વ્યવસ્થા કરી.

બીજાં પુસ્તકો પણ વસાવ્યા. રજિસ્ટર રખાયું. મહિને સાતસો આઠસો રૂપિયા ડિપોઝિટના અને વાંચનના ચાર્જની કમાણી થવા લાગી. દુકાનમાં એક માણસને મદદનીશ તરીકે રાખી લીધો. ચંદનબાનું જીવન ફરી મ્હેંકી ઊઠ્યું. વૈકુંઠભાઈની ના છતાં ચંદનબાએ કમાણીમાં એમનો ભાગ રાખ્યો. વિવેકને તો ચંદનબા શું કરે છે એ જાણવાની દરકાર જ ન હતી.

એક વખત એક કોલેજના પ્રોફેસર હરિહરનજી દુકાને આવ્યા. અને ડિપોઝિટના પૈસા આપી ચંદનબા પાસેથી ‘વિચાર સાગર’ નામનો ગ્રંથ લઈ ગયા. ગ્રંથની નોંધ કરતી વેળા જ ચંદનબા સાથેની વાતચીતથી હરિહરનજી પ્રભાવિત થયા, કે આ મહિલા કોઈ વિદુષી છે, ફક્ત પુસ્તકવિક્રેતા કે સંગ્રાહક નથી. ગ્રંથ લઈ ઘરે જઈ એમણે વાંચ્યો. મનન કર્યું, પણ એક પ્રશ્ર્નમાં ગૂંચવાઈ ગયા. પંદરમે દિવસે પુસ્તક પાછું આપવા જતાં એમણે પુસ્તકના એક પાના પર લખાયેલું નામ જુદું નોંધી લીધું. ‘ચંદન દીનાનાથ ત્રિવેદી’ એમને ખાતરી જ હતી કે પુસ્તક આપનાર મહિલા જાતે જ ચંદન હશે.

દુકાનમાં તે દિવસે ચંદનબા ન હતા.. વૈકુંઠભાઈનો દીકરો અને મદદનીશ ભાઈ જ હતા.

‘ચંદનબેન ક્યાં છે?’

‘દાદીમા તો નવરાત્ર ચાલે છે તેથી ઘેર રહે છે. ઘરમાં માતાજીની સ્થાપના છેને!’

ઘરનું સરનામું લઈ પ્રોફેસર હરિહરનજી ચંદનબાને ઘેર પહોંચ્યા. મા આદ્યશક્તિ દુર્ગામાતાની મૂર્તિ સામે શ્ર્વેત વસ્ત્રોમાં પૂજા કરતાં ચંદનબાનું જુદું જ રૂપ એમણે નિહાળ્યું. દાદીમાની બાજુમાં જ ઊભેલા મૌલિકે પ્રોફેસરને જોયા. આ તો પોતાની કોલેજના વિદ્વાન હરિહરનજી અહીં? દાદીમાને મળવા માટે? અહોભાવથી પ્રોફેસરનું મૌલિકે સ્વાગત કર્યું. વિવેક પણ મૌલિકે આપેલા પરિચયથી પ્રભાવિત થયો. ચંદનબાએ આરતી પૂરી થતાં કહ્યું.

‘આપ, અહીં?’

હા, બહેન, તમારું વિચાર સાગર પુસ્તક મેં તમારી દુકાને પહોંચાડ્યું છે. તમે એ કેટલી વાર વાંચ્યું હશે?’

‘ભાઈ માત્ર વાંચવા ખાતર મનુષ્ય વાંચે તો એ વખતનો દુર્વ્યય ગણાય. એના પર મનન, ચિંતન, નિધિવ્યાસન કરે ત્યારે એ વાંચનની સાર્થકતા કહેવાય.’ ચંદનબાએ કહ્યું, ‘મને હવે વિશ્ર્વાસ છે કે હું વિદુષી મહિલાની પાસે જ મારા પ્રશ્ર્નનો ઉકેલ શોધવા આવ્યો છું. એટલે સાચા ઉત્તર માટે શંકા નથી. મારી શંકા છે, ઈશ્ર્વર નિરાકાર છે. સિદ્ધાંત સાગર પ્રમાણે અનુમાન પ્રમાણથી એને પામી શકાય, પરંતુ આજનો જમાનો, આજનું યુવામાનસ, એનું પ્રમાણ માગે છે.’

