મિત્ર શ્રી પી.કે.દાવડા એમની સર્જક અને સર્જન ઈ-મેલ શ્રેણીમાં એમના જાણીતા ઘણા સાહિત્ય સર્જક મિત્રો અને એમના એમને ગમેલા ચૂંટેલા સર્જનોનો પરિચય કરાવવાનો ઉપક્રમ રાખ્યો છે.
આ શ્રેણીમાં છેલ્લે એમણે કેલીફોર્નીયાના બે એરિયામાં એમની નજીકમાં જ રહેતાં પરિચિત સુ.શ્રી જયશ્રી વિનુ મરચંટ અને એમનાં કેટલાંક કાવ્ય સર્જનનો પરિચય કરાવ્યો છે .
આ બન્ને સાહિત્ય રસિકોના આભાર સાથે આજની પોસ્ટમાં એને રજુ કરતાં આનંદ થાય છે…… વિ.પ.
સર્જક જયશ્રી વિનુ મરચંટ…. એક પરિચય
Jayshree Merchant ,Panna Naik and Mahendra Mehta
જયશ્રી વિનુ મરચંટ મુંબઈ યુનિવર્સિટીના માઈક્રોબાયોલોજી અને કેમિસ્ટ્રીના સ્નાતક અને અમેરિકાની ટેંપલ યુનિવર્સિટી, ફીલાડેલ્ફીયાના ક્લીનિકલ પેથોલોજીના અનુસ્નાતક છે. છેલ્લા ૩૮ વરસોથી અમેરિકામાં રહે છે. હાલમાં જ તેઓ Children’s Hospital and Research Center, Oakland માંથી Director of the Department of Pathology and Laboratory Medicine ની પદવી ઉપરથી નિવૃત્ત થયા છે.
એમને ગઝલ લખવા માટેની દોરવણી શ્રી ચિનુ મોદી પાસેથી અને અછાંદસ લખવા માટેની દોરવણી સુ.શ્રી પન્ના નાયક પાસેથી મળી હતી. પન્ના નાયકે તો પોતાનું ટુંકી વાર્તાઓનું પુસ્તક Flamingo જયશ્રીબહેનને અર્પણ કર્યું છે. જયશ્રી બહેને એક નવલકથા, થોડી ટુંકી વાર્તાઓ, ગઝલો અને અછાંદસ લખ્યા છે. જાણીતા વિવેચક શ્રી મધુસુદન કાપડિયાએ પોતાના વિવેચનના પુસ્તકમાં એક આખું પ્રકરણ જયશ્રી બહેનની રચનાઓને આપ્યું છે. એમણે ગઝલ માટે પોતાનું તખ્ખલુસ ‘ભગ્ન’ રાખ્યું છે.
જયશ્રી બહેન એમના નિવૃતિના સમયમાં બે એરીયાની સાહિત્ય પ્રવૃતિઓમાં ખુબ જ ઉત્સાહથી ભાગ લઇ રહ્યાં છે .
જયશ્રીબહેનની કેટલીક ગઝલો ….
૧. આવે છે!
એમની આ ગઝલમાં એમણે સુફી સાહિત્યની જેમ કહ્યું છે, મુશીબતો તો આવશે જ, પણ જોવાનું એ છે કે ઉપરવાળો મદદ કરવા ક્યારે આવે છે? મત્લાથી માંડીને મક્તા સુધી આ જ વાત સમજાવવાની કોશીશ કરી છે, અને એ પણ બધા જ ચોટદાર શેર દ્વારા.
આવે છે!
લઈ પથ્થરો હાથમાં લોકો ભલેને મારવા આવે છે! જોવું છે કે ક્યારે ખુદ ખુદા મને ઉગારવા આવે છે!
દુઃખોની અવિરત વર્ષા અને પહાડ જેવી જિંદગી! જોઈએ ક્યારે કૃષ્ણ આ ગોવર્ધન ધારવા આવે છે!
ખેલ છે અંતે તો ઉછીની આવરદાનો આ જગમાં, હો જો આયુષ્ય બાકી તો તરણુંય તારવા આવે છે!
ઓઢીને તડકો, ઝાકળ પણ શાંતિથી પોઢી જાય છે! રાત અને ચાંદની ઝાકળને શું રમાડવા આવે છે?
વિખરાયેલા કેશ લઈ ક્ષિતિજની પાર તાકતી રહી! જોઈએ કોઈ છે જે આ ઝુલ્ફોને સંવારવા આવે છે!
“ભગ્ન” માફી માગ, તો ખુદા કરશે બધાય ગુનાહો માફ! કબરમાં તારી આ બોજો ક્યાં બીજા વેંઢારવા આવે છે?
૨. ને પછી….. અછાંદસ
આ અછાંદસમાં જયશ્રીબહેને ખૂબ જ ગંભીર વાત કલામય રીતે રજૂ કરી છે. આખી કવિતામાં એક્પણ શબ્દ વગર પ્રયોજન નો નથી. ‘ને પછી’ ‘ને પછી’ ફરી ફરી વાપરીને રચનાકારે બે વસ્તુ દર્શાવી છે, એક તો Continuity, અને બીજું, એક પત્યા પછી બીજું અને બે વચ્ચેનો સમયગાળો દર્શાવ્યો છે. અટકળ કેવી રીતે અફવા બની જાય છે, અને અફવાને કેટલીકવાર સત્ય તરીકે કેવી રીતે રજૂ કરવામાં આવે છે, એ એમણે ખૂબ જ કલાત્મક રીતે દર્શાવ્યું છે. ક્યારેક સત્ય કેવી રીતે અટકળોનો અને અફવાઓનો ગુલામ બની જાય છે, એ એમની કવિતાનો Master Stroke છે.
ને પછી…..
