વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 28, 2016

( 946 ) નિવૃત્તિ બાદ સવાઈ પ્રવૃત્તિ ……કેતકી નીતેશ જાની

નિવૃત્તિ બાદ સવાઈ પ્રવૃત્તિ 

કવર સ્ટોરી – કેતકી નીતેશ જાની

ketki articleમાનવ આયખામાં સાંઠ એટલે ગાંઠ? સાઠમા વરસે સામાન્યપણે લોકો જીવનની વિવિધ સાંઠગાંઠોથી નિવૃત્ત થવા ઈચ્છતા હોય. જવાબદારીની ગાંઠડી ખભા ઉપરથી ખંખેરી નિવૃત્તિનું બોનસ જીવન પ્રભુકૃપાથી સ્વસ્થ વીતે તો ભયોભયો. ન શોક, ન સપના, ન સ્ફૂર્તિ, ન ઉત્સાહ, પરંતુ આ બધી પરંપરાગત માન્યતાઓનો દમામભેર છેદ ઉડાડી વૃદ્ધાવસ્થામાં નવા ઉત્સાહ, સ્ફૂર્તિ, પ્રવૃત્તિ, આનંદ, સફળતા, સિદ્ધિ, સંતોષ અને સન્માનના એકદમ ઓફબીટ સ્ટાઈલ મંત્રનું નામ છે: વીણા બરુઆ.

‘મુંબઈ સમાચાર’ સાથે વાતની શરૂઆત કરતાં વીણાબેન જણાવે છે કે: મારું બાળપણ અને ઉછેર ત્યાર બાદ ૬૦ વર્ષ સુધીની જિંદગી મુંબઈમાં જ વીતી છે. ભણતર પણ મુંબઈમાં જ. લગ્ન બાદ પણ હું મુંબઈમાં જ હતી. વરસો સુધી મુંબઈની બાલાજી ઈન્ટરનેશનલ સ્કૂલ મલાડમાં શિક્ષિકા તરીકે નોકરી કરી. નિવૃત્ત થયા પહેલાં એ જ શાળામાં આચાર્યા પણ હતી. ત્યાં સુધી મારું જીવન ઘર, શાળા, વિદ્યાર્થીઓ પૂરતું જ હતું. પિસ્તાળીસ વર્ષની હતી ત્યારે મારા પતિનું મૃત્યુ થયું. ત્યાર બાદ બે બાળકો અને હું એ જ મારી દુનિયા હતી. બંને બાળકો પોતાના લગ્ન અને કેરિયરમાં મગ્ન અને હું મારી શાળા, ઘર અને વિદ્યાર્થીઓમાં મગ્ન. નિવૃત્ત થયા પછી જ જીવનમાં આગળ શું? તેવો પ્રશ્ર્ન આવ્યો. મારી દીકરી લગ્ન કરી બેંગ્લોરમાં સેટ થઈ છે. તેણે કહ્યું કે મમ્મી એકલા રહ્યા વિના મારી પાસે આવો. નિવૃત્તિ સુધી મને મારા માટે ટાઈમ જ મળ્યો નહોતો. બાળકોને તેમની કારકિર્દીમાં સેટ કર્યા બાદ હું મારા માટે જીવીશ તેમ હું વિચારતી. દીકરીનું કહ્યું માની હું તેની સાથે બેંગલોર રહેવા આવી.

મુંબઈથી બેંગલોર ગયા પછી તમે જીવન કેવી રીતે ગોઠવ્યું? તમને ત્યાં ફાવ્યું? તમે કેવી રીતે કંઈક નવું કરવા વિચાર્યું? જેવા મુંબઈ સમાચારના અનેક પ્રશ્ર્નોનો જવાબ આપતા તેમણે સસ્મિત જણાવ્યું કે આમ જોવા જાઉં તો બેંગ્લોર જઈને જ હું મારા માટે જીવતા અને મારી તરફ જોતા શીખી. ત્યાં ગયા પહેલાં તો મારો બધો જ સમય ઘર, શાળા અને વિદ્યાર્થીઓનો જ હતો. જાણે મારી જિંદગી ઉપર મારો જ હક નહોતો. પણ ખેર, હવે મારો બધો જ સમય માત્ર અને માત્ર મારા જ માટે હતો. મુંબઈમાં જે ના થઈ શક્યું, તે બધું જ કરવા માટે અચાનક જ મન અધીર બન્યું હતું. મારી દીકરી અને દીકરાએ આ માટે મને સતત પ્રોત્સાહિત કરી છે. મેં સૌ પ્રથમ ક્રોેશે, ચોકલેટ-કેન્ડલ મેકિંગ, ટેરેસ ગાર્ડનનું જતન કરવું જેવા મારાં શોખોને પોષણ આપ્યું. ગુગલ ઉપર સર્ચ કરીને તથા ક્લાસીસમાં જઈ હું આ બધું શીખવા માંડી. મને ફરવાનો ખૂબ શોખ હતો, તે સાઠ વર્ષ સુધી ભલે પૂરો ન કર્યો, પણ હવે તે કરી શકાય એમ વિચાર્યું. કાશ્મીર, ભૂતાન અને અન્ય ઘણા સ્થળોએ હું ઠઘઠ  ના ગ્રુપ સાથે ફરી. ત્યાર બાદ મારી દીકરી મલ્લિકાએ મારી ઓળખાણ સિલ્વર સર્ફર્સ ક્લબના દીપ્તિબહેન સાથે કરાવી. આ ક્લબ નિવૃત્ત લોકોને એકબીજા સાથે બાંધી રાખતી. ક્લબમાં મહિને એક વખત બધા જ મેમ્બર મળી ખાનપાન, નાચગાન કરે, એકબીજાના મત અને વિચારો વ્યક્ત કરે. આ ક્લબના મેમ્બર્સ સાથે થોડા સમય પહેલાં જ હું શ્રીલંકા ફરી આવી. આ ઉપરાંત હું ઈનર વ્હીલ ક્લબની પણ સભ્ય છું. જેની સાથે હું સમાજ સેવાના વિવિધ કામમાં જોડાયેલી છું.