‘પ્રોફેસર સાહેબ, આપની સાથે વિદ્વત્તાભરી ચર્ચા કરી શકું તેટલી તો આવડત નથી. પરંતુ મારી સમજ પ્રમાણે

એક દ્રષ્ટાંત આપું, ખુલ્લી છત ઉપર એક છલોછલ જવ ભરેલું વાસણ મૂકો. એમાં આકાશનું પ્રતિબિંબ પડશે તો શું આકાશનો આકાર એ પાત્ર જેવો છે? આકાશ તો નિરાકાર છે.’ વાહ! હજી વધુ પ્રકાશ પાડો તો, હું ધન્ય થઈશ!’ પ્રોફેસર બોલ્યા.

‘પ્રોફેસર સાહેબ, મને શરમાવો નહીં ક્યાં આપની વિદ્વતા ને ક્યાં હું! છતાં એક નાનકડો દાખલો આપું. કોઈ પણ રાગ-રાગિણી લો, એ તો નિરાકાર છે, પરંતુ અમુક ચોક્કસ સરગમની બંદીશથી એને ગીતમાં ગવાય તો? એ નિરાકાર રાગ-રાગિણી ભૂપાલી કે જય જયવંતી બની જાય છે. આજ પ્રત્યક્ષ પ્રમાણ છે. શબ્દ અને સૂર બંને કરાવે છે અભિવ્યક્તિ. એનો આહલાદ કરાવે છે અનુભૂતિ એ થઈ રસતૃપ્તિ. એ આહલાદનો સાક્ષાત્કાર એ જ ઈશ્ર્વરના અસ્તિત્વનું પ્રમાણ.

‘ચંદનબેન! સંપૂર્ણ સંતોષ થયો. આપના જેવી ચાણક્ય બુદ્ધિમાન મેઘાવિને મારા વંદન છે. મૌલિક વિવેકજી! તમે બહુભાગી છો કે આવી જ્ઞાનગંગા તમારા ઘરમાં છે. એ અમૃતજલનું પાન થાય તેટલું કરજો, બીજું કાંઈ નહીં તો એમના વાંચેલા પુસ્તકોનું ટિપ્પણ મૌલિક તું વાંચીશ તો પણ બસ છે. વિવેકજી, આપ તો જરૂર ફુરસદ કાઢી એમની પાસેથી વાંચવાલાયક પુસ્તકોની યાદી મેળવી આપનું ક્ષિતિજ વિશાળ કરતા જ હશો. અરે ચંદનબેન પાસે બેસીને એકાદ વિષય પર એમના વિચારો સાંભળીએ તોય આપણું જ્ઞાન જરૂર વધે જ.

વિવેકને માતાની પ્રતિભાનું સાચું જ્ઞાન હવે થયું. પુસ્તકો પાછા ઘરમાં લાવવા કહ્યું.

‘વિવેક, દીકરા એ પુસ્તકાલય તો હવે માનવ-પરીક્ષાનું માધ્યમ બન્યું છે. હરિહરનજી જેવા ગુણીજન પણ આવે છે. અને ત્યાં જ ખરીદી ન કરી શકનાર વિદ્યાવ્યાસંગી યુવકયુવતી પણ આવે છે. તો યેનકેન પ્રકારેણ વખતનો વખતનો વ્યય કરનાર વાચકો પણ આવે છે. તેઓ જાણતા નથી કે વખતની કેટલી કિંમત છે? દીકરા, એક દિવસ ગયો તો શું થયું. એમ કહેનાર જાણતા નથી કે દિવસમાં, મહિનો, છુપાયો છે. મહિનામાં વર્ષ, અને વર્ષોનો સરવાળો એટલે જિંદગી એને વાંચનથી, વાણી વર્તન ને વિચારથી સુધારો એ થઈ જીવનની સાર્થકતા.

સૌજન્ય- સાભાર …રીડ ગુજરાતી

===================================

ગુજરાતી ઈ-પુસ્તકોનો ખજાનો

ગુજરાતી સાહિત્યમાં છાપેલાં પુસ્તકોની સાથે સાથે છેલ્લા ઘણાં વર્ષોથી નેટ જગતમાં ઘણાં ઈ-પુસ્તકો આવી ગયાં છે.

મિત્ર શ્રી સુરેશ જાનીના બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચયની નીચેની લીંક પર ઈ-પુસ્તકોનું આખું પુસ્તકાલય તમને જોવા મળશે.આ પુસ્તકોના ખજાનાનો વિના મુલ્ય લાભ લેશો .

ગુજરાતી પ્રતિભા પરિચય- ઈ-પુસ્તકોની લાયબ્રેરી