કોશેટામાં પોષાયેલી અટકળની બંધ આંખો, ને પછી, અટકળને અંધ પાંખો ફૂટે, ને પછી એ…ને…અટકળ ઊડી, ઊડી, ને એવી તે ઊડી, ને પછી, ને પછી, અટકળ બની ગઈ અફવા, ને પછી, અફવાને ફૂટે ચારેકોરથી શતશત ચરણ, ને પછી, ચરણોની હરણફાળ, અંધ પાંખોનો ફરફરાટ, ને પછી, ઊડી ઊડીને અફવા થાકે, ને પછી, ચરણ સંકોરે, અંધ આંખો ખેરવે, ને પછી, કોશેટામાં પાછી પેસીને ઉઘાડે બંધ આંખોને, ને પછી, કોશેટામાં ડંકાની ચોટ પરથી એલાન કરે કે “હું અટકળ નથી, અફવ નથી,” ને પછી, છાતી ઠોકીને કહે, હિંમતભેર કે, “હું જ સત્ય છું!”, ને પછી, કોશેટાની પંચાયતી અદાલત પાસે મ્હોર મરાવે એના સત્ય હોવાના દાવા પર, ને પછી, ત્યારથી કોશેટામાં સત્ય, અટકળ અને અફવાની ગુલામી કરે છે….!
વાણી અને પાણી સમજીને વાપરવાં જોઈએ.એ બન્નેનો બગાડ કરીએ એ ના પાલવે .વાણી એટલે કે વાચામાં અદભુત શક્તિ પડેલી હોય છે.
શ્રી વિપુલભાઈ કલ્યાણીના જાણીતા બ્લોગ “ઓપીનીયન”માં પ્રકાશિત “વાક શક્તિ” પર સ્વ.વિનોબા ભાવે લિખિત એક મનનીય લેખ આજની પોસ્ટમાં સાભાર પ્રસ્તુત છે.
આ લેખનો અંતિમ ફકરો આ રહ્યો …
વાણીનું સામર્થ્ય
“વાણી ઈશ્વર દ્વારા મનુષ્યને મળેલી એક મોટી દેણ છે. મનુષ્યના ચિંતનનું એ ફલિત છે અને ચિંતનનું સાધન પણ એ જ છે. ચિંતન વગર વાણી નહીં અને વાણી વગર ચિંતન નહીં અને બન્ને વગર મનુષ્ય નહીં.”
” લોકો માને છે કે તપથી શરીર ક્ષીણ થાય. પણ તે ખોટી ધારણા છે. શરીર તો ભોગથી ક્ષીણ થાય છે. તપથી તો શરીર પુષ્ટ થાય છે. તપનું ધ્યેય શરીરને પુષ્ટ, મજબૂત કરવાનું છે. શરીરમાં મન અને બુદ્ધિ છે. શરીર, વાણી અને મનને મજબૂત બનાવવા માટે ગીતાએ શારીરિક, વાચિક અને માનસિક એવા ત્રિવિધ તપનો ઉલ્લેખ કર્યો છે. તે ત્રણેય અલગ ક્રિયાઓ છે પણ આ ત્રણેયને સ્થૂળ અર્થમાં મજબૂત બનાવવાની અહીં વાત નથી. ત્રણેયને સામર્થ્યવાન બનાવવાની અહીં વાત છે. શરીરનું સામર્થ્ય તનના આરોગ્ય અને સ્ફુિર્તમાં છે. મનનું સામર્થ્ય તેની નિર્મળતામાં છે. વાણીનું સામર્થ્ય જ્ઞાન પ્રાપ્ત કરવામાં અને સત્ય બોલવામાં છે. તપસ્વીની વાણીમાંથી જે પ્રગટે તે સત્ય જ હોય. તેની વાણીમાંથી અસત્ય નીકળે જ નહીં. સત્યનિષ્ઠા એક મહાન શક્તિ છે.”- વિનોબા ભાવે
નીચેના ચિત્ર પર ક્લિક કરી “ઓપીનીયન” માં પ્રગટ આ આખો પ્રેરક લેખ વાંચી શકાશે.
ચુંટણીના દિવસ નવેમ્બર ૮ ૨૦૧૬ સુધી આ બન્ને રાજકીય પક્ષના ઉમેદવારો સામ સામે જોર શોરથી ટકરાશે અને જીતવા માટે કેવા સામ,દામ,દંડ અને ભેદના અવનવા દાવ અજમાવશે એની કલ્પના કરી શકાય એમ છે.જાણે કે એક રાજકીય કુરુક્ષેત્ર !
Hillary Clinton taking Selfie
હાલ જેની વધુ શક્યતાઓ જણાઈ રહી છે એમ જો હિલરી ક્લીન્ટન નવેમ્બરમાં પ્રમુખ પદે ચૂંટાઈ આવશે તો અમેરિકાના ઇતિહાસમાં પ્રમુખ બનનાર એ પ્રથમ મહિલા બનશે.
જો કે પ્રમુખ પદ માટે ચુંટણી લડનાર હિલરી ક્લીન્ટન પ્રથમ મહિલા નથી.અમેરિકાના રાજકીય ઇતિહાસમાં પ્રમુખપદનાં પ્રથમ મહિલા ઉમેદવાર બનવાનું માન એક અન્ય મહિલા વિક્ટોરિયા વુડહલને ફાળે જાય છે.
જાણીતા સાહિત્યકાર અને કટાર લેખક શ્રી મધુ રાયએ એમના ફેસ બુક પેજ પર વિક્ટોરિયા વુડહલનો સુંદર પરિચય કરાવ્યો છે એને એમના આભાર સાથે આજની પોસ્ટમાં રજુ કરેલ છે.
વિનોદ પટેલ
વિક્ટોરિયા વુડહલ,અમેરિકાના પ્રમુખપદનાં
પ્રથમ મહિલા ઉમેદવાર
નીલે ગગન કે તલે / મધુ રાય
આવતા અઠવાડિયે ડેમોક્રેટિક પક્ષનાં રાષ્ટ્રપ્રમુખપદનાં ઉમેદવાર તરીકે વરાશે તે હિલેરી ક્લિન્ટન.તે ઐતિહાસિક હશે પણ અભૂતપૂર્વ ઘટના નથી.આજથી ૧૪૪ વર્ષ પહેલાં ૧૮૭૨માં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર હતા યૂલિસિસ એસ. ગ્રાન્ટ અને એમની સામે ઊભાં રહેલાં આ પદનાં સૌપ્રથમ મહિલા ઉમેદવાર ઇક્વલ રાઇટ્સ પાર્ટીનાં નેતા વિક્ટોરિયા વુડહલ .