અરે વાહ, તમે તો જિંદગી ફૂલ ફ્લેજમાં જીવવા લાગ્યા, ઘણી જ સારી વાત છે.

આ વાત સાંભળતાં જ તેઓ કહે છે કે, ‘અરે હજી તો મુખ્ય વાત બાકી જ છે, હું લગભગ રિટાયર્ડ થઈ તે પછી મેં ક્યાંકથી સાંભળ્યું કે કોઈ એક એડ એજન્સી મારા જેટલી ઉંમરવાળી સ્ત્રીની શોધમાં છે. તેમની કોઈ જાહેરખબર માટે. મેં ઘરમાં જ પાડેલા મારાં ફોટા તેમને મોકલી આપ્યા. એ ફોટા કોઈ પ્રોફેશનલ ફોટોગ્રાફરે પાડ્યા ન હોવા છતાં હું એ જાહેરખબર માટે પસંદ થઈ. આમ, સાંઠ પછી મને જાહેરખબરની દુનિયા મળી. મારી પહેલી જાહેરખબર એક રેફ્રિજરેટરની હતી. પછી મેં કીન્ડલ, એપ્સ, ઝીવામી, જીવનવીમો અને અન્ય ઘણી જાહેરખબરો કરી. ઉપરાંત મેં ‘પા’ અને ‘ગઝની’ જેવી ફિલ્મોમાં નાનો શો રોલ પણ કર્યો હતો.

તમે આટલું વ્યસ્ત તંદુરસ્ત જીવન આજે પણ જીવો છો, તેનું રહસ્ય શું છે?

મને ચલાવનારું સૌથી મોટું ચાલકબળ છે, મારી બૌદ્ધિઝમમાં અથાગ આસ્થા. હું “મહાયાન બૌદ્ધિઝમમાં માનું છું. જે મને ખુશ અને કેન્દ્રિત રાખે છે. સામાજિક કાર્યના અંતર્ગત ઘણા યુવાનોને હું બૌદ્ધિઝમના આધારે જીવનબળ આપું છું. સમાજમાં ખાસ કરીને વૃદ્ધોને હું એટલું કહેવા માંગું છું કે: કદી હિંમત ના હારશો. તમારી મૂડી તમારી પાસે જ રાખો, તેને તમારાં સંતાનોમાં જીવતે જીવત વહેંચી આપવાની ઉતાવળ ના કરો. તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખો. તમારાં સંતાનો તમારા માટે કંઈક કરે તેવી આશા કદી ન રાખો, ઊલટ તેમને તેમની જિંદગી સેટ કરવામાં સહકાર આપો. તેમને કહો કે, તમે તમારું જોઈ લેશો, તમારી ચિંતા તેઓને જબરદસ્તી ના કરાવો. સંતાનો તેમની પોતાની મેળે ક્યારેક કંઈ આપે તો તેનો અસ્વીકાર ન કરો. તેનો પ્રેમથી સ્વીકાર કરો. તમારું પોતાનું એક મિત્રવર્તુળ બનાવો. તેમને નિયમિત મળવાનું રાખો. યાદ રાખો, કે વૃદ્ધત્વ ક્યારેય મર્યાદા નથી બનતું, દિલ જુવાન હોવું જોઈએ.

તમારા જીવનમાં તક મળે કંઈક બદલવાની, જે ના થયું તે કરવાની, તો તમે શું બદલવાનું ઈચ્છો?

આ સવાલના જવાબમાં વીણાજી જણાવે છે કે, યુવાનીમાં હું કથ્થક શીખતી હતી. તે શીખવાનું પતી ગયા બાદ સારો કથ્થક ડાન્સ કરતી. તે સમયે મને ફિલ્મોમાં કામ કરવાની ઓફર આવી હતી. પણ તે સમયે મારા પિતાજીએ મને આ કામ કરવાની સમાજની બીકે રજા ન આપી. મારા હાથમાં હોય તો હું સમય રીવર્સ કરી એ તક ઝડપી લઉં…

વીણાજીની વાતો તો તાજગીથી તરબતર કરી મૂકે છે. આશા રાખીએ કે એમના પરથી પ્રેરણા લઈને ઘણાની જિંદગી ઉત્સાહ, આનંદ અને સ્ફૂર્તિની તાજગીથી તરબોળ થઈ જાય.

સૌજન્ય-મુંબાઈ સમાચાર .કોમ