આજથી લગભગ દોઢ સદી પહેલાં અમેરિકામાં મહિલાઓને મતાધિકાર પણ નહોતો ત્યારે આ ખૂંખાર શાકાહારી મહિલાએ તે દેશના સર્વોચ્ચ નેતાપદ માટે ઉમેદવારી નોંધાવેલી.જે સમયે મહિલાઓએ પગથી માથા સુધી લૂગડાં પહેરીને શયન કરવાનો રિવાજ હતો ત્યારે વિક્ટોરિયાએ ભરબજારમાં ધોળા દિવસે ટૂંકાં સ્કર્ટ પહેરી ફરવાનો હક માગેલો,વેશ્યાગમનને કાયદેસર માન્યતા આપવાની માગણી કરેલી અને મુક્તપ્રેમ તથા મુક્તચારનો મહિમા કરેલો.
વિક્ટોરિયાના કિશોરીવયે વખાના માર્યાં એના જન્મસ્થાન ઓહાઇયો છોડવું પડેલું. ન્યુ યોર્ક રાજ્યના રોચેસ્ટર શહેરમાં ૧૪ વર્ષે તેમણે તેનાથી બમણી વયના ડોક્ટર કેનિંગ વુડહલ સાથે લગ્ન કર્યાં. કાળક્રમે તેની સાથે છૂટાછેડા લઈ તે ન્યુ યોર્ક ગયાં અને તે સમયે તાજા વિધુર બનેલા ૮૪ વર્ષના કરોડપતિ કોર્નેલિયસ વાન્ડરબિલ્ટને મળ્યાં.તે દિગ્ગજ પૂંજીપતિને એમણે એવું મૂળિયું સુંઘાડ્યું કે વાન્ડબિલ્ટે તેને ધીકતી શેર દલાલીની પેઢી સ્થાપવામાં પીઠબળ આપ્યું.તેની કમાણીમાંથી વિક્ટોરિયાએ એક સાપ્તાહિક પત્રિકા શરૂ કરી પોતાના ઉદ્દામ વિચારોનો પ્રચાર કર્યો અને એમાંથી તેની રાજકીય આકાંક્ષાઓનો જન્મ થયો.
તે સમયે છૂટાછેડા કાયદેસર હતા પણ ભાગ્યે જ તેની હિમ્મત કોઈ કરતું કેમકે છૂટાછેડા લેનાર સ્ત્રી કે પુરુષને સમાજ હિકારતની નજરે જોતો.લગ્નમાં કશું આકર્ષણ બચ્યું ન હોય તોય મહિલાઓ આજીવન ધણીની ધૂંસરી વેંઢાર્યા કરતી અને પુરુષો શોખથી રખાતો કે વેશ્યાઓનો સંગ શોધતા.તે જમાનામાં ફક્ત ન્યુ યોર્કના મેનહાટન વિસ્તારમાં ૨૦,૦૦૦ વેશ્યાઓ હતી.માલદાર પુરુષો બેરોકટોક તેમની મહેમાનગતિ ભોગવતા.કહેવાય છે કે અમેરિકામાં રેલરોડ વિસ્તારના ધનપતિ વાન્ડરબિલ્ટ તેવી વારાંગનાઓના શૌકીન હતા.સ્ત્રી અને પુરુષ વચ્ચે યૌનાચાર અંગેના આવા ક્રૂર ભેદભાવથી, શેશવમાં પિતાએ આચરેલા દુષ્ટાચારથી અને પોતાના પહેલા પતિના આડા સંબંધોથી ખિન્ન થઈને વિક્ટોરિયા મુક્તાચારનાં હિમાયતી બનેલાં.આજે દોઢસો વર્ષ પછી પણ અમેરિકામાં શાકાહાર ભ્રૂસંકોચથી જોવાય છે ત્યારે છેક તે જમાનામાં આ વિરલ આધ્યાત્મિક નારીએ પશુઓની કતલનો વિરોધ કરી ચુસ્ત શાકાહારની હિમાયત કરેલી.
તે સમયે તાજી સ્થપાયેલી ઇક્વલ રાઇટ્સ પાર્ટી અથવા પીપલ્સ પાર્ટી (‘જનતા પક્ષ’) તરફથી ૧૮૭૨માં વિક્ટોરિયાએ રાષ્ટ્રપ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવેલી.તેના ઉપ રાષ્ટ્રપ્રમુખપદના ભિલ્લુ હતા ભૂતપૂર્વ અશ્વેત ગુલામ, અને ગુલામીની નાબૂદીના કર્મશીલ ફ્રેડરિક ડગલસ. વિક્ટોરિયાએ ફક્ત પુરુષોની બનેલી સરકારને ઉખેડી ફેંકી દેવાની ઝુંબેશ ઉપાડેલી. “રાજદ્રોહ કહો, દેશના ટૂકડાની હિમાયત કહો જે કહો તે, અમે ક્રાન્તિ લાવીશું અને આ બોગસ ‘પ્રજાતંત્ર’ને જમીનદોસ્ત કરી પ્રામાણિક સરકારની સ્થાપના કરીશું!” તે કહેતાં. પોતાના મુક્તાચાર માટે તે ઘોષણા કરતાં કે “હું જેને ઇચ્છું તેને ગમે તેટલા લાંબા કે ટૂંકા ગાળા માટે ચાહવાનો મને મૂળભૂત બંધારણીય અને કુદરતદત્ત અધિકાર છે! હું મુક્તપ્રેમમાં માનું છું, હું ઇચ્છું તો રોજ નવો પ્રેમી પકડું, અને તેમાં દખલ કરવાનો તમને કે તમારા કાયદાઓને કોઈ હક નથી! મને સજા કરવી હોય તો ભલે શૂળીએ ચઢાવો!” અલબત્ત, ૧૮૭૨ની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ભલે વિક્ટોરિયા શૂળીએ ના ચડ્યાં, પણ જાહેરમાં અશ્લીલ શબ્દો વાપરવા બદલ ચૂંટણીની રાત તેમણે જેલમાં ગુજરેલી. મતદાનમાં તેને ગણતરીના મત મળેલા અને તેનો તેજોવધ થયો.
ચૂંટણીની કારી પછાડ પછી ૧૯૭૬માં વાન્ડરબિલ્ડની વહારથી તેણે દેશ છોડ્યો અને ઇંગ્લેન્ડમાં નવી જિંદગીની શરૂઆત કરી. વિક્ટોરિયાએ ત્રણવાર લગ્ન કરેલાં: પહેલું ડો. વુડહલ સાથે; બીજું ૨૮મા વર્ષે એક કર્નલ બ્લડ નામે લશ્કરી અફસર સાથે; અને ત્રીજું સન ૧૮૮૩માં ૪૫ની વયે ઇંગલેન્ડમાં જોન માર્ટિન નામના શ્રીમંત બેન્કર સાથે.
આજે ફરી એક મહિલા અમેરિકાનાં સર્વોચ્ચ નેતા અને વિશ્વનાયક થવા થનગની રહ્યાં છે. તે નિમિત્તે તેવી પહેલ કરનાર વિક્ટોરિયા વુડહલને નમન. જય મોનિકા!
મારા મુંબાઈ નિવાસી નેટ મિત્ર શ્રી મહેન્દ્રભાઈ ઠાકરે એમના ઈ-મેલમાં મુંબઈ સમાચારમાં પ્રગટ બે ખુબ જ પ્રેરક સત્ય કથાઓ મોકલી છે. આ ખુબ જ પ્રેરણાદાયી સત્ય કથાઓ વાંચતાં જ મને ગમી ગઈ.
મનુષ્યો બે પ્રકારના હોય છે . કેટલાક મનુષ્યો દરેક સવારે જોએલાં સ્વપ્નોને ભૂલી જઈને ફરી ઊંઘી જાય છે તો કેટલાક વિરલાઓ ઊંઘ ખંખેરીને ઉભા થઇ જાય છે અને જોએલાં સ્વપ્નોને સાકાર કરવા માટે દ્રઢ નિશ્ચયી અને પરિશ્રમી બની એની પાછળ મચી પડે છે અને સફળતાને વરીને જ ઝંપે છે.
આ બે સત્ય કથાઓ એવા બે મળવા જેવા વિરલ વ્યક્તિઓની છે જેઓએ એમનાં સેવેલાં સ્વપ્નોને સાકાર કરી બતાવ્યાં છે.
પ્રથમ વાર્તાના નાયક નવ યુવાન શ્રી કાંતને જન્મથી જ અંધત્વનો પડકાર સહન કરવાનો સમય આવ્યો એમ છતાં એનાં સ્વપ્નો સાકાર કરી સફળતાને વરવા માટે એનું અંધત્વ આડે ના આવ્યું .બંધ આંખોએ એણે સ્વપ્નાં જોયાં અને એને પૂરાં પણ કરી બતાવ્યાં.અંધાપો આ માણસ ને રોકી ના શક્યો.
બીજી વાર્તા ગુરુ પૂર્ણિમાના પર્વને અનુરૂપ,ગરીબ વિદ્યાર્થીઓ માટે પેટે પાટા બાંધીને ફી લીધા વિના શીખવનાર ગણિતમાં ચેમ્પિયન મનાતા ગુરુ, ટપાલ ખાતાના મામુલી પગારવાળા કર્મચારીના પુત્ર આનંદ કુમારની છે .
આ બે લેખો વિનોદ વિહારના વાચકોને પણ ગમે એવા હોઈ શ્રી ઠાકર, વાર્તા લેખકો અને મુંબઈ સમાચાર ના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરું છું.
આશા છે આપને આ બે જીવન પ્રેરક સત્ય કાથો ગમશે.
સફળ થવા માટે અંધત્વ આડે નથી આવતું
કવર સ્ટોરી – દિવ્યાશા દોશી
૨૫ વર્ષ પહેલાં આન્ધ પ્રદેશના મચ્છલીપટ્ટનમ ગામમાં શ્રીકાંતનો જન્મ થયો ત્યારે પડોશીઓએ તેના માતાપિતાને કહ્યું હતું કે આ દીકરાને જીવતો રાખવામાં કોઈ ફાયદો નથી. તેને ઉછેરવામાં જેટલી તકલીફ થશે તે કરતાં તે ન જીવે તેવી દુવા કરવી સારી. પણ શ્રીકાંતના માતાપિતાએ ગામવાળાઓની વાત સાંભળી નહીં. ખૂબ પ્રેમ અને જતનથી શ્રીકાંતનો ઉછેર કર્યોં. શ્રીકાંત બોલ્લા જન્મથી જ અંધ છે.
આજે શ્રીકાંત ૫૦ કરોડની બોલન્ટ ઈન્ડસ્ટ્રીઝનો સીઈઓ છે જેમાં કામ કરનારા ૫૦ ટકા કર્મચારીઓ ડિસએબલ (દિવ્યાંગ) છે.
આ આખી સત્ય કથા મુંબઈ સમાચારના સૌજન્યથી
નીચેના ચિત્ર પર ક્લિક કરીને વાંચો.
============
(તા. ૧૯ મી જુલાઈ ૨૦૧૬ના મુંબઈ સમાચાર ની પુર્તિ “પુરુષ” માંથી સાભાર )
આજે આખું વિશ્વ આતંકવાદના ભયના ઓથાર નીચે જીવી રહ્યું છે. ક્યારે,કઈ જગાએ,કેવી રીત અજમાવી છુપાયેલા આતંકવાદીઓ એકલા કે સમુહમાં ત્રાટકશે અને મોટી સંખ્યામાં નિર્દોષ લોકોની જીવ હાની કરશે એ કશું નક્કી નથી.
પેરિસ, બ્રુસેલ્સ, ઓરલાન્ડો, ઇસ્તંબુલ, ઢાકા,બગદાદ, મુંબઈ એમ અનેક જગાઓએ આતંકવાદીઓએ કારમો કેર વર્તાવ્યો છે અને જન જીવન ડહોળી નાખ્યું છે. આતંકવાદીઓ દ્વારા લડાતું આ વિશ્વ યુદ્ધ કોઈ લશ્કરી નિયમો કે સૈનિકો વિનાનું નવી રીતનું યુદ્ધ છે.
દિવ્ય ભાસ્કરમાં શ્રી નગીનદાસ સંઘવીએ એમના નીચેના લેખમાં આવા આતંકવાદી હુમલાઓ વિષે સરસ માહિતી આપી છે એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.
વિનોદ પટેલ
દુનિયાભરમાં હલ્લાઓ કોણ કરે છે?…
પેરિસ, બ્રુસેલ્સ, ઓરલાન્ડો, ઇસ્તંબુલ, ઢાકા, બગદાદ, મદીના અને હવે યમનનું એડન શહેર, ઇસ્લામી રાજવટ(ISIS)અને અલ કાયદાની ત્રાસવાદી પ્રવૃત્તિઓનાં શિકાર બન્યાં છે. કોઈ જગ્યાએ બોમ્બ વિસ્ફોટ, કોઈ જગ્યાએ આત્મઘાતી હલ્લાઓ તો કોઈ જગ્યાએ શસ્ત્રધારી ધાડપાડુઓએ ત્રાટકીને ત્રાસ ફેલાવ્યો છે. પઠાણકોટ, ગુરુદાસપુર અને કાશ્મીરમાં સતત ચાલી રહેલાં ધીંગાણાંઓનો આ યાદીમાં સમાવેશ નથી, કારણ કે આ ત્રાસવાદનાં મૂળ અને ડાળ પાંદડાંની જવાબદારી ઇસ્લામી રાજવટ કે અલ કાયદાની નથી. ભારતમાં થયેલા ત્રાસવાદી હલ્લાઓ માટે આ બંને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંસ્થાઓને દોષ આપી શકાય તેમ નથી.
ઇસ્લામી રાજવટ(ISIS) ને ઇરાક પર કબજો જમાવવો છે જ્યારે ઓસામાએ કોઈ દેશને કબજામાં રાખવાની રાજકીય મહત્ત્વાકાંક્ષા દર્શાવી નહોતી
પોતાની ત્રાસવાદી પ્રવૃત્તિની કારણમીમાંસા કરીને ઇસ્લામી રાજવટે અને અલ કાયદાએ પોતે વેર વાળે છે તેવા દાવા કર્યા છે. સીરિયા, ઇરાકમાં ચાલી રહેલા આંતરવિગ્રહમાં દખલગીરી કરીને અમેરિકા અને તેનાં સાથીદાર રાષ્ટ્રો જે વિઘાતક પ્રવૃત્તિ ચલાવે છે તેના બદલા રૂપે આ હત્યાકાંડ ચાલી રહ્યો છે. તેવી દલીલ કરવામાં આવે છે. ઇસ્લામી રાજવટ અને અલ કાયદાનું ધ્યેય એક જ હોવા છતાં આ બંને સંસ્થાઓ એકબીજાની હરીફ છે અને રૂઢિચુસ્ત મુસ્લિમ સમાજમાં પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે પોતે જ આ હલ્લાઓ કરાવ્યાનો જશ લેવાની મથામણ કરે છે. ઘાતકીપણામાં ચડિયાતા થવાની આ ગળાકાપ સ્પર્ધામાં કરવામાં આવેલા દાવા ખોટા હોઈ શકે છે. ઢાકામાં થયેલો હલ્લો પોતે કરાવ્યાનો ઇસ્લામી રાજવટનો દાવો બાંગ્લાદેશની સરકારે નકારી કાઢ્યો છે અને તેમાં હણાયેલા ત્રાસવાદીઓ બધા બાંગ્લાદેશીઓ જ છે અને સ્થાનિક જમાત સાથે જોડાયેલા છે.
સીરિયામાં સ્થપાયેલી ઇસ્લામી રાજવટે ઇરાક પર કરેલી ચડાઈ નિષ્ફળ નીવડી છે અને ઇરાકની સંસદ સરકાર સામે તેમણે પીછેહઠ કરવી પડી છે. દુનિયાભરમાં વધી પડેલી ત્રાસવાદી પ્રવૃત્તિ તે હોલવાઈ રહેલા હુતાશનનો છેલ્લો ભડકો છે તેવું અર્થઘટન પણ કરવામાં આવ્યું છે, તેથી ત્રાસવાદી હલ્લાઓમાં થયેલો વધારો તાકાતની નિશાની છે અથવા નબળાઈનું પરિણામ છે તેવા પરસ્પર વિરોધી અર્થ કાઢી શકાય છે.
ઇસ્લામી રાજવટ અને અલ કાયદાની કાર્યવાહીમાં અતિશય મહત્ત્વનો તફાવત વિસારે પાડવામાં આવે છે. અલકાયદા અને તેના આગેવાન ઓસામા બિન લાદેને કરેલા આયોજનની સંખ્યા ઓછી અને તેમાં દુશ્મનોની ખુવારી ઘણી વધારે થતી. અમેરિકા પર એકસામટી બે જગ્યાએ આત્મઘાતી વિમાન હુમલો થયો તેમાં સામટા 3000થી વધારે લોકો માર્યા ગયા. ઇસ્લામી રાજવટે અલગ અલગ દેશોમાં કરેલા હુમલાઓની સંખ્યા વધારે છે, પણ તેમાં થયેલી ખુવારીનો કુલ આંકડો હજુ હજારથી વધ્યો નથી.
બિન લાદેન હણાયા પછી અલ કાયદાનું માળખું, તેનાં સાધનો, ભંડોળ અને લોકપ્રિયતામાં ખાસ્સો ઘટાડો થયો છે. જ્યાં ત્રાસવાદી હલ્લાઓ થયા તે પોતે કરાવેલા છે તેવા અલ કાયદાનો દાવો મોટા ભાગે પોકળ હોય છે. ઓસામાએ પોતાના મુખ્ય દુશ્મન અમેરિકા અને અમેરિકન રાજદૂતો પર નિશાન સાધ્યું, પણ ઇસ્લામી રાજવટ યુરોપ-અમેરિકા સામે લડે છે તેટલા જ બલકે તેનાથી પણ વધારે ઝનૂનથી શિયા સંપ્રદાયવાદી મુસલમાનો સામે લડે છે. આનું એક કારણ એ પણ છે કે ઇસ્લામી રાજવટને ઇરાક પર કબજો જમાવવો છે જ્યારે ઓસામાએ કોઈ દેશને કબજામાં રાખવાની રાજકીય મહત્ત્વાકાંક્ષા દર્શાવી નહોતી.
બીજી રીતે કહીએ તો અલ કાયદાની જેહાદ ધાર્મિક જેહાદ હતી. ઓસામાએ ઇસ્લામની શાંતિપ્રિયતા સ્વીકારી નથી, પણ મહમ્મદ પયગંબર સાહેબની શાંતિપ્રિયતા તેમના સાથીઓએ પણ કબૂલ રાખી નથી અને પયગંબર સાહેબ જન્નતનસીન થયા પછી માત્ર બે વરસ પછી ઇસ્લામની લશ્કરી વિજયયાત્રા શરૂ થઈ, પણ અલ કાયદાએ જે કંઈ કર્યું તે પોતાનો ધર્મ સમજીને કર્યું. મુસ્લિમ કોમ (ઉમ્મા)ના હિતની રક્ષા માટે કર્યું. ઓસામા બિન લાદેને રાજકીય સત્તા મેળવવા કે ટકાવવા માટે જેહાદનો આશરો લીધો નથી. યુરોપ અમેરિકાના વિદ્વાનો ઓસામાને જે રીતે અને જેટલા પ્રમાણમાં વગોવે છે તે પૂરેપૂરું સ્વીકારી લેવા જેવું નથી.
ઇસ્લામી રાજવટની સ્થાપના જ રાજકીય હેતુસર થઈ છે. આ સંસ્થા ચુસ્ત ધાર્મિક અભિગમ અપનાવે છે. શરીયતના તમામ નિયમોનું અક્ષરશ: અને સતત પાલન કરવાનો આગ્રહ રાખે છે, પણ તેમનો હેતુ રાજકીય છે. અલ કાયદાએ કોઈ મુસ્લિમ દેશોમાં ત્રાસવાદી પ્રવૃત્તિ ચલાવી નથી. ઇસ્લામી રાજવટે છેલ્લા છ મહિનામાં જે હલ્લાઓનું આયોજન કર્યું, તે બધાં મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રદેશો છે. તુર્કીથી માંડીને ઢાકા સુધીના હલ્લાઓ મુસ્લિમ દેશોમાં થયા છે.
વધારે ખરાબ વાત એ છે કે આ હલ્લાઓ પવિત્ર રમજાન માસમાં થયા છે. આ ઇબાદતનો મહિનો છે. મુસ્લિમ સત્તા અને સંસ્કૃતિ દુનિયામાં સરટોચ પર હતી ત્યારે પરંપરા એવી હતી કે બે મુસ્લિમ દેશો વચ્ચે લડાઈ ચાલતી હોય તો તે પણ રમજાન દરમિયાન તહકૂબ રાખવામાં આવે. રમજાનમાં બંને પક્ષો શાંતિ જાળવે. ખલીફા યજીદે હુસૈન સાથેના યુદ્ધમાં આ પરંપરા જાળવી નહીં તેથી તેની નીંદા કરવામાં આવે છે. ઇસ્લામી પરંપરાના ઠેકેદાર હોવાનો દાવો કરનાર ઇસ્લામી રાજવટે આ પરંપરા જાળવી નથી.
ઇસ્લામ અને ઇસ્લામી દેશોના શત્રુ ગણાતા અમેરિકા સામે શરૂ થયેલી આ જેહાદ હવે મુસ્લિમ સંપ્રદાયો વચ્ચેનો આંતર વિગ્રહ બની ગયો છે. શિયા અને સુન્નીઓ વચ્ચેનું સદીઓ જૂનું વૈમનસ્ય પરાકાષ્ઠાએ પહોંચ્યું છે અને શિયા સંપ્રદાયના લોકો અને ધર્મસ્થાનોને ઉદ્્ધ્વસ્ત કરવાના ઝનૂનમાં મહમ્મદ સાહેબના જીવન સાથે જોડાયેલા અતિ પવિત્ર શહેર મદીના પણ ત્રાસવાદી આતંકમાંથી બાકાત રહ્યું નથી. મક્કા તે જમાનામાં અને આજે પણ ઇસ્લામનું સૌથી વધારે પવિત્ર ધર્મસ્થાન છે, પણ મક્કાએ તો હઝરત મહમ્મદ પયગંબર સાહેબને હિજરત કરવી પડે તેવી સ્થિતિ પેદા કરી ત્યારે થોડે દૂર આવેલા પથરીલા કસ્બામાં પયગંબરે નિવાસ કર્યાે અને આ શહેર નબીનું નિવાસસ્થાન કહેવાયું અને મદીના કહેવાયું.
આ શહેરની પવિત્રતા અને શાંતિમાં ખલેલ પડે તો દરેક મજહબી મુસલમાનનું દિલ દુખાય. ઇસ્તંબુલ, ઢાકા, બગદાદ, મદીના અને હવે યમનના એડન શહેરમાં થયેલા ધમસાણમાં પરદેશીઓ અને અમેરિકન દુતાવાસ પર હલ્લા થયા છે, પણ તેના ફટકા તો મુસ્લિમ રાષ્ટ્રોએ અને મુસ્લિમ રાજકર્તાઓએ ભોગવવા પડશે. સતત ચાલી રહેલી આતંકવાદી પ્રવૃત્તિના કારણે સીરિયાથી અને અન્ય મુસ્લિમ દેશોમાંથી ભાગી છૂટેલ નિરાશ્રિતોને આશ્રય આપવાની બાબતમાં યુરોપિય સંઘમાં જોડાયેલાં રાજ્યો આનાકાની કરી રહ્યાં છે.
આતંકવાદ જેહાદ નથી અને યુદ્ધ પણ નથી, કારણ કે તેમાં જેહાદની પવિત્રતા અને યુદ્ધના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. પહેલી નજરે યુદ્ધ માત્ર પશુબળનો પ્રયોગ છે અને બંદૂકો બોલે ત્યારે કાયદાએ ચૂપ થઈ જવું પડે છે, પણ યુદ્ધના નિયમો હોય છે અને ગમે તેવા ભીષણ યુદ્ધમાં પણ આ નિયમો પાળવામાં આવે છે.
શરણે આવેલા દુશ્મન સૈનિકોને હણી શકાય નહીં. તેમને ત્રાસ આપી શકાય નહીં. બંદીવાન બનાવેલા આ સૈનિકો ભાગી છૂટવાનો હક્ક ધરાવે છે. ઇસ્પિતાલો, અનાથાશ્રમો પર બોમ્બ ફેંકી શકાય નહીં. ઝેરી ગેસ કે જીવાણું શસ્ત્રો વાપરી શકાય નહીં અને એકબીજાના પ્રતિનિધિઓને અથવા તટસ્થ રાજ્યોના નાગરિકો કે માલમિલકતને નુકસાન પહોંચાડી શકાય નહીં. યુદ્ધના નિયમોની યાદી ઘણી લાંબી છે અને તેનો અનાદર કરનારને વોર ક્રાઇમ માટે તકસીરવાર ઠરાવીને આંતરરાષ્ટ્રીય અદાલત સજા કરી શકે છે. ત્રાસવાદમાં આવી કશી આચારસંહિતા પાળવામાં આવતી નથી, તેથી આતંકવાદ તે નરી જોરતલબી છે, નર્યો સંહાર છે.
બુઢ્ઢા રાજકારણીઓ : ઘરડાં ગાડાં વાળે કે ગાડાને ગોથાં ખવડાવે?
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
રાજકારણીઓ માટે રિટાયર થવાની કોઇ ઉંમર હોવી જોઇએ કે નહીં? ચાલી શકતા ન હોય એ દેશ શું ચલાવવાના! નેતાઓના રિટાયરમેન્ટ વિશે સ્પષ્ટ નિયમો બનાવવાની જરુર નથી લાગતી? -0-0-0-0-0-0-0-0-0-0-0-
સાઠે બુદ્ધિ નાઠે એવી એક કહેવત ગુજરાતીમાં બહુ જાણીતી છે. આ વાત શું સાચી છે? એનો જવાબ છે, ના. દરેક કહેવત દરેકના કિસ્સામાં સાચી હોય એવું જરૂરી નથી. એમ તો એવું પણ કહેવાય છે કે, ઘરડાં ગાડાં વાળે. હવે જો સાઠે બુદ્ધિ નાઠી જતી હોય તો ઘરડાં ગાડાં ક્યાંથી પાછાં વાળે? અનુભવી માણસ અભ્યાસુ કરતાં વધુ હોશિયાર હોય છે. બુઢ્ઢા બુદ્ધિ વગરના હોય છે એવું કહેવું વડીલોનું અક્ષમ્ય અપમાન છે. જે સમાજમાં વડીલોનું સન્માન થાય છે એ સમાજ જ સુસંસ્કૃત છે.
વડીલો વિશે એમ પણ કહેવાય છે કે શાણો સજ્જન સમય આવ્યે એની જવાબદારી નેક્સ્ટ જનરેશનને સોંપી દે છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે વડીલોથી કંઇ છૂટે નહીં. એક પગ કબરમાં હોય તોપણ એનો કકળાટ ખતમ થતો નથી. સત્તા એવી ચીજ છે કે એક વખત એનો સ્વાદ ચખાઇ જાય પછી ડ્રગ્સ કરતાં પણ તેનું ખતરનાક વ્યસન થઇ જાય છે. એ લોકોને કદી એવું થતું નથી કે હવે નાના અને નવા લોકોનો વારો આવવા દઇએ.
આપણા દેશમાં રાજકારણીઓ માટે નિવૃત્તિની કોઇ ઉંમર હોવી જોઇએ કે નહીં? તેના વિશે ચર્ચાઓ તો આઝાદી મળી ત્યારથી ચાલી આવે છે, પણ તેના વિશે કોઇ નિર્ણય લેવાતો નથી. ક્યાંથી લેવાય? જેમણે નિર્ણય લેવાનો છે એ બધા જ મોટી ઉંમરના છે! કંઇ નક્કી કરે તો ઘરે બેસવાનો પહેલો વારો એનો પોતાનો આવે. પ્રાચીન સમયમાં જવાબદારીઓ પૂરી થાય પછી વાનપ્રસ્થાશ્રમનો કન્સેપ્ટ હતો. હવે તો ડૉક્ટર છોડવાનું કહે તોપણ આપણા વડીલો કંઇ છોડતા નથી.
સરકારી અને ખાનગી નોકરીમાં જો નિવૃત્તિ વય હોય તો પછી રાજકારણમાં શા માટે નહીં? આપણા દેશની વાત નીકળે ત્યારે બધા છાતી ઠોકીને કહે છે કે, ઇન્ડિયા યંગસ્ટર્સનો દેશ છે. આખી દુનિયાના દેશોની સરખામણીમાં આપણા દેશમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે. આ યંગ પીપલ જ આપણા દેશને સુપરપાવર બનાવશે. વાત સાચી પણ તમે એ લોકોનો વારો તો આવવા દો, એ લોકોને એ પોઝિશન પર તો મૂકો જ્યાં એ ડિસિઝનમેકર હોય. સત્તામાં તો યુવાનોને સરખા ભાગીદાર બનાવો. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે એવા અણસાર આપ્યા હતા કે હવે નવા અને તાજા લોહીને તક મળશે. 88 વર્ષના લાલકૃષ્ણ અડવાણી, 82 વર્ષના મુરલી મનોહર જોશી, 83 વર્ષના યશવંત સિંહા, 81 વર્ષના શાંતાકુમાર, 81 વર્ષના બી.સી. ખંડુરી સહિત મોટી ઉંમરના નેતાઓને એમણે સત્તાથી દૂર રાખ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મંગળવારે પ્રધાનમંડળમાં બીજી વખત પરિવર્તન કર્યું. આ ઘટના અગાઉ જ મધ્યપ્રદેશ રાજ્ય સરકારના બે વયોવૃદ્ધ મંત્રીઓ 86 વર્ષના બાબુલાલ ગૌર અને 76 વર્ષના સરતાજ સિંઘનાં રાજીનામાં લઇ લેવાયાં હતાં. કારણ એવું અપાયું હતું કે ઉંમર થઇ ગઇ હોવાથી તેમને આરામ અપાયો છે. સાથોસાથ એવી વાત પણ વહેતી થયેલી કે, આ ભાજપ પક્ષનો નિર્ણય લાગે છે અને હવે નરેન્દ્ર મોદી કેન્દ્રમાં પણ આવું જ કરશે. બે કેન્દ્રીય પ્રધાનો 76 વર્ષના નઝમા હેપતુલ્લા અને 75 વર્ષના કલરાજ મિશ્રને પણ પાણીચું આપી દેવાશે એવી વાતો પણ જોરશોરથી ચાલી. મોદીએ પાંચને પાણીચું આપ્યું પણ એમાં આ બેનાં નામ ન હતાં. જેની હકાલપટ્ટી કરાઇ તેઓને પણ ઉંમરને કારણે નહીં પરંતુ તેનાં પરફોર્મન્સના કારણે દૂર કરાયા હતા. મતલબ કે એજ ફેક્ટરે કામ કર્યું નથી.
ખેર હશે, જે થયું તે. અલબત એ સવાલ તો ઊભો જ છે કે રાજકારણીઓને એક નિશ્ચિત ઉંમરે નિવૃત્ત કરી દેવા જોઇએ કે નહી? અમેરિકામાં પ્રેસિડેન્ટ બે ટર્મથી વધુ રહી શકતા નથી. ત્યાં ટર્મ પણ ચાર વર્ષની જ હોય છે. બરાક ઓબામા 54 વર્ષના છે. આ વર્ષે ઇલેક્શન પછી તેઓ નિવૃત્ત થઇ જશે. તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા ત્યારે 46 વર્ષના હતા. જોકે અત્યારે જે ચૂંટણીના મેદાનમાં છે એ બંનેમાં હિલેરી ક્લિન્ટન 68 વર્ષનાં અને ડોનાલ્ડ ટ્રમ્પ 70 વર્ષના છે. એ રીતે જુઓ તો બંને કંઇ નાનાં નથી. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુતિન 63 વર્ષના છે. બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર ડેવિડ કેમરોન 49 વર્ષના છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 65 વર્ષના છે અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી તો 80 વર્ષના છે. આપણાં સીએમ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ 74 વર્ષનાં છે.
આપણે ત્યાં જે યુવા નેતાઓ થઇ ગયા કે અત્યારે છે એ પણ મોટાભાગે તેના પરિવારના કારણે છે, જો તેના બાપા કે બીજા કોઇ વડીલ રાજકારણમાં ન હોત તો તેનો મેળ પડત કે કેમ એ સવાલ છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે જ્યારે સત્તા સંભાળી ત્યારે યંગેસ્ટ સીએમ તરીકે બહુ ગાજ્યા હતા. અખિલેશ આજે 43 વર્ષના જ છે. સીએમ બન્યા ત્યારે તો 39 વર્ષના જ હતા. જોકે તેની બધી જ ક્રેડિટ તેના પિતા મુલાયમસિંહ યાદવને જાય છે. તેઓ દીકરાને એસ્ટાબ્લિશ કરવા માંગતા હતા. ફારુક અબ્દુલ્લાએ પણ ઓમારને સીએમ બનાવ્યા હતા. અરે સ્વ. વડાપ્રધાન રાજીવ ગાંધીને પણ માતાના કારણે જ એ પદ મળ્યું હતું. બીજા યુવા નેતાઓ જ્યોતિરાદિત્ય સિંધિયા (45 વર્ષ), મિલિન્દ દેવરા (39 વર્ષ), પ્રિયા દત (49 વર્ષ), સચિન પાઇલટ (38 વર્ષ), અગાથા સંગ્મા (35 વર્ષ)ને પણ તક તો એના સ્વર્ગસ્થ પિતાના રાજકારણને કારણે જ મળી હતી. બાકી તો બુઢિયા નેતાઓ કોઇનો વારો જ આવવા દેતા નથી. નરેન્દ્ર મોદીએ યંગ નેતાઓ પર વધુ વિશ્વાસ મૂક્યો છે. અત્યાર સુધી સૌથી નાની વયના મિનિસ્ટર સ્મૃતિ ઇરાની (40 વર્ષ) હતાં. હમણાં મંત્રી બનનાર અનુપ્રિયા પટેલ તો માત્ર 35 વર્ષની જ છે.
આપણે ત્યાં મહિલાઓને રાજકારણમાં 33 ટકા અનામત આપવાની વાત ઘણા સમયથી થતી આવી છે. સાથોસાથ હવે અમુક ટકા તો યંગસ્ટર્સ હોવા જ જોઇએ એવું પણ નક્કી કરવાની જરૂર છે. નાનાઓને આખરે અનુભવ તો ત્યારે જ મળશેને જ્યારે તેને નાની ઉંમરે ચાન્સ આપવામાં આવે. રાજકારણીઓની નિવૃત્તિ માટે ઉંમરનો કોઇ ચોક્કસ અને બંધારણીય નિયમ બનાવવાની જરૂર છે, એવું નહીં થાય તો અમુક નેતાઓ તો ગુજરી નહીં જાય ત્યાં સુધી ખુરશીને ચીપકેલા જ રહેશે.
વાચકોના પ્રતિભાવ